વિશાળ સંખ્યામાં પધારેલા મારા પ્યારા ભાઈઓ અને બહેનો, ખમ્મા ઘણી, નમસ્કાર.
બે દિવસ પહેલા હિન્દુસ્તાનનાં દરેક ખૂણામાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવ્યું અને મકરસંક્રાંતિ બાદ એક રીતે ઉત્ક્રાંતિનો સંકેત સંકળાયેલો હોય છે. સંક્રાંતિ બાદ ઉન્નતિ અંતર્નિહિત હોય છે. મકર સંક્રાંતિનાં પર્વ બાદ રાજસ્થાનની ધરતી પર સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાની એક મહત્વની, અત્યંત મહત્વની પહેલ, એક મહત્વનો પ્રકલ્પ, તેનો આજે કાર્ય આરંભ થઈ રહ્યો છે.
હું વસુંધરાજી અને ધર્મેન્દ્ર પ્રધાનજીને આ વાત પર અભિનંદન આપવા માગું છુ કે તેમણે આ કાર્ય પ્રારંભ કરવાનો કાર્યક્રમ બનાવ્યો અને તેને કારણે આવનારા દિવસોમાં કોઈ પણ સરકાર હોય, કોઈ પણ નેતા હોય જ્યારે ખાત મૂહૂર્ત થશે ત્યારે લોકો પૂછશે કે ખાત મૂહૂર્ત તો થઈ ગયું હવે કાર્યના આરંભની તારીખ તો જાહેર કરો. અને તેથી જ આ કાર્યક્રમ બાદ સમગ્ર દેશમાં એક જાગૃતિ આવશે કે ખાત મૂહૂર્ત કરવાથી લોકોને ગેરમાર્ગે દોરી શકાતા નથી. જ્યારે કાર્યનો આરંભ થાય છે ત્યારે સામાન્ય માનવીને ભરોસો બેસી જાય છે.
મને ખુશી છે કે સમગ્ર ક્ષેત્રનાં વિકાસની યાત્રાનાં સાક્ષી બનીને આ કાર્યનાં પ્રારંભનું મને સૌભાગ્ય સાંપડ્યું છે અને જ્યારે આ સમગ્ર યોજનાની અધિકારીઓ વિગતવાર માહિતી આપી રહ્યા હતા, તમામ બારીકીઓથી વાકેફ કરી રહ્યા હતા. તેમણે બધું જ કહી દીધું, તેમને લાગ્યું કે પ્રધાનમંત્રીને અમે તમામ માહિતી આપી દીધી છે તો મેં તેમને પૂછ્યું કે, ઉદઘાટનની તારીખ જણાવો અને મને ભરોસો આપવામાં આવ્યો કે જ્યારે દેશ આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરશે 2022માં. ભારતના વીરોએ, આઝાદીનાં સેનાનીઓએ, કોઈએ પોતાની યુવાની જેલમાં ખપાવી દીધી, કોઈએ ફાંસીના તખતા પર ચડીને વંદેમાતરમનાં નારાને તાકાતવાન બનાવ્યો, આઝાદ હિન્દુસ્તાન, ભવ્ય ભારત, દિવ્ય ભારત, તેનું સ્વપ્ન નિહાળ્યું અને ભારત દેશ આઝાદ થયો. 2022માં આઝાદીના 75 વર્ષ થઈ જશે. આ આપણા તમામની જવાબદારી છે, દરેક હિન્દુસ્તાનીની જવાબદારી છે, 125 કરોડ નાગરિકોની જવાબદારી છે કે આપણે 2022માં જે સ્વપ્ન આઝાદીનાં દીવાનાઓએ નિહાળ્યા હતા તેવું હિન્દુસ્તાન બનાવીને તેમના ચરણોમાં સમર્પિત કરીએ.
આ સમય સંકલ્પથી સિદ્ધિનો સમય છે. આજે અહીં તમે સંકલ્પ લીધો છે કે, 2022 સુધીમાં આ રિફાઇનરીનાં કાર્યનો પ્રારંભ થઈ જશે. મને વિશ્વાસ છે કે આ સંકલ્પ સિદ્ધિ બનીને રહેશે અને જ્યારે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે અહીંથી દેશને નવી ઉર્જા મળવાનો પ્રારંભ થઈ જશે અને તેથી જ હું રાજસ્થાનને, શ્રીમાન ધર્મેન્દ્રજીના વિભાગને, ભારત સરકારના પ્રયાસોને અને મારા રાજસ્થાનનાં તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
બાડમેરની આ ધરતી, આ એ ધરતી છે જ્યાં રાવલ મલ્લીનાથ, સંત તુલસા રામ, માતા રાણી ફટિયાની, નાગનેકી માતા, સંત ઇશ્વરદાસ, સંત ધારૂજી મેગ, કેટલાય અગણિત સાત્વિક સંત જગતના આશીર્વાદની ઉછરેલી બાડમેરની ધરતી. છે, હું આજે આ ધરતીને નમન કરૂ છું.
પચપદરાની આ ધરતી સ્વાતંત્રતા સેનાની સ્વર્ગીય ગુલાબચંદજી, સાલેચાની કર્મભૂમિ, ગાંધીજીના મીઠાનાં સત્યાગ્રહની પહેલા તેમણે અહીંથી મીઠાના સત્યાગ્રહની આગેવાની લીધી હતી.
આ ક્ષેત્રમાં પીવાનું પાણી લાવવામાં, ટ્રેન લાવવામાં, પહેલી કોલેજ શરૂ કરવામાં ગુલાબચંદજીને સૌ યાદ કરે છે. હું પચપદરાના આ સપુતને પણ પ્રણામ કરૂ છું.
ભાઈઓ, બહેનો, હું આજે આ ધરતી પર ભૈરોસિંહ શેખાવતને પણ યાદ કરવાનું પસંદ કરૂ છું. આધુનિક રાજસ્થાન બનાવવા માટે, સંકટોથી મુક્ત રાજસ્થાન બનાવવા માટે અને આ બાડમેરમાં આ રિફાઇનરીની સૌ પ્રથમ કલ્પના કરનારા ભૈરોસિંહ શેખાવતજીનું આજે હું સ્મરણ કરૂ છું.
આજે હું જ્યારે બાડમેરની ધરતી પર આવ્યો છું તો અહીં ઉપસ્થિત તમામને હું આગ્રહ કરૂ છું કે આપણે બધા પોતપોતાના ઇષ્ટદેવતાને પ્રાર્થના કરીએ કે આ ધરતીના સપુત શ્રીમાન જશવંતસિંહજી, તેમનું આરોગ્ય ઝડપથી સુધરે અને તેમના અનુભવનો લાભ દેશને મળે. આપણે બધા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને તેઓ જલદીથી સાજા થઈ આપણી વચ્ચે આવે, એવી પ્રાર્થના કરીએ, અને ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે.
ભાઈઓ, બહેનો, કમનસીબે આપણા દેશમાં ઇતિહાસને ભૂલાવી દેવાની પરંપરા રહી છે. વીરોને, તેમના ત્યાગ અને બલિદાનને દરેક પેઢીને માન સન્માન સાથે યાદ કરીને નવો ઇતિહાસ રચવાની પ્રેરણા મળે છે અને તે લેતા રહેવી જોઇએ.
તમે જોયું હશે કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી હાલમાં ભારતના પ્રવાસે આવેલા છે. 14 વર્ષ બાદ તેઓ અહીં આવ્યા છે. અને દેશ આઝાદ થયા બાદ હું પહેલો વડાપ્રધાન હતો જે ઇઝરાયેલની ધરતી પર ગયો હોય. અને મારા દેશવાસીઓ, મારા રાજસ્થાનના વીરો તમને જાણીને ગર્વ થશે કે હું ઇઝરાયેલ ગયો, સમયની કટોકટી વચ્ચે પણ હું હાયફા ગયો અને ત્યાં જઈને પ્રથમ વિશ્વયુદ્ધમાં હાયફાને મુક્ત કરાવવા માટે આજથી 100 વર્ષ અગાઉ જે વીરોએ બલિદાન આપ્યું હતું તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. અને તેમાં નેતૃત્વ કર્યું હતું આ ધરતીના વીર જવાન મેજર દલપતસિંહે. મેજર દલપતસિંહ શેખાવતે 100 વર્ષ અગાઉ ઇઝરાયેલની ધરતી પર પ્રથમ વિશ્વયુદ્ધની આગેવાની લઈને હાયફાને મુક્ત કરાવ્યું હતું.
દિલ્હીમાં એક તીન મૂર્તિ ચોક છે. ત્યાં ત્રણ મહાપુરૂષ, વીરોની મૂર્તિઓ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી હિન્દુસ્તાન આવ્યા તે સાથે જ અમે બંને સૌ પહેલા એ તીન મૂર્તિ ચોક ગયા. એ તીન મૂર્તિ ચોક આ મહાપુરૂષ મેજર દલપતસિંહની યાદમાં બનેલો છે અને આ વખતે ઇઝરાયેલના વડાપ્રધાન પણ ત્યાં નમન કરવા આવ્યા. અમે બંને ત્યાં ગયા અને એ તીન મૂર્તિ ચોકનું નામ તીન મૂર્તિ હાયફા ચોક રાખવામાં આવ્યું જેથી ઇતિહાસ યાદ રહે, મેજર દલપતસિંહ શેખાવતનું નામ હંમેશાં માટે યાદ રહે. મારા રાજસ્થાનની વીર પરંપરા યાદ રહે. આ કાર્ય હમણાં જ બે દિવસ અગાઉ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભાઈઓ, બહેનો, આ વીરોની ધરતી છે. બલિદાનીઓની ધરતી છે. કદાચ બલિદાનનાં ઇતિહાસની કોઈ ઘટના એવી નહીં હોય કે જેમાં મારા આ વીર ધરતીનાં મહાપુરૂષોનાં રક્તથી તે અભિષ્કૃત થઈ ન હોય, અને હું આવા તમામ વીરોને આજે પ્રણામ કરૂ છું.
ભાઈઓ, બહેનો, રાજસ્થાનમાં તો અગાઉ હું વારંવાર આવતો હતો. સંગઠનનું કામ કરવા માટે આવતો હતો, પડોશનો મુખ્યમંત્રી હતો એટલે આવતો હતો. આ પ્રાંતમાં પણ ઘણી વાર આવ્યો છું. અને દર વખતે સામાન્ય માનવીના મુખે એક વાત સાંભળતો હતો કે રાજસ્થાનમાં કોંગ્રેસ અને દુકાળ એ બે જોડીયા ભાઈઓ છે. જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં દુકાળ સાથે સાથે આવે જ છે. અને વસુંધરાજીનાં ભાગ્યમાં લખ્યું છે જ્યારે પણ તેમને સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે ત્યારે આ સૂકી ધરતીને પાણી મળતું રહ્યું છે.
ભાઇઓ, બહેનો, પણ, આપણે તેનાથી પણ આગળ નિકળવાનું છે. રાજસ્થાનને આગળ લઈ જવાનું છે. રાજસ્થાનનાં વિકાસની યાત્રામાં દેશનાં વિકાસમાં એક નવી તાકાત આપનારૂ રાજસ્થાન છે અને તે રાજસ્થાનની ધરતી પર કરી દેખાડવાનું છે.
ભાઈઓ, બહેનો, આપણા ધર્મેન્દ્રજી ફરિયાદ કરી રહ્યા હતા, વસુંધરાજી ફરિયાદ કરી રહ્યા હતા અને તેમની ફરિયાદ સાચી હતી. પરંતુ આ શું માત્ર બાડમેરની રિફાઇનરીમાં જ બન્યું છે શું? ખાત મૂહૂર્તુ માત્ર અહીં જ થયા બાદ ફોટો પડાવી લેવામાં આવ્યા છે શું? માત્ર અહીં જ ખાત મૂહૂર્ત કરીને લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવી છે શું? જે લોકો થોડું સંશોધન કરવાથી ટેવાયેલા છે, મથામણ કરીને ઝીણામાં ઝીણી વિગતો શોધી કાઢવાની તાકાત ધરાવે છે તેવા તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે જરા જૂઓ તો ખરા કે, કોંગ્રેસ સરકારોની કાર્યશેલી કેવી રહી હતી. મોટી મોટી વાતો કરવી, જનતા જનાર્દનને ગેરમાર્ગે દોરવી, આ કાંઈ માત્ર બાડમેરની રિફાઇનરી સાથે સંકળાયેલો મામલો નથી, આ તો તેમની કાર્યશૈલીનો એક હિસ્સો છે, તેમના સ્વભાવનો હિસ્સો છે.
જ્યારે હું વડાપ્રધાન બન્યો, બજેટ જોઈ રહ્યો હતો અને હું રેલવે બજેટ જોઈ રહ્યો હતો. તો મારો સ્વભાવ છે, મેં પૂછ્યું કે ભાઈ આ રેલવે બજેટમાં આપણે જેટલી જેટલી જાહેરાતો કરીએ છીએ જરા જૂઓ તો પાછળથી શું થયું છે. તમે ચોંકી જશો, ભાઈઓ, બહેનો, તમને આધાત લાગશે, ભારતની સંસદ લોકશાહીનું મંદીર છે, ત્યાં દેશને ગેરમાર્ગે દોરવાનો હક હોતો નથી. પરતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીય સરકારો આવી અને ગઈ રેલવે બજેટમાં 1500થી વધુ, 1500થી વધુ એવી એવી યોજનાઓની જાહેરાતો થઈ જેનું આજે નામોનિશાન નથી અને જેમની તેમ જ કાગળ પર લટકેલી પડી છે.
અમે આવ્યા, અમે નિર્ણય લીધો કે થોડા સમયની વાહ વાહ હાંસલ કરવા માટે સંસદમાં જે લોકો બેઠા છે, તેઓ પોતાના વિસ્તારમાં રેલવેનો કોઈ પ્રોજેક્ટ આવી જાય તો તાળી વગાડી દે અને રેલવે પ્રધાન ખુશ થઈ જાય અને પાછળથી કોઈ પૂછનારૂ નથી. આ જ સિલસિલો ચાલ્યો અને અમે આવીને કહી દીધું કે રેલવે બજેટમાં આવી વાહવાહી લૂંટવાનું અને તાળીઓ હાંસલ કરવાનું બંધ. જેટલું થવાનું નક્કી છે એટલું જાહેર કરો. એક દિવસ ટીકા થશે પરંતુ દેશ સમક્ષ ધીમે ધીમે સત્ય બોલવાની તાકાત આવશે અને આ કામ અમે કરવા માગીએ છીએ.
એટલું જ નહીં, તમે મને કહો કે વન રેન્ક, વન પેન્શન, અહીં લશ્કરના જવાનો બેઠા છે, જવાનોના પરિવારજનો અહીં બેઠેલા છે. 40 વર્ષ વન રેન્ક વન પેન્શન તેની માગણી થઈ ન હતી. શું લશ્કરના લોકોને વારંવાર વાયદા વચનો કરવામાં આવતા નહોતા? દરેક ચૂંટણી પહેલા આ રોટી પકવવામાં આવતી ન હતી? આ તેમની આદત છે. 2014માં પણ તમે જોયું હશે, 5-50 નિવૃત્ત જવાનોને બેસાડીને તેમના ફોટા પડાવીને અને વન રેન્ક, વન પેન્શનની વાતો કરવાની, રોટી શેકવાની અને તેઓ આમ જ કરતા રહ્યા.
અને પછી જ્યારે ચારે તરફથી દબાણ આવ્યું, અને મેં 15 ડિસેમ્બર 2013ના દિવસે રેવાડીમાં ભૂતપૂર્વ સૈનિકો સમક્ષ જાહેરાત કરી કે અમારી સરકાર આવશે તો વન રેન્ક વન પેન્શન લાગું કરશે. જ્યારે ઉતાવળમાં, માત્ર અમસ્તા જ અહીં રિફાઇનરીનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું તો તેમણે વચગાળાનાં બજેટમાં 500 કરોડ રૂપિયા વન રેન્ક, વન પેન્શનના નામે લખી નાખ્યા.
જૂઓ, દેશ સાથે આ પ્રકારની છેતરપિંડી કરવી અને પછી તેને જ વારંવાર પંપાળતા રહેવું, ચૂંટણીમાં પણ જૂઓ વન રેન્ક, વન પેન્શન માટે અમે પૈસા આપી દીધા, હા આપી દીધા. અમે જ્ચારે સરકારમાં આવ્યા અને કહ્યું કે ચાલો ભાઈ વન રેન્ક વન પેન્શન લાગુ કરો અમે વચન આપેલું છે તો અઘિકારીઓ સમય પસાર કરી રહ્યા હતા. મેં કહ્યું કે ભાઈ થયું છે શું, કેમ કરી રહ્યા નથી? તમને જાણીને નવાઈ લાગશે કે, બજેટમાં 500 કરોડ રૂપિયા લખાયા હતા પણ ઓફિસમાં આ વન રેન્ક વન પેન્શન છે શું? આ વન દરજ્જો વન પેન્શનની પાત્રતા કોની છે? તેનો આર્થિક બોજો કેટલો આવશે? તમને આઘાત લાગશે માત્ર રિફાઇનરી જ કાગળ પર હતી ત્યા તો વન રેન્ક વન પેન્શન કાગળ પર પણ ન હતો. ના તો કોઈ યાદી હતી, ના તો કોઈ યોજના હતી માત્ર ચૂંટણીલક્ષી વાયદાઓ જ હતા.
ભાઈઓ, બહેનો, આ કાર્ય પ્રત્યે મારી પ્રતિબદ્ધતા હતી પરંતુ કાગળ પર આ તમામ ચીજો એકત્રિત કરતા મને દોઢ વર્ષ લાગી ગયું. બધું જ વેરવિખેર પડેલું હતું. ભૂતપૂર્વ સૈનિકોનાં નામનાં કોઈ ઠેકાણા ન હતા, સાચી સંખ્યા મળી રહી ન હતી. મને આઘાત લાગ્યો હતો કે, દેશ માટે મરી પરવારનારા સૈનિકો માટે સરકાર પાસે બધું વિખેરાયેલું પડ્યું હતું. બધું જ સમેટતા ગયા, એકત્રિત કરતા ગયા અને પછી હિસાબ માંડ્યો કે કેટલો ખર્ચ થશે.
ભાઈઓ, બહેનો, આ 500 કરોડ રૂપિયા, તો મેં વિચાર્યું કદાચ 1000 કરોડ થશે, 1500 કરોડ થશે, 2000 હજાર કરોડ થશે. જ્યારે હિસાબ માડીને બેઠો તો ભાઈઓ, બહેનો, મામલો 12 હજાર કરોડથી પણ આગળ નીકળી ગયો. 12 હજાર કરોડ. જ્યારે કોંગ્રેસ પાર્ટી વન રેન્ક વન પેન્શન 500 કરોડમાં કરી રહી હતી તો શું તેમાં પ્રામાણિકતા હતી શું? શું ખરેખર લશ્કરના જવાનોને કાંઈક આપવા માગતા હતા? શું લશ્કરના નિવૃત્ત જવાનો પ્રત્યે ઇમાનદારી હતી ખરી? એ વખતના નાણામંત્રી એટલા તો કાચા ન હતા પરંતુ 500 કરોડ રૂપિયાનો ચાંલ્લો કરીને ત્યાં ખાત મૂહૂર્ત કરી દેવામાં આવ્યું, ત્યાં બજેટમાં લખી દેવામાં આવ્યું અને હાથ ઉપર કરી દેવામાં આવ્યા.
ભાઇઓ, બહેનો, અમારા પર લગભગ 12 હજાર કરોડથી વધારે બોજો આવ્યો તો મેં લશ્કરના લોકોને બોલાવ્યા. મેં કહ્યું કે ભાઈ મેં વચન આપ્યું છે, હું વચન નિભાવવા માગું છું પરંતુ સરકારની તિજોરીમાં એટલી તાકાત નથી કે એક સાથે 12 હજાર કરોડ રૂપિયા કાઢી શકે. આ લોકો તો 500 કરોડની વાતો કરીને જતા રહ્યા, મારા માટે 12 હજાર કરોડ કાઢવાના છે અને તે પણ ઇમાનદારીથી કાઢવાના છે. પરંતુ મને તમારી મદદની જરૂર છે.
લશ્કરના લોકોએ મને કહ્યું કે પ્રધાનમંત્રીજી અમને શરમમાં નાખશો નહીં. તમે એટલું જ કહો કે તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખો છો? મેં કહ્યું કે હું બીજું કાંઈ ઇચ્છતો નથી ભાઈ — તમે દેશ માટે ઘણું બધું કર્યું છે પણ મારી મદદ કરો. હું એક સાથે 12 હજાર કરોડ રૂપિયા આપી શકીશ નહીં જો મારે આપવા હશે તો દેશનાં ઘણા ગરીબોની યોજનામાંથી આપવા પડશે અને આમ થશે તો ગરીબો સાથે અન્યાય થઈ જશે.
તો મેં કહ્યું કે મારી તમને એક વિનંતી છે કે હું આ રકમ ચાર ભાગમાં આપું તો ચાલશે? મારા દેશના વીર સૈનિકો 40 વર્ષથી જે વન રેન્ક, વન પેન્શન પામવા માટે ઝઝૂમી રહ્યા હતા, લડી રહ્યા હતા, દેશમાં એક પ્રધાનમંત્રી આવ્યો હતો જે પ્રતિબદ્ધ હતો, તેમણે ધાર્યું હોત તો કહી શકતા હતા કે મોદીજી તમામ સરકારોએ અમને છેતર્યા છે, હવે અમે રાહ જોવા માટે તૈયાર નથી. તમારે આપવું હોય તો અત્યારે આપી દો નહીંતર તમારો રસ્તો તમને મંજૂર, અમે અમારા રસ્તે અને તમે તમારા રસ્તે, તેઓ આમ કહી શકતા હતા પરંતુ તેમણે આમ કર્યું નહીં.
મારો દેશનો જવાન યુનિફોર્મ ઉતારી નાખ્યા બાદ પણ તન, મન અને હૃદયથી ફૌજી જ હોય છે, દેશહિત જીવનનાં અંતિમ કાળ સુધી તેની નસેનસોમાં હોય છે. અને એક પળ વિના, એક પણ પળ વિતાવ્યા વિના મારા દેશનાં જવાનોએ કહી દીધું પ્રધાનમંત્રીજી તમારી વાત પર અમને ભરોસો છે. ભલે ચાર ટુકડા કરવા પડે, છ ટુકડા કરવા પડે પણ તમે તમારી ફૂરસદથી કરો પણ બસ એક વાર નિર્ણય લઈ લો. તમે જે કોઈ નિર્ણય કરશો તે અમે માની લઇશું.
ભાઈઓ, બહેનો, આ નિવૃત્ત લશ્કરી જવાનોની તાકાત હતી કે મેં નિર્ણય લઈ લીધો અને હવે ચાર હપ્તા આપી ચૂક્યો છું. 10 હજાર 700 કરોડ રૂપિયા તેમના ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને બાકીના હપ્તા પહોંચવામાં જ છે અને તે માટે કોઈ મૂહૂર્ત કરવાનું નથી. આ દેશમાં આવી સરકાર ચલાવવાની છે અને આ અમારી આદત બની ગઈ છે.
તમે મને કહો, ગરીબી હટાવો, ગરીબી હટાવો, ચાર દાયકાથી સાંભળતા આવ્યા છો કે નહીં? ગરીબીના નામે ચૂંટણીની રમતો જોઇ છે કે નહીં? પરંતુ શું કોઈ ગરીબની ભલાઈ માટે યોજના નજરે પડે છે? ક્યાંય નજર આવશે નહીં. આઝાદીના 70 વર્ષ પછી પણ તેઓ એમ જ કહેશે જાઓ ખાડા ખોદો અને સાંજે કાંઇક લઈ જાઓ અને દાણા-પાણી કરી લો. જો સારી રીતે દેશના વિકાસની ચિંતા કરી હોત તો મારા દેશનો ગરીબ જાતે જ ગરીબીને હરાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે ઉભો થઈ ગયો હોત.
અમારો પ્રયાસ છે ગરીબોનું સશક્તિકરણ. બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું પરંતુ ગરીબો માટે બેંકના દરવાજા ખૂલ્યા નહીં. આ દેશના 30 કરોડથી વધુ લોકો, ગરીબોનાં નામે થયેલા બેંકોનાં રાષ્ટ્રીયકરણ બાદ પણ તેઓ બેંકના દરવાજા સુધી પહોંચી શક્યા નહીં.
આઝાદીના 70 વર્ષ પછી જ્યારે અમે આવ્યા, અમે નિર્ણય લીધો કે આપણા દેશનો ગરીબ પણ આર્થિક વિકાસની યાત્રાની મુખ્ય ધારામાં તેને પણ જગ્યા મળવી જોઇએ અને અમે પ્રધાનમંત્રી જન ધનની યોજના શરૂ કરી. આજે લગભગ 32 કરોડ એવા લોકો છે જેમના બેંકમાં ખાતા ખોલી દેવામાં આવ્યા છે. અને ભાઈઓ, બહેનો જ્યારે બેકમાં ખાતા ખોલાવાયા ત્યારે અમે કહ્યું હતું કે ગરીબોનાં એક પણ રૂપિયા વિના બેંકમાં ખાતા ખોલીશું, ઝીરો બેલેન્સથી ખોલીશું પણ મારા દેશનો ગરીબ કહેવા પૂરતો ભલે ગરીબ હોય, ભલે ગરીબી સાથે જીવનભર ઝઝૂમતો હોય પરંતુ મેં આવા મનના અમીર ક્યારેય જોયા નથી જેવા મનના અમીર મારા ગરીબ હોય છે.
મે એવા અમીરોને જોયા છે જેઓ મનથી ગરીબ હોય અને મેં એવા ગરીબોને જોયા છે જે મનથી અમીર હોય. અમે કહ્યું કે ઝીરો બેલેન્સથી બેંકમાં ખાતું ખૂલશે પરંતુ ગરીબોને લાગ્યું કે ના ના કાંઇક તો કરવું જોઇએ અને મારા પ્યારા ભાઈઓ, બહેનો આજે મને ખુશી છે, તમને કહેતા ગર્વ થાય છે કે જે ગરીબોનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ બન્યું હતું એ ગરીબોએ પ્રધાનમંત્રી જન ધન યોજનામાં 72 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. અમીર બેંકમાંથી પૈસા ઉપાડવામાં લાગેલો છે જ્ચારે મારા દેશનો ઇમાનદાર ગરીબ પૈસા જમા કરાવવામાં લાગ્યો છે. ગરીબી સમે લડાઈ કેવી રીતે લડવામાં આવે છે.
ભાઈઓ, બહેનો, તમને ખબર છે જો ગેસની સગડી જોઇતી હોય તો કેટલા નેતાઓની આગળ પાછળ ધક્કા ખાવા પડતા હતા. છ-છ મહિના સુધી. એક સંસદ સભ્યને 25 કૂપન મળતી હતી કે તમે એક વર્ષમાં 25 પરિવારને ગેસના જોડાણ આપી શકો છો અને કેટલાક સાંસદો વિશે તો એવા પણ સમાચાર આવ્યા કરતા હતા કે તેઓ આ કૂપન પણ બ્લેકમાં વેચતા હતા.
ભાઈઓ, બહેનો, શું આજે પણ કોઈ ગરીબ માતા લાકડાનો ચૂલો પ્રગટાવીને ધુમાડામાં જીવન વીતાવે? શુ ગરીબનું કલ્યાણ આવી રીતે થશે? અમે નિર્ણય લીધો, જે ગરીબ માતાઓ, બહેનો લાકડાના ચુલા સળગાવીને ધુમાડામાં રસોઈ બનાવે છે તેનાથી એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો તેના શરીરમાં જાય છે અને ઘરમાં જે બાળકો રમે છે તેમના શરીરમાં પણ આ ધુમાડો જાય છે.
ભાઈઓ, બહેનો, અમે બીડું ઝડપી લીધું. ગરીબોનું ભલું કરવું છે તો નારા લગાવવાથી નહીં થાય. તેમનું જીવન બદલવું પડશે અને એમે ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ ઘરોમાં ગેસના જોડાણ પહોંચાડી દીધા. લાકડાનાં ચુલા, ધુમાડાની સમસ્યા આ તમામમાંથી આ કરોડો માતાઓને મુક્ત કરી દીધી. તમે જ મને કહો કે દરરોજ હવે ચુલો પેટાવતી હશે, ગેસ પર રસોઈ કરતી હશે એ માતા નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતી હશે કે નહીં આપતી હોય? એ માતા અમારૂ રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેતી હશે ને કે નહીં લેતી હોય? કેમ કે તેને ખબર છે કે ગરીબી સામે લડાઈ લડવા માટે આ જ માર્ગ નજરે પડી રહ્યો છે.
ભાઈઓ, બહેનો, આઝાદીના 70 વર્ષ બાદ 18 હજાર ગામડા જ્યાં વિજળી પહોંચી હોય. તમે મને કહો કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ પરંતુ તેઓ તો 18મી સદીમાં જીવવા માટે મજબૂર છે. તેમના મનમાં સવાલ પેદા થાય છે કે શું આ આઝાદી છે? શું આ લોકશાહી છે? આ હું બટન દબાવીને સરકાર બનાવું છું? શું આ સરકાર છે જે આજે આઝાદીનાં 70 વર્ષ પછી પણ મારા ગામમાં વિજળી પહોંચાડી રહી નથી? અને ભાઈઓ, બહેનો આ 18 હજાર ગામડામાં વિજળી પહોંચાડવાનું બીડું મેં ઝડપ્યું. હવે લગભગ 2000 ગામડા બચ્યા છે અને કામ ચાલી રહ્યું છે, ઝડપથી ચાલી રહ્યું છે. 21મી સદીની જિંદગી જીવવાનો તમને અવસર મળ્યો.
આઝાદીના 70 વર્ષ બાદ આજે પણ ચાર કરોડ કરતાં વધુ પરિવાર એવા છે જેમના ઘરમાં વિજળીના કનેક્શન નથી. અમે બીડું ઝડપ્યું છે કે જ્યારે મહાત્મા ગાંધીની 150મી જયંતી આવશે ત્યાં સુધીમાં આ ચાર કરોડ પરિવારોને વિના મૂલ્યે વિજળીનું કનેક્શન આપી દેવામાં આવશે. તેમના બાળકો ભણશે, ગરીબીની સામે લડાઈ લડવી હોય તો ગરીબોને સશક્ત કરવા પડે છે. આવી અનેક ચીજો અમે કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો, આ રિફાઇનરી પણ અહીંનું નસીબ પલટી નાખશે, અહીંની ઓળખ પણ બદલાઈ જશે. આ મરૂભૂમિમાં જ્યારે આટલો મોટો ઉદ્યોગ ચાલતો હશે, તમે કલ્પના કરી શકો છો કે કેટલા બધા લોકોને રોજી રોટીની જોગવાઈ થશે અને તે કારખાનાની ચાર દિવાલોમાં રોજગાર મળે છે એવું નથી. તેની બહાર પણ એક ચેઇન ચાલે છે. તેના સમર્થનમાં ઘણા નાના મોટા ઉદ્યોગ ચાલે છે. આવડા મોટા ઉદ્યોગ માટે માળખું લાગે છે. પાણી પહોંચે છે, વિજળી પહોંચે છે, ગેસ પહોંચે છે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચે છે. એક રીતે સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસ, તેના માપદંડ બદલાઈ જાય છે.
અને હવે એ પ્રકારના લોકો આવશે, મોટા મોટા અધિકારીઓ અહીં રહેતા હશે તો સારી શૈક્ષ1ણિક સંસ્થાઓ પણ આપોઆપ અહીં બનવા લાગશે. જ્યારે આવડી મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો અહીં આવશે, રાજસ્થાનના નવયુવાનો કામ કરવા માટે અહીં આવશે, કોઈ ઉદયપુરથી આવશે, કોઈ બાંસવાડાથી આવશે, કોઈ ભરતપુરથી આવશે, કોઈ કોટાથી આવશે, કોઈ અલવરથી આવશે, કોઈ અજમેરથી આવશે તો તેમનાં આરોગ્ય માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવશે જે સમગ્ર વિસ્તારને લાભ આપશે.
અને તેથી જ ભાઈઓ, બહેનો, પાંચ વર્ષની અંદર અંદર અહીં કેટલું પરિવર્તન થવાનું છે તેનો તમે આસાનીથી અંદાજ મેળવી શકો છો. ભાઈઓ, બહેનો આજે હું એક એવા કાર્યક્રમનો અહીં પ્રારંભ કરવા માટે આવ્યો છું જેમાં મારા માટે નુકસાનનો સોદો છે. ભારત સરકાર માટે નુકસાનનો સોદો છે. અગાઉની સરકારનું કામ આગળ વધ્યું હોત તો ભારત સરકારના ખજાનામાંથી લગભગ 40 હજાર કરોડ રૂપિયા બચ્યા હોત.
પરંતુ આ વસુંધરાજી, રાજપરિવારના સંસ્કારો તો છે જ પરંતુ રાજસ્થાનનું પાણી પીવાથી મારવાડ વાળા સંસ્કારો પણ છે. તેમણે ભારત સરકારને જેટલું ચૂસી લેવાય એટલું ચૂસવાનો પ્રયાસ કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે એક મુખ્યમંત્રી પોતાના રાજ્યના હિત માટે પોતાની જ સરકાર દિલ્હીમાં હોય તો પણ અક્કડ રહીને પોતાની મનમાની કરાવીને જ રહે છે.
હું વસુંધરાજીને અભિનંદન આપું છું કે તેમણે રાજસ્થાનનાં પૈસા બચાવ્યા અને ભારત સરકારને યોજના યોગ્ય રીતે કેવી રીતે બને તે કરવા માટે તેમણે સરકારને પ્રેરિત કરી અને તેનું જ પરિણામ છે કે આજે વસુંધરાજી અને ધર્મેન્દ્રજીએ મળીને કાગળ પર લટકી રહેલી આ યોજનાને જમીન પર ઉતારવાનું કાર્ય કર્યું છે. હું આ બંનેને અભિનંદન પાઠવું છું. હું રાજસ્થાનને અભિનંદન પાઠવું છું અને તમને સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
મારી સાથે પૂરા જોશથી બોલો ભારત માતા કી જય.
બાડમેરની ધરતી પરથી હવે દેશને ઉર્જા મળનારી છે. આ રિફાઇનરી દેશની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરવાની છે. આ ઉર્જા અહીંથી જ આગળ નીકળે, દેશના દરેક ખૂણા સુધી પહોંચે તેવી શુભેચ્છા સાથે ખમ્મા ઘણી.