મહામહિમ ઈઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી, મહામહિમ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી, સમગ્ર વિશ્વમાંથી આવતા આદરણીય મંત્રીગણ, મારા મંત્રીમંડળના સાથીઓ, મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ અને નામાંકિત મહેમાનો, પોતાનો સંદેશ આપવા બદલ હું મહામહિમ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું.
રી-ઇન્વેસ્ટના ત્રીજા સંસ્કરણનો ભાગ બનતા આપ સૌને જોવા એ અત્યંત હર્ષની બાબત છે. પૂર્વની આવૃત્તિઓમાં, આપણે પુનઃપ્રાપ્ય ઊર્જામાં મેગાવોટથી ગીગાવોટમાં જવા માટેની આપણી યાત્રાના આયોજનો વિષે વાત કરી હતી. આપણે સૂર્ય ઉર્જાને વિસ્તૃત બનાવવા માટે “એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ” વિષે પણ ચર્ચા કરી હતી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં આમાંથી અનેક આયોજનો વાસ્તવિકતા બની રહ્યા છે.
મિત્રો,
છેલ્લા 6 વર્ષમાં ભારત અપ્રતિમ યાત્રા પર જઈ રહ્યું છે. અમે ભારતના પ્રત્યેક નાગરિકની પાસે પોતાની સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટે વીજળીની પહોંચ હોય તે બાબતની ખાતરી કરવા માટે અમારી ઉત્પાદન ક્ષમતા અને નેટવર્કને વિસ્તારી રહ્યા છીએ. આ સાથે જ અમે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના માધ્યમથી પણ ઊર્જાના ઉત્પાદનને તીવ્ર વેગથી વિસ્તૃત કરી રહ્યા છીએ. હું આપ સૌને કેટલાક તથ્યોથી અવગત કરાવવા ઇચ્છીશ.
આજે, ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા એ વિશ્વમાં 4થી સૌથી વિશાળ ક્ષમતા છે. તે તમામ મોટા દેશોની વચ્ચે સૌથી વધારે ઝડપથી વિકસી રહી છે. ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા વર્તમાન સમયમાં 136 ગીગા વોટ છે કે જે આપણી કુલ ક્ષમતાના 36 ટકા જેટલી છે. 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાનો ભાગ 220 ગીગા વોટ કરતાં વધુ થઈ જશે.
તમને જાણીને ખુશી થશે કે અમારી વાર્ષિક પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં થતો ઉમેરો એ વર્ષ 2017થી કોલસા આધારિત થર્મલ ઉર્જાને પાર કરી રહ્યો છે. છેલ્લા 6 વર્ષમાં, અમે અમારી સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા અઢી ગણી વધારી દીધી છે. છેલ્લા 6 વર્ષમાં સ્થાપિત સૂર્ય ઉર્જા ક્ષમતા 13 ગણી વધી ગઈ છે.
મિત્રો,
પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ એ જળવાયુ પરિવર્તન વિરુદ્ધની લડાઈ માટેની અમારી પ્રતિબદ્ધતા અને દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. એવા સમયમાં પણ કે જ્યારે તે પોસાય તેમ નહોતું ત્યારે પણ અમે પુનઃપ્રાપ્ય ઉર્જામાં રોકાણ કર્યું હતું. હવે અમારું રોકાણ અને સ્કેલ ખર્ચને ઘટાડી રહ્યા છે. અમે વિશ્વને બતાવી રહ્યા છીએ કે સુયોગ્ય પર્યાવરણ નીતિઓ પણ સુયોગ્ય અર્થતંત્ર હોઇ શકે છે. આજે, ભારત એ કેટલાક એવા દેશો પૈકીનું એક છે કે જેઓ 2 ડિગ્રી કમ્પ્લાયન્સ લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર અગ્રેસર છે.
મિત્રો,
વધુ સ્વચ્છ ઊર્જાના સંસાધનો તરફનો અમારો વળાંક પહોંચ, અસરકારકતા અને ઉત્ક્રાંતિના અભિગમ વડે સંચાલિત છે. જ્યારે હું વીજળી પૂરી પાડવાની વાત કરું છું તો તમે આંકડામાં તેના સ્કેલનો અંદાજો લગાવી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં 2.5 કરોડ અથવા 25 મિલિયનથી વધુ પરિવારોને વીજળીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. જ્યારે હું ઉર્જા કાર્યક્ષમતાની વાત કરું છું, ત્યારે અમે આ મિશનને માત્ર એક મંત્રાલય અથવા વિભાગ પૂરતું જ મર્યાદિત નથી રાખ્યું. અમે એ બાબતની ખાતરી કરી છે કે તે સંપૂર્ણ સરકારનું લક્ષ્ય બને. અમારી બધી જ નીતિઓમાં ઉર્જા કાર્યક્ષમતા હાંસલ કરવાની વિચારણા સમાવિષ્ટ છે. તેમાં એલઇડી બલ્બ, એલઇડી સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ મીટર, પુશ ટુ ઇલેક્ટ્રિક વિહીકલ્સ અને ટ્રાન્સમિશન નુકસાનના ઘટાડાનો સમાવેશ થાય છે. જ્યારે હું ઉર્જા ઉત્ક્રાંતિની વાત કરું છું તો પીએમ કુસુમ ( PM-KUSUM) સાથે અમે ખેતરોને સિંચાઇ આપવા માટે સૂર્ય આધારિત ઉર્જા પૂરી પાડીને અમારા કૃષિ ક્ષેત્રને ઉર્જા આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.
મિત્રો,
ભારત એ પ્રકારની સતત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં સતત રોકાણ માટે પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં, ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં અંદાજે 5 લાખ કરોડ રૂપિયાનું અથવા 64 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરી દેવામાં આવ્યું છે. અમે ભારતને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માંગીએ છીએ.
તમારે ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં શા માટે રોકાણ કરવું જોઈએ તે માટેના હું અનેક કારણો આપીશ. ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા માટે ખૂબ જ ઉદાર વિદેશી રોકાણ નીતિઓ ધરાવે છે. વિદેશી રોકાણકારો પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત ઉર્જા ઉત્પાદન પ્રોજેક્ટ્સની સ્થાપન કરવા માટે તેમની પોતાની જાતે અથવા ભારતીય ભાગીદાર સાથે સહયોગ કરીને રોકાણ કરી શકે છે. ભારત એ સતત પુનઃપ્રાપ્ય પાસેથી 24 કલાક 7 દિવસ ઉર્જા પૂરી પાડવા માટે ઇનોવેટિવ બિડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ માટે સોલર વિન્ડ હાઇબ્રીડ પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યા છે.
સ્થાનિક રીતે ઉત્પાદન કરવામાં આવેલ સોલર સેલ અને મોડ્યુલ્સની માંગ એ આગામી ત્રણ વર્ષમાં 36 ગીગાવોટની થવાની સંભાવના છે. અમારી નીતિઓ ટેકનોલોજી ક્રાંતિને સમાંતર છે. અમે વ્યાપક રાષ્ટ્રીય હાઈડ્રોજન એનર્જી મિશનનો પ્રારંભ કરવાની દરખાસ્ત મૂકી રહ્યા છીએ. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પીએલઆઈની સફળતા બાદ અમે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સોલર મોડ્યુલ્સને પણ આ જ પ્રકારના પ્રોત્સાહકો આપવાનું નક્કી કર્યું છે. “વેપાર કરવાની સરળતા”ની ખાતરી કરવી એ અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે રોકાણકારોને સુવિધા પૂરી પાડવા માટે તમામ મંત્રાલયોમાં સમર્પિત પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ્સ અને એફડીઆઇ સેલ્સની સ્થાપના કરી છે.
આજે, ભારતમાં તમામ ગામડાઓ અને લગભગ દરેક પરિવારો પાસે વીજળી ઉપલબ્ધ છે. આવતીકાલે, તેમની ઉર્જાની માંગમાં વધારો થશે. આ રીતે, ભારતમાં ઉર્જાની માંગ સતત વધતી રહેશે. આગામી દાયકા માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્થાપના માટેના વિશાળ આયોજનો અમારી પાસે છે. તે દર વર્ષે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા અથવા 20 બિલિયન ડોલરની કિંમતના વ્યવસાયની સંભાવનાઓ ઉત્પન્ન કરવાની શક્યતા છે. ભારતમાં રોકાણ કરવાની આ મોટી તક છે. હું રોકાણકારો, ડેવલપર્સ અને ઉદ્યોગોને ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા યાત્રામાં જોડાવા માટે આમંત્રિત કરું છું.
મિત્રો,
આ કાર્યક્રમ ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના શેરધારકોને સર્વશ્રેષ્ઠ વૈશ્વિક ઉદ્યોગ, નીતિ નિર્માતાઓ અને શિક્ષણવિદો સાથે જોડે છે. મને વિશ્વાસ છે કે આ કોન્ફરન્સ ફળદાયી ચર્ચાઓનું નિર્માણ કરશે કે જે ભારતને એક નવીન ઉર્જા ભવિષ્યનું સુકાન સંભાળવામાં મદદ કરશે.
તમારો આભાર.