ભારત માતા કી- જય,
ભારત માતા કી- જય,
ભારત માતા કી- જય.
धेमाजिर हारुवा भूमिर परा अखमबाखीक एई बिखेख दिनटोट मइ हुभेच्छा आरु अभिनंदन जनाइछो !
મંચ પર ઉપસ્થિત આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખીજી, અહીંના લોકપ્રિય યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન સર્વાનંદ સોનોવાલજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી રામેશ્વર તેલીજી, આસામ સરકારના મંત્રી ડૉ. હિમંતા બિશ્વા સરમાજી, રાજ્ય સરકારના અન્ય મંત્રીશ્રીઓ, સાંસદગણ, ધારાસભ્ય ગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા આસામનાં મારા વ્હાલાં ભાઇઓ અને બહેનો.
આ મારું સદનસીબ છે કે આજે મને ત્રીજી વાર ઘેમાજી આવવાનું અને આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું અને દર વખતે અહીંના લોકોની આત્મીયતા, અહીંના લોકોનો લગાવ, અહીંના લોકોના આશીર્વાદ મને વધુને વધુ મહેનત કરવા, આસામ માટે, ઉત્તર-પૂર્વ માટે કઈ ને કઈ નવું કરવાની પ્રેરણા આપતા આવ્યા છે. જ્યારે હું અહીં ગોગામુખમાં ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે નૉર્થ ઇસ્ટ ભારતના ગ્રોથનું નવું એન્જિન બનશે. આજે આપણે આ વિશ્વાસને આપણી નજર સામે ધરતી પર ઉતરતા જોઇ રહ્યા છીએ.
ભાઇઓ અને બહેનો,
બ્રહ્મપુત્રના આ જ ઉત્તરીય કિનારેથી, આઠ દાયકા અગાઉ આસામીઝ સિનેમાને પોતાની યાત્રા, જૉયમતી ફિલ્મ સાથે શરૂ કરી હતી. આ વિસ્તારે આસામની સંસ્કૃતિનું ગૌરવ વધારનાર અનેક વ્યક્તિત્વ આપ્યા છે. રૂપકુંવર જ્યોતિ પ્રસાદ અગ્રવાલ હોય, કલાગુરુ બિષ્ણુ પ્રસાદ રાભા હોય, નચસૂર્ય ફણિ સરમા હોય, એમણે આસામની ઓળખને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. ભારતરત્ન ડૉ. ભૂપેન્દ્ર હજારિકાજીએ ક્યારેક લખ્યું હતું- लुइतुर पार दुटि जिलिक उठिब राति, ज्बलि हत देवालीर बन्ति। બ્રહ્મપુત્રના બન્ને કિનારા દિવાળીમાં પ્રગટાવનારા દીવડાથી ઝગમગ હશે અને કાલે મેં ખાસ કરીને સોશિયલ મીડિયામાં જોયું કે તમે આ વિસ્તારમાં કેવી રીતે દિવાળી મનાવી અને કેવી રીતે હજ્જારો દીવડા પ્રગટાવ્યા. દીવાનો એ પ્રકાશ શાંતિ અને સ્થિરતા વચ્ચે આસામમાં થઈ રહેલા વિકાસની તસવીર પણ છે. કેન્દ્ર અને આસામ સરકાર ભેગા મળીને રાજ્યના સંતુલિત વિકાસમાં જોતરાયેલી છે અને આ વિકાસનો એક મોટો આધાર છે આસામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
સાથીઓ,
નૉર્થ બૅન્કમાં ભરપૂર સામર્થ્ય હોવાં છતાં અગાઉની સરકારોએ આ ક્ષેત્ર સાથે સાવકો વ્યવહાર કર્યો. અહીંની કનેક્ટિવિટી હોય, હૉસ્પિટલ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઉદ્યોગ હોય, અગાઉની સરકારોની અગ્રતામાં દેખાતા જ ન હતા. સબકા સાથ- સબકા વિકાસ અને સબકા વિશ્વાસ આ મંત્ર પર કામ કરતી અમારી સરકારે, સર્વાનંદજીની સરકારે આ ભેદભાવને દૂર કર્યો. જે બોગીબીલ બ્રિજની આ વિસ્તાર વર્ષોથી રાહ જોતો હતો એનું કામ અમારી સરકારે જ ઝડપથી પૂરું કરાવ્યું. નૉર્થ બૅન્કમાં બ્રૉડ ગૅજ રેલવે લાઇન અમારી સરકાર આવ્યા બાદ જ આવી શકી. બ્રહ્મપુત્ર પર બીજો કલિયાભુમુરા બ્રિજ અહીંની કનેક્ટિવિટીને વધુ વધારશે. એને પણ ઝડપથી પૂર્ણ કરાઇ રહ્યો છે. નૉર્થ બૅન્કમાં ચાર-લેનના નેશનલ હાઈવેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. ગત સપ્તાહે જ મહાબાહુ બ્રહ્મપુત્રથી અહીં જળમાર્ગ કનેક્ટિવિટીને લઈને નવા કામોની શરૂઆત થઈ છે. બોંગાઇગાંવના જોગીઘોપામાં એક મોટા ટર્મિનલ અને લૉજિસ્ટિક પાર્ક પર પણ કામ શરૂ થઈ ચૂક્યું છે.
સાથીઓ,
આની જ કડીમાં આજે આસામને 3 હજાર કરોડથી વધુના Energy અને Education ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની એક નવી ભેટ મળી રહી છે. ધેમાજી અને સુઆલકુચીમાં ઇજનેરી કૉલેજ હોય, બોંગઈગાંવમાં રિફાઇનરીના વિસ્તરણનું કામ હોય, દિબ્રુગઢમાં સેકન્ડરી ટેંક ફાર્મ હોય કે પછી તિનસુખિયામાં ગેસ કૉમ્પ્રેસર સ્ટેશન, આ પ્રોજેક્ટ્સ ઉર્જા અને શિક્ષણના હબ સ્વરૂપે આ ક્ષેત્રની ઓળખને મજબૂત કરશે. આ પ્રોજેક્ટ્સ આસામની સાથે જ ઝડપી ગતિથી મજબૂત થતાં પૂર્વી ભારતનાં પ્રતીક પણ છે.
સાથીઓ,
આત્મનિર્ભર બનતા ભારત માટે સતત પોતાના સામર્થ્ય, પોતાની ક્ષમતાઓમાં પણ વૃદ્ધિ કરવી એ અત્યંત જરૂરી છે. વીતેલા વર્ષોમાં અમે ભારતમાં જ, રિફાઈનિંગ અને ઇમરજન્સી માટે ઑઈલ સ્ટૉરેજ કૅપેસિટીને ઘણી વધારે વધારી છે. બોંગઈગાંવ રિફાઇનરીમાં પણ રિફાઇનિંગ કૅપેસિટી વધારાઇ છે. આજે જે ગૅસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ અહીં એલપીજી ઉત્પાદનની ક્ષમતાને વધારનારું છે. આ તમામ પ્રોજેક્ટ્સથી આસામ અને નૉર્થઈસ્ટમાં લોકોનું જીવન સરળ થશે અને યુવાઓને રોજગારની તકો પણ વધશે.
ભાઇઓ અને બહેનો,
જ્યારે કોઇ વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ મળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ બહુ વધી જાય છે. વધતો આત્મવિશ્વાસ વિસ્તારનો પણ વિકાસ કરે છે અને દેશનો પણ વિકાસ કરે છે. આજે અમારી સરકાર એ લોકો, એ ક્ષેત્રો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં અગાઉ સુવિધાઓ પહોંચી નથી. હવે વ્યવસ્થાએ એમને સુવિધાઓ આપવા પર જોર આપ્યું છે. અગાઉ લોકોએ બધું એમના નસીબ પર છોડી દીધું હતું. તમે વિચારો, 2014 અગાઉ, દેશના દર 100 પરિવારોમાંથી માત્ર 50-55 પરિવારો એટલે કે લગભગ અડધાં ઘરોમાં જ એલજીપી કનેક્શન હતું. આસામમાં તો રિફાઇનરી અને અન્ય સુવિધાઓ હોવાં છતાં 100માંથી 40 લોકો પાસે જ ગેસ કનેક્શન ઉપલબ્ધ હતું. 60 લોકો પાસે હતું નહીં. ગરીબ બહેનો-દીકરીઓએ રસોઇ માટે ધુમાડા અને બીમારીના આવરણમાં રહેવું, એમનાં જીવનની બહુ મોટી લાચારી હતી. અમે ઉજ્જવલા યોજનાના માધ્યમથી આ સ્થિતિને બદલી નાખી છે. આસામમાં આજે ગેસ કનેક્શનનો વિસ્તાર હવે લગભગ લગભગ 100% થઈ રહ્યો છે. અહીં બોંગઈગાંવ રિફાઇનરીની આસપાસના જિલ્લાઓમાં જ 2014 બાદ 3 ગણાથી વધારે એલપીજી કનેક્શન વધી ગયા છે. હવે આ વખતના કેન્દ્રીય બજેટમાં 1 કરોડ વધુ ગરીબ બહેનોને ઉજ્જવલાના મફત એલપીજી કનેક્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
સાથીઓ,
ગેસ કનેક્શન હોય, વીજળી કનેક્શન હોય, ખાતર ઉત્પાદન હોય, એમાં તંગીનું સૌથી વધારે નુક્સાન આપણા દેશના ગરીબને, આપણા દેશના નાના ખેડૂતને જ થાય છે. આઝાદીના દાયકાઓ બાદ પણ જે 18 હજાર ગામોમાં વીજળી નહોતી પહોંચી એમાં મોટા ભાગના ગામડાં આસામના હતા, નૉર્થ ઈસ્ટના હતા. પૂર્વી ભારતના અનેક ફર્ટિલાઈઝર કારખાના ગેસના અભાવે કાં તો બંધ થઈ ગયા કાં તો માંદા જાહેર કરી દેવાયા હતા. કોણે ભોગવવું પડ્યું? અહીંના ગરીબે, અહીંના મધ્યમ વર્ગે, અહીંના નવયુવાનોએ, અગાઉ કરાયેલી ભૂલોને સુધારવાનું કામ અમારી સરકાર જ કરી રહી છે. આજે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ પૂર્વી ભારતને દુનિયાની સૌથી મોટી ગેસ પાઈપલાઈનમાંની એક મારફતે જોડવામાં આવી રહ્યું છે. નીતિ સાચી હોય, નિયત સાફ હોય તો નિયત પણ બદલાય છે અને નિયતિ પણ બદલાય જાય છે. ખરાબ નિયતનો ખાત્મો થાય છે અને નિયતી જન જનનું નસીબ પણ બદલે છે. આજે દેશમાં જે ગેસ પાઈપલાઇનનું નેટવર્ક તૈયાર થઈ થઈ રહ્યું છે, દેશના દરેક ગામડાં સુધી ઑપ્ટિકલ ફાઇબર બિછાવાઈ રહ્યા છે, દરેક ઘર સુધી જળ પહોંચાડવા માટે પાઈપ લગાવાઇ રહી છે, આ ભારત માતાના ખોળામાં જે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિછાવાઇ રહ્યા છે એ માત્ર લોખંડની પાઈપ કે ફાઈબર નથી, આ તો ભારત માતાની નવી ભાગ્યરેખાઓ છે.
ભાઈઓ અને બહેનો,
આત્મનિર્ભર ભારતને વેગ આપવામાં આપણા વૈજ્ઞાનિક, આપણા એન્જિનિયર, ટેકનિશિયન્સના સશક્ત ટેલેન્ટ પૂલની મોટી ભૂમિકા છે. વીતેલા વર્ષોમાં દેશમાં એક એવું વાતાવરણ બનાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ જેમાં નવયુવાનો સમસ્યાઓનો ઉકેલ નવી નવી ઈનોવેટિવ પદ્ધતિએ કરે, સ્ટાર્ટ અપ્સ આપે. આજે સમગ્ર દુનિયા ભારતના એન્જિનિયર્સનું, ભારતના ટેક્નોક્રેટ્સનું મહત્વ સ્વીકારે છે. આસામના યુવાનોમાં તો અદભૂત ક્ષમતા છે. આ ક્ષમતાને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર તનતોડ મહેનત કરી રહી છે. આસામ સરકારના પ્રયાસોને કારણે જ આજે અહીં 20થી વધારે એન્જિનિયરિંગ કૉલેજો થઈ ચૂકી છે. આજે ઘેમાલી એન્જિનિયરિંગ કૉલેજના લોકાર્પણ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કૉલેજના શિલાન્યાસથી આ સ્થિતિ વધારે મજબૂત થશે. ધેમાજી એન્જિનિયરિંગ કૉલેજ તો નૉર્થ બૅન્કની પહેલી ઇજનેરી કૉલેજ છે. મને કહેવામાં આવ્યું છે કે આવી જ 3 વધુ એન્જિનિયરિંગ કૉલેજ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દીકરીઓ માટે વિશેષ કૉલેજ હોય, પોલિટેકનિક કૉલેજ હોય કે બીજી સંસ્થાઓ, આસામની સરકાર આ માટે મોટા સ્તરે કામ કરી રહી છે.
ભાઇઓ અને બહેનો,
આસામની સરકાર અહીં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પણ જલદી અમલી કરવા કોશિશ કરી રહી છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો લાભ આસામને, અહીંના જનજાતીય સમાજને, ચાના બગીચામાં કામ કરતા મારા શ્રમિક ભાઈ-બહેનોના બાળકોને બહુ વધારે લાભ થવાનો છે. આનું કારણ એ કે એમાં સ્થાનિક ભાષામાં શિક્ષણ અને સ્થાનિક વ્યવસાય સાથે જોડાયેલ કૌશલ પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક ભાષામાં મેડિકલનું શિક્ષણ હશે, જ્યારે સ્થાનિક ભાષામાં ટેકનિકલ એજ્યુકેશન અપાશે તો ગરીબમાં ગરીબના બાળકો પણ ડૉક્ટર બની શક્શે, એન્જિનિયર બની શક્શે અને દેશનું કલ્યાણ કરશે. ગરીબમાં ગરીબ માતા-પિતાના સપનાં પૂરાં કરી શક્શે. આસામ જેવું રાજ્ય જ્યાં Tea, Tourism, Handloom અને Handicraft આત્મનિર્ભરતાની એક બહુ મોટી શક્તિ છે. એવામાં અહીંના યુવાનો જ્યારે આ સ્કિલ્સને સ્કૂલ અને કૉલેજમાં જ શીખશે તો એનાથી બહુ લાભ થવાનો છે. આત્મનિર્ભરતાનો પાયો અહીંથી જ જોડાવાનો છે. આ વર્ષના બજેટમાં પણ જનજાતીય વિસ્તારોમાં સેંકડો નવી એકલવ્ય મોડૅલની શાળાઓ ખોલવાની જોગવાઇ કરવામાં આવી છે જેનો લાભ પણ આસામને મળશે.
સાથીઓ,
બ્રહ્મપુત્રના આશીર્વાદથી આ ક્ષેત્રની જમીન બહુ જ ઉપજાઉ રહી છે. અહીંના ખેડૂતો પોતાના સામર્થ્યને વધારી શકે, એમને ખેતીની આધુનિક સુવિધાઓ મળી શકે, એમની આવક વધે એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કામ કરી રહી છે. ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાના હોય, ખેડૂતોને પેન્શન માટે યોજના શરૂ કરવાની હોય, એમને સારા બીજ આપવાના હોય, સૉઈલ હેલ્થ કાર્ડ્સ આપવાના હોય, એમની જરૂરિયાતોને સર્વોપરી રાખીને કામ કરાઇ રહ્યું છે. મત્સ્યપાલન પર વિશેષ જોર આપતા અમારી સરકારે મત્સ્યપાલન સાથે સંકળાયેલ એક અલગ મંત્રાલય ઘણાં વખત પૂર્વે બનાવી ચૂકી છે. મત્સ્યપાલનને વેગ આપવા જેટલો ખર્ચ આઝાદી બાદ નથી થયો એનાથી પણ વધારે ખર્ચ અમારી સરકાર કરી રહી છે. મત્સ્ય વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને માટે 20 હજાર કરોડ રૂપિયાની એક બહુ મોટી યોજના પણ બનાવાઇ છે જેનો લાભ આસામના મારા મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા ભાઈઓને પણ મળશે. સરકારનો પ્રયાસ છે કે આસામનો ખેડૂત દેશમના ખેડૂત જે પેદા કરે છે એ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચે. આ માટે અમે કૃષિ સાથે સંકળાયેલા કાયદાઓમાં પણ સુધારા કર્યા છે.
સાથીઓ,
આસામની અર્થવ્યવસ્થામાં નૉર્થ બૅન્કના ટી-ગાર્ડન્સની પણ બહુ મોટી ભૂમિકા છે. આ ટી ગાર્ડન્સમાં કામ કરનારા અમારા ભાઇ-બહેનોનું જીવન સરળ બને, એ અમારી સરકારની સર્વોચ્ચ અગ્રતાઓમાંની એક છે. હું આસામની સરકારની પ્રશંસા કરીશ કે એણે નાના ચા ઉત્પાદકોને જમીનના પટ્ટા આપવાનું અભિયાન પણ ચલાવ્યું છે.
ભાઇઓ અને બહેનો,
જે લોકોએ દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યું, એમણે દિસપુરને દિલ્હીથી બહુ દૂર માની લીધું હતું. આ વિચારને લીધે આસામને બહુ નુક્સાન થયું. પણ હવે દિલ્હી તમારાથી દૂર નથી. દિલ્હી તમારા દરવાજે ઊભી છે. વીતેલા વર્ષોમાં સેંકડો વખત કેન્દ્ર સરકારના પ્રધાનોને અહીં મોકલાયા છે જેથી તેઓ તમારી મુશ્કેલીઓ જાણે, જમીન પર જે કામ થઈ રહ્યું છે એને જુએ અને આપ સૌની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનવી જોઇએ અને એ દિશામાં અમે પ્રયાસ કર્યા છે. હું પણ અનેકવાર આસામ આવ્યો છું જેથી આપની વચ્ચે આવીને આપની વિકાસયાત્રામાં પણ એક સહભાગી બની શકું. અહીંના દરેક નાગરિકને વધારે સારું જીવન આપવા માટે જોઇએ એ બધું જ આસામ પાસે છે. હવે જરૂર એ વાતની છે કે વિકાસનું, પ્રગતિનું કે ડબલ એન્જિન ચાલી રહ્યું છે, જરા એ ડબલ એન્જિનને વધારે મજબૂત કરવાની તક આપની પાસે આવી રહી છે. હું આસામના લોકોને વિશ્વાસ આપું છું કે તમારા સહયોગથી, તમારા આશીર્વાદથી, આસામના વિકાસમાં વધુ ઝડપ આવશે, આસામ વિકાસની નવી ઊંચાઇએ પહોંચશે.
ભાઇઓ અને બહેનો,
હું જાણું છું કે હવે તમે ચૂંટણીની રાહ જોતા હશો. કદાચ મને યાદ છે કે ગત વખતે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે કદાચ ચોથી માર્ચ હતી. આ વખતે પણ મને શકયતા દેખાય છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ જશે. ચૂંટણી પંચનું એ કામ છે અને તેઓ કરશે. પણ મારી કોશિશ રહેશે કે ચૂંટણીની જાહેરાત પહેલાં જેટલી વાર આસામ આવી શકું, પશ્ચિમ બંગાળ જઈ શકું, તમિલનાડુ જઈ શકું, પુડુચેરી જઈ શકું. હું પૂરી કોશીશ કરીશ કે 7 માર્ચ જો આપણે માની લઈએ કે ચૂંટણી જાહેર થઈ તો એ જે પણ સમય મળે એમાં આવવાની કોશિશ કરીશ. ગત વખતે 4 માર્ચે થઈ હતી એટલે એની આસપાસ આ વખતે પણ થઈ શકે. જે પણ હોય, હું આપની વચ્ચે આવવાનો નિરંતર પ્રયાસ કરીશ અને ભાઇઓ અને બહેનો, આજે આટલી મોટી સંખ્યામાં આવીને આપે મને આશીર્વાદ આપ્યા છે. વિકાસની યાત્રા માટે આપે અમારા વિશ્વાસને મજબૂત કર્યો છે. આ માટે હું આપનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને એ જ વિશ્વાસ સાથે ફરી એક વાર આટલી બધી વિકાસની યોજનાઓ માટે આત્મનિર્ભર આસામ બનાવવા માટે, ભારતના નિર્માણમાં આસામના યોગદાન માટે, આસામની યુવ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, આસામના માછીમારો હોય, આસામના ખેડૂતો હોય, આસામની માતાઓ, બહેનો હોય, આસામના મારા આદિવાસી ભાઈઓ અને બહેનો હોય, દરેકના કલ્યાણ માટે આજે જે અનેક યોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ થયું છે, એ માટે પણ આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું. બન્ને મુઠ્ઠી બંધ કરીને મારી સાથે પૂરી તાકાતથી બોલો: ભારત માતા કી- જય, ભારત માતા કી- જય, ભારત માતા કી- જય.