નમસ્તે. આમાર પ્રિયો બંગ્લાર ભાઈ ઓ બોનેરા! ઈંગરેઝી નોબો બોરસેર હાર્દિક શુભોકામોના એબોન્ગ આસોનો મકર સંક્રાંતિ ઉપોલોક્ખે અપના દેર શુભેચ્છા !!
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, શ્રીમાન જગદીપ ધનખરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી મનસુખ માંડવિયાજી, અહિયાં ઉપસ્થિત ભારત સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, અને મોટી સંખ્યામાં અહિયાં પધારેલા પશ્ચિમ બંગાળના મારા બહેનો અને ભાઈઓ.
માં ગંગાના સાનિધ્યમાં, ગંગાસાગરની નજીક, દેશની જળશક્તિના આ ઐતિહાસિક પ્રતિક પર, આ સમારોહનો ભાગ બનવું આપણા સૌની માટે એક અનન્ય સૌભાગ્યની વાત છે. આજનો આ દિવસ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની માટે, તેની સાથે જોડાયેલ લોકો માટે, અહિયાં કામ કરી ચુકેલા સાથીઓ માટે તો ખૂબ જ મહત્વપૂર્ણ અવસર છે. ભારતમાં બંદરને લગતા વિકાસને નવી ઉર્જા આપવા માટે પણ હું સમજુ છું કે આનાથી મોટો અન્ય કોઈ અવસર હોઈ ના શકે. સ્થાપનાના 150માં વર્ષમાં પ્રવેશ કરવા માટે કોલકાતા પોર્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલ આપ સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક અનેક શુભકામનાઓ આપું છું.
સાથીઓ, થોડા સમય પૂર્વ અહિયાં આજના આ ક્ષણની સાક્ષી પૂરનાર ટપાલ ટીકીટ જાહેર કરવામાં આવી. તેની સાથે જ આ ટ્રસ્ટના કર્મચારીઓ અને અહિયાં કામ કરી ચુકેલા હજારો પૂર્વ કર્મચારીઓના પેન્શન માટે 500 કરોડ રૂપિયાનો ચેક પણ સોંપવામાં આવ્યો. ખાસ કરીને 100 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ મહાનુભવોને સન્માનિત કરવાનું ગૌરવ મને મળ્યું. કોલકાતા પોર્ટ ટ્રસ્ટના માધ્યમથી રાષ્ટ્ર સેવા કરનારા આવા તમામ મહાનુભવોને અને તેમના પરિવારોને હું નમન કરું છું, તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.
સાથીઓ, આ પોર્ટના વિસ્તૃતિકરણ અને આધુનિકીકરણ માટે આજે સેંકડો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આદિવાસી દીકરીઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે હોસ્ટેલ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિકાસની આ તમામ સુવિધાઓ માટે પણ પશ્ચિમ બંગાળના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, કોલકાતા પોર્ટ માત્ર જહાજોના આવવા જવાનું સ્થાન જ નથી, તેણે એક સંપૂર્ણ ઈતિહાસને પોતાની અંદર સમેટેલો છે. આ પોર્ટે ભારતને વિદેશી રાજમાંથી સ્વરાજ મેળવતા જોયું છે. સત્યાગ્રહથી લઈને સ્વચ્છાગ્રહ સુધી, આ પોર્ટે દેશને બદલતો નિહાળ્યો છે. આ પોર્ટ માત્ર માલવાહકોનું જ સ્થાન નથી રહ્યું, પરંતુ દેશ અને દુનિયા પર છાપ છોડનાર જ્ઞાનવાહકોના ચરણ પણ આ પોર્ટ ઉપર પડ્યા છે. અનેક મનીષીઓએ, અનેક અવસરો પર અહિયાથી વિશ્વની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી.
એક રીતે કોલકાતાનું આ પોર્ટ ભારતની ઔદ્યોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું-જાગતું પ્રતિક છે. એવા સમયે જ્યારે આ પોર્ટ 150માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેને ન્યુ ઇન્ડિયાના નિર્માણનું પણ એક ઉર્જાવાન પ્રતિક બનાવવું એ આપણા સૌની જવાબદારી છે.
પશ્ચિમ બંગાળની, દેશની આ જ ભાવનાને નમન કરતા હું કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ, ભારતના ઔધ્યોગીકરણના પ્રણેતા, બંગાળના વિકાસનું સપનું લઈને જીવનારા અને એક દેશ, એક વિધાન માટે બલિદાન આપનારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર કરવાની જાહેરાત કરું છું. હવેથી આ પોર્ટ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટના નામથી ઓળખાશે.
સાથીઓ, બંગાળના સપૂત, ડોક્ટર મુખર્જીએ દેશમાં ઔદ્યોગિકરણનો પાયો નાંખ્યો હતો. ચિત્તરંજન લોકોમોટીવ ફેક્ટરી, હિન્દુસ્તાન એરક્રાફ્ટ ફેક્ટરી, સિંદરી ફર્ટીલાઈઝર કારખાનું અને દામોદર વેલી કોર્પોરેશન; આવી અનેક મોટી પરિયોજનાઓના વિકાસમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. અને આજના આ અવસર પર, હું બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કરું છું, તેમને નમન કરું છું. ડોક્ટર મુખર્જી અને બાબાસાહેબ આંબેડકર, બંનેએ સ્વતંત્રતા પછીના ભારત માટે નવી નવી નીતિઓ આપી હતી, નવું વિઝન આપ્યું હતું.
ડોક્ટર મુખર્જી દ્વારા બનાવવામાં આવેલ સૌપ્રથમ ઔદ્યોગિક નીતિમાં દેશના જળ સંસાધનોના યથોચિત ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો તો બાબા સાહેબે દેશની સૌપ્રથમ જળ સંસાધન નીતિ અને શ્રમિકો સાથે જોડાયેલ કાયદાઓના નિર્માણને લઈને પોતાના અનુભવોનો ઉપયોગ કર્યો હતો. દેશમાં નદી ઘાટી પરિયોજનાઓનું, ડેમ્સનું, પોર્ટ્સનું નિર્માણ ઝડપથી થઇ શક્યું તો તેનો મોટો શ્રેય આ બંને મહાન સપૂતોને જાય છે. આ બંને વ્યક્તિત્વોએ દેશના સંસાધનોની શક્તિને સમજી હતી, તેને દેશની જરૂરિયાતો અનુસાર ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
અહિયાં કોલકાતામાં જ 1944માં નવી જળ નીતિને લઈને થયેલી કોન્ફરન્સમાં બાબા સાહેબે કહ્યું હતું કે ભારતની જળ માર્ગ નીતિ વ્યાપક હોવી જોઈએ. તેમાં સિંચાઈ, વીજળી અને વાહનવ્યવહાર જેવા દરેક પાસાનો સમાવેશ થયેલો હોવો જોઈએ. પરંતુ એ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને બાબા સાહેબના સરકારમાંથી દૂર થયા બાદ, તેમના સૂચનો પર તે રીતનો અમલ નથી કરવામાં આવ્યો, જેવો થવો જોઈતો હતો.
સાથીઓ, ભારતની વિશાળ સમુદ્ર સીમા લગભગ 75૦૦ કિલોમીટર લાંબી છે. દુનિયામાં સમુદ્ર તટ સાથે જોડાયેલા હોવું આજે પણ બહુ મોટી તાકાત માનવામાં આવે છે. લેન્ડ લોક્ડ દેશો પોતાની જાતને ક્યારેક ક્યારેક અસહાય અનુભવ કરે છે. પહેલાના સમયમાં ભારતની પણ એક બહુ મોટી શક્તિ હતી. ગુજરાતના લોથલ બંદરથી લઈને કોલકાતા પોર્ટ સુધી જોઈએ તો ભારતના લાંબા દરિયાકિનારા મારફતે દુનિયામાં વેપાર કારોબાર થતો હતો અને સભ્યતા, સંસ્કૃતિનો પ્રસાર પણ થતો હતો. વર્ષ 2014 પછી ભારતની આ શક્તિને ફરીથી મજબૂત કરવા માટે નવીન રીતે વિચારણા કરવામાં આવી, નવી ઉર્જા સાથે કામ શરુ કરવામાં આવ્યું.
સાથીઓ, અમારી સરકાર એવું માને છે કે ભારતના બંદરગાહ ભારતની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે. અને એટલા માટે સરકારે દરિયા કિનારા પર કનેક્ટિવિટી અને ત્યાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સાગરમાળા કાર્યક્રમ શરુ કર્યો. સાગરમાળા પરિયોજના અંતર્ગત દેશમાં ઉપસ્થિત પોર્ટનું આધુનિકરણ અને એક નવા પોર્ટના વિકાસનું કામ સતત કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ, રેલમાર્ગ, આંતરરાજ્ય જળમાર્ગ અને કોસ્ટલ વાહનવ્યવહારને સંકલિત કરવામાં આવી રહ્યા છે. આ પરિયોજનાઓ કોસ્ટલ વાહનવ્યવહારના માધ્યમથી માલ વહનને વધારવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે.
આ યોજના અંતર્ગત લગભગ 6 લાખ કરોડ રૂપિયાથી વધુના પોણા છસો પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી ચુકી છે. તેમાંથી ૩ લાખ કરોડ રૂપિયાથી વધુના 2૦૦થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અને લગભગ સવા સો પૂરા પણ થઇ ચુક્યા છે.
સાથીઓ, સરકારનો પ્રયાસ છે કે ટ્રાન્સપોર્ટેશનનું સમગ્ર માળખું આધુનિક અને સંકલિત હોય. આપણા દેશમાં ટ્રાન્સપોર્ટ નીતિઓમાં જે અસંતુલન હતું, તેને પણ દૂર કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વને આંતરિક જળમાર્ગ એટલે કે નદી જળમાર્ગ આધારિત યોજનાઓ વડે વિશેષ લાભ પહોંચી રહ્યો છે અને આવનારા સમયમાં જળ શક્તિના માધ્યમથી સંપૂર્ણ ઉત્તર પૂર્વને જોડવાનું નેટવર્ક ભારતના વિકાસમાં એક સ્વર્ણિમ પૃષ્ઠના રૂપમાં ઉપસીને આવવાનું છે.
બહેનો અને ભાઈઓ, કોલકાતા તો જળ સાથે જોડાયેલ વિકાસના મામલામાં વધારે ભાગ્યશાળી છે. કોલકાતા પોર્ટ દેશની સમુદ્રી સીમામાં પણ છે અને નદીના તટ પર પણ ઉપસ્થિત છે. આ રીતે તે દેશની અંદર અને દેશની બહારના જળમાર્ગોનું એક રીતે સંગમ સ્થાન છે.
આપ સૌ સારી રીતે જાણો છો કે હલ્દીયા અને બનારસની વચ્ચે ગંગાજીમાં જહાજોનું આવાગમન શરુ થઇ ચુક્યું છે. અને હું કાશીનો એમપી છું, એટલા માટે સ્વાભાવિકપણે તમારી સાથે સીધો જોડાઈ ચુક્યો છું. દેશના આ સર્વપ્રથમ આધુનિક આંતરિક જળમાર્ગને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.
આ વર્ષે હલ્દીયામાં મલ્ટી મોડલ ટર્મિનલ અને ફરક્કામાં નેવિગેશનલ લોકને તૈયાર કરવાનો પ્રયાસ છે. વર્ષ 2021 સુધીમાં ગંગામાં મોટા જહાજો પણ ચાલી શકે, તેની માટે પણ જરૂરી ઊંડાઈ બનાવવાનું કામ પ્રગતિ પર છે. તેની સાથે સાથે ગંગાજીને આસામના પાંડુમાં બ્રહ્મપુત્રા સાથે જોડનારા આંતરિક જળમાર્ગ – 2 પર પણ કાર્ગો ટ્રાન્સપોર્ટેશન શરુ થઇ ચુક્યું છે. નદી જળમાર્ગની સુવિધાઓના બનવાથી કોલકાતા પોર્ટ પૂર્વી ભારતના ઔદ્યોગિક કેન્દ્રો સાથે તો જોડાયેલું છે જ, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન અને મ્યાનમાર જેવા દેશોની માટે વેપાર વધુ સરળ બન્યો છે.
સાથીઓ, દેશના પોર્ટ્સમાં આધુનિક સુવિધાઓનું નિર્માણ, સંપર્કની વધુ સારી વ્યવસ્થા, મેનેજમેન્ટમાં સુધારો જેવા અનેક પગલાઓના કારણે કાર્ગોના કલીયરન્સ અને તેના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલ સમયમાં ઘટાડો થયો છે.
ટર્નઅરાઉંડ ટાઈમ વીતેલા 5 વર્ષોમાં ઘટીને લગભગ અડધો થઇ ગયો છે. તે એક મોટું કારણ છે જેના પગલે ભારતની વેપાર કરવાની સરળતાની રેન્કિંગમાં 79 ક્રમનો સુધારો થયો છે.
સાથીઓ, આવનારા સમયમાં જળ સંપર્કના વિસ્તૃતિકરણનો ઘણો મોટો લાભ પશ્ચિમ બંગાળને થશે, કોલકાતાને થશે, અહિયાંના ખેડૂતો, ઉદ્યોગો અને શ્રમિકોને થશે, અહિયાંના મારા માછીમાર ભાઈઓ બહેનોને થશે.
આપણા માછીમાર ભાઈઓ જળ સંપદાનો પુરેપુરો ઉપયોગ કરી શકે, તેની માટે સરકાર ભૂરી ક્રાંતિ યોજના ચલાવી રહી છે. તે અંતર્ગત તેમને આ ક્ષેત્રમાં મુલ્ય ઉમેરણ કરવાની સાથે સાથે જ ટ્રોલર્સના આધુનિકરણમાં પણ મદદ કરવામાં આવી રહી છે. કિસાન ક્રેડીટ કાર્ડના માધ્યમથી માછીમારોને હવે બેંકોમાંથી સસ્તું અને સરળ ધિરાણ પણ ઉપલબ્ધ થઇ રહ્યું છે. એક બાજુ અમે જુદું જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે, તેને જ તાકાત આપનાર અને તેમાંથી જ વધુમાં વધુ ફાયદો લેનાર અલગ ફિશરીઝ મીનીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે. એટલે કે વિકાસને અમે ક્યાં લઇ જવા માંગીએ છીએ, કઈ દિશામાં જવા માંગીએ છીએ, તેનો સંકેત આ રચનાઓમાં પણ સમાહિત છે.
સાથીઓ, પોર્ટ આધારિત વિકાસ એક વ્યાપક ઇકોસિસ્ટમનો વિકાસ કરે છે. આ જળ સંપત્તિનો ઉપયોગ પર્યટન માટે, સમુદ્રી પર્યટન, નદી જળ પર્યટનની માટે પણ કરવામાં આવી રહ્યો છે. આજકાલ લોકો ક્રુઝ માટે વિદેશોમાં જતા રહે છે. આ બધી જ વસ્તુઓ આપણે ત્યાં બહુ સરળતાથી વિકસિત કરી શકાય તેમ છે. તે સુખદ સંયોગ છે કે ગઈકાલે જ પશ્ચિમ બંગાળની કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ મોટા કેન્દ્રોના આધુનિકરણની શરૂઆત થઇ અને આજે અહિયાં જળ પ્રવાસન સાથે જોડાયેલ મોટી યોજનાનો પ્રારંભ થયો છે.
રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજના વડે પશ્ચિમ બંગાળના પ્રવાસન ઉદ્યોગને નવો ચહેરો મળવાનો છે. અહિયાં 32 એકર જમીન પર જ્યારે ગંગાજીના દર્શન માટે આરામદાયક સુવિધાઓ તૈયાર થશે ત્યારે તેનાથી પ્રવાસીઓને પણ લાભ મળશે.
બહેનો અને ભાઈઓ, માત્ર કોલકાતામાં જ નહી, સરકાર દ્વારા સમગ્ર દેશમાં પોર્ટ્સ સાથે જોડાયેલ શહેરો અને ક્લસ્ટરમાં માછલીઘર, વોટર પાર્ક, દરિયાઈ મ્યુઝીયમ, ક્રુઝ અને વોટર સ્પોર્ટ્સની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર ક્રુઝ આધારિત પ્રવાસનને પણ પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં ક્રુઝ શીપની સંખ્યા જે અત્યારે દોઢસોથી લગભગ લગભગ 150ની આસપાસ છે, હવે તેને અમે 1 હજાર સુધી વધારવાનું લક્ષ્ય રાખીને કામ કરી રહ્યા છીએ. આ વિસ્તારનો લાભ પશ્ચિમ બંગાળને પણ જરૂરથી મળવાનો છે, બંગાળની ખાડીમાં સ્થિત દ્વીપોને પણ મળવાનો છે.
સાથીઓ, પશ્ચિમ બંગાળના વિકાસ માટે કેન્દ્ર સરકારની તરફથી દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગરીબો, દલિતો, વંચિતો, શોષિતો અને પછાતોના વિકાસ માટે સમર્પિત ભાવથી અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં લગભગ 90 લાખ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના જોડાણો મળ્યા છે. તેમાં પણ 35 લાખથી વધુ બહેનો દલિત અને આદિવાસી પરિવારમાંથી આવે છે.
જેવી રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના, પીએમ કિસાન સમ્માન નિધિની માટે મંજૂરી આપી દેશે; મને નથી ખબર કે આપશે કે નહી આપે, પરંતુ જો આપી દેશે તો અહિયાંના લોકોને આ યોજનાઓનો પણ લાભ મળવા લાગશે.
અને આમ તો તમને જણાવી દઉં કે આયુષ્માન ભારત અંતર્ગત દેશના લગભગ લગભગ 75 લાખ ગરીબ દર્દીઓને ગંભીર બીમારીઓની સ્થિતિમાં મફત ઈલાજ મળી ચુક્યો છે. અને તમે કલ્પના કરી શકો છો જ્યારે ગરીબ બીમારી સામે ઝઝૂમે છે, ત્યારે જીવવાની આશા છોડી દે છે. અને જ્યારે ગરીબને બીમારીમાંથી બચવાનો સહારો મળી જાય છે તો તેના આશીર્વાદ અનમોલ હોય છે. આજે હું શાંતિથી ઊંઘી શકું છું કારણ કે આવા ગરીબ પરિવાર સતત આશીર્વાદ વરસાવતા રહે છે.
એ જ રીતે પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત દેશના 8 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં લગભગ 43 હજાર કરોડ રૂપિયા સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત તેમના ખાતામાં જમા થઇ ચુક્યા છે. કોઈ વચેટિયા નહી, કોઈ કપાત નહી, કોઈ સિન્ડીકેટ નહી; અને જ્યારે સીધો પહોંચે છે, કપાત મળતી નથી, સિન્ડીકેટનું ચાલતું નથી, આવી યોજના કોઈ શું કામ લાગુ કરશે?
દેશના 8 કરોડ ખેડૂતોને આટલી મોટી મદદ, પરંતુ મારા દિલમાં હંમેશા દર્દ રહેશે, હું હંમેશા ઈચ્છીશ, ઈશ્વરને પ્રાર્થના કરીશ કે નીતિ નિર્ધારકોને આ અંગે સદબુદ્ધિ આપે. અને ગરીબોને બીમારીમાં મદદ માટે આયુષ્માન ભારત યોજના અને ખેડૂતોની જિંદગીમાં સુખ અને શાંતિનો રસ્તો પાક્કો થાય તેની માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ મારા બંગાળના ગરીબોને મળે, મારા બંગાળના ખેડૂતોને મળે. આજે બંગાળની જનતાનો મિજાજ હું જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું. બંગાળની જનતાની તાકાત છે કે હવે આ યોજનાઓથી લોકોને વંચિત કોઈ નહી રાખી શકે.
સાથીઓ, પશ્ચિમ બંગાળના અનેક વીર દીકરા-દીકરીઓએ જે ગામ અને ગરીબ માટે અવાજ ઉઠાવ્યો, તેમનો વિકાસ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તે કોઈ એક વ્યક્તિની, કોઈ એક સરકારની જવાબદારી નથી, પરંતુ સંપૂર્ણ ભારતવર્ષનો સામૂહિક સંકલ્પ પણ છે. સામૂહિક જવાબદારી પણ છે અને સામૂહિક પુરુષાર્થ પણ છે. મને વિશ્વાસ છે કે 21મી સદીના નવા દશકમાં, જ્યારે દુનિયા એક વૈભવશાળી ભારતની રાહ જોઈ રહી છે, ત્યારે આપણા આ સામૂહિક પ્રયાસ દુનિયાને ક્યારેય નિરાશ નહી કરે, આપણા આ પ્રયાસો જરૂરથી રંગ લાવશે.
એ જ આત્મવિશ્વાસ સાથે 130 કરોડ દેશવાસીઓની સંકલ્પશક્તિ અને તેમના સામર્થ્ય પર અપ્રતિમ શ્રદ્ધા હોવાના કારણે હું ભારતના ઉજ્જવળ ભવિષ્યને મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું.
અને આ જ વિશ્વાસની સાથે આવો આપણે કર્તવ્ય પથ પર ચાલીએ, આપણા કર્તવ્યોનું વહન કરવા માટે આગળ આવીએ. 130 કરોડ દેશવાસી જ્યારે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તો દેશ જોત જોતામાં જ નવી ઉંચાઈઓને પાર કરી લે છે.
એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150 વર્ષ માટે અને વિકાસ પરિયોજનાઓ માટે, આજના આ મહત્વપૂર્ણ અવસર પર હું આપ સૌને, સંપૂર્ણ પશ્ચિમ બંગાળને, અહિયાંની મહાન પરંપરાઓને નમન કરીને અનેક અનેક શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારી સાથે આ ધરતી, પ્રેરણાની ધરતી, દેશનું સામર્થ્ય જગાડનારી ધરતી છે. અહિયાંથી સંપૂર્ણ તાકાત વડે આપણા સપનાઓને સમેટતો નારો આપણે બોલીશું. બંને હાથ ઉપર કરીને, મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત સાથે બોલીશું-
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ ખૂબ આભાર!