જય હિન્દ!
જય હિન્દ!
જય હિન્દ!
મંચ પર બિરાજમાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખડજી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બહેન મમતા બેનર્જીજી, મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી પ્રહલાદ પટેલજી, શ્રી બાબુલ સુપ્રિયોજી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નજીકના સંબંધી લોકો, ભારતનું ગૌરવ વધારનારી આઝાદ હિન્દ ફોજના બહાદુર સભ્યો, તેમના પરિવારજનો, અહિયાં ઉપસ્થિત કળા અને સાહિત્ય જગતના દિગ્ગજો અને બંગાળની આ મહાન ધરતીના મારા ભાઈઓ અને બહેનો,
આજે કોલકાતામાં આવવું એ મારી માટે ખૂબ જ લાગણીશીલ બનાવી દેનાર ક્ષણ છે. બાળપણથી જ્યારથી આ નામ સાંભળ્યું – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, હું કોઈપણ સ્થિતિમાં રહ્યો હોઉં, પરિસ્થિતિમાં રહ્યો હોઉં, આ નામ કાનમાં પડતાં જ એક નવી ઉર્જા સાથે હું ભરાઈ ગયો. એટલું વિરાટ વ્યક્તિત્વ કે તેની વ્યાખ્યા માટે શબ્દો ઓછા પડી જાય. એટલી દૂરની દ્રષ્ટિ કે ત્યાં સુધી જોવા માટે અનેક જન્મો લેવા પડે. વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ આટલો ઉત્સાહ, એટલું સાહસ કે દુનિયાનો મોટામાં મોટો પડકાર પણ ટકી ના શકે. હું આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ચરણોમાં મારુ માથું નમાવું છું, તેમને નમન કરું છું. અને નમન કરું છું તે મા ને, પ્રભાદેવીજીને જેમણે નેતાજીને જન્મ આપ્યો. આજે તે પવિત્ર દિવસને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 125 વર્ષ પહેલા, આજના જ દિવસે મા ભારતીના ખોળામાં તે વીર સપૂતે જન્મ લીધો હતો, જેણે આઝાદ ભારતના સપનાઓને નવી દિશા આપી હતી. આજના જ દિવસે ગુલામીના અંધકારમાં તે ચેતના ફૂટી બહાર નીકળી હતી, જેણે દુનિયાની સૌથી મોટી સત્તાની સામે ઊભા રહીને કહ્યું હતું, હું તમારી પાસેથી આઝાદી માંગીશ નહિ, ઝૂંટવીને લઇશ. આજના માત્ર નેતાજી સુભાષનો જન્મ જ નહોતો થયો પરંતુ આજે ભારતના નવા આત્મગૌરવનો પણ જન્મ થયો હતો, ભારતના નવા સૈન્ય કૌશલ્યનો જન્મ થયો હતો. હું આજે નેતાજીની 125 મી જન્મ જયંતી પર કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી આ મહાપુરુષને કોટિ કોટિ પ્રણામ કરું છું, તેમને વંદન કરું છું.
સાથીઓ,
હું આજે બાળક સુભાષને નેતાજી બનાવનારી, તેમના જીવનને તપ, ત્યાગ અને તિતિક્ષા વડે ઘડનારી બંગાળની આ પુણ્ય ભૂમિને પણ આદરપૂર્વક નમન કરું છું. ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોર, બકિંમ ચંદ્ર ચટોપાધ્યાય, શરદ ચંદ્ર જેવા મહાપુરુષોએ આ પુણ્ય ભૂમિને રાષ્ટ્ર ભક્તિની ભાવના વડે ભરી છે. સ્વામી રામ કૃષ્ણ પરમ હંસ, ચૈતન્ય મહાપ્રભુ, શ્રી અરવિંદ, મા શારદા, મા આનંદમયી, સ્વામી વિવેકાનંદ, શ્રી શ્રી ઠાકુર અનુકૂળ ચંદ્ર જેવા સંતોએ આ પુણ્ય ભૂમિને વૈરાગ્ય, સેવા અને અધ્યાત્મ સાથે અલૌકિક બનાવી છે. ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર, રાજા રામ મોહન રાય, ગુરુચન્દ ઠાકુર, હરિચંદ ઠાકુર જેવા અનેક સમાજ સુધારક, સામાજિક સુધારણાના અગ્રદૂતોએ આ પુણ્યભૂમિ વડે દેશમાં નવા સુધારાઓનો પાયો નાંખ્યો છે. જગદીશ ચંદ્ર બોઝ, પી સી રૉય, એસ એન બોઝ અને મેઘનાદ સાહા જેવા અગણિત વૈજ્ઞાનિકોએ આ પુણ્ય ભૂમિને જ્ઞાન વિજ્ઞાન વડે સીંચી છે. આ એ જ પુણ્ય ભૂમિ છે જેણે દેશને તેનું રાષ્ટ્રગાન પણ આપ્યું છે, અને રાષ્ટ્ર ગીત પણ આપ્યું છે. આ જ ભૂમિએ આપણને દેશબંધુ ચિતરંજન દાસ, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને આપણાં સૌના પ્રિય ભારત રત્ન પ્રણવ મુખર્જી વડે સાક્ષાત્કાર કરાવ્યો. હું આ ભૂમિના આવા લાખો લાખ મહાન વ્યક્તિત્વોના ચરણોમાં પણ આજે આ પવિત્ર દિવસ પર પ્રણામ કરું છું.
સાથીઓ,
અહીં આવતા પહેલા હું હમણાં નેશનલ લાઇબ્રેરી ગયો હતો, જ્યાં નેતાજીની વિરાસત પર એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને આર્ટિસ્ટ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. મેં અનુભવ કર્યો, નેતાજીનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિ કેટલી ઊર્જાથી ભરાઈ જાય છે. નેતાજીના જીવનની આ ઉર્જા જાણે તેમના અંતર્મન સાથે જોડાઈ ગઈ છે. તેમની આ જ ઉર્જા, આ જ આદર્શ, તેમની તપસ્યા, તેમનો ત્યાગ દેશના દરેક યુવાન માટે બહુ મોટી પ્રેરણા છે. આજે જ્યારે ભારત નેતાજીની પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છે, તો આપણાં સૌનું કર્તવ્ય છે કે તેમના યોગદાનને વારંવાર યાદ કરવામાં આવે. પેઢી દર પેઢી યાદ કરવામાં આવે. એટલા માટે દેશે નક્કી કર્યું છે કે નેતાજીની 125 મી જન્મ જયંતીના વર્ષને ઐતિહાસિક, અભૂતપૂર્વ ભવ્યતા ભરેલા આયોજનો સાથે ઉજવીએ. આજે સવારથી આખા દેશમાં તેની સાથે જોડાયેલ કાર્યક્રમો દરેક ખૂણામાં થઈ રહ્યા છે.
આજે આ જ સંદર્ભમાં નેતાજીની સ્મૃતિમાં એક સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. નેતાજીના પત્રો પર એક પુસ્તકનું વિમોચન પણ થયું છે. કોલકાતા અને બંગાળ કે જે તેમની કર્મભૂમિ રહી છે, અહિયાં નેતાજીના જીવન પર એક પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શો પણ આજથી શરૂ થઈ રહ્યું છે. હાવડાથી ચાલનારી ટ્રેન ‘હાવડા કાલકા મેલ’નું પણ નામ બદલીને ‘નેતાજી એક્સપ્રેસ’ કરી દેવામાં આવ્યું છે. દેશે એ પણ નક્કી કર્યું છે કે હવે દર વર્ષે આપણે નેતાજીની જયંતી એટલે કે 23 જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવતા રહીશું. આપણાં નેતાજી ભારતના પરાક્રમના પ્રતિમૂર્તિ પણ છે અને પ્રેરણા પણ છે. આજે જ્યારે આ વર્ષે દેશ પોતાની આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે નેતાજીનું જીવન, તેમનું દરેક કાર્ય, તેમનો દરેક નિર્ણય, આપણાં સૌ માટે એક બહુ મોટી પ્રેરણા છે. તેમના જેવા લોખંડી ઈરાદાઓ વાળા વ્યક્તિત્વ માટે અશક્ય કઈં જ નહોતું. તેમણે વિદેશમાં જઈને દેશની બહાર રહેનારા ભારતીયોની ચેતનાને હચમચાવી, તેમણે આઝાદી માટે આઝાદ હિન્દ ફૌજને મજબૂત કરી. તેમણે આખા દેશમાંથી દરેક જાતિ, પંથ, દરેક ક્ષેત્રના લોકોને દેશના સૈનિક બનાવ્યા. તે સમયમાં જ્યારે દુનિયા મહિલાઓના સામાન્ય અધિકારો પર જ ચર્ચા કરી રહી હતી, નેતાજીએ ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’ બનાવીને મહિલાઓને પોતાની સાથે જોડી. તેમણે ફૌજના સૈનિકોના આધુનિક યુદ્ધ માટે તાલીમ આપી, તેમને દેશ માટે જીવવાનો ઉત્સાહ આપ્યો, દેશની માટે મરવાનું લક્ષ્ય આપ્યું. નેતાજીએ કહ્યું હતું – ““भारोत डाकछे। रोकतो डाक दिए छे रोक्तो के। ओठो, दाड़ांओ आमादेर नोष्टो करार मतो सोमोय नोय। અર્થાત ભારત બોલાવી રહ્યું છે. રક્ત રક્તને અવાજ આપી રહ્યું છે. ઉઠો, આપણી પાસે ગુમાવવા માટે હવે સમય નથી બચ્યો.
સાથીઓ,
આવી જોશભરી હુંકાર માત્ર અને માત્ર નેતાજી જ આપી શકે તેમ હતા. અને આખરે, તેમણે એ બતાવી પણ દીધું કે જે સત્તાનો સૂરજ ક્યારેય ડૂબતો નહોતો, ભારતના વીર સપૂતો રણભૂમિમાં તેમને પણ પરાજિત કરી શકે છે. તેમણે સંકલ્પ લીધો હતો, ભારતની જમીન પર આઝાદ ભારતની આઝાદ સરકારનો પાયો નાખીશું. નેતાજીએ પોતાનો વાયદો પણ પૂરો કરીને બતાવ્યો. તેમણે અંદામાનમાં પોતાના સૈનિકોની સાથે આવીને તિરંગો લહેરાવ્યો. જે જગ્યા પર અંગ્રેજો દેશના સ્વતંત્રતા સેનનીઓને યતનાઓ આપતા હતા, કાળા પાણીની સજા આપતા હતા, તે જગ્યા પર જઈને તેમણે તે સેનાનીઓને પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. તે સરકાર, અખંડ ભારતની પહેલી આઝાદ સરકાર હતી. નેતાજી અખંડ ભારતની આઝાદ હિન્દ સરકારના પહેલા મુખિયા હતા. અને એ મારુ સૌભાગ્ય છે કે આઝાદીની તએ પહેલી ઝલકને સુરક્ષિત રાખવા માટે 2018 માં અમે અંદામાનના તે દ્વીપનું નામ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ રાખ્યું હતું. દેશની ભાવનાને સમજીને નેતાજી સાથે જોડાયેલ ફાઈલો પણ અમારી જ સરકારે સાર્વજનિક કરી. એ અમારી જ સરકારનું સૌભાગ્ય રહ્યું કે જે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન આઈએનએ વેટરન પરેડમાં સામેલ થયા. આજે અહિયાં આ કાર્યક્રમમાં આઝાદ હિન્દ ફૌજમાં રહેલા દેશના વીર દીકરાઓ અને દીકરીઓ પણ ઉપસ્થિત છે. હું તમને ફરીથી પ્રણામ કરું છું અને પ્રણામ કરીને એ જ કહીશ કે દેશ સદા સર્વદા તમારી માટે કૃતજ્ઞ રહેશે, કૃતજ્ઞ છે અને હંમેશા રહેશે.
સાથીઓ,
2018માં જ દેશે આઝાદ હિન્દ સરકારના 75 વર્ષને પણ તેટલા જ ધૂમધામથી ઉજવ્યા હતા. દેશે તે જ વર્ષે સુભાષ ચંદ્ર બોઝ આપદા વ્યવસ્થાપન પુરસ્કાર પણ શરૂ કર્યા છે. નેતાજીએ દિલ્હી દૂર નથીનો નારો આપીને લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનું જે સપનું જોયું હતું, તેમનું તે સપનું દેશે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવીને પૂરું કર્યું.
ભાઈઓ અને બહેનો,
જ્યારે આઝાદ હિંદ ફૌજના કેમ્પમાં મેં લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો હતો, તેને મેં મારા માથે અડાડ્યો હતો. તે સમયે મારા મન મસ્તિષ્કમાં ઘણું બધુ ચાલી રહ્યું હતું. ઘણા બધા સવાલો હતા, ઘણી બધી વાતો હતી, એક જુદી જ અનુભૂતિ હતી. હું નેતાજીના વિષયમાં જ વિચારી રહ્યો હતો, દેશવાસીઓના વિષયમાં વિચારી રહ્યો હતો. તેઓ કોની માટે આખા જીવન દરમિયાન જોખમ ઉઠાવતા રહ્યા, જવાબ એ જ છે – અમારી અને તમારી માટે. તે કેટ કેટલાય દિવસો સુધી આમરણ અનશન કોની માટે કરતાં રહ્યા – તમારી અને મારી માટે. તેઓ મહિનાઓ સુધી કોની માટે જેલની કોટડીઓમાં સજા ભોગવતા રહ્યા – તમારી અને આપણી માટે. કોણ એવું હશે કે જેના જીવનની પાછળ આટલી મોટી અંગ્રેજી હકૂમત લાગેલી હોય અને તે જીવન હથેળી પર રાખીને ફરાર થઈ જાય. અઠવાડિયા અઠવાડિયાઓ સુધી તેઓ કાબુલનાં માર્ગો પર પોતાનું જીવન દાવ પર લગાવીને એક દૂતાવાસથી બીજા દૂતાવાસના આંટા ફેરા કરતાં રહ્યા – કોની માટે? આપણી અને તમારી માટે. વિશ્વ યુદ્ધના તે માહોલમાં દેશોની વચ્ચે ક્ષણે ક્ષણે બદલાતા દેશોની વચ્ચે સંબંધો, તેની વચ્ચે શા માટે તેઓ દરેક દેશમાં જઈને ભારતની માટે સમર્થન માંગતા રહ્યા? કે જેથી કરીને ભારત આઝાદ થઈ શકે, આપણે અને તમે આઝાદ ભારતમાં શ્વાસ ભરી શકીએ. હિન્દુસ્તાનનો એક એક વ્યક્તિ નેતાજી સુભાષ બાબુનો ઋણી છે. 130 કરોડ કરતાં વધુ ભારતીયોના શરીરમાં વહેનારા લોહીનું એક એક ટીપું નેતાજી સુભાષનું ઋણી છે. આ ઋણ આપણે કઈ રીતે ચૂકવીશુ? આ ઋણ શું આપણે ક્યારેય ચૂકવી શકીશું ખરા?
સાથીઓ,
જ્યારે નેતાજી સુભાષ અહિયાં કોલકાતામાં પોતાના આડત્રીસ બાય બે, એલગિન રોડના ઘરમાં કેદ હતા, જ્યારે તેમણે ભારતમાંથી બહાર નીકળવાનો ઇરાદો કરી લીધો હતો તો તેમણે પોતાના ભત્રીજા શિશિરને બોલાવીને કહ્યું હતું – अमार एकटा काज कोरते पारबे? अमार एकटा काज कोरते पारबे? क्या मेरा एक काम कर सकते हो? તે પછી શિશિરજીએ એ કામ કર્યું કે જે ભારતની આઝાદીના સૌથી મોટા કારણોમાંથી એક બન્યું. નેતાજી એ જોઈ રહ્યા હતા કે વિશ્વ યુદ્ધના માહોલમાં અંગ્રેજી હકૂમતને જો બહારથી આઘાત કરવામાં આવે તો તેને તકલીફ સૌથી વધારે પડશે. તેઓ ભવિષ્ય જોઈ રહ્યા હતા કે જેમ જેમ વિશ્વ યુદ્ધ વધશે, તેમ તેમ અંગ્રેજોની તાકાત ઓછી થતી જવાની છે, ભારત પર તેમની પકડ ઢીલી પડતી જશે. આ હતું તેમનું વિઝન, આટલું દૂરનું તેઓ વિચારી રહ્યા હતા. હું ક્યાંક વાંચી રહ્યો હતો કે આ જ સમયે તેમણે પોતાની ભત્રીજી ઇલાને દક્ષિણેશ્વર મંદિરમાં મોકલી હતી કે માં ના આશીર્વાદ લઈને આવ. તેઓ તાત્કાલિક જ દેશની બહાર નીકળવા માંગતા હતા, દેશની બહાર જે ભારતની સમર્થક શક્તિઓ છે એમને સંગઠિત કરવા માંગતા હતા. એટલા માટે તેમણે યુવા શિશિરને કહ્યું હતું - अमार एकटा काज कोरते पारबे? क्या मेरा एक काम कर सकते हो?
સાથીઓ,
આજે દરેક ભારતીય પોતાના હ્રદય પર હાથ રાખે, નેતાજી સુભાષને અનુભવ કરે, તો પછી તેને ફરીથી આ સવાલ સંભળાશે - अमार एकटा काज कोरते पारबे? क्या मेरा एक काम कर सकते हो? આ કામ, આ કાજ, આ લક્ષ્ય આજે ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે. દેશનો જન જન, દેશનું દરેક ક્ષેત્ર, દેશનો દરેક વ્યક્તિ તેની સાથે જોડાયેલ છે. નેતાજીએ કહ્યું હતું – पुरुष, ओर्थो एवं उपोकरण निजेराई बिजोय बा साधिनता आंते पारे ना. आमादेर अबोशोई सेई उद्देश्यो शोकति थाकते होबे जा आमादेर साहोसिक काज एवंम बीरतपुरनो शोसने उदबुधो कोरबे. એટલે કે આપણી પાસે તે ઉદ્દેશ્ય અને શક્તિ હોવી જોઈએ, જે આપણને સાહસ અને વિરતાપૂર્ણ રીતે શાસન કરવા માટે પ્રેરિત કરે. આજે આપણી પાસે ઉદ્યોગ પણ છે, શક્તિ પણ છે. આત્મનિર્ભર ભારતનું આપણું લક્ષ્ય આપણી આત્મશક્તિ, આપણાં આત્મ સંકલ્પ વડે પૂરું થશે. નેતાજીએ કહ્યું હતું – आज आमादेर केबोल एकटी इच्छा थाका उचित – भारोते ईच्छुक जाते, भारोते बांचते पारे। એટલે કે આજે આપણી એક જ ઈચ્છા હોવી જોઈએ કે આપણું ભારત બચી શકે, ભારત આગળ વધે. આપણું પણ એક જ લક્ષ્ય છે. આપણું લોહી પરસેવો પાડીને દેશ માટે જીવીએ, આપણાં પરિશ્રમ વડે, આપણાં ઇનોવેશન વડે દેશને આત્મનિર્ભર બનાવીએ. નેતાજી કહેતા હતા – “निजेर प्रोती शात होले सारे बिस्सेर प्रोती केउ असोत होते पारबे ना’ એટલે કે જો તમે પોતાની માટે સાચા છો, તો તમે આખી દુનિયા માટે ખોટા ના હોઇ શકો. આપણે દુનિયાની માટે વધુ સરી ગુણવત્તાના ઉત્પાદનો બનાવવા પડશે, જરા પણ ઊતરતી કક્ષાના નહિ, ઝીરો ડિફેક્ટ-ઝીરો ઇફેક્ટવાળા ઉત્પાદનો. નેતાજીએ આપણને કહ્યું હતું – “स्वाधीन भारोतेर स्वोप्ने कोनो दिन आस्था हारियो ना। बिस्से एमुन कोनो शोक्ति नेई जे भारोत के पराधीनांतार शृंखलाय बेधे राखते समोर्थों होबे” એટલે કે આઝાદ ભારતના સપનામાં ક્યારેય ભરોસો ગુમાવશો નહિ. દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે જે ભારતને બાંધીને રાખી શકે. ખરેખર, દુનિયામાં એવી કોઈ તાકાત જ નથી કે જે 130 કરોડ દેશવાસીઓને આપણાં ભારતને આત્મનિર્ભર ભારત બનવવાથી રોકી શકે.
સાથીઓ,
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ગરીબીને, આશિક્ષણને, બીમારીને, દેશની સૌથી મોટી સમસ્યાઓમાં ગણતાં હતા. તેઓ કહેતા હતા – ‘आमादेर शाब्छे बोरो जातियो समस्या होलो, दारिद्रो अशिकखा, रोग, बैज्ञानिक उत्पादोन। जे समस्यार समाधान होबे, केबल मात्रो सामाजिक भाबना-चिन्ता दारा” અર્થાત આપણી સૌથી મોટી સમસ્યા ગરીબી, અશિક્ષા, બીમારી અને વૈજ્ઞાનિક ઉત્પાદનની અછત છે. આ સમસ્યાઓના સમાધાન માટે સમાજે સાથે મળીને એકઠું થવું પડશે, સાથે મળીને પ્રયાસ કરવો પડશે. મને સંતોષ છે કે આજે દેશ પીડિત, શોષિત વંચિતને, આપણાં ખેડૂતોને, દેશની મહિલાઓને સશક્ત કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. આજે દરેક ગરીબને મફત ઈલાજની સુવિધા માટે સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહી છે. દેશના ખેડૂતોને બિયારણથી લઈને બજાર સુધી આધુનિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. ખેતી પર થનાર તેમનો ખર્ચો ઓછો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દરેક યુવાનને આધુનિક અને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ મળે, તેની માટે દેશના શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં દેશભરમાં એઇમ્સ, આઈઆઈટી અને આઇઆઇએમ જેવા મોટા સંસ્થાનો ખોલવામાં આવ્યા છે. આજે દેશ 21 મી સદીની જરૂરિયાતો અનુસાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ લાગુ કરી રહ્યો છે.
સાથીઓ,
હું ઘણીવાર વિચાર કરું છું કે આજે દેશમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, જે નવું ભારત આકાર લઈ રહ્યું છે, તેને જોઈને નેતાજીને કેટલી સંતુષ્ટિ મળતી. તેમને કેવું લાગત, જ્યારે તેઓ દુનિયાની સૌથી આધુનિક ટેકનોલોજીની અંદર પોતાના દેશને આત્મનિર્ભર બનતો જોતા? તેમને કેવું લાગત જ્યારે તેઓ આખી દુનિયાની મોટી મોટી કંપનીઓમાં, શિક્ષણમાં, મેડિકલ ક્ષેત્રમાં ભારતીયોનો ડંકો વાગતો જોતા? આજે રફેલ જેવા આધુનિક વિમાનો પણ ભારતની સેના પાસે છે, અને તેજસ જેવા અતિ આધુનિક વિમાન ભારત પોતે પણ બનાવી રહ્યું છે. જ્યારે તેઓ જોવત કે આજે તેમના દેશની સેના આટલી શક્તિશાળી છે, તેને એમ જ આધુનિક હથિયારો મળી રહ્યા છે, જેવું તેઓ ઇચ્છતા હતા તો તેમને કેવું લાગત? આજે જો નેતાજી એવું જોવત કે તેમનું ભારત આટલી મોટી મહામારી સામે આટલી મોટી તાકાત સાથે લડી રહ્યું છે, આજે તેમનું ભારત રસી જેવા આધુનિક વૈજ્ઞાનિક સમાધાન પોતે જાતે તૈયાર કરી રહ્યું છે તો તેઓ શું વિચારત? જ્યારે તેઓ જોવત કે ભારત રસી આપીને દુનિયાના બીજા દેશોની મદદ પણ કરી રહ્યું છે, તો તેમને કેટલો ગર્વ થાત. નેતાજી જે પણ સ્વરૂપમાં આપણને જોઈ રહ્યા છે, આપણને આશીર્વાદ આપી રહ્યા છે, પોતાનો સ્નેહ આપી રહ્યા છે. જે સશકત ભારતની તેમણે કલ્પના કરી હતી, આજે એલએસી થી લઈને એલઓસી સુધી, ભારતનો આ જ અવતાર દુનિયા જૂરહી છે. જ્યાં ક્યાંય થી પણ ભારતની સંપ્રભૂતાને પડકાર ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ભારત આજે જડબાતોડ જવાબ આપી રહ્યો છે.
સાથીઓ,
નેતાજીના વિષયમાં બોલવા માટે એટલું બધું છે જે વાત કરતા કરતા રાતોની રાતો વીતી જાય. નેતાજી જેવા મહાન વ્યક્તિત્વોના જીવનમાંથી આપણને સૌને અને ખાસ કરીને યુવાનોને ઘણું બધું શીખવા મળે છે. પરંતુ એક બીજી પણ વાત કે જે મને ખૂબ જ પ્રભાવિત કરે છે તે છે પોતાના લક્ષ્ય માટે અનવરત પ્રયાસ. વિશ્વ યુદ્ધના સમય પર પણ જ્યારે સાથી દેશો પરાજયનો સામનો કરી ચૂક્યા હતા, શરણાગત થઈ ચૂક્યા હતા ત્યારે નેતાજીએ પોતાના સહયોગીઓને જે વાતો કહી હતી તેનો ભાવ એ જ હતો જે - બીજા દેશોએ શરણાગતિ સ્વીકારી હશે આપણે નહિ. પોતાના સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જવાની ક્ષમતા અદ્વિતીય હતી. તેઓ પોતાની સાથે ભગવદ્ ગીતા રાખતા હતા, તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતા હતા. જો તેઓ કોઈ એક કામ માટે એક વખત આશ્વસ્ત થઈ જતાં હતા તો તેને પૂરું કરવા માટે કોઈપણ હદ સુધી પ્રયાસો કરતાં હતા. તેમણે આપણને એ વાત શીખવાડી છે કે જો કોઈ વિચાર બહુ સરળ નથી, સાધારણ નથી, તેમાં જો મુશ્કેલીઓ પણ છે, તો પણ કંઈ નવું કરવાથી ગભરાવું ના જોઈએ. જો તમે કોઈ બાબત પર ભરોસો કરો છો તો તમારે તેની શરૂઆત કરવાનું સાહસ પણ દેખાડવું જોઈએ. એક વખતે એવું લાગી શકે કે તમે પ્રવાહની વિપરિત ચાલી રહ્યો છો પરંતુ જો તમારું લક્ષ્ય પવિત્ર છે તો તેમાં પણ સંકોચ ન કરવો જોઈએ, તેમણે એ કરીને દેખાડ્યું કે તમે જો તમારા પોતાના દૂરોગામી લક્ષ્યો માટે સમર્પિત છો, તો સફળતા તમને મળવાની જ છે.
સાથીઓ,
નેતાજી સુભાષ, આત્મ નિર્ભર ભારતના સપનાની સાથે જ સોનાર બાંગ્લા માટે પણ સૌથી મોટી પ્રેરણા છે. જે ભૂમિકા નેતાજીએ દેશની આઝાદીમાં નિભાવી હતી, આજે તે જ ભૂમિકા પશ્ચિમ બંગાળને આત્મનિર્ભર ભારત અભિયાનમાં નિભાવવાની છે. આત્મનિર્ભર ભારત અભિયાનનું નેતૃત્વ આત્મનિર્ભર બંગાળ અને સોનાર બાંગ્લાએ પણ કરવાનું છે. બંગાળ આગળ આવે, પોતાના ગૌરવનમાં વધારે વૃદ્ધિ કરે. નેતાજીની જેમ જ આપણે પણ આપણા સંકલ્પોની પ્રાપ્તિ સુધી હવે રોકાવાનું નથી. આપ સૌ તમારા પોતાના પ્રયાસોમાં, સંકલ્પોમાં સફળ થાવ, એ જ શુભકામનાઓ સાથે આજના આ પવિત્ર દિવસ પર, આ પવિત્ર ધરતી પર આવીને, આપ સૌના આશીર્વાદ લઈને નેતાજીના સપનાઓને પૂર્ણ કરવાનો આપણે સૌ સંકલ્પ લઈને આગળ વધીએ, આ જ એક ભાવના સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું! જય હિન્દ જય હિન્દ, જય હિન્દ!
ખૂબ ખૂબ આભાર!