નમસ્કાર!
આજે આપણે પ્રબુદ્ધ ભારતની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ તે ઘણી ગૌરવની બાબત છે. આ કોઇ સામાન્ય સામયિક નથી. આનો પ્રારંભ બીજા કોઇ નહીં પરંતુ ખુદ સ્વામી વિવેકાનંદે 1896 માં કર્યો હતો. એ પણ, માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે. આ, દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા અંગ્રેજી સામયિકોમાંથી એક છે.
પ્રબુદ્ધ ભારત, આ નામ પાછળ પણ ઘણો મજબૂત વિચાર રહેલો છે. સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્રનો જુસ્સો વ્યક્ત કરવા માટે આ સામયિકનું નામ પ્રબુદ્ધ ભારત રાખ્યું હતું. તેઓ ‘જાગૃત ભારત’નું સર્જન કરવા માંગતા હતા. જેઓ ભારતને સમજતા હતા. તેઓ એ બાબતે જાગૃત હતા કે આ માત્ર રાજકીય અથવા પ્રાદેશિક સંસ્થાથી વિશેષ છે. સ્વામી વિવેકાનંદે આ બાબતને ખૂબ જ હિંમતપૂર્વક અને ગૌરવભેર અભિવ્યક્ત કરી હતી. તેમણે ભારતને સાંસ્કૃતિક સંદર્ભમાં એવા સજાગ રાષ્ટ્ર તરીકે જોયું હતું જે સદીઓથી અહીં જીવંત છે અને લોકોના શ્વાસમાં છે. માત્ર ભારત જ દરેક પડકારોની સ્થિતિમાં વિપરિત અનુમાનો વચ્ચે પણ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતને ‘પ્રબુદ્ધ’ એટલે કે જાગૃત બનાવવા માંગતા હતા. તેઓ એવા આત્મવિશ્વાસની ભાવના જાગૃત કરવા માંગતા હતા કે, એક રાષ્ટ્ર તરીકે આપણે શ્રેષ્ઠતાની મહત્વાકાંક્ષા રાખી શકીએ છીએ.
મિત્રો, સ્વામી વિવેકાનંદને ગરીબો પ્રત્યે અત્યંત કરુણા હતી. તેઓ ખરેખરમાં માનતા હતા કે, ગરીબી એ દરેક સમસ્યાનું મૂળ કારણ છે. આથી, ગરીબીને રાષ્ટ્રમાંથી નાબૂદ કરવાની છે. તેમણે ‘દરીદ્ર નારાયણ’ને સર્વાધિક મહત્વ આપ્યું હતું.
સ્વામી વિવેકાનંદે USAથી સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. તેમણે મૈસુરના મહારાજા અને સ્વામી રામક્રિશ્નનંદજીને લખેલા પત્રોનો હું સંદર્ભ લેવા માંગુ હતું. આ બંને પત્રોમાં, ગરીબોના ઉત્કર્ષ માટે સ્વામીજીનો અભિગમ સ્પષ્ટપણે ઉભરી આવે છે. સૌપ્રથમ, તેઓ ઇચ્છતા હતા કે જો ગરીબો પોતાની જાતે સરળતાથી સશક્ત ના થઇ શકતા હોય તો તેમનું સશક્તિકરણ કરવું જોઇએ. બીજું કે, તેમણે ભારતના ગરીબો વિશે કહ્યું હતું કે, “તેમને માત્ર એક વિચાર આપવાનો છે; તેમની આસપાસની દુનિયામાં શું થઇ રહ્યું તેના માટે તેમની આંખો ઉઘાડવાની છે; અને પછી તેઓ પોતાની જાતે જ પોતાના ઉત્કર્ષ માટે કામ કરશે.”
આ અભિગમના આધાર પર જ આજે ભારત આગળ વધી રહ્યું છે. જો બેંકો સુધી ગરીબોની પહોંચ ના હોય તો, બેંકોએ અવશ્ય ગરીબો સુધી પહોંચવું જોઇએ. આ કામ જન ધન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. જો ગરીબો વીમા સુધીની પહોંચ ના ધરાવતા હોય તો, વીમો ગરીબો સુધી પહોંચવો જોઇએ. આ કામ જન સુરક્ષા યોજવામાં કરવામાં આવ્યું છે. જો, ગરીબોની પહોંચ આરોગ્ય સંભાળ સુધીની ના હોય તો, આપણે અવશ્યપણે ગરીબો સુધી આરોગ્ય સંભાળ સુવિધાઓ લઇ જવી પડે. આ જ કામ આયુષમાન ભારત યોજના હેઠળ કરવામાં આવ્યું છે. માર્ગો, શિક્ષણ, વીજળી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી, આ બધુ જ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ગરીબો સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ બધુ, ગરીબોમાં આકાંક્ષાઓ પ્રગટ કરી રહ્યું છે. અને, આ એવી મહત્વાકાંક્ષાઓ છે દેશના વિકાસનું ચાલકબળ છે.
મિત્રો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “નબળાઇનો ઉપાય એ નથી કે તેની ચિંતા કરીને બેસી રહીએ પરંતુ તેનો ઉપાય એ છે કે, વધુ તાકતવર બનીએ.” આપણે જ્યારે અવરોધોના સંદર્ભમાં વિચાર કરી રહ્યાં હોઇએ ત્યારે, આપણે તેના બોજામાં દબાઇ જઇએ છીએ. પરંતુ જ્યારે આપણે તકોના સંદર્ભમાં વિચાર કરીએ ત્યારે, આપણને આગળ વધવાનો માર્ગ મળે છે. આ વૈશ્વિક મહામારી કોવિડ-19નું જ ઉદાહરણ જોઇ લો. ભારતે શું કર્યું હતું? આ સ્થિતિમાં ભારતે માત્ર સમસ્યા જોઇ અને નિઃસહાય સ્થિતમાં આવ્યું એટલું જ નથી. ભારતે આના ઉકેલ પર પણ ધ્યાન કેન્દ્ર કર્યું. PPE કિટ્સના ઉત્પાદનથી માંડીને દુનિયા માટે ફાર્મસી બનીને, આપણો દેશ વધુને વધુ તાકતવર બન્યો છે. કટોકટીના સમય દરમિયાન તે દુનિયા માટે સહકારનો સ્રોત પણ બન્યો છે. કોવિડ-19 રસીઓ વિકસાવવાના મામલે ભારત અગ્રેસર રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ભારતમાં દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપણે અન્ય દેશોને મદદ કરવા માટે પણ આ ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યાં છીએ.
મિત્રો, આબોહવા પરિવર્તન પણ દુનિયા સમક્ષ રહેલો અન્ય એક અવરોધ છે જેનો આપણે સૌ સામો કરી રહ્યાં છીએ. જોકે, આપણે માત્ર સમસ્યાની ફરિયાદો જ નથી કરી. આપણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના રૂપમાં તેનો ઉકેલ પણ લાવ્યા છીએ. આપણે અક્ષય ઉર્જાના સ્રોતોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની પણ હિમાયત કરી રહ્યાં છીએ. જે પ્રબદ્ધ ભારતનું નિર્માણ કરવાની સ્વામી વિવેકાનંદની દૂરંદેશી હતી તે આ જ છે. આ જ એ ભારત છે, જે દુનિયાને સમસ્યાના ઉકેલો આપી રહ્યું છે.
મિત્રો, સ્વામી વિવેકાનંદે ભારત માટે ખૂબ જ મોટા સપનાં જોયા હતા કારણ કે, તેમને ભારતના યુવાનોમાં વિશ્વાસ હતો. તેમણે જોયું કે, ભારતના યુવાનો કૌશલ્ય અને આત્મવિશ્વાસનું પાવરહાઉસ છે. તેમણે કહ્યું હતું કે, “મને સો ઉર્જાવાન યુવાનો આપો અને હું ભારતનું પરિવર્તન કરી દઇશ.” આજે આપણે ભારતના ઔદ્યોગિક અગ્રણીઓ, રમતગમતના લોકો, ટેકનોક્રેટ્સ, વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો, આવિષ્કાર કરનારાઓ અને સંખ્યાબંધ અન્ય લોકોમાં આ જુસ્સો જોઇ શકીએ છીએ. તેઓ સીમાઓને ધક્કો મારીને અશક્યને પણ શક્ય બનાવી રહ્યાં છે.
પરંતુ આપણા યુવાનોમાં આ જુસ્સાને હજુ પણ આગળ કેવી રીતે ધપાવી શકાય? પોતાના વ્યવહારુ વેદાંતના ઉપદેશોમાં સ્વામી વિવેકાનંદ કેટલાક ઊંડા વિચારો સામે લાવ્યા હતા. તેમણે પછડાટોમાંથી બહાર આવવાની અને તેને શીખવાના એક ભાગ તરીકે જોવાની વાત કરી હતી. લોકોમાં બીજી એક એ વાત પણ સ્થાપિત થવી જ જોઇએ કે: નીડર બનો અને સંપૂર્ણપણે પોતાની જાત પર ભરોસો રાખો. નીડર બનવાનો બોધપાઠ આપણે સ્વામી વિવેકાનંદના પોતાના જીવનમાંથી પણ શીખ્યા. તેમણે જે કંઇપણ કર્યું હતું, તે જ્યાં પણ ગયા હતા ત્યાં પૂર્ણ આત્મવિશ્વાસ રાખ્યો હતો. તેઓ પોતાની જાત પર પૂર્ણ ભરોસો રાખતા હતા. તેમને વિશ્વાસ હતો કે, તેમણે સદીઓ જુના આપણાં સિદ્ધાંતો પ્રસ્તૂત કર્યાં છે.
મિત્રો, સ્વામી વિવેકાનંદના વિચારો શાશ્વત છે. અને, આપણે હંમેશા એ વાત અવશ્ય યાદ રાખવી જોઇએ કે: દુનિયા માટે કંઇક મૂલ્યવાન સર્જન કરીને જ સાચું અમરત્વ પ્રાપ્ત થાય છે. એવું કંઇક જે આપણી જાતને વધુ જીવંત બનાવી દે. આપણી પૌરાણિક કથાઓ આપણને આવા જ મૂલ્યવાન પાઠ શીખવે છે. તે આપણને શીખવે છે કે, જેઓ અમરત્વની પાછળ ગયા તેને લગભગ ક્યારેય મળ્યું જ નથી. પરંતુ, જેમણે અન્ય લોકોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું તેઓ લગભગ હંમેશા અમર થઇ ગયાં છે. સ્વામીએ પોતે જણાવ્યું હતું તેમ, “જેઓ બીજાના માટે જીવે છે, માત્ર તેઓ જીવંત રહે છે.” આ બાબત સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ જોઇ શકાય છે. તેમણે ક્યારેય પોતાની જાત માટે કંઇપણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ નહોતો કર્યો. તેમનું હૃદય હંમેશા આપણા દેશના ગરીબો માટે ધબક્યું હતું. તેમનું હૃદય હંમેશા તે સમયે સાંકળોમાં જકડાયેલી માતૃભૂમિ માટે ધબક્યું હતું.
મિત્રો, સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિને પરસ્પર વિશિષ્ટ તરીકે નહોતા જોતા. સૌથી મહત્વપૂર્ણ એ કે, તેઓ હંમેશા એવા અભિગમની વિરોધમાં હતા જ્યાં લોકો ગરીબીને આકર્ષક શૈલીમાં રજૂ કરતા હતા. વ્યવહારુ વેદાંત પર પોતાના ઉપદેશોમાં તેમણે કહ્યું હતું કે, “ધર્મ અને દુનિયાના જીવન વચ્ચેનો કાલ્પનિક તફાવત અવશ્યપણે દૂર થવો જોઇએ કારણ કે, વેદાંત એકરૂપતા શીખવે છે.”
સ્વામીજી મહાન આધ્યાત્મિક વિભૂતિ હતા, તેઓ એક ઉન્નત આત્મા હતા. છતાં પણ, તેમણે ગરીબોની આર્થિક પ્રગતિ માટેના વિચારનો ત્યાગ નહોતો કર્યો. સ્વામીજી પોતે એક સન્યાસી વ્યક્તિ હતા. તેમણે ક્યારેય પોતાની જાત માટે એક પૈસો પણ માંગ્યો નહોતો. પરંતુ, તેમણે શ્રેષ્ઠ સંસ્થાઓનું નિર્માણ માટે ભંડોળ ઉભું કર્યું હતું. આ સંસ્થાઓએ ગરીબી સામે લડત આપી અને આવિષ્કારને પ્રોત્સાહન આપ્યું.
મિત્રો, સ્વામી વિવેકાનંદના જીવનના આવા સંખ્યાબંધ ખજાના છે જે આપણને માર્ગદર્શન આપે છે. પ્રબુદ્ધ ભારતના 125 વર્ષ થઇ ગયા છે, જે સ્વામીજીના વિચારોનો પ્રસાર કરે છે. યુવાનોને શિક્ષિત કરવાની અને રાષ્ટ્રને જાગૃત કરવાની તેમની દૂરંદેશીના પાયા પર તેનું નિર્માણ થયેલું છે. તેણે સ્વામી વિવેકાનંદના વિચારોને અમર રાખવામાં નોંધનીય યોગદાન આપ્યું છે. હું પ્રબુદ્ધ ભારતને તેમના ભવિષ્યના કાર્યો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
આભાર.