આત્મનિર્ભર ભારતનો જુસ્સો વર્તમાન યુવા પેઢીના મૂડીને સુસંગત છેઃ પ્રધાનમંત્રી
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમનો વિજય નવીન યુવા ભારતના જુસ્સાનું પ્રતીક છેઃ પ્રધાનમંત્રી
એનઇપી આપણી શૈક્ષણિક વ્યવસ્થાને ડેટા અને ડેટા-વિશ્લેષણ માટે તૈયાર કરશેઃ પ્રધાનમંત્રી

નમસ્કાર

આસામના ગવર્નર પ્રોફેસર જગદીશ મુખીજી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી, તેજપુર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. વી. કે. જૈનજી, ફેકલ્ટીના અન્ય સભ્યો અને તેજપુર યુનિવર્સિટીના તેજસ્વી, પ્રતિભાવાન મારા વ્હાલા, વિદ્યાર્થીઓ. આજે 1200થી વધુ વિદ્યાર્થીઓને જીવનભર યાદ રહી જાય તેવી ક્ષણો છે. તમારા શિક્ષકો, પ્રોફેસરો તથા તમારા માતા- પિતા માટે પણ આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારી કારકિર્દી સાથે તેજપુર યુનિવર્સિટીનું નામ હંમેશને માટે જોડાઈ ગયું છે. તમે આજે જેટલા પણ ખુશ છો, તેટલો ખુશ હું પણ છું. આજે તમે તમારા ભવિષ્ય માટે જેટલી આશાથી સભર છો, તેટલો જ મારો તમારા સૌ ઉપર અપાર વિશ્વાસ છે. મને આ બાબતનો પૂરો ભરોસો છે કે તમે તેજપુરમાં નિવાસ કરીને યુનિવર્સિટીમાં જે શિક્ષણ મેળવ્યુ છે તે આસામની પ્રગતિ માટે તથા દેશની પ્રગતિને ખૂબ જ ગતિ આપનારૂં બની રહેશે, નવી ઉંચાઈ આપશે.

સાથીઓ

આ વિશ્વાસનાં અનેક કારણો છે. પ્રથમ કારણ તેજપુરનું એક ઐતિહાસિક સ્થાન, તેના પૌરાણિક ઈતિહાસમાંથી મળનારી પ્રેરણા, બીજું, તેજપુર વિશ્વ વિદ્યાલયમાં તમે જે કામ કરી રહ્યા છો તે. મને જે કહેવામાં આવ્યું છે તે મુજબ આ કામ ખૂબ જ ઉત્સાહ પેદા કરનારૂ છે અને ત્રીજુ, પૂર્વ ભારતના સામર્થ્ય ઉપર, અહીંના લોકો અને અહીંના નવ યુવાનોની ક્ષમતા ઉપર, રાષ્ટ્ર નિર્માણના તેમના પ્રયાસો ઉપર, માત્ર મને જ નહીં, સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે.

સાથીઓ

આ એવોર્ડ આપતાં અને મેડલ આપતાં પહેલાં તમે યુનિવર્સિટીનું જે ગીત ગાયુ હતું, તેનો આંતરિક ભાવ તેજપુરના ઈતિહાસને નમન કરવાનો હતો. હું તેની કેટલીક પંક્તિઓનું પુનરાવર્તન કરવા ઈચ્છુ છું. અને એટલા જ માટે પુનરાવર્તન કરવા માંગુ છું, કારણ કે આસામનું ગૌરવ, ભારત રત્ન ભૂપેન હજારિકાજીએ લખ્યું છે. તેમણે લખ્યું છે કે अग्निगड़र स्थापत्य, कलियाभोमोरार सेतु निर्माण, ज्ञान ज्योतिर्मय, सेहि स्थानते बिराजिसे तेजपुर विश्वविद्यालय, આનો અર્થ એ થાય છે કે જ્યાં અગ્નિગઢ જેવુ સ્થાપત્ય હોય, જ્યાં કલિયા-ભોમોરા સેતુ નિર્માણ જ્ઞાન જ્યોતિ હોય એવા સ્થાન પર બિરાજમાન છે- તેજપુર વિશ્વ વિદ્યાલય. આ ત્રણ પંક્તિઓમાં ભૂપેન હજારિકાજીએ કેટલું બધુ વર્ણન કરી દીધુ છે. અગ્નિગઢનો રાજકુમાર અનિરૂધ્ધ, રાજકુમારી ઉષા- ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો ઈતિહાસ મહાનઓહોમ શૂરવીર કાલિયો-ભોમોરા, ફૂકુનની દૂર દ્રષ્ટિ, જ્ઞાનનો ભંડાર આ તેજપુરની પ્રેરણા છે. ભૂપેન દાની સાથે સાથે જ્યોતિ પ્રસાદ અગરવાલ, વિષ્ણુપ્રસાદ રાભા, જેવાં મહાન વ્યક્તિત્વો તેજપુરની ઓળખ બની રહ્યાં છે. તમે તેમની કર્મભૂમિમાં, જન્મભૂમિમાં અભ્યાસ કર્યો છે. અને એટલા માટે જ તમારા માટે ગર્વનો ભાવ થવો તે અને ગૌરવથી ભરેલું આત્મવિશ્વાસ સાથેનું તમારૂ જીવન હોય તે પણ ખૂબ જ સ્વાભાવિક છે.

સાથીઓ,

આપણો દેશ આ વર્ષે આઝાદીના 75 વર્ષમાં પ્રવેશી રહ્યો છે. સેંકડો વર્ષોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટે એ સમયના આસામના અગણિત લોકોએ યોગદાન આપ્યુ હતું. એ સમયે જે લોકો હતા તેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. પોતાની જવાની કુરબાન કરી દીધી અને હવે તમારે નૂતન ભારત માટે જીવીને બતાવી આપવાનુ છે, જીવનને સાર્થક કરીને દેખાડવાનું છે. અત્યારથી શરૂ કરીને ભારતની આઝાદીને 100 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીનાં 25- 26 વર્ષ તમારા જીવનનાં પણ સ્વર્ણિમ વર્ષ બની રહેવાનાં છે. તમે કલ્પના તો કરી જુઓ 1920- 21માં જે નવયુવાન, જે દિકરી તમારી ઉંમરની હશે, આજે તમારી જે ઉંમર છે, 1920- 21ના સમય ગાળામાં તે કેવાં સપનાં જોતી હશે. તે પોતાની કઈ બાબતોને જીવનમાં ઢાળતાં હશે. કેવી બાબતો પૂર્ણ કરવા માટે પોતાની જાતને હોમી દેતા હશે. જો થોડું પણ યાદ કરો તો 100 વર્ષ પહેલાં તમારી ઉંમરના લોકો શું કરતા હતા, તો હવે પછી તમારે શું કરવાનુ છે તે તમારે નક્કી કરવાનું છે. એવું વિચારવામાં વાર નહીં લાગે કે તમારા માટે આ સુવર્ણ સમય છે. તેજપુરનું તેજ સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફેલાવો. આસામને, ઉત્તર ભારતને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઈ જાવ, અમારી સરકાર હાલ જે રીતે ઉત્તર પૂર્વના વિકાસ સાથે જોડાઈને કામ કરી રહી છે, જે રીતે કનેક્ટિવિટી, શિક્ષણ, આરોગ્ય જેવાં દરેક ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે, તેમાં તમારા માટે પણ અનેક નવી શકયતાઓ ઉભી થઈ રહી છે. આ સંભાવનાઓનો પૂરો લાભ ઉઠાવજો. તમારા પ્રયાસ બતાવે છે કે તમારામાં ક્ષમતા છે, કશુંક નવુ કરી બતાવવાનું સામર્થ્ય છે.

સાથીઓ, તેજપુર યુનિવર્સિટીની એક ઓળખ પોતાના ઈનોવેશન સેન્ટર માટે પણ છે. તમારા પાયાના ઈનોવેશન્સ, વોકલ ફોર લોકલને પણ નવી ગતિ આપે છે, નવી તાકાત આપે છે. આ ઈનોવેશન્સ સ્થાનિક સમસ્યાઓ હલ કરવામાં કામ આવી રહ્યા છે, જેનાથી વિકાસના નવા દ્વાર ખૂલી રહ્યા છે. હવે જે રીતે મને કહેવામાં આવ્યું છે તે મુજબ તમારો કેમિકલ સાયન્સનો વિભાગ પીવા માટેના પાણીને સ્વચ્છ બનાવવા માટે ઓછી કિંમત ધરાવતી આસાન ટેકનોલોજી પર કામ કરી રહયો છે અને તેનો લાભ આસામના અનેક ગામોને તો મળી જ રહ્યો છે, પણ સાથે સાથે મને જણાવવામાં આવ્યું છે કે હવે આ નવી ટેકનોલોજી છત્તીસગઢમાં, ઓડીશામાં, બિહારમાં, કર્ણાટકમાં અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે તમારી યશ પતાકા હવે ફેલાઈ રહી છે. ભારતમાં આ પ્રકારની ટેકનોલોજીના વિકાસને કારણે દરેક ઘર સુધી  પાણી પહોંચાડવાનું, જલ જીવન મિશનનું જે સપનું છે તેનું પણ સશક્તિકરણ થશે.

સાથીઓ, પાણીની સાથે સાથે ગામડાંઓમાં કચરાનું ઉર્જામાં રૂપાંતર કરવા માટેનો જે પડકાર તમે ઉઠાવી લીધો છે તેનો પણ ઘણો મોટો પ્રભાવ છે. ખેતીના કચરાએ એ આપણાં ખેડૂતો અને આપણાં પર્યાવરણ માટે ખૂબ મોટો પડકાર છે. બાયોગેસ અને ઓર્ગેનિક ફર્ટિલાઈઝર સાથે જોડાયેલી એક સસ્તી અને પ્રભાવશાળી ટેકનોલોજી ઉપર પણ તમે તમારી યુનિવર્સિટીમાં  કામ કરી રહ્યા છો તેનાથી દેશની ઘણી મોટી સમસ્યા હલ થવાની છે.

સાથીઓ,

મને એવી માહિતી આપવામાં આવી છે કે તેજપુર યુનિવર્સિટી ઉત્તર- પૂર્વની બાયોડાયવર્સિટી અને સમૃધ્ધ વારસાને સુરક્ષિત રાખવા માટેનું અભિયાન પણ ચલાવી રહી છે. પૂર્વોત્તરના આદિવાસી સમાજની ભાષાઓ કે જેના ઉપર વિલુપ્ત થઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે તેનુ દસ્તાવેજીકરણ કરવું તે એક પ્રશંસાજનક કામ છે. એ જ રીતે સંત શ્રીમંત શંકરદેવની જન્મભૂમિ, નગાંવના બાતાદ્રવ વિસ્તારમાં સદીઓ જૂની લાકડા ઉપર કોતરવામાં આવેલી કલાને જાળવવામાં આવી રહી છે. અને વધુમાં ગુલામીના સમયમાં લખવામાં આવેલાં પુસ્તકો અને કાગળોનું ડિજીટાઈઝેશન. આપ ખરેખર આ બધા કામોમાં લાગેલા છો તે સાંભળીને કોઈ પણ વ્યક્તિને ગૌરવ થશે કે આટલે દૂર ભારતના પૂર્વ ખૂણામાં આ તપસ્યા કરવામાં આવી રહી છે, સાધના કરવામાં આવી રહી છે, તમે ખરેખર એક ગજબની કામગીરી કરી રહ્યા છો.

સાથીઓ

મેં જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે મનમાં એ સવાલ પણ થયો હતો કે સ્થાનિક વિષયો ઉપર, સ્થાનિક જરૂરિયાતો બાબતે આટલું કામ કરવાની અને આટલું સંશોધન કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી રહી છે ? આનો જવાબ પણ તેજપુર યુનિવર્સિટીના સંકુલમાંથી જ મળે છે. હવે જેમ કે તમારી હૉસ્ટેલ્સ. ચરાઈદેવી, નીલાંચલ, કંચનજંગા, પટકાઈ, ધાનસિરી, સુબનસીરી, કોપિલી, આ તમામ નામ પર્વતોનાં શિખરો અને નદીઓનાં નામ પરથી આપવામાં આવ્યાં છે. તે માત્ર નામ નથી, પણ જીવનની જીવતી જાગતી પ્રેરણા છે. જીવન યાત્રામાં આપણને અનેક મુશ્કેલીઓ, અનેક પર્વતોનો સામનો કરવો પડે છે. અનેક નદીઓને પાર કરવી પડે છે. આ એક વખતનું કામ નથી હોતું, તમે એક પર્વત ચઢો છો ને બીજા પર્વતની તરફ આગળ વધો છો. દરેક પર્વતારોહણની સાથે સાથે તમારી જાણકારીમાં પણ વધારો થાય છે. તમારી નિપુણતા પણ વધતી જાય છે અને નવો દ્રષ્ટિકોણ તૈયાર થાય છે. આ રીતે નદીઓ પણ આપણને અનેક બાબતો શીખવતી હોય છે. નદીઓ અનેક સહાયક ઝરણાંને મળીને બનતી હોય છે અને તે પછી તે સાગરમાં સમાઈ જાય છે. આપણે પણ જીવનમાં અનેક લોકો પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. શીખવું જોઈએ અને એ શીખ પ્રાપ્ત કરીને આગળ ધપતાં ધપતાં પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું રહે છે.

સાથીઓ   

તમે જો આ અભિગમની સાથે આગળ વધશો તો આસામ, પૂર્વોત્તર અને દેશના વિકાસમાં તમે પોતાનું યોગદાન આપી શકશો. તમે જોયું હશે કે કોરોનાના આ સમયમાં આત્મનિર્ભર ભારત અભિયાન આપણાં શબ્દકોષનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યો છે. આપણાં સપનાંની અંદર તે હળી મળી ગયુ છે. આપણો પુરૂષાર્થ, આપણો સંકલ્પ, આપણી સિધ્ધિ, આપણા પ્રયાસ, આ બધુ તેની આસપાસ અનુભવાઈ રહ્યું છે, પણ આખરે આ અભિયાન છે શું ? આખરે શું પરિવર્તન થઈ રહ્યું છે ? શું આ પરિવર્તન માત્ર સાધનો માટેનું છે ? કે પછી ભૌતિક માળખાગત સુવિધાઓ અંગેનુ છે.

શું આ ફેરફાર માત્ર ટેકનોલોજીનો છે ? શું આ ફેરફાર માત્ર આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો છે ? આવા તમામ સવાલોનો જવાબ હા છે. પરંતુ આમાંથી પણ જે સૌથી મોટુ પરિવર્તન છે તે સહજવૃત્તિનું છે. તે એકશન અને તેના પ્રતિભાવ તરફ જોવાના દ્રષ્ટિકોણનું પણ છે. દરેક પડકાર અને દરેક સમસ્યા સાથે કામ પાર પાડવા માટે આપણા યુવાનો દેશની શૈલી, દેશનો મિજાજ, આ બધુ અનોખું છે. એનુ એક તાજુ ઉદાહરણ આપણને ક્રિકેટની દુનિયામાં જોવા મળ્યુ છે. તમારામાંથી ઘણાં લોકોએ ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનું અનુસરણ કર્યું હશે. આ પ્રવાસમાં ભારતની ટીમ સામે કેવા કેવા પડકારો આવ્યા હતા. આપણને ખરાબ રીતે હાર મળી હોવા છતાં એટલી જ ઝડપથી આપણે પાછા ઉભરીને પછીની મેચમાં જીત હાંસલ કરી દીધી હતી. ઈજા થવા છતાં પણ આપણા ખેલાડી જીત હાંસલ કરવા માટે મેદાનમાં ટકી રહ્યા. પડકારયુક્ત પરિસ્થિતિમાં હતાશ થવાને બદલે આપણા યુવાન ખેલાડીઓએ પડકારનો સામનો કર્યો અને નવા ઉપાયો શોધી કાઢ્યા. કેટલાક ખેલાડીઓનો અનુભવ ચોકકસ ઓછો હતો, પણ તેમનો ઉત્સાહ એટલો જ બુલંદ હતો કે તેમને જેવો મોકો મળ્યો કે તુરત જ તેમણે ઈતિહાસ રચી દીધો. એક બહેતર ટીમને પોતાની પ્રતિભા અને માનસિકતામાં જે તાકાત હતી તે તેના મારફતે તેમણે એક અનુભવી ટીમને અને આટલા જૂના ખેલાડીઓની ટીમને પરાજીત કરી દીધી.

યુવા સાથીઓ,

ક્રિકેટના મેદાનમાં આપણા ખેલાડીઓનો આ દેખાવ, માત્ર રમતની દ્રષ્ટિએ જ મહત્વનો છે એટલું જ નહીં, પણ તે જીવનનો એક મોટો બોધ પણ છે. પહેલો બોધ એ છે કે આપણે આપણી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. આત્મવિશ્વાસ હોવો જોઈએ. બીજો બોધ આપણી માનસિકતા બાબતે છે. જો આપણે હકારાત્મક માનસિકતા લઈને આગળ ધપીશું તો પરિણામ પણ હકારાત્મક જ મળવાનું છે. ત્રીજો અને સૌથી મહત્વનો બોધ એ છે કે જો તમારી પાસે એક તરફ સલામત બહાર નીકળી જવાનો વિકલ્પ હોય અને બીજી તરફ મુશ્કેલ જીતનો વિકલ્પ હોય તો તમારે જીતનો વિકલ્પ જરૂર ચકાસી જવો જોઈએ. જો જીતવાની કોશિશમાં ક્યારેક જ સફળતા હાંસલ થાય તો એમાં કોઈ નુકસાન નથી. જોખમ ઉઠાવવામાં અને પ્રયોગ કરવામાં ડરવા જેવુ નથી. આપણે સક્રિય અને નિર્ભય બનવું જ પડશે. આપણી અંદર નિષ્ફળ જવાનો જે ડર છે તે અને આપણે જો આપણી ઉપર બિનજરૂરી દબાણ લેતા હોઈએ તો એવી સ્થિતિમાં જો તમે તેમાંથી બહાર નીકળીને, નિર્ભય બનીને ઉભરી શકો છો.

સાથીઓ

ઉત્સાહથી ભરેલા અને પોતાના ધ્યેય તરફ સમર્પિત ભારત માત્ર ક્રિકેટના મેદાનમાં જ જોવા મળે છે એવુ નથી. તમે પણ એવી જ તસવીર છો. તમે આત્મવિશ્વાસથી, સેલ્ફ કોન્ફીડન્સથી ભરેલા છો. તમે પરંપરાથી અલગ રીતે વિચારો છો અને ચાલો છો. અને એ રીતે અલગ ચાલવાથી ડરતા નથી. તમારા જેવી આવી યુવા ઉર્જાએ કોરોનાની સામે લડત લડવામાં પણ ભારતને ખૂબ જ મજબૂતી પ્રદાન કરી છે. તમને એ જરૂર યાદ હશે કે આ લડાઈમાં શરૂઆતમાં કેવી કેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આટલી મોટી વસ્તી ધરાવતુ ભારત, સાધનોના અભાવે કોરોનામાં બરબાદ થઈ જશે, પરંતુ ભારતે બતાવી આપ્યું છે કે તે પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લેવાના બદલે, તકલીફ વધે તેની પ્રતિક્ષા કરવાને બદલે, ઝડપથી નિર્ણય લીધો, સક્રિય થઈને નિર્ણય લીધો અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તેની પાસે નિર્ણય અને ટકી રહેવાની ક્ષમતા બંને છે. જો આ સ્થિતિ હોય તો સાધન તૈયાર કરવામાં વાર લાગતી નથી, ભારતે એવું જ કર્યુ અને ઝડપથી નિર્ણયો લીધા, સક્રિય થઈને નિર્ણયો લીધા અને એનું પરિણામ એ આવ્યું કે ભારત વાયરસ કરતાં વધુ અસરકારક રીતે આગળ વધી શક્યું. અસરકારક રીતે લડત આપી શક્યું. ભારતમાં જ બનેલા ઉપાયોથી આપણે વાયરસનો ફેલાવો ઓછો કર્યો. આપણાં આરોગ્યની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવી, હવે આપણી રસીની સાથે જોડાયેલા સંશોધન અને વિકાસની ક્ષમતા પણ ભારતની સાથે સાથે અનેક દેશોને પણ સુરક્ષા કવચ પૂરૂ પાડવાનો વિશ્વાસ આપી રહ્યુ છે.

જો આપણે આપણાં વૈજ્ઞાનિકોને, આપણાં સંશોધકોને, આપણા સ્કોલર્સને, આપણાં વૈજ્ઞાનિકોને પોતાના ઉદ્યોગોની તાકાત ઉપર ભરોંસો ના કર્યો હોત તો શું આ સફળતા શકય બની હોત ? અને સાથીઓ માત્ર આરોગ્યનું ક્ષેત્ર જ કેમ, આપણી ડિજિટલ માળખાગત સુવિધાઓની જ વાત કરો. આપણે જો એવું માનીને બેસી રહ્યા હોત કે ભારતમાં સાક્ષરતાના અભાવમાં ડીબીપી અને ડીજીટલ લેવડ દેવડ શક્ય બની શકે તેમ નથી તો આપણે કોરોના જેવા સંકટ દરમ્યાન ભારત ગરીબમાં ગરીબ સુધી આટલી પ્રભાવશાળી રીતે પહોંચી શક્યું હોત ? આજે જે રીતે ફાયનાન્સિયલ ટેકનોલોજીમાં અને ડીજીટલ સમાવેશિતામાં ભારત સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે પ્રયોગ કરવામાં ડરતું નથી અને મોટા પાયે કામ કરવામાં પણ પાછળ હટતું નથી. સૌથી મોટું બેંકીંગ સમાવેશિતાનું અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. ટોયલેટ બનાવવાનું સૌથી મોટું અભિયાન પણ ભારતમાં ચાલ્યું છે અને દરેક પરિવારને ભારતમાં ઘર આપવાનું અભિયાન તથા ઘેર ઘેર પાણી પહોંચાડવાનું સૌથી મોટું અભિયાન પણ ભારતમાં જ શરૂ કરાયું છે. સૌથી મોટી હેલ્થ એસ્યોરન્સ સ્કીમ પણ ભારતમાં અને સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ભારતમાં શરૂ થયું છે અને આ બધી પ્રવૃત્તિઓનો ઘણો બધો લાભ ઉત્તર- પૂર્વને પણ પ્રાપ્ત થયો છે, આસામના લોકોને મળ્યો છે. જ્યારે સમાજ આત્મવિશ્વાસથી ભરેલો હોય ત્યારે જ આવા કાર્યક્રમો થઈ શકતા હોય છે. જ્યારે દેશ અને સમાજ આત્મવિશ્વાસથી ભરેલો હોય ત્યારે દેશ ચાલી આવતી સ્થિતિને બદલવા માટે ઈનોવેશન કરવામાં પૂરી તાકાત કામે લગાડી દેતો હોય છે.

સાથીઓ,

આજે જે રીતે ભારતમાં નવી ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેના કારણે દરેક ક્ષેત્રમાં નવી શક્યતાઓ ઉભી થઈ રહી છે. આજે આપણે શાખા વગર અથવા શો રૂમ વગર રિટેઈલ બિઝનેસ, ડાઈનીંગ હોલ વગર ક્લાઉડ કીચન જેવા અનેક પ્રયોગો રોજબરોજની જીંદગીમાં જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં એવું શક્ય છે કે ભવિષ્યની યુનિવર્સિટી સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હોય અને સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કોઈપણ યુનિવર્સિટીનો હિસ્સો બની શકતા હોય. આ પ્રકારની પરિવર્તનકારી વ્યવસ્થા માટે આપણી પાસે એક યોગ્ય નિયમનલક્ષી માળખું હોય તે ખૂબ જ આવશ્યક બની રહે છે. ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થવાના કારણે અનેક વિદ્યા શાખાઓમાં શિક્ષણ અને ફ્લેક્સીબિલીટી (સુગમતા) ને પ્રોત્સાહન મળી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ ડેટા અને ડેટા એનાલિટીક્સ માટે આપણી શિક્ષણ વ્યવસ્થાને તૈયાર કરવા તરફ ઝોક દાખવી રહી છે. ડેટા એનાલિટીક્સની મદદથી પ્રવેશ આપવાથી માંડીને શિક્ષણ અને મૂલ્યાંકન સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ બહેતર બની જશે.

મને વિશ્વાસ છે કે તેજપુર યુનિવર્સિટી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ ધ્યેયને હાંસલ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવશે. તેજપુર યુનિવર્સિટી અને તેના ટ્રેક રેકોર્ડ ઉપર તેમજ તેના સામર્થ્ય ઉપર મને પૂરો ભરોંસો છે અને હું આપણાં વિદ્યાર્થીઓને એક વાત વિશેષપણે કહેવા માંગુ છું કે તમારૂં ઔપચારિક શિક્ષણ પૂરૂ થાય છે ત્યારે તમે માત્ર તમારા ભવિષ્ય માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રના ભવિષ્ય માટે પણ કામ કરતા હોવ છો. હવે તમે એક વાત યાદ રાખો કે જો તમારો ઉદ્દેશ ઉંચો હશે તો તમારા જીવનમાં આવતા ઉતાર- ચડાવની એટલી અસર નહી થાય. તમારા જીવનમાં આગામી 25 થી 26 વર્ષ તમારી કારકીર્દિની સાથે સાથે દેશના ભવિષ્યને પણ નક્કી કરનાર બની રહેશે.

મને વિશ્વાસ છે કે આપ સૌ દેશને નવી ઉંચાઈ સુધી પહોંચાડશો. 2047માં ભારત જ્યારે તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે આ 25થી 30 વર્ષના કાલખંડમાં તમારા યોગદાનથી, તમારા પુરૂષાર્થથી, તમારા સપનાથી ભરેલું હશે. કલ્પના કરો કે આઝાદીના શતકમાં તમારા 25 વર્ષ કેટલી મોટી ભૂમિકા ઉભી કરનારા બની રહેશે. આવો સાથીઓ, પોતાની જાતને આ સપનાં માટે સજાગ બનાવો, નિકળી પડો, સંકલ્પ લઈને નિકળી પડો. સિધ્ધિ મેળવવા માટે દ્રઢ નિશ્ચય સાથે નિકળી પડો. જુઓ, જીવનની સફળતાઓની એક એક ઉંચાઈ તમે પાર કરતા જશો. આજના આ પવિત્ર પ્રસંગે તમારા પરિવારજનોને તમારા શિક્ષક જગતને, તમારા સમગ્ર અધ્યાપકગણને, તમારાં સપનાંને, તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અનંત અનંત શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
More Jobs Created, Better Macro Growth Recorded During PM Modi's Tenure Vs UPA Regime: RBI Data

Media Coverage

More Jobs Created, Better Macro Growth Recorded During PM Modi's Tenure Vs UPA Regime: RBI Data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.