માળખાગત બાંધકામ હોય, ગુણવત્તા યુક્ત જીવન હોય, આર્થિક ગતિશીલતા હોય, કે પછી આત્મનિર્ભર પરિવાર હોય, આ બધા જ પાસાઓને એક સાથે સમેટીને કેવી રીતે વિકાસ કરી શકાય તેમ છે. તેનું ખૂબ જ સુંદર મૉડલ મને જોવા મળ્યું અને અમારું મન પણ તેમાં એટલું લાગી ગયું કે અમને અહિં પહોંચવામાં મોડું થઇ ગયું.
હું ભારતનો સૌપ્રથમ પ્રધાનમંત્રી છું કે જેને અહિં આવવાનો અવસર મળ્યો છે. પરંતુ મને ખુશી છે કે ભારતથી ઘણું મોટું ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ મારી સાથે આવ્યું છે. તે એ વાતની સાબિતી છે કે ભારત તો ઝડપથી વિકસિત થઇ જ રહ્યું છે પરંતુ અમારો મંત્ર તો ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ છે અને એટલા માટે અમે તો વિકાસ કરીશું જ પરંતુ અમારી સાથે જોડાઈને ચાલનારા જેટલા પણ લોકો હશે તે સૌને વિકાસ કરવામાં મદદ કરીશું અને આપણે સાથે મળીને ચાલીશું. આ અમારી મૂળભૂત કલ્પના છે.
હું ખાસ કરીને ભારતીય વેપારી મંડળના જે લોકો આવ્યા છે તેમને કહેવા માંગીશ. તમે એવું ન વિચારશો કે તમે માત્ર રવાન્ડા આવ્યા છો. આજે એ સ્થિતિ છે કે રવાન્ડા આવવાનો અર્થ છે કે તમારા માટે સમગ્ર આફ્રિકાના દ્વાર ખુલી રહ્યાં છે કારણ કે ચાવી અહિં છે. સંપૂર્ણ આફ્રિકામાં રવાન્ડાના મૉડલની ચર્ચા થાય છે, તેમના વિકાસની ચર્ચા થાય છે, તેમના શાસનની ચર્ચા થાય છે. એક રીતે જોઈએ તો આફ્રિકામાં નવો મિજાજ બન્યો છે અને રાષ્ટ્રપતિજી તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તમારું અહિયાં આવવું તેનો અર્થ છે કે તમે કોઈ એક દેશની સીમા સુધી બંધાયેલા નથી. માનીને ચાલો તો તમને હજુ વધારે સંભાવનાઓ પણ જોવા મળશે, હજુ વધારે પડકારો પણ આવશે અને હજુ વધારે અવસરો પણ મળશે અને હું માનું છું કે તમે આ અવસરને જવા નહીં દો.
હું ગઈકાલથી જોઈ રહ્યો છું કે રાષ્ટ્રપતિજી લાગણીશીલ છે. સુશાસન, લોકોનો વિકાસ અને પ્રગતિ, લોકોની સમૃદ્ધિ, સમાજમાં શાંતિ આ જ બધા વિષયો તેમના કેન્દ્રમાં છે. આપણે ભારતના લોકો માટે આ બધી જ વસ્તુઓ અનુકૂળ છે. આ આપણી પ્રકૃતિ સાથે ખૂબ મેળ ખાય છે.
હવે આ દેશ એવો છે કે અહિં આગળ પહેલા દુનિયાનું ધ્યાન જ્યારે આફ્રિકા બાજુ નહોતું. કોઈને અહિયાં આવવા માટે મન નહોતું થતું. એવા સમયે હિન્દુસ્તાને આ ધરતી પર આવવાનું પસંદ કર્યું હતું. હવે આ ગુજરાતનો જ જોધપુરનો પરિવાર છે. હું સમજુ છું કે તેઓ 19મી સદીના અંતમાં આવ્યા હતા અને ત્યારથી લઈને ભારતના લોકો અહિં આવ્યા છે. અહિંના લોકોના જીવનની સાથે ભળી ગયા છે. અહિંની વિકાસ યાત્રાના ભાગીદાર બન્યા છે. એ સારું છે આખી દુનિયાનું ધ્યાન લાગેલું છે. દુનિયાને અહિં આવવાનું મન થાય છે. પરંતુ અમે એવા સમયે અહિં આવ્યા છીએ જે સમયે ખરેખર જરૂર હતી. અને આજે અમે એટલા માટે આને આગળ વધારવા માગીએ છીએ કે આપણે સાથે મળીને દુનિયાના કામમાં આવીએ. દુનિયામાં હજુ પણ જે લોકો પાછળ છે જેમને અવસર નથી મળી શક્યા તેમની માટે કંઈક કરી શકીએ. એવા ઈરાદાથી અમે દુનિયામાં જઈ રહ્યા છીએ. દુનિયાના લોકોને સાથે લઇ રહ્યાં છીએ. દુનિયાની સાથે મળીને અમે દુનિયાના તે ભૂભાગની ભલાઈ માટે કામ કરવા માંગીએ છીએ.
રાષ્ટ્રપતિજી ગુજરાત આવ્યા હતા તેમણે ગુજરાતમાં ઘણી વસ્તુઓ જોઈ, સમજી. ભારતમાં જ્યારે તેઓ આવ્યા. કોઈ ન કોઈ વિકાસશીલ વસ્તુઓ જોવા તરફ તેમની રૂચી રહી છે. તેઓ પ્રત્યક્ષ રીતે વસ્તુઓને જુએ છે, સમજે છે, લોકોને આમંત્રિત કરે છે.
જે દેશના વડાની વિકાસ પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા હોય, નવી-નવી વસ્તુઓને સમજવી, સ્વીકારવી અને સાબિત કરવી જેની પ્રકૃતિ હોય. હું સમજુ છું કે એવા દેશમાં કામ કરવા માટે ક્યારેય કોઈ અડચણ નથી હોતી. અગણિત અવસરો હોય છે અને તમે એક બારી ખોલશો તો બીજી બારી જોવા મળશે. બીજી ખોલશો તો બીજો મહેલ જોવા મળશે અને તમે આગળ જશો, વધતા રહેશો, મેળવતા જ રહેશો. આ સંભાવનાઓ હું અહિં સ્પષ્ટ રૂપે જોઈ રહ્યો છું અને એટલા માટે જ ભારતમાં પણ એટલી જ સંભાવનાઓ છે. રવાન્ડામાં આવા ઉદ્યોગ જગતના લોકો જેઓ પણ જો ભારતમાં વિકાસ કરવા માંગે છે, ભારત તેમને દરેક પ્રકારની સુવિધા આપવા માટે તૈયાર છે. હું તેમને આમંત્રણ પાઠવું છું. પરંતુ હું ભારતના લોકોને આગ્રહ કરીશ કે રવાન્ડા જે આધુનિકતાની દિશામાં જઈ રહ્યું છે. પછી ભલે તે માળખાગત બાંધકામ હોય કે પછી ગ્રામીણ વિકાસ હોય કે આર્થિક પ્રવૃત્તિ હોય. લઘુ ઉદ્યોગોનું નેટવર્ક તૈયાર કરવા માંગે છે. ગૃહ ઉદ્યોગોનું નેટવર્ક તૈયાર કરવા માંગે છે, અહિં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમનું વૈશ્વિક બજાર વિકસિત કરવા માંગે છે. આ બધા જ વિષયો એવા છે કે જેમાં ભારતના વેપાર-ઉદ્યોગ જગતના લોકો સાથે મળીને ઘણું બધું કરી શકે તેમ છે.
ભારતમાં મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ મેક ઇન ઇન્ડિયાને પણ અમે રવાન્ડા સાથે વહેંચી શકીએ છીએ, તેમની સાથે જોડાઈ શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી અમે જળવાયુ પરિવર્તનના મુદ્દાને ઉકેલવા માટે અગ્રેસર છીએ પરંતુ જીવન સુગમ બને તેના માટે સૂર્ય ઊર્જા કઈ રીતે કામમાં આવે એ બાબતે એક ઘણું મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હું ઇચ્છુ છું કે રવાન્ડાના લોકો આગળ આવે. આજે રાષ્ટ્રપતિજીની સાથે પ્રવાસ કરી રહ્યો હતો તો અમે એલઈડી બલ્બનો પ્રયોગ જણાવ્યો.
ભારતમાં એલઈડી બલ્બે મધ્યમ વર્ગના લોકોને, મધ્યમ વર્ગના પરિવારમાં એટલો આર્થિક ફાયદો કરાવ્યો છે. જે વીજળીનું બિલ આવતું હતું તેના કરતા આજે એક તૃતીયાંશ આવવા લાગ્યું છે. જો આપણે રવાન્ડામાં પણ એલઈડી બલ્બનું આ અભિયાન ચલાવીએ તો અહિંના લોકોની પણ ઊર્જાની બચત થશે અને અહિયાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. અને ઊર્જાની જરૂરિયાત ઓછી હોવાના કારણે ઊર્જા માટે જે પ્લાન્ટ લગાવવા માટે જે રૂપિયા ખર્ચ થાય છે તેને પણ ઓછા કરી શકાય તેમ છે. જે ઊર્જાની બચત થશે તેનો ઉપયોગ આપણે ઉદ્યોગમાં કરી શકીએ તેમ છીએ કે જે આજે ઘરેલું કામ માટે વપરાય જાય છે. એટલે કે એક નાનકડી વસ્તુ પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. તે દિશામાં આપણે સાથે મળીને કામ કરી શકીએ છીએ. ડેરી ઉદ્યોગની ઘણી સંભાવનાઓ છે. શ્વેત ક્રાંતિની સંભાવના છે, ભારતે તેમાં મહારથ હાંસલ કરેલ છે. આપણે તેમાં સાથે જોડાઈને, સાથે કામ કરી શકીએ છીએ. એટલે કે એક રીતે ગામ્રીણ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર પર ભારતની પાસે જે પણ સામર્થ્ય છે. ભારતના વેપારી સમુદાય પાસે જે સામર્થ્ય છે તેનો ભરપુર ઉપયોગ રવાન્ડાના વિકાસમાં આપણે કરી શકીએ તેમ છીએ. રવાન્ડા એ અમારું એક મિત્ર રાષ્ટ્ર છે. અહીંની દરેક ચીજવસ્તુ જો તમે ઝીણવટથી જોશો તો ભારતના લોકો જે સંસ્કૃતિથી જીવે છે તેની સાથે મળતી આવે છે. દરેક વસ્તુમાં તમને પોતાનાપણું જોવા મળશે. અને જ્યાં આગળ આવું પોતાપણું હોય, લોકશાહીના મૂલ્યો હોય, પારદર્શક શાસન હોય, ચોકસાઈ હોય અને કટિબદ્ધ નેતૃત્વ હોય તે દેશમાં કામ કરવું કેટલું સહેલું હોય છે તે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ.
હું ગઈકાલે હવાઈમથકે ઉતર્યો છું ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે સંપૂર્ણ સમય અમને આપ્યો છે. આવું ખૂબ દુર્લભ થતું હોય છે. તેમનો સંપૂર્ણ સહકાર મારી સાથે છે અને દુનિયાના દેશોમાં જવા-આવવાનું તો થતું જ રહેતું હોય છે પરંતુ એક-એક મિનીટનો સદુપયોગ કેવી રીતે કરવો જોઈએ તે રાષ્ટ્રપતિજી પાસેથી શીખવું જોઈએ. મને ઘણો આંનદ થયો અને હું ફરી એકવાર તેમનો આભાર પ્રગટ કરવા માગું છું અને આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.