મંત્રીમંડળના મારા સહયોગી શ્રી થાવરચંદ ગેહલોતજી, શ્રી વિજય સાંપલાજી, શ્રી રામદાસ અઠાવલેજી, શ્રી કૃષ્ણ પાલજી, શ્રી વિજય ગોયલજી, સામાજિક ન્યાય અને અધિકારીતા સચિવ શ્રી લતા કૃષ્ણ રાવજી અને ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવ, ભાઈઓ અને બહેનો,
એ મારું સૌભાગ્ય છે કે મને ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર (ડીએઆઈસી)ને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે.
મારા માટે બેવડી ખુશીની વાત એ પણ છે કે આ ઇન્ટરનેશનલ સેન્ટરના શિલાન્યાસનો અવસર પણ એપ્રિલ 2015માં મને જ આપવામાં આવ્યો હતો. ખુબ જ ઓછા સમયમાં, અને પોતાના નિર્ધારિત સમય કરતા પણ પહેલા આ ભવ્ય ઇન્ટરનેશનલ સેન્ટર તૈયાર થયું છે. હું આ સેન્ટરના નિર્માણ સાથે જોડાયેલા દરેક વિભાગને ખુબ ખુબ અભિનંદન આપું છું.
મને પૂરી આશા છે કે આ સેન્ટર બાબાસાહેબની શિક્ષાઓ, તેમના વિચારોના પ્રસાર માટે એક મોટા પ્રેરણા સ્થળની ભૂમિકા નિભાવશે. ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં જ “ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશ્યો ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન”નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સેન્ટર સામાજિક અને આર્થિક વિષયો પર રીસર્ચનું પણ એક મહત્વનું કેન્દ્ર બનશે.
“સૌનો સાથ, સૌનો વિકાસ”, જેને કેટલાક લોકો સંકલિત વિકાસ કહે છે, આ મંત્ર ઉપર ચાલીને કઈ રીતે આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર વિચારવામાં આવે, આ કેન્દ્રમાં એક થીંક ટેંકની જેમ આની પર પણ મંથન કરવામાં આવશે.
અને મને લાગે છે કે નવી પેઢી માટે આ કેન્દ્ર એક વરદાનની જેમ આવ્યું છે, જ્યાં આગળ આવીને તેઓ બાબાસાહેબના વિઝનને જોઈ શકે છે, સમજી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં સમય સમય પર એવી મહાન આત્માઓ જન્મ લેતી રહી છે, જે માત્ર સામાજિક સુધારનો જ ચેહરો નથી બનતા પરંતુ તેમના વિચાર દેશના ભવિષ્યને બાંધે છે, દેશના વિચારોનું ગઠન કરે છે. એ પણ બાબાસાહેબની અદ્ભુત શક્તિ હતી કે તેમના ગયા પછી, ભલે વર્ષો સુધી તેમના વિચારોને દબાવવાની કોશિશ થઇ, રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને નાબુદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ બાબાસાહેબના વિચારોને આવા લોકો ભારતીય જનમાનસના ચિંતનથી દુર કરી ના શક્યા.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.81992800_1512635263_684-3-pm-narendra-modi-inaugurates-dr-ambedkar-international-centre-in-new-delhi-11.jpg)
જો હું એમ કહું કે જે પરિવારની માટે આ બધું કરવામાં આવ્યું તે પરિવારથી વધારે લોકો આજે બાબાસાહેબથી પ્રભાવિત છે, તો મારી આ વાત ખોટી નથી. બાબાસાહેબનું રાષ્ટ્ર નિર્માણમાં જે યોગદાન છે, તેના કારણે આપણે સૌ બાબાસાહેબના ઋણી છીએ. અમારી સરકારનો એ પ્રયાસ છે કે વધુમાં વધુ લોકો સુધી તેમના વિચારો પહોંચે. ખાસ કરીને યુવા પેઢી તેમના વિશે જાણે, તેનું અધ્યયન કરે.
અને એટલા માટે આ સરકાર દ્વારા બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળોને તીર્થના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના અલીપુરમાં જે ઘરમાં બાબાસાહેબનું નિધન થયું, ત્યાં ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે મધ્ય પ્રદેશના મ્હોમાં, જ્યાં બાબાસાહેબનો જન્મ થયો હતો તેને પણ તીર્થના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. લંડનના જે ઘરમાં બાબાસાહેબ રહેતા હતા તેને પણ ખરીદીને મહારાષ્ટ્રની બીજેપી સરકાર એક મેમોરિયલના રૂપમાં વિકસિત કરી રહી છે. એ જ રીતે મુંબઈમાં ઇન્દુ મિલનની જમીન ઉપર આંબેડકર સ્મારકનું નિર્માણ થઇ રહ્યું છે. નાગપુરમાં દીક્ષા ભૂમિને પણ વિકસિત કરવામાં આવી રહી છે. આ પંચતીર્થ એક રીતે બાબાસાહેબને આજની પેઢી તરફથી શ્રદ્ધાંજલિ છે.
આમ તો ગયા વર્ષે વર્ચ્યુઅલ દુનિયામાં એક છઠ્ઠું તીર્થ પણ નિર્માણ પામ્યું છે. આ તીર્થ દેશને ડીજીટલ રૂપે ઉર્જા આપી રહ્યું છે, સશક્ત કરી રહ્યું છે. ગયા વર્ષે શરુ કરવામાં આવેલ ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ એપ બાબાસાહેબના આર્થિક વિઝનને આ સરકારની શ્રદ્ધાંજલિ હતી. ભીમ એપ ગરીબો, દલિતો, પછાતો, શોષિતો, વંચિતો માટે એક વરદાન બનીને આવી છે.
ભાઈઓ અને બહેનો, બાબાસાહેબે પોતાના જીવનમાં જે સંઘર્ષો કર્યા, તેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ તેમનું જીવન સંઘર્ષની સાથે જ આશાઓની પ્રેરણાથી પણ ભરાયેલું છે. હતાશા નિરાશાથી ઘણું દુર, એક એવા ભારતનું સપનું જે પોતાની આંતરિક બદીઓને ખતમ કરીને સૌને સાથે લઈને ચાલશે. બંધારણ સભાની પ્રથમ બેઠકના અમુક દિવસો પછી જ 17 ડિસેમ્બર, 1946ના રોજ તેમણે તે જ સભાની બેઠકમાં કહ્યું હતું અને હું તેમના શબ્દો કહી રહ્યો છું;
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.77832300_1512635296_684-1-pm-narendra-modi-inaugurates-dr-ambedkar-international-centre-in-new-delhi-3.jpg)
“આ દેશનો સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસ આજે નહી તો કાલે થશે જ. યોગ્ય સમય અને પરિસ્થિતિ આવતા જ આ વિશાળ દેશ એક થયા વગર નહી રહે. દુનિયાની કોઈપણ તાકાત તેની એકતાની આડે નથી આવી શકતી.
આ દેશમાં એટલા પંથ અને જાતિઓ હોવા છતાં પણ કોઈ ને કોઈ રીતે આપણે સૌ એક બની જઈશું એ વિષે મારા મનમાં જરા પણ શંકા નથી.
આપણે આપણા આચરણ દ્વારા એ બતાવી દઈશું કે દેશના તમામ એકમોને પોતાની સાથે લઈને એકતાના માર્ગ પર આગળ વધવાની આપણી પાસે જે શક્તિ છે, તે જ પ્રકારની બુદ્ધિમત્તા પણ છે.”
આ બધા જ શબ્દો બાબાસાહેબ આંબેડકરના છે, કેટલો આત્મવિશ્વાસ! નિરાશાનું નામોનિશાન નહી! દેશની સામાજિક બદીઓનો જે વ્યક્તિએ જીવન પર્યંત સામનો કર્યો હોય, તે દેશને લઈને કેટલી આશાઓથી ભરેલો હતો.
ભાઈઓ અને બહેનો, આપણે એ સ્વીકારવું પડશે કે બંધારણના નિર્માણથી લઈને સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ આપણે બાબાસાહેબની તે આશાઓને, તે સપનાને, પૂરું નથી કરી શક્યા. કેટલાક લોકો માટે અનેક વાર જન્મના સમયે મળેલી જાતિ, જન્મના સમયે મળેલી ભૂમિથી વધારે મહત્વપૂર્ણ થઇ જતી હોય છે. હું માનું છું કે આજની નવી પેઢીમાં તે ક્ષમતા છે, તે યોગ્યતા છે, જે આ સામાજિક બદીઓને ખતમ કરી શકે છે. ખાસ કરીને પાછલા 15-20 વર્ષોમાં જે બદલાવ હું જોઈ રહ્યો છું, તેનું સંપૂર્ણ શ્રેય નવી પેઢીને જ આપવાનું હું પસંદ કરીશ. તે સારી રીતે સમજે છે કે દેશને જાતિના નામ પર કોણ વિભાજીત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તે સારી રીતે સમજે છે કે દેશ જાતિના નામ પર અલગ અલગ થઈને તે ગતિએ આગળ નહી વધી શકે જે ગતિએ ભારતે આગળ વધવું જોઈએ. એટલા માટે જ્યારે હું “ન્યુ ઇન્ડિયા”ને જાતિઓના બંધનથી મુક્ત કરવાની વાત કરું છું, તો તેની પાછળ યુવાનો ઉપર મારો અતુટ ભરોસો હોય છે. આજની યુવાશક્તિ બાબાસાહેબના સપનાઓને પુરા કરવાની ઉર્જા ધરાવે છે.
સાથીઓ, 1950માં જ્યારે દેશ ગણતંત્ર બન્યો, ત્યારે બાબાસાહેબે કહ્યું હતું અને હું તેમના જ શબ્દોને દોહરાવું છું –
“આપણે માત્ર રાજનૈતિક લોકતંત્રથી જ સંતુષ્ટ ના થવું જોઈએ. આપણે આપણા રાજનૈતિક લોકતંત્રને સામાજિક લોકતંત્ર પણ બનાવવાનું છે. રાજનૈતિક લોકતંત્ર ત્યાં સુધી નહી ટકી શકે જાય સુધી તેનો આધાર સામાજિક લોકતંત્ર ના હોય.”
આ સામાજિક લોકતંત્ર દરેક ભારતીય માટે સ્વતંત્રતા અને સમાનતાનો જ મંત્ર હતો. સમાનતા માત્ર અધિકારની જ નહી, પરંતુ સમાન સ્તર પર જીવન જીવવાની પણ સમાનતા. સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ આપણા દેશમાં એવી સ્થિતિ રહી છે કે લાખો કરોડો લોકોના જીવનમાં આવી સમાનતા નથી આવી. ખુબ મૂળભૂત વસ્તુઓ, વીજળીના જોડાણ, પાણીના જોડાણ, એક નાનકડું ઘર, જીવન વીમો, તેમના માટે જીવનના ઘણા મોટા પડકારો બનેલા રહ્યા.
જો તમે અમારી સરકારની કામ કરવાની રીતને જોશો, અમારી કાર્ય સંસ્કૃતિને જોશો, તો પાછલા ત્રણ સાડા ત્રણ વર્ષોમાં અમે બાબાસાહેબના સામાજિક લોકતંત્રના સપનાને જ પૂરું કરવાનો પ્રયાસ કર્યો છે. આ સરકારની યોજનાઓ, સામાજિક લોકતંત્રને મજબુત કરનારી રહી છે. જે રીતે જનધન યોજનાની જ વાત કરીએ. આ યોજનાએ દેશના કરોડો ગરીબોને બેન્કિંગ સીસ્ટમ સાથે જોડાવાનો અધિકાર આપ્યો. આવા લોકોની શ્રેણીમાં લાવીને ઉભા કરી દીધા જેમની પાસે પોતાના બેંક એકાઉન્ટ હોય છે, જેમની પાસે ડેબીટ કાર્ડ હોય છે.
આ યોજનાના માધ્યમથી સરકાર 30 કરોડથી વધુ ગરીબોના બેંક ખાતા ખોલાવી ચુકી છે. 23 કરોડથી વધુ લોકોને રૂપે ડેબીટ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. હવે ગરીબમાં પણ તે સમાનતાનો ભાવ આવ્યો છે, તે પણ એટીએમની તે જ લાઈનમાં ઉભો રહીને રૂપે ડેબીટ કાર્ડથી પૈસા કાઢે છે, જે લાઈનને જોઇને તે બીતો હતો, જેમાં ઉભા રહેવાનું તે વિચારી પણ નહોતો શકતો.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.99698100_1512635325_684-4-pm-narendra-modi-inaugurates-dr-ambedkar-international-centre-in-new-delhi-11.jpg)
મને નથી ખબર અહિયાં ઉપસ્થિત કેટલા લોકોને દર ચોથા પાંચમાં મહીને ગામડે જવાનો મોકો મળે છે. મારો આગ્રહ છે તમને કે જે લોકોને ગામડે ગયે ઘણા દિવસો થઇ ગયા હોય, તે હવે જઈને જુએ. ગામમાં કોઈ ગરીબને ઉજ્જવલા યોજના વિશે પૂછે. ત્યારે તમને જાણ થશે કે ઉજ્જવલા યોજનાએ કઈ રીતે આ તફાવતને દુર કર્યો છે કે કેટલાક ઘરોમાં પહેલા ગેસના જોડાણો લાગેલા હતા અને કેટલાક ઘરોમાં લાકડા અને કોલસા ઉપર ખાવાનું બનતું હતું. આ સામાજિક ભેદભાવનું મોટું ઉદાહરણ હતું જેને આ સરકારે ખતમ કરી દીધું છે. હવે ગામડાના ગરીબના ઘરમાં પણ ગેસ પર ખાવાનું બને છે. હવે ગરીબ મહિલાને લાકડાના ધુમાડામાં પોતાની જિંદગી બાળવી નથી પડતી.
આ એક ફર્ક આવ્યો છે અને જેઓ ગામડાથી વધુ જોડાયેલા લોકો છે, તેઓ આને વધુ સરળતાથી સમજી શકે છે. જ્યારે તમે ગામડે જાવ, તો એક બીજી યોજનાની પણ અસર જોજો, જોજો કે કઈ રીતે સ્વચ્છ ભારત મિશનથી ગામની મહિલાઓમાં સમાનતાનો ભાવ આવ્યો છે. ગામના કેટલાક જ ઘરોમાં શૌચાલય હોવું અને મોટાભાગના ઘરોમાં ના હોવું, એક વિસંગતી ઉત્પન્ન કરતું હતું. ગામની મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમની સુરક્ષા પર પણ આના લીધે સંકટ આવતું હતું. પરંતુ હવે ધીમે ધીમે દેશના મોટાભાગના ગામોમાં શૌચાલય બની રહ્યા છે. જ્યાં પહેલા સ્વચ્છતાની સીમા 40 ટકા હતી, તે વધીને હવે 70 ટકાથી વધુ થઇ ગઈ છે.
સામાજિક લોકતંત્રને મજબુત કરવાની દિશામાં ઘણું મોટું કામ આ સરકારની વીમા યોજનાઓ પણ કરી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ વીમા યોજનાથી અત્યાર સુધીમાં દેશના 18 કરોડ ગરીબ તેની સાથે જોડાઈ ગયા છે. આ યોજનાઓના માધ્યમથી માત્ર એક રૂપિયા મહિનાના ખર્ચે દુર્ઘટના વીમો, અને 90 પૈસા પ્રતિદિનના પ્રીમીયમ પર જીવન વીમો આપવામાં આવી રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ યોજના અંતર્ગત ગરીબોને લગભગ 1800 કરોડ રૂપિયાનો દાવો, તેની રકમ આપી દેવામાં આવી છે. વિચારો, આજે પછાત ગામડામાં રહેનારો ગરીબ કેટલી મોટી ચિંતાથી મુક્ત થઇ રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, બાબાસાહેબની વિચારધારાના મૂળમાં સમાનતા અનેક રૂપે રહેલી જોવા મળે છે.
સન્માનની સમાનતા,
કાયદાની સમાનતા,
અધિકારની સમાનતા,
માનવીય ગરિમાની સમાનતા,
અવસરની સમાનતા,
આવા કેટલાય વિષયોને બાબાસાહેબે પોતાના જીવનમાં સતત ઉઠાવ્યા હતા. તેમણે હંમેશા આશા વ્યક્ત કરી હતી ભારતમાં સરકારો બંધારણનું પાલન કરીને પંથનો ભેદ કર્યા વિના, જાતિનો ભેદ કર્યા વિના ચાલશે. આજે આ સરકારની દરેક યોજનામાં તમને કોઈપણ ભેદભાવ વગર બધાને સમાનતાનો અધિકાર આપવાનો પ્રયાસ જોવા મળશે.
જેમ કે હમણાં તાજેતરમાં જ સરકારે એક અન્ય યોજના શરુ કરી છે- ‘પ્રધાનમંત્રી સહજ’ દરેક ઘર વીજળી યોજના એટલે કે સૌભાગ્ય. આ યોજના હેઠળ દેશના 4 કરોડ એવા ઘરોમાં વીજળીના જોડાણો મફત આપવામાં આવશે જેઓ આજે પણ આઝાદીના 70 વર્ષો પછી પણ 18મી સદીમાં જીવવા માટે મજબુર છે, આવા 4 કરોડ ઘરોમાં મફતમાં વીજળીનું જોડાણ આપવામાં આવશે. પાછલા 70 વર્ષોમાં જે અસમાનતા ચાલી આવી હતી, તે ‘સૌભાગ્ય યોજના’ના કારણે ખતમ થવા જઈ રહી છે.
સમાનતા વધારનારી આ કડીમાં એક અન્ય મહત્વપૂર્ણ યોજના છે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’. આજે પણ દેશમાં કરોડો લોકો એવા છે જેમની પાસે પોતાનું છાપરું નથી. ઘર નાનું હોય કે મોટું, પહેલા ઘર હોવું જરૂરી હોય છે.
એટલા માટે સરકારે લક્ષ્ય રાખ્યું છે કે 2022 સુધીમાં ગામ હોય કે શહેર, દરેક ગરીબની પાસે તેનું પોતાનું ઘર હોય. તેની માટે સરકાર આર્થિક મદદ આપી રહી છે, ગરીબ અને મધ્યમ વર્ગને ધિરાણના વ્યાજમાં છૂટ આપી રહી છે. પ્રયત્ન તો એવો છે ઘરના વિષયમાં સમાનતાનો ભાવ આવે, કોઈ ઘરથી વંચિત ના રહે.
ભાઈઓ અને બહેનો, આ યોજનાઓ પોતાની નિર્ધારિત ગતિએ આગળ વધી રહી છે અને પોતાના નિર્ધારિત સમય પર અથવા તેના પહેલા પૂરી પણ થઇ જશે.
આજે આ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે આ સરકારમાં યોજનાઓ અટકતી કે ભટકતી નથી. જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે, તેમને પુરા કરવા માટે આ સરકારમાં પૂરી તાકાત લગાવી દેવામાં આવે છે. અને આ જ અમારી કાર્યસંસ્કૃતિ છે.
અમારો પ્રયત્ન છે કે દરેક યોજનાને લક્ષ્યની સાથે માત્ર બાંધવામાં જ ના આવે પરંતુ તેને સમય પર પુરા પણ કરવામાં આવે. અને આ હમણાથી નથી. સરકારના શરૂઆતના કેટલાક મહિનાઓથી જ આ દિશા નક્કી કરી દેવામાં આવી હતી.
તમને યાદ હશે, મેં 2014માં લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે એક વર્ષની અંદર દેશની તમામ સરકારી શાળાઓમાં દીકરીઓ માટે અલગથી શૌચાલય બનશે. અમે એક વર્ષની અંદર શાળાઓમાં 4 લાખથી વધુ શૌચાલય બનાવડાવ્યા છે. શાળામાં શૌચાલય ના હોવાના કારણે જે દીકરીઓ ભણતર અધવચ્ચેથી જ છોડી દેતી હતી તેમના જીવનમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે, તે તમે સારી રીતે સમજી શકો છો.
સાથીઓ, વર્ષ 2015માં લાલ કિલ્લા ઉપરથી મેં એક અન્ય જાહેરાત કરી હતી. એક હજાર દિવસમાં દેશના તે 18 હજાર ગામડાઓ સુધી વીજળી પહોચાડવાની, જ્યાં સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ વીજળી નથી પહોચી. હજુ એક હજાર દિવસ પુરા થવામાં કેટલાય મહિના બાકી છે અને હવે માત્ર 2 હજાર ગામોમાં વીજળી પહોચાડવાનું કામ બાકી રહી ગયું છે.
બીજી અન્ય યોજનાઓની વાત કરું તો ખેડૂતોને ‘સોઇલ હેલ્થ કાર્ડ’ આપવાની યોજના ફેબ્રુઆરી 2015માં શરુ કરવામાં આવી હતી. અમે લક્ષ્ય રાખ્યું હતું કે 2018 સુધીમાં દેશના 14 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. એટલે કે અમે લક્ષ્યથી વધારે દુર નથી.
એ જ રીતે ‘પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના’ જુલાઈ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. અમે લક્ષ્ય રાખ્યું હતું કે વર્ષોથી અટકેલી દેશની 99 સિંચાઈ પરિયોજનાઓને 2019 સુધીમાં પૂરી કરીશું. અત્યાર સુધીમાં 21 યોજનાઓ પૂરી કરી દેવામાં આવી છે. આવતા વર્ષે 50થી વધુ યોજનાઓ પૂરી કરી દેવામાં આવશે. આ યોજનાની પ્રગતિ પણ નિર્ધારિત લક્ષ્યની મર્યાદામાં જ છે.
ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે, તેમને પાક વેચવામાં સરળતા રહે, તેને ધ્યાનમાં લઈને ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના (ઈ-નામ) એપ્રિલ 2016માં શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારે દેશના 580થી વધુ બજારોને ઓનલાઈન જોડવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં 470થી વધુ કૃષિ બજારોને ઓનલાઈન જોડી દેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જેનો ઉલ્લેખ મેં પહેલા પણ કર્યો હતો, તે ગયા વર્ષે 1 મે ના રોજ શરુ કરવામાં આવી હતી. સરકારે લક્ષ્ય રાખ્યું હતું કે 2019 સુધીમાં 5 કરોડ ગરીબ મહિલાઓને મફત ગેસના જોડાણો આપશે. માત્ર 19 મહિનાઓમાં સરકાર ૩ કરોડ 12 લાખથી વધુ મહિલાઓને મફત ગેસના જોડાણો આપી ચુકી છે.
ભાઈઓ અને બહેનો, આ અમારી કામ કરવાની રીત છે. બાબાસાહેબ જે વિઝન પર ચાલીને ગરીબોને સમાનતાનો અધિકાર આપવાની વાત કરતા હતા, તે જ વિઝન પર સરકાર ચાલી રહી છે. આ સરકારમાં યોજનાઓમાં થતા વિલંબને અપરાધિક લાપરવાહી માનવામાં આવે છે.
હવે આ સેન્ટરને જ જુઓ, આને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો 1992માં. પરંતુ 23 વર્ષ સુધી કંઇ જ ના થયું. આ સરકારમાં અમારા આવ્યા પછી શિલાન્યાસ થયો અને આ જ સરકારમાં તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું. જે રાજનૈતિક દળ બાબાસાહેબનું નામ લઈને વોટ માંગે છે તેમને તો આની ખબર પણ નહી હોય.
કંઈ નહી, આજકાલ તેમને બાબાસાહેબ નહી, બાબા ભોલે યાદ આવી રહ્યા છે. ચાલો, એટલું તો એટલું.
સાથીઓ, જે રીતે આ સેન્ટર પોતાની નિર્ધારિત તારીખથી પહેલા બનીને તૈયાર થયું, તે જ રીતે કેટલીય યોજનાઓમાં હવે નિર્ધારિત સમયને ઘટાડવામાં આવી રહ્યો છે. એકવાર જ્યારે બધી વ્યવસ્થા પાટા ઉપર આવી ગઈ છે, યોજનાઓએ ગતિ પકડી લીધી છે તો અમે પણ નિર્ધારિત સમય સીમાને હજુ વધારે ઘટાડી રહ્યા છીએ જેથી હજુ પણ જલ્દીથી લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય.
જેમ કે હમણાં તાજેતરમાં જ અમે ‘મિશન ઇન્દ્રધનુષ’ માટે જે સમય મર્યાદા નિર્ધારિત કરી હતી, તેને બે વર્ષ ઓછી કરી દેવામાં આવી છે. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત સરકાર દેશના તે વિસ્તારો સુધી રસીકરણ અભિયાનને પહોંચાડી રહી છે જ્યાં પહેલેથી જ ચાલી રહેલા રસીકરણ અભિયાનોની પહોંચ નહોતી. આના લીધે લાખો બાળકો અને ગર્ભવતી મહિલાઓ રસીકરણથી વંચિત રહી જતા હતા. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુ બાળકો અને 70 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ થઇ ગયું છે.
પહેલા સરકારનું લક્ષ્ય 2020 સુધીમાં દેશમાં પૂર્ણ રસીકરણ કવરેજને આવરી લેવાનું હતું. તેને પણ ઘટાડીને હવે વર્ષ 2018 સુધીનો સંકલ્પ કરી દેવામાં આવ્યો છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મિશન ઇન્દ્રધનુષની સાથે જ ‘ઇન્ટેન્સીફાઈડ મિશન ઇન્દ્રધનુષ’ની શરૂઆત કરવામાં આવી છે.
એ જ રીતે સરકારે દરેક ગામને રસ્તાઓ સાથે જોડવાનો લક્ષ્યાંક 2022 નક્કી કર્યો હતો. પરંતુ જેવી ગતિ પકડી છે, કામમાં ઝડપ આવી છે તો અમે તેને પણ 2022ની જગ્યાએ 2019માં પૂરું કરવાની યોજના બનાવી લીધી છે.
સાથીઓ અટલજીની સરકારમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના શરુ કરવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષો પછી પણ અત્યાર સુધીમાં દેશના તમામ ગામડા રસ્તાના મધ્યમથી જોડાયેલા નહોતા. સપ્ટેમ્બર 2014માં આવી સ્થિતિ હતી.. અમારા આવ્યા પછીની સ્થિતિની વાત કરું હું, તો અમે મે મહિનામાં આવ્યા, 2014માં મેં સમીક્ષા કરી, 2014માં સ્થિતિ એ હતી કે માત્ર 57 ટકા ગામડા રસ્તાઓ સાથે જોડાયેલા હતા. ત્રણ વર્ષોના પ્રયત્ન બાદ હવે 81 ટકા, 80 ટકાથી પણ વધુ ગામડા રસ્તાઓથી જોડાઈ ગયા છે. હવે સરકાર સો ટકા ગામડાઓને રસ્તાના માધ્યમથી જોડવા માટે ખુબ ઝડપી ગતિએ કામ કરી રહી છે.
સરકારનો પ્રયત્ન દેશના દુર સુદૂરના વિસ્તારોમાં રહેનારા દલિત પછાત ભાઈ બહેનોને સ્વરોજગાર માટે પણ પ્રોત્સાહિત કરવાનો છે. એટલા માટે જ્યારે અમે સ્ટેન્ડ અપ ઇન્ડિયા કાર્યક્રમ શરુ કર્યો, તો સાથે જ એ પણ નક્કી કર્યું કે આ યોજનાના માધ્યમથી દરેક બેંક બ્રાંચ ઓછામાં ઓછા એક અનુસુચિત જાતિ કે જનજાતિને ધિરાણ અવશ્ય આપશે.
ભાઈઓ અને બહેનો, તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં રોજગારના માપદંડ બદલનારી મુદ્રા યોજનાના લગભગ 60 ટકા લાભાર્થી દલિત પછાત અને આદિવાસી જ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ પોણા દસ કરોડ લોન સ્વીકૃત કરી દેવામાં આવી છે અને લોકોને બેંકની ગેરંટી વગર 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ આપી દેવામાં આવ્યું છે.
સાથીઓ, સામાજિક અધિકાર આ સરકાર માટે માત્ર બોલવા સાંભળવાની વાત નથી, પરતું એક પ્રતિબદ્ધતા છે. જે ન્યુ ઇન્ડિયાની હું વાત કરી રહ્યો છું તે બાબાસાહેબના પણ સપનાઓનું ભારત છે.
બધાને સમાન અવસર, બધાને સમાન અધિકાર. જાતિના બંધનથી મુક્ત આપણું હિદુસ્તાન. ટેકનોલોજીની શક્તિથી આગળ વધતું ભારત, સૌનો સાથ લઈને, સૌનો વિકાસ કરતું ભારત.
આવો, બાબાસાહેબના સપના પુરા કરવા માટેનો આપણે સંકલ્પ લઈએ. બાબાસાહેબ આપણને 2022 સુધીમાં તે સંકલ્પોને સિદ્ધ કરવાની શક્તિ આપે, એવી જ અભ્યર્થના સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું.
આપ સૌનો ખુબ ખુબ આભાર!!! જય ભીમ! જય ભીમ! જય ભીમ!