શ્રીમાન અર્નબ ગોસ્વામીજી, ઉપસ્થિત તમામ મહાનુભવો, રિપબ્લિક ટીવી, રિપબ્લિક ભારતની સમગ્ર ટીમ, અહીં ઉપસ્થિત તમામ જાણીતા મહાનુભવો,
ગઈ વખતે જ્યારે હું તમારી સમક્ષ આવ્યો ત્યારે રિપબ્લિક ટીવીની ચર્ચા થતી હતી. પરંતુ હવે તમે રિપબ્લિક ટીવીને સ્થાપિત કરી દીધુ છે. હમણા અર્નબ કહેતા હતા કે થોડાક સમયમમાં જ તમારી પ્રાદેશિક ચેનલ રજૂ કરવાની યોજના છે. અને વૈશ્વિક હાજરીની પણ તૈયારીઓ ચાલી રહી છે. તેના માટે હું તમને અને રિપબ્લિક ટીવીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.
સાથીઓ, આજે આપણા બંધારણને 70 વર્ષ થયાં છે. આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. તમારાથી બહેતર કોણ સમજી શકે છે કે રાષ્ટ્રને શું જાણવાની જરૂર છે. અહીંથી જે યાત્રા શરૂ થઈ ત્યાંથી નેશન ફર્સ્ટની સફર કેવી રીતે નક્કી થઈ છે. વિતેલાં પાંચ વરસમાં સમગ્ર દેશે આ પરિવર્તન જોયું છે. પાંચથી છ વર્ષ પહેલાં, જનતા અને મીડિયામાં માત્ર સવાલો જ સવાલો ચાલી રહ્યા હતા અને એવુ લાગતુ હતું કે જાણે એર રેકર્ડ કરવામાં આવેલુ બુલેટીન ચાલી રહ્યું છે અને વચ્ચે વચ્ચે એની એ બાબતોનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ખાસ કરીને એ ચર્ચા ચાલતી હતી કે દર બીજા સપ્તાહે હજારો કરોડના ગોટાળાની વાતો થતી હતી. ક્યારેક ભ્રષ્ટાચારના આરોપ થતા હતા. ક્યારેક મુંબઈ, ક્યારેક દિલ્હી, ક્યારેક જયપુર, બોમ્બ ધડાકા અને ક્યારેક પૂર્વોત્તરમાં અવરોધો, આકાશને આંબતી મોંઘવારી એટલે એક બુલેટીન પૂરૂ થાય તે પછીની તારીખે એક બુલેટીન ફરી આવી જતું હતું અને આ બધા સમાચારોની સાથે-સાથે હવે તે હાલત અને પરિસ્થિતિઓમાંથી આ દેશ ખૂબ જ આગળ નિકળી ચૂક્યો છે. હવે સમસ્યાઓ અને પડકારોથી આગળ વધીને ઉપાયોની વાતો થતી રહે છે. દાયકાઓ જૂની સમસ્યાઓના ઉકેલ નિકળે છે. આજે દેશ પોતાની આંખો સામે જોઈ રહ્યો છે કે ક્યારેક-ક્યારેક અહીં લોકો એવું કહેતા હતા કે અમે આવું વિચાર્યું જ નહોતું કે અમારા જીવતાં આ બધું જોઈ શકીશું. આવું ઘણા લોકો કહે છે અને તેના મુખ્ય બે કારણો છે- પ્રથમ કારણ ભારતના 130 કરોડ લોકોનો આત્મવિશ્વાસ છે. હા, આ ભારતની ક્ષણો છે. બીજુ ભારત કે જેના 130 કરોડ લોકોની વિચારધારા છે, જે કહે છે કે રાષ્ટ્ર પહેલાં, દેશ સૌથી ઉપર અને દેશ સૌથી આગળ.
સાથીઓ, તમને યાદ હશે કે થોડા વર્ષ પહેલાં મેં એક નાનો સરખો અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જેનાથી શક્ય બને તે વ્યક્તિ પોતાની ગેસ સબસિડી ત્યજી દે. નાની સરખી અપીલ હતી, પરંતુ એ અપીલ કર્યા પછી 1 કરોડથી વધુ લોકોએ પોતાની ગેસ સબસિડી છોડી દીધી હતી. આ જ નેશન ફર્સ્ટ છે. જુલાઈ 2017 પછી 63 લાખ અને તેનાથી પણ વધુ વરિષ્ઠ નાગરિકો કે જે રેલવેમાં મુસાફરી કરતા હતા અને તેમને પ્રવાસમાં સબસિડી મળતી હતી. 63 લાખ આવા મુસાફરો કે જે સિનિયર સિટીઝન હતા તેમણે સ્વેચ્છાએ સબસિડી છોડી દીધી હતી. આ જ નેશન ફર્સ્ટ છે. તમને યાદ હશે કે પોતાના ગામમાં શૌચાલય બનાવવા માટે 105 વર્ષની ઉંમરની એક આદિવાસી વૃદ્ધ મહિલાએ પોતાની કમાણીના એક માત્ર સાધન જેવી બકરીઓ વેચી દીધી હતી. શૌચાલય બનાવવાની ચળવળ પણ શરૂ કરી. આ જ છે નેશન ફર્સ્ટ. પૂનાના નિવૃત્ત શિક્ષકો કે જેમણે સ્વચ્છતા અભિયાન માટે પોતાના પેન્શનના ખૂબ મોટા હિસ્સાનું દાન કર્યું હતું. શું આ નેશન ફર્સ્ટ નથી? કોઈ વ્યક્તિ પોતે સાગરકાંઠે સફાઈની આગેવાની લઈ રહ્યું છે તો કોઈ ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડવા માટે તેમને અભ્યાસ કરાવી રહ્યું છે. કોઈ વ્યક્તિ ગરીબોને ડિજિટલ લેવડ-દેવડ શિખવી રહી છે. આવી અગણિત બાબતો ભારતના દરેક ખૂણે જોવા મળે છે અને તે જ નેશન ફર્સ્ટ છે. સાથીઓ, નેશન ફર્સ્ટ એ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રત્યેક દેશવાસીની સમર્પણ ભાવના છે. તેમાં પોતાના દેશ માટે પોતાની જવાબદારીનો ભાવ છે, જે આજે ભારતને એક નવી ઊર્જા આપે છે અને એટલા માટે જ આ વખતની સમીટમાં જે વિષય રાખવામાં આવ્યો છે તે ‘ભારતની ચળવળ, નેશન ફર્સ્ટ’ છે. જે દેશની લાગણીઓ અને મહેચ્છાઓ વ્યક્ત કરે છે, એટલે કે સમગ્રપણે દેશના આજના મિજાજનું પ્રતિબિંબ પાડે છે, તેને પ્રતિબિંબિત કરે છે.
સાથીઓ, નેશન ફર્સ્ટની આ ભાવના સાથે ચાલતા રહીને આપણે જે કામ કર્યા છે તેના પર દેશની જનતાને કેટલો ભરોસો છે તે તમે આ વર્ષમાં દેશમાં થયેલી ચૂંટણીઓમાં જોઈ શક્યા છો. દેશની જનતા જાણે છે અને માને છે કે આપણે નેશન ફર્સ્ટને પોતાનું પ્રાણ તત્વ માનીને જ કામ કરી રહ્યા છીએ અને હવે એ માટેનો આપણને આદેશ મળ્યો છે કે જનતાની આવશ્યકતાઓની સાથે-સાથે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પણ પૂરી કરવા માટે નિરંતર કામ થતું રહે. આખરે આ અપેક્ષાઓ શું છે? દેશને દાયકાઓ જૂની ગંદકીમાંથી બહાર કાઢવાનો છે.
સાથીઓ, જ્યારે રાષ્ટ્રને અગ્રતા આપવામાં આવે છે ત્યારે આપણા સંકલ્પો પણ મોટા હોય છે અને તેને સિદ્ધ કરવાનો પ્રયાસ પણ વ્યાપકપણે થતો રહે છે. હું કેટલાક ઉદાહરણો સાથે તમને આ બાબત સમજાવવા માગુ છું.
સાથીઓ, કલમ-370 અને 35-એના કારણે ભારતના લોકોએ જે સહન કરવું પડ્યું છે તે તમે જાણો છો અને આપણે હવે કેવી રીતે આ પડકારોના ઉપાયો શોધી કાઢ્યા છે તે પણ તમે જોયું છે. કલમ-370ને આપણા સંવિધાનમાં પહેલા દિવસથી કામચલાઉ એટલે કે ટેમ્પરરી તરીકે ઓળખવામાં આવી હતી, પરંતુ આમ છતાં કેટલાક લોકો અને કેટલાક પરિવારોના રાજનૈતિક સ્વાર્થને કારણે તેને માનસિક રીતે સ્થાયી માની લેવામાં આવી હતી. આવું કરીને આ લોકોએ બંધારણની ભાવનાનું અપમાન કર્યું હતું, તેને અવગણી હતી. કલમ-370ના કારણે જે અનિશ્ચિતતાઓ ઉભી થઈ તેના કારણે ત્યાં અલગાવવાદ ફેલાવનારા લોકોનું જોશ વધ્યો અને ઉત્સાહ પણ વધ્યો. અમારી સરકારે કલમ-370 અને કલમ-35એ ને દૂર કરીને ફરીથી દેશના બંધારણની સર્વોપરિતા પુનઃસ્થાપિત કરી છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસના નવા માર્ગો ખૂલવાની શરૂઆત થઈ ચૂકી છે.
સાથીઓ, દેશની સામે વધુ એક વિષય હતો, જે સેંકડો વર્ષોથી ચાલ્યો આવતો હતો. દાયકાઓથી અલગ-અલગ અદાલતોમાં તેની સુનાવણી થઈ રહી હતી અને તે વિષય હતો અયોધ્યાનો. અગાઉ જે પક્ષો સત્તામાં રહ્યા તેમણે આ સંવેદનશીલ અને ભાવનાશાળી સમસ્યાને ઉકેલવા માટે કોઈ ઈચ્છાશક્તિ દર્શાવી નહોતી. આ લોકો એમાં પોતાના મત શોધી રહ્યા હતા અને એટલા માટે અદાલતોમાં તેને અટકાવવા માટે જોર લગાવી રહ્યા હતા. એવું કોઈ કારણ હતું નહીં કે આ વિવાદને પહેલાં હલ કરી શકાયો ન હોત, પરંતુ કેટલાક રાજકીય દળો અને સંગઠનોની સ્વાર્થભરેલી રાજનીતિને કારણે અયોધ્યા વિવાદને આટલા દિવસો સુધી ખેંચવામાં આવ્યો હતો. જો આ લોકોના ઉપાયો ચાલી શક્યા હોત તો આ વિષયને ક્યારેય ઉકેલવા ન દીધો હોત.
સાથીઓ, પોતાની રાજનીતિ ઉજળી બનાવવા માટે આ લોકો મહત્વના વિષયોને ટાળતા રહ્યા હતા. કેટલાક લોકોએ તો હંમેશા દેશમાં ભયનો એક કૃત્રિમ તર્ક ઉભો કર્યો હતો. ભારત જો આવું કરશે, તો આવું થશે, દેશમાં જો આ રીતે ચૂકાદો આવશે, તો આવું થઈ જશે, સંઘર્ષ થશે. ખરાબ સ્થિતિ ઉભી થશે અને પોતે જે બાબતે દખલગિરી કરી રહ્યા હતા તેના તર્કને સાચો ઠરાવી રહ્યા હતા.
સાથીઓ, આજે મુંબઈ ઉપર 26/11ના રોજ થયેલા હુમલાની વરસી છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે આ હુમલા પછી આતંક આચરનારા લોકો સાથે કેટલી નરમાશ દાખવવામાં આવી હતી. હવે દેશ આતંક વિરૂદ્ધ કેવી રીતે કામ લઈ રહ્યો છે તે મારે બતાવવાની શું જરૂર છે? આતંકીઓને કડક કાર્યવાહિથી બચાવવાના તમામ તર્ક ખતમ થઈ ગયા છે.
મિત્રો, ત્રણ તલાકનો વિષય પણ એવી રીતે જ આગળ ખેંચવામાં આવ્યો હતો. આ વિષયને પણ જેટલો ખેંચી શકાય તેટલો ખેંચવામાં આવ્યો હતો અને એવો જ કૃત્રિમ તર્ક આપવામાં આવ્યો હતો. આવી જ રીતે ગરીબોને અનામતના વિષયમાં પણ હંમેશા એક ભ્રમ પેદા કરવામાં આવ્યો હતો. વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો ક્યારેક કોઈને જૂઠો દિલાસો આપતા હતા કે પછી ઉશ્કેરીને કે ડરાવીને પોતાનું કામ પાર પાડી લેતા હતા. આવું ખરેખર ક્યાં સુધી ચાલી શકે? કલમ-370 હોય કે પછી અયોધ્યા હોય, ત્રણ તલાક હોય કે પછી ગરીબો માટે અનામત હોય, દેશમાં એવા નિર્ણયો કરવામાં આવ્યા છે કે જૂના પડકારોનો સામનો કરવામાં આવ્યો છે અને હવે આપણે આગળ ચાલી રહ્યા છીએ. એવું નથી કે દેશ વિરોધી તાકાતોએ લોકોને ભડકાવવાનું કે અલગતાવાદ વધારવાનો કે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો નથી. તમામ પ્રકારની કોશિષો થઈ છે, પ્રયાસો થયા છે, પરંતુ દેશની જનતાએ તેને નિષ્ફળ બનાવી દીધા છે અને જનતાનો આ જ ભાવ નેશન ફર્સ્ટ છે. આજે સમયનું ચક્ર એ પણ જોઈ રહ્યું છે કે રાષ્ટ્ર જ પ્રથમ હોય છે તો જ દેશ મોટા નિર્ણયો કરી શકે છે અને તે ક્ષમતા સ્વિકારવાની તાકાત દેખાડીને આગળ વધી શકે છે.
સાથીઓ, બદલાતા જતા આ ભારતની વિચારધારા આપણા દેશના દરેક રાજ્કિય પક્ષ માટે પણ એક ખૂબ મોટો અને મજબૂત સંદેશો આપે છે. દેશની જનતા હવે ગૂંચવાડામાં રહેવા માંગતી નથી. નકારાત્મકતામાં રહેવા માંગતી નથી. તે માત્રને માત્ર દેશનો વિકાસ થતો જોવા માગે છે.
સાથીઓ, નવી સફળતાનાં દ્વાર ત્યારે જ ખુલે છે કે જ્યારે જીવનમાં પડકારોનો સ્વીકાર કરવામાં આવે છે. હવે તમે અર્નબનુ જ ઉદાહરણ જુઓ, આટલી લાંબી પહોળી વિન્ડો બનાવીને, આટલા બધા મહેમાનોને બોલાવીને અર્નબની અદાલત શરૂ કરવામાં આવી છે અને આ બધુ શું ઓછુ જોખમી હોય છે? અર્નબના મહેમાનો પણ તેમના શોમાં આવવાનુ જોખમ ઉઠાવે છે. ખેર, મજાક તેની જગાએ છે. અર્નબે પડકાર સ્વીકારી લીધો છે અને એટલા માટે જ તેઓ રિપબ્લિક ટીવી જેવું નેટવર્ક સ્થાપિત કરી શક્યા છે.
સાથીઓ, અમારી સરકારે માત્ર પડકારોનો સ્વિકાર કર્યો છે એવું જ નથી, પરંતુ તેના ઉપાયો માટે ગંભીરતાથી પ્રયાસ કર્યા છે. મને યાદ છે કે જ્યારે વર્ષ 2014માં સરકાર બન્યા પછી પાછલી સરકારો વખતે જે એનપીએસ હતી તેને છૂપાવવા માટે ઘણી બધી ગરબડો કરવામાં આવી હતી તે વાત સામે આવી છે. તો, કેવી સ્થિતિ હતી? અમે આ ગોટાળાઓને દેશની સામે લાવીને તેનો ઉકેલ લાવવાનો રસ્તો બનાવ્યો. હવે ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી) ને કારણે લગભગ રૂ. 3 લાખ કરોડ પાછા આવવાનું નક્કી થઈ ચૂક્યું છે. જો કે તમને યાદ હશે કે એનપીએસ બાબતે કેટલાક લોકોએ ઉહાપોહ મચાવ્યો હતો… કેટલાક લોકોએ કેટલો બધો ઉહાપોહ મચાવ્યો હતો. હવે તે એક પેટર્નનો હિસ્સો છે. સંસદના દરેક સત્રની પહેલાં આ લોકો કોઈને કોઈ જૂઠ ઘડી કાઢે છે અને તે પછી તેને તમામ લોકો પર લાદવામાં આવે છે. કોઈ સત્ર આવે ત્યારે પસંદગીની જગ્યાએ કોઈ સમાચાર છપાવી દેવામાં આવે છે કે પછી તેને બ્રોકિંગ ન્યુઝ બનાવી દેવામાં આવે છે. એ પછી તમામ તંત્ર તેની પાછળ લાગી જાય છે. તમે મિડીયામાં તો બેકગ્રાઉન્ડ પેકેજ બનાવો છો. તમામ કડીઓને જોડો છો. યાદ કરો એનપીએસની બાબતે પણ આ જ પેટર્ન ચાલી હતી, ઈવીએમ બાબતે પણ આવી જ પેટર્ન ચલાવવામાં આવી. રાફેલ માટે પણ એવી જ પેટર્ન ચલાવવામાં આવી. થોડા સમય પહેલાં સરકારે એક ઐતિહાસિક પગલુ ભરીને કૉર્પોરેટ ટેક્સ ઓછો કર્યો. તે પછી પણ થોડી-થોડી શરૂઆત કરવામાં આવી. આજ કાલ ઈલેક્શન કમિશન તેમનો લોકપ્રિય વિષય બની ગયો છે.
સાથીઓ, દેશમાં પારદર્શક વ્યવસ્થા માટે પારદર્શક પદ્ધતિથી કોઈ પણ કામ હાથ ધરવામાં આવે તો કેટલાક લોકોને પેટમાં દુઃખાવો ઉપડે છે. હવે તમે મને કહો, આધાર પરનો વિવાદ પણ આપ સૌને યાદ હશે. આ લોકો સુપ્રિમ કોર્ટ સુધી ગયા હતા કે જેથી આધાર કાર્ડને કાનુની માન્યતા મળે નહી. આ લોકોએ આધારને બદનામ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી હતી.
સાથીઓ, આજે આધાર દેશના સામાન્ય માનવીનું ભાવિ નક્કી કરવામાં ખૂબ જ મહત્વનુ માધ્યમ બની ગયું છે. અને એટલુ જ નહીં, આધાર એ બાયોમેટ્રિક ઓળખનો અમારી પાસે ડેટા છે, તેનું દુનિયાને અચરજ થઈ રહ્યું છે. દુનિયાનો કોઈપણ દેશનો નેતા એવો નહીં હોય કે જેણે મને આધાર અને આધારની પ્રક્રિયા, તેની પ્રોડક્ટ, તેના વિષયમાં ચર્ચા કરી ન હોય. આટલી મહત્વની આપણી પાસે અમાનત છે, પણ તેને વિવાદમાં નાખવામાં આવે છે.
સાથીઓ, આપણે ત્યાં આધારને કારણે કેવા પરિણામ મળ્યા છે તેનું હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું. આપણે ત્યાં કાગળો પર 8 કરોડથી વધુ, તમને અચરજ થશે કે 8 કરોડથી વધુ એવા લોકો હતા કે જે કદી જનમ્યા જ નહોતા. તો પણ તેમના લગ્ન થઈ ગયા, વૈધવ્ય પણ આવ્યું અને વૈધવ્યનું પેન્શન પણ ચાલુ થઈ ગયું. આ એવા લોકો છે કે જેમનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ છે. આ કાગળ પરના આ લોકો સબસિડી લેતા હતા, પેન્શન લેતા હતા, પગાર લેતા હતા, સ્કોલરશીપ લેતા હતા અને સરકારના ખજાનામાંથી લાભ લેતા હતા. આ પૈસા હવે ક્યાં જતા હશે તે કહેવાની મને જરૂર લાગતી નથી. આધારને કારણે તેમની સચ્ચાઈ સામે લાવવામાં ખૂબ મોટી મદદ થઈ છે અને તેનાથી લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા, હું ફરીથી બોલીશ કે દોઢ લાખ કરોડ રૂપિયા ખોટા લોકોના હાથમાં જતા બચી ગયા છે, લીકેજ થતું બચી ગયું છે. ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે. દોઢ લાખ કરોડ કોઈ નાની રકમ નથી. દર વર્ષે લગભગ એટલી રકમ ખોટા લોકોના હાથમાં જતી હતી અને તેને કોઈ રોકનાર નહોતું. સિસ્ટમના આ મોટા લીકેજને રોકવાનું કામ અમે કર્યું. આધારના માધ્યમથી કર્યું. કેમ કર્યું? કારણ તમે જાણો છો. તેના કારણે કેટલા લોકોને નુકશાન થયું હશે? કેટલા લોકોના ખિસ્સા ભરાતા બંધ થઈ ગયા હશે? કેટલા લોકો માટે અમે કાંટાની જેમ ખૂંચતા હોઈશું? પરંતુ આ બધુ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે નેશન ફર્સ્ટ.
સાથીઓ, જો આ લોકોનું ચાલ્યું હોત તો દેશમાં જીએસટી ક્યારેય પણ ચાલુ થઈ શક્યો ન હોત. જાણકારો જીએસટીને પણ ખૂબ મોટું રાજનૈતિક જોખમ માનતા હતા. જ્યાં પણ જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યાં સરકારો પડી ભાંગી હતી. આ પડકારને કારણે અમારા કદમ રોકાયા નહીં, પરંતુ નફા-નુકશાનની ચિંતા કર્યા વગર દેશના હિતમાં તેને લાગુ કરી દીધો. આજે જીએસટીના કારણે જ દેશમાં એક પ્રમાણિક બિઝનેસ કલ્ચર મજબૂત થઈ રહ્યું છે અને મોંઘવારી પર પણ અંકુશ લાવી શકાયો છે. હાલમાં સામાન્ય નાગરિક સાથે જોડાયેલી, આ મીડિયાએ ક્યારેય બતાવ્યું નહીં હોય, પરંતુ તેમને તકલીફ શું છે? આજે નાગરિક સાથે જોડાયેલી 99 ટકા, હું ખૂબ જવાબદારી સાથે કહું છું કે 99 ટકા વસ્તુઓ પર અગાઉના વેરાની તુલનામાં સરેરાશ અડધો વેરો લગાવવામાં આવે છે. જીએસટીના પહેલાં જે વેરો લાગતો હતો, તેના કરતાં આજે અડધો વેરો લાગે છે. એક સમય હતો કે જ્યારે રેફ્રિજરેટર, મિક્સર, જ્યુસર, વેક્યુમક્લિનર, ગિઝર, મોબાઈલ ફોન, વોશીંગ મશીન, ઘડિયાળો વગેરે પર 31 ટકાથી વધારે વેરો લાગતો હતો. આજે આ બધી વસ્તુઓ પર માત્ર 10 થી 12 ટકા જેટલો જ વેરો લાગે છે. એટલે સુધી કે અગાઉ ઘઉં, ચોખા, દહીં, લસ્સી, છાશ વગેરે પર પણ વેરો લાગતો હતો. આજે આ બધી ચીજો જીએસીટી આવ્યા પછી કરમુક્ત બની ગઈ છે.
સાથીઓ, હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. દાયકાઓથી દિલ્હીના લાખો પરિવારોના જીવનમાં એક ખૂબ મોટી અનિશ્ચિતતા હતી અને જ્યારથી ભારતના ભાગલા પડ્યા ત્યારથી શરૂ કરીને આઝાદ ભારતની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમની તકલીફો વધતી ગઈ. લોકો પોતાની મહેનતની કમાણીથી અને અહીંથી કે ત્યાંથી પૈસા મેળવીને ઘર ખરીદતા હતા, પરંતુ આ ઘર તેમનું થઈ શકતું ન હતું. આ સમસ્યા નિરંતર ચાલુ રહી હતી. અમારી સરકારે તેને ખતમ કરવાનો નિર્ણય કર્યો. હું તમને અત્યારે માત્ર દિલ્હીની વાત કરી રહ્યો છું. 50 લાખથી વધુ દિલ્હીના લોકોને પોતાના ઘર અને બહેતર જીવન અંગે ભરોંસો પ્રાપ્ત થયો છે. દાયકાઓથી આપણા દેશનું રિયલ એસ્ટેટ સેક્ટર કોઈપણ નિયમન વગર ચાલી રહ્યું હતું. તેનું પરિણામ દિલ્હી-એનસીઆરના લોકોએ કેટલું ભોગવ્યું છે તે તો અહિંના લોકો સારી રીતે જાણે છે, પરંતુ આવી મુસીબત સમગ્ર દેશમાં ચાલી રહી છે. વર્ષો જૂની સ્થિતિને બદલવા માટે અમારી સરકારે રેરા સહિત અનેક કાયદાઓ બનાવ્યા, નિર્ણયો લીધા અને હમણાં જ મેં સરકારને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અધૂરા અને અટકેલા પ્રોજેક્ટસ પૂરા કરવા માટે અંદાજે 25 હજાર કરોડ રૂપિયા આપવાનું કામ શરૂ કર્યું છે. ચોક્કસપણે આ પ્રકારના કામનો લાભ આપણા મધ્યમ વર્ગને થશે અને તેમને સપનાનું ઘર મેળવવામાં મદદ થશે. અગાઉ બિલ્ડરો કઈ રીતે ફૂલ્યા-ફાલ્યા, કેવી રીતે મંજૂરીઓ મળી, તે સમયના નિર્ણયોને જોઈશું અને અમારી સરકારે કરેલા કાર્યો સાથે સરખાવીશું તો સ્પષ્ટ થશે કે નેશન ફર્સ્ટ બાબતમાં તેમની દિશા કેવી હતી, તેમની નીતિ કેવી હતી, તેમની નિયત કેવી હતી અને સામાન્ય માણસને લાભ કેવી રીતે થતો હતો તે બાબત હવે અમારા નેશન ફર્સ્ટના મંત્ર સાથે જાહેર થઈ ગઈ છે.
સાથીઓ, આજે ભારત જે ઝડપથી અને જે વ્યાપકતાથી કામ કરી રહ્યું છે તે એક અભૂતપૂર્વ બાબત છે. 60 મહિનામાં લગભગ 60 કરોડ ભારતીયો સુધી શૌચાલયની સુવિધા પહોંચાડી અને તે પણ ત્રણ વર્ષથી ઓછા સમયમાં. 8 કરોડ ઘરને ગેસના મફત કનેક્શનથી જોડવાનું કામ અમે 1000 દિવસ કરતાં પણ ઓછા સમયમાં કર્યું છે અને 18,000 ગામડાંઓ સુધી વિજળી પહોંચાડી છે. દોઢ કરોડથી વધુ લોકોને તેમનું પોતાનું ઘર મળ્યું છે. 37 કરોડથી વધુ લોકોને બેંકીંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈનસ્યોરન્સ સ્કીમ આયુષમાન ભારતની શરૂઆત કરવી, 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજની સગવડ આપવી, લગભગ 15 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં સીધી મદદ પહોંચાડવી, આ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો તમે એવી સ્થિતિમાં જ અમલમાં મૂકી શકો છો, જ્યારે તમે અને તમારી સમગ્ર ટીમ નેશન ફર્સ્ટના મંત્રને પોતાનો જીવન મંત્ર બનાવી લો છો. જ્યારે તમે પોતાના સ્વાર્થમાંથી બહાર આવીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસની નીતિ અને રાજનીતિને પોતાનો આધાર બનાવો છો ત્યારે આ બધું થઈ શકે છે.
ભાઈઓ અને બહેનો, નેશન ફર્સ્ટની વિચારધારાના કારણે પૂર્વોત્તર પ્રદેશમાં અલગતાવાદ ખતમ કરવામાં અને તે વિસ્તારને દેશના વિકાસનું નવું એન્જીન બનાવવાની પ્રેરણા મળી છે. આ વિચારધારાને કારણે અમે વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં નવા અભિગમને અનુસરીને કામ કરવાની શીખ મળી છે.
સાથીઓ, નેશન ફર્સ્ટની આ વિચારધારા કે જેના કારણે દેશમાં ચાલી રહેલા રસી આપવાના અભિયાનને ફરીથી ડિઝાઈન કરવા માટેની પ્રેરણા મળી. જીવલેણ બિમારીઓથી બચાવી શકે તેવી રસીઓની અમે સંખ્યા પણ વધારી. મિશન ઈન્દ્રધનુષ મારફતે દૂર-દૂરના વિસ્તારો સુધી રસીકરણ અભિયાનને પહોંચાડી દેવામાં આવ્યું છે.
સાથીઓ, નેશન ફર્સ્ટની ભાવનાને કારણે અમે પ્રસૂતિની રજાઓ 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવાનો રસ્તો મળ્યો છે, જેથી માતાઓને પોતાના નવજાત બાળકોની પૂરતી કાળજી લેવાનો સમય મળે. આ વિચારધારાએ અમને દરેક સ્કૂલમાં તમામ કન્યાઓ માટે અલગ શૌચાલય બનાવવાનો રસ્તો બતાવ્યો છે, જેથી કન્યાઓએ ખોટા સમયે શાળા છોડી દેવી ન પડે.
સાથીઓ, નેશન ફર્સ્ટની આ એ ભાવના હતી કે જેના કારણે ગરીબોને બેંકીંગ સિસ્ટમ સાથે જોડવા માટે 37 કરોડથી વધુ બેંકના ખાતા ખોલવામાં આવ્યા. દેશનો સામાન્ય માનવી પણ સરળતાથી ડિજિટલ લેવડ-દેવડ કરી શકે, તે વિચારને કારણે અમે રૂપે કાર્ડ આપ્યા, ભીમ એપ્પ લોન્ચ કરી. તમને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં દેશમાં 55 કરોડથી વધુ રૂપે ડેબીટ કાર્ડ આપવામાં આવ્યા છે અને આ કાર્ડનો બજાર હિસ્સો 30 ટકા સુધી પહોંચી ગયો છે. રૂપે કાર્ડ ધીમે-ધીમે ગ્લોબલ બ્રાન્ડ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, નેશન ફર્સ્ટની આ જ વિચારધારાના કારણે જલ જીવન મિશનની શરૂઆત થઈ છે. આવનારા સમયમાં આ મિશન માટે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, કે જેથી દેશના દૂર દૂરના વિસ્તારોમાં પીવા માટેનું સ્વચ્છ પાણી મળી શકે, દરેક ઘર સુધી પાણી પહોંચી શકે.
સાથીઓ, હવે લોકોનું જીવન આસાન બનાવવા માટે અને તેમની આવક વધારવાના ઈરાદા સાથે દેશની અર્થ વ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરની બનાવવાનું લક્ષ આજે દેશે નક્કી કર્યું છે. મને વિશ્વાસ છે કે નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરતાં કરતાં આપણને દરેક નિર્ણયનું યોગ્ય પરિણામ મળશે અને દેશ તમામ લક્ષ પાર કરી શકશે.
સાથીઓ, મને આશા છે કે આ સમીટમાં આ ભાવનાની સાથે નવા ભારતની નવી સંભાવનાઓ, નવી તકો ઉપર વિસ્તારથી ચર્ચા થવાની છે. ફરી એક વખત બંધારણ દિવસે રિપબ્લિકન પરિવારને મળવાનો મને મોકો મળ્યો છે. તમારા માધ્યમથી દેશ અને દુનિયામાં ફેલાયેલા તમારા દર્શકો સુધી મારી વાત પહોંચાડવાની મને તક મળી છે તે માટે હું આપનો આભારી છું અને હું તમને બધાંને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
મને આ વાત કરવા માટે તમે જે તક આપી છે તે બદલ હું તમારો ખૂબ જ આભારી છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.