નમસ્કાર,
વારાણસીમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સહયોગી સ્મૃતિ ઈરાનીજી, કાર્પેટ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઉદ્યમી લોકો, મારા વણકર ભાઈઓ અને બહેનો તથા અહિંયા હાજર રહેલા તમામ મહાનુભવો. કાશીની પવિત્ર ધરતી પર દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લોકો આવ્યા છે. આપ સૌને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે દુનિયાના અંદાજે 38 દેશોમાંથી અઢીસોથી વધુ પ્રતિનિધિઓ આ એક્સપોનો હિસ્સો બન્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય રાજ્યોમાંથી કાર્પેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અહિં આવી પહોંચ્યા છે. આપ સૌનું બનારસમાં, બનાસરના સંસદ સભ્યો હોવાના નાતે હું ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું.
સાથીઓ, દેશમાં આજ કાલ તહેવારોની મોસમ છે. દશેરા અને દુર્ગા પૂજા પછી મને પ્રથમ વખત ટેકનોલોજીના માધ્યમથી બનારસ સાથે જોડાવાનો મોકો મળ્યો છે. હવે આપ સૌ ધનતેરસ અને દિવાળીની તૈયારીઓમાં જોડાઈ ગયા હશો. વર્ષનો આ એક એવો સમય છે કે જ્યારે તમે સૌથી વધુ વ્યસ્ત હોવ છો. આ દિવસોમાં અન્ય દિવસોની તુલનામાં વધુ કામ રહેતું હોય છે, કારણ કે માંગ વધારે હોય છે. તમારા શ્રમનો અને તમારી કલાનો પુરસ્કાર તમને મળે તે માટેનો આ સૌથી ઉત્તમ સમય છે.
સાથીઓ, વારાણસી અને ઉત્તર પ્રદેશના વણકરો અને વેપારી ભાઈઓ-બહેનો માટે આ વખતના તહેવારો બમણી ખુશી લઈને આવ્યા છે દિનદયાળ હસ્તકલા (હાથ વણાટ) સંકુલમાં પ્રથમ વખત ઈન્ડિયા કાર્પેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે દિલ્હીની સાથે સાથે વારાણસીમાં ભારતના કાર્પેટ ઉદ્યોગને, આપણાં વણકરોને, ડિઝાઈનરોને, વેપારીઓને પોતાનું કૌશલ્ય અને પોતાનું ઉત્પાદન દુનિયા સમક્ષ રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
સાથીઓ, મને આનંદ છે કે જે ધ્યેય સાથે દિનદયાળ હસ્તકલા સંકુલની સ્થાપના કરવામાં આવી હતી તે લક્ષ્ય તરફ આપણે ભારે ગતિથી આગળ વધી રહ્યા છીએ. આ બાબત એટલા માટે પણ મહત્વની છે કારણ કે આ ક્ષેત્રના વણકરોનું અને કાર્પેટ ઉદ્યોગનું આ હબ (મોટું મથક) છે. અહિંયા દેશના હસ્તકલા કારીગરી સાથે જોડાયેલા લગભગ એક ચતુર્થાંશ વણકરો, શ્રમિકો અને વેપારી ભાઈઓ-બહેનો રહે છે. વારાણસી હોય, ભદોઈ હોય, મિરઝાપુર હોય, આ બધા કાર્પેટ ઉદ્યોગના કેન્દ્રો રહ્યા છે અને હવે પૂર્વ ભારતનું સમગ્ર ક્ષેત્ર કાપડ ઉદ્યોગની નિકાસનું મહત્વનું વૈશ્વિક મથક બની રહ્યું છે. આટલું જ નહીં, પરંતુ દિનદયાળ હસ્તકલા સંકુલ પણ હસ્તકલાની બાબતમાં આંતરરાષ્ટ્રીય ઓળખ મજબૂત બનાવવાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
સાથીઓ, સરકારનો સતત એવો પ્રયાસ રહ્યો છે કે હસ્તકલા ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ટેકનોલોજીથી માંડીને પ્રચાર અને પ્રસારને વેગ આપવામાં આવે. જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં સુવિધાઓ પહોંચાડવામાં આવે. આ બધુ કામ હવે વારાણસીમાં થઈ રહ્યું છે. ઈન્ડિયા કાર્પેટ એક્સપો આ દિશામાં મહત્વનું કદમ તો છે જ, પણ સાથે સાથે કાપડ ઉદ્યોગ માટે 5 એપના મહત્વના વિઝનનો મુખ્ય સ્તંભ છે. અને હું જ્યારે 5 એપની વાત કરૂં છું ત્યારે એનો અર્થ ખેતરથી ફાઈબર, ફાઈબરથી ફેક્ટરી, ફેક્ટરીથી ફેશન, ફેશનથી ફોરેન એવો થાય છે. ખેડૂતો અને વણકર ભાઈઓને સમગ્ર દુનિયાના બજારો સાથે સીધા જોડવાની દિશામાં આ એક ખૂબ મોટો પ્રયાસ છે.
આગામી 4 દિવસ દરમ્યાન આ એક્સપોમાં એક થી એક ચડિયાતી ડિઝાઈનો પ્રદર્શિત કરવામાં આવશે. કરોડો કરોડો રૂપિયાનો વેપાર થશે, સમજૂતીઓ થશે, બિઝનેસની નવી તકો ખૂલશે, વણકરોને નવા ઓર્ડર મળશે. મને વિશ્વાસ છે કે અહિંયા વિદેશમાંથી જે વેપારીઓ આવ્યા છે તે પણ આપણી સંસ્કૃતિ, કાશી અને ભારતનાં બદલાયેલા વેપારી વાતાવરણનો અનુભવ પણ મેળવશે.
સાથીઓ, હસ્તકલાથી માંડીને ભારતમાં એક ખૂબ લાંબી પરંપરા ચાલી આવે છે. ભારતના ગ્રામ વિસ્તારોમાં આજે પણ સૂતર કાંતવા માટે હાથ વણાટ વ્યાપક રીતે ફેલાયેલું છે. બનારસની ધરતીની તેમાં ઘણી મહત્વની ભૂમિકા છે. બનારસની ઓળખ જેટલી સંત કબીર સાથે જોડાયેલી છે, તેટલી જ હસ્તકલા સાથે પણ જોડાયેલી છે. સંત કબીર સૂતર પણ કાંતતા હતા અને તેના દ્વારા જીવન સંદેશ પણ આપતા હતા. કબીરદાસજી જણાવે છે કેઃ
કહિ કબીર સૂનો હો સંતો, ચરખા લખે જો કોય,
જો યહ ચરખા લખી ભયે, તાકો આવાગમન ના હોય
આનો અર્થ એ થાય કે ચરખો જ જીવનનો સાર છે અને જેણે આ બાબત સમજી લીધી છે તેણે જીવનનો મર્મ પણ સમજી લીધો છે. જ્યાં હસ્તકલાને જીવનના આટલા મોટા ચિંતન સાથે જોડવામાં આવ્યું હોય ત્યાં વણકરોના જીવનને સરળ બનાવવા માટે આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થતી હોય છે ત્યારે સંતોષનો ભાવ પેદા થાય છે.
સાથીઓ, આપણાં દેશમાં હસ્તકલા-વેપાર, કારોબાર પ્રેરણાનું, સ્વતંત્રતા માટે સંઘર્ષનું તથા સ્વાવલંબનનું માધ્યમ રહ્યું છે. ગાંધીજીએ સત્યાગ્રહ અને ચરખા દ્વારા આંદોલનનું મહત્વ સમજાવ્યું હતું. આઝાદીમાં તેનું શું મહત્વ હતું તે આપણે સારી રીતે જાણીએ છીએ.
હસ્તકલાના માધ્યમથી સ્વાવલંબનનો આ સંદેશ તમને મજબૂતી આપવા માટે અને સૌના સહયોગથી નિરંતર પ્રગતિ માટેનો પ્રયાસ બની રહ્યો છે અને આ જ કારણે ભારતનો આજે દુનિયાના સૌથી મોટા કાર્પેટ ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે. વિતેલા સાડા ચાર વર્ષમાં હાથથી બનેલી કાર્પેટની બાબતમાં આપણે દુનિયામાં ટોચ ઉપર છીએ. લાખો વણકરો, ડિઝાઈનરો, વેપારીઓ, શ્રમિકો અને સરકારની નીતિઓ દ્વારા આ બધું શક્ય બની શક્યું છે.
સાથીઓ, આજે દુનિયાભરના કાર્પેટના બજારનો એક તૃતિયાંશથી વધુ હિસ્સો ભારત પાસે છે અને આગામી બે-ત્રણ વર્ષમાં આ હિસ્સો વધીને 50 ટકા સુધી પહોંચશે તેવી ધારણા છે. એનો અર્થ એ થયો કે આગામી વર્ષોમાં સમગ્ર દુનિયામાં કાર્પેટનો જેટલો પણ વેપાર થશે તેનો અડધો હિસ્સો ભારત પાસે એટલે કે તમારા સૌની પાસે હશે.
વિતેલા વર્ષોમાં આપણે કાર્પેટની રૂ.9 હજાર કરોડની નિકાસ કરી ચૂક્યા છીએ. આ વર્ષે લગભગ આપણે 100 દેશમાં કાર્પેટની નિકાસ કરીશું. આ એક પ્રશંસાપાત્ર કામગીરી છે, પરંતુ આપણે તેને આગળ ધપાવવાની છે. આપણે એ બાબતની કોશિષ કરવાની રહે કે વર્ષ 2022 સુધીમાં જ્યારે આપણી આઝાદીના 75 વર્ષ પૂરાં થાય ત્યારે આપણે નિકાસના આ આંકડાને અઢી ગણો વધારીને રૂ.25 હજાર કરોડ સુધી લઈ જઈ શકીએ.
માત્ર નિકાસ જ નહીં, પરંતુ દેશમાં પણ કાર્પેટનો વેપાર વિતેલા 4 વર્ષ દરમ્યાન ત્રણ ગણાથી વધુ વધ્યો છે. 4 વર્ષ પહેલાં તેનું બજાર રૂ.500 કરોડનું હતું તે આજે રૂ.1600 કરોડનું બની ચૂક્યું છે.
દેશમાં કાર્પટના બજારનો વ્યાપ જો વધ્યો છે તો તેના માટેના બે સ્પષ્ટ કારણો છે, એક તો એ કે દેશમાં મધ્યમ વર્ગનો સતત વિસ્તાર થઈ રહ્યો છે અને બીજુ, કાર્પેટ ઉદ્યોગ માટે તેના પ્રચાર અને પ્રસાર માટે અભૂતપૂર્વ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
સાથીઓ, આ દેશના વેપારથી માંડીને આપણે કાર્પેટ ઉદ્યોગની વાત કરીએ તો સમગ્ર ટેક્સટાઈલ ક્ષેત્રનું ભવિષ્ય દેશમાં ઉજળું છે. આજે ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે કે જ્યાં નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી કાર્પેટ બનાવવામાં આવે છે. આટલું જ નહીં, ભારતની કાર્પેટ કલા અને કારીગરી બાબતે તો ઉત્કૃષ્ટ તો છે જ, સાથે પર્યાવરણલક્ષી પણ છે. આ બધુ તમારી બુદ્ધિ, તમારૂં કૌશલ્ય વગેરેનો કમાલ છે. જેથી દુનિયાભરમાં મેડ ઈન ઈન્ડિયા કાર્પેટ એક ખૂબ મોટી બ્રાન્ડ બનીને ઉભરી આવી છે.
સાથીઓ, આ બ્રાન્ડને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દરેક પ્રકારના પ્રયાસો કરવા માટે કટિબધ્ધ છે. કાર્પેટના નિકાસકારોને કોઈ તકલીફ પડે નહીં, તેમને માનપરિવહન માટે સહકાર મળી રહે અને તેઓ મજબૂત બને તે માટે સમગ્ર દેશમાં ગોદામ અને શો રૂમ ઉભા કરવાની યોજના ઝડપભેર આગળ વધી રહી છે. તેના દ્વારા તમે એક મોટા માર્કેટ સુધી તમારો સામાન સરળતાથી પહોંચાડી શકશો.
માત્ર આટલું જ નહીં, ટેકનોલોજી અને ક્વોલિટીથી માંડીને સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે. ભદોઈ અને શ્રીનગરમાં કાર્પેટ પરિક્ષણની સુવિધા માટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્પેટ ટેકનોલોજી એટલે કે આઈઆઈસીટીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમાં વિશ્વસ્તરની પ્રયોગશાળા પણ ઉભી કરવામાં આવી છે. અમારી કોશિષ એ છે કે પ્રોડક્ટ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટવાળી બને. જેમાં નુકસાની સહેજ પણ ના હોય અને પર્યાવરણ માટે દર્શાવાયેલી ચિંતા પણ તેમાં દેખાતી હોય.
આ બધા ઉપરાંત કાર્પેટની સાથે સાથે હસ્તકલાના અન્ય સામાનના માર્કેટીંગ અને વણકરોને અન્ય સહાયતા પૂરી પાડવા માટે ઘણી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અહિંયા વારાણસીમાં જ 9 સામાન્ય સુવિધા કેન્દ્રો, સામાન્ય સુવિધા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો લાભ હજારો વણકરોને મળી રહ્યો છે.
સાથીઓ, ગુણવત્તા ઉપરાંત, વણકરો અને નાના વેપારીઓને નાણાંની અગવડ ના પડે તેના માટે પણ અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુદ્રા યોજના હેઠળ રૂ. 50,000 થી માંડીને રૂ.10 લાખ સુધીની ગેરંટી મુક્ત ધિરાણ મેળવવાની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વણકરો માટે મુદ્રા યોજનામાં રૂ. 10 હજારના આર્થિક લાભની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આટલું જ નહીં, હવે વણકરોને જે પણ મદદ કે ધિરાણ આપવામાં આવશે તે ખૂબ ટૂંકા ગાળામાં તેમના ખાતામાં સીધુ પહોંચશે. ‘પહેચાન’ નામના જે ઓળખપત્રો વણકરોને આપવામાં આવ્યા છે તેને કારણે વચેટીયાઓને દૂર કરવામાં ખૂબ મોટી મદદ પ્રાપ્ત થશે.
આ બધા ઉપરાંત ભદોઈ, મિરઝાપુર, મેગા કાર્પેટ ક્લસ્ટર અને શ્રીનગર કાર્પેટ ક્લસ્ટરમાં વણકરોને આધુનિક શાળ પણ આપવામાં આવી રહી છે. શાળ ચલાવવાનું કૌશલ્ય પ્રાપ્ત થાય તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવી રહી છે. વણકરોના કૌશલ્યોમાં વૃદ્ધિ થાય તે માટે કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે.
સાથીઓ, અગાઉ જ્યારે પણ વણકર ભાઈ-બહેનો સાથે હું વાત કરતો હતો ત્યારે એક વાત ચોક્કસ સાંભળવા મળતી હતી કે આપણાં બાળકો હવે આ કામ સાથે જોડાવા ઈચ્છતા નથી. આનાથી વધુ ગંભીર સ્થિતિ કઈ હોઈ શકે? આજે જ્યારે આપણે કાર્પેટની બાબતમાં દુનિયામાં ટોચના સ્થાને હોઈએ ત્યારે આવનારી પેઢીઓને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનું એટલું જ જરૂરી બની રહે છે.
આ લક્ષ્ય હેઠળ આઈઆઈસીટી ભદોઈમાં કાર્પેટ ટેકનોલોજીમાં બી.ટેક. (B. Tech.) નો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ તાલીમ સંસ્થાઓમાં પણ આ પ્રકારના અભ્યાસ કાર્યક્રમો ચલાવવાની યોજના છે. વણકરોના કૌશલ્યની સાથે સાથે તેમના બાળકોના શિક્ષણ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગરીબ વણકર પરિવારના બાળકોની ફીનો 75 ટકા હિસ્સો સરકાર દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે.
સાથીઓ, તમારી કલા અને શ્રમને રાષ્ટ્રશક્તિ બનાવવા માટે સરકાર કટિબધ્ધ છે. આગામી સમયમાં દેશ માટે, બનારસ માટે, આ પ્રકારનું કલા પ્રદર્શન યોજવા માટે ઘણી તકો પ્રાપ્ત થવાની છે.
આવતા વર્ષે જાન્યુઆરી માસમાં કાશીમાં જે પ્રવાસી ભારતીય સંમેલન યોજાવાનું છે તે પણ પ્રચારનું એક ખૂબ મોટું માધ્યમ પૂરવાર થશે. મને વિશ્વાસ છે કે સમગ્ર દુનિયામાંથી આવેલા વેપારી સાથીઓ અમારા હાથ વણાટની સાથે સાથે અમારી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સ્મૃતિ તથા બદલાતા કાશીનો આનંદ પણ મેળવી શકશે.
ફરી એક વાર આપ સૌને ધનતેરસ, દિપાવલી અને છઠ પૂજાના આગોતરા વધામણાં પાઠવું છું. અને આ સફળ આયોજન માટે તથા કાશીને આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા અપાવવા માટે મંત્રાલયને, મારા વણકર ભાઈઓ અને બહેનોને, આયાત અને નિકાસ સાથે જોડાયેલા તમામ મહાનુભવોને કાશીમાં આવવા માટે અને કાશીની પ્રતિષ્ઠાને કેન્દ્રમાં લાવવા માટે વધુ એક વખત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ…