ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી,ઉત્તરપ્રદેશના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મારા સહયોગી રેલ મંત્રી શ્રીમાન પીયુષ ગોયલજી, પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સંસદમાં મારા સહયોગી શ્રીમાન મહેન્દ્ર પાંડેજી, ઉત્તરપ્રદેશના મંત્રી પરિષદના માનનીય મંત્રીગણ, અહિં ઉપસ્થિત ધારાસભ્યો, સ્પીકર મહોદય અને મોટી સંખ્યામાં પધારેલા રાયબરેલીના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આજે હું તે ધરતી પર છું જેણે અધ્યાત્મથી લઈને સ્વતંત્રતા સંગ્રામના આંદોલન અને સાહિત્યથી લઈને રાજનીતિ સુધી દેશના દરેક ક્ષેત્રમાં દિશા નિર્દેશન કર્યું છે. આ મહર્ષિ જમદગ્ની સહિત અનેક ઋષિ મુનીઓના તપની ભૂમિ છે તો વીરા પાસી, રાણા બેની માધવ બખ્શ સિંહના બલિદાનની ભૂમિ છે. આ ભૂમિ જાયસીના પોતાપણાની પર્યાય છે તો આ જ ભૂમિમાં મહાવીર પ્રસાદ દ્વિવેદીજીની રચનાઓએ આકાર લીધો છે. આ જ ભૂમિ પર ખેડૂત આંદોલનના પ્રણેતા પંડિત અમોલ શર્મા થઇ ગયા, તો આ જ ભૂમિએ રાજનારાયણજીને પણ આશીર્વાદ આપ્યા. હું રાયબરેલીની આ મહાન અને પુણ્ય ભૂમિને, અહિંના લોકોને આદરપૂર્વક નમન કરું છું.
સાથીઓ, ગૌરવમયી ઈતિહાસ સાથે જોડાયેલા આ ક્ષેત્રના વિકાસ પ્રત્યે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર સંપૂર્ણ રીતે સમર્પિત છે. આ જ ભાવના અંતર્ગત થોડા સમય પહેલા અહિં એક હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. રસ્તાઓ, આવાસ, મેડિકલ કોલેજ જેવી તે બધી પરિયોજનાઓ જેમનું હમણાં થોડા સમય પહેલા જ લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે તે આપ સૌના જીવનને સરળ અને સુગમ બનાવવામાં મદદ કરવાની છે. આ બધી જ સુવિધાઓની માટે હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ–ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, અહિં આવતા પહેલા હું નજીકમાં જ બનેલી મોડર્ન કોચ ફેક્ટરીમાં હતો. મને આ ફેક્ટરીમાં આ વર્ષે તૈયાર થયેલા 900માં ડબ્બાને લીલી ઝંડી બતાવવાનો અવસર પણ પ્રાપ્ત થયો. જે ઝડપે હવે ત્યાં કામ થઇ રહ્યું છે તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. પહેલાની સરકારોની શું કાર્ય સંસ્કૃતિ રહી હશે, કઈ રીતે દેશના સાધનો, સંસાધનોની સાથે અન્યાય થયો છે, તેની સાક્ષી રાયબરેલીની આ રેલ કોચ ફેક્ટરી પણ છે. તમે વિચારો આ ફેક્ટરી વર્ષ 2007માં મંજૂરી પામી હતી. ઉદ્દેશ્ય હતો વર્ષમાં 1000 નવા કોચ બનાવવા. વર્ષ 2010માં આ ફેક્ટરી બનીને તૈયાર પણ થઈ ગઈ. પરંતુ તે પછી ચાર વર્ષ સુધી આ ફેક્ટરીમાં કપૂરથલાથી ડબ્બા લાવીને તેમાં પેચ ટાઈટ કરવાનું અને તેને રંગરોગાન કરવાનું કામ થયું. જે ફેક્ટરી નવા ડબ્બા બનાવવા માટે હતી તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ક્યારેય કામ કરવા જ દેવામાં ન આવ્યું. પરિસ્થિતિ એ હતી કે વર્ષ2014 સુધી અહિયાંની માત્ર ૩ ટકા જ મશીનો કામ કરી રહી હતી.
અમે આ સ્થિતિને બદલી, અમારી સરકાર આવ્યાના ત્રણ મહિનાની અંદર અહિયાંથી એવા કોચ નીકળ્યા જે સંપૂર્ણ રીતે રાયબરેલીની ફેક્ટરીમાં બનેલા હતા. ભાજપ સરકારના પ્રયાસ વડે હવે બધા જ મશીનો સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. નવા અને આધુનિક મશીનો લગાવવાનું કામ પણ ઝડપી ગતિએ થઇ રહ્યું છે. તેનું જ પરિણામ છે કે ગયા વર્ષે આ કોચ ફેક્ટરીમાંથી.. ભાઈઓ તમારો પ્રેમ મારા માથે ચડાવું છું, તમારો ઉત્સાહ પણ હું મારા માથે ચડાવું છું પરંતુ મારી તમને પ્રાર્થના છે કે બીજાને પણ જરા સાંભળવા દો. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. તમારો ઉત્સાહ, તમારો જોશ,તમારો પ્રેમ આ બધું મારા માથે ચડાવું છું, હવે તમે પરવાનગી આપો તો આગળ બોલવાનું શરુ કરું, આગળ બોલવાનું શરુ કરું? બોલું? તમારી પરવાનગી વિના હું કોઈ કામ નથી કરતો. જુઓ આટલો પ્રેમ, આટલા આશીર્વાદ એ મારું સૌભાગ્ય છે અને તેના માટે હું તમારો આભારી છું. પરંતુ મને આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, તેમને પણ કેટલીક વાતો સાંભળવી છે. તો તમે થોડા સમય માટે તમારા આ ઉત્સાહને, આ જોશને થોડો સંભાળીને રાખી શકશો? પાક્કું?વચન નીભાવશો…? શાબાશ..! રાયબરેલીના નવયુવાનો ખૂબ સારા છે. તેનું જ પરિણામ છે કે ગયા વર્ષે આ કોચ ફેક્ટરીમાંથી 711 નવા ડબ્બાઓ તૈયાર થઈને નીકળ્યા હતા. હવે હું ઈચ્છીશ કે આવતા વર્ષે માર્ચ સુધીમાં આ સંખ્યા વધીને 1400ને પાર કરવામાં આવે.
સાથીઓ, આ કોચ ફેક્ટરીના આધુનીકિકરણનું કામ સતત ચાલુ છે અને આવતા બે ત્રણ વર્ષોમાં નવા કોચ બનાવવાની તેની ક્ષમતા ૩ હજાર સુધી પહોંચી જશે અને તમને હું એ પણ જણાવી દઉં કે અમારો પ્રયાસ તેને 5000 કોચ દર વર્ષે નીકળે ત્યાં સુધી લઇ જવાનો છે. આ કોચ ફેક્ટરીની માટે હવે જે કામ થઇ રહ્યું છે તે આને ભારતની જ નહિં, આ રાયબરેલીની કોચ ઉત્પાદન ફેક્ટરીને દુનિયાની સૌથી મોટી રેલ કોચ ફેક્ટરી બનાવી દેશે. અને ભાઈઓ બહેનો હું નાનું વિચારવાની આદત જ નથી ધરાવતો. ખૂબ ટૂંક સમયમાં આ ફેક્ટરીમાં દેશભરની મેટ્રોના ડબ્બાઓ પણ બનવા લાગશે.સેમી હાઈ સ્પીડ ટ્રેનોના ડબ્બાઓ બનશે. એલ્યુમિનીયમના આધુનિક અને વજનમાં હલકા તેમજ મજબૂત ડબ્બાઓ પણ અહિં આગળ જ બનશે.
ભાઈઓ અને બહેનો, આ વિસ્તાર માત્ર અહિં બનનારા ડબ્બાઓની સંખ્યા અને કોચ ફેક્ટરીઓનો જ નથી. આ વિસ્તરણથી અહિંના લોકોની જિંદગીઓમાં પણ એક નવો વિસ્તાર થયો છે. જો કોચ ફેક્ટરીની ક્ષમતા વધશે તો અહિંના યુવાનોને માટે દરેક પ્રકારના રોજગાર પણ વધશે. તે દિવસ વિષે વિચારો જ્યારે અહિં દરરોજ દસ બાર નવા કોચ બનવા લાગશે. આ ફેક્ટરીની ક્ષમતાઓ વિસ્તાર કારીગરો, એન્જીનિયરો, ટેક્નીશ્યનો, ડિપ્લોમાંની પદવી ધરાવતા લોકો માટે પણ રોજગારના નવા અવસરો લઈને આવશે. એટલું જ નહિં રાયબરેલીના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે.
ભાઈઓ અને બહેનો, વર્ષ 2014ની પહેલા આ રેલ કોચ ફેક્ટરી માટે રાયબરેલીના સ્થાનિક બજારોમાંથી, સ્થાનિક વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાથી પણ ઓછાનો સમાન ખરીદવામાં આવતો હતો. આ જરા તમને નવાઈ પમાડે તેવી જાણકારી તમને આપી રહ્યો છું. જણાવું તમને..? કહું..? અમારી સરકાર બની તે પહેલા આ ફેક્ટરીને જેટલા સામાનની જરૂર પડતી હતી. અહિં સ્થાનિક લોકો પાસેથી માત્ર 1 કરોડ રૂપિયાનો સામાન ખરીદવામાં આવતો હતો. ત્યાં જ બીજી બાજુ જરા સાંભળજો, તેની બદલે ભાજપની સરકાર બન્યા પછી આ વર્ષે, અત્યાર સુધી સવા સો કરોડ રૂપિયાનો સામાન રેલ કોચ ફેક્ટરીઓની માટે અહિંના સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદવામાં આવ્યો છે.
હવે જ્યારે ફેક્ટરીનું વિસ્તરણ થશે તો ખરીદીનો આંકડો પણ વધશે. મને જણાવવામાં આવ્યું છે કે હવે રેલવે મંત્રાલય અને યુપી સરકાર સાથે મળીને અહિં એક રેલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ બનાવવા જઈ રહ્યાં છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માધ્યમથી રેલ ફેક્ટરીને સામાન પહોંચાડવામાં આવશે અને તેનો સીધો ફાયદો અહિંના લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોનો મળશે.
સાથીઓ, આજે એક વધુ તથ્ય હું રાયબરેલીના લોકોની સામે રજુ કરવા માંગું છું. જ્યારે પહેલાની સરકારે અહિં રેલ કોચ ફેક્ટરીનું નિર્માણ કર્યું, નક્કી કર્યું હતું તો એ પણ નક્કી થયું કે 5 હજાર કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે. આ પાછલી સરકારે નક્કી કર્યું હતું અને જાહેરાત કરી હતી, માળાઓ પહેરી હતી, જિંદાબાદના નારાઓ પણ લાગી ગયા હતા.પરંતુ તમને જાણીને નવાઈ લાગશેકે મંજૂરી આની અડધી બેઠકોને જ આપવામાં આવી. જાહેરાત 5 હજારની અને મંજૂરી તેના કરતા અડધાની જ, એટલું જ નહિં 2014માં અમારી સરકારના આવ્યા પછી અમે એ પણ જોયું કે અહિંની કોચ ફેક્ટરીમાં એક પણ નવી પસંદગી કરવામાં નહોતી આવી. તમને શું શું કહેવામાં આવ્યું હતું અને તમે પણ કેવો કેવો જયજયકાર કરી દીધો હતો. એકને પણ નહોતી મળી. જે કર્મચારીઓ અહિં કામ કરી રહ્યા હતા તેમને કપૂરથલાથી લાવવામાં આવ્યા હતા.
હવે આજની સ્થિતિ એ છે કે લગભગ 2 હજાર નવા કર્મચારીઓને અમારી સરકારે પસંદ કરી લીધા છે. એટલું જ નહિં,અસ્થાયી કર્મચારીઓની સંખ્યા પણ જ્યાં વર્ષ 2014માં માત્ર 200 હતી, હવે તે આજે વધીને લગભગ 1500 થઇ ચૂકી છે.આજે મને એ વાત કરતા ગર્વ અનુભવી રહ્યો છે, કે આવનારા સમયમાં રાયબરેલી રેલ કોચ નિર્માણના મામલે એક વૈશ્વિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
સાથીઓ, જોડાણને સુદ્રઢ કરવા માટે દેશના લોકોની સુવિધા વધારવા માટે રેલવે સિવાય ધોરીમાર્ગો, હવાઈ માર્ગો,જળમાર્ગો અને આઈવે– દરેક ક્ષેત્રની અંદર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. યુપીમાં નદીઓ પર બની રહેલા જળમાર્ગો હોય, આધુનિક એક્સપ્રેસવે હોય કે પછી ગામના રસ્તાઓ, જીવનને વધુ સરળ બનાવવા માટે દિવસ રાત કામ કરવામાં આવી રહ્યું છે. આ જ મિશન અંતર્ગત રાયબરેલીમાં પણ દરેક ક્ષેત્રમાં કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.થોડા સમય પહેલા જ સાડા 5 સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા જે રાષ્ટ્રીય રાજમાર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી રાયબરેલી, લાલગંજથી ફતેહપુર થઈને સીધો બાંદા સુધી જોડાઈ જશે. આશરે સવા સો કિલોમીટરના આ રાજમાર્ગથી ચિત્રકૂટ ધામ પહોંચવામાં પણ સરળતા રહેશે.
સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્વાસ્થ્ય સરખું કરવાની સાથે–સાથે સરકાર નાગરિકોના સ્વાસ્થ્યને પણ, આપ સૌને, દેશના જન–જનને સસ્તી અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે પણ પ્રતિબદ્ધ છે. રાયબરેલી પોતે પણ સ્વસ્થ રહે અને સંપૂર્ણ ક્ષેત્રને સ્વસ્થ રાખે તેની માટે અહિં બની રહેલા એઈમ્સના કામને વધુ ગતિ આપવામાં આવી છે.
આજે અહિં સવા ચાર સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનારા મેડિકલ કોલેજ, દવાખાનાઓ અને હોસ્ટેલનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવ્યા છે. મુનશીગંજમાં બનનારા આ મેડિકલ કોલેજ અને દવાખાનાઓ અહિયાંના એઈમ્સનો જ એક ભાગ છે. તેનો લાભ સમગ્ર રાયબરેલી અને આસપાસના જિલ્લાઓને પણ થવાનો છે. સરકાર સ્વાસ્થ્યની સાથે–સાથે ઘર આપવાની ચિંતા પણ કરી રહી છે. કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધીમાં દેશના દરેક ગરીબ પરિવારને પાક્કું મકાન આપવાનો પ્રયાસ કરી રહી છે. તેની માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશમાં સવા કરોડથી વધુ ઘરોનું નિર્માણ પૂરું કરી દેવામાં આવ્યું છે. જેમને ઘર મળવાનું છે તેમને ચાવી સોંપી દેવામાં આવી છે. અને આ જે દિવાળી ગઈ તેમણે તેમના નવા ઘરોમાં દિવાળી પણ ઉજવી છે.
રાયબરેલીમાં પણ જેમ કે હમણાં યોગીજી કહી રહ્યા હતા અત્યાર સુધીમાં 23 હજારથી પણ વધુ ઘરોની ચાવીઓ મારા ગરીબ પરિવારોને, ભાઈ બહેનોને આપી દેવામાં આવી છે. થોડા સમય પહેલા જ 500 નવા ઘરો બનાવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આ જે ઘરો બની રહ્યા છે. તે પહેલાની જેમ જ માત્ર ચાર દીવાલોવાળા નથી, અમારો પ્રયાસ છે કે અમે જે ઘરો બનાવીને આપી રહ્યા છીએ તેમાં નળ પણ હોય અને નળમાં પાણી પણ હોય, વીજળીના જોડાણો પણ હોય, ગેસના જોડાણો પણ હોય અને ઈજ્જતઘર શૌચાલયો પણ જરૂરથી હોય.
ભાઈઓ અને બહેનો, દેશના ઈતિહાસમાં આજનો આ દિવસ એક અન્ય કારણથી પણ ઘણો વિશેષ છે. 1971માં આજના જ દિવસે ભારતની વીર સેનાએ આતંક, અત્યાચાર અને અરાજકતાના પ્રતિક સમાન શક્તિઓને જમીનદોસ્ત કરી હતી. આ યુદ્ધનો ભાગ રહેલા દેશભરના તમામ સૈનિકોને હું નમન કરું છું. જે સૈનિક આ યુદ્ધમાં સહભાગી થયા,શહીદ થયા, જેમાં ઉત્તરપ્રદેશના પણ અનેક વીર સપૂતો હતા તેમને પણ હું 130 કરોડ દેશવાસીઓ તરફથી શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.
સેનાના શૌર્ય, સમર્પણ પ્રત્યે ડિસેમ્બરના આ ઠંડા વાતાવરણમાં પણ સરહદ પર તૈનાત આપણા પ્રહરીઓનું ગૌરવગાન કરવા માટે આપ સૌ બંને હાથ પર ઉઠાવીને મુઠ્ઠી બંધ કરીને મારી સાથે તે વીર જવાનોની માટે બોલો ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય!
ભાઈઓ અને બહેનો, વિચાર કરો, જે ભારત માતાની જયના નારા પર તમને ગૌરવ થાય છે કેટલાક લોકોને તેનાથી પણ શરમ આવે છે. આ કયા પ્રકારના લોકો છે જેમને ભારત માતાના જયઘોષથી તકલીફ છે, જેમને દેશની પરવાહ નથી?
સાથીઓ, મોદીને તેમને ગાળો આપવી છે, હું જાણું છું. મોદી પર તેઓ કોઈ પણ રીતે એક દાગ લગાવી દેવા માંગે છે, તે પણ હું જાણું છું. પરંતુ હું એ જાણવા માંગું છું કે તેની માટે દેશને નિશાન પર શા માટે રાખવામાં આવ્યો છે? શા માટે દેશની સુરક્ષા સાથે રમત રમવામાં આવી રહી છે?
ભાઈઓ અને બહેનો, આજે દેશની સામે બે પક્ષો છે. એક પક્ષ સત્યનો છે, સુરક્ષાનો છે, સરકારનો છે, જે બધી બાજુએથી પ્રયત્ન કરી રહી છે કે આપણી સેનાની તાકાત વધે. બીજો પક્ષ તે તાકાતોનો બનેલો છે કે જે કોઇપણ કિંમતે દેશને નબળો બનાવવા માંગે છે. તમે મને જણાવો ભાઈઓ, આપણા દેશની સેના મજબૂત હોવી જોઈએ કે ના હોવી જોઈએ? દેશની સેના સામર્થ્યવાન હોવી જોઈએ કે ના હોવી જોઈએ? સેનાના હાથમાં આધુનિક હથિયાર હોવા જોઈએ કે ના હોવા જોઈએ?
આજે દેશ એ જોઈ રહ્યો છે કે કોંગ્રેસ તેતાકાતો સાથે ઉભી છે, આપણી વિરોધી તે તાકાતો સાથે જઈને ઉભી છે કે જે આની સેનાઓને મજબૂત નથી થવા દેવા માંગતી. એવા લોકોના પ્રયત્નોને કેવા કેવા દેશો પાસેથી સમર્થન મળી રહ્યું છે. તે પણ દેશ જોઈ રહ્યો છે. શું કારણ છે કે અહિં એવી ભાષા કેટલાક નેતાઓ બોલી રહ્યા છે અને તાળીઓ પાકિસ્તાનમાં વગાડવામાં આવી રહી છે? એવું શા માટે થઇ રહ્યું છે?
સાથીઓ, રામચરિત્ર માનસમાં એક ચોપાઈ છે. ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે ભગવાન રામ કોઈનું વ્યક્તિત્વ સમજાવતા કહે છે– “ઝુઠઈ લેના, ઝુઠઈ દેના, ઝુઠઈ ભોજન, ઝુઠ ચબેના”. અર્થાત કેટલાક લોકો ખોટાનો જ સ્વીકાર કરે છે, ખોટું જ બીજા લોકોને આપે છે, ખોટી વસ્તુઓનું જ ભોજન કરે છે અને ખોટું જ ચાવતા રહે છે.
કેટલાક લોકોએ આ જ પંક્તિઓને પોતાના જીવનનો મૂળ મંત્ર બનાવી દીધો છે. અને એટલા માટે એવા લોકો માટે દેશનું સંરક્ષણ મંત્રાલય પણ જુઠ્ઠું છે, દેશના રક્ષા મંત્રી પણ જુઠ્ઠા છે, ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ જુઠ્ઠા છે, ફ્રાંસની સરકાર પણ જુઠ્ઠી છે, હવે તો તેમને દેશની સર્વોચ્ચ અદાલત પણ જુઠ્ઠી લાગવા લાગી છે. પરંતુ સાથીઓ, સત્યને શ્રુંગારની જરૂર નથી હોતી. સત્યને શ્રુંગારની જરૂર નથી હોતી અને અસત્ય જેટલું પણ બોલવામાં આવે તેમાં જીવ નથી હોતો. પરંતુ આપણે ત્યાં ઘણી મોટી વાત કહેવામાં આવી છે– “જયેત્ સત્યેન ચાનૃતમ” અર્થાત ખોટુ બોલવાની પ્રવૃત્તિ પર સત્યવાદીતા વડે જ વિજય પ્રાપ્ત કરી શકાય તેમ છે.
હું દેશવાસીઓને સ્પષ્ટપણે કહેવા માંગું છું કે કોંગ્રેસ સરકારોનો ઈતિહાસ સેનાઓ પ્રત્યે, કોંગ્રેસનું વલણ કેવું રહ્યું છે? આ દેશ ક્યારેય તેમને માફ નહિં કરે, દેશ ક્યારેય તેમને નહિં ભૂલે.
સાથીઓ, કારગીલના યુદ્ધ પછી આપણી વાયુસેનાએ આધુનિક વિમાનોની જરૂરિયાત જણાવી હતી. કારગીલના યુદ્ધ પછી, અટલજીની સરકાર બાદ કોંગ્રેસે દસ વર્ષ દેશ પર રાજ્ય કર્યું પરંતુ વાયુસેનાને મજબૂત ના થવા દીધી. આખરે શા માટે, કોના દબાણ હેઠળ?
ભાઈઓ અને બહેનો, સંરક્ષણ સોદાઓના મામલાઓમાં કોંગ્રેસનો ઇત્હાસ બોફોર્સ ગોટાળાવાળા કવાત્રાકી મામાનો રહ્યો છે. કોંગ્રેસ સરકારના સમયમાં થયેલા હેલિકોપ્ટરના ગોટાળાના અન્ય એક આરોપી અંકલ ક્રિશ્ચિયન મિશેલને પકડીને કેટલાક દિવસો પહેલા જ ભારતમાં લાવવામાં આવ્યો છે. અને આપણે સૌએ એ પણ જોયું છે કે કઈ રીતે આ આરોપીને બચાવવા માટે કોંગ્રેસે તરત જ પોતાનો વકીલ અદાલતમાં મોકલી દીધો હતો. હું કોંગ્રેસ પાસેથી જાણવા માંગું છું કે શું તે એટલા માટે ભડકેલી છે, જુઠ પર જુઠ બોલી રહી છે કારણ કે ભાજપ સરકાર જે સંરક્ષણના સોદાઓ કરી રહી છે તેમાં કોઈ કવાત્રોકી મામા નથી, ક્રિશ્ચિયન મિશેલ અંકલ નથી? શું એટલા માટે તે હવે ન્યાયપાલિકા પર અવિશ્વાસનો માહોલ પેદા કરવામાં લાગેલી છે? ન્યાયપાલિકાને જ કઠેડામાં ઉભી કરવા માટે તેઓ બરાબરના લાગેલા છે.
ભાઈઓ અને બહેનો, અમારી માટે હંમેશા દળથી મોટો દેશ છે. અને જીવન પર્યંત આવનારી પેઢીઓ સુધી અમારો આ જ મંત્ર રહેશે. દળથી મોટો દેશ છે. આજે હું દેશને કહેવા માંગું છું કે જ્યારે દેશની સુરક્ષાની વાત હોય, સેનાની જરૂરિયાતની વાત હોય, સૈનિકોના સન્માનની વાત હોય, કેન્દ્રની ભાજપ એનડીએની સરકાર માત્ર એક જ વાતનું ધ્યાન રાખે છે–રાષ્ટ્રહિત, દેશહિત, જનહિત. એ જ અમારો ઉછેર છે, એ જ અમારી સરકારના સંસ્કાર છે.
અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારતની સેનાઓ કોઈથી પણ ઉતરતી ના હોય, આપણી માટે જીવનું જોખમ વહોરી લેનારા સૈનિકોને ક્યારેય કોઈ તકલીફ ના પડે. આખરે હું તે માં પ્રત્યે પણ તો જવાબદાર છું જે પોતાના દીકરાને સીમા પર મોકલે છે. હું તે બહેન પ્રત્યે પણ તો જવાબદાર છું જેણે પોતાનો ભાઈ સરહદ પર મોકલ્યો છે. જે પરિવાર, જે બાળકો પોતાના પિતાની રાહ જોઈ રહ્યા છે તેમના પ્રત્યે પણ તો મારી જવાબદારી છે. જ્યાં સુધી અમારી સરકાર છે, જ્યાં સુધી હું છું, સરકાર આવા લાખો, કરોડો પરિવારો પ્રત્યે જવાબદાર રહેશે, એક પરિવાર પ્રત્યે નહિં. તેની માટે કડકમાં કડક નિર્ણયો લેવા હોય, અમારા ડગલા ક્યારેય પાછળ નહિં હટે.
ભાઈઓ અને બહેનો, આપણા જવાનોની સુરક્ષા પ્રત્યે કોંગ્રેસનું વલણ કેવું રહ્યું, તે હું દેશને ફરીથી યાદ અપાવવા માંગું છું.વર્ષ 2009માં ભારતની સેનાએ 1 લાખ 86 હજાર બુલેટપ્રૂફ જેકેટની માંગણી કરી હતી. 2009થી લઈને 2014 સુધી, પાંચ વર્ષ વીતી ગયા, પરંતુ સેનાની માટે બુલેટ પ્રૂફ જેકેટ ખરીદવામાં ના આવ્યા. કેન્દ્રમાં અમારી સરકાર બન્યા પછી, 2016માં અમે સેના માટે 50 હજાર બુલેટપ્રૂફ જેકેટ ખરીદીને તેમને સુપરત કર્યા છે. હું દેશને એ પણ જાણકારી આપી દેવા માંગું છું કે આ વર્ષે એપ્રિલમાં પુરેપુરા 1 લાખ 86 હજાર બુલેટ પ્રૂફ જેકેટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ જેકેટ ભારતની જ એક કંપની બનાવી રહી છે.
ભાઈઓ અને બહેનો, કોંગ્રેસના પાપો વિષે કહેવા માટે એટલું બધું છે કે બોલતા બોલતા કદાચ અઠવાડિયાના અઠવાડિયાઓ નીકળી જાય. આજે હું દેશને એ પણ જાણકારી આપવા માંગું છું, જો 2014 પછી પણ દેશમાં કોંગ્રેસની સરકાર બનત તો આપણું ગૌરવ, દેશનું ગૌરવ, તેજસ લડાકું વિમાન હંમેશા હંમેશા માટે ડબ્બામાં બંધ કરી દેવામાં આવ્યું હોત. કોઈ પુછનારું ન હોત. કોંગ્રેસ સરકારના સમયમાં તેજસના નિર્માણ સાથે જોડાયેલ દરેક ચીજવસ્તુને કમજોર કરવાનો પ્રયાસ યુપીએ સરકારમાં થયો છે. આ પરિયોજના પહેલા જ વર્ષોથી અટકેલી પડેલી હતી, પરંતુ કોંગ્રેસ સરકારો દરમિયાન તેને ગતિમાન કરવાના કોઈ પ્રયત્ન કરવામાં ન આવ્યા.
ભાજપ અને એનડીએની સરકાર આવ્યા પછી અમે જુલાઈ 2016માં એ નિર્ણય લીધો કે તેજસને 45 સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે. અમારી સરકારે 83 નવા તેજસ વિમાન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. એટલું જ નહિં, તેજસ વિમાન બનાવવાના એચએએલની ક્ષમતાને બમણી કરવા માટે ગયા વર્ષે 1400 કરોડ રૂપિયા પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો, સ્વતંત્રતા પછીથી જ કોંગ્રેસની એવી રીતભાત રહી છે, કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક સંરક્ષણ સોદાઓમાં કોઈને કોઈ વિદેશી મામા, કોઈ વિદેશી અંકલ, કોઈ કાકા, કોઈ ભત્રીજો, કોઈ ને કોઈ તો નીકળી જ આવે છે. અને એટલા માટે જ્યારે પારદર્શકતા અને ઈમાનદારી સાથે સોદાઓ થાય છે તો કોંગ્રેસ વિચલિત થઇ ઉઠે છે.એક નિર્ધારિત રણનીતિ અંતર્ગત સેના પર જ આક્રમણ કરી દે છે, સેનાને નબળી પાડવાનો પ્રયાસ કરવા લાગે છે.
સાથીઓ, સેનાઓની માન મર્યાદા આમ પણ કોંગ્રેસ અને તેમના ચેલાઓની કલ્પનાથી પરે છે. જે પક્ષના લોકો આપણા સેના અધ્યક્ષને ગુંડા કહેતો હોય અને ગુંડા તરીકે ઓળખાતા લોકોને જ્યાં પક્ષમાં ઊંચા સ્થાન પર બેસાડી દેવામાં આવતા હોય, એવા લોકો પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકીએ તેમ છીએ. જે પક્ષના લોકો સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા હોય, પોતાની સેના કરતા વધુ દુશ્મનોના દાવાઓ પર વધુ ભરોસો રાખતા હોય, તેની પાસેથી શું અપેક્ષા રાખી શકાય તેમ છે?
જે પક્ષના લોકો મામુલી રકમ માત્ર પાંચસો કરોડ રૂપિયા રાખીને ફૌજની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય.અનેપાંચસો કરોડ રૂપિયામાં વન રેન્ક વન પેન્શનનો ખોટો દિલાસો આપીને ફૂલની હારમાળા પહેરવા લાગી જતા હોય એવા લોકો પાસેથી શું અપેક્ષા રાખી શકાય તેમ છે? વન રેન્ક વન પેન્શનનો વિષય પણ તો ચાલીસ વર્ષથી અટકેલો પડ્યો હતો, તેને પણ અમારી સરકારે પૂરો કર્યો. 11 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એરીયર તરીકે પૂર્વ સૈનિકો, ફૌજીઓને પણ મળી ચુકી છે.
સાથીઓ, કોંગ્રેસના રાજમાંના તો જવાનની પરવા કરવામાં આવતી હતી, ના ખેડૂતની પરવા કરવામાં આવતી હતી.જવાનો પછી હવે વિસ્તારથી ખેડૂતોની વાત પણ કરવા માંગીશ.
70 વર્ષમાં પહેલી વાર દેશની કોઈ સરકારે ખેડૂતોની આવક વધારવાના વિષયમાં વિચાર્યું છે તો તે અમારી સરકાર છે,એનડીએની સરકાર છે. ખેડૂતોની એક એક તકલીફ સમજીને, ભવિષ્યની જરૂરિયાતોને સમજીને, બિયારણથી લઈને બજાર સુધી અમારી સરકારે નીતિઓ બનાવી છે અને તેમને લાગુ કરાવી છે. અમે ખૂબ જ ઈમાનદારી વડે, ખૂબ પરિશ્રમ વડે ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા સંકટોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ દેશના ખેડૂતોને કોંગ્રેસનો ઈતિહાસ, તેમની નીતિઓ, તેમની સચ્ચાઈ, તેમની બનાવટને ક્યારેય ભૂલવી ના જોઈએ. કોંગ્રેસની પાસે એ વાતનો શું જવાબ છે કે જ્યારે તે દસ વર્ષ સુધી સત્તામાં રહી તો શું તેણે સ્વામીનાથન કમિટીના રીપોર્ટને લાગુ કેમ ના કર્યો? આખરે કોનું દબાણ હતું? શા માટે તેણે એમએસપી જેવા મહત્વના વિષયને જમીનની અંદર જ દાટી દીધો હતો? તે વાતનો જવાબ કોંગ્રેસ ક્યારેય નહિં આપી શકે અને ન તો ક્યારેય તેની બનાવેલ ઇકો સિસ્ટમ તેની પાસેથી ક્યારેય જવાબ માંગશે.
પરંતુ ભાઈઓ બહેનો, કેન્દ્રની એનડીએ સરકારે ખેડૂતોની આવક વધારવા માટે એમએસપી પર સ્વામીનાથન કમિટીના રીપોર્ટને લાગુ કર્યો છે. ખરીફ અને રવિના બાવીસ પાકો પર આજે એમએસપીને સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ઇકો સિસ્ટમ તમને એ ક્યારેય નહિં જણાવે કે માત્ર એક નિર્ણયથી અને તે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે, માત્ર આ એક જ નિર્ણય વડે આપણા દેશના ખેડૂતોને 60 હજાર કરોડ રૂપિયાથી વધુ મળવાનું નિર્ધારિત થયું છે. 60 હજાર કરોડ રૂપિયાનો ફાયદો.
ભાઈઓ–બહેનો, હું કોંગ્રેસ પાસેથી એ પણ જાણવા માંગું છું કે આખરે તે કોનું દબાણ હતું જ્યારે તે યૂરિયાના સો ટકા નીમ કોટિંગના નિર્ણયથી દુર ભાગતી રહી. આપણા દેશનો ખેડૂત યૂરિયાના અભાવમાં ડંડા ખાતો રહ્યો હતો. કોંગ્રેસની સરકાર તેનો તમાશો જોતી રહી.
સાથીઓ, હું દેશને ફરીથી યાદ અપાવવા માંગું છું કે આ જ કોંગ્રેસ સરકાર હતી જ્યારે ખેડૂતો પાસેથી પાક વીમા માટે 15ટકા કરતા વધુ પ્રીમીયમ લેવામાં આવતું હતું. વીમાની રકમમાં પણ કેપીંગ થતું હતું. ત્રીસ ટકા પાકનું નુકસાન થયું છે કે ચાલીસ ટકાનું, ગમે તેમાં પણ મોટા મોટા ગોટાળાઓની રમતો રમવામાં આવતી હતી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાવીને અમારી સરકારે ખેડૂતોની આ બધી જ સમસ્યાઓને દૂર કરી નાખી છે. આજે જુદા જુદા પાકો પર માત્ર દોઢ ટકાથી લઈને પાંચ ટકા સુધીના પ્રીમીયમ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. સો રૂપિયામાં માત્ર દોઢ રૂપિયો વધુમાં વધુ પાંચ રૂપિયા. જો હું પાછલા બે વર્ષના આંકડા આપું તો ખેડૂતો પાસેથી પ્રીમીયમના રૂપમાં આઠ હજાર કરદ રૂપિયા લેવામાં આવ્યા આંખ દેશમાંથી. આખા દેશમાં આઠ હજાર કરોડ પરંતુ આપત્તિ પછી, પાક ખરાબ થયા પછી ખેડૂતોને ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ તેનાથી મળી છે. આઠ હજારની સામે ૩૩ હજાર કરોડ ખેડૂતો પાસે ગયા છે. એટલે કે જેટલું ખેડૂતો પાસેથી લેવામાં આવ્યું તેના કરતા ચાર ગણું વધારે પાછું આપવામાં આવ્યું.
સાથીઓ, વીતેલા કેટલાક સમયથી ધિરાણમાફીને લઈને પણ કોંગ્રેસ મોટી મોટી વાતો કર રહી છે. પરંતુ તે પણ માત્ર દગાખોરી છે, જૂઠ છે, કર્ણાટકમાં કોંગ્રેસે ખેડૂતો પાસેથી ધિરાણમાફીનો વાયદો કર્યો હતો. માત્ર દસ દિવસની વાત કરવામાં આવી હતી પરંતુ આજે છ મહિના પછી પણ સચ્ચાઈ કઈક અલગ જ છે. હમણાં બે ત્રણ દિવસ પહેલા જ છાપાઓએ વિસ્તારથી અહેવાલ છાપ્યો છે કે કર્ણાટકમાં છ મહિનામાં એક હજાર ખેડૂતોને પણ દેવું માફ કરવામાં નથી આવ્યું. વિચારો, એક હજારને પણ નહિં. સેંકડો ખેડૂતો વિરુદ્ધ અદાલતોએ કાર્યવાહી શરુ કરી દીધી છે, તેમના વિરુદ્ધમાં ધરપકડના વોરંટ નીકળી રહ્યા છે. કોંગ્રેસ પૂરે પૂરી તાકાત લગાવી રહી છે આ સચ્ચાઈ દબાઈ જાય, છુપાઈ જાય, દેશના ખેડૂતોની સામે ના આવે. પરંતુ ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી આ છેતરપીંડી તેમને હંમેશા હંમેશા માટે બરબાદ કરી નાખવાનીછે. કોંગ્રેસની ચાલાકીને બીજેપી સરકાર ઘરે ઘરે જઈને પહોંચાડશે.
સાથીઓ, યાદ કરો 2008માં પણ કોંગ્રેસે દેશભરના ખેડૂતોને આવી જ દેવા માફીનો વાયદો કર્યો હતો, ત્યારે દેશના ખેડૂતો પર છ લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. પરંતુ કોંગ્રેસ સરકારે દેવા માફી કરી, છ લાખ કરોડનું દેવું અને કર્યું કેટલું માત્ર 60 હજાર કરોડ. ક્યાં છ લાખ કરોડ અને ક્યાં 60 હજાર કરોડ, આટલો મોટો દગો. એટલું જ નહિં, દવા માફીની આડમાં એવા 35 લાખ લોકો લગભગ એવા નીકળી આવ્યા જેમના દેવા માફ કરી દેવામાં આવ્યા પરંતુ તેઓ દેવા માફીના હકદાર જ નહોતા, પાછલા બારણેથી રૂપિયા માંગી રહ્યા હતા.
ભાઈઓ અને બહેનો, ખેતી, કૃષિ સાથે જોડાયેલ કોઇપણ ક્ષેત્ર હોય, કોંગ્રેસે તેને મજબૂત કરવા તરફ ક્યારેય ધ્યાન નથી આપ્યું. ખાદ્યાન્ન પ્રક્રિયા હોય, બિયારણની ગુણવત્તામાં સુધારો હોય, કૃષિ સંશોધન હોય, ખેતી વડે આવક વધારનારા અન્ય સાધનો હોય, સિંચાઈની વ્યવસ્થા હોય, જેટલું પ્રોત્સાહન તેમને સરકાર પાસેથી મળવું જોઈતું હતું તે કોંગ્રેસે ક્યારેય નહોતું આપ્યું.
આજે સેંકડો નવા વિજ્ઞાન કેન્દ્રો ખોલીને 17 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ આપીને, ખાદ્યાન્ન પ્રક્રિયામાં 100 ટકા એફડીઆઈ કરીને, દેશભરમાં સેંકડો નવા સ્ટોર હાઉસ ખોલીને, સંપૂર્ણ પુરવઠા શ્રુંખલાને મજબૂત કરીને ખેડૂતોના ખર્ચા ઓછા કરીને અને પાકની ઉંચી કિંમત અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ, સરકાર ભલે કેન્દ્રની હોય કે પછી યોગીજીની આગેવાની હેઠળની યુપીની સરકાર અમારો એક જ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, તેને સુનિશ્ચિત કરવા માટે દિવસ રાત અમે લાગેલા છીએ. અહિં રાયબરેલીમાં પણ આઠ લાખ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, પોણા 2 લાખ મહિલાઓને મફત ગેસના જોડાણો આપવામાં આવ્યા છે,લગભગ 55 હજાર ઘરોને મફત વીજળીના જોડાણો આપીને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આપ સૌનો અભૂતપૂર્વ સહયોગ સરકારના પ્રયાસોને શક્તિ આપી રહ્યો છે. તમારા સહયોગની એ જ શક્તિ છે કે સામાન્યમાં સામાન્ય માનવીના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં અમે સફળ થઇ શક્યા છીએ. આવનારા સમયમાં સરોકાર અને સહયોગની આ ભાવનાને આપણે વધુ મજબૂત કરવાની છે, સાથે મળીને કરવાની છે. રાયબરેલીસહિત સમગ્ર ઉત્તરપ્રદેશના ઝડપી વિકાસ માટે દરેક સ્તર પર આપણે સાથે મળીને આગળ વધવાનું છે. એ જ વિશ્વાસ સાથે એક વાર ફરી તમામ વિકાસ પરિયોજનાઓની માટે આપ સૌને ખૂબ–ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ અહિં મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા તે માટે પણ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું.
મારી સાથે જોરથી બોલો, ભારત માતાની જય…. ભારત માતાની જય…. ભારત માતાની જય…
ખૂબ–ખૂબ આભાર!