ઉત્તરાખંડનાં ગવર્નર શ્રીમતી બેબી રાની મોર્યાજી, મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, ડો. રમેશ પોખરિયાલ નિશંકજી, શ્રી રતન લાલ કટારીયાજી, અન્ય અધિકારી ગણ તથા ઉત્તરાખંડનાં મારા ભાઈઓ અને બહેનો, ચાર ધામની યાત્રાને પોતાનામાં સમેટી લેનાર દેવભૂમિ ઉત્તરાખંડની ધરતીને હું આદરપૂર્વક નમસ્કાર કરૂ છુ.
આજે મા ગંગાની નિર્મળતાની ખાત્રી અપાવનારા 6 પ્રોજેકટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. તેમાં હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ અને ‘મુનીકી રેતી’ માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મ્યુઝિયમ જેવા પ્રોજેકટસનો પણ સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓ માટે હું ઉત્તરાખંડના તમામ સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.
સાથીઓ,
હજુ થોડી વાર પહેલાં જ જલ જીવન મિશનના સુંદર લોગો અને મિશન માર્ગદર્શિકાનુ પણ વિમોચન કરવામાં આવ્યુ છે. જલ જીવન મિશન ભારતના દરેક ગામડાંમાં, દરેક ઘર સુધી પીવાનુ શુધ્ધ પાણી પહોંચાડવાનુ એક ખૂબ મોટુ અભિયાન છે. મિશનનો લોગો સતત એ બાબતની પ્રેરણા આપશે કે પાણીના એક એક ટીપાને બચાવવુ આવશ્યક છે. આ માર્ગદર્શિકા, જેટલી સરકારી મશિનરી માટે આવશ્યક છે તેટલી જ દરેક ગામની ગ્રામ પંચાત માટે પણ એટલી જ આવશ્યક છે. તે આ યોજનાની સફળતા નક્કી કરવાનુ એક ખૂબ મોટુ માધ્યમ છે.
સાથીઓ,
આજે જે પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યુ છે તેમાં વિસ્તારપૂર્વક એ બતાવવામાં આવ્યુ છે કે ગંગા કેવી રીતે આપણા સાંસ્કૃતિક વૈભવ, આસ્થા અને વારસાનુ ખૂબ મોટુ પ્રતીક છે. ઉત્તરાખંડમાં પ્રાંરભ થાય છે ત્યાંથી માંડીને પશ્ચિમ બંગાળના સાગર કિનારા સુધી ગંગા દેશની લગભગ અડધી વસતીના જીવનને સમૃધ્ધ બનાવે છે અને એટલા માટે જ ગંગાની નિર્મળતા જરૂરી છે. ગંગાજીની અવિરલતા જરૂરી છે. વિતેલા દાયકામાં ગંગાના પાણીની સ્વચ્છતા બાબતે મોટાં મોટાં અભિયાન હાથ ધરવામાં આવ્યાં હતાં. પરંતુ આ બધાં અભિયાનમાં ના તો જન ભાગીદારી હતી કે, ના તો દૂરંદેશી હતી. એનુ પરિણામ એ આવ્યુ કે, ગંગાનુ પાણી કદી શુધ્ધ થઈ શક્યુ નહીં.
સાથીઓ,
જો ગંગાની સ્વચ્છતા બાબતે એ જ જૂની પધ્ધતિઓ અને ઉપાયો અજમાવવામાં આવ્યા હોત તો આજે હાલત એટલી ખરાબ ના હોત. પરંતુ અમે નવી વિચારધારા લઈને આગળ ધપી રહ્યા છીએ. અમે નમામિ ગંગે મિશનને માત્ર ગંગાજીની સફાઈ કરવા સુધી મર્યાદિત રાખ્યુ નથી, પરંતુ એને દેશના સૌથી મોટા નદી સુરક્ષા અભિયાનનુ સ્વરૂપ આપ્યુ છે. સરકારે ચારે દિશાઓમાંથી આ કામ એક સાથે આગળ ધપાવ્યુ છે.
પહેલાં ગંગાનાં પાણીમાં ગંદુ પાણી વહેતુ અટકાવવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ માળખુ બિછાવવાનુ શરૂ કર્યું. બીજુ અમે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા બનાવ્યા કે જે હવે પછીના 10થી 15 વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે. ત્રીજુ ગંગા નદીના કિનારે વસેલાં 100 મોટાં શહેરો અને પાંચ હજાર ગામડાંને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યાં અને ચોથુ ગંગાજીની જે સહાયક નદીઓ છે તેમાં પણ પ્રદૂષણ રોકવા માટે પૂરી તાકાત લગાવી દીધી.
સાથીઓ,
આજે તેનુ ચોરે તરફી પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ રૂ. 30,000 કરોડથી વધુ રકમની યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યુ છે અથવા તો તે પૂરી થઈ ગયુ છે. આજે જે યોજનાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે તેની સાથે સાથે જ ઉત્તરાખંડમાં આ યોજના સાથે સંકળાયેલી લગભગ તમામ યોજનાઓ પૂરી થઈ ગઈ છે. હજારો કરોડો રૂપિયાની આ યોજનાઓથી માત્ર ઉત્તરાખંડમાં સુએઝ ટ્રીટમેન્ટની ક્ષમતા 6 વર્ષમાં લગભગ ચાર ગણી થઈ ચૂકી છે.
સાથીઓ,
અગાઉ ઉત્તરાખંડની સ્થિતિ એવી હતી કે ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથથી હરિદ્વાર સુધી 130થી વધુ નાળા ગંગામાં પડતાં હતાં. આજે એ નાળામાંથી મોટા ભાગનાં નાળાને રોકી દેવામાં આવ્યાં છે. એમાં ઋષિકેશની નજીક આવેલુ ‘મુની કે રેતી’ નુ ચંદ્રેશ્વર નગર નાળુ પણ સામેલ છે. એના કારણે અહીંયાં ગંગાજીના દર્શન માટે આવતા, રાફટીંગ માટે આવતા સાથીદારોને ઘણી બધી પરેશાની થતી હતી. આજથી અહીંયાં દેશનો પ્રથમ ચાર માળનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. હરિદ્વારમાં પણ આવાં 20 થી વધુ નાળા બંધ કરી દેવામાં આવ્યાં છે. સાથીઓ, પ્રયાગ રાજમાં ગંગાજીની નિર્મળતાનો દુનિયાભરના શ્રધ્ધાળુ લોકોએ અનુભવ કર્યો છે. હવે હરિદ્વાર કુંભ દરમ્યાન પણ સમગ્ર દુનિયાને ગંગાના નિર્મળ સ્નાનનો અનુભવ થવાનો છે અને એના માટે પણ સતત કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ, નમામિ ગંગે મિશન હેઠળ, ગંગાજીના તટ ઉપર સેંકડો ઘાટનુ નવિનીકરણ કરવામાં આવી રહ્યુ છે. ગંગા વિહાર માટે આધુનિક રિવરફ્રન્ટનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. હરિદ્વારમાં તો રિવરફ્રન્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે ગંગા મ્યુઝિયમ બનતાં આ વિસ્તારનુ આકર્ષણ ઘણુ જ વધી જવાનુ છે. આ મ્યુઝિયમ હરિદ્વાર આવનારા પ્રવાસીઓ માટે ગંગાની સાથે જોડાયેલા વારસાને સમજવા માટેનુ એક માધ્યમ બની જવાનુ છે.
સાથીઓ,
હવે નમામિ ગંગે અભિયાનને એક નવા સ્તરે લઈ જવામાં આવી રહ્યુ છે. ગંગાજીની સ્વચ્છતા ઉપરાંત હવે ગંગા સાથે જોડાયેલા સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થા અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. સરકાર તરફથી હવે ઉત્તરાખંડ સહિતનાં તમામ રાજ્યોના ખેડૂતોને જૈવિક ખેતી, આયુર્વેદિક છોડની ખેતીનો લાભ અપાવવા માટે એક વ્યાપક યોજના ઘડી કાઢવામાં આવી છે. ગંગાજીના બંને કાંઠે વૃક્ષો વાવવા ઉપરાંત ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલો કોરીડોર પણ વિકસાવવામાં આવી રહ્યો છે. ગંગાજીના જળને બહેતર બનાવવાના આ કાર્યથી હવે મેદાની વિસ્તારોમાં મિશન ડોલ્ફીનની મદદ પણ મળવાની છે. આ 15મી ઓગસ્ટે મિશન ડોલ્ફીનની જાહેરાત કરવામાં આવી હતી. આ મિશન ગંગાજીમાં ડોલ્ફીનના સંવર્ધનની કામગીરીને વધુ મજબૂત બનાવશે.
સાથીઓ,
સાથીઓ દેશ આજે હવે એ સ્થિતિમાંથી બહાર નીકળી ગયો છે કે જેમાં પાણીની જેમ પૈસા વહાવવામાં તો આવતા હતા પરંતુ પરિણામ મળતાં ન હતાં. આજે પૈસા પાણીની જેમ વહેતા પણ નથી કે પાણીમાં પણ વહેતા નથી, પણ એક એક પાઈને પાણી માટે રોકવામાં આવી રહી છે.
આપણે ત્યાં તો હાલત એવી હતી કે પાણી જેવો મહત્વનો વિષય અનેક મંત્રાલય અને વિભાગો વચ્ચે વિખરાયેલો પડયો હતો, વહેંચાઈ ગયેલો હતો. આ મંત્રાલયો વચ્ચે કોઈ તાલમેલ ના હતો કે પછી સમાન લક્ષ્ય માટે કામ કરવાનો કોઈ દિશા નિર્દેશ પણ આપવામાં આવતો ન હતો. પરિણામ એ આવ્યુ કે દેશમાં પાણી સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય કે પછી સિંચાઈની સમસ્યા, આ સમસ્યાઓ વિકરાળ બનતી જતી હતી. તમે વિચાર કરો આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ 15 કરોડથી વધુ ઘરમાં પાઈપલાઈનથી પીવાનુ પાણી પહેંચતુ ન હતુ. અહી ઉત્તરાખંડમાં પણ હજારો ઘરની આવી જ હાલત હતી. ગામડાંમાં અને પહાડીઓમાં, જ્યાથી આવવા જવાનુ પણ મુશ્કેલ હોય તેવા સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવામાં સૌથી વધુ તકલીફ આપણી માતાઓ, બહેનો અને બેટીઓએ ઉઠાવવી પડતી હતી. ઘણી વાર તો અભ્યાસ છોડી દેવો પડતો હતો. આ સમસ્યાઓ દૂર કરવા માટે દેશમાં પાણી સાથે જોડાયેલી તમામ પડકારો દૂર કરવા માટે એક સાથે ઉર્જા લગાવવા માટે જલ શક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જલ શક્તિ મંત્રાલયે ખૂબ ટૂંકા ગાળામાં ઝડપથી કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. પાણીની સાથે જોડાયેલા પડકારોની સાથે સાથે આ મંત્રાલય હવે દેશમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના કાર્યમાં લાગી ગયુ છે. આજે જલ જીવન મિશન હેઠળ દરરોજ લગભગ 1 લાખ પરિવારોને પીવાની શુધ્ધ જળની સગવડ સાથે જોડી દેવામાં આવે છે. માત્ર એક વર્ષના સમયમાં જ દેશના 2 કરોડથી વધુ પરિવારો સુધી પીવાનુ પાણી પહોંચાડવામાં આવ્યુ છે. અહીંયાં ઉત્તરાખંડમાં તો ત્રિવેન્દ્રમજી અને તેમની ટીમ એક કદમ આગળ વધીને માત્ર એક રૂપિયામાં પીવાના પાણીનુ જોડાણ આપવાનુ કદમ ઉઠાવ્યુ છે. મને ખુશી છે કે ઉત્તરાખંડ સરકારે માત્ર વર્ષ 2020 સુધીમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે. કોરોનાના આ સમયગાળામાં ઉત્તરાખંડમાં વિતેલા ચાર માસમાં 50,000થી વધુ પરિવારોને પીવાના પાણીનાં જોડાણ અપાઈ ચૂક્યાં છે. આ બાબત ઉત્તરાખંડ સરકારની કટિબધ્ધતા દર્શાવે છે.
સાથીઓ,
જલ જીવન મિશન એ ગરીબોના ઘર સુધી પાણી પહોંચાડવાનુ અભિયાન છે અને તે એક પ્રકારે ગ્રામ સ્વરાજનાં ગામોના સશક્તિકરણને, તેના માટે પણ એક નવી ઉર્જા, નવી તાકાત અને નવી બુલંદી પૂરી પાડવાનુ અભિયાન છે.
સરકારની કામ કરવાની પધ્ધતિમાં એક મોટુ પરિવર્તન આવ્યુ છે. આ તેનુ પણ એક ઉદાહરણ છે. અગાઉ સરકારી યોજનાઓના નિર્ણયો મોટે ભાગે દિલ્હીમાં બેસીને કરવામાં આવતા હતા. કયા ગામમાં ક્યાં સોર્સ ટેંક બનશે, કઈ જગાએથી પાઈપલાઈન બિછાવવામાં આવશે. આ તમામ નિર્ણયો મોટે ભાગે રાજધાનીઓમાં જ થતા હતા. પણ જલ જીવન મિશને કામ કરવાની પૂરી પધ્ધતિ બદલી નાખી છે. ગામમાં પાણી સાથે જોડાયેલાં કયાં કામ કરવાનાં છે, તે માટે કેવી તૈયારી કરવાની છે, આ બધુ નક્કી કરવાનો નિર્ણય લેવાનો અધિકાર હવે ગામનો લોકોને જ આપવામાં આવ્યો છે. પાણીના પ્રોજેકટના આયોજનથી માંડીને માવજત અને સંચાલનની તમામ વ્યવસ્થા હવે ગ્રામ પંચાયત કરશે. પાણી સમિતિઓ કરવાની છે. પાણી સમિતિઓમાં ગામની બહેનોનો અને ગામની બેટીઓનો સમાવેશ કરવામાં આવે તે બાબતનુ ધ્યાન રાખવાની ખાત્રી કરવામાં આવી છે. સાથીઓ આજે જે માર્ગદર્શિકાનુ વિમોચન કરવામાં આવ્યુ છે તે આ બહેનો, દિકરીઓ તથા પાણી કમિટીના સભ્યોને કામમાં આવવાની છે. તે એક પ્રકારની માર્ગદર્શિકા છે અને મને પાકો વિશ્વાસ છે કે પાણીની કઠણાઈ કેવી હોય છે, પણીનુ મૂલ્ય કેટલુ છે તે પાણીની સુવિધા કેવી રીતે સગવડ અને સંકટ બંને સાથે લઈને આવે છે. તે બાબતને આપણી માતાઓ અને બહેનો જેટલુ સારી રીતે સમજે છે તેટલુ કદાચ અન્ય કોઈ સારી રીતે નહી સમજી શકે. અને એટલા માટે જ્યારે તેનો સમગ્ર વહિવટ માતાઓ અને બહેનોને હાથમાં મુકવામાં આવશે ત્યારે ખૂબ જ સંવેદનશીલતા સાથે અને મોટી જવાબદારી સાથે તે આ જવાબદારી નિભાવે છે અને સારાં પરિણામો પણ આપે છે. તે ગામનો લોકોને એક માર્ગ બતાવશે અને તેમને નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. હું સમજુ છું કે જલ જીવન મિશને ગામના લોકોને એક તક પૂરી પાડી છે. આ તક છે પોતાના ગામને પાણીની તકલીફથી મુક્ત કરવાની અને પોતાના ગામને પાણીથી ભરપૂર કરવાનો.
મને એવુ કહેવામાં આવ્યુ છે કે જલ જીવન અભિયાન હવે આગામી તા. 2 ઓકટોબરથી એક અભિયાન શરૂ કરવા તરફ આગળ વધી રહ્યુ છે. 100 દિવસનુ આ વિશેષ અભિયાન કે જેની હેઠળ, દેશની દરેક આંગણવાડી અને દરેક શાળાને નળનુ પાણી મળી રહે તેની ખાતરી રાખવામાં આવશે. હું આ અભિયાનની સફળતા માટે શુભકામના પાઠવુ છું.
સાથીઓ,
નમામિ ગંગે અભિયાન હોય કે પછી જલજીવન મિશન હોય, સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક કાર્યક્રમો વિતેલા 6 વર્ષમાં મોટા સુધારાનો હિસ્સો બની રહ્યા છે. આ એક એવા સુધારા છે કે જે સામાન્ય લોકોની સુવિધામાં, સામાન્ય લોકોના જીવનમાં સાર્થક પરિવર્તન લાવવામાં ખૂબ જ મદદગાર પૂરવાર થવાના છે. વિતેલા એક દોઢ વરસમાં તેમાં વધુ ઝડપ આવી છે. હમણાં સંસદનુ જે સત્ર પૂરૂ થયુ છે તેમાં દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના આરોગ્ય સાથે જોડાયેલા અનેક સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાને કારણે દેશનો શ્રમિક સશક્ત બનશે. દેશનો નવયુવાન સશક્ત બનશે, દેશની મહિલાઓ સશક્ત બનશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેટલાક લોકો માત્ર વિરોધ કરવા ખાતર તેનો વિરોધ કરી રહ્યા છે.
સાથીઓ,
આજથી થોડા દિવસ પહેલાં દેશે પોતાના ખેડૂતોને અનેક બંધનમાંથી મુક્ત કર્યા છે. હવે દેશનો ખેડૂત કોઈ પણ જગાએ , કોઈ પણ સ્થળે જઈને, કોઈને પણ પોતાની ઉપજ વેચી શકશે. પરંતુ આજે કેન્દ્ર સરકાર પોતાના ખેડૂતોને એમના અધિકાર આપી રહી છે ત્યારે પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે. આ લોકો ઈચ્છતા નથી કે દેશનો ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ઉપજ વેચી શકે નહી. તેમનુ અનાજ ઓછી કીંમતે ખરીદીને વચેટીયાઓ નફો કરતા રહે. આ લોકો ખેડૂતની આઝાદીનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો ઈચ્છે છે કે ખેડૂતની ગાડીઓ જપ્ત થતી રહે. તેમની પાસેથી વસૂલાત થતી રહે, તેમની પાસેથી ઓછી કીંમતે ઉપજ ખરીદીને વચેટીયાઓ નફો કમાતા રહે. આ લોકો ખેડૂતોની આઝાદીનો વિરોધ કરી રહ્યા છે. જે સામાનની, જે સાધનોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાડીને આ લોકો હવે ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છે.
સાથીઓ,
અગાઉ વરસો સુધી આ લોકો કહી રહ્યા હતા કે લઘુત્તમ ટેકાના ભાવ લાગુ કરીશું, લઘુત્તમ ટેકાના ભાવ લાગુ કરીશું પણ હવે સ્વામિનાથન સમિતિની ઈચ્છા મુજબ લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવાનુ કામ જ્યારે અમારી સરકાર કરી રહી છે ત્યારે આ લોકો ટેકાના લઘુત્તમ ભાવ બાબતે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમનામાં ભ્રમ ફેલાવી રહ્યા છે. દેશમાં ટેકાના લઘુત્તમ ભાવ પણ રહેવાના છે અને ખેડૂતોને કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચવાની આઝાદી પણ રહેવાની છે. પણ આ આઝાદી કેટલાક લોકો સહન કરી શકતા નથી. તેમની કાળી કમાણીનો વધુ એક માર્ગ બંધ થઈ ગયો છે અને તેટલા માટે જ તેમને તકલીફ પડી રહી છે.
સાથીઓ,
કોરોનાના આ સમયમાં આપણે જોયુ છે કે ડિજિટલ ભારત અભિયાન અને જનધન બેંક ખાતાંને કારણે, રૂપે કાર્ડને કારણે દેશના લોકોને કેટલી મદદ મળી છે. પણ તમને યાદ હશે તે આ કામ અમારી સરકારે ચાલુ કર્યુ ત્યારે આ લોકો કેટલો વિરોધ કરી રહ્યા હતા. તેમની નજરમાં દેશનો ગરીબ, દેશના લોકો અભણ હતા, અજ્ઞાની હતા પણ દેશના લોકોના બેંકનાં ખાતાં ખુલી ગયાં અને તે લોકો પણ ડિજિટલ લેવડદેવડ કરે તેનો આ લોકોએ વિરોધ કર્યો છે.
સાથીઓ,
દેશે એ પણ જોયુ છે કે જ્યારે વન નેશન, વન ટેક્સની વાત આવી ત્યારે જીએસટીની વાત આવી, તો આ લોકો ફરી વિરોધ કરવામાં લાગી ગયા હતા. જીએસટીને કારણે દેશમાં ઘર વપરાશનાં સાધનો ઉપરનો વેરો ખૂબ ઘટી ગયો, મોટા ભાગનો ઘરેલુ સામાન, અને રસોઈના સામાન ઉપર હવે કાં તો વેરો નથી, અથવા તો પાંચ ટકા કરતાં પણ ઘણો ઓછો છે. અગાઉ આ ચીજો ઉપર વધુ વેરો લાગુ કરવામાં આવતો હતો. લોકોને પોતાના ખિસ્સામાંથી વધુ ખર્ચ કરવો પડતો હતો. પરંતુ, તમે જુઓ, આ લોકોને જીએસટી સાથે પણ તકલીફ છે. આ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. તેનો વિરોધ કરી રહ્યા છે.
સાથીઓ,
આ લોકો ખેડૂત સાથે નથી કે નવયુવાન સાથે પણ નથી કે પછી જવાનોની સાથે પણ નથી. તમને યાદ હશે કે અમારી સરકાર વન રેંક નવ પેન્શન યોજના લાવી, ઉત્તરાખંડના હજારો પૂર્વ સૈનિકોને પણ તેમનો અધિકાર પ્રાપ્ત થયો. તો એનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા હતા. વન રેંક વન પેન્શન લાગુ કર્યા પછી, સરકાર આશરે 11 હજાર કરોડ રૂપિયા પાછલી બાકી રકમ તરીકે ચૂકવી ચૂકી છે. અહીં ઉત્તરાખંડમાં પણ એક લાખથી વધુ જવાનોને તેનો લાભ મળ્યો છે. પણ આ લોકોને વન રેંક, વન પેન્શન યોજના લાગુ કરવા સામે પણ તકલીફ થતી હતી.
સાથીઓ,
વર્ષો સુધી આ લોકોએ દેશની સેનાને, દેશની વાયુસેનાને સશક્ત કરવા માટે કોઈ કામ કર્યુ નથી. વાયુ સેના કહ્યા કરતી કે અમને આધુનિક વિમાનો અને શસ્ત્રોની જરૂર છે. પણ આ લોકોએ સેનાની માગણી ઉપર ધ્યાન આપતા ન હતા. જ્યારે અમારી સરકારે ફ્રાંસ સરકાર સાથે સીધી રફાલ વિમાનો ખરીદવા માટે સમજૂતિ કરી તે તેમની વધુ એક વાર તકલીફ પડવા માંડી,
ભારતીય વાયુ સેના પાસે રફાલ વિમાન આવે, ભારતીય વાયુસેનાની તાકાત વધે, તેનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા હતા. મને એ બાબતનો આનંદ છે કે આજે રફાલ વિમાનો ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરી રહ્યા છે. અંબાલાથી માંડીને લેહ સુધી તેની ગર્જના ભારતીય બહાદૂર સૈનિકોની તાકાતમાં વધારો કરી રહી છે. તેમની હિંમતમાં વધારો કરી રહી છે. પરંતુ આ લોકો દેશના બહાદૂર સૈનિકોની પ્રશંસા કરવાને બદલે તેમની પાસેથી જ સર્જીકલ સ્ટ્રાઈકના પૂરાવા માગી રહ્યા છે.
સાથીઓ,
ચાર વર્ષ પહેલાં એ સમય હતો કે જ્યારે દેશના બહાદૂર જવાનોએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મન સેનાના અડ્ડાઓનો નાશ કરી નાખ્યો હતો. પણ આ લોકો સર્જીકલ સ્ટ્રાઈકનો પણ વિરોધ કરીને પોતાના ઈરાદો સ્પષ્ટપણે વ્યક્ત કરી રહ્યા હતા. દેશના માટે થતા કામોનો વિરોધ કરવો તેની આ લોકોને ટેવ પડી ગઈ છે. તેમની રાજનીતિની એક માત્ર પધ્ધતિ વિરોધ કરવાની રહી છે.
તમે યાદ તો કરો ભારતે શરૂ કરેલી પહેલ પછી દુનિયા જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહી હતી ત્યારે પણ ભારતમાં બેઠેલા આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે દેશનાં સેંકડો રજવાડોને જોડવાનુ ઐતિહાસિક કામ કરનાર સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ ત્યારે પણ આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. આજ સુધી તેમનો કોઈ મોટો નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં દર્શન કરવા ગયો નથી કારણ કે તેમણે વિરોધ કરવાનો છે.
સાથીઓ,
જ્યારે ગરીબો માટે 10 ટકા આરક્ષણનો નિર્ણય લેવામાંઆવ્યો તે વખતે પણ આ લોકો તેનો વિરોધ કરવા માટે ઉભા રહી ગયા હતા. આ લોકો ડો. બાબા સાહેબ આંબેડકરનો પણ વિરોધ કરી રહ્યા હતા. સાથીઓ,
ગયા મહીને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું આ લોકો પહેલાં સુપ્રિમ કોર્ટમાં રામ મંદિરનો વિરોધ કરી રહ્યા હતા. તે પછી ભૂમિ પૂજનનો વિરોધ કરવામાં લાગી ગયા. દરેક બદલતી તારીખ સાથે વિરોધના માટે વિરોધ કરનારા આ લોકો દેશ માટે અને સમાજ માટે અપ્રસ્તુત બની રહયા છે. આ બધી તેમની છટપટાહટ, બેચેની, હતાશા અને નિરાશા છે. એક એવો પક્ષ કે જેણે એક પરિવારની ચાર ચાર પેઢી સુધી દેશ ઉપર રાજ કર્યુ. તે લોકો આજે બીજા લોકોના ખભા ઉપર ઉભા રહીને દેશ હિત સાથે જોડાયેલા દરેક કામનો વિરોધ કરાવીને પોતાનો સ્વાર્થ સિધ્ધ કરી રહ્યા છે.
સાથીઓ,
આપણા દેશમાં અનેક એવા નાના નાના પક્ષ છે કે જેમને કયારેય પણ સત્તામાં આવવાની તક મળી નથી. પોતાની સ્થાપનાથી માંડીને અત્યાર સુધી આ પક્ષોએ મોટા ભાગનો સમય વિરોધ પક્ષમાં જ વિતાવ્યો છે. આટલા વર્ષ સુધી વિપક્ષમાં બેસવા છતાં પણ તેમણે ક્યારેય પણ દેશનો વિરોધ કર્યો નથી. દેશની વિરુધ્ધ કામ કર્યુ નથી. પણ કેટલાક લોકોને વિપક્ષમાં બેઠાને થોડાંક જ વર્ષ થયાં છે તેમની કામ કરવાની પધ્ધતિ તો જુઓ, તેમનુ વલણ કેવુ રહ્યુ છે તે આજે દેશ જોઈ રહ્યો છે. સમજી રહ્યો છે. તેમની સ્વાર્થ નીતિની વચ્ચે આત્મનિર્ભર ભારતના માટે સુધારાની પરંપરા ચાલતી રહેશે દેશના સાધનોને બહેતર બનાવવાની પરંપરા દેશના હિતમાં છે. દેશને ગરીબીથી મુક્ત કરવાનુ અભિયાન દેશના હિતમાં જ છે દેશને મજબૂત બનાવવા માટે છે. અને તે નિરંતર ચાલુ રહેશે.
ફરી એક વાર આપ સૌને વિકાસના તમામ પ્રોજેકટ માટે ખૂબ-ખૂબ ધન્યવનાદ પાઠવુ છું.
હું ફરી એકવાર આપને આગ્રહ કરીશ કે સૌ પોતાનુ ધ્યાન રાખે, સ્વસ્થ રહે, સુરશ્રિત રહે. બાબા કેદારની કૃપા આપણા સૌ ઉપર જળવાઈ રહે !
આ ઈચ્છા સાથે આપને ખૂબ-ખૂબ ધન્યવાદ, જય ગંગે !