It is our Constitution that binds us all together: PM Modi
What is special about Indian Constitution is that it highlights both rights and duties of citizens: PM Modi
As proud citizens of India, let us think how our actions can make our nation even stronger: PM Modi

મહામહિમ રાષ્ટ્રપતિજી, આદરણીય ઉપરાષ્ટ્રપતિજી, આદરણીય સ્પીકર મહોદય, શ્રીમાન પ્રહલાદજી અને તમામ આદરણીય જનપ્રતિનિધિઓ.

કેટલાક દિવસો અને કેટલાક પ્રસંગો એવા હોય છે જે અતિતની સાથે આપણા સંબંધોને મજબૂતી આપે છે. આપણને વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે અને તે દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે. આજે આ 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક દિવસ છે. 70 વર્ષ પહેલા આપણે વિધિવત રીતે એક નવા રૂપ રંગની સાથે બંધારણનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સાથે-સાથે આજે 26 નવેમ્બર ખૂબ તકલીફ પણ પહોંચાડે છે જ્યારે ભારતની મહાન ઉચ્ચ પરંપરાઓ, હજારો વર્ષોની સાંસ્કૃતિક વિરાસત, વસુધૈવ કુટુંબકમના વિચારને લઈને જીવનારી આ મહાન ઉચ્ચ પરંપરાઓ.. આજના જ 26 નવેમ્બરના દિવસે મુંબઈમાં આતંકવાદી ઈરાદાઓએ ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું આજે તે તમામ મૃતાત્માઓને નમન કરું છું. સાત દાયકાઓ પહેલા આ જ કેન્દ્રીય ગૃહમાં આટલા જ પવિત્ર અવાજોનો ગુંજારવ હતો, બંધારણની એક એક કલમ પર ઝીણવટભરી ઊંડાણપૂર્વકની ચર્ચા થઇ. તર્કો આવ્યા, તથ્યો આવ્યા, વિચારો આવ્યા, આસ્થાની ચર્ચા થઇ, વિશ્વાસની ચર્ચા થઇ, સપનાઓની ચર્ચા થઇ, સંકલ્પોની ચર્ચા થઇ. એક રીતે આ સદન, આ જગ્યા જ્ઞાનનો મહાકુંભ હતી અને જ્યાં આગળ ભારતના દરેક ખૂણાના સપનાઓને શબ્દોમાં મઢવાનો એક ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઇ પટેલ, પંડિત નહેરૂ, આચાર્ય સુકરાણીજી, મૌલાના આઝાદ, પુરુષોત્તમ દાસ ટંડન, સુચેતા કૃપલાની, હંસા મહેતા, એલ. ડી. કૃષ્ણસ્વામી ઐય્યર, એન. ગોપાલસ્વામી એંગર, જ્હોન મથાઈ, અગણિત આવા મહાપુરુષ જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન આપીને આપણને આ મહાન વિરાસત આપણા હાથોમાં સોંપી છે. આજના આ અવસર પર હું તે તમામ મહાન વિભૂતિઓનું સ્મરણ કરું છું અને તેમને આદરપૂર્વક નમન કરું છું.

આજે મારી વાતની શરૂઆત હું આપ સૌને બાબા સાહેબ આંબેડકરે 25 નવેમ્બર 1949, બંધારણ સ્વીકાર કરવાના એક દિવસ પૂર્વ પોતાના છેલ્લા ભાષણમાં જે વાતો કહી હતી તેનો જરૂરથી ઉલ્લેખ કરવા માંગીશ. બાબાસાહેબે દેશને યાદ અપાવ્યું હતું કે ભારત પહેલીવાર 1947માંઆઝાદ થયો છે કે પછી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક બન્યો છે એવું નથી. ભારત પહેલા પણ આઝાદ હતું અને આપણે ત્યાં અનેક પ્રજાની સત્તાઓ પણ હતી, અને તેમણે આગળ વ્યથા વ્યક્ત કરી હતી પરંતુ આપણી જ ભૂલો વડે આપણે અતિતમાં આઝાદી પણ ગુમાવી છે અને પ્રજાસત્તાક ચરિત્ર પણ ગુમાવ્યું છે. એવામાં બાબાસાહેબે દેશને ચેતવણી આપતા પૂછ્યું હતું કે આપણને આઝાદી પણ મળી ગઈ, પ્રજાસત્તાક પણ બની ગયા પરંતુ શું આપણે તેને જાળવીને રાખી શકીએ છીએ. શું ભૂતકાળમાંથી આપણે બોધપાઠ લઇ શકીએ છીએ ખરા? આજે જો બાબાસાહેબ હોત તો તેમના કરતા વધુ પ્રસન્નતા ભાગ્યે જ કોઈ બીજાને થાત. કારણ કે ભારતે આટલા વર્ષોમાં માત્ર તેમના પ્રશ્નોના જવાબ જ નથી આપ્યા પરંતુ પોતાની આઝાદીને, લોકશાહીને વધુ સમૃદ્ધ અને સશક્ત બનાવ્યા છે અને એટલા માટે આજના આ અવસર પર હું આપ સૌને વીતેલા સાત દાયકામાં બંધારણની ભાવનાને અક્ષુણ રાખનારી વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના તમામ સાથીઓનું ગૌરવપૂર્ણ સ્મરણ કરું છું, નમન કરું છું. હું ખાસ કરીને 130 કરોડ ભારતવાસીઓની સમક્ષ નતમસ્તક છું. જેમણે ભારતની લોકશાહી પ્રત્યે આસ્થાને ક્યારેય ઓછી નથી થવા દીધી. આપણા બંધારણને હંમેશા એક પવિત્ર ગ્રંથ માન્યો છે, પથ પ્રદર્શક દિવાદાંડી માની છે.

બંધારણના 70 વર્ષ આપણી માટે હર્ષ, ઉત્કર્ષ અને નિષ્કર્ષનો મિશ્રિત ભાવ લઈને આવ્યા છે. હર્ષ એ છે કે બંધારણની ભાવના અટલ અને અડગ રહી છે. જો ક્યારેક ખોટા પ્રયાસો થયા પણ છે તો દેશવાસીઓએ સાથે મળીને તેમને નિષ્ફળ બનાવ્યા છે. બંધારણ પર આંચ નથી આવવા દીધી. ઉત્કર્ષ સાથે આપણે એ વાતને જરૂરથી નોંધીએ છીએ કે આપણા બંધારણની મજબૂતીના કારણે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની તરફ આપણે આગળ વધી શક્યા છીએ. આપણે તમામ સુધારા સાથે મળીને બંધારણની મર્યાદામાં રહીને કર્યા છે અને નિષ્કર્ષ એ છે કે આ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ ભારત પ્રગતિ માટે, સોનેરી ભવિષ્ય માટે નવા ભારતની માટે પણ આપણી સમક્ષ માત્ર અને માત્ર બંધારણ, બંધારણની મર્યાદાઓ, બંધારણની ભાવના એ જ એકમાત્ર રસ્તો છે એષપંથા. આપણું બંધારણ આપણી માટે સૌથી મોટો અને પવિત્ર ગ્રંથ છે. એક એવો ગ્રંથ જેમાં આપણા જીવનની, આપણા સમાજની, આપણી પરંપરાઓ, આપણી માન્યતાઓ, આપણા વ્યવહાર, આપણું આચરણ તે બધાના સાથનો સમાવેશ છે. સાથે સાથે અનેક પડકારોનું સમાધાન પણ છે. આપણું બંધારણ એટલું વ્યાપક એટલા માટે છે કારણ કે તેમાં આપણે બાહ્ય પ્રકાશ માટે આપણી બારીઓ ખુલ્લી રાખી છે.. અને તેની સાથે સાથે અંદરનો જે પ્રકાશ છે તેને પણ વધુ પ્રજ્વલિત કરવાનો અવસર પણ આપ્યો છે.

આજે આ અવસર પર એ વાતને યાદ કરીએ જેને મેં 2014માં લાલ કિલ્લા પરથી કહી હતી, આજે તેનો પુનરોચ્ચાર કરીશ, બંધારણને જો બે સરળ શબ્દોમાં વર્ણિત કરવું હોય, સરળ ભાષામાં કહેવું હોય તો કહીશ ‘ડિગ્નિટી ફોર ઇન્ડિયન એન્ડ યુનિટી ફોર ઇન્ડિયા’ (ભારતીયો માટે સન્માન અને ભારત માટે એકતા). આ જ બે મંત્રોને આપણા બંધારણે સાકાર કર્યા છે, નાગરિકના સન્માનને સર્વોચ્ચ રાખ્યું છે અને સંપૂર્ણ ભારતની એકતા અને અખંડિતતાને અક્ષુણ રાખી છે. આપણું બંધારણ વૈશ્વિક લોકશાહીની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. તે માત્ર અધિકારો પ્રત્યે સજાગ જ નથી પરંતુ આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત પણ બનાવે છે. એક દૃષ્ટિએ આપણું બંધારણ વિશ્વમાં સૌથી વધુ પંથનિરપેક્ષ છે. આપણે શું કરવાનું છે, કેટલા મોટા સપના જોવા છે અને ક્યાં સુધી પહોંચવું છે તેની માટે કોઇપણ પ્રકારનું કોઈ બંધન નથી. બંધારણમાં જ અધિકારની વાત છે અને બંધારણમાં જ કર્તવ્યોના પાલનની અપેક્ષા છે.

શું આપણે એક વ્યક્તિ તરીકે, એક પરિવાર તરીકે, એક સમાજ તરીકે આપણા કર્તવ્યોને લઈને એટલા જ ગંભીર છીએ જેટલું આપણું બંધારણ, આપણો દેશ, આપણા દેશવાસીઓના સપના આપણી પાસેથી અપેક્ષા રાખે છે. જેમ કે રાજેન્દ્ર બાબૂજીએ કહ્યું હતું કે જે બંધારણમાં લખ્યું નથી તેને આપણે કન્વેન્શન વડે સ્થાપિત કરવું પડશે અનેતે જ ભારતની વિશેષતા પણ છે. વિતેલા દાયકાઓમાં આપણે આપણા અધિકારો પર ભાર મૂક્યો છે અને તે જરૂરિયાત પણ હતી અને બરાબર પણ હતું. કારણ કે સમાજમાં એવી વ્યવસ્થા બની ગઈ છે જેના પગલે એક મોટા વર્ગને અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. અધિકારોથી પરિચિત કરાવ્યા વિના આ મોટા વર્ગને સમાનતા, સમતા અને ન્યાયનો અહેસાસ અપાવવો શક્ય જ નહોતો. પરંતુ આજે સમયની માંગ છે કે જ્યારે આપણે અધિકારોની સાથે જ એક નાગરિક તરીકે આપણા કર્તવ્યો, આપણી જવાબદારી પર મંથન કરવું જ પડશે. કારણ કે જવાબદારીને નિભાવ્યા વિના આપણે આપણા અધિકારોને સુરક્ષિત નહી રાખી શકીએ.

અધિકારો અને કર્તવ્યોની વચ્ચેનો આ એક અતૂટ સંબંધ છે અને આ સંબંધને મહાત્મા ગાંધીજીએ ખૂબ વિશેષ રૂપે સારામાં સારી રીતે સમજાવ્યો હતો. આજે જ્યારે દેશ પૂજ્ય બાપુની 150મી જયંતીનું પર્વ ઉજવી રહ્યું છે તો તેમની વાતો ખૂબ પ્રાસંગિક થઇ પડે છે. તેઓ કહેતા હતા કે અધિકાર એ શ્રેષ્ઠ રીતે નિભાવેલી જવાબદારી છે. તેમણે એક જગ્યાએ લખ્યું પણ હતું કે મેં મારી અભણ પરંતુ સમજદાર માં પાસેથી શીખ્યું છે કે બધા જ અધિકાર તમારા દ્વારા સાચી નિષ્ઠા વડે નિભાવવામાં આવેલા આપણા કર્તવ્યોથી જ આવે છે. ગઈ શતાબ્દીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે સંપૂર્ણ વિશ્વ અધિકારના વિષયમાં વાત કરી રહ્યું હતું ત્યારે ગાંધીજીએ એક પગલું આગળ વધીને કહ્યું હતું આવો આપણે લોકો નાગરિકોના કર્તવ્ય એટલે કે નાગરિકોની ફરજો વિષે વાત કરીએ. 1947માં યુનેસ્કોના મહાનિર્દેશક ડૉ. જુલીયન હસ્કલેએ વિશ્વના 60 મોટા મહાનુભવોને, મોટી હસ્તિઓને એક પત્ર લખ્યો હતો અને તેમની પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું અને તેમણે પત્રમાં પૂછ્યું હતું કે વર્લ્ડ ચાર્ટર ઑફ હ્યુમન રાઈટ્સ, તે જો બનાવવું હોય તો તેનો આધાર શું હશે. અને તે વિષયમાં તેમણે દુનિયાના મહાનુભવો પાસેથી પોતાનો મત માંગ્યો હતો, મહાત્મા ગાંધી પાસેથી પણ માંગ્યો હતો. પરંતુ વિશ્વના દરેક વ્યક્તિએ જે અભિપ્રાય આપ્યો, મહાત્મા ગાંધીનો કંઇક જુદો હતો, મહાત્માજીએ કહ્યું હતું, તેમણે ઉત્તર આપ્યો હતો કે આપણે આપણા જીવનના અધિકાર ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે નાગરિક તરીકે આપણા કર્તવ્યોને સંપૂર્ણ રીતે નિભાવીએ. એટલે કે એક રીતે કર્તવ્યોમાં જ અધિકારોની રક્ષા છે તેની વકીલાત મહાત્મા ગાંધીએ તે સમયે પણ કરી હતી. જ્યારે આપણે જવાબદારીની વાત કરીએ છીએ, કર્તવ્યની વાત કરીએ છીએ તો આ ખૂબ સામાન્ય જવાબદારીઓ છે જેમને નીભાવવાથી એક રાષ્ટ્રના રૂપમાં આપણા સંકલ્પો સિદ્ધ થાય છે. અને આપણે એ બાબત પર પણ ખૂબ જ સ્પષ્ટ ધ્યાન આપવું પડશે કે કર્તવ્ય અને સેવા ભાવ ક્યારેક-ક્યારેક આપણે સેવાને જ કર્તવ્ય માની લઈએ છીએ, સેવાભાવ, સંસ્કાર દરેક સમાજ માટે ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ સેવાભાવથી પણ કર્તવ્ય કઈક જુદા છે અને તેના પર ક્યારેક ક્યારેક આપણું ધ્યાન નથી જતું. તમે રસ્તા પર ચાલી રહ્યા છો કોઈક વ્યક્તિને ક્યાંક કોઈ મદદની જરૂર છે, તમે કરો છો તો તે એક રીતે સેવા ભાવ છે. આ સેવા ભાવ કોઈ પણ સમાજને, માનવતાને ખૂબ સશક્ત કરે છે. પરંતુ કર્તવ્ય ભાવ તેના કરતા થોડો જુદો છે. રસ્તા પર કોઈને તકલીફ થઇ, તમે મદદ કરી સારી વાત છે પરંતુ જો મેં ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે અને ક્યારેય કોઈને તકલીફ ના થાય એવી વ્યવસ્થાનો હું હિસ્સો બન્યો છું તો તે મારું કર્તવ્ય છે. તમે જે પણ કરી રહ્યા છો તેની સાથે એક સવાલ જોડીને જો આપણે જોઈએ છીએ કે જે કઈ પણ હું કરી રહ્યો છું શું તેનાથી મારો દેશ મજબૂત થાય છે કે નહી.પરિવારના સભ્ય તરીકે આપણે તે દરેક વસ્તુ કરીએ છીએ જેનાથી આપણા પરિવારની શક્તિ વધે. તે જ રીતે નાગરિક તરીકે આપણે તે કરીએ જેનાથી આપણા દેશની તાકાત વધે, આપણું રાષ્ટ્ર શક્તિશાળી થાય.

એક નાગરિક જ્યારે પોતાના બાળકોને શાળાએ મોકલે છે તો માં-બાપ પોતાનું કર્તવ્ય નિભાવે છે પરંતુ તે માં-બાપ જાગૃતબનીને પોતાના બાળકને માતૃભાષા શીખવવાનો આગ્રહ રાખે છે તો તેઓ એક નાગરિકનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. દેશ સેવાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. અને એટલા માટે એક વ્યક્તિ નાની નાની વસ્તુઓ હોય છે, જો ટીપું-ટીપું પાણી બચાવે છે તો તે પોતાનું નાગરિક કર્તવ્ય પણ નિભાવે છે. જો રસીકરણ માટે સામે ચાલીને પોતાનું કામ પૂરું કરી લે છે, કોઈને ઘરે જઈને યાદ કરાવવું નથી પડતું તો તે પોતાનું કર્તવ્ય નિભાવે છે. મત આપવા માટે સમજાવવો ન પડે, મત આપવા જાય છે તો તે પોતાનું કર્તવ્ય નિભાવે છે. સમય પર કર આપવાનો છે, આપે છે તો તે પોતાનું કર્તવ્ય નિભાવે છે. આવી અનેક જવાબદારીઓ છે જે એક નાગરિક તરીકે સહજ વ્યવસ્થાના રૂપમાં આપણે વિકસિત કરીએ, સંસ્કારના રૂપમાં આપણે વિકસિત કરીએ તો આપણને દેશને આગળ લઇ જવામાં ઘણી મોટી સુવિધા વધી જાય છે. આ સવાલ જ્યાં સુધી દેશના પ્રત્યેક નાગરિકના ચિત્તમાં, તેની ચેતનામાં સર્વોપરી નહી થાય, ત્યાં સુધી આપણા નાગરિક કર્તવ્યો ક્યાંક ને ક્યાંક નબળા બનતા જશે અને તે કોઈ ને કોઈ રૂપમાં કોઈ અન્યના અધિકારને હાની પહોંચાડે છે અને એટલા માટે અન્યોના અધિકારોની ચિંતા માટે પણ પોતાના કર્તવ્યો પર ભાર મુકવો આપણા લોકોની જવાબદારી છે. અને જન પ્રતિનિધિતરીકે આપણી જવાબદારીઓ થોડી વધુ હોય છે, બેવડી થઇ જાય છે. આપણી સામે બંધારણીય મૂલ્યોને મજબૂત કરવાની સાથે સાથે પોતાની જાતને પણ એક આદર્શના રૂપમાં પ્રસ્તુત કરવાની છે. તે આપણી ફરજ બની જાય છે અને આપણે સમાજમાં સાર્થક પરિવર્તનો લાવવા માટે આ કર્તવ્યને પણ નિભાવવું જ પડશે, આપણો પ્રયાસ રહેવો જોઈએ કે આપણા દરેક કાર્યક્રમમાં, દરેક વાતચીતમાં આપણે ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જનતાની સાથે સંવાદ કરતી વખતે ફરજોની વાત કરવાનું આપણે ના ભૂલીએ. આપણું બંધારણ આપણા ભારતના લોકોથી શરુ થાય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકો જ આની તાકાત છીએ, આપણે જ તેની પ્રેરણા છીએ અને આપણે જ તેનો ઉદેશ્ય છીએ.

હું જે કઈ પણ છું – તે સમાજ માટે છું, દેશ માટે છું, આ જ કર્તવ્ય ભાવ આપણી પ્રેરણાનો સ્રોત છે. હું આપ સૌને આહ્વાન કરું છું કે આપણે સૌ આ સંકલ્પ શક્તિની સાથે મળીને ભારતના એક જવાબદાર નાગરિક તરીકે આપણા કર્તવ્યોનું પાલન કરીએ. આવો, આપણા પ્રજાસત્તાકને આપણે કર્તવ્યો વડે ઓતપ્રોત નવી સંસ્કૃતિ તરફ લઇને જઈએ. આવો, આપણે સૌ દેશના નવનાગરિક બનીએ, સારા નાગરિકો બનીએ. હું પ્રાર્થના કરું છું કે આ બંધારણ દિવસ આપણા બંધારણના આદર્શોને યથાવત રાખે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી પ્રતિબદ્ધતાને શક્તિ પ્રદાન કરે. અને આ પવિત્ર ધરતી છે જ્યાં આ મંથન થયું હતું, અહિયાં આગળ તેની ગૂંજ છે. આ ગૂંજ આપણને જરૂરથી આશીર્વાદ આપશે, આ ગૂંજ આપણને જરૂરથી પ્રેરણા આપશે, આ ગૂંજ આપણને જરૂરથી શક્તિ આપશે, આ ગૂંજ આપણને જરૂરથી દિશા આપશે. એ જ એક ભાવના સાથે હું ફરી એકવાર આજેબંધારણ દિવસના પવિત્ર અવસર પર પૂજ્ય બાબાસાહેબ આંબેડકરને પ્રણામ કરું છું, બંધારણ નિર્માતાઓને પ્રણામ કરું છું અને દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi