નમસ્કાર,
કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ શેખાવતજી, પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી વિશ્વેશ્વર ટુડુજી, રાજ્યોના મુખ્યમંત્રી, રાજયોના મંત્રીગણ, સમગ્ર દેશના પંચાયતો સાથે જોડાયેલા સભ્યો, પાણી સમિતિઓ સાથે જોડાયેલા સભ્યો અને દેશના ખૂણે ખૂણેથી આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા કરોડો ભાઈઓ અને બહેનો.
આજે 2 ઓકટોબરનો દિવસ છે અને આપણે દેશના મહાન સપૂતોને ગર્વ સાથે યાદ કરીએ છીએ. પૂજય બાપુ અને લાલ બહાદૂર શાસ્ત્રીજી, આ બંને વ્યક્તિત્વોનાં હૃદય ભારતના ગામડામાં વસેલાં હતાં. મને એ બાબતનો આનંદ છે કે આજના દિવસે લાખો ગામોના લોકો 'ગ્રામસભાઓ' મારફતે જળ જીવન સંવાદ કરી રહયા છે. આવા અભૂતપૂર્વ અને રાષ્ટ્રવ્યાપી મિશનને ઉત્સાહ અને ઊર્જા સાથે સફળ બનાવી શકાય છે. જળ જીવન મિશનનું વિઝન, માત્ર લોકો સુધી પાણી પહોંચાડવાનું જ નથી, પણ આ ડિસેન્ટ્રલાઈઝેશન, વિકેન્દ્રીકરણનું પણ એક મોટું મિશન છે. ગામડાંઓ મારફતે ગતિ પામતી અને મહિલાઓ મારફતે ગતિ પ્રાપ્ત કરતી આ એક ચળવળ છે. તેનો મુખ્ય આધાર લોકઆંદોલન અને લોકભાગીદારી છે. આજે આપણે આ આયોજનને પાર પડતું જોઈ રહયા છીએ.
ભાઈઓ અને બહેનો,
જળ જીવન મિશનને વધુ સશક્ત, વધુ પારદર્શક બનાવવા માટે આજે બીજા અનેક કદમ પણ ઉઠાવવામાં આવ્યાં છે. આજે જળ જીવન મિશનને વધુ સશક્ત અને વધુ પારદર્શક બનાવવા માટે ઘણાં બધા કદમ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલી તમામ માહિતી જળ જીવન મિશન એપ્પ પર એક જ જગાએથી મળી રહેશે. કેટલાં ઘર સુધી પાણી પહોંચ્યુ છે, પાણીની ગુણવત્તા કેવી છે, પાણી પૂરવઠા યોજનાની વિગત, તમામ વિગત આ એપ્પ ઉપર મળશે. તમારા ગામ અંગેની જાણકારી પણ તેની ઉપર મળશે. પાણીની ગુણવત્તાની તપાસ અને ચકાસણીના માળખાથી માંડીને પાણીની ગુણવત્તા જાળવી રાખવામાં ખૂબ જ સહાય થશે. ગામના લોકો પણ તેની મદદથી પોતાને ત્યાં પાણીની શુધ્ધતા ઉપર બારીક નજર રાખી શકશે.
સાથીઓ,
આ વર્ષે બાપુની જન્મજયંતિ આઝાદીના અમૃત મહોત્સવના મહત્વના સમયે આપણે મનાવી રહયા છીએ. આપણને સૌને એક સુખદ સભાનતા એ પણ છે કે બાપુના સપનાંને સાકાર કરવા માટે દેશવાસીઓ નિરંતર પરિશ્રમ કરી રહયા છે, પોતાનો સહયોગ આપી રહયા છે. દેશનાં ગામો અને શહેરો આજે પોતાને ખૂલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી ચૂકયાં છે. આશરે બે લાખ ગામડાંઓમાં પોતાને ત્યાં કચરાના નિકાલની વ્યવસ્થા શરૂ કરી ચૂકયાં છે. 40 હજારથી વધુ ગ્રામ પંચાયતોએ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકને બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. લાંબા સમય સુધી જેની ઉપેક્ષા કરવામાં આવી હતી તે ખાદી અને હસ્તકલાની ચીજોનું વેચાણ હવે અનેકગણું થઈ રહ્યું છે. આ તમામ પ્રયાસોની સાથે સાથે આજે દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
સાથીઓ,
ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો વાસ્તવિક અર્થ આત્મબળ દ્વારા પરિપૂર્ણ થવો જોઈએ. એટલા માટે મારો એ નિરંતર પ્રયાસ રહ્યો છે કે ગ્રામ સ્વરાજની આ વિચારધારાને સિધ્ધિઓ તરફ આગળ વધારવામાં આવે. ગુજરાતમાં મારા લાંબા સેવાકાળ દરમ્યાન મને ગ્રામ સ્વરાજના વિઝનને જમીન પર ઉતારવાની તક મળી છે. સ્વચ્છ ગામડાંના સંકલ્પ સાથે ખૂલ્લામાં શૌચથી મુક્તિ, જલ મંદિર અભિયાનના માધ્યમથી ગામની જૂની વાવને પુનર્જીવિત કરવી, જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ગામમાં ચોવીસે કલાક વિજળી પહોંચાડવી, તિર્થ ગ્રામ યોજના હેઠળ ગામડાંમાં રમખાણોના બદલે સૌહાર્દને પ્રોત્સાહન આપવું. ઈ-ગ્રામ અને બ્રોડબેન્ડ મારફતે તમામ ગામને કનેક્ટિવિટી જેવા અનેક પ્રયાસોથી ગામડાં અને ગામડાંઓની વ્યવસ્થાને રાજ્યના વિકાસનો મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. વિતેલા દાયકામાં ગુજરાતમાં આવી યોજનાઓ માટે અને ખાસ કરીને પાણી ક્ષેત્રે બહેતર કામ કરવા માટે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ પાસેથી પણ અનેક એવોર્ડ મળ્યા છે.
સાથીઓ,
વર્ષ 2014માં જ્યારે દેશે મને નવી જવાબદારી સોંપી ત્યારે મને ગ્રામ સ્વરાજના અનુભવોને રાષ્ટ્રિય સ્તર સુધી વિસ્તારવાની તક મળી. ગ્રામ સ્વરાજનો અર્થ માત્ર પંચાયતોમાં ચૂંટણી કરાવવી, પંચ-સરપંચ પસંદ કરવા એટલો જ થતો નથી. ગ્રામ સ્વરાજનો અસલી લાભ ત્યારે જ મળી શકે કે જ્યારે ગામમાં રહેનારા લોકો, ગામના વિકાસ કાર્યો સાથે જોડાઈને આયોજન અને વ્યવસ્થા સુધીની કામગીરીમાં સક્રિય ભાગીદારી દાખવે. આવા લક્ષ્ય સાથે સરકારે ખાસ કરીને પાણી અને સ્વચ્છતા માટે રૂ.સવા બે લાખ કરોડ કરતાં વધુ રકમ સીધી ગ્રામ પંચાયતોને આપી છે. એક તરફ આજે જ્યારે ગ્રામ પંચાયતોને વધુને વધુ અધિકાર આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પારદર્શિતા ઉપર પણ પૂરૂં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ગ્રામ સ્વરાજ બાબતે કટિબધ્ધતાનું એક મોટું ઉદાહરણ જળ જીવન મિશન અને પાણી સમિતિઓ પણ છે.
સાથીઓ,
આપણે ઘણી બધી એવી ફિલ્મો જોઈ છે, વાર્તાઓ વાંચી છે, કવિતાઓ વાંચી છે, જેમાં વિગતે જણાવવામાં આવે છે કે ગામની મહિલાઓ અને બાળકો પાણી લાવવા માટે માઈલો સુધી દૂર દૂર ચાલીને જઈ રહ્યા હતા. કેટલાક લોકોના મનમાં તો ગામડાંનું નામ લેતાં જ આવી મુશ્કેલીઓની તસવીર ઉભરી આવે છે, પણ ખૂબ જ ઓછા લોકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે આખરે એ લોકોએ દરરોજ કોઈ નદી કે તળાવ સુધી કેમ જવું પડે છે? આખરે આ લોકો સુધી પાણી કેમ પહોંચતું નથી? જે લોકો પાસે લાંબા સમય સુધી નીતિ નક્કી કરવાની જવાબદારી હતી એ લોકોએ પોતાની જાતને જરૂર સવાલ કરવો જોઈએ, પણ સવાલ કર્યો નહીં, કારણ કે જે સ્થળે લોકો રહેતા હતા ત્યાં પાણી વગર પડતી આટલી તકલીફ તેમણે જોઈ ન હતી. પાણી વગરની જીંદગીનું દર્દ કેવી હોય છે તેની તેમને ખબર ન હતી. ઘરમાં પાણી, સ્વિમીંગ પૂલમાં પાણી, બધી જગાએ પાણી જ પાણી. આવા લોકોએ ક્યારેય ગરીબી જોઈ ન હતી. એટલા માટે ગરીબી તેમના માટે એક આકર્ષણ બની રહી. સાહિત્ય અને બૌધ્ધિક જ્ઞાન બતાવવાનું માધ્યમ બની રહી. આવા લોકોને આદર્શ ગામ તરફ આકર્ષણ હોવું જોઈએ, પણ આ લોકો ગામડાંમાં અછત રહે તેવું જ પસંદ કરતા રહ્યા.
હું તો ગુજરાત જેવા રાજ્યમાંથી આવું છું કે જ્યાં ઘણીવાર દુષ્કાળની પરિસ્થિતિ જોઈ છે. મેં જોયું છે કે પાણીના એક એક ટીપાનું શું મહત્વ છે. એટલા માટે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે લોકો સુધી પાણી પહોંચાડવાનું અને જળ સંરક્ષણનું કામ મારી અગ્રતાઓમાં સમાવેશ પામતું રહયું હતું. અમે માત્ર લોકો સુધી જ નહીં, ખેડૂતોને પણ પાણી પહોંચાડ્યું અને એ બાબતની ખાત્રી રાખી કે જમીનમાં પાણીનું સ્તર પણ ઉપર આવે. એક મોટું કારણ એ પણ રહ્યું કે પ્રધાનમંત્રી બન્યા પછી પાણી સાથે જોડાયેલા પડકારો માટે હું સતત કામ કરતો રહ્યો છું. આજે જે પરિણામો આપણને મળી રહ્યા છે તે ભારતના લોકોને ગર્વ અપાવે તેવા છે.
આઝાદીથી માંડીને વર્ષ 2019 સુધી આપણે ત્યાં માત્ર 3 કરોડ ઘરમાં નળથી પાણી પહોંચતું હતું. વર્ષ 2019માં જળ જીવન મિશન શરૂ થયા પછી પાંચ કરોડ ઘરને પાણીના જોડાણ સાથે જોડવામાં આવ્યા છે. આજે દેશમાં લગભગ 80 જિલ્લાના આશરે સવા લાખ ગામના દરેક ઘરમાં નળથી જળ પહોંચી રહ્યું છે. આનો અર્થ એ થયો કે વિતેલા 7 દાયકામાં જેટલું કામ થયું હતું તેનાથી વધુ કામ ભારતમાં માત્ર બે વર્ષમાં થયું છે. આજે ભારતે માત્ર બે વર્ષમાં વધુ કામ કરી બતાવ્યું છે. એ દિવસો દૂર નથી કે જ્યારે દેશની કોઈપણ બહેન-દીકરી પાણી લાવવા માટે દરરોજ દૂર દૂર પગપાળા જતી નહીં હોય. તે પોતાના સમયનો સદુપયોગ પોતાના ભલા માટે, પોતાના ભણતર માટે અને પોતાની રોજગારી શરૂ કરવા માટે કરી શકશે.
ભાઈઓ અને બહેનો,
ભારતના વિકાસમાં પાણીની અછત અવરોધરૂપ બને નહીં એટલા માટે કામ કરતા રહેવું તે આપણાં સૌની જવાબદારી છે. આ માટે સૌનો પ્રયાસ ખૂબ જ જરૂરી છે. આપણી આવનારી પેઢીઓ તરફ આપણી જવાબદારી છે. પાણીની અછતને કારણે આપણાં બાળકો, આપણી ઊર્જા, રાષ્ટ્રનિર્માણના કામમાં આવી શકે નહીં અને તેમનું જીવન પાણીની અછત ઓછી કરવામાં જ વિતી જાય એવું આપણે જોઈ શકીએ નહીં. એટલા માટે આપણે યુધ્ધના ધોરણે પોતાનું કામ ચાલુ રાખવું પડશે. આઝાદીના 75 વર્ષ જેવો ઘણો સમય વિતી ગયો. હવે આપણે ખૂબ ઝડપ કરવાની છે. આપણે એ બાબતની ખાત્રી રાખવાની છે કે દેશના કોઈ પણ ભાગમાં ટેન્કરો અથવા તો ટ્રેન દ્વારા પાણી પહોંચાડવાની સ્થિતિ ઉભી થાય નહીં.
સાથીઓ,
મેં અગાઉ પણ કહ્યું છે કે પાણીનો ઉપયોગ આપણે પ્રસાદની જેમ કરવો જોઈએ, પરંતુ કેટલાક લોકો પાણીને પ્રસાદ નહીં, પણ ખૂબ જ સહજ- સુલભ વસ્તુ માનીને તેને વેડફી રહયા છે. આ લોકો પાણીનું મૂલ્ય જ સમજતા નથી. પાણીનું મૂલ્ય એવા લોકો સમજે છે કે જે પાણીની અછત વચ્ચે જીવે છે. આવા લોકો જ જાણે છે કે પાણીનું એક એક ટીપું મેળવવામાં કેટલી મહેનત કરવી પડે છે. હું, દેશના દરેક નાગરિકને જણાવીશ કે જે લોકો ભરપૂર પાણીવાળા વિસ્તારોમાં રહે છે તે લોકોને મારો આગ્રહ છે કે તેમણે પાણી બચાવવા માટે વધુ પ્રયાસ કરવો જોઈએ. અને ખાસ કરીને આ માટે લોકોએ પોતાની ટેવો બદલવાની જરૂર છે. આપણે જોયું છે કે ઘણાં સ્થળોએ નળમાંથી પાણ પડતું રહે છે, પણ લોકો દરકાર કરતા નથી. મેં એવા ઘણાં લોકો જોયા છે કે જે રાત્રે નળ ખૂલ્લો રાખીને તેની નીચે ડોલ ઉંધી મૂકી રાખે છે, જેથી સવારે પાણી આવે ત્યારે ડોલ પર પડે તે સવારના એલાર્મ તરીકે કામ કરે છે. આ લોકો એ ભૂલી જાય છે કે સમગ્ર દુનિયામાં પાણીની સ્થિતિ કેટલી ભયજનક બનતી જાય છે.
હું મન કી બાત કાર્યક્રમમાં ઘણી વખત એવા મહાનુભવોનો ઉલ્લેખ કરૂં છું કે જેમણે જળ સંરક્ષણ માટે, જળ સંચયને પોતાની જીવનનું સૌથી મોટું મિશન બનાવ્યું છે. આવા લોકો પાસેથી શિખવું જોઈએ, પ્રેરણા મેળવવી જોઈએ. દેશના જુદા જુદા ખૂણે અલગ અલગ કાર્યક્રમો થાય છે તેની જાણકારી આપણને ગામડાંમાં કામ આવી શકે છે. આજે આ કાર્યક્રમ સાથે જોડાયેલી સમગ્ર દેશની ગ્રામ પંચાયતોને પણ મારો આગ્રહ છે કે ગામડાંમાં પાણીના સ્રોતોની સુરક્ષા અને સ્વચ્છતા માટે મન દઈને કામ કરે. વરસાદનું પાણી બચાવીને, ઘરમાં ઉપયોગમાં લેવાયેલા પાણીનો ખેતી માટે ઉપયોગ કરીને, પાણીની ઓછી જરૂર હોય તેવા પાકને પ્રોત્સાહન આપીને આપણે પોતાના લક્ષ્ય હાંસલ કરી શકીએ તેમ છીએ.
સાથીઓ,
દેશના અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પ્રદૂષિત પાણીની તકલીફ છે. કેટલાક વિસ્તારોના પાણીમાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે. આવા વિસ્તારોમાં દરેક ઘરમાં પાઈપથી શુધ્ધ પાણી પહોંચાડવું એ ત્યાંના લોકોના જીવન માટે મળેલા સૌથી મોટા આશીર્વાદ જેવું છે. એક સમયે ઈનસિફેલાઈટીસ- મગજના તાવની અસર ધરાવતા 61 જિલ્લાઓમાં પાણીના જોડાણની સંખ્યા માત્ર 8 લાખ હતી. આજે તે સંખ્યા વધીને 1 કરોડ 11 લાખથી વધુ થઈ છે. દેશના જે જિલ્લાઓ વિકાસની દોડમાં સૌથી પાછળ રહી ગયા છે, જે જિલ્લાઓમાં વિકાસની એક અભૂતપૂર્વ આકાંક્ષા છે ત્યાં અગ્રતાના ધોરણે દરેક ઘરને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આકાંક્ષી જિલ્લાઓમાં હવે પાણીના જોડાણોની સંખ્યા 16 લાખથી વધીને 31 લાખ થઈ છે.
સાથીઓ,
આજે દેશમાં માત્ર પીવાના પાણીનો પૂરવઠો જ નહીં, પણ પાણીની વ્યવસ્થા અને સિંચાઈ માટે એક વ્યાપક માળખાકીય સુવિધા ઉભી કરવાથી માંડીને મોટાપાયે કામ ચાલી રહ્યું છે. પાણીની અસરકારક વ્યવસ્થા માટે પ્રથમ વખત જળ શક્તિ મંત્રાલય હેઠળ પાણી સાથે જોડાયેલા વધુને વધુ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. મા ગંગાજીની સાથે સાથે અન્ય નદીઓના પાણીને પ્રદુષણમુક્ત કરવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે કામ ચાલી રહયું છે. અટલ ભૂજલ યોજના હેઠળ દેશના 7 રાજ્યોમાં ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવા માટે કામ ચાલી રહ્યું છે. વિતેલા 7 વર્ષમાં પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ પાઈપ, સિંચાઈ અને માઈક્રો સિંચાઈ ઉપર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 13 લાખ હેક્ટરથી વધુ જમીનને માઈક્રો ઈરિગેશન હેઠળ આવરી લેવામાં આવી છે. પાણીના દરેક ટીપાં દીઠ વધુ પાક લેવાનો સંકલ્પ પૂરો કરવા માટે આવા અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. લાંબા સમયથી અટવાઈ પડેલી સિંચાઈની 99 મોટી યોજનાઓમાંથી લગભગ અડધી પૂરી કરવામાં આવી છે અને બાકી યોજનાઓ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં બંધના બહેતર મેનેજમેન્ટ અને તેની જાળવણી માટે હજારો કરોડ રૂપિયાનું એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ 200 થી વધુ બંધનું સમારકામ કરી શકાયું છે.
સાથીઓ,
કુપોષણ વિરૂધ્ધની લડતમાં પાણીની ઘણી મોટી ભૂમિકા છે. દરેક ઘરમાં પાણી પહોંચશે તો બાળકોનું આરોગ્ય પણ સુધરશે. હજુ હમણાં જ સરકારે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સમગ્ર દેશની શાળાઓમાં બાળકોનું ભણતર પણ થશે અને તેમના પોષણ માટેની પણ વ્યવસ્થા હશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર રૂ.54 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવાની છે અને તેનો લાભ દેશના આશરે 12 કરોડ બાળકોને થશે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવામાં આવે છે કે-
उप-कर्तुम् यथा सु-अल्पम्, समर्थो न तथा महान् |
प्रायः कूपः तृषाम् हन्ति, सततम् न तु वारिधिः ||
એટલે કે પાણીનો એક નાનો કૂવો લોકોની તરસ બુઝાવી શકે છે, પરંતુ મોટો સમુદ્ર આવું કરી શકતો નથી. આ બાબત કેટલી સાચી છે! ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈનો એક નાનો સરખો પ્રયાસ કેટલાક મોટા નિર્ણયો કરતાં પણ મોટો પૂરવાર થાય છે. આજે આ બાબત પાણી સમિતિને પણ લાગુ પડે છે. પાણીની વ્યવસ્થાની દેખરેખ અને જળસંરક્ષણ સાથે જોડાયેલા કામ ભલે પાણી સમિતિ, પોતાના ગામની કામગીરીમાં આવતી હોય પણ તેનો વ્યાપ ખૂબ મોટો હોય છે. આ પાણી સમિતિઓ, ગરીબો, દલિતો, વંચિતો અને આદિવાસીઓના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવી રહી છે.
જે લોકોને આઝાદી પછી, સાત દાયકા સુધી પાણી મળી શક્યું ન હતું. નાનકડા નળથી તેમની દુનિયા જ બદલાઈ ગઈ છે. ગર્વની બાબત એ પણ છે કે જળ જીવન મિશન હેઠળ રચવામાં આવેલી 'પાણી સમિતિઓ'માં 50 ટકા સભ્યો અનિવાર્યપણે મહિલાઓ જ હોય છે. દેશની એ ઉપલબ્ધિ છે કે આટલા થોડા સમયમાં આશરે સાડા ત્રણ લાખ ગામડાંમાં 'પાણી સમિતિઓ' ની રચના થઈ ચૂકી છે. હમણાં થોડા સમય પહેલાં આપણે જળ જીવન સંવાદ દરમ્યાન આપણે જોયું હતું કે આ પાણી સમિતિઓમાં ગામડાંની મહિલાઓ કેટલી કુશળતાથી કામ કરી રહી છે. મને એ વાતનો આનંદ છે કે ગામડાંઓની મહિલાઓને પોતાના ગામમાં પાણીની ચકાસણી માટે ખાસ તાલિમ આપવામાં આવી રહી છે.
સાથીઓ,
ગામડાંની મહિલાઓનું સશક્તીકરણ અમારી સરકારની સર્વોચ્ચ અગ્રતાઓમાંનું એક છે. વિતેલા વર્ષોમાં દીકરીઓના આરોગ્ય અને સુરક્ષા તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઘર અને શાળામાં ટોયલેટ, સસ્તા સેનેટરીઝ પેડઝથી માંડીને ગર્ભાવસ્થા દરમ્યાન પોષણ માટે હજારો રૂપિયાની મદદ અને રસીકરણ અભિયાનથી માતૃશક્તિ વધુ મજબૂત થઈ છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આશરે બે કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને આશરે સાડા આઠ હજાર કરોડથી વધુ રૂપિયાની સીધી મદદ આપવામાં આવી ચૂકી છે. ગામડાંઓમાં અઢી કરોડ કરતાં વધુ પાકા મકાનો બનાવવામાં આવ્યા છે તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓને માલિકી હક્ક આપવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજનાથી ગામડાંની કરોડો મહિલાઓને લાકડાના ધૂમાડાથી મુક્તિ મળી છે. મુદ્રા યોજના હેઠળ આશરે 70 ટકા ધિરાણ મહિલા ઉદ્યોગકારોને મળ્યું છે. સ્વ-સહાય જૂથોના માધ્યમથી પણ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભરતાના ધ્યેય સાથે જોડવામાં આવી છે. વિતેલા 7 વર્ષમાં સ્વ-સહાય જૂથોમાં ત્રણ ગણા કરતાં વધુ વૃધ્ધિ થઈ છે. ત્રણ ગણાથી વધુ બહેનોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. રાષ્ટ્રિય આજીવિકા મિશન હેઠળ 2014 અગાઉના પાંચ વર્ષમાં જેટલી મદદ સરકાર તરફથી બહેનોને કરવામાં આવી હતી તેની તુલનામાં વિતેલા 7 વર્ષમાં આશરે 13 ગણો વધારો થયો છે. એટલુ જ નહીં, આશરે પોણા ચાર લાખ કરોડ રૂપિયાનું ધિરાણ પણ સ્વસહાય જૂથોની માતાઓ અને બહેનોને આપવામાં આવ્યું છે. સરકાર તરફથી સ્વસહાય જૂથોને મળતા ધિરાણમાં પણ અનેક ઘણો વધારો થયો છે.
ભાઈઓ અને બહેનો,
ભારતનો વિકાસ ગામડાંના વિકાસ પર આધારિત છે. ગામડાંમાં રહેનારા લોકો, યુવાનો, ખેડૂતોની સાથે સરકાર પણ એવી યોજનાઓને અગ્રતા આપી રહી છે કે જે ભારતના ગામડાંને વધુ સક્ષમ બનાવે. ગામમાં પશુઓ અને ઘરોમાંથી જે બાયો વેસ્ટ નિકળે છે તેનો ઉપયોગ કરવા માટે ગોબર ધન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનાના માધ્યમથી દેશની 150 થી વધુ જિલ્લામાં 300થી વધુ બાયોગેસ પ્લાન્ટની કામગીરી પૂરી થઈ ચૂકી છે. ગામડાંના લોકોને ગામડામાં જ બહેતર પ્રાથમિક સારવાર મળી શકે તે માટે ગામમાં જ જરૂરી ટેસ્ટ થઈ શકે તે માટે દોઢ લાખથી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી આશરે 80 હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું કામ પૂરૂ કરવામાં આવ્યું છે. ગામની આંગણવાડી અને આંગણવાડીમાં કામ કરનાર આપણી બહેનો માટે આર્થિક સહાય વધારવામાં આવી છે. ગામડામાં સુવિધાની સાથે સાથે સરકારની સેવાઓ પણ ઝડપથી પહોંચે તે માટે હાલમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પીએમ સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોનની મદદથી મેપીંગ કરાવીને ગામની જમીનો અને ઘરના ડીજીટલ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્વામિત્વ યોજના હેઠળ સાત વર્ષ પહેલાં જ્યાં દેશની 100થી પણ ઓછી પંચાયતો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડાયેલી હતી ત્યાં આજે દોઢ લાખ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર પહોંચી શક્યા છે. સસ્તા મોબાઈલ ફોન અને સસ્તા ઈન્ટરનેટના કારણે આજે ગામડાંમાં શહેરો કરતા પણ વધુ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર ગામડામાં ડઝનબંધ યોજનાઓ ઉપલબ્ધ કરાવી રહી છે અને હજારો યુવાનોને રોજગારી પણ આપી રહી છે.
આજે ગામડાંમાં દરેક પ્રકારની માળખાકીય સુવિધાઓ માટે વિક્રમ મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હોય, રૂ.એક લાખ કરોડનું કૃષિ ભંડોળ હોય, ગામની નજીક કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થાય, ઔદ્યોગિક ક્લસ્ટરનું નિર્માણ થાય કે પછી ખેત બજારોનું આધુનિકીકરણ થાય તેવા કામ દરેક ક્ષેત્રમાં ઝડપથી ચાલી રહ્યા છે. જળ જીવન મિશન માટે પણ જે રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજાર કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ખર્ચ ગામડાંઓ માટે જ કરવામાં આવશે, એટલે કે આ મિશન ગામડાંની અર્થવ્યવસ્થાને નવી મજબૂતી પૂરી પાડવાની સાથે સાથે ગામડાંમાં રોજગારીની અનેક નવી તકો ઉભી કરશે.
સાથીઓ, આપણે દુનિયાને બતાવ્યું છે કે ભારતના લોકો દ્રઢ સંકલ્પ સાથે, સામુહિક પ્રયાસોથી કઠીનમાંથી કઠીન ધ્યેયને પણ હાંસલ કરી શકે છે. સંગઠીત થઈને આપણે આ અભિયાનને સફળ બનાવવાનું છે. જળ જીવન મિશન વહેલામાં વહેલી તકે પોતાના લક્ષ્ય સુધી પહોંચે તેવી શુભેચ્છા સાથે હું મારી વાત સમાપ્ત કરૂં છું.
આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!
ધન્યવાદ!