ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
વિશાળ સંખ્યામાં અહીં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
મારા બધા મોકામાવાસીઓને પ્રણામ, ભગવાન શ્રી પરશુરામની પવિત્ર ભૂમિ પર સૌને મારા પ્રણામ, અમે અહીં મોકામામાં આવીને ધન્ય થઈ ગયા છીએ.
સમગ્ર દેશ દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. છઠ્ઠ પૂજાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આપ સૌને દિવાળી અને છઠ્ઠ પૂજાની મારા તરફથી આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું અને આજે આ પવિત્ર પર્વ પ્રસંગે અંદાજે આશરે પોણા ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકાસની ભેટ પણ આ બિહારની ધરતીને મળી રહી છે.
ભાઈઓ અને બહેનો, હમણાં આપણા ગડકરીજીએ ભારત સરકારે કેટલા પ્રોજેક્ટસ શરૂ કર્યા છે? અને માર્ગ બાંધકામ ક્ષેત્રે તેઓ નવા રસ્તાઓ બનાવી રહ્યા છે તેનું વર્ણન કર્યું, હું જોઈ રહ્યો હતો કે વર્ણન એટલું લાંબુ હતું અને તમે પણ હેરાન દેખાતા હતા કે, આટલા ઓછા સમયમાં બિહારનું ભાગ્ય બદલવા માટે આટલી બધી યોજનાઓ લાગુ કરી શકાય છે!! અમે આ બધુ કરી દેખાડ્યું છે.
હું નીતીશજીનો અને એમની પૂરી ટીમનો હૃદયપૂર્વક આભારી છું, કારણ કે ભારત સરકારની તમામ યોજનાઓને એમનો તમામ પ્રકારનો સહયોગ અને સમર્થન મળ્યું છે. અમારી કોઇ મુશ્કેલી હોય છે કે તેને દૂર કરવાની તેઓ ચિંતા કરતા હોય છે, અને એક પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ખભે ખભો મિલાવીને આજે બિહારના સપના પૂરા કરવા માટે તન અને મનથી લાગી પડ્યા છે. અને તેના પરિણામો પણ દેખાઇ રહ્યા છે. નીતીશજીએ ઘણાં વિષયોને સ્પર્શ્યા. તે મુખ્ય પ્રધાન તો છે જ, આટલા બધા વર્ષો સુધી સંસદ સભ્ય રહેવાને કારણે તમારા પ્રત્યેનો તેમનો લાગણીસભર નાતો રહ્યો છે. આ લાગણીસભર નાતાના કારણે એમના મનમાં એવી તડપ રહે છે કે આ થવું જોઈએ, તે થવું જોઈએ. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. હું એમની આ ભાવનાનો આદર કરૂં છું અને હું એમને વિશ્વાસ આપું છું કે ભારત સરકાર બિહારના કરોડો લોકોના સપનાં પૂરાં કરવા માટે ખભે ખભો મેળવીને તમારી સાથે ચાલશે અને વિકાસની યાત્રાને એક નવી ઉંચાઈએ લઈ જશે.
ભાઈઓ, બહેનો. આજે મને મોકામાની ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે પૂલના બાંધકામ માટે આજે શિલારોપણ વિધિ થઈ છે, હું જ્યારે અહીં આવી રહ્યો હતો ત્યારે તેમણે મને તેની ડીઝાઈન બતાવી હતી. તેનું મોડેલ બતાવ્યું હતું. મને વિશ્વાસ છે કે આ પ્રકારનો બ્રીજ અહીં પૂરા બિહાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને આ પૂલ બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. કૃષ્ણજીની કર્મભૂમિ બેગૂસરાયને રાજધાની પટનાની સાથે જોડનારો બ્રીજ છે. બેગૂસરાયમાં રિફાઈનરી, ફર્ટિલાઈઝર, થર્મલ પાવર અને બરૌની ડેરીની સ્થાપના કરીને બિહારને ઔદ્યોગિક રાજધાની બનાવનારા આવા શ્રી બાબુને પણ હું આજે આદર પૂર્વક નમન કરૂં છું.
આજે હું એ ધરતી પર આવ્યો છું કે જ્યાંથી થોડા સો મીટરના અંતરે તે તિર્થધામ છે. શિક્ષણનું એ એવું ક્ષેત્ર છે કે જેણે રાષ્ટ્ર કવિ દિનકરજીના બાળપણમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું અને જ્યારે જ્યારે દિનકરજીની યાદ આવે છે ત્યારે તેમની ભાવનાઓ આજે પણ અમને પ્રેરણા પૂરી પાડી રહી છે. અંધશ્રધ્ધાથી મુક્તિનો માર્ગ બતાવી રહી છે. દલિત, પીડિત, શોષિત, ગરીબ, વંચિત…. ગામ હોય, ખેડૂત હોય, મજૂર હોય, આ બધા પ્રત્યે એક આદરની ભાવના પેદા કરવાનું કામ દિનકરજીના ભાવનાની અભિવ્યક્તિમાં અનુભવાય છે. જે ધરતી પર દિનકરજી ઉછર્યા અને મોટા થયા તથા તેમનું જન્મ સ્થાન પણ નજીક જ છે. દિનકરજીએ કહ્યું હતું કે
‘‘आरती लिये तो किसे ढूंढता है मूर्ख, मंदिरों, राज प्रसादों में, तहखानों में,
अरे देवता कहीं सड़कों पर गिट्टी तोड़ रहे अरे देवता मिलेंगे, खेतों में खिलहानों में’’।।
આજે જે રસ્તાઓના બાંધકામનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. અહિંયા એ જ ભગવાન કે જે પત્થરો તોડે છે, તે અમારા ભાગ્યનું નિર્માણ કરવાનો છે. ભારત સરકાર દિનકરજીના એ સપનાં પૂરા કરવા માટે એક મહત્વનું કદમ ભરી રહી છે.
ભાઈઓ, બહેનો, આ જગ્યા ભગવાન પરશુરામની તપોભૂમિ પણ છે. પ્રાચીન કાળમાં ત્રણ મહા જનપદ અંગ, મગધ અને મિથિલાના સંગમ સ્થાન પર આવેલા મા ગંગાના પવિત્ર સિમરિયા કાંઠાના ગૌરવશાળી ઈતિહાસને કોણ ભૂલી શકે તેમ નથી, આ મંચ ઉપરથી મને આ પવિત્ર સિમરિયા કાંઠાને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું છે એને હું શ્રધ્ધાપૂર્વક નમન કરૂં છું. આ એ ધરતી છે કે જે વીર શિરોમણી બાબા ચોહરમલ, જેમના નામ પર અહીંથી થોડાક જ અંતરે દર વર્ષે મેળો ભરાય છે અને લોકો ઉમટી પડે છે એ પવિત્ર ભૂમિને પણ હું નમન કરૂં છું.
બિહારના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. મારી જ્યાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં મને લોકો જ લોકો દેખાઇ રહ્યા છે. જેટલા લોકોને આ મંડપમાં જગા મળી છે તેનાથી બે ગણા- ત્રણ ગણા લોકો બહાર ઉભા રહ્યા છે. આ બધા લોકો ગરમીમાં તપી રહ્યા છે. એટલા લાંબા સમયથી તપી રહ્યા છે, એટલું કષ્ટ ભોગવીને પણ આજે અમને સૌને આશિર્વાદ આપવા માટે આપ આવ્યા છો, હું આપ સૌને પણ નમન કરૂં છું. તમને અભિનંદન પાઠવું છું. પરંતુ મારા વ્હાલા બિહારવાસીઓ આજે અહીં જે તપ કરી રહ્યા છો, તાપમાં તપી રહ્યા છો, આપ સૌને હું ખાત્રી આપું છું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર તમારી આ તપસ્યાને ક્યારેય પણ બેકાર જવા નહીં દે.
આપણાં દેશમાં એવા પણ લોકો થઈ ગયા છે, જેમની વિચારધારા દેશને પાછળ લઈ જવાનું કારણ પણ રહી હતી. જો કોઈ સારા રસ્તા બનાવવાની વાત કરે તો મેં એવા નેતાઓ વિશે પણ છાપાઓમાં વાંચ્યું છે કે, તે કહેતા હતા, રસ્તાની શું જરૂર છે? રસ્તા તો મોટરકાર વાળા લોકોને જ જોઈએ. આપણા સૌ ગરીબ લોકો પાસે ગાડી ક્યાં છે, આપણને રોડની શું જરૂર છે, સડકની શું જરૂર છે. આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ દેશને જેટલું નુકશાન પહોંચાડ્યું છે તેની કદાચ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. આજે કોઈપણ ગામમાં જાવ તો જો સડક નહીં હોય તો….. મને સંસદ સભ્યો પણ મળવા માટે આવે છે અને તે કહેતા હોય છે કે સાહેબ, મારા વિસ્તારમાં હજુ કેટલાક ગામડાંમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બાકી રહી ગઈ છે. આ વખતે અમારે ત્યાં પ્રાથમિકતા આપો. ગામના નાગરિકો જ્યારે પણ મળે છે ત્યારે તેમની માંગણી રહેતી હોય છે કે અમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આપો. ભાઈઓ અને બહેનો, છેલ્લા ત્રણ વર્ષમાં અમે બજેટમાં એટલો બધો વધારો કર્યો છે અને આ કામમાં એટલી ઝડપ લાવવામાં આવી છે કે અગાઉ એક દિવસમાં જેટલા રોડ બનતા હતા, આજે તેના કરતાં બમણાં રોડ બનાવવામાં અમે સફળ થયા છીએ. ગામડાંઓના જીવન પરિવર્તન માટે આ કામ થઈ રહ્યું છે, પરંતુ માત્ર ગ્રામીણ સડક પૂરતી નથી. આપણાં મોટા મોટા આર્થિક કેન્દ્રો હોય છે તેમને ગ્રોથ સેન્ટર કહેવામાં આવે છે. ત્યાં અર્થતંત્રને ગતિ મળે છે અને તેને પણ અંદરના વિસ્તારો સાથે રોડ કનેક્ટીવિટીથી જોડાવા જરૂરી છે.
આજે જે હજારો, કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ થયો છે તે માત્ર તેની ઉપર ગાડીઓ દોડાવવા માટે થયો નથી. આ સડકનું બાંધકામ અહીંના આર્થિક જીવનમાં પરિવર્તન લાવવા માટે થયું છે. અહિંયા આ રોડ પરથી સમૃદ્ધિને ખેંચી લાવવાનો અમારો પ્રયાસ છે. રસ્તાઓ જ હોય છે, જે સમૃધ્ધિને ખેંચી લાવે છે અને સમૃધ્ધ વિસ્તાર ઉભો કરવામાં યોગદાન આપે છે.
ભાઈઓ, બહેનો. ગંગા આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે. આજે જો મા ગંગા ન હોત તો આપણાં પૂરા ભૌગોલિક પ્રદેશમાં સ્થિતિ કેટલી ભયંકર હોત, પરંતુ ક્યારેય આ ગંગાને બચાવવા માટે આપણે પ્રયાસ કર્યો નથી. આપણે ઉદાસીન વલણ દાખવ્યું છે. ગંગાને બચાવવાથી આપણી ભાવિ પેઢીઓને પણ બચાવી શકાશે. ગંગાને નિર્મળ બનાવીશું તો, ગંગાને અવિરલ કરવાથી કોઈ રોકી શકશે નહીં અને આટલા માટે સરકાર અબજો રૂપિયાનો ખર્ચ કરીને સફાઈ કરી રહી છે. આ કોઇ એક નદીનું નામ નથી, પણ નદીઓ પ્રત્યેનો ફરી એક વખત શ્રધ્ધા ભાવ જાગૃત થઈ રહ્યો છે. નદીઓને બચાવવાની પહેલ શરૂ થશે. ભારતની તમામ નદીઓ તરફ જાગૃતિ દર્શાવવામાં આવશે. ભારતને ભવિષ્યના પાણીના સંકટથી જો બચાવવું હશે તો આ જ એક માર્ગ છે, જેને આપણે ગંભીરતાપૂર્વક લેવાનો છે. અને એટલા માટે જ ગંગા સફાઈ અભિયાનની જે ઝૂંબેશ ચાલી રહી છે તે ગંગોત્રીથી શરૂ કરીને બંગાળના સાગર સુધી જે પણ રાજ્યો તેની સાથે જોડાયેલા છે તેમના અલગ અલગ ભાગ કરીને ગંગા ગંદી ન થાય તે માટે સૌ પ્રથમ અગ્રતા આપીને એની પર કામ કરશે. ગંગામાં આવનારા ગંદા પાણીને, રસાયણ ધરાવતા પાણીને રોકવાની દિશામાં પણ ઝૂંબેશ ચાલી રહી છે. આજે બિહારમાં એક સાથે અનેક પ્રકારની આવી યોજનાઓનો પણ શિલાન્યાસ થઈ રહ્યો છે. જે આવનારા દિવસોમાં માં ગંગા તરફ આપણે જેવો શ્રધ્ધાભાવ દાખવીએ છીએ તે સ્વરૂપે જોવા મળશે. જ્યારે પણ માં ગંગા આપણાં સપનાઓને અનુરૂપ હશે ત્યારે છઠ્ઠ પૂજાનો આનંદ પણ કંઈક અનેરો હશે. તે ભક્તિનો ભાવ પણ ખૂબ જ અનેરો હશે.
ભાઈઓ અને બહેનો, વિતેલા દિવસોમાં ભારતના રેલવે મંત્રાલયે પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો માટે એક મહત્વની ટ્રેન શરૂ કરી છે, જેનો લાભ આ દિવાળી પ્રસંગે છઠ્ઠ પૂજા દરમ્યાન ભરપૂર મળવાનો છે. મુંબઈથી ગોરખપુરની ટ્રેન અંત્યોદય એક્સપ્રેસ, દેશની પ્રથમ અંત્યોદય એક્સપ્રેસ બની રહેશે. હમણાં એક સપ્તાહ અગાઉ સુરતથી પટના-જયનગર સુધીની બીજી અંત્યોદય એક્સપ્રેસને પણ મેં ત્યાંથી લીલીઝંડી આપી છે. રિઝર્વેશન વગરની આ ટ્રેનમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ છેલ્લી ક્ષણે દોડીને પણ ટ્રેનમાં બેસી શકે અને પોતાના ઘરે જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહામના એક્સપ્રેસ વડોદરાથી બનારસ સુધી શરૂ કરવામાં આવી છે. સુરતમાં કામ કરનારા લોકો, વડોદરામાં કામ કરનારા લોકો, અંકલેશ્વરમાં કામ કરનારા લોકો તથા મહારાષ્ટ્રમાં કામ કરનારા લોકો દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોમાં પોતાના ઘરે આરામથી પહોંચી શકે એટલા માટે ખૂબ ઝડપ કરીને આ દિવસોમાં મહત્વની આ 4 ટ્રેન બિહાર અને પૂર્વ ઉત્તરપ્રદેશને જોડવાનું કામ સરકારે કર્યું છે, જેનો લાભ દિવાળીમાં અને છઠ્ઠ પૂજામાં તમને જરૂરથી મળવાનો છે.
ભાઈઓ અને બહેનો, હમણાં આપણા નિતીશજી મને જણાવી રહ્યા છે કે આપણાં ગડકરીજીએ જે પ્રકારનું બીડુ ઝડપ્યું છે તેવું કદાચ તમારી સામે દેશ આઝાદ થયા પછી આટલા ઓછા સમયમાં માળખાગત સુવિધાઓનું આટલુ મોટુ કામ બિહારની ધરતી પર ક્યારેય પણ નહીં થયું હોય. માત્ર રોજના કામની જ વાત કરીએ તો હમણાં નિતીનજી જણાવી રહ્યા હતા કે 53 હજાર કરોડ રૂપિયાના કામ કાં તો મંજૂર થઈ ગયા છે અથવા તો શરૂ થઈ ગયા છે. તમે કલ્પના કરી શકો છો કે આવી મૂળભૂત માળખાગત સુવિધાઓ કેટલું મોટું પરિણામ આપશે તેનો અંદાજ તમે બાંધી શકો તેમ છો.
એ બાબત આપણે સારી રીતે જાણીએ છીએ કે આવનારા સમયમાં કનેક્ટીવિટી વગર વિકાસ થઇ શકશે નહીં. રોડની કનેક્ટીવિટી જોઈએ, રેલવેની કનેક્ટીવિટી જોઈએ, ઈન્ટરનેટની કનેક્ટીવિટી જોઈએ, ગેસ ગ્રીડ જોઈએ, વિજળીના જોડાણો જોઈએ, શુધ્ધ પાણીની પાઈપ લાઈનો જોઈ. આ બધી કનેક્ટીવિટી છે અને ગરીબ સાથે જોડાયેલા વિષયો છે. અમારા ગડકરીજીના નેતૃત્વ હેઠળ જળ માર્ગોનું અભિયાન પણ ચાલી રહ્યું છે. એક વખત જો આપણે જળ માર્ગોને સફળતાપૂર્વક આગળ ધપાવીશું તો, તમે જુઓ છો કે નદીનું મહત્વ જે પણ આર્થિક વિષયો સાથે જોડાયેલું છે, લોકોનો નદીઓ સાથે જોડાવાનો શ્રધ્ધાભાવ છે તે લોકો આગળ વધ્યા વગર રહી શકશે નહીં. જળ માર્ગોને કારણે દેશના આર્થિક ક્ષેત્રમાં આવું મોટુ પરિવર્તન આવશે કે માલની હેરફેરની વ્યવસ્થા ઓછામાં ઓછા ખર્ચે થશે. ગરીબને સસ્તામાં સસ્તી ચીજો ઉપલબ્ધ કરવાનું કામ પણ મા ના કાંઠા ઉપર જળમાર્ગ દ્વારા શક્ય બનવાનું છે. જે જમાનામાં અંગ્રેજો જળમાર્ગોનો ઉપયોગ કરતા હતા તે કામ આપણા મોકામાના લઘુ જળમાર્ગ દ્વારા શક્ય બનવાનું છે. એક મોટુ આર્થિક અને પરિવહનની ગતિનું કેન્દ્ર બની રહ્યું હતું તેવી પ્રસિધ્ધિ ફરીથી પ્રાપ્ત થવાની છે અને ભારત સરકારે એ માટે બીડુ ઝડપ્યું છે અને હું તમને વિશ્વાસ આપું છું કે આપણે એ પ્રસિધ્ધિ ફરીથી પાછી લાવીશું. 18,000 ગામડાં એવા હતા કે જ્યાં એ ગામોમાં વિજળી નહોતી. આવા ગામોમાં વિજળી પહોંચાડવાની એક મોટી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. 1000 દિવસમાં આ કામ પૂરૂ કરવાનું સપનું લઈને અમે આગળ વધી રહ્યા છીએ. હવે થોડાક જ મહિના બાકી છે, લગભગ 15,000 થી વધુ ગામડાંમાં હમણાં જ વિજળી પહોંચાડી શકાઈ છે. પરંતુ તેની સાથે અમે ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ અમલમાં મૂકી છે. આ ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ માટે હું બિહારને આગ્રહ કરૂં છું કે તમે આ યોજનાનો ભરપૂર લાભ ઉઠાવો. ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ એવી છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને જેના પણ ઘેર વિજળીનું જોડાણ નહીં હોય, ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને વિજળીનું જોડાણ આપશે. ઝૂંપડપટ્ટીઓ હશે તો પણ તેમના ઘરમાં બલ્બ સળગશે. અગાઉ કોઈ વિજળી માંગતું હતું તો સરકાર કહેતી હતી કે ત્યાં સામે જે થાંભલો છે તે થાંભલેથી અહીં આવવા માટે વધુ 10 થાંભલા લગાવવા પડશે. આટલા તાર લગાવવા પડશે અને તેનો લગભગ રૂ. 30 હજાર ખર્ચ થશે. જો તમે 30 હજાર આપશો તો વિજળીનું જોડાણ મળશે. આથી નીચલા મધ્યમ વર્ગનો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ કહેતો કે ભાઈ, મારે વિજળી નથી જોઈતી. હું 30 હજાર આપી શકું તેમ નથી. લોકો વિજળી લેતા નહોતા.
ભાઈઓ – બહેનો, અમે નક્કી કર્યું છે કે હવે ભારતનું કોઈપણ કુટુંબ 18મી સદીના અંધારામાં જીવવા માટે મજબૂર બનશે નહીં. મફતમાં જોડાણ આપવામાં આવશે. થાંભલા ઉભા કરવાના હશે તો સરકાર કરશે. તાર જોડવાના હશે તો સરકાર જોડશે અને ઘર સુધી વિજળી પહોંચાડવામાં આવશે. પ્રથમ જે કનેક્શન આપવામાં આવશે તે મફતમાં આપવામાં આવશે, કારણ કે તેના ઘરમાં બાળકોના શિક્ષણ માટે તે વિચાર કરે. જીવવાના નવા પ્રકાર અંગે વિચાર કરે અને પરિવર્તનની દિશામાં આગળ વધે.
ભાઈઓ – બહેનો, સરકારની આ એક વિશેષતા છે એ છે કે અમારી ટીકા કરનારા લોકોને પણ આ બાબતનો સ્વિકાર કરવો પડ્યો છે. અગાઉ સરકારોને એવી આદત રહેતી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી. પછીથી લોકોએ યોજનાઓ ભૂલી જવી પડતી હતી. આજે દિલ્હીમાં આપણી એવી સરકાર ચાલી રહી છે કે અમે જે યોજનાઓની કલ્પના કરીએ છીએ તેનો રોડ મેપ પણ અમે તૈયાર કરીએ છીએ. અમારી નજર સામે જ ચોક્કસ સમય મર્યાદામાં એ યોજનાઓ શરૂ કરવા માટે સરકાર તન મનથી લાગી જાય છે. સાધનો એકઠા કરવા લાગે છે. તમે જોયું હશે કે ગરીબ પરિવારોને ગેસના જોડાણો મળે છે. આજે દેશમાં 3 કરોડથી વધુ લોકોને, ગરીબમાં ગરીબ પરિવારોને ગેસના સિલિન્ડર મળી ગયા છે. એ લોકો ગેસના ચૂલાથી રોટી બનાવતા થયા છે. આવનારા બે વર્ષમાં વધુ બે કરોડ પરિવારોને ગેસનું જોડાણ આપવાનું અમારૂં સપનું છે. આ સપનું પણ અમે ચોક્કસ સમય મર્યાદામાં પૂરૂ કરીને જ જંપીશું અને ગરીબના જીવનમાં પરિવર્તન લાવીશું.
અમે જે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને આગળ વધી રહ્યા છીએ. આ અભિયાન પાછળ મારા મનમાં મારી ગરીબ માતાઓ અને બહેનો છે. હું દરેક વ્યક્તિને કહીશ કે, સરકારમાં બેઠેલા અધિકારીઓને પણ કહેવાનું પસંદ કરીશ કે, ભણેલા ગણેલા યુવાનોને પણ કહેવાનું પસંદ કરીશ કે આર્થિક રીતે સમૃધ્ધ પરિવારોને કહેવાનું પસંદ કરીશ કે તમે એક ક્ષણ માટે વિચાર કરો, માં બહેનો માટે પણ વિચારો છો, જે ગામડાંમાં રહે છે, શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને એને ખૂલ્લામાં શૌચ કરવા જવા માટે મજબૂર થવું પડે છે. એમની પાસે શૌચાલય નથી તો શું કરે ? સૂરજ ઉગતા પહેલા અંધારામાં ઘરની બહાર જઈને પોતાની પ્રાતઃ વિધિ પૂરી કરીને સૂરજ ઉગે તે પહેલાં ઘરે પાછી આવી જાય છે. અને એક વાર સૂરજ ઉગી ગયો અને જો દિવસ દરમ્યાન તેમની જવાની જરૂરિયાત ઉભી થઈ તો રાત્રે સૂરજ ડૂબે ત્યાં સુધી પ્રતિક્ષા કરવી પડે છે અને જ્યારે અંધારૂ થાય છે ત્યાં સુધી શરીરને પીડા આપે છે અને પીડા સહન કરતાં કરતાં તે શૌચ માટે જાય છે. મારી આ ગરીબ મા-બહેનોની તબિયત પણ આવી સ્થિતિની કેવી ખરાબ અસર થતી હશે ? આપણી મા-બહેનોની હાલત કેવી થતી હશે ? આટલા માટે જ હું ખાસ કરીને ભારતના તમામ રાજ્યોને આગ્રહ કરૂં છું કે જો આપણા દિલમાં આપણી મા-બહેનો, બેટીઓ માટે ઈજ્જત હોય તો તેમની તબિયતની ચિંતા કરવી એ આપણી જવાબદારી બની રહે છે. આથી આપણે શૌચાલય બનાવવામાં કોઈ બેદરકારી દાખવવી જોઈએ નહીં. આ યોજનાને ઈમાનદારી પૂર્વક આગળ વધારવાનો પૂરતો પ્રયાસ કરવો જોઈએ.
આજે દેશમાં પાંચ કરોડ પરિવારોને શૌચાલય સાથે જોડવામાં આવ્યા છે. દેશમાં જ્યાં 50 ટકા કરતાં પણ ઓછી સ્વચ્છતાની વ્યવસ્થા હતી ત્યાંરે આજે તેને લગભગ 80 ટકાથી વધારે પહોંચાડવામાં અમે સફળ થયા છીએ. પરંતુ અમારે તેને વધુ આગળ વધારવી છે અને આટલા માટે હું ખાસ કરીને મારા બિહારવાસીઓને આગ્રહ કરૂં છું કે તમે એક જવાબદારી સંભાળો, તમારા પોતાના ગામની જવાબદારી લો. આજે દેશમાં આપણે અઢી લાખ ગામડાંઓને જાહેરમાં શૌચ કરવાથી મુક્ત કરાવી શક્યા છીએ. હું બિહારને આમંત્રણ આપું છું કે તમે પણ તમારા ગામને જાહેરમાં શૌચથી મુક્ત કરો. આગામી થોડા દિવસોમાં, જે ધરતી પર મહાત્મા ગાંધીએ ચંપારણનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો, જે ધરતી પરથી મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો, જે ધરતી પરથી મહાત્મા ગાંધીએ સ્વાવલંબન કરવાનો પુરૂષાર્થ બતાવ્યો હતો એવી ધરતી ઉપર દેશ આજે તમારી પાસે અપેક્ષા રાખી રહ્યો. તમે એમાં પણ આગેવાની લો અને બિહારને નવી ઉંચાઈએ પહોંચાડો અને જન સમર્થન વગર આ બધુ શક્ય બનવાનું નથી. માત્ર સરકારી ખજાનાથી જ આ બધા કામો થતા નથી. જ્યારે જનતા જનાર્દન નક્કી કરી લે છે ત્યારે કામ આપમેળે થઈ જતા હોય છે. અને એટલા માટે જ હું તમને આમંત્રણ આપી રહ્યો છું.
મારા ભાઈઓ અને બહેનો, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવીને મને આશિર્વાદ આપ્યા છે. હું વધુ એક વાર તમારો આભાર માનું છુ અને તેમને વિશ્વાસ આપું છું કે ભારત સરકાર પૂર્વ ભારતના વિકાસ માટે કટિબધ્ધ છે. આપણે વિકાસના જે મોડલને લઈને આગળ વધી રહ્યા છીએ તેમાં પૂર્વ ઉત્તરપ્રદેશ હોય, બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, ઓડીશા હોય. ઉત્તર-પૂર્વ હોય. આ તમામ વિસ્તારો હવે નવી ઉંચાઈઓ વટાવી જવાના છે. તમારે ત્યાં ફર્ટિલાઈઝરના કારખાનાઓને આગળ વધારવાની દિશામાં અમે કામ શરૂ કર્યું છે. એનુ પરિણામ મારા ખેડૂતોને પણ મળવાનું છે.
અને વિકાસની આ યાત્રામાં તમે સૌ જોડાઓ તેવી અપેક્ષાની સાથે તમે સૌ પૂરી તાકાતથી બોલો.
ભારત માતા કી… જય,
ભારત માતા કી… જય,
ભારત માતા કી… જય,
ખૂબ ખૂબ આભાર.