1875થી માંડીને આજ સુધી એક સુદ્રઢ યાત્રા મુત્સદ્દીગીરી સાથે ચાલી છે. આ ગાળામાં કંઈ કેટલાય પડાવ આવ્યા, કંઈ કેટલાય રાહબર આવ્યા, કંઈ કેટલાય સંકટો પણ આવ્યા તેમ છતાંય આ મુત્સદ્દીએ પોતાની જવાબદારીઓ અદા કરવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. ગઈ કાલે મને ઘણાં સમય સુધી આર.એન.આર. સાથે ગપ્પા મારવાનો મોકો મળી ગયો હતો. એકવાર શ્રીમાન ઇરાનીજી સાથે બહુ જ વિસ્તારથી વાત કરવાનો મોકો પણ મળ્યો હતો. શ્રીમાન ઇરાનીજી મારા બહુ જ કડક આલોચક-ટીકાકાર રહ્યા હતા. તેમ છતાંય તેમની સાથે વાત કરવાની બહુ જ મજા આવતી હતી. તેમની પાસે ઘણી બધી માહિતીઓ ઉપલબ્ધ રહેતી હતી. તેમના સ્વભાવમાં સહજ રીતે વિનાદવૃત્તિ અને વ્યંગ કરવાની વૃત્તિ વણાયેલી હતી. તેમની આ વ્યંગવૃત્તિને માણવાનો પણ મોકો મને મળતો રહેતો હતો.
આપણા દેશમાં એક ઉણપ છે. કદાચ શું કારણ હશે કે હોઈ શકે છે જેને કારણે તેઓ મારી બધી જ વાતો સાથે સહમત ન પણ હોઈ શકે. આપણે એક ઇતિહાસ અંગે જાગૃતતા ધરાવતા દેશ તરીકે ક્યારેય ઊભરીને બહાર આવ્યા જ નથી. તેથી જ અંગ્રેજો નાની નાની વાતને સાચવી રાખે છે તેવું આપણે ત્યાં જોવા મળતું નથી. થોડા સમય પહેલા જ હું પોર્ટુગલ ગયો હતો. ગોવા પર જ્યારે પોર્ટુગીઝો શાસન કરતા હતા ત્યારે જે કોઈ પત્રવ્યવહાર થયો હતો તે પત્રવ્યવહારની વિગતો અને કંઈ નહીં તો તેની ઝેરોક્સ નકલો આપણને મળી જાય તે માટે કેટલાય વર્ષોથી પ્રયાસ કરી રહ્યો હતો. આ સૈકાઓ જૂનો ઇતિહાસ હતો. તેમાં પત્રના માધ્યમથી તેના ઇતિહાસનો ખ્યાલ આવી રહ્યો છે. પરંતુ તે કામ થતું જ નહોતું. આ વખતે હું પોર્ટુગલના પ્રવાસે ગયો ત્યારે ભારત સરકારની તે પત્રવ્યવહારની ઝેરોક્સ નકલો આપવાની વિનંતીનો સ્વીકાર કરીને તે તમામ પત્રોની એક ઝેરોક્સ કોપી કરીને ગોવાની સરકાર માટે આપી દીધી. પત્રોનો આ સંપુટ તેના એજ સ્વરૂપમાં એક ઇતિહાસ છે. આ પત્રો ગોવાની વિકાસ યાત્રાના ઘટનાક્રમના સાક્ષીના સ્વરૂપમાં મળ્યા છે. આપણે ત્યાં તે પત્રવ્યવહારને કોઈએ સાચવ્યો નથી. આજે પણ આપણે જોઈએ તો ભારતની ઘણી બાબતો અંગે આપણને કોઈ અભ્યાસ કરવો હોય તો તે માટે આપણે ત્યાંની વ્યક્તિને કે વિદ્વાનને બ્રિટનમાં જઈને ત્યાંની લાઈબ્રેરીઓને ફંફોસવી પડે છે. તેમાંથી તેને લગતી વિગતો કાઢવી પડે છે. આ રીતે વસ્તુઓને સાચવવાની મૂળભૂત પ્રકૃતિ ભારતીયોમાં છે જ નહીં. હું સમજું છું કે આ કોઈ એક વ્યક્તિની ભક્તિ કરવાનો વિષય જ નથી હોતો. પરંતુ રાષ્ટ્રના જીવનમાં આ વ્યવસ્થાઓનું બહું જ વિશેષ મહત્વ હોય છે અને આપણે તેને ઇતિહાસની એક ઘટનાના સ્વરૂપમાં લઈને આગળ વધીએ તો આપણે ભાવિ પેઢીની બહુ જ મોટી સેવા કરી શકીએ છીએ.
હવે આ એક તસવીર યાત્રા છે. આપણા જેવા સામાન્ય માણસો માટે તો રાષ્ટ્રપતિજી એટલે આસપાસમાં ચાલી રહેલા બહુ જ મોટા ગજાના માનવીઓ ચાલી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. તેમાંય ઘણા પ્રોટોકોલ છે. રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. તમામ લોકો વિશિષ્ટ પરિસ્થિતિમાં ઊભા રહેલા હોય છે. દુનિયા આ બધું જ જુએ છે, પરંતુ તેની વચ્ચે એક જિન્દાદિલ ઇન્સાન પણ મોજુદ હોય છે. આ હકીકત ત્યારે સમજાય છે કે જ્યારે તે કોઈ ફોટો જર્નાલિસ્ટના કેમેરામાં ક્લિક થઈને કેદ થાય છે. આવતીકાલે જ્યારે આ તસવીરોને આપણે એક પુસ્તકના સ્વરૂપમાં જોઈશું ત્યારે આપણે વિચાર કરીશું કે હા, જુઓ આપણા રાષ્ટ્રપતિજી એક બાળક જેવી નિર્દોષતાથી હસે પણ છે. આ ઘટના આપણા હદયને સ્પર્શી જાય છે. વિદેશથી ભલેને ગમે તેટલા મોટા મહેમાન આવે, તેમનું કદ ભલેને ગમે તેટલું ઊંચુ ન હોય તેનો ખ્યાલ તેમની તસવીરો પરથી જ આવે છે. મારા દેશના રાષ્ટ્રપતિનો આત્મવિશ્વાસ કેટલો જબરદસ્ત છે તે જોઈને સહજ ગૌરવની લાગણી થાય છે. આ તમામ વસ્તુઓ તેમના આ પુસ્તકમાં સમાયેલી છે. તેનો અર્થ એ થયો કે પદની વ્યવસ્થાથી ઉપર જઈને પણ મારા એક રાષ્ટ્રપતિ હોય છે. તેમની અંદર પણ એક માનવીય જિંદગીની યાત્રા હોય જ છે. આ યાત્રાને આપણે જ્યારે કેમેરાની નજરે જોઈએ છીએ, ત્યારે તે એક તસવીરના સ્વરૂપમાં ઊભરી આવે છે.
જ્યારે મહાત્મા ગાંધી હયાત હતા ત્યારે ન તો આટલા કેમેરા હતા, ન તો તેમની તસવીરો લેવાની વ્યવસ્થા હતી. તેમ છતાંય તેમની બે તસવીરો જોવા મળે છે જેમાં એકમાં તેઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી રહ્યા છે અને બીજી તસવીરમાં માઈક્રો સ્કોપમાં બારીક આંખ કરીને જોઈ રહ્યા છે. તેમની આ તસવીરો જોઈએ છીએ ત્યારે અંદાજ આવે છે કે વ્યક્તિના વ્યક્તિત્વનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હોઈ શકે છે. આ બે તસવીરો ગાંધીજીને તેમના બે અલગ અલગ સ્વરૂપમાં દેખાડવાની તાકાત ધરાવે છે. એટલે કે એક પ્રકારે તો જે તસવીરકાર હોય છે તે જ્યારે તસવીર લે છે ત્યારે તે ક્ષણને તેના અદ્દલ સ્વરૂપમાં ઝડપી લે છે. આ ક્ષણ ઇતિહાસને અમરત્વ આપવાની બક્ષીસ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
ઇતિહાસને અમરત્વ આપવાનું કામ આ પ્રકારના દસ્તાવેજોમાં જ થાય છે અને આ ઘટનાઓમાં ઇતિહાસ લાવવાનો પ્રયાસ વરુણ જોશીએ કર્યો છે. સ્ટેટ્સમેનના તસવીરકારોની ટીમે તેમની આ જવાબદારીને બહુ જ સારી રીતે નિભાવી બતાવી છે. અન્યથા આજે જ્યારે ટેક્નોલોજીના માધ્યમથી એસ.એમ.એસ. - શોર્ટ મેસેજ સર્વિસની દુનિયા ચાલુ થઈ ગઈ છે ત્યારે આપ સહુએ જોયું હશે કે તેને લગતા સંખ્યાબંધ લેખો છપાઈ રહ્યા છે અને આ લેખોમાં એમ જણાવવામાં આવે છે કે તેને કારણે પત્ર લેખનની દુનિયાનો અંત આવી જશે. પત્ર લેખન તેના પોતાના સ્વરૂપમાં માનવ સંસ્કૃતિનો એક અમર વારસો જ છે. તે જ ખતમ થઈ જાય તો ભાવિ પેઢીના હાથમાં કંઈ જ આવશે નહીં. તેમને એવી પણ ખબર નહીં હોય કે 25 વર્ષ પહેલા આ પ્રકારના લેખો છપાતા હતા. તેમને પણ તે વખતે અંદાજ નહીં હોય કે ટેક્નોલોજીમાં આટલો મોટો બદલાવ આવી જશે. તેને કારણે દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ સર્જનાત્મકતા દાખવતો થઈ જશે. તે પોતાની રીતે એક લેખક બની જશે. નવી નવી ટેક્નોલોજીની મદદથી આપણા અંદરની સર્જનાત્મકતાને જન્મ આપશે અને કદાચ તે સુરક્ષિત પણ રહેશે.
એક જમાનો હતો જ્યારે ઓટોગ્રાફનું મહત્વ બહુ જ હતું. ધીરે ધીરે ઓટોગ્રાફ છોડીને ફોટોગ્રાફ તરફ આગળ વધ્યા છીએ. હવે ઓટોગ્રાફ અને ફોટોગ્રાફનું કોમ્બિનેશન સેલ્ફી આવી ગઈ છે. જુઓ બદલાવ કેવી રીતે આવી રહ્યો છે. સેલ્ફી ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ બન્નેનું કોમ્બિનેશન છે. આમ મૂળ વિચારથી બદલાઈ બદલાઈને ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. આ હકીકતમાં આ બદલાવનો આપણે અહેસાસ કરી શકીએ છીએ. રાષ્ટ્રપતિની તસવીર યાત્રાના આ ગ્રંથને જોતા મને લાગે છે કે તેમાં અખબારોના માધ્યમથી જે રાજનેતાને લોકોએ ઓળખ્યા છે. મને માફ કરજો. અહીં ઘણાં અખબારવાળાઓ મોજુદ છે. અખબારે તૈયાર કરેલા ઝરોખાના દાયરાની બહાર પણ રાજકીય જીવનમાં જીવવાવાળો કોઈ માનવ પણ હોય છે. આ રોજબરોજની દોડધામમાં અખબારો આ હકીકતને પકડી જ નથી શકતા. પરંતુ થોડા સમય પછી રિસર્ચ - સંશોધન કરીને જ્યારે હકીકત બહાર આવે છે ત્યારે લાગે છે કે રોજબરોજની જિંદગીમાં જોવા મળેલી માનવથી ઉપર પણ એક અન્ય માનવ બેઠો છે. તેથી જ તેના અંદરની સચ્ચાઈને જાણવા માટે, હું સમજું છું કે, આ ગ્રંથ પ્રણવદાને જાણવા માટે બહુ જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથ તેમની નિકટ લઈ જવાની સાથે સાથે ક્યારેક ક્યારેક તો એવો અહેસાસ કરાવે છે કે તે તેમની અંદર ઉતરવાનો પણ અવસર આપી રહ્યો છે. આ મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ હું ગુપ્તાજી અને તેમની પૂરી ટીમના ફોટોગ્રાફરોને અને તેમાંય ખાસ કરીને વરુણ જોશીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યો છું.
મારું સૌભાગ્ય છે કે આદરણીય રાષ્ટ્રપતિજી સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે. હું મારા પોતાના જીવનમાં જોઉં છું કે મને એક અવસર કટોકટીના સમયમાં મળ્યો હતો. તે વખતે હું રાજકારણમાં જ નહોતો. સામાજિક જીવન સાથે જોડાયેલો હતો, પરંતુ કટોકટીના સમયમાં જુદા જુદા પ્રકારના લોકો સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. એક બીજાથી ઉત્તર દક્ષિણે એટલે કે સામ સામા અંતિમે હોય તેવી વિચારધારાઓ વચ્ચે કામ કરવાનો અવસર મળ્યો હતો. તે વખતે મારી ઉંમર ઘણી જ નાની હતી. પરંતુ તે વખતે જીવનમાં ઘણું બધું શીખવા, સમજવા માટે લોકોને મળ્યો હતો. અમારે ત્યાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ધીરુભાઈ દેસાઈ હતા. કટોકટીના સમયમાં તેમના ઘરે આવવા અને જવાનું થતું હતું. આ જ રીતે તે ગાળામાં પ્રખર ગાંધીવાદી રવીન્દ્ર વર્માની સમાજવાદી વિચારધારા અને કોંગ્રેસમાં એવા લોકોને નજીકથી જોવાનો, સમજવાનો મને અવસર મળ્યો હતો. જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે બહુ જ નજીકથી જીવવાનો મોકો મળ્યો હતો. આ સમયગાળાના અનુભવો અને વિચારધારાઓને વરેલા લોકો સાથેના મેળમિલાપને કારણે મારી વિચારધારાને એક નક્કર સ્વરૂપ આપવામાં મોટો ફાળો આપ્યો છે. હું મુખ્યમંત્રી બન્યો, તો મને આજે એ દિવસોને હું ગર્વભેર યાદ કરી રહ્યો છું. આ તબક્કે મને કોંગ્રેસના દિગ્ગજ નેતા નવલ કિશોર શર્મા સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. હું માનું છું કે મારા જીવનનું એક બહુ જ મોટું સૌભાગ્ય એ છે કે મને પ્રણવદાની આંગળી પકડીને દિલ્હીની જિંદગીમાં પોતાની જાતને સેટ કરવાની બહુ જ મોટી સુવિધા મળી છે. આ બાબત મારા માટે બહુ જ મોટી છે.
હું એક એવો માનવ છું કે જેને હંમેશા એક ચિંતા રહે છે કે કામ જલદી પૂરું ન થાય, કામ પૂરું થઈ જશે તો સાંજે હું કરીશ શું? અમારા કાર્યાલયમાંથી કોઈને કોઈ સમાચાર લીક કરાવીને મેળવી લેવામાં આપ સહુ કુશળ જ છો. એક દિવસ અધિકારીઓની બેઠક લઈ રહ્યો હતો. કદાચ રાતના 8 કે 9 વાગ્યા હશે. નવ વાગ્યે આ મિટિંગ લગભગ પૂરી થઈ. ત્યારે મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે, લે મિટિંગ આટલી જલદી પૂરી થઈ ગઈ. ત્યારબાદ વિચાર્યું કે બાકીનો સમય કેમ વીતાવવો તે જોયું જશે. પછીથી તે અંગે વિચાર કરીશ. આ પ્રકારની જિંદગીમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રપતિ સાથેની મારી એકપણ મુલાકાત એવી નહીં હોય કે જેમાં તેમણે પિતાની માફક, હું આ વાત અંતકરણથી કરી રહ્યો છું કે, પિતા જેમ તેમના સંતાનની દેખભાળ કરે, એ જ રીતે તેઓ મને કહેતા કે, દેખો મોદીજી આધા દિન તો આરામ કરના હી પડેગા. મને પ્રણવદા કહેતા હતા કે ભાઈ આટલી બધી દોડધામ કરી રહ્યા છો, તો કેટલાક કાર્યક્રમ ઓછા કરી દો. તમારી તબિયત સંભાળો. ચૂંટણીના દિવસો હતા, ઉત્તર પ્રદેશમાં મને કહેતા હતા કે ભાઈ જીત અને હાર તો ચાલ્યા જ કરે છે. તમારા શરીરની તરફ જોશો કે નહીં જુઓ? મારી સાથે આટલી લાગણીથી વાત કરવી એ રાષ્ટ્રપતિની ફરજમાં આવતું દાયિત્વ કે જવાબદારીનો હિસ્સો નહોતો. તેમની આ વાત પાછળ એક વ્યક્તિની ચિંતા હતી. હું માનું છું કે આ વ્યક્તિત્વ, આ સન્માન, આ સ્વરૂપ રાષ્ટ્ર જીવન માટે એક બહુ જ મોટું છે. મોટા માણસો અમારા જેવાને પ્રેરણા આપવાનું કામ બહુ જ ઓછું કરતા હોય છે. પરંતુ પ્રણવદા તે કામ બહુ જ સરળતાથી કર્યું છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ આ કામ કર્યું છે તે માટે હું તેમને આદર પૂર્વક પ્રણામ કરી રહ્યો છું. તેની સાથે જ આજે વરુણ જોશીને પણ હું અભિનંદન આપવાની સાથે જ આવનારી પેઢી માટે આ અમૂલ્ય વારસો તૈયાર કરવા બદલ અભિનંદન આપી રહ્યો છું. સ્ટેટ્સમેન ગ્રુપને પણ હું અભિનંદન આપી રહ્યો છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.