અહિં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.
સૌથી પહેલા હું દૈનિક જાગરણના દરેક વાચકને, છાપાના પ્રકાશન અને છાપાને ઘર ઘર સુધી પહોંચાડવાના કાર્ય સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, ખાસ કરીને હોકર બંધુઓને તમારી સંપાદકીય ટુકડીને હિરક જયંતી પર ખૂબ–ખૂબ અભિનંદન આપું છું, ખૂબ–ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
વીતેલા 75 વર્ષથી તમે સતત દેશના કરોડો લોકોને માહિતી અને સરોકાર સાથે જોડીને રાખેલા છે. દેશના પુનઃનિર્માણમાં દૈનિક જાગરણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દેશને જાગૃત કરવામાં તમે મહત્વનો ફાળો આપતા રહ્યા છો. ભારત છોડો આંદોલનની પૃષ્ઠભૂમિમાં જે કાર્ય તમે શરુ કર્યું હતું, તે આજે નવા ભારતની નવી આશાઓ, નવા સંકલ્પો અને નવા સંસ્કારોને આગળ વધારવામાં સહયોગ કરી રહ્યું છે. હું દૈનિક જાગરણ વાંચનારા લોકોમાંનો એક છું. કદાચ શરૂઆત ત્યાંથી જ થાય છે. મારા પોતાના અનુભવના આધારે હું કહી શકું છું કે વીતેલા દાયકાઓમાં દૈનિક જાગરણે દેશ અને સમાજમાં પરિવર્તન લાવવાના આંદોલનને શક્તિ આપી છે.
વીતેલા ચાર વર્ષોમાં તમારા સમૂહ અને દેશના તમામ મીડિયા સંસ્થાનોએ રાષ્ટ્ર નિર્માણના મજબૂત સ્તંભ તરીકે પોતાની જવાબદારીનું ખૂબ સારી રીતે વહન કર્યું છે. પછી તે બેટી બચાઓ– બેટી પઢાઓ અભિયાન હોય, કે પછી તે સ્વચ્છ ભારત અભિયાન હોય. આ જો જન આંદોલન બન્યા છે તો તેમાં મીડિયાની એક સકારાત્મક ભૂમિકા રહી છે. દૈનિક જાગરણ પણ તેમાં પોતાનું પ્રભાવી યોગદાન આપવા માટે હંમેશા આગળ રહ્યું છે. હમણાં તાજેતરમાં જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી, મને આપ સૌની સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે સ્વચ્છતા માટે કેવી રીતે તમે સૌ સંપૂર્ણ સમપર્ણ સાથે કાર્ય કરી રહ્યા છો.
સાથીઓ, સમાજમાં મીડિયાની આ ભૂમિકા આવનારા સમયમાં હજુ વધારે મહત્વપૂર્ણ બનવાની છે. આજે ડિજિટલ ક્રાંતિએ મીડિયાને, છાપાઓને વધુ વિસ્તૃત કર્યા છે અને હું માનું છે કે નવું મીડિયા નવા ભારતના પાયાને વધુ તાકાત આપશે.
સાથીઓ, નવા ભારતની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ તો ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન’ અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ તેના મૂળમાં, આ જ મૂળમંત્રને લઈને અમે વાત કરીએ છીએ. અમે એક એવી વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ કે જે જનભાગીદારી વડે યોજનાનું નિર્માણ પણ થાય અને જનભાગીદારી વડે જ તેના પર અમલીકરણ પણ કરવામાં આવે. આ જ વિચારધારાને અમે વીતેલા ચાર વર્ષોથી આગળ વધારી છે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓને જનતા પોતાની જવાબદારી સમજીને આગળ વધારી રહી છે. સરકાર, સરોકાર અને સહકાર આ ભાવના દેશમાં મજબૂત બની છે.
દેશનો યુવાન આજે વિકાસમાં પોતાની જાતને હિતધારક માનવા લાગ્યો છે. સરકારી યોજનાઓને પોતાપણાના ભાવ સાથે જોવામાં આવી રહી છે. તેને લાગવા લાગ્યું છે કે તેનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે અને એ જ કારણ છે કે,સરકાર અને તંત્ર પર વિશ્વાસ આજે અભૂતપૂર્વ સ્તર પર છે. આ વિશ્વાસ ત્યારે જાગે છે જ્યારે સરકાર નક્કી કરેલા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરતી જોવા મળે છે. પારદર્શકતાની સાથે કામ કરતી જોવા મળે છે.
સાથીઓ જાગરણ મંચમાં તમે અનેક વિષયો પર ચર્ચા કરવાના છો. ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવશે, ઘણા બધા જવાબો પણ શોધવામાં આવશે. એક પ્રશ્ન તમારા મંચ પર હું પણ ઉઠાવવા જઈ રહ્યો છું. અને પ્રશ્ન મારો છે પરંતુ તેની સાથે સમગ્ર દેશની ભાવનાઓ જોડાયેલી છે. તમે પણ અવારનવાર વિચારતા હશો, નવાઈ પામી જતા હશો કે આખરે આપણો દેશ પછાત કેમ રહી ગયો. આઝાદીના આટલા દાયકાઓ પછી.. આ કસક તમારા મનમાં પણ હશે કે આપણે પાછળ કેમ રહી ગયા. આપણી પાસે વિશાળ ઉપજાઉ ભૂમિ છે, આપણા નવયુવાનો ખૂબ પ્રતિભાશાળી અને મહેનતુ પણ છે, આપણી પાસે પ્રાકૃતિક સંસાધનોની ક્યારેય કોઈ ખોટ નથી રહી. આટલું બધું હોવા છતાં આપણો દેશ આગળ કેમ વધી નથી શક્યો. શું કારણ છે કે નાના નાના દેશ પણ જેમની સંખ્યા ખૂબ ઓછી છે, જેમની પાસે કુદરતી સંસાધનો પણ ના હોવા બરાબર છે. એવા દેશો પણ ખૂબ ઓછા સમયમાં આપણા કરતા આગળ નીકળી ગયા છે.
તે આપણા દેશવાસીઓની ક્ષમતા છે કે આપણું ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચી ગયું છે. આપણે ખૂબ ઓછા ખર્ચે મંગળ મિશન જેવો મહાયજ્ઞ પૂરો કર્યો છે. પરંતુ શું કારણ છે કે આ દેશના કરોડો લોકોના ગામડાઓ સુધી રસ્તા પણ નથી પહોંચી શક્યા.
સાથીઓ, ભારતવાસીઓના નવીન સંશોધનો વડે દુનિયા ચમકી રહી છે. પરંતુ શું કારણ રહ્યું છે કે કરોડો ભારતીયોને વીજળી સુદ્ધા પણ નહોતી મળી શકતી. આખરે આપણા દેશના લોકો છ દાયકા કરતા વધુ સમય સુધી પાયાગત સુવિધાઓની માટે પણ કેમ વલખા મારતા રહ્યા. મોટા મોટા લોકો સત્તામાં આવ્યા, મોટા મોટા સ્વર્ણિમવાળા લોકો પણ સત્તામાં આવ્યા અને જતા પણ રહ્યા. પરંતુ દાયકાઓ સુધી જે લોકો નાની નાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા,તેમની સમસ્યાઓનું સમાધાન ના થઇ શક્યું.
સાથીઓ, લક્ષ્યની ઉણપ નહોતી, ઉણપ નીતિની હતી, પૈસાની ખોટ નહોતી, જનુનની ખોટ હતી, ઉપાયોની ખોટ નહોતી, સંવેદનાની ખોટ હતી, સામર્થ્યની ખોટ નહોતી, ખામી હતી કાર્ય સંસ્કૃતિની. ખૂબ સરળતાથી કેટલાક લોકો કબીરદાસજીને તે ધ્યેયને બગાડીને મજાક બનાવી નાખે છે. જેમાં તેમણે કહ્યું હતું કે ‘કાલે કરવાનું હોય તે આજે કરો,આજે કરવાનું હોય તે અત્યારે’ પરંતુ જરા વિચારો જો આ ભાવ આપણી કાર્ય સંસ્કૃતિમાં દાયકાઓ પહેલા આવી ગયો હોત તો આજે દેશનું ચિત્ર કેવું હોત.
સાથીઓ, હમણાં તાજેતરમાં જ મેં એલિફન્ટા સુધી અન્ડર વોટર કેબલના માધ્યમથી વીજળી પહોંચાડવાનો એક વીડિયોખૂબ વાયરલ થઇ રહ્યો હતો. મારી પણ નજર પડી, આશા છે તમે પણ જોયો હશે. કલ્પના કરો મુંબઈથી થોડા જ અંતરે વસેલા લોકોને કેવું લાગતું હશે, જ્યારે તેઓ પોતે અંધારામાં રાત દિવસ પસાર કરતા, મુંબઈની ઝાકમઝોળને જોતા હશે,તે અંધારામાં 70 વર્ષ પસાર કરી દેવાની કલ્પના કરીને જુઓ. હમણાં કેટલાક દિવસો પહેલા જ મને એક વ્યક્તિએ પત્ર લખીને આભાર પ્રગટ કર્યો, તેણે પત્ર એટલા માટે લખ્યો કારણ કે મેઘાલય પહેલી વાર ટ્રેન સાથે જોડાઈ ગયું છે. શું તમે કલ્પના કરી શકો છો કે અમારા સત્તામાં આવ્યા પહેલા મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા ભારતના રેલવે નકશામાં નહોતા.જરા વિચારો કોણે કેવી રીતે આ રાજ્યોના લોકોની જિંદગી પર અસર પાડી હશે.
સાથીઓ, પહેલા દેશ કઈ દિશામાં કઈ ગતિએ ચાલી રહ્યો હતો અને આજે કઈ દિશામાં અને કઈ ઝડપ સાથે, ગતિ સાથે આગળ જઈ રહ્યો છે. આ મારા મીડિયાના સાથીઓ માટે અભ્યાસનો અને મંથનનો વિષય પણ બની શકે તેમ છે. ક્યારે કરશે તે અમે નથી જાણતા. વિચારો આખરે શા માટે આઝાદીના 67 વર્ષ સુધી માત્ર 38 ટકા ગ્રામીણ ઘરોમાં જ શૌચાલય બન્યા અને કેવી રીતે… સવાલનો જવાબ અહિં શરુ થાય છે, કેવી રીતે, માત્ર ચાર વર્ષમાં 95 ટકા ઘરોમાં, ગ્રામીણ ઘરોમાં શૌચાલય ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા. વિચારો… આખરે શા માટે આઝાદીના 67 વર્ષ સુધી માત્ર 55 ટકા વસાહતો,સમુદાયો અને ગામડાઓ સુધી જ રસ્તાઓ પહોંચ્યા હતા અને કઈ રીતે… માત્ર ચાર વર્ષમાં… રસ્તાના જોડાણને વધારીને 90 ટકાથી વધુ વસાહતો, ગામડાઓ, સમુદાયો સુધી પહોંચાડી દેવામાં આવ્યા. આખરે વિચારો… શા માટે આઝાદીના 67 વર્ષો પછી પણ માત્ર 55 ટકા ઘરોમાં જ ગેસના જોડાણો પહોંચ્યા હતા અને હવે કઈ રીતે માત્ર ચાર વર્ષમાં ગેસના જોડાણોની સીમા 90 ટકા ઘરો સુધી પહોંચાડી દેવામાં આવી છે. વિચારો… આખરે કેમ આઝાદી પછી પણ 67વર્ષો સુધી માત્ર 70 ટકા ગ્રામીણ પરિવારો સુધી જ વીજળીની સુવિધા પહોંચી શકી હતી અને હવે કેવી રીતે… વીતેલા ચાર વર્ષોમાં 95 ટકા ગ્રામીણ પરિવારો સુધી વીજળી પહોંચી ગઈ છે. સાથીઓ આ પ્રકારના સવાલો પૂછી પૂછીને કલાકો કાઢી શકીએ છીએ, વ્યવસ્થાઓમાં અપૂર્ણતાથી સંપૂર્ણતા તરફ વધી રહેલા આપણા દેશે પાછલા ચાર, સાડા ચાર વર્ષોમાં જે પ્રગતિ કરી છે તે અભૂતપૂર્વ છે.
સાથીઓ, વિચારો… આખરે શા માટે આઝાદીના 67 વર્ષો સુધી દેશના માત્ર 50 ટકા પરિવારોની પાસે જ બેંક ખાતા હતા. એવું શા માટે થયું કે આજે દેશનો લગભગ દરેક પરિવાર બેન્કિંગ સેવા સાથે જોડાઈ ગયો છે. વિચારો… કે આખરે એવું શા માટે હતું કે આઝાદીના 67 વર્ષો સુધી મહામુશ્કેલીએ ચાર કરોડ નાગરિકો જ આવક વેરા રીટર્ન ભરી રહ્યા હતા.સવા સો કરોડનો દેશ…ચાર કરોડ, માત્ર ચાર વર્ષમાં જ ત્રણ કરોડ નવા નાગરિકો આવકવેરાના નેટવર્ક સાથે જોડાઈ ગયા છે. વિચારો… કે આખરે શા માટે એવું હતું કે જ્યાં સુધી જીએસટી લાગુ નહોતો થયો આપણા દેશમાં અપ્રત્યક્ષ કર પદ્ધતિ સાથે 66 લાખ ઉદ્યમીઓ જ નોંધાયેલા હતા. અને હવે જીએસટી લાગુ થયા પછી 54 લાખ નવા લોકોએ નોંધણી કરાવી છે.
સાથીઓ, આખરે પહેલાની સરકારો એવું શા માટે ના કરી શકી અને અત્યારે હવે જે થઇ રહ્યું છે તે કેવી રીતે થઇ રહ્યું છે.લોકો એ જ છે, અમલદારશાહી પણ એ જ છે, સંસ્થાઓ પણ એ જ છે, ફાઈલો જવાનો રસ્તો પણ એ જ છે, ટેબલ ખુરશી કલમ તે બધું જ તે જ છે એમ છતાં પણ આ પરિવર્તન શા માટે આવ્યું. તે વાતની આ સાબિતી છે કે દેશ બદલાઈ શકે છે.અને હું તમને એ પણ યાદ આપવા માંગું છું કે જે પણ બદલાવ આવ્યો છે, જે પણ પરિવર્તન આવી રહ્યું છે, ગતિ આવી છે તે ત્યાં સુધી નથી આવી શકતી જ્યાં સુધી સંપૂર્ણ નીચલા સ્તર પર જઈને નિર્ણયો નથી કરવામાં આવતા, તેની ઉપર અમલીકરણ નથી કરવામાં આવતું.
તમે કલ્પના કરો… જો દેશના નાગરિકોને દાયકાઓ પહેલા જ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હોત તો આપણો દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત. દેશના નાગરિકોની માટે આ બધું કરવું એ મારી માટે સૌભાગ્યની વાત છે.પરંતુ તે એટલું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશને તેની માટે આટલા વર્ષો સુધી રાહ જોવી પડી.
સાથીઓ, જ્યારે આપણા દેશના ગરીબ, શોષિત અને વંચિતોને બધી જ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થઇ જશે… તેમને શૌચાલય, વીજળી, બેંક ખાતા, ગેસના જોડાણો, શિક્ષણ, આરોગ્ય જેવી વસ્તુઓની ચિંતાઓમાંથી મુક્તિ મળી જશે તો પછી મારા દેશના ગરીબો પોતે જ પોતાની ગરીબીને હરાવી દેશે. તે મારો વિશ્વાસ છે. તેઓ ગરીબીમાંથી બહાર આવી જશે અને દેશ પણ ગરીબીમાંથી બહાર નીકળી જશે. વીતેલા ચાર વર્ષોમાં તમે આ પરિવર્તનને થતું પણ જોઈ રહ્યા છો.આંકડાઓ તેની સાક્ષી આપી રહ્યા છે પરંતુ આ બધું પહેલા નથી થયું. અને પહેલા એટલા માટે નથી થયું કારણ કે જ્યારે મૂળભૂત સુવિધાઓ સૌને મળી જશે તો વોટ બેંકની રાજનીતિ કઈ રીતે થઇ શકશે. તુષ્ટિકરણ કઈ રીતે થશે.
ભાઈઓ અને બહેનો, આજે જ્યારે આપણે દેશનાસો ટકા લોકોને લગભગ બધી જ મૂળભૂત સુવિધાઓ આપવા માટે તેનીનજીક પહોંચી ગયા છીએ તો ભારત બીજા યુગમાં છલાંગ લગાવવા માટે પણ તૈયાર છે. આપણે કરોડો ભારતીયોની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે તત્પર છીએ. આજે આપણે ન્યુ ઇન્ડિયાના સંકલ્પથી સિદ્ધિની યાત્રા તરફ અગ્રેસર છે.આ યાત્રામાં જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ ભારત કરી રહ્યું છે તે દુનિયાના વિકાસશીલ અને પછાત દેશોની માટે પણ એક મોડલ બની રહ્યું છે.
સાથીઓ, આજે ભારતમાં કનેક્ટિવિટીથી લઈને કોમ્યુનિકેશન સુધી, સ્પર્ધાથી લઈને સુગમતા જીવનના દરેક પાસાને ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ટેકનોલોજી અને માનવીય સંવેદનાઓની શક્તિ વડે જીવન જીવવાની સરળતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આપણી વ્યવસ્થાઓ ઝડપથી નવા વિશ્વની જરૂરિયાતોની માટે તૈયાર થઇ રહી છે. સૌર શક્તિ હોય, જૈવઇંધણ હોય તેના પર આધુનિક વ્યવસ્થાઓને તૈયાર કરવામાં આવી રહી છે.
દેશમાં આજે 21મી સદીની જરૂરિયાતોને જોતા આગામી પેઢીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર તૈયાર થઇ રહ્યું છે. ધોરીમાર્ગો હોય, રેલવે હોય, હવાઈ માર્ગો હોય, જળમાર્ગ હોય, ચારેય બાજુ કામ કરવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં તમે જોયું કઈ રીતે વારાણસી અને કોલકાતાની વચ્ચે જળમાર્ગોની નવી સુવિધા કાર્યરત થઇ ગઈ છે. એ જ રીતે દેશમાં બનેલ એન્જીન ડ્રાઈવર વિનાની ટ્રેન.. ટ્રેન 18 અને તેનું ટ્રાયલ તો તમારા છાપાઓમાં હેડલાઈનમાં રહ્યું છે. હવા મુસાફરીની તો એવી હાલત થઇ ગઈ છે કે આજે એસી ડબ્બાઓમાં મુસાફરી કરનારા યાત્રીઓ કરતા વધુ લોકો હવે વિમાનમાં ઉડવા લાગ્યા છે. આવું એટલા માટે થઇ રહ્યું છે કે કારણ કે સરકાર નાના નાના શહેરોને ટીયર 2 શહેરો, ટીયર ૩ શહેરોને પણ ઉડાન યોજના સાથે જોડી રહી છે. નવા એરપોર્ટઅને હવાઈ માર્ગો વિકસિત કરી રહી છે. વ્યવસ્થામાં દરેક બાજુએ પરિવર્તન કઈ રીતે આવી રહ્યું છે, તેને સમજવું ખૂબ જરૂરી છે. એલપીજી સિલિન્ડર રીફીલ માટે પહેલા અનેક દિવસો લાગી જતા હતા હવે માત્ર એક બે દિવસમાં જ મળવાનું શરુ થઇ ગયું છે. પહેલા આવકવેરા રીફંડ મળવામાં મહિનાઓ લાગી જતા હતા. તે પણ હવે થોડા ક જ અઠવાડિયાઓમાં થવા લાગ્યું છે. પાસપોર્ટ બનાવવો એ પણ પહેલા મહિનાઓનું કામ હતું અત્યારે એ જ કામ એક બે અઠવાડિયામાં થઇ જાય છે. વીજળી, પાણીનું જોડાણ હવે સરળતાથી મળવા લાગ્યું છે. સરકારની મોટા ભાગની સેવાઓ હવે ઓનલાઈન છે, મોબાઈલ ફોન પર છે. તેની પાછળની ભાવના એક જ છે કે સામાન્ય માણસને વ્યવસ્થાઓમાં ફસાવું ન પડે, ઝઝૂમવું ન પડે, લાઈનો ન લાગે, ભ્રષ્ટાચારની સંભાવનાઓ ઓછી થાય અને રોજબરોજની પરેશાનીમાંથી મુક્તિ મળે.
સાથીઓ, સરકાર માત્ર સેવાઓને જ દ્વાર દ્વાર સુધી પહોંચાડવા માટે જ પ્રતિબદ્ધ નથી પરંતુ યોજનાઓનો લાભ જરૂરિયાતવાળાઓ સુધી જરૂરથી પહોંચે તેની માટે પણ સરકાર ગંભીર પ્રયાસો કરી રહી છે. દેશના 50 કરોડથી પણ વધુ ગરીબોના સ્વાસ્થ્યને સુરક્ષાકવચ આપનારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેએવાય એટલે કે આયુષમાન ભારત યોજના તો સુખાકારી અને કલ્યાણનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
ડિજિટલ ટેકનોલોજી ઑટોમેશન અને માનવીય સંવેદનશીલતાને કેવી રીતે જન સામાન્યના હિત માટે ઉપયોગ કરી શકાય તેમ છે. તે આયુષમાન ભારતમાં જોવા મળે છે. આ યોજનાના લાભાર્થીઓની ઓળખ પહેલા કરી લેવામાં આવી.ત્યારબાદ તેમની જાણકારીને, ડેટાને ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવી અને પછી ગોલ્ડન કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યા છે. ગોલ્ડન કાર્ડ અને આયુષમાન મિત્ર એટલે કે ટેકનોલોજી અને માનવીય સંવેદનાના સંગમ વડે ગરીબમાં ગરીબને સ્વાસ્થ્યનો લાભ તદ્દન મફત મળી રહ્યો છે.
સાથીઓ, હજુ આ યોજનાને 100 દિવસ પણ પુરા નથી થયા, માત્ર ત્રણ મહિના કરતા પણ ઓછો સમય થયો છે અને અત્યાર સુધીમાં સાડા ચાર લાખ ગરીબ જેનો લાભ ઉઠાવી ચૂક્યા છે, અથવા તો અત્યારે દવાખાનામાં ઈલાજ કરાવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓની સર્જરીથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સુધીનો ઈલાજ આયુષમાન ભારતના કારણે શક્ય બન્યો છે.
આ સ્થિતિમાં બેઠેલા, આ ઝાકમઝોળથી દૂર અનેક લોકો વિષે વિચારો.. કે આ લોકો કોણ છે, આ શ્રમિકો છે, આ કારીગરો છે, ખેડૂતો છે, ખેતર અને કારખાનાઓમાં મજુરી કરનારા લોકો છે, લારી ખેંચનારા, રીક્ષા ચલાવનારા લોકો છે. કપડા સીવવાનું કામ કરનારા લોકો છે. કપડા ધોઈને જીવન વિતાવનારા લોકો છે. ગામડા અને શહેરના એ લોકો જે ગંભીર બીમારીનો ઈલાજ માત્ર એટલા માટે ટાળતા રહે છે કારણ કે તેમની સામે એક બહુ મોટો પ્રશ્ન હંમેશા રહેતો હતો…પોતાની દવા પર ખર્ચ કરવામાં આવે કે પરિવાર માટે બે ટંકના રોટલા પર ખર્ચ કરવામાં આવે. પોતાની દવા પર ખર્ચ કરે કે બાળકોના અભ્યાસ પર ખર્ચ કરવામાં આવે. ગરીબોને આ સવાલનો જવાબ આયુષમાન ભારત યોજનાના રૂપમાં મળી ચૂક્યો છે.
સાથીઓ, ગરીબના સશક્તિકરણનું માધ્યમ બનાવવાનું આ કામ માત્ર અહિં સુધી જ સીમિત નથી રહેવાનું. તેને આવનારા સમયમાં વિસ્તૃત કરવામાં આવશે. અમારો પ્રયાસ છે કે વચેટીયાઓને ટેકનોલોજીના માધ્યમથી દુર કરી દેવામાં આવે. ઉત્પાદક અને ગ્રાહકને જેટલા શક્ય બને તેટલા નજીક લાવવામાં આવે. ભ્રષ્ટાચાર ભલે કોઇપણ સ્તર પર હોય અમારી નીતિ સ્પષ્ટ પણ છે અને કડક પણ છે. આ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા અમારા આ પ્રયાસોને દુનિયા પણ જોઈ રહી છે. અને એટલા માટે ભારતને સંભાવનાઓનો દેશ કહેવામાં આવી રહ્યો છે.
સાથીઓ, જેમ કે આપ સૌ જાણો છો પાછલા કેટલાક દિવસોમાં આર્જેન્ટીનામાં જી-20 સંમેલન થયું તે સંમેલનમાં આવેલા નેતાઓ સાથે મારી વાતચીત થઇ. અમે અમારી વાતો પણ દુનિયાની શક્તિશાળી અર્થવ્યવસ્થાઓની સામે રજૂ કરી. જે આર્થિક અપરાધ કરનારાઓ છે, ભાગેડુઓ છે તેમને દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત આશરો ના મળે તેની માટે ભારતે કેટલાક સૂચનો આંતરરાષ્ટ્રીય સમુદાયની વચ્ચે રજૂ કર્યા. મને એ વિશ્વાસ છે કે આપણી આ ઝુંબેશ આજે નહી તો કાલે ક્યારેક ને ક્યારેક તો રંગ લાવશે જ.
સાથીઓ, આ વિશ્વાસની પાછળ એક મોટું કારણ એ છે કે આજે ભારતની વાતને દુનિયા સાંભળી રહી છે, સમજવાનો પ્રયાસ કરી રહી છે, આપણા દુનિયાના તમામ દેશો સાથેના સંબંધો ખૂબ મધુર બન્યા છે. તેના પરિણામો આપ સૌ અને સમગ્ર દેશ જોઈ પણ રહ્યા છે, અનુભવ પણ કરી રહ્યા છે. હમણાં ત્રણ ચાર દિવસ પહેલા તેનું એક અન્ય ઉદાહરણ તમે જોયું છે, આ બધું શક્ય થઇ રહ્યું છે આપણા આત્મવિશ્વાસના લીધે, આપણા દેશના આત્મવિશ્વાસના કારણે.
સાથીઓ, આજે મોટા લક્ષ્યો, કડક અને મોટા નિર્ણયોનું જો સાહસ સરકાર કરી શકે છે તો તેની પાછળ એક મજબૂત સરકાર છે. સંપૂર્ણ બહુમત સાથે ચૂંટાયેલી સરકાર છે. ન્યુ ઇન્ડિયાની માટે સરકારનું ધ્યાન સામર્થ્ય, સંસાધન, સંસ્કાર,પરંપરા, સંસ્કૃતિ અને સુરક્ષા પર છે. વિકાસની પંચધારા કે જે વિકાસની ગંગાને આગળ વધારશે. આ વિકાસની પંચધારા બાળકોના અભ્યાસ, યુવાનોની કમાણી, વડીલોની દવા, ખેડૂતોની સિંચાઈ, જન જનની સુનાવણી. આ પાંચ ધારાઓ આને જ કેન્દ્રમાં રાખીને સરકાર વિકાસની ગંગાને આગળ વધારી રહી છે.
નવા ભારતના નવા સપનાઓને સાકાર કરવામાં દૈનિક જાગરણની, સમગ્ર મીડિયા જગતની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. તંત્ર સામે પ્રશ્ન ઉપસ્થિત કરવા એ તમારી જવાબદારી છે અને તમારો અધિકાર પણ છે. મીડિયાના સૂચનો અને તમારી ટીકાઓનું તો હું હંમેશા સ્વાગત કરતો રહ્યો છું. પોતાની સ્વતંત્રતાને જાળવી રાખીને, પોતાની નિષ્પક્ષતાને જાળવી રાખીને દૈનિક જાગરણ સમૂહ રાષ્ટ્ર નિર્માણના પ્રહરીના રૂપમાં સતત કાર્ય કરતું રહેશે. એ જ અપેક્ષા સાથે એ જ વિશ્વાસ સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું. આપ સૌને 75 વર્ષ પૂર્ણ કરવા માટે ફરીથી અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક અનેક શુભકામનાઓ આપતા હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ–ખૂબ આભાર!