નમસ્કાર,
કર્ણાટકના ગવર્નર અને મૈસૂર યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી વજુભાઈ વાળાજી, શિક્ષણ મંત્રી શ્રી સી. એન. અશ્વત્થ નારાયણજી, મૈસૂર વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. જી હેમંત કુમારજી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, વાલીઓ, દેવીઓ અને સજ્જનો. સૌથી પહેલાં હું આપ સૌને મૈસુરૂ દશેરા ‘નાડહબ્બા’ની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું.
થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.
સાથીઓ, આજે તમારા સૌ માટે એક મોટો દિવસ છે. એક રીતે તો મારો હંમેશાં એવો પ્રયાસ રહે છે કે મારા યુવાન મિત્રોની આમને સામને મુલાકાત કરી શકુ. અને મૈસૂરમાં આવવુ અને મૈસૂરના ગૌરવશાળી વારસાના તથા 100મા પદવીદાન સમારોહનો હિસ્સો બનવાની બાબત જ કંઈક વિશેષ હોત. કંઈક અલગ જ હોત પણ આ કોરોનાને કારણે આપણે વાસ્તવિક રીતે નહી પણ વર્ચ્યુઅલી મળી રહ્યા છીએ. घटि–कोत्सवदा ई स्मरणीया समारं–भदा सन्दर्भ–दल्ली निमगेल्लरिगू अभिनंदने–गड़ु. इंदु पदवी प्रमाणपत्रा पडेयुत्तिरुव एल्लरिगू शुभाशय–गड़ु. बोधका सिब्बंदिगू शुभाशय–गड़न्नु कोरुत्तेने.
સાથીઓ, મૈસૂર યુનિવર્સિટી પ્રાચીન ભારતની સમૃધ્ધ શિક્ષણ વ્યવસ્થા અને ભવિષ્યના ભારતની મહેચ્છા અને ક્ષમતાનુ એક મહત્વનુ કેન્દ્ર છે. આ યુનિવર્સિટીએ “રાજર્ષિ” નાલવાડી કૃષ્ણરાજ વડેયાર અને એમ વિશ્વેશ્વરૈયાજીના વિઝન અને સંકલ્પોને સાકાર કર્યા છે.
મારા માટે એ સુખદ સંયોગ છે કે આજથી લગભગ 102 વર્ષ પહેલાં, આજના જ દિવસે, “રાજર્ષિ” નાલવાડી કૃષ્ણરાજ વડેયારે મૈસૂર યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધન કર્યુ હતું. ત્યારથી માંડીને અત્યાર સુધી ‘રત્નગર્ભા પ્રાંગણ’ એવા અનેક સાથીઓને કે જેમનુ રાષ્ટ્ર નિર્માણમાં મોટુ યોગદાન છે તેમને આ પ્રકારના જ કાર્યક્રમમાં પદવી લેતાં જોયા છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા અનેક મહાન વ્યક્તિત્વોએ આ સંસ્થાના વિદ્યાર્થીઓને નવી પ્રેરણા આપી છે. આવી પરિસ્થિતિ વચ્ચે આપ સૌ, તમારા પરિવારની સાથે સાથે, આપણા સૌનો વિશ્વાસ પણ ઘણો છે અને સાથે-સાથે અપેક્ષાઓ પણ અધિક છે. આજે તમારી યુનિવર્સિટી, તમારા પ્રોફેસરો, શિક્ષકો તમને પદવીની સાથે-સાથે દેશ અને સમાજ તરફની તમારી જવાબદારી પણ સોંપી રહ્યા છે.
સાથીઓ, આપણે ત્યાં શિક્ષણ અને દિક્ષાને જીંદગીનો મહત્વનો મુકામ માનવામાં આવે છે. આપણા ત્યાં હજારો વર્ષોથી એ પરંપરા રહી છે કે જ્યારે આપણે દીક્ષાની વાત કરીએ છીએ ત્યારે તો તે માત્ર પદવી પ્રાપ્ત કરવાનો અવસર જ નથી, પણ આજનો આ દિવસ જીવનના હવે પછીના પડાવ માટે એક નવો સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. આજે હવે તમે એક ઔપચારિક યુનિવર્સિટી સંકુલમાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનની યુનિવર્સિટીના વિશાળ સંકુલમાં જઈ રહ્યા છો. એ એક એવુ સંકુલ હશે કે જેમાં તમે જે જ્ઞાન હાંસલ કર્યુ છે તે ઉપયોગમાં લેવા માટે કામ આવશે.
સાથીઓ, મહાન કન્નડ લેખક અને વિચારક ગોરુરુ રામ સ્વામી આયંગરજી કહેતા હતા કે, शिक्षणवे जीवनद बेलकु। એટલે કે શિક્ષણ જીવનના મુશ્કેલ માર્ગોમાં રસ્તો બતાવનારૂ માધ્યમ છે. આજે આપણો દેશ જયારે પરિવર્તનના એક વ્યાપક દોરમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેમની એ વાત ખૂબ જ પ્રાસંગિક છે. વિતેલા 5 થી 6 વર્ષમાં અમારો એ સતત પ્રયાસ રહ્યો છે કે આપણુ શિક્ષણ, ભારતની શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓની 21મી સદીની જરૂરિયાતો વચ્ચે આગળ વધવાનો આરંભ કરે અને મદદ પણ કરે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધાઓના નિર્માણની બાબતથી માંડીને ભારતને ઉચ્ચ શિક્ષણનુ ગ્લોબલ હબ બનાવવા માટે તથા આપણા યુવકોને સ્પર્ધાત્મક બનાવવા માટે ગુણાત્મક અને જથ્થાત્મક પ્રયાસોની દરેક સ્તર ઉપર કોશિશ કરવામાં આવી રહી છે.
સાથીઓ, આઝાદીનાં આટલાં વર્ષો પછી, વર્ષ 2014 અગાઉ દેશમાં 16 આઈટીઆઈ હતી. વિતેલાં 6 વર્ષમાં સરેરાશ એક નવી આઈઆઈટી શરૂ કરવામાં આવી છે. આમાંની એક કર્ણાટકના ધારવાડમાં શરૂ કરવામાં આવી છે. 2014 સુધી ભારતમાં 9 ટ્રીપલ આઈટી હતી, તે પછીનાં 5 વર્ષમાં 16 ટ્રીપલ આઈટી બનાવવામાં આવી છે. વિતેલાં 5 થી 6 વર્ષમાં 7 નવાં આઈઆઈએમની સ્થાપના કરવામાં આવી છે. જો કે તે પહેલાં દેશમાં 13 આઈઆઈએમ હતાં. આવી જ રીતે દેશમાં 6 દાયકા સુધી માત્ર 7 એઈમ્સ સેવા આપી રહ્યાં હતાં. વર્ષ 2014 પછી તેની સંખ્યા બમણી કરવામાં આવી છે, એટલે કે 15 એઈમ્સ દેશમાં સ્થાપિત થઈ ચૂક્યાં છે કે પછી શરૂ થવાની પ્રક્રિયામાં છે.
સાથીઓ, છેલ્લા 5 થી 6 વર્ષમાં જે પ્રયાસો થયા છે તે માત્ર ઉચ્ચ શિક્ષણની નવી સંસ્થાઓ શરૂ કરવા પૂરૂતા જ સીમિત રહ્યા નથી. આ સંસ્થામાં શાસન સુધારાથી માંડીને વધુ સ્વાયત્તતા આપવાનુ કામ કરવામાં આવ્યુ છે. સુધારાથી માંડીને તેમાં જાતીય સામેલગીરી અને સામાજિક સહભાગીતા સુનિશ્ચિત કરવાની કામગીરી કરવામાં આવી છે. આવી સંસ્થાઓને વધુ સ્વાયત્તત્તા એટલા માટે આપવામાં આવી છે કે જેથી તે પોતાની આવશ્યકતા મુજબ નિર્ણયો લઈ શકે. પહેલાં આઈઆઈએમ કાયદા હેઠળ દેશનાં આઈઆઈએમને વધુ અધિકાર આપવામાં આવ્યા. તબીબી શિક્ષણમાં પણ પારદર્શકતાની ખૂબ ઉણપ હતી. તેને દૂર કરવાની દીશા બાબતે પણ ભાર મુકવામાં આવ્યો છે. તબીબી શિક્ષણમાં પારદર્શીતા લાવવા માટે નેશનલ મેડિકલ કમિશનની રચના કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. હોમિયોપથી અને અન્ય ભારતીય ઉપચાર પધ્ધતિઓના શિક્ષણમાં સુધારા માટે પણ બે નવા કાયદા બનાવવામાં આવ્યા છે. તબીબી ક્ષેત્રે જે સુધારા કરવામાં આવી રહ્યા છે તેને કારણે દેશના યુવાનોને વધુ અભ્યાસ માટે વધુ બેઠકો મળવાનુ નિશ્ચિત બની ચૂક્યુ છે.
સાથીઓ, રાજર્ષિ નાલવાડી કૃષ્ણરાજ વડેયારજીએ પદવીદાન સમારંભને સંબોધન કરતાં કહ્યુ હતું કે, “એ ઘણુ સારૂ રહેત કે હું અહીં 1 ના બદલે 10 લેડી ગ્રેજ્યુએટ જોઈ શક્યો હોત.” હું મારી સામે આજે અનેક દિકરીઓને જોઈ રહ્યો છું, જેમને આજે પદવીઓ મળી રહી છે. મને કહેવામાં આવ્યુ છે કે, આજે અહીંયાં પદવી લેનારા વિદ્યાર્થીઓમાં દિકરીઓની સંખ્યા દિકરાઓ કરતાં વધારે છે. તે બદલાતા જતા ભારતની વધુ એક ઓળખ છે. આજે દેશમાં દરેક સ્તરે દિકરીઓને અભ્યાસમાં નોંધણી દિકરાઓની તુલનામાં વધી રહી છે. ઉચ્ચ શિક્ષણમાં પણ, ઈનોવેશન અને ટેકનોલોજી સાથે જોડાયેલા અભ્યાસમાં પણ દિકરીઓની સામેલગીરી વધી છે. ચાર વર્ષ પહેલાં દેશની આઈઆઈટીમાં દિકરીઓની નોંધણી માત્ર 8 ટકા હતી તે એ વર્ષે બમણા કરતાં પણ વધી છે. એટલે કે 20 ટકા સુધી પહોંચી ગઈ છે.
સાથીઓ, શિક્ષણ ક્ષેત્રમાં જેટલા પણ સુધારા કરવામાં આવી રહ્યા છે તેને નવી શિક્ષણ નીતિ નવી મજબૂતી અને નવી દિશા આપશે. નવી શિક્ષણ નીતીમાં પ્રી- નર્સરીથી માંડીને પીએચડી સુધીના દેશના સમગ્ર શિક્ષણ માળખામાં પાયાના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ એક ખૂબ મોટુ અભિયાન છે. આપણા દેશના સમર્થ યુવાનો વધુને વધુ પ્રમાણમાં સ્પર્ધાત્મક બનાવવા માટે બહૂવિધ અભિગમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આપણી કોશિશ એ રહી છે કે આપણા યુવાનો ઝડપથી બદલાતા જતા નોકરીઓના પ્રકાર સાથે સુગમતા દાખવી શકે, તેને અપનાવી શકે, સ્કીલીંગ હોય, રિસ્કીલીંગ હોય કે પછી અપ-સ્કીલીગ આ બધી વર્તમાન સમયની જરૂરિયાતો છે તેની તરફ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધ્યાન આપવામાં આવ્યુ છે.
સાથીઓ, મને એ બાબતની ખુશી છે કે મૈસૂર યુનિવર્સિટીએ આ શિક્ષણ નીતિ લાગુ કરવા બાબતે કટિબધ્ધતા દર્શાવી છે, ઝડપ બતાવી છે, મને લાગે છે કે તમે નવી શિક્ષણ નીતિના આધારે વિવિધ વિદ્યાશાખાઓના કાર્યક્રમો શરૂ કરી રહ્યા છો. હવે જ્યાં સુધી તમારા સપનાં અને સમર્થતાના વિસ્તારની બાબત છે. તમે તમારી પસંદગી મુજબ વિષયોની પસંદગી કરી શકો છો. તેમાં તમે ગ્લોબલ ટેકનોલોજી અને સ્થાનિક સંસ્કૃતિ સાથે ભણી શકો છો. આ ટેકનોલોજીનો ઉપયોગ તમે સ્થાનિક બાબતોને વેગ આપવામાં પણ કરી શકો છો.
સાથીઓ, આપણા દેશમાં જે ચોતરફી સુધારા થઈ રહ્યા છે, તેટલા અગાઉ કદી થયા નથી. અગાઉ જો કોઈ નિર્ણય થતા હતા તો પણ તે કોઈ એક સેકટરમાં થતા હતા. અને બીજાં સેકટર બાકી રહી જતાં હતાં. વિતેલાં 6 વર્ષમાં અનેક પ્રકારના સુધારા થયા છે. જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશનુ ભાવિ સુનિશ્ચિત કરી રહી છે તો તે તમારા જેવા યુવાન સાથીદારોનુ પણ સશક્તિકરણ કરનારી બની રહેશે. જે રીતે ખેતી સાથે જોડાયેલા સુધારા કૃષિ ક્ષેત્રને શક્તિમાન બનાવી રહ્યા છે, શ્રમ સાથે જોડાયેલા સુધારા શ્રમિકો અને ઉદ્યોગોની વૃધ્ધિ, સુરક્ષા અને ધમધમાટમાં સહાયરૂપ બની શક્તિમાન બનાવી રહ્યા છે, તો બીજી તરફ ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર વડે આપણે જાહેર વિતરણ વ્યવસ્થાને સશક્ત બનાવી શક્યા છીએ તો રેરાને કારણે આપણા ઘર ખરીદનારાને પણ સુરક્ષા પ્રાપ્ત થઈ છે. દેશના કરવેરાની જાળમાંથી મુક્ત બનાવવા માટે જો જીએસટી લાવવામાં આવ્યો હતો તો કરદાતાને પરેશાનીમાંથી બચાવવા માટે ફેસલેસ એસેસમેન્ટની સુવિધા હજુ હમણાં જ શરૂ કરવામાં આવી છે. ઈન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ મારફતે દેશમાં પહેલી વાર નાદારી માટે એક કાનૂની માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે. સીધા વિદેશી મૂડીરોકાણના ક્ષેત્રે જે સુધારા કરવામાં આવ્યા તેના કારણે દેશમાં મૂડીરોકાણો વધી રહ્યાં છે.
સાથીઓ, તમે વિતેલા 6 થી 7 મહિનામાં જ જોયુ હશે કે સુધારાની ગતિ અને વ્યાપ બંનેનો વિસ્તાર થઈ રહ્યો છે. ખેતી હોય કે અવકાશ સંશોધન, સંરક્ષણ હોય કે ઉડ્ડયન, કે પછી શ્રમ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં વિકાસ માટે જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ બધુ શાના માટે કરવામાં આવી રહ્યુ છે? આ બધુ તમારા જેવા કરોડો યુવાનો માટે કરવામાં આવી રહ્યુ છે. આ દાયકાને ભારતનો દાયકો બનાવવા માટે કરવામાં આવી રહ્યુ છે. આ દાયકો ભારતનો દાયકો ત્યારે થશે જ્યારે આપણે આપણા પાયાને મજબૂત બનાવીશું. યુવા ભારતના જીવનમાં આ દાયકો ખૂબ મોટા અવસર લઈને આવ્યો છે.
સાથીઓ, દેશમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાંની એક હોવાના નાતે, મૈસૂર યુનિવર્સિટીએ પણ પોતાને દરેક સ્થિતિ બાબતે ઈનોવેટિવ કરવાનુ ચાલુ રાખવુ પડશે. પૂર્વ કુલપતિ મહાન કવિ- સાહિત્યકાર કુવેમ્પુજીએ યુનિવર્સિટીના મુખ્ય સંકુલને માનસા ગંગોત્રી એટલે કે મનના શાશ્વત પ્રવાહ તરીકે ઓળખાવી હતી. તેમાંથી તમારે નિરંતર પ્રેરણા મેળવતા રહેવાનુ છે. તમારે ઈનક્યુબેશન સેન્ટર્સ, ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર્સ, ઈન્ડસ્ટ્રી- એકેડેમી લીંકેજ, અને ઈન્ટરડિસ્પ્લીનરી રિસર્ચ જેવા વિષયોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનુ રહેશે. યુનિવર્સિટી પાસે પણ એવી અપેક્ષા રહે છે કે તે સમકાલીનની સાથે સાથે વૈશ્વિક વિષયો ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિ, અને અન્ય સામાજિક મુદ્દા સાથે જોડાયેલા સંશોધનને વેગ આપવા માટેની તેની પરંપરાનુ વધુ વિસ્તરણ કરશે.
સાથીઓ, આજે તમે જ્યારે આ મહાન સંકુલની બહાર જઈ રહ્યા છો ત્યારે હું તમને વધુ એક આગ્રહ કરવા માગુ છું. તમારામાંના દરેક પાસે જે પોતાની તાકાત છે, પોતાનુ સામર્થ્ય છે, તેના આધારે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે તમે હંમેશાં કોશિશ કરતા રહેજો. તમારે એક સીમિત વ્યાપમાં, એક બોક્સમાં ફીટ થવાની કોઈ જરૂર નથી. બની શકે કે તમે જે બોક્સમાં ફીટ થવાની કોશિશ કરી રહ્યા હોવ તે તમારા માટે બનેલુ પણ ના હોય, તમારા પોતાના માટે સમય ફાળવો, આત્મ મંથન કરો અને જે જીવન તમારી સામે પડેલુ છે તેની જમીન સાથે જોડાયેલી દરેક બાબતનો અનુભવ કરી લો. એવું કરવાથી તમને તમારા જીવનનો આગળનો માર્ગ પસંદ કરવામાં સહાય થશે. ન્યૂ ઈન્ડીયા અવસરોની ભૂમિ છે. કોરોનાના આ સંકટ કાળમાં પણ આપણા વિદ્યાર્થીઓએ કેટલાં નવાં સ્ટાર્ટ- અપ શરૂ કર્યાં છે. આ સ્ટાર્ટ-અપ માત્ર કર્ણાટકના જ નહીં, પણ દેશની સૌથી મોટી તાકાત છે. મને વિશ્વાસ છે કે અપાર અવસરોની આ ભૂમિ પર પોતાના સામર્થ્ય વડે, પોતાની પ્રતિભા મારફતે, દેશના માટે તમે ઘણુ બધુ કરતા રહેશો. તમારો વિકાસ એ માત્ર તમારો જ વિકાસ નહીં હોય, પણ દેશનો પણ વિકાસ હશે. તમે આત્મનિર્ભર બનશો તો દેશ પણ આત્મનિર્ભર બનશે. વધુ એક વાર આપ સૌ સાથીઓના શ્રેષ્ઠ ભાવિ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.
ખૂબ ખૂબ ધન્યવાદ !