બ્રહ્માકુમારી સંસ્થાના તમામ સભ્યો, આંતરરાષ્ટ્રીય સંમેલન અને સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી આવેલા તમામ લોકોનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. અને આપ સૌને મારી તરફથી ઓમ શાંતિ કહીને અભિવાદન કરું છું. પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંસ્થાપક દાદા લેખરાજજી, આજે જરૂર તેમની આત્માને શાંતિ મળતી હશે કે જે વિચારને તેમણે સંસ્થાગત સ્વરૂપ આપ્યું. અને સ્ત્રી શક્તિના માધ્યમથી તેને આગળ વધાર્યું; તે આંદોલનને આજે 80 વર્ષ થઇ રહ્યા છે. આપણા દેશમાં 80 વર્ષનું એક ખાસ મહત્વ માનવામાં આવે છે. દુનિયામાં 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ, 100 વર્ષ; આ તો ઉજવવામાં આવે જ છે, પરંતુ ભારતમાં 80 વર્ષનું એક ખાસ મહત્વ છે. અને જયારે કોઈ વ્યક્તિના જીવનમાં કે સંસ્થાના જીવનમાં 80 વર્ષ થાય છે તો એનો અર્થ છે કે તે સહસ્ત્રચંદ્ર દર્શનનું પર્વ હોય છે. 80 વર્ષની યાત્રામાં વ્યક્તિ કે સંસ્થાએ એક હજાર વાર પૂર્ણ ચંદ્રના દર્શન કરેલા હોય છે.
આજે બ્રહ્મા કુમારી વિશ્વ વિધાલય, દાદા લેખરાજજીના પ્રયત્નો દ્વારા આરંભ થયેલું બ્રહ્મા કુમારી આંદોલન તે સહસ્ત્ર ચંદ્રદર્શનની ઘડી પર છે ત્યારે, વિશ્વની સંપૂર્ણ માનવ જાતિને શીતળતા પ્રદાન કરવાનો તેમનો પ્રયાસ આ અવસરથી નવીન ઊર્જા પ્રાપ્ત કરીને આગળ વધશે.
ગયા વર્ષે દાદી જાનકીજીએ શતાબ્દી પૂરી કરી, એક સો વર્ષનાં છે; અને આજે પણ એક કર્મયોગીની જેમ સમય કાઢીને આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. હું દાદીજીને અહીંથી પ્રણામ કરું છું. બે દિવસ બાદ ચેટી ચંદનું પર્વ ઉજવવામાં આવશે. સમગ્ર હિન્દુસ્તાનમાં સંવત્સરનો અવસર હોય છે. હું આપ સૌને નવ-સંવત્સરની, ચેટી ચાંદની પણ ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.
આપ સૌની વચ્ચે મને ઘણી વાર આવવાનો અવસર મળ્યો છે. આપ સૌનો મારી ઉપર અપાર સ્નેહ રહ્યો છે. એક ઉચ્ચ વિચાર સાથે સંસ્થાના જીવનમાં 80 વર્ષ ઓછો સમય નથી હોતો. આજે વિશ્વની જે સ્થિતિ છે, માનવનો સ્વભાવ બની રહ્યો છે, તેમાં કોઈ સંગઠન કે વ્યવસ્થા;10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી છૂટા પડવાની શરૂઆત થઇ જાય છે. ગાંઠો પડી જાય છે, જૂથ બની જાય છે, એકમાંથી દસ સંસ્થાઓ ઊભી થઇ જાય છે. દાદા લેખરાજજીનો કમાલ રહ્યો કે 80 વર્ષ પછી પણ જે આદર્શો, મુલ્યોને લઈને બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય, બ્રહ્મા કુમારી આંદોલનને ચલાવ્યું, નારી શક્તિને પ્રાધાન્ય આપીને ચલાવ્યું; અને તે અને તે આજે પણ એટલા જ મનોયોગથી, એટલી જ કર્મઠતાથી, એટલી જ એકજૂટતા સાથે વિશ્વભરમાં પોતાનો સંદેશ આપી રહ્યા છે; લાખો કાર્યકર્તાઓની શ્રેણી તૈયાર કરી છે. બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારી, ભારતના અધ્યાત્મના સંદેશને વિશ્વમાં પહોંચાડી રહ્યા છે. આપ સૌ અભિનંદનને પાત્ર છો, આપ સૌનું હું અભિવાદન કરું છું.
મારું એ સૌભાગ્ય રહ્યું છે કે આપ સૌની વચ્ચે આવવાનો અનેક વાર અવસર મળ્યો છે. આપ સૌની પ્રબુદ્ધીને મેં નજીકથી નિહાળી પણ છે. તમારા ચિંતનને મેં સમજવાનો પ્રયાસ પણ કર્યો છે, અને એક સારું સાન્નિધ્ય પણ મને આપ સૌનું મળ્યું છે.
આ દિવસોમાં થોડી વ્યસ્તતા વધારે રહે છે, સમયની તકલીફ રહે છે, એટલા માટે હું રૂબરૂ તો આપ સૌની વચ્ચે નથી આવી શક્યો, પણ મને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. અને બ્રહ્મા કુમારી કાર્ય યોજનાની વિશેષતાઓ રહે છે, આજે એક નવી વિશેષતા તમે દેખાડી છે. પ્રકાશના માધ્યમથી આપ સૌએ અભિવાદન કર્યું છે, અને મને અહિંયા, મારી સામે આપ સૌને ટીવી પર હું જોઈ રહ્યો છું. જે રીતે તમે ટોર્ચ વડે પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કર્યો, ખરેખર તો દાદા લેખરાજજીએ અને આજે દાદીજીના નેતૃત્વમાં જ્ઞાનના પ્રકાશને સમગ્ર વિશ્વભરમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપણે એક એવા દેશના પ્રતિનિધિ છીએ, એક એવા દેશની સંતાન છીએ, જે ક્યારેય પણ પોતાના વિચારોને લાદવામાં વિશ્વાસ નથી કરતા. આપણે એ લોકો છીએ, જે વાતને માનીએ છીએ કે જ્ઞાનને ના તો કોઈ સીમા હોય છે, જ્ઞાનને ના કોઈ સમયના બંધન હોય છે, જ્ઞાનને ના તો પાસપોર્ટની જરૂર છે, જ્ઞાનને ના તો વિઝાની જરૂરિયાત હોય છે. જ્ઞાન એ યુગો યુગો સુધી માનવ સંપદા હોય છે; તે કાલાતીત હોય છે; તે કાલબાહ્ય હોય છે; તે નિત્ય નુતન હોય છે, અને તે જ્ઞાનના માર્ગ પર જ આપણે જીવનના સત્યને જાણી શકીએ છીએ.
બ્રહ્મા કુમારીના માધ્યમથી આ જે નિરંતર પ્રયાસ ચાલી રહ્યો છે અને ભારતની વિશેષતા રહી છે. આ જ દેશ છે જેણે વિશ્વને ડંકાની ચોટ પર કહ્યું છે ઈશ્વર એક છે. વિવિધ રૂપે લોકો તેને જાણે છે, હિન્દુના ભગવાન અલગ; મુસલમાનના ભગવાન અલગ; ઈસાઈના ભગવાન અલગ; પારસીના ભગવાન અલગ; એ આપણું ચિંતન નથી. અને એટલા માટે જ જ્ઞાનના સમયમાં પણ આપણા મહાપુરુષોએ આપણને, આપણા શાસ્ત્રોએ વેદકાળથી આપણને એ જ શીખવાડ્યું છે-
एकमसत, विप्रा: बहुधा वदन्ति
સત્ય એક છે, સંતો તેને જુદા જુદા નામે ઓળખે છે.
અલગ અલગ લોકો તેને અલગ અલગ રૂપે વ્યાખ્યા કરે છે. પરંતુ આપણો જે સત્યના સંબંધમાં દૃષ્ટિકોણ છે તે દૃષ્ટિકોણ તે જ ભાવનાઓથી ભરેલો છે.
મેં સાંભળ્યું કે આજે તમે શાંતિવનમાં એક સોલાર પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. મેં તમારી શાંતિવન સાથે જોડાયેલા દવાખાનામાં પણ ભૂતકાળમાં મને આવવાનો અવસર મળ્યો હતો. ગરીબોની કેવી સેવા થઇ રહી છે મેં મારી આંખે જોયું હતું. તમે જ્યારે સૂર્ય ઊર્જા માટે આટલું કરી રહ્યા છો, અને મને યાદ છે ત્યાં આબુ રોડ પર તમને જે એક પ્રકારે ગતિવિધિનું કેન્દ્ર છે, તેને તો અનેક વર્ષો પહેલાથી જ તમે તેને સૂર્ય ઉર્જાથી ચલાવવાનો નિર્ણય કર્યો હતો; જયારે ગ્લોબલ વોર્મિંગની દુનિયાભરમાં આટલી ચર્ચા નહોતી થતી, ત્યારે તમે કરેલું. તો એટલા માટે તમે લોકો કેટલી દીર્ઘદ્રષ્ટિથી કામ કરી રહ્યા છો, તેનું આ ઉદાહરણ છે. અને મને વિશ્વાસ છે કે આપના માર્ગદર્શનમાં દેશમાં એક એવી ઊર્જાક્રાંતિ આવી રહી છે, માનવ જીવનમાં એક એવી ઊર્જા ક્રાંતિ આવી રહી છે; આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ કે પ્રકૃતિમાં સૌર ઊર્જાનું જેટલું મહત્વ છે, તેટલું જ વ્યક્તિત્વમાં શૌર્ય ઊર્જાનું મહત્વ છે. અને જયારે ઓજસ હોય, તેજ હોય, સામર્થ્ય હોય, સંકલ્પ હોય, તો વ્યક્તિત્વ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરી લે છે. આજે તમારો 3 મેગા વોટ સોલર એનર્જી આબુ જેવા સ્થાન પર આ પ્રયાસ ખુબ જ પ્રેરક બનશે, એવો મારો વિશ્વાસ છે.
।પાડોશમાં ગુજરાતમાં સૂર્ય ઊર્જામાં એક ખુબ મોટી શરૂઆત થઇ હતી. ભારતની અંદર સૂર્ય ઊર્જાના સંબંધમાં અલગ રીતે વિચારવા માટે દેશની બધી જ સરકારોને પ્રોત્સાહિત હરી હતી. ગુજરાત સરકારનો પ્રયોગ ખુબ સફળ રહ્યો. અને આજે શાંતિવન પણ આ સૌર ઊર્જાની સાથે જોડાઈ રહ્યું છે, આ પ્રકૃતિની રક્ષાનું કામ છે. અને તમે તો શાંતિવનમાં સોલર પ્લાન્ટથી એક દિવસમાં 38 હજારથી વધુ લોકોનું ભોજન બનાવવાનું શક્ય બનશે. આ પોતાનામાં જ પ્રકૃતિની રક્ષા માટે કેટલું મોટું કામ કરી રહ્યા છે. તમારા દ્વારા સોલાર ફાનસ, હોમ લાઈટીંગ સીસ્ટમ, સોલર કુકિંગ બોક્ષ, તેને પણ ઘરે ઘરે પહોંચાડવાનું એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. તો એક ઘણો મોટો બદલાવ સમાજમાં લાવવાનો પ્રયાસ તમારા દ્વારા થઇ રહ્યો છે. માત્ર આધ્યાત્મિક વાતો જ નહિ, પરંતુ પ્રકૃતિની સાથે જીવીને ગરીબમાં ગરીબ વ્યક્તિના જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકાય તેમ છે, તે દિશામાં પ્રયાસ કર્યો છે.
ભારત પણ દુનિયા જે સંકટ સામે લડી રહી છે, ગ્લોબલ વોર્મિંગથી, તેમાં દુનિયા માટે ભારત કઈ રીતે કામ આવી શકે છે, ભારતે સંકલ્પ કર્યો છે- 2030 સુધીમાં એટલે કે આજથી 13 વર્ષની અંદર અંદર ભારતની જે કૂલ ઊર્જા છે, જરૂરિયાત છે, તેમાં 40 ટકા 40 ટકા, તેની પૂર્તિ બિન અશ્મિભૂત ઇંધણ આધારિત, પુનઃપ્રાપ્ય ઊર્જા વડે જ કરવાનો અમારો લક્ષ્યાંક છે.
2022, ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે, અને જયારે ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે 2022માં આપણે સોલારના ક્ષેત્રમાં શું નવીનતા લાવી શકીએ છીએ, પુનઃપ્રાપ્ય ઊર્જામાં શું શરૂઆત કરી શકીએ છીએ, ભારતે સંકલ્પ કર્યો છે 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનો. બહુ મોટો લક્ષ્યાંક છે. સરકાર, સમાજ, સંસ્થાઓ જે રીતે આજે તમે 3 મેગા વોટ લઈને આવ્યા છો, જેટલો વધારે આપણે ઉપયોગ કરીશું, માનવ જાતિની, પ્રકૃતિની, પરમાત્માની ખુબ મોટી સેવા થવાની છે. આ કામમાં તમે પણ જોડાયેલા છો, હું આપ સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું, અને આમ તો તમે પ્રકૃતિની રક્ષા માટે અનેક કામો પણ કરી રહ્યા છો; તેનાથી પણ ઘણા લાભ મળશે. તેનાથી પણ ફાયદો મળશે.
તે જ રીતે વૃક્ષોની દિશામાં પણ તમારું કામ, આપણે ત્યાં તો છોડવાઓને જ પરમાત્મા માનવામાં આવે છે. હરિત ક્રાંતિ, દુગ્ધ ક્રાંતિ, ઊર્જા ક્રાંતિ, અનેક એવા કામો છે જે પ્રકૃતિની રક્ષા કરશે, માનવને પણ એક નવી દિશા આપશે, તેની ઉપર તમે કામ કરી રહ્યા છો. હું આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. તમારા દ્વારા, એ જાણવા મળશે કે ભારત સરકારે એક શરૂઆત કરી છે ઊર્જાની બચત માટે એલઈડી બલ્બની. આ એલઈડી બલ્બ કરોડોની સંખ્યામાં આજે લગભગ લગભગ 22 કરોડ એલઈડી બલ્બ, નગર પાલિકાઓએ, લોકોએ પોતાના ઘરોમાં લગાવ્યા છે અને તેનાથી લગભગ લગભગ 11 હજાર કરોડ રૂપિયાની બચત સામાન્ય માનવીને થાય છે.
તમારા બ્રહ્મા કુમારીના 8500 કેન્દ્રો છે, લાખો કાર્યકર્તાઓ છે. જેમ તમે સોલાર એનર્જી દ્વારા એક દિશા આપી છે, ઘરે ઘરે એલઈડી બલ્બ માટે પણ તમારા બધા જ બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારીઓ દેશમાં એક જાગૃતિ લાવી શકે છે. તેના કારણે ઊર્જાની બચત થશે, ગરીબ માણસના ખિસ્સામાં પૈસા બચશે, સામાન્ય માનવીના ખિસ્સામાં પૈસા બચશે, મ્યુનિસિપલીટી, કોર્પોરેશનના પૈસા બચશે; તેને વધુ કામમાં લાવી શકાય તેમ છે. અને જે એક સમયમાં 400 500માં એલઈડી બલ્બ વેચાતો હતો, આજે 50-60-70 રૂપિયામાં એલઈડી બલ્બ મળી રહ્યા છે. તો એક મોટું કામ બ્રહ્મા કુમારી દ્વારા સમાજમાં જે ચાલી રહ્યું છે તેમાં આ કામને પણ જોડી શકાય છે.
આજે આપણે આયાતી ડિઝલ – પેટ્રોલ પર નિર્ભર રહીએ છીએ, જો આપણે પવનઊર્જા, પાણી વડે ઊર્જા, સૂર્ય શક્તિથી ઊર્જા, તેની ઉપર જો આપણે ભાર મુકીશું તો ભારતને આ બહારથી પેટ્રોલિયમ માટે આટલા રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે; અરબો ખરબો રૂપિયા જઈ રહ્યા છે, તે બચી જશે જે હિન્દુસ્તાનના ગરીબના કામમાં આવશે. તે દિશામાં તમારું આ યોગદાન પોતાનામાં જ એક સાચી દિશાનું કામ છે. અને એટલા માટે જ તમે અભિનંદનના અધિકારી છો.
આપણા શાસ્ત્રોએ આપણને પ્રકૃતિનું શોષણ કરવાનો હક નથી આપ્યો. પ્રકૃતિનું શોષણ એ આપણા ત્યાં ગુનો માનવામાં આવે છે. આપણને પ્રકૃતિનું સિંચન, પ્રકૃતિનું દોહન કરવાનો જ હક છે અને તે કામ કરવામાં તમારો પ્રયાસ જરૂરથી કામ આવશે.
બ્રહ્મા કુમારી સંસ્થાનો મંત્ર – ‘એક ઈશ્વર, એક વિશ્વ પરિવાર’ આ મૂળભૂત રીતે આપણા દેશનું જ ચિંતન છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ કદાચ દુનિયામાં આટલા વિશાળ, વ્યાપક અને ચિરંતર વિચાર આ ધરતીથી જ ઉત્પન્ન થયા છે. સમય સમય પર તેની વાક્ય રચના અલગ હશે, અભિવ્યક્તિ અલગ રહી હશે અને એટલા માટે ભારત વિશ્વમાં ન્યાય, ગરિમા, અવસર અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહે છે. ભારતના જ પ્રયાસો વડે આજે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સના માધ્યમથી પ્રકૃતિની રક્ષા માટે એક આંદોલન ચાલી રહ્યું છે અને દુનિયાના દેશો આપણી સાથે જોડાઈ રહ્યા છે. આજે જયારે બધા લોકો ત્યાં મળ્યા છે ત્યારે, તમે 80 વર્ષ ઉજવી રહ્યા છો ત્યારે, હું તમને એક આગ્રહ કરીશ અને આજે અહીંથી જતા પહેલા, આટલો મોટો સમારોહ થઇ રહ્યો છે, દેશભરના લોકો ત્યાં આવ્યા છે, ત્યારે તમે પણ કંઈક વિચારો કે 2022, ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. દેશની આઝાદી માટે મરી ફીટનારાઓએ જે સપના જોયા હતા, શું આપણા સૌની જવાબદારી નથી કે એ સપનાઓને પુરા કરવા માટે કંઈક કરીએ? સામુહિક રીતે કરીએ? સંકલ્પ લઈને કરીએ? સાચી દિશામાં પ્રયાસ કરીએ? અને દુનિયાની આટલી મોટી વસતીમાં જો તેના જીવનમાં બદલાવ લાવીએ છીએ તો વિશ્વનું કલ્યાણ કરવાનો પણ એક બહુ મોટો આધાર બની શકે છે. આજે જયારે તમે લોકો આટલી મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા છો, 2022 સુધીમાં બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલયના માધ્યમથી, બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારીઓના માધ્યમથી, વિશ્વમાં ફેલાયેલા બ્રહ્મા કુમારી સંગઠનના માધ્યમથી, ભારતમાં આઠ હજારથી વધુ તમારી માપણીના માધ્યમથી; બે, ત્રણ, પાંચ, સાત; જે પણ તમને યોગ્ય લાગે, તમે સંકલ્પ કરો. 2022 સુધીમાં તેને પૂરું કરીને રહીશું, તેનો તમે નિર્ણય કરો. જુઓ તમારું કેટલું મોટું યોગદાન થશે. જે ભારત આ રીતે…..થઇ રહ્યું છે તેમાં તમે પણ ઊર્જા ભરી દેશો, એવો મને વિશ્વાસ છે.
હવે પાછલા દિવસોમાં તમે લોકોએ જોયું છે કે નોટબંધી પછી ભ્રષ્ટાચાર અને કાળા નાણાની વિરુદ્ધ એક નિર્ણાયક લડાઈ કરી અને અમે આગળ વધ્યા છીએ. દેશને ફરીથી એક વાર કાળા નાણા તરફ જતું અટકાવવામાં ડિજીટલ ટેકનિક ઘણું મોટું કામ કરી શકે છે. રોકડાની લેણ-દેણ જેટલી ઓછી હોય, જેટલી વધારે ડિજીટલ કરન્સીનો ઉપયોગ હોય, આપણે દેશમાં એક રુપતાવાળી વ્યવસ્થાને વિકસિત કરી શકીએ છીએ. શું બધા જ બ્રહ્મા કુમાર, બ્રહ્મા કુમારી, જ્યાં જ્યાં તેમનો પ્રભાવ છે; પોતાના મોબાઇલ ફોન પર ભીમ એપ ડાઉનલોડ કરીને નાના નાના વેપારીઓને ડિજીટલ લેણ-દેણ માટે, રોકડાથી મુક્તિની દિશામાં જવા માટે પ્રયાસ કરી શકે છે? હું આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, ભલે ટેકનોલોજીના માધ્યમથી આવ્યો છું, પણ મારો તમારી સાથે એવો તો સંબંધ રહ્યો છે કે હું તમને હકથી પણ કહી શકું છું કે બ્રહ્મા કુમારી દ્વારા આ કામને જોર આપવામાં આવે અને દેશમાં પરિવર્તનના સૂત્રધારના રૂપમાં તમારી આટલી મોટી સંસ્કારિત જે માનવ શક્તિ છે તે કામમાં આવે.
બ્રહ્મા કુમારીના આંદોલનમાં બ્રહ્મા કુમાર તો છે જ પણ બ્રહ્મા કુમારી ઘણી સક્રિય છે. આપણા દેશમાં આજે પણ લાખોની સંખ્યામાં એવા બાળકો છે જે રસીકરણથી વંચિત છે. અને રસીકરણથી વંચિત હોવાના લીધે તેઓ કોઈ ને કોઈ ગંભીર બીમારીના શિકાર બની જાય છે. માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, તે ચિંતાનો વિષય હોય છે. કુપોષણ ચિંતાનો વિષય હોય છે. એક ઇન્દ્રધનુષ યોજના હેઠળ ભારત સરકાર રસીકરણને એક બહુ મોટું, ઘર ઘરને એક પ્રતિબદ્ધતા સાથે જવાબદારી નક્કી કરવા માગે છે. જયારે પણ રસીકરણનો કાર્યક્રમ હોય આપણા બ્રહ્મા કુમાર અને બ્રહ્મા કુમારીઓ એક સ્વયંસેવકના રૂપમાં તેની સાથે જોડાઈ જાય, નાના નાના બાળકોની જિંદગી બચાવવા માટે કામમાં આવી જાય, કેટલી મોટી સેવા થશે આ! અને તમે તો આ જ સેવાધર્મ સાથે જોડાયેલા છો. જો તમે આને લઇ લો તો ઘણું મોટું કામ કરી શકો તેમ છો.
હું આજે બીજા એક કામ માટે પણ તમને આગ્રહ કરું છું. બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય, જો તે વિશ્વ વિદ્યાલય છે; તો શું તમે એક એવો ઓનલાઈન કોર્સ શરુ કરી શકો છો ખરા? અને જેમાં હિન્દુસ્તાનના લોકોને ઓનલાઈન પરીક્ષા માટે પ્રેરિત કરવામાં આવે, પ્રમાણપત્ર કોર્સ કરો, શિક્ષિત કરો, પરીક્ષા લો, અને તે વિષય મારા મનમાં છે, પોષણ. પોષણના વિષયમાં આપણે ત્યાં અજ્ઞાનતાનો પણ એક બહુ મોટો દુર્ભાવ છે. આ ઉંમરમાં શું ખાવું જોઈએ, શરીર માટે કઈ વસ્તુની જરૂર છે, તે જ્ઞાનનો પણ અભાવ છે. બે ટાઈમ પેટ ભરી લીધું એટલે કામ પૂરું થઇ ગયું, આવી એક વિચારધારા છે. જેમની આર્થિક સ્થિતિ સારી છે, બંને સમય સારું ભોજન ખાઈ શકે છે તો તેને પણ તેની ખબર નથી કે શું ખાવું, શું ના ખાવું અને ક્યારે ખાવું; કેવી રીતે ખાવું. જો બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય શરીરના પોષણ માટે કઈ કઈ ચીજવસ્તુઓની જરૂરિયાત છે, શરીરમાં કઈ વસ્તુની કમી હોય તો કેવી રીતે નુકશાન થઇ શકે છે. જો એક પ્રમાણપત્ર કોર્સ, ઓનલાઈન ટ્રેનિંગ, ઓનલાઈન પરીક્ષા, શું આવું આખું આંદોલન તમે ઊભું કરી શકો છો ખરા? હિન્દુસ્તાનની બધી જ યુનિવર્સીટીઓને તમારી સાથે જોડી શકો છો ખરા? તમે એક એવું સંગઠન છો જેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. સક્રિય ભૂમિકા પણ મહિલાઓની છે. અને પોષણની સમસ્યાનું જો સમાધાન કરવું હોય તો, આપણા બાળકોને કુપોષણથી બહાર કાઢવા હોય તો તમે ઘણું મોટું યોગદાન આપી શકો છો. હું તમને આગ્રહ કરું છું કે તમે આની ઉપર વિચાર કરો. હું ભારત સરકારને પણ કહીશ, રાજ્ય સરકારોને પણ આગ્રહ કરીશ કે જો તમે આ કામને લઈને આગળ આવો છો તો જરૂરથી તેઓ પણ તમને યોગ્ય માર્ગદર્શન આપશે; જે પણ મદદ કરવી જોઈએ; તેઓ તે કરશે. પણ એક આંદોલન આપણે ઊભું કરી શકીએ છીએ.
આપણા 9,10,11,12- આ ધોરણમાં ભણનારી બાળકીઓ, જો પોષણના સંબંધમાં શિક્ષિત હશે; તો જયારે પણ પરિવારનો કારોબાર સંભાળશે, રસોડામાં તેમનું રાજ રહેવાનું જ છે. તેઓ વ્યવસાયમાં જશે તો પણ રસોડામાં તેમની વાત ચાલવાની જ છે. તમે વિચારી શકો છો કે કેટલો મોટો બદલાવ લાવી શકો છો. અને આ કામ તમારા માધ્યમથી ખુબ જ સારી રીતે થઇ શકે છે. અને હું તેના માટે 2022 એક સંકલ્પ લેવા માટે તમને આમંત્રિત કરું છું.
ભારત સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેક પગલા ભર્યા છે. હમણા તમે જોયું હશે કે કેટલાક દિવસો પહેલા જે આપણી વર્કિંગ વીમેન ક્લાસ જે છે આખી, ડીલીવરી પછી, પ્રસૂતિ પછી પહેલા તેમને માત્ર 12 અઠવાડિયાની રજા મળતી હતી, અમે તેને 12 અઠવાડિયાથી 26 અઠવાડિયા કરી આપ્યા છે જેથી તે પોતાના બાળકની સારસંભાળ કરવાની જયારે સૌથી વધારે જરૂર હોય છે તો મા પોતાના બાળક સાથે રહી શકે, પૂરો સમય આપી શકે, અને તે સમય પ્રારંભના જે કેટલાક મહિના હોય છે; જે બાળકની જીંદગીમાં ઘણા મહત્વના હોય છે, સંતાનની જીંદગીમાં ઘણા મહત્વના હોય છે. માની હાજરી ઘણો મોટો ફાળો આપી શકે છે. અને દુનિયામાં કદાચ તે બે કે ત્રણ જ દેશો છે જે 26 અઠવાડિયાથી વધારેની રજા આપતા હશે. દુનિયાના સમૃદ્ધ અને પ્રગતિશીલ દેશો પણ 26 અઠવાડિયાની રજા નથી આપતા, ભારતે આટલો મોટો નિર્ણય કરી લીધો છે! કારણકે આપણી માતાઓ-બહેનોનું સશક્તિકરણ દેશના સશક્તિકરણમાં એક નવી ઊર્જા ભરી શકે છે, નવી ગતિ ભરી શકે છે, અને પરિણામની દ્રષ્ટીએ ખાસ્સી સફળ યાત્રા તરફ આપણને લઇ જઈ શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, ગર્ભવતી મહિલાઓ માટે બેંક ખાતાથી ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવાની યોજના હોય, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હોય. હમણા ઉજ્જવલા યોજના હેઠળ એક મોટું અભિયાન ચલાવ્યું છે. આપણી ગરીબ મા-બહેનો લાકડાનો ચૂલો સળગાવીને ખાવાનું બનાવે છે તો એક દિવસમાં તેના શરીરમાં 400 સિગરેટનો ધૂમાડો જાય છે. બાળકો રમતા હોય છે તેમના શરીરમાં પણ ધૂમાડો જાય છે. આપણી મા-બહેનોની તબિયતની શું હાલત થતી હશે? ભારત સરકારે એક બહુ મોટી શરૂઆત કરી છે કે આપણે આ ગરીબ માતાઓને ખાવાનું બનાવવા માટે લાકડાના ચૂલામાંથી મુક્તિ અપાવવાની છે. અને લાકડાના ચૂલામાંથી મુક્તિ અપાવવા માટે એલપીજી ગેસ સિલિન્ડરનું કનેક્શન આપવું એક બહુ મોટું આંદોલન ચાલ્યું. પાછલા દસ મહિનાથી આ આંદોલન ચલાવ્યું છે, અત્યાર સુધીમાં લગભગ લગભગ બે કરોડ પરિવારોમાં ગેસના સિલિન્ડર પહોચી ગયા છે, ગેસનો ચૂલો સળગી રહ્યો છે, લાકડાના ચુલાથી ધુમાડાથી તેમને મુક્તિ મળી ગઈ છે. અને આ ત્રણ વર્ષમાં 5 કરોડ પરિવારોમાં પહોંચાડવાનો સંકલ્પ છે.
આપણી માતૃશક્તિ, આપણી મહિલા શક્તિ, તેમને કઈ રીતે મદદ મળશે, તેની ઉપર અમારો ભાર ચાલી રહ્યો છે. બ્રહ્મા કુમારી દ્વારા આમાં ઘણું મોટું યોગદાન થઇ શકે તેમ છે. હું તમને આગ્રહ કરવા માગું છું કે તમે પણ સક્રિયતાથી આવા કામો કરો; કારણ કે તમે કરો જ છો; અનેક પ્રકારના કામો તમે કરો જ છો. સક્રિયતાથી જો તમે આ કામોને જોર આપશો, એક બહુ મોટું પરિણામ લાવવામાં તમારું યોગદાન બનશે.
આજે મને ફરી તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. પ્રકૃતિની રક્ષા, માત્ર શક્તિની રક્ષા, બાળકોની જીંદગીમાં બદલાવ લાવવાનો પ્રયાસ, આ બધી વાતો પોતાનામાં જ એક ઘણી મોટી અમાનતના રૂપમાં છે. અને હું તમને, તમારી વચ્ચે આવ્યો, તમારો આ સમાગમ દુનિયાના જયારે બધા જ દેશોથી લોકો આવ્યા છે ત્યારે, ભારતના આ મહાન ચિંતનનો વિચાર લઈને જશે, જ્ઞાનનો પ્રકાશ બધે દૂર પહોંચશે, માનવ કલ્યાણ માટે કામ આવશે, અને દાદા લેખરાજજીએ જે કામનો પ્રારંભ કર્યો હતો, તમારા પ્રયત્નોથી તેને એક નવીન ઊર્જા મળશે.100 વર્ષ પછી પણ આટલો કઠોર પરિશ્રમ, દાદીનું જીવન નવી પેઢીને પ્રેરણા આપતું રહેશે, એક નવી ઊર્જા સાથે લોકોને કામ કરવાની તાકાત મળતી રહેશે.
અને જયારે સ્વચ્છ ભારત અભિયાન હું ચલાવી રહ્યો હતો તો દાદીજી અમારાં એમ્બેસેડર રહયાં છે. દાદીજીએ બ્રહ્મા કુમારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને બળ આપ્યું છે. અને મને વિશ્વાસ છે કે સફેદ વસ્ત્રોમાં આપણા જે બ્રહ્મા કુમાર, બ્રહ્મા કુમારીઓ છે, તેઓ સ્વચ્છતાના આંદોલનને ઘણી તાકાત આપી શકે છે.
2022 સુધીમાં આવા કંઈક સંકલ્પો લઈને ચાલીએ. 2019 મહાત્મા ગાંધીને 150 વર્ષ થઇ રહ્યા છે. જયારે ગાંધીને 150 વર્ષ થઇ રહ્યા છે તો ભારતમાં સ્વચ્છતાના વિષયમાં જન જનની આદત કેવી રીતે બને, આ આંદોલન આદતમાં કેવી રીતે પરિવર્તિત થાય, તેને આપણે પરિણામ પર લઇ જવાનું છે.
હું આજે આપ સૌની વચ્ચે આવ્યો છું તો હું તમને કેટલીક વાતો માટે આગ્રહ કરી રહ્યો છું. અને મને વિશ્વાસ છે કે તમે તે કરીને બતાવશો. તમારી પાસે સામર્થ્ય છે, સંગઠન છે, સંકલ્પ છે. પવિત્ર કાર્યથી પ્રેરિત તમે લોકો છો. તમારી પાસેથી પરિણામ મળવાની સંભાવના છે. હું ફરી એક વાર વિશ્વભરમાંથી આવેલા તમામ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું અને આ જ્ઞાનનો પ્રકાશ બધે દૂર દૂર સુધી ફેલાવવામાં તમારું પણ યોગદાન મળતું રહે એવી આશા.
આપ સૌની વચ્ચે આવવાનો મને મોકો મળ્યો છે, હું આપ સૌનો ખુબ ખુબ આભારી છું, આપ સૌને મારી તરફથી ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.