દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.
મેં હમણાં આપનાં સૌનાં પ્રસ્તુતિકરણ (પ્રેઝન્ટેશન્સ) જોયા, તમારા વિચારો સાંભળ્યા. હું તમને આ મહેનત માટે, આ મંથન માટે ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. સાચી વાત છે, કૃષિ એક એવો વિષય છે જેણે હજારો વર્ષો પૂર્વેથી આપણી સભ્યતાની રચના કરી છે, તેને બચાવી છે, તેને સશક્ત કરી છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે-
कृषि धन्या, कृषि मेध्या
जन्तोनाव, जीवनाम कृषि
એટલે કે કૃષિ સંપત્તિ અને મેધા પ્રદાન કરે છે અને કૃષિ જ માનવ જીવનનો આધાર છે. એટલા માટે જે વિષય આટલો જુનો છે, જે વિષય પર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પદ્ધતિઓએ સમગ્ર વિશ્વને દિશા ચીંધી છે, ખેતીની તમામ તકનીકો, તેનો પરિચય કરાવ્યો છે, તે વિષય પર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્ય, ત્રણેયનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઈતિહાસમાં એવા વર્ણનો મળે છે જ્યારે વિદેશથી આવેલા લોકો ભારતની કૃષિ પદ્ધતિઓને જોઇને અચંબિત થઇ ગયા હોય. આટલી ઉન્નત વ્યવસ્થા, આટલી ઉન્નત તકનીક, વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત આપણી કૃષિએ સમગ્ર વિશ્વને ઘણું બધું શીખવ્યું છે. આપણે ત્યાં ઘાઘ અને ભટરી જેવા ખેડૂતોએ ક્યારેક ખેતી પર વાતાવરણને લઈને ખુબ જ સ્પષ્ટ કવિતાઓ લખી છે. પરંતુ ગુલામીના લાંબા કાળખંડમાં આ બધો જ અનુભવ, કૃષિને લઈને આપણી બનાવેલી બધી જ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઇ ગઈ.
સ્વતંત્રતા પછી આપણા દેશનાં ખેડૂતોએ તન-તોડ મહેનત કરીને ખેતીને ફરીથી સંભાળી છે. આઝાદી પછી દાણા દાણા માટે તરસી રહેલા આપણા ખેડૂતને ખાદ્યાન્નના મામલે આત્મનિર્ભર બનાવી દીધા છે. ગયા વર્ષે તો આપણા ખેડૂતોએ પોતાની મહેનતથી ખાદ્યાન્ન અને ફળ-શાકભાજીઓનું એટલું ઉત્પાદન કર્યું હતું કે જેટલું પહેલા ક્યારેય નહોતું કર્યું. તે આપણા દેશનાં ખેડૂતોનું સામર્થ્ય છે કે માત્ર એક જ વર્ષમાં દેશમાં દાળનું ઉત્પાદન આશરે 17 મિલિયન ટનથી વધીને લગભગ 23 મીલીયન ટન થયું હોય.
સ્વતંત્રતા પછીની આ યાત્રામાં કૃષિ ક્ષેત્રનો વિકાસ તો થયો પરંતુ ખેડૂતનો પોતાનો વ્યક્તિગત વિકાસ રૂંધાતો ગયો. કૃષિ વડે કમાણી અન્ય ક્ષેત્રોની સરખામણીએ ઓછી થઇ તો આવનારી પેઢીએ ખેતરમાં હળ ચલાવવાનું છોડીને શહેરમાં નાની મોટી નોકરી કરવાનું વધુ યોગ્ય સમજ્યું. સમય એવો આવ્યો કે દેશને અન્ન સુરક્ષા આપનારા ખેડૂતની પોતાની આવકની સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ. આ પરિસ્થિતિઓ વિશે તમને ખબર છે, અને કદાચ મારા કરતા પણ તમને વધારે ખબર છે. તેમ છતાં પણ હું એ સ્થિતિ વિષે તમારી સાથે વાત કરી રહ્યો છું કારણ કે જ્યારે પણ આપણે જૂની પરિસ્થિતિઓની સમીક્ષા કરીએ છીએ ત્યારે જ નવા રસ્તાઓ નીકળે છે, ત્યારે જ નવી પહોંચ સાથે કામ કરવાની રીત સુઝે છે. ત્યારે જ ખબર પડે છે કે શું અગાઉ એવું કઈ થયું કે જે અપેક્ષિત પરિણામો ન આપી શક્યું, જેને ભવિષ્યમાં સુધારવાની જરૂરિયાત છે. આ જ સમીક્ષાનો આધાર બને છે દેશમાં ખેડૂતોની આવકને બમણી કરવાનો લક્ષ્યાંક. એક એવો લક્ષ્યાંક જેની પ્રાપ્તિ જૂના અભિગમ સાથે શક્ય નહોતી. એક એવો લક્ષ્યાંક જેને પ્રાપ્ત કરવા માટે સમગ્ર કૃષિ ક્ષેત્રનાં જીર્ણોદ્ધારની જરૂર હતી.
જ્યારે આ લક્ષ્યને સામે રાખીને નાની-નાની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું શરૂ કર્યું તો ધીમે-ધીમે તેનો વિસ્તાર એક મોટા કૃષિ આંદોલનમાં બદલાઇ રહેલો જોઈ શકાય છે.
સાથીઓ, આપણે સૌએ ખેતરોમાં જોયું છે કે અનેક વાર જ્યારે બળદને લાંબા દોરડા વડે ખીલા સાથે બાંધી દેવામાં આવે છે તો તે ગોળ ગોળ ફરતો રહે છે. તેને લાગે છે કે તે ચાલી રહ્યો છે પરંતુ સત્ય એ જ છે કે, તેણે પોતાની મર્યાદા બાંધી લીધી છે અને તે જાતે જ તેમાં દોડતો રહેલો છે. ભારતની ખેતીને પણ આ જ પ્રકારના બંધનોથી મુક્તિ અપાવવાની એક બહુ મોટી જવાબદારી આપણા સૌના પર છે.
ખેડૂતની પ્રગતિ થાય, ખેડૂતની આવક વધે તેના માટે બીજથી લઈને બજાર સુધીનાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઉત્પાદનમાં આત્મનિર્ભરતાનાં આ સમયમાં સમગ્ર પ્રણાલી ખેડૂતો માટે ઉપકારક બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આવક વધારવાનાં વિષય પર બનેલી આંતર-મંત્રી સ્તરીય સમિતિ, નીતિ આયોગ તમારા જેવા અનેક વૈજ્ઞાનિકો, ખેડૂતો અને કૃષિ ક્ષેત્રનાં હિતધારકોની સાથે ગહન મંથન કરીને સરકારે એક દિશા નક્કી કરી છે અને સરકાર એ રસ્તા પર આગળ વધી રહી છે.
આ બજેટમાં ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત અપાવવા માટે એક મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. અને આપણા પાશા પટેલે ઉત્સાહપૂર્વક તેનું વર્ણન પણ કર્યું છે. તે અંતર્ગત ખેડૂતોને તેમના પાકોની ઓછામાં ઓછી પડતર કિંમતનું પર 50 ટકા એટલે કે દોઢ ગણું મુલ્ય સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર લઘુત્તમ સમર્થન મુલ્યની જાહેરાતનો પૂરેપૂરો લાભ ખેડૂતોને મળે તેના માટે રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરી રહી છે.
જૂની જે ખામાઓ છે તેને દુર કરવાની છે. સંપૂર્ણ વ્યવસ્થાને વિકસિત કરવાની છે. ભાઈઓ અને બહેનો ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ચાર જુદા જુદા સ્તરે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
પહેલું- એવા કયા કયા પગલાઓ લેવામાં આવે જેનાથી ખેતી પર થતો તેમનો ખર્ચ ઓછો થઇ શકે.
બીજું- એવા કયા પગલાઓ લેવામાં આવે જેનાથી તેમને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે.
ત્રીજું- ખેતરથી લઈને બજાર સુધી પહોંચવા સુધી વચ્ચે પાક, ફળો, શાકભાજીઓની જે બરબાદી થાય છે, તેને કઈ રીતે રોકી શકાય.
અને ચોથું- એવું તો શું કરવામાં આવે કે જેનાથી ખેડૂતોની વધારાની આવકની અમે વ્યવસ્થા કરી શકીએ. અમારી સરકારે બધા જ નીતિગત નિર્ણયો, બધા જ તકનીકિ નિર્ણયો, બધા જ કાયદાકીય નિર્ણયો, આ જ ચાર સ્તર પર આધારિત રાખ્યા છે. વધુમાં વધુ તકનીકને આ નિર્ણયો સાથે જોડી છે અને તેનું જ પરિણામ છે કે હકારાત્મક પરિણામો મળવા લાગ્યા છે.
જેમ કે જો યુરીયાનાં નીમ કોટિંગની વાત કરવામાં આવે તો, આ એક નિર્ણયે ખેડૂતોનો ઘણો જ ખર્ચ ઓછો કરી નાખ્યો છે. યુરીયાનાં 100 ટકા નીમ કોટિંગનાં કારણે યુરીયાની ગુણવત્તા વધી છે અને એ બાબત સામે આવી રહી છે કે હવે એટલી જ જમીન માટે ખેડૂતને ઓછું યુરીયા નાખવું પડે છે. યુરીયાનાં ઓછા વપરાશને કારણે પૈસાની બચત અને ઉપજનાં લીધે વધુ કમાણી, આ પરિવર્તન યુરીયાનાં નીમ કોટિંગને લીધે આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, અત્યાર સુધીમાં દેશમાં 11 કરોડથી પણ વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડને લીધે અનાજનું ઉત્પાદન વધ્યું છે. ખેડૂતોને હવે પહેલેથી જ ખબર હોય છે કે માટીમાં કઈ વસ્તુઓની ઉણપ છે. કયા પ્રકારનાં ખાતરની જરૂરીયાત છે. દેશનાં 19 રાજ્યોમાં થયેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સોઇલ હેલ્થ કાર્ડનાં આધારે ખેતી કરવાનાં કારણે રાસાયણિક ખાતરનાં ઉપયોગમાં 8 થી 10 ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે.
પરંતુ સાથીઓ, સોઇલ હેલ્થ કાર્ડનો સંપૂર્ણ ફાયદો ત્યારે જ મળી શકશે જ્યારે દરેક ખેડૂત આ કાર્ડથી મળનારા લાભોને સમજીને તે પ્રમાણે પોતાની ખેતી કરે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તેની સંપૂર્ણ પ્રણાલી વિકસિત થઇ જાય. હું ઈચ્છીશ કે જમીનની તપાસ અને તેના પરિણામોનાં આધારે ખેડૂતને પાક અને ઉત્પાદનનાં પેકેજીંગનાં ટ્રેનીંગ મોડ્યુલને આપણી કૃષિ યુનિવર્સીટીમાં બીએસસી એગ્રીકલ્ચરનાં કોર્સમાં જોડવામાં આવે. આ મોડ્યુલને કૌશલ્ય વિકાસ સાથે પણ જોડી શકાય તેમ છે.
જે વિદ્યાર્થીઓ આ કોર્સ પાસ કરશે, તેમને એક ખાસ સર્ટિફિકેટ આપવા અંગેનો પણ વિચાર કરી શકાય તેમ છે. આ સર્ટિફિકેટનાં આધાર પર વિદ્યાર્થી પોતાની સોઇલ હેલ્થ ટેસ્ટીંગ પ્રયોગશાળા ગામની અંદર જ ખોલી શકે છે. તેને મુદ્રા યોજના હેઠળ લોન મળી શકે, આ પ્રકારની વ્યવસ્થા વિષે પણ વિચારી શકાય તેમ છે. ભવિષ્યમાં જ્યારે બધી પ્રયોગશાળાઓ, કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડાઈ જશે, જમીન આરોગ્યનાં આંકડા મધ્યસ્થ પોર્ટલ પર ઉપલબ્ધ હશે તો વૈજ્ઞાનિકો અને ખેડૂત, બંનેને ઘણી સરળતા રહેશે. સોઇલ હેલ્થ કાર્ડનાં આ મધ્યસ્થથી આંકડાઓ પરથી આપણા કૃષિ વૈજ્ઞાનિકો માટીનું સ્વાસ્થ્ય, પાણીની ઉપલબ્ધતા અને જળવાયુ વિષે ખેડૂતોને યોગ્ય જાણકારી આપી શકે, આ પ્રકારની વ્યવસ્થા વિકસિત કરવી જોઈએ.
સાથીઓ અમારી સરકારે દેશની કૃષિ નીતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે. યોજનાઓનાં અમલીકરણની પદ્ધતિ બદલી છે. તેનું ઉદાહરણ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તે અંતર્ગત બે જુદા જુદા વિસ્તારો પર એકસાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેનું લક્ષ્ય એક તો દેશમાં માઈક્રો સિંચાઈની મર્યાદા વધારવાનું અને બીજું વર્તમાન સિંચાઈ નેટવર્ક છે તેને મજબુત કરવાનું છે.
એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે, બે-ત્રણ દાયકાઓથી અટકીને પડેલી દેશની 99 સિંચાઈ પરિયોજનાઓને નિર્ધારિત સમયમાં પૂરી કરી દેવામાં આવે. તેના માટે 80 હજાર કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આ સરકારનાં નિરંતર પ્રયાસોની જ અસર છે કે, આ વર્ષનાં અંત સુધીમાં લગભગ 50 યોજનાઓ પૂરી થઇ જશે અને બાકી આગામી વર્ષ સુધીમાં પૂરી કરવાનું લક્ષ્ય છે.
એટલે કે, જે કામ 25-30 વર્ષથી અટકેલું પડ્યું હતું, તે આપણે 25-30 મહિનામાં પૂરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પૂરી થયેલી દરેક સિંચાઈ પરિયોજના દેશનાં કોઈ ન કોઈ ખૂણે ખેડૂતનો ખેતી પર થનારો ખર્ચ ઓછો કરી રહી છે, પાણીને લઈને તેની ચિંતા ઓછી કરી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 લાખ હેક્ટરથી વધુ જમીનને પણ માઈક્રો સિંચાઈની હદમાં લાવી દેવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રમાં વીમાની હાલત શું રહેતી હતી, તેનાથી પણ તમે ખુબ સારી રીતે પરિચિત છો. ખેડૂત પોતાનો પાક વીમો ઉતારવા જતો હતો તો તેને વધુ પ્રીમિયમ આપવું પડતું હતું. પાક વીમાની સીમા પણ ખૂબ નાની હતી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ અમારી સરકારે માત્ર પ્રીમિયમ જ ઓછું નથી કર્યું પરંતુ વીમાની મર્યાદા પણ વધારી છે.
સાથીઓ મને કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે આ યોજના હેઠળ 11 હજાર કરોડ રૂપિયાનાં દાવાની રકમ ખેડૂતોને આપી દેવામાં આવી છે. જો પ્રતિ ખેડૂત કે પ્રતિ હેક્ટર આપવામાં આવેલ દાવાની રકમને જોવામાં આવે તો, તે પહેલાની સરખામણીએ બમણી થઇ ગઈ છે. આ યોજના કેટલા ખેડૂતોના જીવન બચાવી રહી છે, કેટલા પરિવારોને બચાવી રહી છે, તે ક્યારેય હેડલાઈનમાં નહી આવે, કોઈ ધ્યાન નહી આપે. એટલા માટે આપણા સૌનું કર્તવ્ય છે કે વધુમાં વધુ ખેડૂતોને આ યોજના સાથે અમે જોડીએ.
સરકાર હવે આ લક્ષ્ય સાથે કામ કરી રહી છે કે, વર્ષ 2018-19માં વાવેતર થયેલો ઓછામા ઓછો 50 ટકા પાક આ યોજનાની સીમારેખામાં આવે. ભાઈઓ અને બહેનો, અમારી સરકાર દેશનાં ખેતીવાડી ક્ષેત્રમાં એક બજાર માર્કેટ અર્કિટેકચર વિકસિત કરી રહી છે. ખેડૂતોનું વધુ સારૂ ત્યારે જ થશે જ્યારે સહકારી સંઘભાવની ભાવના પર ચાલીને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને નિર્ણયો લે.
હવે એટલા માટે ખેડૂતોનાં હિત સાથે જોડાયેલા આધુનિક કાયદાઓ બનાવીને રાજ્ય સરકારોને તે લાગુ કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે. ખેત ઉત્પાદન અને પશુપાલન માર્કેટિંગ સાથે જોડાયેલ એક લેન્ડ લીઝ એક્ટ હોય, વેરહાઉસિંગ માર્ગદર્શિકાનું સરળીકરણ હોય, એવા કેટલાય કાયદાકીય નિર્ણયોનાં માધ્યમથી અમારી સરકાર ખેડૂતોને સશક્ત બનાવવાનું કામ કરી રહી છે.
2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર અને રાજ્યએ મળીને કામ કરવું જ પડશે. ખેતરથી નીકળીને બજાર સુધી પહોચતા પહેલા ખેડૂતોની ઉપજ બરબાદ ન થાય, તેના માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ ધ્યાન કૃષિ ક્ષેત્રને મજબુત કરવા પર છે. ડ્રાય સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસિંગનાં માધ્યમથી સમગ્ર પુરવઠા શ્રુંખલાને સુધારવામાં આવી રહી છે.
આ બજેટમાં જે ઓપરેશન ગ્રીનની જાહેરાત કરવામાં આવી છે તે પણ પુરવઠા શ્રુંખલા સાથે જોડાયેલું છે. તે ફળ અને શાકભાજીઓ ઉત્પન્ન કરનારા ખેડૂતો માટે ઘણું ઉપયોગી સાબિત થશે. જે રીતે દેશમાં દૂધનાં ક્ષેત્રમાં અમુલ મોડલ ઘણું સફળ રહ્યું, લાખો ખેડૂતોની આવક વધારનારૂ રહ્યું, તે જ રીતે ઓપરેશન ગ્રીન પણ ‘ટોપ’ એટલે કે ટમેટા (ટોમેટો), ડુંગળી (ઓનિયન) અને બટેટા (પોટેટો) ઉગાડનારા ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે.
સાથીઓ, ગ્રામ્ય બજાર અથવા ગામની સ્થાનિક બજારોનાં જથ્થાબંધ બજાર એટલે કે એપીએમસી અને પછી વૈશ્વિક બજાર સુધી સંકલન કરવું ખુબ જ જરૂરી છે.
મને જણાવવામાં આવ્યું છે કે, અંગ્રેજોનાં સમયમાં કમીશન બન્યું હતું. પરંતુ તેમણે ભલામણ કરી હતી કે ખેડૂતો માટે દર 5-6 કિલોમીટરનાં અંતરે એક બજાર હોવું જોઈએ. સો વર્ષ પહેલા જે વસ્તુ વિચારવામાં આવી હતી, હવે તેને લાગુ કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આ બજેટમાં ગ્રામીણ છુટક વેચાણ ખેતીવાડી બજાર, એટલે કે ‘ગ્રામ’ની અવધારણા તેનું જ પરિણામ છે. તે અંતર્ગત દેશના 22 હજાર ગ્રામીણ હાટમાં જરૂરી માળખાગત બાંધકામ સાથે સુધારા કરવામાં આવશે અને પછી તેમને એપીએમસીની સાથે સંકલિત કરી દેવામાં આવશે. એટલે કે, એક રીતે પોતાનાં ખેતરનાં 5-10-15 કિલોમીટરનાં અંતરે ખેડૂત પાસે એવી વ્યવસ્થા હશે કે જે તેને દેશનાં કોઈપણ માર્કેટ સાથે જોડી શકશે. ખેડૂત આ ગ્રામીણ હાટ પર જ પોતાની ઉપજ સીધી ગ્રાહકોને વેચી શકશે.
આવનારા દિવસોમાં આ કેન્દ્ર ખેડૂતોની આવક વધારવા, રોજગાર અને કૃષિ આધારિત ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થાનાં નવા ઉર્જા કેન્દ્રો બનશે. આ સ્થિતિને વધુ મજબુત કરવા માટે સરકાર ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(ખેડૂત ઉત્પાદન સંસ્થાન) – એફપીઓને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત પોતાનાં ક્ષેત્રમાં પોતાનાં સ્તર પર નાના નાના સંગઠનો બનાવીને પણ ગ્રામીણ હાટ અને મોટા બજારો સાથે જોડાઈ શકે છે. આ પ્રકારનાં સંગઠનોનાં સભ્ય બનીને તેઓ જથ્થાબંધ ખરીદી કરી શકશે, જથ્થાબંધ વેચાણ કરી શકશે અને આ રીતે પોતાની આવક પણ વધારી શકશે.
આ બજેટમાં સરકારે એવી પણ જાહેરાત કરી છે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનને પણ સહકારી મંડળીની જેમ જ આવક વેરામાં છૂટ આપવામાં આવશે. મહિલા સ્વસહાય સમૂહોને આ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની મદદની સાથે ઓર્ગેનિક, ખુશ્બુદાર અને હર્બલ ખેતીની સાથે જોડવાની યોજના પણ ખેડૂતોની આવક વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
સાથીઓ આજના સમયની માંગ છે કે અમે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની સાથે સાથે જળ ક્રાંતિ, બ્લુ ક્રાંતિ, મધુર ક્રાંતિ અને ઓર્ગેનિક ક્રાંતિને પણ આપણે તેની સાથે સંકલિત કરવી પડશે, તેની સાથે જોડવી પડશે. આ તે ક્ષેત્ર છે કે, જે ખેડૂતો માટે વધારાની આવક અને આવકનાં મુખ્ય સ્ત્રોત, બંને બની શકે તેમ છે. ઓર્ગેનિક ખેતી, મધમાખી ઉછેર, સી વીડની ખેતી, સોલર ફાર્મ, આવા તમામ આધુનિક વિકલ્પો પણ આપણા ખેડૂતોની સામે છે. જરૂરિયાત છે તેમને વધુમાં વધુ જાગૃત કરવાની.
મારો આગ્રહ છે કે, તેના વિષે અને ખાસ કરીને પરંપરાગત અને ઓર્ગેનિક ખેતીનાં વિષયમાં જાણકારી આપવા માટે એક ડીજીટલ મંચ શરૂ કરવામાં આવે. આ ડીજીટલ મંચનાં માધ્યમથી બજારની માગ, મોટા ગ્રાહકો, પુરવઠા શ્રુંખલા વિષે પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીને લગતી માહિતી પહોંચાડી શકાય તેમ છે.
ખેતીનાં સહાયક ક્ષેત્રોમાં કામ કરનારા ખેડૂતોને ધિરાણ મેળવવામાં વધુ સરળતા થાય તેના માટે પણ સરકાર કામ કરી રહી છે. આ બજેટમાં 10 હજાર કરોડ રૂપિયાની રકમથી ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલનને ધ્યાનમાં રાખીને બે માળખાગત બાંધકામનાં ફંડની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને જુદી જુદી સંસ્થાઓ અને બેંકો પાસેથી ધિરાણ મળવામાં તકલીફ ન થાય, તેના માટે છેલ્લા ત્રણ વર્ષોમાં ધિરાણ આપવામાં આવેલ રકમ સાડા આઠ લાખ કરોડ રૂપિયાથી વધીને હવે આ બેજટમાં 11 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ખેડૂતોને ધિરાણ માટે રકમ ઉલબ્ધ કરાવવાની સાથે અઠે સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે તેમને સમયસર લોન મળે અને યોગ્ય રકમની લોન મળે. અવારનવાર જોવામાં આવ્યું છે કે, નાના ખેડૂતોને સહકારી મંડળીઓ પાસેથી ધિરાણ મેળવવામાં તકલીફ પડે છે. એટલા માટે અમારી સરકારે નક્કી કર્યું છે કે, તે દેશની તમામ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું કમ્પ્યુટીકરણ કરશે. આગામી બે વર્ષોમાં જ્યારે આવી 63,000 મંડળીઓને કમ્પ્યુટરીકરણ પૂર્ણ થશે તો ધિરાણ આપવાની પ્રક્રિયામાં હજુ વધારે પારદર્શકતા આવશે.
જન ધન યોજના અને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા પણ ખેડૂતને ધિરાણ આપવાનો માર્ગ સરળ બની રહ્યો છે. સાથીઓ જ્યારે મને કહેવામાં આવ્યું કે, દાયકાઓ પહેલા એક કાયદામાં વાંસને વૃક્ષ કહી દેવામાં આવ્યાં અને એટલા માટે તેને મંજુરી વિના કાપી નહોતા શકાતા. મંજૂરી વિના તેને ક્યાંય લઇ જઈ શકાતા નહોતા, તો હું અચંબામાં પડી ગયો હતો. બધાને ખબર હતી કે, વાંસની બાંધકામ ક્ષેત્રમાં શું કિંમત છે. ફર્નીચર બનાવવામાં, હેન્ડીક્રાફટ બનાવવામાં, અગરબત્તી બનાવવામાં, પતંગમાં કે માચીસમાં પણ વાંસનો ઉપયોગ થાય છે. પરંતુ આપણે ત્યાં વાંસ કાપવાની પરવાનગી લેવા માટેની પ્રક્રિયા એટલી જટિલ હતી કે ખેડૂત પોતાની જમીન પર વાંસ વાવવાથી દુર રહેતો હતો. આ કાયદાને હવે અમે બદલી અખ્યો છે. આ નિર્ણયથી વાંસ પણ ખેડૂતોની આવક વધારવામાં મદદગાર સાબિત થશે.
એક બીજા બદલાવ તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને તે બદલાવ છે કૃષિ પ્રજાતિ સાથે જોડાયેલો. સાથીઓ આપણા દેશમાં ઈમારતી લાકડાનું જેટલું ઉત્પાદન થાય છે, તે દેશની જરૂરિયાત કરતા ઘણું ઓછું છે. પુરવઠા અને માંગનું અંતર એટલું વધારે છે અને વૃક્ષોનાં સંરક્ષણને ધ્યાનમાં રાખીને સરકાર હવે બહુઉપયોગી વૃક્ષની પ્રજાતિનાં વાવેતર પર ભાર મૂકી રહી છે. તમે વિચારો ખેડૂતને પોતાના ખેતરમાં એવા વૃક્ષો લગાવવાની સ્વતંત્રતા હોય જેને તે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં પોતાની જરૂરિયાત અનુસાર કાપી શકે, તેનું પરિવહન કરી શકે તો તેની આવકમાં કેટલો વધારો થશે.
દરેક શેઢા પર વૃક્ષ વાવવાનો ખ્યાલ ખેડૂતોની ઘણી મોટી જરૂરિયાતને પૂરી કરશે અને તેનાથી દેશનાં પર્યાવરણને પણ લાભ થશે. મને ખુશી છે કે દેશનાં 22 રાજ્યો આ નિયમ સાથે જોડાયેલ પરિવર્તનને પોતાને ત્યાં અમલ કરી ચુક્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૂર્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ પણ ખેડૂતોની આવક વધારશે. તેને જ ધ્યાનમાં રાખીને છેલ્લા ત્રણ વર્ષોમાં સરકારે લગભગ પોણા ત્રણ લાખ સોલર પંપ ખેડૂતો માટે સ્વીકૃત કર્યા છે. તેના માટે લગભગ અઢી હજાર કરોડ રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી છે. તેનાથી ડીઝલ પર થનારા તેમનાં ખર્ચમાં પણ ખૂબ ઘટાડો થયો છે.
હવે સરકાર ખેડૂતોને વીજ સંચાલિત સોલર પંપ આપવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી જે વધારે વીજળી બચે તો ખેડૂતોને આર્થિક રૂપે વધુ મદદ કરી શકે.
સાથીઓ ખેતરોમાંથી જે આડપેદાશ નીકળે છે, તે પણ આવકનું ઘણું મોટું સાધન છે. પહેલા આ દિશામાં પણ વધારે વિચારવામાં આવ્યું નથી પરંતુ અમારી સરકાર કૃષિ વેસ્ટમાંથી વેલ્થ બનાવવા પર પણ કામ કરી રહી છે. અહિયાં ઉપસ્થિત મહત્તમ લોકો આવા જ એક બગાડથી સુપેરે પરિચિત છે. આ બગાડ થાય છે, આ બરબાદી થાય છે કેળાનાં ઝાડની, કેળાનાં પાંદડા કામમાં આવી જાય છે, ફળો વેચાઈ જાય છે, પરંતુ તેનું જે થડ હોય છે તે ખેડૂતો માટે સમસ્યા બની જતું હોય છે. અનેક વાર ખેડૂતોને હજારો રૂપિયા આ થડને કાપવામાં કે દુર કરવામાં ખર્ચ કરવા પડતા હોય છે. તે પછી આ થડને કોઈક રસ્તાનાં કિનારે એમ જ ફેંકી દેવામાં આવે છે. જ્યારે આ જ થડ ઔદ્યોગિક કાગળ બનાવવાનાં કામમાં, ફેબ્રિક બનાવવાનાં કામમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે.
દેશના જુદા જુદા ભાગોમાં જ્યારે આ પ્રકારની ઝુંબેશ જોર પકડી રહી છે કે, જે કૃષિ કચરામાંથી સંપત્તિ નિર્માણનું કાર્ય કરી રહી છે. કાથીનો કચરો હોય, નારીયેળની કાચલી હોય, વાંસનો કચરો હોય, પાક લણી લીધા પછી વધેલી વસ્તુઓ હોય, આ બધાથી આવક વધી શકે તેમ છે.
આ બજેટમાં સરકારે ગોવર્ધન યોજનાની જાહેરાત પણ કરી છે. આ યોજના ગ્રામીણ સ્વચ્છતા વધારવાની સાથે જ ગામમાં નીકળનારા બાયોગેસથી ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે અને ભાઈઓ અને બહેનો, એવું પણ નથી કે માત્ર આડપેદાશોથી જ સંપત્તિ બની શકે છે. જે મુખ્ય પાક છે, મુખ્ય ઉત્પાદન છે, કેટલીક વાર તેનો પણ થોડો જુદો ઉપયોગ ખેડૂતોની આવક વધારી શકે છે. જે રીતે શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન. અમારી સરકારે ઇથેનોલ સાથે જોડાયેલ પોલીસીમાં મોટો બદલાવ કરીને હવે પેટ્રોલમાં ઇથેનોલનાં 10 ટકા મિશ્રણને મંજૂરી આપી દીધી છે. એટલે કે ખાંડ સાથે જોડાયેલી માંગ પૂરી થયા ગયા પછી જે શેરડી બચશે તેનો ઉપયોગ ઇથેનોલનાં ઉત્પાદનમાં કરવામાં આવશે. આનાથી શેરડીનાં ખેડૂતોની સ્થિતિ વધુ સારી બની છે.
દેશમાં કૃષિ ક્ષેત્ર કઈ રીતે કામ કરે છે, અમારી સરકાર તે વ્યવસ્થાને બદલી રહી છે. કૃષિ ક્ષેત્રમાં એક નવીન કાર્ય સંસ્કૃતિની સ્થાપના કરવામાં આવી રહી છે. તે સંસ્કૃતિ આપણું સામર્થ્ય, આપણા સંસાધનો, આપણા સપનાઓને ન્યાય આપનારા હશે. આ જ સંસ્કૃતિ 2022 સુધી સંકલ્પથી સિદ્ધિની આપણી યાત્રાને પૂર્ણ કરશે. જ્યારે દેશનાં ગામડાઓનો ઉદય થશે ત્યારે જ ભારતનો પણ ઉદય થશે. જ્યારે દેશ સશક્ત બનશે તો દેશનો ખેડૂત પોતાની જાતે જ સશક્ત બની જશે.
અને એટલા જ માટે આજે જે મેં પ્રસ્તુતિકરણ (પ્રેઝન્ટેશન) જોયા છે. આ આપણા પાશા પટેલને એવી ફરિયાદ હતી કે તેમને આઠ જ મિનીટ મળી, હું તેને કલાકો આપતો રહું છું. પરંતુ જે વિચારો મેં સાંભળ્યા છે – એ વાત સાચી છે કે, અહિયાં થોડા જ સમયમાં તમે જે બાબતોને રજુ કરી, પરંતુ તમે જે મહેનત કરી છે, અને તેના માટે તમે જે લોકો સાથે સંપર્ક કરીને માહિતી એકઠી કરી છે, નાના સમૂહોમાં અહિયાં આવતા પહેલા તમે તેની સમીક્ષા કરી છે – એક રીતે જોઈએ તો ઘણા બધા લોકોને જોડીને તેમાંથી કઈક ને કઈક અમૃત નીકળ્યું છે. તમારી મહેનતની એક ક્ષણ પણ બરબાદ થવા દેવામાં નહિ આવે. તમારા સૂચનોને પણ એટલી જ ગંભીરતાથી દરેક સ્તર પર સરકારમાં પરખવામાં આવશે. બની શકે છે કે, થોડું તાત્કાલિક થાય, તો કેટલુંક પાછળથી પણ થઇ શકે, પરંતુ આ મહેનત કરવા પાછળ એક પ્રમાણિક પ્રયાસ હતો કે, જ્યાં સુધી અમારે સરકારી મર્યાદામાં વિચારવાની રીતને બદલાવાની છે, ખેડૂતોની મૂળભૂત વાતોને સમજવાની છે, તો જે લોકો ધરતી સાથે જોડાયેલા છે તેમની સાથે આપણે જોડાઈશું તો કદાચ વ્યવહારિક વસ્તુઓને લઇ શકીશું અને એટલા માટે દેશભરમાં આ પ્રયાસ કરીને આપ સૌ અનુભવી લોકોની સાથે વિચાર વિમર્શ કરવાનો આ પ્રયાસ કર્યો છે.
બીજી વાત છે, હું ઈચ્છીશ કે આને કેવી રીતે આગળ વધારવામાં આવે. પહેલા તો ભારત સરકારના બધા જ વિભાગ જે તેની સાથે સંકળાયેલા છે, તેના બધા જ અધિકારીઓ અહી ઉપસ્થિત છે, સંલગ્ન કેટલાક મંત્રીઓ પણ અહિંયાં ઉપસ્થિત છે. આ બધા જ સૂચનો પર નીતિ આયોગનાં નેતૃત્વમાં મંત્રાલયોની વચ્ચે સંકલન કઈ રીતે થઇ શકે. તેની સાથે વિચાર વિમર્શ થાય અને અમલીકરણ થઇ શકે તેવા મુદ્દાઓ કેવી રીતે તારવી શકાય, પ્રાથમિકતા કઈ રીતે નક્કી થાય. સંસાધનોનાં કારણે કોઈ કામ અટક્યું તો નથી આ મારો વિશ્વાસ છે.
બીજું, જેમ કે આપણે સૌ માનીએ છીએ કે આપણે પરંપરાગત પરંપરાઓમાંથી બહાર નીકળવાનું છે. આપણે ટેકનોલોજી અને વિજ્ઞાનને સ્વીકાર કરવું પડશે અને જે બરબાદી વિજ્ઞાને નોંતરી છે, તે વિજ્ઞાનથી મુક્તિ મેળવવી પડશે. કોઈ સમયે જરૂરી હશે પરંતુ જો તે સમયનાં પ્રવાહથી બહાર ફેંકાઈ ગયું છે તો તેને પકડીને ચાલવાની જરૂર નથી, તેમાંથી બહાર આવવાની જરૂર છે. પરંતુ તેના માટે અલગથી પ્રયત્નો કરવા પડશે. હું ઈચ્છીશ કે, જે રીતે સ્ટાર્ટ અપનો વિષય આવ્યો છે, એવી વસ્તુઓ પર આપણી કૃષિ યુનિવર્સીટીઓ, તેમનામાં આવા જ વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરીને કોઈ કામ થઇ શકે છે ખરૂ ? એ જ રીતે અહિયાં જેટલા વિષયો આવ્યા છે, કૃષિનાં વિદ્યાર્થીઓ માટે આપણે હેકાથોન જેવા કાર્યક્રમો કરી શકીએ છીએ ખરા?
અને તેઓ સાથે બેસીને… થોડા દિવસો પહેલા મારી પાસે સરકારની લગભગ 400 સમસ્યાઓને લઈને આપણા દેશનાં એન્જીનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીઓ આવ્યા, જેમના માટે હેકાથોનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને 50-60 હજાર વિદ્યાર્થીઓએ આ વિષય પર અટક્યા વિના 36-36 કલાક બેસીને આ બાબત પર ચર્ચા વિમર્શ કરીને સરકારને સૂચનો આપ્યા હતા. તેમાંથી અનેક વિભાગોની સમસ્યાઓનું સમાધાન, જે સરકારમાં વર્ષોથી નહોતું થતું, તે આ આપણા નવ-યુવાનોએ ટેકનોલોજીનાં માધ્યમથી પ્રક્રિયાઓને સુધારવાનું કામ કર્યું.
હું ઈચ્છું છું કે અમારી કૃષિ યુનિવર્સીટીઓ હેકેથોન કરે. તે જ રીતે આપણી આઇઆઇટી હોય, કે પછી આઇઆઇઆઇટી હોય કે આપણી ખ્યાતનામ એન્જિનિયરીંગ કોલેજ હોય, શું તેઓ એક અઠવાડિયું કે એક દસ દિવસ, આજકાલ દરેક કોલેજ રોબોટીક્સ માટે સપ્તાહ ઉજવે છે, બે અઠવાડિયા ઉજવે છે, સારી વાત છે. નેનો ટેકનોલોજી માટે સપ્તાહની ઉજવણી કરે છે, પ્રયોગો થાય છે, સારી વસ્તુ છે. શું આપણે આપણી આઈઆઈટી, આપણી આઇઆઇઆઇ આઈટી કે આપણી ખ્યાતનામ એન્જીનીયરીંગ કોલેજ દેશભરમાં થીમેટિક ગ્રુપમાં તેમને એગ્રી-ટેકનાં સંબંધમાં દસ દિવસનો એક સંપૂર્ણ ઉત્સવ ઉજવે. બધા જ તકનીકિ મસ્તિષ્ક મળીને ભારતની જરૂરિયાત અનુસાર એક વિચાર વિમર્શ હાથ ધરે અને તેમાં સ્પર્ધાનો પ્રયાસ થાય, શું આપણે આ કરી શકીએ છીએ ખરા?
હવે તેને ફરી આગળ લઇ જવામાં આવે. તે જ રીતે જે વિષય, મેં મારા ભાષણમાં પણ કહ્યું હતું કે, અમે સોઇલ હેલ્થ કાર્ડ, હવે આજે જુઓ આપણે લોહીની તપાસ માટે પ્રયોગશાળામાં જઈએ છીએ, પેથોલોજી લેબોરેટરી પોતાનામાં જ એક ઘણો મોટો વ્યાપક વ્યવસાય બની ગયો છે. ખાનગી પેઠોલોજી લેબોરેટરીઓ હોય છે. શા માટે ગામડે ગામડે આપણી જમીન ચકાસણીની પ્રયોગશાળા ન હોય, તે શક્ય છે? તેના માટે સર્ટિફિકેટની રચના હોય આપણી યુનિવર્સીટીઓમાં અને તે લોકો માટે મુદ્રા યોજનાથી પૈસા મળે. તેમને ટેકનોલોજી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે. તો દરેક ખેડૂતને લાગશે કે ભાઈ, ચાલો ભાઈ ખેતીમાં જતા પહેલા આપણે સંપૂર્ણ જમીનનો ટેસ્ટ કરાવી લઈએ અને આપણે તેનો રીપોર્ટ લઈએ, આપણે માર્ગદર્શન લઈએ. આપણે આવી વ્યવસ્થાઓને વિકસિત કરી શકીએ છીએ અને તેનાથી દેશમાં જો આપણે ગામડે ગામડે જમીન ટેસ્ટીંગ લેબને બળ આપીએ છીએ, તો લાખો આવા નવયુવાનોને રોજગાર મળી શકે તેમ છે અને તે આ કેન્દ્ર એક રીતે ગામડાની કૃષિ પ્રવૃત્તિમાં એક વૈજ્ઞાનિક મિજાજનું નિર્માણ કરવા માટે ઘણું મોટું પરિવર્તનકારી પગલું બની શકે તેમ છે. એ દિશામાં આપણે કામ કરીએ.
પાણીનાં સંબંધમાં પણ જે રીતે સોઇલ ટેસ્ટની જરૂર છે, પાણીની ચકાસણી પણ આપણે ધીમે ધીમે તે જ લેબમાં વિકસિત કરવી જોઈએ, કારણ કે ખેડૂતને આટલી રીતે, તેને પદ્ધતિ શું છે?… તે બીયારણ જ્યાંથી લાવે છે, જિંદગીભર એ જ દુકાનેથી બીયારણ લાવે છે. તેને ખબર જ નથી, તે કહે છે હું ગયા વખતે કપડાનાં પેકેટમાં લઇ ગયો હતો, આ વખતે મને કપડાવાળું જ જોઈએ, પોલીથીન વાળા નથી જોઈતા. આટલું જ તે વિચારે છે અને લઇ જાય છે.
તેને માર્ગદર્શન આપવા માટે આજે ડીજીટલ એનીમેશન દ્વારા તેને સમજાવી આવી શકાય છે, જે તેના મોબાઈલમાં આવશે. જો તેને બીયારણ ખરીદવા જવું છે તો તેને કહી દો કે આ આ છ વસ્તુઓનું ધ્યાન રાખે પછી ભલે તે લઇ લે. તો તે વિચારશે, પૂછશે, દસ સવાલ પૂછવાનું શરૂ કરશે.
આપણે કમ્યુનિકેશનમાં… ત્યાં ગુજરાતમાં… સમગ્ર હિન્દુસ્તાનમાં આજે જેટલી જન સંખ્યા છે તેના કરતા વધુ મોબાઇલ ફોન છે. ડીજીટલ કનેક્ટિવિટી છે. આપણે એનીમેશન દ્વારા ખેડૂત સુધી આ વાતોને કઈ રીતે પહોંચાડી શકીએ, આ બધા જ વિષયોને જો આપણે લઇ જઈ શકીએ છીએ, તો હું જરૂરથી માનું છું કે આપણે ઘણું મોટું પરિવર્તન લાવી શકીએ તેમ છીએ. તો આપણે આ જ વસ્તુઓને લઈને અને જેટલા પણ સૂચનો…હવે જેમ કે પશુ સંવર્ધનને લઈને વિષય આવ્યો. હવે જેમ કે, એમ કહેવામાં આવ્યું કે આપણે ત્યાં આ બધા જ વિષયોમાં કોઈ કાયદો નથી, એમ બતાવામાં આવ્યું છે.
હું જરૂરથી ઈચ્છીશ કે વિભાગ તેને જુએ કે, આ પ્રકારે કાયદાની રચના થાય કે જેથી આ વસ્તુઓને પ્રોત્સાહન પણ મળે અને જે ખામીઓ છે તે તેમાંથી મુક્તિ પણ મળે અને એક ઉચ્ચ ગુણવત્તાવાળી વ્યવસ્થાનો વિકાસ થાય. તો જેટલા પણ સૂચનો આવ્યા છે અને મારા માટે પણ ઘણું કરીને તે શીખવાડનારા હતા, મને ઘણું બધું શીખવા મળ્યું. આ વિષયોમાં જાણવા માટેની મારી રૂચી પણ રહી છે. પરંતુ આજે ઘણી ખરી વાતો મારા માટે નવી પણ હતી. તમારા માટે પણ ઉપયોગી હશે. ત્યાં સુધી કે અમારા વિભાગનાં લોકો માટે પણ હશે અને હું જરૂરથી સમજુ છું કે મંથન ઉપકારક સાબિત થશે.
શું ક્યારેય આ જે આપણા પ્રેઝન્ટેશન આપણે તૈયાર કર્યા છે અને જે આપણા વાસ્તવિક આ ક્ષેત્રમાં કામ કરનારા ખેડૂતો છે કે જેમને આ વિષયોમાં નિપુણતા છે, રાજ્યોમાં જઈને, રાજ્યો સાથે જોડાયેલા ખેડૂતો સાથે મળીને એ લોકો જ બે દિવસનો એક કાર્યક્રમ આપણે ત્યાં પણ કરી શકે ખરા? અને ત્યાં આગળ પણ આ જ લાઈન પર, આ જ પદ્ધતિએ તેઓ પ્રવૃત્તિ કરે! કારણ કે, એક પ્રયોગ એક રાજ્યમાં ચાલે છે, તે જ પ્રયોગ… આપણો દેશ એટલો મોટો છે, કે બીજા રાજ્યમાં નથી ચાલતો. એક માન્યતા ખેડૂતના મગજમાં ઘર કરી ગઈ છે, બીજા રાજ્યમાં તે જ વિષય પર બીજી કોઈ માન્યતા ઘર કરી ગઈ છે.
અને એટલા માટે આપણે ખેતીવાડી આબોહવા ક્ષેત્ર (એગ્રો કલાયમેટીક ઝોન)ના હિસાબે કહીએ કે, પછી રાજ્ય આધારિત કહીએ, જે પણ આપણને યોગ્ય લાગે, આપણે તે દિશામાં જો એક, તેને એક કદમ આગળ વધીએ તો હું સમજુ છું કે ઘણું ઉપયોગો સાબિત થશે. ત્રીજું, આ બધા જ વિષયો પર તમામ યુનિવર્સીટીઓ ચર્ચા યોજી શકે છે ખરી? ઓછામાં ઓછું છેલ્લા વર્ષ ત્યાના વિદ્યાર્થીઓ મળીને જ્યાં સુધી આપણે આ મસ્તિષ્ક ની બેઠકો (મિટીંગ ઑફ માઇન્ડ) નહીં કરીએ, જે ચિંતન ચર્ચા આપણે કરીએ છીએ, તેને નીચે સુધી આપણે તે જ રૂપમાં ભેળસેળ કે ભટક્યા વિના તેને નીચે સુધી નથી લઇ જતા ત્યાં સુધી તેનું પરિણામ નથી મળતું.
અને એટલા માટે આ જ વસ્તુને આગળ વધારવાનો એક રોડમેપ, જેમાં યુનિવર્સીટીઓ હોય, જેમાં વિદ્યાર્થીઓ હોય અને જેમાં વિશેષજ્ઞો હોય. બની શકે છે કે, બધા જ વિષયો કેટલાક એવા સ્થાનો પર ઉપયોગી નહિં હોય કે જ્યાં જરૂરિયાત છે. પણ જ્યાં જરૂર છે ત્યાં કેવી રીતે થઇ શકે?
અહિયાં આગળ એક વાત આપણે લોકો વિસ્તારથી નથી કરી શક્યા અને તે છે મુલ્ય વર્ધનની. હું સમજુ છું કે, ક્યારેક ને ક્યારેક આપણા ખેડૂતોને મુલ્ય વર્ધનના મારો પોતાનો અનુભવ છે. ગુજરાતમાં અમે જ્યારે જ્યોતિર્ગ્રામ યોજના કરી હતી, 24 કલાક વીજળી. આપણા દેશમાં એક તો તે ક્રાંતિકારી ઘટના માનવામાં આવશે કે 24 કલાક વીજળી મળતી રહેવી. તો અમે જ્યારે વીજળી આપવાનું શરૂ કરતા હતા તો ગામનાં લોકોને આ વીજળીનો ઉપયોગ શું છે, માત્ર ટીવી જોવાનો છે? શું રાત્રે અજવાળું થાય એટલું જ? અને તેમાંથી તેમના જીવનમાં બદલાવ લાવવા માટે શું કરવું જોઈએ, તે સમજાવવા માટે એક બહુ મોટો કાર્યક્રમ પણ તેની સાથે આયોજિત કરતા હતા.
ગાંધીનગરની પાસે એક ગામ છે. તે મરચાની ખેતી કરતું હતું. હવે આપણા દેશની એ મુસીબત છે કે જ્યારે મરચા વાવશે તો બધા જ ખેડૂતો મરચા વાવશે અને કિંમત સાવ ઘટી જશે. તો તે આખા ગામનાં કુલ મરચા વેચીએ તો આખા ગામને ત્રણ લાખ રૂપિયાથી વધારેની આવક થતી નહોતી, શક્ય જ નહોતું. ગામનાં લોકોએ શું કર્યું- તેમણે કહ્યું કે ભાઈ હવે તો 24 કલાક વીજળી મળવાની છે, આપણે એક નાનકડી સોસાયટી બનાવી લઈએ, આપણે આગળ વધીએ છીએ અને તાત્કાલિક તેમણે નાનકડી સોસાયટી બનાવી લીધી અને તાત્કાલિક વીજળીનું જોડાણ લીધું. તેમણે મરચાને લાલ બને ત્યાં સુધીની બધી જ પ્રક્રિયાઓ કરી, પછી લાલ મરચાનાં પાવડર બનાવવા માટે પ્રોસેસર લઇ આવ્યા, તેનું પેકેજીંગ કર્યું. જે મરચા તેમનાં ત્રણ લાખમાં જવાના હતા, ગામડાનો ખેડૂત મરવાનો હતો. ત્રણ ચાર મહિનાનું આયોજન કર્યું, તેટલી જે કમી રહી ગઈ- તે રહી ગઈ, પરંતુ ત્રણ ચાર મહિના પછી તે જ મરચા 18 લાખ રૂપિયાની આવક કરીને લઇ આવ્યા.
કહેવાનું મારૂ તાત્પર્ય એ છે કે મુલ્ય વર્ધનનાં સંબંધમાં પણ આપણે ખેડૂતોને સહજ ભાવે કહીએ. એ વાત સાચી છે કે, દુનિયામાં જે ઝડપથી, અહિંયા આયાત-નિકાસની વાત થઇ છે, ઘણી મોટી વાત છે કે, હવે કોઈ બીજા નક્કી કરશે કે કેટલી શોર્ટેજ તમે લઈને આવ્યા છો.
હવે ભારત જેવો વિશાળ દેશ, તે એક ખૂણામાં ઉત્પાદન થયું હોય, બંદર સુધી જઈને લઈને આવશે તો આટલો પરિવહન ખર્ચ થયો હશે અને તેમ છતાં પણ તે એટલા માટે રિજેક્ટ થઇ જશે. તમને જાણ હશે કે દુનિયામાં એવી એવી વસ્તુઓ ચાલે છે કે, ભારતની જે ચટાઈ છે તે ખુબ સરસ વેચાય છે… અને જો કોઈ એક પૂંછડી લગાવી દેશે કે આ તો બાળ મજુરીથી બનેલી છે!! બસ ખતમ, વિશ્વમાં વેપાર ખતમ. તો આવી આવી વસ્તુઓ ચાલે છે, તો આપણે કાગળિયાંની પ્રક્રિયા સ્પષ્ટ કરવી પડશે. આપણા ખેડૂતોએ સમજવું પડશે અને અત્યારનાં દિવસોમાં મારે દુનિયાનાં અનેક દેશો સાથે આ વાત મટે લડેવું પડે છે, તેમની સાથે જઝૂમવું પડે છે કે, તમારો આ નિયમ અને અમારો ખેડૂત જે ઉત્પાદન કરે છે તે બંને વસ્તુઓ તમે ખોટી રીતે સમજી રહ્યા છો. તેનો અર્થ ખોટો કાઢી રહ્યા છો. તેમનો આધાર અયોગ્ય છે.
અને તેના કારણે જ હવે તમને ખબર છે… આપણી કેરી, આપણી કેરી વિશ્વમાં જાય, તેના માટે અમારે આટલી મહેનત કરવી પડી. પરંતુ આપણા ખેડૂતોએ પણ સમજવું પડશે, દુનિયામાં લોબી પોતાનું કામ કરતી હશે પરંતુ આપણે, આપણી જે પ્રક્રિયા છે, પદ્ધતિ છે તેને સંપૂર્ણ રીતે આપણે વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત બનાવવી પડશે.
અને એટલા માટે અંતે મેં એકવાર લાલ કિલ્લા પરથી કહ્યું હતું – આપણે આપણું ઉત્પાદન ઝીરો ડિફેક્ટ- ઝીરો ઈફેક્ટ કરવું છે. કારણ કે, દુનિયાનાં મુખ્ય ધારધોરણોને અનુરૂપ બનાવવું છે. અમે અમારા કૃષિ ઉત્પાદનોને અને ઉત્પાદન એન્ડ પેકેજીંગને સર્વોત્તમ કરવું છે… હવે અમે ઓર્ગેનિક ખેતી વિષે કહીએ છીએ, પરંતુ ઓર્ગેનિક ફાર્મિંગની જરૂરીયાત મુજબ જો લેબ અને ઇન્સ્ટીટયુટ ઉભું નહીં કરવામાં આવે તો દુનિયામાં આપણું ઓર્ગેનિક ઉત્પાદન જશે જ નહી.
હવે આજે જુઓ એરોમેટીક. આજે દુનિયામાં એરોમેટિકનો વ્યવસાયની વૃદ્ધિ મને 40 ટકા કહેવામાં આવી છે. જો 40 ટકા વૃદ્ધિ છે, તેનો સંપૂર્ણ આધાર કૃષિ છે. જો કૃષિ તેનો આધાર છે તો આપણે એરોમેટિક વિશ્વમાં ભારત જેવા દેશમાં નાના-નાના લોકોને એટલો રોજગાર મળી શકે છે, આપણે એરોમેટિક વિશ્વની અંદર આપણી પોતાની ઘણી બધી વસ્તુઓને જોડી શકીએ છીએ.
અને એટલા માટે હું માનું છું કે સુગંધની દુનિયામાં…. અને ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આપણે સુગંધની દુનિયામાં આપણું ઘણું બધું યોગદાન કરી શકીએ તેમ છીએ. અને આપણે કુદરતી વસ્તુઓ આપી શકીએ છીએ. તો આપણે વિશ્વનાં બજારને ધ્યાનમાં રાખીને આપણે ભારતનાં ખેદુતોને કઈ રીતે – હું હમણાં હાલના દિવસોમાં અખાતી દેશોના લોકો સાથે વાતો કરી રહ્યો છું. હું તેમને કહી રહ્યો છું કે તમારે કઈ ગુણવત્તાવાળી વસ્તુઓ ખાવી છે, તમે અમને સૂચનો આપો. તે ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવવા માટે અમે અમારા ખેડૂત સુધી ટેકનોલોજી, પ્રોસેસ, બધું જ લઇ જઈશું. પરંતુ ઉત્પાદન તમે તેના ખેતરમાંથી જ ખરીદો અને તમે તમારા જ કોલ્ડ સ્ટોરેજ બનાવો, તમારા પોતાનાં જુદા જુદા વેર હાઉસિંગ બનાવો, તમે જ તમારી વાહનવ્યવહાર વ્યવસ્થા ઉભી કરો, અને સમગ્ર અખાતનું પેટ ભરવાનું કામ મારા દેશનો ખેડૂત કરી શકે તેમ છે.
આ બધી વાતો મારી હાલના દિવસોમાં દુનિયાભરના લોકો સાથે થઇ રહી છે, પરંતુ હું તમને એ જ કહેવા માંગું છું કે આ જે મહેનત તમે કરી છે, તેનો ઘણો મોટો ફાયદો મળશે અને મને… હું જાણતો નથી કે પહેલા શું થતું હતું, પરંતુ મેં અધિકારીઓને પુછ્યું કારણ કે તેમણે ઘણી માહિતી હોય છે, કારણ કે પહેલા તેઓ જે કરતા હતા અને અત્યારે પણ તેઓ જે કરી રહ્યા છે. આવું પહેલી વાર થયું છે કે, જેમાં એકોમોડેશન છે, એગ્રો-ઇકોનોમિકસવાળા છે, વૈજ્ઞાનિકો છે, કૃષિ નિષ્ણાતો છે, પ્રગતીશીલ ખેડુતો છે, નીતિ ઘડવૈયાઓ છે, બધાએ મળીને મંથન કર્યું છે અને મંથન કરતા પહેલા ઘણું બધું ઈનપુટ લઈને પછી કર્યું છે.
અને હું સમજુ છું કે એક સારી દિશામાં આ પ્રયાસ છે અને તમે નિરાશ ન થતા કે હું તો કહીને આવ્યો હતો તો કેમ ન થયું. બની શકે કે કોઈ વસ્તુનું અમલીકરણ થવામાં સમય લાગતો હોય. આટલી મોટી સરકાર છે, સ્કુટરને વાળવું હોય તો તરત જ વળી જશે પરંતુ એક ખુબ મોટી ટ્રેનને વાળવી હોય તો ક્યાં જઈને વાળવી પડે છે. તો ક્યાં ક્યાં જતા રહ્યા છીએ, ત્યાંથી મારે વાળીને લાવવાની છે, પરંતુ આપ સૌની સાથે મળીને વાળવાની છે અને પુરા વિશ્વાસ સાથે કહું છું કે અમે લાવીને રહીશું. ભારતીય ખેડૂતની આવક બમણી કરવા માટે અમે મળીને કામ કરીએ અને આ સંકલ્પને પૂરો કરવાનો છે કે, 2022 હિન્દુસ્તાનનાં ખેડૂતની આવક બમણી કરવાની છે. તે કૃષિ ઉત્પાદનોથી થાય, પશુ પાલનથી થાય, તે મધુ ક્રાંતિથી થાય, તે બ્લુ ક્રાંતિથી થાય. જેટલા પણ રસ્તાઓ ખેતી સાથે જોડાયેલા છે, તે બધા જ રસ્તે જઈને આપણે એ કરીને રહીશું. એ જ એક અપેક્ષા સાથે આપ સૌના યોગદાન માટે હું તમારો ખુબ ખુબ આભારી છું.
આભાર!