મંચ પર બિરાજમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ–મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યાજી, ઉત્તરપ્રદેશ મંત્રીમંડળના સભ્યો, સંસદમાં મારા સહયોગી શ્રીમાન શ્યામાચરણ ગુપ્તાજી, વિનોદ કુમાર સોનકરજી, વીરેન્દ્ર સિંહજી, પ્રયાગરાજના મેયર અભિલાષા ગુપ્તાજી અને મોટી સંખ્યામાં પધારેલા પ્રયાગરાજના મારા ભાઈઓ અને બહેનો.
તપ, તપસ્યા, સંસ્કૃતિ, સંસ્કારની ધરતી તીર્થરાજ પ્રયાગના જન જનને મારા સાદર પ્રણામ. જ્યારે પણ પ્રયાગરાજ આવવાનો અવસર મળે છે તો મન અને મસ્તિષ્કમાં એક જુદી જ ઊર્જાનો સંચાર થાય છે. અહિયાંના વાતાવરણમાં,અહિયાંના કણ કણમાં જ ઋષીઓ અને મનીષીઓની દિવ્યતાનો વાસ છે. જેનો સંચાર અહિયાં આવનારા દરેક યાત્રીકોમાં અનંતકાળથી થતો રહ્યો છે.
પ્રયાગના વિષયમાંકહેવામાં આવ્યું છે – કો કહી સકહી પ્રયાગ પ્રભાઉ. કલુષ પુંજ કુંજર મૃગરાઉં.
મતલબ એ કે પાપોના સમૂહરૂપી હાથીને મારવા માટે સિંહરૂપ પ્રયાગરાજના પ્રભાવ અને માહાત્મ્યવર્ણન કરવું અઘરું છે. આ એ પવિત્ર તીર્થસ્થળ છે જેના દર્શન કરીને સુખના સમુદ્ર રઘુકુલ શ્રેષ્ઠ શ્રીરામજીએ પણ સુખ મેળવ્યું હતું.
ભાઈઓ અને બહેનો, આજે જ્યારે અર્ધકુંભની પહેલા હું અહિં આવ્યો છું, ત્યારે હું આપ સૌને, દેશના દરેક જનને, એક ખુશખબર પણ આપવા માંગું છું. આ વખતે અર્ધકુંભમાં તમામ શ્રદ્ધાળુઓ અક્ષય વડના દર્શન કરી શકશે. અનેક પેઢીઓથી અક્ષય વડ કિલ્લામાં બંધ હતો, પરંતુ આ વખતે અહિં આવનારા દરેક શ્રદ્ધાળુ પ્રયાગરાજની ત્રિવેણીમાં સ્નાન કર્યા પછી અક્ષય વડના દર્શન કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશે.
એટલું જ નહી, અક્ષય વડની સાથે સરસ્વતી કુંભ દર્શન પણ હવે તેની માટે શક્ય બની શકશે. હું તો પોતે પણ થોડી વાર પહેલા અક્ષય વડના દર્શન કરીને આની વચ્ચે આવ્યો છું. આ વૃક્ષ પોતાના ઊંડા મૂળના કારણે વારે વારે પલ્લવિત થઈને આપણને પણ જીવન પ્રત્યે એવો જ જીવંત દ્રષ્ટિકોણ અપનાવવાની પ્રેરણા આપે છે.
સાથીઓ, આવા દિવ્ય અને જીવંત પ્રયાગરાજને વધુ આકર્ષક અને આધુનિક બનાવવા સાથે જોડાયેલી લગભગ સાડા ચાર હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થોડા સમય પહેલા જ અહિં કરવામાં આવ્યું છે.તેમાં માર્ગ, રેલવે, શહેર અને માં ગંગાની સાફ સફાઈ, સ્માર્ટ સીટી જેવા સેંકડો પ્રોજેક્ટ્સ તેમાં સમાવિષ્ટ છે.
પ્રયાગરાજના જન જન આપ સૌના જીવનને સુગમ અને સરળ બનાવવા માટે બનેલી આ સુવિધાઓની માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પરિયોજનાઓ મારફતે કુંભમાં અહિયાં પ્રવાસ કરનારા કલ્પવાસીઓને પણ ઘણી સુવિધા મળશે.
સાથીઓ, ભાજપા સરકારે કુંભ દરમિયાન જોડાણથી લઈને અહિયાંના માળખાગત બાંધકામ પર ખાસ ધ્યાન આપ્યું છે.અમારો પ્રયાસ પ્રયાગરાજ સુધી આવનારા દરેક રસ્તાને મજબુત કરવાનો, સુધારવાનો; પછી તે રેલવે માર્ગ હોય, હવાઈ જોડાણ હોય કે પછી રસ્તાઓને સુધારવાની વાત હોય. કુંભને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય આ વખતે પણ અનેક નવી ટ્રેનો ચલાવવા જઈ રહી છે. હમણાં શહેરના મોટા ફ્લાયઓવર, રેલવે ઓવર બ્રીજ અને અન્ડરપાસ, વીજળી અને પીવાના પાણીની જે જે પરિયોજનાઓનું લોકાર્પણ મેં કર્યું છે, તેનાથી અહિંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, બંને સુધરશે.
આ કાર્યક્રમ પછી હું અહિયાંથી તમારા પ્રયાગરાજ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા પણ જઈ રહ્યો છું. આ નવા ટર્મિનલને વિક્રમી સમયગાળા, એક વર્ષની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ દ્વારા યાત્રીઓની સુવિધા તો વધશે જ, પરંતુ દેશના અનેક શહેરો સાથે પ્રયાગરાજનું જોડાણ પણ વધી જશે. હું પ્રયાગરાજના લોકોને આ વાત માટે અગ્રીમ અભિનંદન આપું છું.
સાથીઓ, આ તમામ સુવિધાઓ આમ તો અર્ધકુંભની બરાબર પહેલા જ તૈયાર થઇ રહી છે પરંતુ તેનો પ્રભાવ ત્યાં સુધી જ સીમિત નથી રહેવાનો. તે આવનારા સમયમાં પ્રયાગરાજમાં જીવનના દરેક સ્તર પર હકારાત્મક અસર લાવવાનો છે. તેમાં સૌથી વિશેષ બાબત એ પણ છે કે પહેલાની જેમ કાચા–પાકા કામ નથી કરવામાં આવ્યા, જે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તે સ્થાઈ છે, કાયમી છે. 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર એ પ્રયાગરાજની પૌરાણિકતાના આધુનિકતા સાથે સંગમનું પ્રતિક છે. આ સ્માર્ટ પ્રયાગરાજનું એક મહત્વનું કેન્દ્ર છે. રસ્તા, વીજળી, પાણીથી લઈને તમામ વ્યવસ્થાઓ આ જ કેન્દ્ર પરથી સંચાલિત થવાની છે.
ભાઈઓ અને બહેનો, સરકારનો પ્રયાસ છે કે આ વખતે અર્ધકુંભમાં તપથી ટેકનોલોજી સુધી, તેના દરેક પાસાનો અનુભવ, દુનિયાભરના લોકોને મળી શકે. તપની અનુભૂતિ હોય અને આધુનિક ટેકનોલોજીની પણ અનુભૂતિ હોય. અધ્યાત્મ, આસ્થા અને આધુનિકતાની ત્રિવેણી કેટલી ભવ્ય અને બેજોડ હોઈ શકે છે, તેનો અનુભવ લઈને લોકો અહિયાંથી જાય, તેનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અહિયાં બનેલ સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર છે. થોડા સમય પહેલા મેં વિશેષ અતિથીઓની સાથે દિવ્ય કુંભ, ભવ્ય કુંભ સેલ્ફી પોઈન્ટ પર પણ ફોટો પડાવ્યો છે.
સાથીઓ અર્ધકુંભ અને સેલ્ફીનો સંગમ ત્યાં સુધી અધુરો રહેશે જ્યાં સુધી અહિયાંની મૂળ શક્તિ, મૂળ સંગમ, ત્રિવેણી ભવ્ય ના હોય. ત્રિવેણીની શક્તિનો એક મોટો સ્ત્રોત છે માં ગંગા. માં ગંગા સ્વચ્છ હોય, નિર્મળ હોય, અવિરલ હોય; તેની માટે સરકાર ઝડપી ગતિએ કામ કરી રહી છે.
આજે અહિયાં જે હજારો કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, તેમાં ગંગાજીની સફાઈ અને અહિયાંના ઘાટોના સૌન્દર્યીકરણ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સ પણ તેમાં સામેલ છે. 1700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શહેરના લગભગ એક ડઝન નાળાઓને સીધા ગંગાજીમાં વહેતા રોકી શકાશે. ત્યાં જ નમામી ગંગે પરિયોજનામાં આશરે 150 ઘાટોનું સૌન્દર્યીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી લગભગ 50 ઘાટોનું કામ પૂરું થઇ ગયું છે. એવા 6 ઘાટોનું લોકાર્પણ પણ આજે અહિયાં કરવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો, પ્રયાગરાજ હોય, કાશી હોય, કાનપુર હોય, યુપીના તમામ શહેરો સહિત ગંગાના કિનારે વસેલા દરેક રાજ્યમાં આ પ્રકારની સુવિધાઓનું નિર્માણ થઇ રહ્યું છે. નમામી ગંગે મિશન અંતર્ગત અત્યાર સુધીમાં સાડા 24 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓને મંજુરી આપી દેવામાં આવી ચુકી છે. 5 હજાર કરોડ રૂપિયાના 75 પ્રોજેક્ટ્સ પુરા કરી દેવામાં આવ્યા છે. હજારો કરોડ રૂપિયાના 150 પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ, ગંગા મૈયા નિર્મળ અને અવિરલ હશે, આ નિશ્ચયની પાછળની સૌથી મોટી શક્તિ, સરકારી તંત્ર તો છે જ; કરોડો સ્વચ્છાગ્રહીઓ, માં ગંગાના સેવકોનું પણ યોગદાન છે. જન જન આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. પોતાના સ્તર પર કામ કરી રહ્યા છે. ગંગાજી પ્રત્યે જન ભાગીદારી અને જવાબદારીએ આપણા પ્રયાસોને વધુ બળ આપ્યું છે. હવે ગંગાના કિનારે લગભગ બધા જ ગામડા હવે ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો, શાસ્ત્રોમાં સ્વચ્છતાને દેવત્વ સાથે જોડવામાં આવી છે. કુંભમાં દેવતાઓનો નિવાસ હોય છે. એવામાં કુંભમાં માં ગંગાની સફાઈ હોય કે પછી સ્વચ્છ કુંભની વાત, આ વખતના કુંભમાં કોઈ જ કસર છોડવામાં નથી આવી રહી.
હમણાં મેં અહિયાં આવતા પહેલા સ્વચ્છ કુંભનું પ્રદર્શન જોયું. અને લોકાર્પણમાં પણ કુંભમાં સ્વચ્છતા રહે, તેની માટે આધુનિક ટેકનોલોજી અને પોર્ટેબલ કોમ્પેક્ટર જેવા ઉપકરણો લગાવવાની યોજનાની શરૂઆત કરી દેવામાં અવી છે.
સાથીઓ, કેન્દ્ર સરકાર ઉત્તરપ્રદેશ સરકારની સાથે મળીને એ વાત સુનિશ્ચિત કરવામાં લાગેલી છે કે આયોજન દર્શનીય, દાર્શનિક અને દિવ્ય બને. સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે કે અહિં ભારતના ગૌરવશાળી ઈતિહાસના દર્શન અને વૈભવશાળી ભવિષ્યની ઝલક દુનિયાને જોવા મળે.
મને ખુશી છે કે સરકારના આ પ્રયાસોમાં પ્રયાગરાજનો એક એક નાગરિક જોડાયેલો છે. પોતાના સ્તર પર અનેક પ્રયાસ તમે સૌ કરી રહ્યા છો. શહેરની સાફ સફાઈથી લઈને આતિથ્ય સત્કાર માટે હકારાત્મક વાતાવરણ બનાવવામાં આપ સૌ લાગેલા છો. અહિયાં જે પ્રદર્શન લાગેલું છે તેમાં મેં જોયું કે કેવા આકર્ષક ચિત્રોથી શહેરને સજાવવામાં આવી રહ્યું છે. ચિત્રોના માધ્યમથી પ્રયાગરાજ અને ભારતના દર્શન કરાવવાનો આ અદભૂત પ્રયાસ સરાહનીય છે અને આ અનુભવ અહિયાં આવનારા દરેક યાત્રીની માટે અનુપમ હશે.
સાથીઓ, પ્રયાગરાજના લોકોની આ જ ભાવનાને સમજીને, તમારા સ્નેહને જોઈને, હું દુનિયાભરના લોકોને અર્ધકુંભમાં આવવા માટે આમંત્રણ આપીને આવ્યો છું. વીતેલા એક દોઢ વર્ષથી જ્યાં પણ હું ગયો છું, ત્યાં રહેનારા દરેક ભારતવાસીને પોતાના વિદેશી મિત્રોની સાથે પ્રયાગરાજ આવીને ભારતની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાવાનું આમંત્રણ મેં પોતે જઈ જઈને આપ્યું છે; કારણ કે હું પણ હવે ઉત્તરપ્રદેશવાળો છું ને.
તમે જોયું હશે, ગઈકાલે જ અહિયાં સંગમ પર 70 દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે. 70 દેશોના ભારતમાં નિયુક્ત પ્રતિનિધિઓએ, રાજનાયકોએ સમગ્ર કુંભ ક્ષેત્રની મુલાકાત લીધી, અહિયાંના અદભૂત વાતાવરણનો આનંદ લીધો. આ પ્રકારના પ્રયાસ કુંભની વૈશ્વિક લોકપ્રિયતા વધારવામાંવધારે સહાયક સાબિત થશે.
સાથીઓ, આ વખતે બે મહત્વપૂર્ણ આયોજન દુનિયાના સૌથી પુરાતન સાંસ્કૃતિક શહેરો- પ્રયાગરાજ અને કાશીમાં એક સાથે થઇ રહ્યા છે. જ્યારે અહિયાં અર્ધકુંભ માટે દુનિયા એકઠી થશે ત્યારે કાશીમાં પ્રવાસી ભારતીય દિવસ માટે દુનિયાભરના ભારતીયો એકઠા થવાના છે. સ્વાભાવિક છે તેમનો પણ અહિયાં આવવાનો કાર્યક્રમ બનશે.
ભાઈઓ અને બહેનો, અર્ધકુંભ માત્ર કરોડો લોકોના એકઠા થવાનું જ પર્વ નથી, અહિયાં આવનારા કરોડો લોકોના માધ્યમથી સમગ્ર દેશ, તેમાં આવનારા કરોડો લોકોની વચ્ચે થનારા સંપર્ક અને સંવાદ આપણા દેશને દિશા આપે છે. કુંભમાં આવનારા કરોડો લોકોની સાથે જ કરોડો વિચારોનો પ્રવાહ પણ ભારતને સમૃદ્ધ અને સશક્ત બનાવે છે.
કુંભનું પર્વ ભારત અને ભારતીયતાનું સૌથી મોટું પ્રમાણ છે. આ પર્વ ભાષા, ભૂષા અને ભિન્નતાને ખતમ કરીને એક થવાની પ્રેરણા આપે છે. આ પર્વ આપણને જોડે છે, આ પર્વ ગામ અને શહેરને એક કરે છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની સાચી તસ્વીર અહિં જોવા મળે છે. એવામાં આપણી જવાબદારી છે કે અહિં આવનારા દરેક અતિથીનું આપણે પોતે ધ્યાન રાખીએ. આ આયોજન માત્ર શ્રદ્ધા નહી, દેશની પ્રતિષ્ઠાનો પણ સવાલ છે. આપણે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતની એક નવી તસ્વીર, તેને લઈને દુનિયા અહીંથી પાછી જાય.
આ દરમિયાન દુનિયાભરના હજારો વિદ્યાર્થીઓ અહિયાંના વ્યવસ્થાપનના વિષયમાં શીખવા ભણવા પણ આવશે. દુનિયાની સૌથી મોટી મેનેજમેન્ટ યુનિવર્સિટી આ આયોજનની વિશાળતા, વિવિધતા અને સફળતા પર બાળકોને મેનેજમેન્ટના પાઠ ભણાવતી રહી છે.
સાથીઓ, ભારતની ઓળખ આપણી સાંસ્કૃતિક વિરાસત વડે છે, જ્ઞાનના ભંડારથી છે. આ જ શક્તિ વડે દુનિયાને પરિચિત કરાવવા માટે સ્વામી વિવેકાનંદ સહિત તમામ મહર્ષિઓએ પોતાના જીવનને સમર્પિત કરી નાખ્યું. છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી કેન્દ્ર સરકાર પણ સતત એ જ પ્રયાસ કરી રહી છે કે સંસાધનોની સાથે સાથે દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનો પણ પ્રભાવ વધે.
સાથીઓ, હું આજે પવિત્ર પ્રયાગરાજમાં તમને અને દેશના લોકોને એક વધુ મહત્વના વિષય પર વાત કરવા માંગું છું. પ્રયાગરાજ એ જગ્યા છે જેને ઉત્તરપ્રદેશમાં ન્યાયનું મંદિર પણ કહેવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે એક વાર ફરી ન્યાયપાલિકા પર દબાણનો ખેલ શરુ થયો છે, તે સ્થિતિમાં દેશને, આજની યુવા પેઢીને સતર્ક કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
સાથીઓ, દેશ ઉપર સૌથી વધુ સમય શાસન કરનારી પાર્ટીએ હંમેશાથી જ પોતાને દરેક કાયદા, ન્યાયપાલિકા, સંસ્થા અને ત્યાં સુધી કે દેશથી પણ પોતાની જાતને ઉપર માની છે. દેશની તે દરેક સંસ્થાને, ત્યાં સુધી કે બંધારણીય સંસ્થાઓને પણ આ પક્ષે બરબાદ કરી નાખી, જે તેની મરજી અનુસાર ના ચાલી, તેમના ઈશારાઓ પર કામ કરવા માટે, નમવા માટે તૈયાર ના થઇ.
ભાઈઓ અને બહેનો, આ જ મનમાનીના કારણે આપણા દેશની ન્યાય પ્રણાલીને પણ નબળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેનું માત્ર એક કારણ હતું કે ન્યાયપાલિકા તે સંસ્થાઓમાંથી એક રહી છે, જે આ પાર્ટીના ભ્રષ્ટ અને નિરંકુશ રીતભાતોની વિરુદ્ધ ઉભી રહે છે. આ વાતને પ્રયાગરાજ અને યુપીના લોકોથી વધુ સારી રીતે કોણ જાણી શકે છે કે કોંગ્રેસને ન્યાયપાલિકા શા માટે પસંદ નથી? યુપીના લોકો તે દિવસ યાદ કરે – જ્યારે આ પાર્ટીના સર્વોચ્ચ નેતા દ્વારા અહિં જનમતને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું હતું. શું તે લોકતંત્રનું અપમાન નહોતું?
સાથીઓ, દેશ તે દિવસ પણ નહી ભૂલી શકે જ્યારે પ્રયાગરાજની ઉચ્ચ અદાલતે સત્ય અને બંધારણનો સાથ આપીને તેમને સંસદથી, સંસદસભ્યથી પદ પરથી દુર કરી દેવામાં આવ્યા તો તેમણે લોકશાહીને જ સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. દેશમાં ઈમરજન્સી ફેલાવી દીધી. ત્યાં સુધી કે દેશનું બંધારણ પણ બદલી નાખવામાં આવ્યું. પ્રયત્ન તો ત્યાં સુધી કરવામાં આવ્યો કે ન્યાયપાલિકા પાસેથી ચૂંટણી અરજી સાંભળવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો.
સાથીઓ, કોંગ્રેસના નેતાઓની આ જ પ્રવૃત્તિ રહી છે. આ પ્રવૃત્તિમાં દેશની બંધારણીય સંસ્થાઓને એક પક્ષની સામે હાથ બાંધીને ઉભા રહેવા પર મજબુર કરવામાં આવે છે. જે નમતું નથી તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે તેમની સામંતશાહી અને રાજાશાહીની વિચારધારા છે જે તેમને નિષ્પક્ષ સંસ્થાઓને બળપૂર્વક બરબાદ કરવા માટે ઉત્તેજિત કરતી રહે છે. ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને બરબાદ કરવા, તેને નાબુદ કરવા માટે આ પક્ષ માત્ર બળનો જ ઉપયોગ નથી કરતી, તે છળનો પણ ઉપયોગ કરે છે. પોતાની વ્યૂહરચનાને સફળ કરવા માટે કપટ, પ્રપંચ, ધૂર્તતાની દરેક મર્યાદા પાર કરી નાખે છે. ન્યાયપાલિકાથી લઈને આ પાર્ટીની કાર્ય સંસ્કૃતિ રહી છે- જ્યારે શાસનમાં હોઈએત્યારે લટકાવવું અને વિપક્ષમાં હોઈએ તો ધમકાવવું.
સાથીઓ, હું દેશને કેશવાનંદ ભરતીના મહત્વપૂર્ણ કેસની પણ યાદ અપાવવા માંગું છું. આ કેસમાં નિર્ણય સંભળાવનાર ન્યાયાધીશોએ જ્યારે દબાણમાં આવવાનો ઇનકાર કરી દીધો તો વર્ષોથી ચાલતી આવેલી ન્યાયિક પરંપરાને જ બદલી નાખવામાં આવી. સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને ચીફ જસ્ટીસ બનાવવાને બદલે એક એવા ન્યાયાધીશને તે પદ આપવામાં આવ્યું, જે વરિષ્ઠતાના ક્રમમાં ત્રણ ન્યાયાધીશોની પછી આવતા હતા. આ હતી આ લોકોની કામ કરવાની રીત, ન્યાયપાલિકા પર દબાણ બનાવવાની રીત. એ જ રીતે ઈમરજન્સીના નિર્ણય પર જ્યારે જસ્ટીસ ખન્નાએ અસંમતી દર્શાવી તો તેમની સાથે પણ આ જ કરવામાં આવ્યું હતું. તેમના પણ વરિષ્ઠતા ક્રમને નજરઅંદાજ કરવામાં આવ્યો.
ભાઈઓ અને બહેનો, પોતાના સ્વાર્થની આગળ ના તો તેઓ દેશનું હિત જુએ છે, ના લોકશાહીનું. તેમના મનમાંના તો કાયદા માટે સન્માન છે, અને ના તો પરંપરા માટે. તેમના એક નેતાનું સાર્વજનિક રીતે આપવામાં આવેલું નિવેદન તો ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે – અમે મુખ્ય ન્યાયાધીશ તેને જ બનવા દઈશું જે અમારી વિચારધારા, અમારા વિચારો સાથે સહમત હોય અને અમારા મુજબ ચાલે.
સાથીઓ, આપણા દેશમાં ન્યાયપાલિકા દેશના બંધારણને સર્વોપરી રાખીને કામ કરતી રહી છે. પરંતુ દેશ એ વાતનો પણ સાક્ષી રહ્યો છે કે ન્યાયપાલિકાને પોતાના અનુસાર વાળવા માટે કેવી રીતે એક રાજનૈતિક પક્ષ દ્વારા લોભ, લાલચ, વેર, સત્તા, સૌનો ઉપયોગ કરતો રહેવામાં આવ્યો છે. આ પક્ષની પાસે ન્યાયપાલિકાને અટકાવવા, લટકાવવા, ભટકાવવા અને ધમકાવવાની ઘણી બધી રીતો તેમની આદત છે.
હમણાં તાજેતરમાં જ આપણે જોયું કે કઈ રીતે તેમણે ન્યાયપાલિકાના સર્વોચ્ચ ન્યાયમૂર્તિની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યાયાધીશોને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન તેમની જૂની વિચારધારાનો ભાગ છે.
મને મુખ્ય સમાચારોમાં રહેલ તે વાક્ય પણ યાદ છે જ્યારે તેમના એક નેતાના એક કેસની સુનાવણી કરી રહેલા જજને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ નથી ઈચ્છતા કે તેમની પત્ની કરવાચોથ ઉજવે? આ ધમકી નથી તો શું છે?
ભાઈઓ અને બહેનો, આ લોકો દરેક સંસ્થાને બરબાદ કરવાનો પ્રયાસ કર્યા પછી હવે લોકશાહીના ગીતો ગાઈ રહ્યા છે. પરંતુ તેમનો વ્યવહાર, તેમના ષડ્યંત્રો, વારે વારે એ સાબિત કરી રહી છે કે તે પોતાની જાતને દેશ, લોકશાહી, ન્યાયપાલિકા અને ત્યાં સુધી કે લોકોની પણ ઉપર સમજે છે. હજુ હમણાં બે દિવસ પહેલા પણ આપણે તેનું એક ઉદાહરણ જોઈ ચુક્યા છીએ. અને એટલા માટે હું તમને ફરીથી કહેવા માંગું છું, સાવધાન રહો, સતર્ક રહો આવા લોકોથી, આવા પક્ષોથી.
ભાઈઓ અને બહેનો, કોંગ્રેસનો ઈતિહાસ જેટલોકાળો છે, વર્તમાન એટલું જ કલંકિત. સત્તા અને સ્વાર્થમાં ડૂબેલા આ લોકો અને તેમના સહયોગીઓને ન તો દેશવાસીઓથી કોઈ મતલબ છે, ન દેશથી અને ન તો દેશની આર્થિક સાંસ્કૃતિક સમૃદ્ધિથી. તેમને ખાસ મોકા ઉપર જ સંસ્કૃતિ યાદ આવે છે, જ્યારે અમારી માટે તો રાષ્ટ્ર, રાષ્ટ્રની સંપન્નતા, રાષ્ટ્રનો વૈભવ અને આધ્યાત્મિક સમૃદ્ધિ અમારીવિચારધારાનો જ એક ભાગ છે.
આ જ સંસ્કાર અંતર્ગત યુપી સહિત સમગ્ર દેશમાં પ્રસાદ યોજના અંતર્ગત આસ્થા અને અધ્યાત્મ સાથે જોડાયેલા મુખ્ય સ્થાનોને જોડવામાં આવી રહ્યા છે. ત્યાં આગળ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ હોય, કાશી હોય, અયોધ્યા-વૃંદાવન હોય, કેદારનાથથી લઈને, કામખ્યા અને સબરીમાલા સુધી, આસ્થાના આવા અનેક કેન્દ્રોને ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, ભારત કઈ રીતે બદલાઈ રહ્યું છે. નવું ભારત કઈ રીતે પૌરાણિકતા અને આધુનિકતાને સમેટી રહ્યું છે, તેની ઝાંખી અર્ધકુંભમાં મળવાની છે.
મારો આપ સૌ પ્રયાગવાસીઓને આગ્રહ છે કે આપણે આધુનિકતાથી અધ્યાત્મને, વિકાસથી વિશ્વાસને અને સુગમતાથી શ્રદ્ધાને જોડીને કુંભને સૌથી વધુ સફળ આયોજન બનાવો.
સરકાર પોતાની જવાબદારીને નિભાવી રહી છે. પરંતુ આટલું મોટું આયોજન માત્ર સરકારી વ્યવસ્થાઓના ભરોસા ઉપર સફળ બનાવવું શક્ય નથી. હું પોતે, યોગીજી, અમારા તમામ સાથીઓ, તમારી સાથે ખભે ખભો મિલાવીને આ વખતે અર્ધકુંભને અભૂતપૂર્વ આયોજન બનાવીશું.
એ જ આશા સાથે એક વાર ફરી આપ સૌને, પ્રયાગરાજને તમામ વિકાસ પરિયોજનાઓની માટે ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.
જય ગંગા મૈયા – જય
જય યમુના મૈયા – જય
જય સરસ્વતી મૈયા – જય
જય તીર્થરાજ – જય તીર્થરાજ
જય તીર્થરાજ – જય તીર્થરાજ
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ ખૂબ આભાર!