કેટલાક લોકો વેંકૈયાજીને અભિનંદન પાઠવી રહ્યાં છે, કયા કામ માટે, હું અભિનંદન આપી રહ્યો છું જે આદતો હતી તેમાંથી બહાર નીકળીને નવું કામ કરવા માટે, કારણ કે વેંકૈયાજીને હું જ્યારે સદનમાં જોઉં છું તો તે પોતાની જાતને રોકવા માટે કેટલી મથામણ કરે છે. પોતાની જાતને બાંધવા માટે તેમને જે પ્રયત્ન કરવો પડે છે અને તેમાં સફળ થવું, હું સમજુ છું કે પોતાનામાં જ એક ઘણું મોટું કામ કર્યું છે. સદન જો સારી રીતે ચાલે છે તો ચેર પર કોણ બેઠું છે, તેની પર કોઈનું ધ્યાન નથી જતું. તેનામાં શું ક્ષમતા છે, કોઈ વિશેષતા છે, તે વધારે કોઈના ધ્યાનમાં નથી આવતી અને સદસ્યોનું સામર્થ્ય શું છે, સદસ્યોના વિચાર શું છે તે જ આગળની પાયરીમાં રહે છે. પરંતુ જ્યારે સદન નથી ચાલતું તો માત્ર ચેર પર જે વ્યક્તિ હોય છે તેની જ પર ધ્યાન હોય છે. તે કેવી રીતે શિસ્ત લાવી રહ્યા છે, કેવી રીતે બધાને રોકી રહ્યા છે અને એટલા માટે દેશને પણ ગયા વર્ષે વેંકૈયાજીને નજીકથી જોવાનો અવસર મળ્યો છે. જો સદન બરાબર ચાલ્યું હોત તો કદાચ તે સૌભાગ્ય ન મળ્યું હોત. વેંકૈયાજી સાથે વર્ષો સુધી કામ કરવાનો અવસર મળ્યો અને આપણે એક એવી રાજનૈતિક સંસ્કૃતિમાં ઉછર્યા છીએ કે જ્યારે હું રાષ્ટ્રીય સચિવના સ્થાન પર હતો, તો તેઓ આંધ્રના મહાસચિવ હતા અને જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તો હું તેમની સહાયતામાં એક મહાસચિવ બનીને કામ કરી રહ્યો હતો. એટલે કે એક રીતે ટીમ કેવી રીતે કામ કરી શકે છે, હોદ્દો કોઈપણ હોય, જવાબદારીઓ ક્યારેય ઓછી નથી થતી હોતી. પદભારથી વધુ મહત્વ કાર્યભાર રાખતું હોય છે અને તેને જ લઈને વેંકૈયાજી ચાલતા રહ્યા છે.
હમણાં જણાવવામાં આવ્યું કે વેંકૈયાજીએ એક વર્ષમાં તમામ રાજ્યોમાં ભ્રમણ કર્યું, એક છૂટ ગયું, પરંતુ તે એટલા માટે નહોતું રહી ગયું કારણ કે કાર્યક્રમ નહોતો બન્યો. હેલીકોપ્ટર ન જઈ શક્યું, હવામાને હેરાન કરી દીધા. નહિતર તે પણ થઇ જાત. અમે સદનમાં કામ કરતા હતા, ક્યારેક બેઠક કરીને નીકળતા હતા, ત્યારે જ વિચાર આવતો હતો કે તેમને જરા સંપર્ક કરવામાં આવે, વાત કરવામાં આવે તો ખબર પડતી હતી કે તેઓ તો નીકળી ગયા, કેરલ પહોંચી ગયા, તમિલનાડુ પહોંચી ગયા, આંધ્ર પહોંચી ગયા, એટલે કે સતત જ્યારે પણ જે પણ હોદ્દો મળ્યો તેની માટે તે જવાબદારીને નિભાવવા માટે પોતાની જાતને યોગ્ય બનાવવી, તેની માટે જરૂરી પરિશ્રમ કરવો અને પોતાની જાતને તે હોદ્દાને અનુરૂપ ઢાળવી અને તેનું જ પરિણામ છે, તેઓ સફળતાઓ પ્રાપ્ત કરતા રહ્યા અને તે ક્ષેત્રને પણ સફળ બનાવતા રહ્યા. 50 વર્ષનું સાર્વજનિક જીવન ઓછું નથી હોતું. 10 વર્ષનું સાર્વજનિક જીવન વિદ્યાર્થી તરીકે, તે પણ ચળવળકારીના રૂપમાં અને 40 વર્ષ સીધે સીધું રાજનૈતિક જીવન. અને 50 વર્ષના આ લાંબા કાર્યકાળમાં પોતે પણ ઘણું શીખ્યા, સાથીઓને પણ ઘણું શીખવાડ્યું અને અમે લોકો તેમના સાથીના રૂપમાં કામ કરી રહ્યા છીએ. ક્યારેક કોઈની સાથે એટલું નજીકથી કામ કરીએ છીએ, એટલું નજીકથી કામ કરીએ છીએ કે તેને ઓળખવું જ મુશ્કેલ બની જાય છે, જાણવા જ મુશ્કેલ બની જાય છે. જો તમે કોઈની પાસેથી 10 ફૂટ દૂર ઉભા રહો છો તો ખબર પડે છે પરંતુ જો ગળે લગાડીને બેઠા છો તો ખબર નથી પડતી. એટલે કે અમે નજીક રહ્યા છીએ કે અંદાજો લગાવવો પણ ઘણો મુશ્કેલ બની જાય છે પરંતુ જ્યારે બધા સાંભળે છે કે અમારા સાથીમાં આ સામર્થ્ય છે, આ ગુણ છે તો એટલો ગર્વ થાય છે, એટલો આનંદ થાય છે કે અમે આવા મહાનુભવની સાથે એક કાર્યકર્તાના રૂપમાં કામ કરવાનો એક અવસર મળ્યો છે. તે પોતાનામાં જ એક ઘણા મોટા ગૌરવની વાત છે.
વેંકૈયાજી શિસ્તના ખૂબ આગ્રહી છે અને આપણા દેશની સ્થિતિ એવી છે કે શિસ્તને બિનલોકશાહી કહેવું સરળ બની ગયું છે. કોઈ થોડો પણ શિસ્તનો આગ્રહ કરે, મરી ગયો તે. સ્વયંસેવક છે અને ખબર નહીં આખી ડિક્ષનરી ખોલી નાખે છે. પરંતુ વેંકૈયાજી જે શિસ્તના આગ્રહી છે, તે શિસ્તનું તે પોતે પણ પાલન કરે છે. વેંકૈયાજીની સાથે ક્યારેક મુલાકાત કરવાની હોય તો ઘણું સચેત રહેવું પડે છે. એક તો તેઓ ક્યારેય ઘડિયાળ નથી રાખતા, કલમ નથી રાખતા, તેમની પાસે પેન નથી હોતી અને પૈસા નથી હોતા. ક્યારેય, એટલે કે જો તમે તેમની સાથે ગયા તો સમજી લેવાનું કે તમારી પાસે હોવું જોઈએ. હવે મજાની વાત એ છે કે ક્યારેય ઘડિયાળ નથી રાખતા, પરંતુ કાર્યક્રમમાં સમય પર પહોંચવાના એટલા આગ્રહી છે તે પ્રશંસનીય છે. એકદમ સમય પર કાર્યક્રમમાં જવાનું, અને જો સમય પર કાર્યક્રમ પૂરો ના થયો તો પછી તમે તેમને મંચ પર જુઓ કઈ રીતે તેઓ એટલા વ્યાકુળ થઇ જાય કે તમને લાગે કે બસ હવે જલ્દી કરો ભાઈ. એટલે કે શિસ્ત તેમના સ્વભાવમાં છે અને તેના જ કારણ સ્વરૂપ છે કે જે જ્યારે પણ જે દાયિત્વ મળ્યું તેમાં હંમેશા એક વિઝન સાથે કામ કરવાનું, તેની માટે એક રોડ મેપ બનાવવાનો, એક્શન પ્લાન બનાવવો, વ્યૂહરચના ઘડવી અને તેની માટે સંસાધનો એકઠા કરીને યોગ્ય વ્યક્તિઓને જોડીને તેને સફળ બનાવવામાં આવે. આ આખો તેમનો સમગ્રતયા દ્રષ્ટિકોણ રહે છે.
જ્યારે પહેલીવાર તેઓ મંત્રી બન્યા તો અટલજીના મનમાં કોઈ સારો એવો મોટો વિભાગ તેમને આપવાનો ઈરાદો હતો. અંગ્રેજીથી પણ તેઓ સુપેરે પરિચિત હતા, દક્ષિણને રજૂ કરતા હતા તો અટલજીના મનમાં હતું કે તેમને મંત્રીપરિષદમાં સમાવી લેવા. તેમના કાને વાત પડી. હું તે સમયે મહાસચિવ હતો, તેમણે કહ્યું ભાઈ કેમ મને આમ ફસાવી રહ્યા છો. મે કહ્યું શું થયું, તો કહે આ મારું કામ નથી. મે કહ્યું શું કરશો હવે તમે? તો કહે હું તો અટલજીને જઈને કહી દઈશ. મે કહ્યું જરૂરથી જાવ, જણાવો. અને તમને નવાઇ લાગશે, તેમણે અટલજીને જઈને આગ્રહ કર્યો કે તમે મને આવા મોટા મોટા વિભાગો ના આપશો, મને ગ્રામીણ વિકાસ આપો, હું તેમાં જ મારી જિંદગી ખપાવવા માંગું છું. એટલે કે સારા એવા મોટા સાજસરંજામ વાળા જેમાં એક કિંમત હોય છે તેમાંથી જરા બહાર નીકળીને મારે ગ્રામીણ વિકાસ જોઈએ છે. તેઓ સ્વભાવથી ખેડૂત છે, વૃત્તિ અને પ્રવૃત્તિથી ખેડૂત છે. ખેડૂતની માટે કઈક કરવું, ખેડૂતની માટે કઈક હોવું એ તેમના મનમાં એટલું ભરેલું છે કે તેમણે જીવન પણ એમ જ વિતાવ્યું છે અને તેનું જ કારણ છે કે તેઓ ગ્રામીણ વિકાસમાં રૂચી લેતા હોય છે. જે રીતે અરુણજીએ કહ્યું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સૌથી અસરકારક કાર્યક્રમ છે જે બધી જ સરકારોમાં ચાલે છે. અને બધા જ એમપીના મગજમાં પણ જો સૌથી પહેલી માંગ રહે છે તો તે પોતાના વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જોઈએ. તે તેની જ ફાળવણી ઈચ્છતા હોય છે. એક સમય હતો રેલ્વે જોઈએ, રેલ્વેના સ્ટોપેજ જોઈએ, તેનાથી બહાર નીકળીને પ્રધાનમંત્રી ગ્રામ સડક જોઈએ, એ તમામ સાંસદોના દિલ દિમાગમાં ભરવાનો જો યશ કોઈને જાય છે તો તે શ્રીમાન વેંકૈયા નાયડુજીને જાય છે. તેવું જ પાણી, ગ્રામીણ જીવનમાં પાણી, પેયજળ, એ તેમનું ખૂબ પ્રતિબદ્ધ કાર્ય છે. તેની માટે તેઓ પોતાનો સમય, શક્તિ ખપાવતા રહેતા હતા. આજે પણ સદનમાં એવા વિષયોની ચર્ચા ટળી જાય છે, તો સૌથી વધુ વ્યથિત તેઓ થાય છે, તેમને લાગે છે અરે વિદેશ નીતિના સંબંધમાં એકાદ દિવસ જો ચર્ચા ના પણ થઇ તો જોયું જશે, પરંતુ ગામની વાત આવે છે, ખેડૂતની વાત આવે છે, સદનમાં ચર્ચા તો કરો- શું થઇ રહ્યું છે? એટલે કે આ જે તેમની અંદર બેચેની પેદા થાય છે, તે દેશના સામાન્ય માનવની ભલાઈ માટે તેમની જે આકાંક્ષા છે તેની માટે છે.
વક્તાના રૂપમાં જેમણે તેમને તેલુગુ ભાષામાં સાંભળ્યા હશે, તો તમે તેમની બોલવાની ગતિ, તમારી જાતને મેચ જ નહી કરી શકો. તમને એવું લાગશે જાણે તમે લોકલ ટ્રેનમાં બેઠા છો અને તેઓ સુપર ફાસ્ટ એક્સપ્રેસ ચલાવી રહ્યા છે. એટલું ઝડપથી બોલે છે અને વિચાર પ્રભાવ કયાંથી નીકળે છે, જોવાથી જ ખબર પડે છે. અને તેમની તાર્કિકતા સહજ છે. અને તે સાર્વજનિક ભાષણમાં હોતું નથી… હમણાં જો તેઓ આજુ બાજુમાં પણ બેઠા હોય ત્યારે પણ તેઓ અનુપ્રાસમાં જ વાત કરતા હોય છે. શબ્દોની જોડી તરત જ આવી જાય છે. અને સદનમાં પણ તેનો લાભ દરેક વ્યક્તિને મળી રહ્યો છે. હું એ વાત માટે અભિનંદન આપું છું સમગ્ર ટીમને કે તેમણે આ એક વર્ષનો હિસાબ દેશને આપવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. અને હું માનું છું કે તેની ઉપરથી ધ્યાનમાં આવે છે કે આ હોદ્દા ઉપર, આ સંસ્થાને અપન સમાજના હિત માટે કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય છે, કઈ રીતે તેમાં નવીનતા લાવવામાં આવે છે, કઈ રીતે ગતિ લાવી શકાય તેમ છે, અને આ સંસ્થા પોતાનામાં પણ દેશના અન્ય કામો સાથે કઈ રીતે સહયોગ સાધીને આગળ વધી રહી છે તેનું ચિત્ર આ પુસ્તક દ્વારા દોરવામાં આવ્યું છે.
એક રીતે તો એવું લાગે છે કે ઉપરાષ્ટ્રપતિજીના એક વર્ષના કાર્યકાળની સમીક્ષા છે, પરંતુ જ્યારે જોઈએ છીએ તો લાગે છે કે ફેમીલી આલ્બમમાં આપણે પણ ક્યાંક ને ક્યાંક તો છીએ. કોઈ સાંસદ દેખાય છે, કોઈ વાઈસ ચાન્સેલર દેખાય છે, કોઈ મુખ્યમંત્રી દેખાય છે, કોઈ રાજ્યપાલ દેખાય છે તો તેમની સાથે પણ તે રાજ્યની સાથે પણ દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પણ કઈ રીતે કામના સંબંધમાં સજાગતા સાથે પ્રયાસ કરવામાં આવ્યો, તેના પણ દર્શન થતા હોય છે. હું વેંકૈયાજીને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. અને જે તેમના મનની ઈચ્છા છે કે સદન ખૂબ સારું ચાલે, સદનમાં ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા થાય, સદનમાં આ પ્રકારની વાતો નીકળે જે દેશને કામમાં આવે. તેમનું આ જે સપનું છે મને વિશ્વાસ છે કે તેમના સતત પ્રયાસોથી આ સપનું પણ સાકાર થશે. મારી વેંકૈયાજીને ખૂબ-ખૂબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ આભાર!