આપ સૌને પ્રવાસી ભારતીય દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. પ્રવાસી દિવસની આ પરંપરામાં આજે, પ્રથમ “પ્રવાસી સાંસદ સંમેલન” એક નવો અધ્યાય ઉમેરી રહ્યું છે. હું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, પેસિફિક ક્ષેત્ર વગેરે વિશ્વના દરેક ખૂણેથી અહિયાં પધારેલા તમામ પ્રવાસી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું.
ભારતમાં આપનું સ્વાગત છે! આપના જ ઘરમાં આપનું સ્વાગત છે.
તમારી જૂની પેઢીઓ, જૂની યાદો ભારતના જુદા જુદા ભાગો સાથે જોડાયેલી છે. તમારા પૂર્વજોમાંથી કેટલાક લોકો વ્યાપાર માટે, કેટલાક લોકો શિક્ષણ માટે ગયા હતા. કેટલાક લોકોને જબરદસ્તી અહીંથી લઇ જવામાં આવ્યા, તો કેટલાકને ફોસલાવીને લઇ જવામાં આવ્યા. અહીંથી તેમના શરીર ભલે જતા રહ્યા હોય, પરંતુ પોતાના મનનો, પોતાની આત્માનો, એક અંશ આ માટી ઉપર મુકીને ગયા હતા. એટલા માટે આજે જ્યારે તમે ભારતના કોઈ એરપોર્ટ ઉપર ઉતરો છો તો તમને આ ધરતી ઉપર જોઇને આત્માનો એ જ અંશ પ્રફુલ્લિત થવા લાગે છે.
એ વખતે ગળું જરા રૂંધાયેલું અનુભવાય છે. કેટલીક લાગણીઓ આંખોમાંથી વહેવા માંગતી હોય છે. તમે તેને રોકવાના ભરપુર પ્રયત્નો કરો છો, પરંતુ તેને રોકી નથી શકતા. તમારી આંખો ભીની થાય છે, પરંતુ તેમાં ભારત આવવાની ચમક પણ અનુભવાય છે. તમારી તે ભાવના હું સમજી શકું છું. તે સ્નેહ, તે પ્રેમ, તે સમ્માન, તે અહીંની માટી, અહીંની હવાની મહેક, જે અંશના કારણે છે તેને હું નમન કરું છું. આજે તમને અહીંયા જોઇને તમારા પૂર્વજોને કેટલી પ્રસન્નતા થઇ રહી હશે, તેનો અંદાજો આપણે સૌ લગાવી શકીએ છીએ. તેઓ જ્યાં પણ હશે, તમને અહીંયા જોઇને સૌથી વધારે ખુશ હશે, પ્રસન્ન હશે.
સાથીઓ,
સેંકડો વર્ષોના કાળખંડમાં ભારતમાંથી જે પણ લોકો બહાર ગયા, ભારત તેમના મનમાંથી ક્યારેય દુર નથી થયું. વિશ્વના જે પણ ભૂ-ભાગમાં તેઓ ગયા, ત્યાં જ સંપૂર્ણ રીતે સ્થાયી બનીને, એ જગ્યાને પોતાનું ઘર બનાવી લીધું.
તેમણે જ્યાં એક તરફ પોતાની અંદર ભારતીયતાને જીવંત રાખી તો બીજી તરફ ત્યાની ભાષા, ત્યાની ખાણીપીણી, ત્યાની વેશ ભૂષામાં પણ સંપૂર્ણ રીતે ભળી ગયા.
ખેલકૂદ, કળા, સિનેમામાં ભારતીય મૂળના લોકોએ વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડી છે. રાજનીતિની વાત કરૂ તો હું જોઈ જ રહ્યો છું કે કઈ રીતે ભારતીય મૂળની એક નાનકડી વૈશ્વિક સંસદ મારી સામે હાજર છે. આજે ભારતીય મૂળના લોકો મોરેશિયસ, પોર્ટુગલ અને આયર્લેન્ડમાં પ્રધાનમંત્રી છે. ભારતીય મૂળના લોકો અન્ય પણ ઘણા દેશોમાં રાજ્યના વડા અને સરકારના વડા રહી ચુક્યા છે. આપણી માટે તે વિશેષ સન્માનની વાત છે કે ગુયાનાના પૂર્વ રાષ્ટ્રપતિજી શ્રી ભરત જગદેવજી આજે આપણી સાથે અહિયાં ઉપસ્થિત છે. આપ સૌ વિશેષ લોકો પણ પોત પોતાના દેશોમાં પ્રમુખ રાજનૈતિક ભૂમિકા અદા કરી રહ્યા છો.
સાથીઓ,
તમારા પૂર્વજોની માતૃભૂમી ભારતને તમારા પર ગર્વ છે. તમારી ઉપલબ્ધિઓ અને તમારી સફળતા અમારા માટે સન્માનનો વિષય છે. તમારા દ્વારા જ્યારે કોઈપણ પદ ગ્રહણ કરવાની વાત મીડિયામાં આવે છે, ક્યાંક તમે ચુંટણી માટે ઉમેદવારીપત્ર પણ ભરો છો તો તેને જોનારા અને વાંચનારા લોકોની સંખ્યા ભારતમાં ઘણી વધારે હોય છે. તમે જ્યાં છો, ત્યાં કઈ રીતે સમગ્ર ક્ષેત્રની જીઓ-પોલીટીક્સને પ્રભાવિત કરી રહ્યા છો, દેશની નીતિઓ બનાવી રહ્યા છો, એ પ્રકારના સમાચારોને અહિયાં લોકો રસથી વાંચે છે. એવી પણ ચર્ચા કરે છે કે જુઓ, કોઈ આપણું તે મહત્વના પદ પર પહોંચી ગયું છે. અમને તે ખુશી આપવા માટે, અમારું ગૌરવ વધારવા માટે તમે અભિનંદનને પાત્ર છો.
ભાઈઓ અને બહેનો,
આપ સૌ લાંબા સમયથી અલગ અલગ દેશોમાં રહો છો. તમે અનુભવ કર્યો હશે કે છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ભારત પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો છે. આપણા પર ધ્યાન વધ્યું છે, વિશ્વનો આપણા પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે, તો તેનું મુખ્ય કારણ એ જ છે કે ભારત પોતે બદલાઈ રહ્યું છે, પરિવર્તિત થઇ રહ્યું છે. આ બદલાવ આર્થિક, સામાજિક સ્તર પર હોવાની સાથે સાથે જ વૈચારિક સ્તર પર આવ્યો છે. “જેવું પહેલા હતું એમ જ ચાલતું રહેશે, કઈ બદલવાનું નથી, કઈ થવાનું નથી” એવી વિચારધારાથી ભારત હવે ખુબ આગળ વધી ગયું છે. ભારતના લોકોની આશાઓ, આકાંક્ષાઓ આ સમયે સર્વોચ્ચ સ્તર પર છે. વ્યવસ્થાઓમાં થઇ રહેલા સંપૂર્ણ પરિવર્તનનું, એક મક્કમ પરિવર્તનનું પરિણામ તમને દરેક ક્ષેત્રમાં જોવા મળશે.
તેનું જ પરિણામ છે કે, વર્ષ 2016-17માં 60 બિલિયન ડોલરનું અભૂતપૂર્વ વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવ્યું. વ્યાપાર કરવાની સરળતાના રેન્કમાં છેલ્લા ત્રણ વર્ષોમાં 42 ક્રમાંકનો સુધારો થયો છે. છેલ્લા બે વર્ષોમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મક અનુસૂચિમાં પણ 32 ક્રમાંકનો સુધારો થયો છે.
છેલ્લા બે વર્ષોમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના આપણા ક્રમાંકમાં 21 સ્થાનનો સુધારો થયો છે.
લોજિસ્ટિકસ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 19 અંકોનો સુધારો થયો છે.
આજે વિશ્વ બેંક, આઈએમએફ, મૂડીઝ જેવી સંસ્થાઓ ભારત તરફ ખુબ હકારાત્મક દ્રષ્ટીએ જોઈ રહી છે.
બાંધકામ, હવાઈ હેરફેર, ખોદકામ, કમ્પ્યુટર સોફ્ટવેર- હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ સાધનો જેવા ક્ષેત્રોમાં અત્યાર સુધી થયેલા કુલ મૂડીરોકાણનું અડધાથી વધુ રોકાણ માત્ર અને માત્ર છેલ્લા ત્રણ વર્ષોમાં જ થયું છે.
આ બધું એટલા માટે થયું છે કારણ કે અમે ભારતની અર્થવ્યવસ્થાના દરેક ભાગમાં દૂર સુધી પહોંચી શકનારા નીતિગત સુધારાઓ લાવી રહ્યા છીએ. “રીફોર્મ ટુ ટ્રાન્સફોર્મ (પરિવર્તન માટે સુધારા)” તે અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. અમારો ઉદ્દેશ્ય છે સમગ્ર વ્યવસ્થાને પારદર્શક અને જવાબદાર બનાવવી, ભ્રષ્ટાચારને મૂળથી નાબૂદ કરવો.
સાથીઓ,
વસ્તુ અને સેવા કર – જીએસટીના માધ્યમથી અમે દેશમાં સેંકડો કરવેરાની જાળને નાબુદ કરી છે, દેશનું આર્થિક એકીકરણ કર્યું છે. ખાણખોદકામ, ખાતર, કાપડ, ઉડ્ડયન, આરોગ્ય, સંરક્ષણ, બાંધકામ, રીયલ એસ્ટેટ, ખાદ્યાન્ન પ્રક્રિયા, એવું કોઈ પણ ક્ષેત્ર નહી હોય જેની અંદર અમે સુધારા ન લાવ્યા હોઈએ.
સાથીઓ,
ભારત આજે વિશ્વનો સૌથી નવયુવાન દેશ છે. નવયુવાનોનાં અસીમ સપનાઓ છે, આશાઓ છે. તેઓ પોતાની ઉર્જા સાચા ક્ષેત્રમાં લગાડે, પોતાની જાત મહેનત પર રોજગારી મેળવે, તે દિશામાં સરકાર સતત કામ કરી રહી છે.
સ્કીલ ઇન્ડિયા મિશન, સ્ટાર્ટ અપ યોજના, સ્ટેન્ડ અપ યોજના, મુદ્રા યોજના આના માટે જ શરૂ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ સ્વરોજગાર માટે આશરે 10 કરોડ સુધીની લોન આના માટે સ્વીકારવામાં આવી છે. લોકોને 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ બેંક બાંહેધરી વિના આપવામાં આવ્યું છે. માત્ર આ જ એક યોજનાએ દેશને લગભગ 3 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો આપ્યા છે. સરકાર 21મી સદીનાં ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માળખાગત બાંધકામ પર, વાહનવ્યવહાર ક્ષેત્ર પર રોકાણ વધારી રહી છે. નીતિઓમાં એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યનાં ભારતને કયા પ્રકારનાં માલવહન જોઇશે. ધોરીમાર્ગ, રેલમાર્ગ, હવાઈમાર્ગ, જળમાર્ગ અને બંદરો એ રીતે વિકસિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ એકબીજાને સહાય કરે, એક બીજાથી જોડાયેલા હોય.
સાથીઓ,
આજે ભારતમાં બમણા કરતા વધારે ઝડપથી નવી રેલવે લાઈનો પાથરવામાં આવી રહી છે, બમણી કરતા વધુ ઝડપથી રેલવે લાઈનોનું વિસ્તૃતિકરણ થઇ રહ્યું છે. બમણી ઝડપે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બમણા કરતા વધુ ઝડપથી પુનઃપ્રાપ્ય ઉર્જાની નવી ક્ષમતાને ગ્રીડ પાવર સાથે જોડવામાં આવી છે.
જ્યાં પહેલા જહાજ ઉદ્યોગમાં માલસામાન હેરફેરનો વિકાસ સાવ નકારાત્મક હતો, ત્યાં જ આ સરકારમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. આ બધા જ પ્રયાસોથી રોજગારના નવા અવસરો ઉભા થઇ રહ્યા છે. સ્થાનિક સ્તર પર નાના નાના ઉદ્યોગોને પણ નવું કામ મળી રહ્યું છે. જેમ કે ઉજ્જવલા યોજનાની વાત કરીએ તો તે માત્ર ગરીબ મહિલાઓને મફત ગેસના જોડાણો આપવા સુધી જ સીમિત નથી.
આ યોજનાથી અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે, રાજ્યોને કેરોસીન મુક્ત બનાવવામાં મદદ મળી છે, પરંતુ તેનો એક અન્ય ફાયદો થયો છે. ઉજ્જવલા યોજના પછીથી દેશમાં રસોઈ ગેસના ડીલર્સ બનાવવામાં આવ્યા છે, ઘરે ઘરે ગેસના સીલીન્ડર લઇ જનારાઓની સંખ્યા વધી છે. એટલે કે સામાજિક સુધારની સાથે સાથે સમાજનું આર્થિક સશક્તિકરણ પણ થઇ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
વસુધૈવ કુટુંબકમની પરંપરામાં વિશ્વાસ રાખનારી આપણી સંસ્કૃતિએ વિશ્વને ઘણું આપ્યું છે. જયારે હું સૌપ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ગયો હતો, ત્યારે મેં વિશ્વની સામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મુક્યો હતો અને આપ સૌ જાણો છે તેમ 75 દિવસથી પણ ઓછા સમયમાં આ પ્રસ્તાવને સર્વ સંમતિથી માત્ર પસાર કરી દેવામાં નહોતો આવ્યો, પરંતુ તેને રેકોર્ડ બ્રેકીંગ સંખ્યામાં, 177 દેશોએ કો-સ્પોન્સર પણ કર્યો. આજે જે રીતે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ દિવસને ઉજવે છે, તે તમારા અને અમારા માટે ગર્વની વાત છે.
સંપૂર્ણપણે જીવન જીવવાની આ પદ્ધતિ વિશ્વને ભારતની સમૃદ્ધ પરંપરાની ભેટ છે.
સાથીઓ,
જળવાયું પરિવર્તનના વિષય પર પેરીસ સંધિના સમયે મેં ફ્રાંસના રાષ્ટ્રપતિની સાથે મળીને આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. હવે તે વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે. તેના માધ્યમથી આપણે સૂર્ય ઉર્જાથી સંપન્ન દેશો સાથે મળીને સૂર્ય તકનિક અને ધિરાણ પ્રવૃત્તિઓ માટે એક વૈશ્વિક મંચ બનાવી રહ્યા છીએ.
પ્રકૃતિની સાથે સંતુલન જાળવીને ચાલવાની આ પદ્ધતિ પણ પૌરાણિક સમયથી ભારતની જ દેન છે.
ભાઈઓ અને બહેનો,
જયારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, કે શ્રીલંકામાં પુર આવ્યું, કે પછી માલદીવમાં જળ સંકટ આવ્યું, તો ભારત સૌપ્રથમ પ્રતિભાવકના રૂપમાં હાજર રહ્યું છે.
જ્યારે યમનમાં સંકટ આવ્યું તો અમે અમારા સાડા ચાર હજાર નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, તો અન્ય 48 દેશોના બે હજાર વ્યક્તિઓને પણ અમે સુરક્ષિત રીતે બાહર કાઢી લાવ્યા હતા.
વિકટ પરિસ્થિતિમાં પણ માનવીય મુલ્યોની જાળવણીની આ પદ્ધતિ ભારતની વસુધૈવ કુટુંબકમની પરંપરાનો ભાગ છે.
સાથીઓ,
2018માં પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિને સો વર્ષ પુરા થશે. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં દોઢ લાખથી પણ વધુ ભારતીય સૈનિકોનો જીવ ગયો હતો. અને આ ત્યારે થયું હતું જ્યારે ભારતને તે યુદ્ધો સાથે પ્રત્યક્ષ રીતે કંઈ લેવા દેવાનું નહોતુ. બંને વિશ્વ યુદ્ધોમાં એક ઇંચ જમીન જેટલું પણ ભારતનું હિત તેમાં નહોતું. વિશ્વએ માનવું પડશે કે, ભારતે કેટલું મોટું બલિદાન આપ્યું હતું. આઝાદી પછી પણ આ પરંપરા ચાલુ રહી છે. યુએન શાંતિ દળમાં સૌથી મોટું યોગદાન આપનારા દેશોમાં ભારત સામેલ છે. માનવીય મુલ્યો અને શાંતિ માટે બલિદાનનો આ સંદેશ વિશ્વને ભારતની દેન છે.
આ નિઃસ્વાર્થ ભાવ, આ ત્યાગ અને સેવાની ભાવના આપણી ઓળખ છે.
આ જ માનવીય મુલ્યના કારણે વિશ્વમાં ભારતની એક વિશેષ સ્વીકૃતિ છે. અને ભારતની સાથે, ભારતીય મૂળના સમાજની તમારી પણ વિશેષ સ્વીકૃતિ છે.
મિત્રો,
હું જ્યારે પણ કોઈ દેશની યાત્રા કરું છું તો મારો એ જ પ્રયત્ન હોય છે કે ત્યાં રહેનારા ભારતીય મૂળના લોકોને જરૂરથી મળું. આ જ યાત્રાઓમાં તમારામાંથી કેટલાક લોકોને મળવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મારા આ પ્રયાસનું સૌથી મોટું કારણ છે કે હું માનું છું વિશ્વની સાથે ભારતના સંબંધો માટે જો સાચા અર્થમાં કોઈ સ્થાયી રાજદૂતો છે તો તે ભારતીય મૂળના લોકો જ છે. અમારો સતત પ્રયાસ છે કે અમે પ્રવાસી ભારતીયો સાથે સતત જોડાયેલા રહીએ, તેમની સમસ્યાઓને ઉકેલીએ.
એક સમયે પ્રવાસી ભારતીયો માટે અલગ મંત્રાલય હતું, પરંતુ અમને પ્રવાસી ભારતીયો પાસેથી પ્રતિક્રિયા મળી કે વિદેશ મંત્રાલયની સાથે સહયોગ સાધવામાં ક્યાંક કોઈ ખામી રહી જાય છે. તમારા પ્રતિભાવો બાદ અમે બંને મંત્રાલયોને ભેળવીને એક બનાવી દીધા. તમને યાદ હશે અગાઉ પીઆઈઓ અને ઓસીઆઈ યોજના જુદી જુદી રહેતી હતી અને મોટા ભાગના લોકોને આમની વચ્ચેનો તફાવતની પણ ખબર નહોતી. અમે આ પ્રક્રિયાને સરળ બનાવી અને બંનેને ભેળવીને એક યોજના બનાવી.
અમારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી માત્ર ભારતીય નાગરિકો જ નહી, પરંતુ પ્રવાસી ભારતીયોની સમસ્યા ઉપર પણ 24 કલાક ને 7 દિવસ નજર રાખે છે, તેઓ તમને સક્રિય જોવા મળશે. તેમના નેતૃત્વમાં વિદેશ મંત્રાલયે પ્રવાસી ફરિયાદોના વાસ્તવિક નિયંત્રણ અને પ્રતિભાવ માટે “મદદ” પોર્ટલની વ્યવસ્થા ઉભી કરી છે. પ્રવાસી ભારતીય દિવસનું આયોજન હવેથી દર એકાંતરા વર્ષે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ પ્રાદેશિક પ્રવાસી ભારતીય દિવસ પણ ઉજવવામાં આવી રહ્યા છે. સુષ્માજી તાજેતરમાં જ સિંગાપુરમાં આવા જ એક સંમેલનમાં ભાગ લઈને આવ્યા છે.
ભાઈઓ અને બહેનો,
આજે અહિયાં જે ઈમારતમાં આપણે સૌ ઉપસ્થિત છીએ, તેને વર્ષ 2016માં 2જી ઓક્ટોબરના રોજ આપ સૌ પ્રવાસી ભારતીયોના નામ પર સમર્પિત કરવામાં આવી હતી. એ અત્યંત સુખદ વાત છે કે આટલા ઓછા સમયમાં જ આ કેન્દ્ર પ્રવાસી ભારતીયો માટે એક હબના રૂપમાં ઉપસી આવ્યું છે. અહિયાં આ ભવનમાં મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલ એક પ્રદર્શન પણ બનાવવામાં આવ્યું છે, હું આપ સૌને આગ્રહ કરીશ કે તમે તેને જરૂરથી જુઓ.
પ્રવાસી ભારતીયોના મન સાથે જોડાવાના આ પ્રયાસોનું પરિણામ આપણને “ભારતને ઓળખો” એટલે કે “નો ઇન્ડિયા” ક્વીઝ સ્પર્ધામાં જોવા મળ્યું છે. આ સ્પર્ધામાં આશરે સો દેશોનાં 5700થી પણ વધુ પ્રવાસી યુવાનોએ ભાગ લીધો છે. ભારત પ્રત્યે તેમનો ઉત્સાહ અને તેમની તલપ, આપણા સૌના માટે ખુબ જ ઉત્સાહજનક છે. તેમના પાસેથી પ્રોત્સાહન લઈને અમે આ વર્ષે તેને હજુ પણ વધુ મોટા પાયે આયોજિત કરી રહ્યા છીએ.
સાથીઓ,
પોત પોતાની કર્મ ભૂમિમાં પ્રગતિ માટે તમારા યોગદાનથી ભારતનું નામ ઊંચું થાય છે. અને ભારતમાં પ્રગતિ અને ઉન્નતિ થવાથી પ્રવાસી ભારતીય સમાજની પ્રતિષ્ઠા વધે છે. ભારતનાં વિકાસ માટે અમારા પ્રયત્નોમાં અમે પ્રવાસી ભારતીયોને અમારા સાથી માનીએ છીએ. નીતિ પંચે ભારતનાં વિકાસ માટે 2020 સુધીનો જે એક્શન એજન્ડા બનાવ્યો છે તેમાં પ્રવાસી ભારતીયોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો,
ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે પ્રવાસી ભારતીયો પાસે અનેક વિકલ્પો છે. સમગ્ર વિશ્વમાં પ્રવાસી ભારતીયો દ્વારા મોકલાયેલ રકમ સૌથી વધુ ભારત મેળવે છે.
ભારતની અર્થવ્યવસ્થામાં આ મહત્વપૂર્ણ યોગદાન માટે અમે વિદેશમાં રહેતા પ્રત્યેક ભારતીયના ઋણી છીએ. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ એક અન્ય માર્ગ છે ભારતમાં રોકાણનો. આજે વિશ્વમાં સીધા વિદેશી મૂડીરોકાણ માટે સૌથી વધુ આકર્ષક વ્યવસ્થા ભારતની છે, તો તેના પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને આ રોકાણને સુવિધા પ્રદાન કરવામાં પ્રવાસી ભારતીયોનો સિંહફાળો છે. હું સમજુ છું કે પોત-પોતાના સમાજમાં તમારી પ્રમુખ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમાં તમે એક ઉદ્દીપકની ભૂમિકા નિભાવી શકો છો. એ જ સંદર્ભમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં પણ ભારતીય મૂળના સમુદાયનું ખુબ મહત્વનું યોગદાન હોઈ શકે છે.
સાથીઓ,
વિશ્વની અનેક મોટી કંપનીઓના સીઈઓ અને વડાઓ આપણા પ્રવાસી ભારતીયો છે. ભારતની અર્થવ્યવસ્થાને તેઓ ખુબ ઝીણવટથી પૂર્વક સમજે છે. એટલા માટે ભારતની વિકાસ યાત્રામાં તેમના મજબુત વિશ્વાસ માટે અમે તેમના આભારી છીએ. તેઓ આ બદલાવનો ભાગ બનવા માંગે છે, પોતાની જવાબદારી નિભાવવા માંગે છે.
વિશ્વ ફલક પર પોતાના ભારતને વધુ ઉપર જતું જોવા માંગે છે. અમે જાણીએ છીએ કે તમારો અનુભવ દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તન માટે કેટલો મહત્વપૂર્ણ છે. તમારો અનુભવ ભારતને મદદ કરી શકે તે માટે “વજ્ર” અર્થાત વીઝીટીંગ એડજંકટ જોઈન્ટ રીસર્ચ ફેકલ્ટી યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ તમે ભારતની સંસ્થાઓમાં એકથી ત્રણ મહિના સુધી કામ કરી શકો છો.
આજે આ મંચ પરથી હું આપ સૌને આહ્વાન કરું છું કે આ યોજના સાથે જોડાવ અને પોતાના દેશમાં અન્ય ભારતીયોને પણ આની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરો. તમારા અનુભવનો ફાયદો, ભારતની યુવા પેઢીને મળશે, તો તમને પણ ખુબ જ સુખદ અનુભૂતિ થશે. ભારતની જરૂરિયાતો, શક્તિઓ અને વિશેષતાઓને વિશ્વ સુધી પહોંચાડવા માટેની જેટલી ક્ષમતા તમારામાં છે, અન્ય કોઈનામાં નથી.
દુનિયાનાં અસ્થિરતાથી ભરેલા વાતાવરણમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનાં મુલ્ય, સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી શકે તેમ છે. વિશ્વમાં આરોગ્ય કાળજીને લઈને ચિંતા વધી રહી છે. તો તમે દુનિયાને તમારી પૌરાણિક સમગ્રતયા જીવન જીવવાની પરંપરા વિષે જણાવી શકો છો. જ્યાં વૈશ્વિક સમાજ જુદા જુદા સ્તરો અને વિચારધારાઓમાં વિભાજીત થઇ રહ્યો છે, ત્યાં તમે ભારતની સૌને સાથે લઈને ચાલવાના સંકલિત તત્વજ્ઞાન – “સૌનો સાથ સૌનો વિકાસ”નું ઉદાહરણ આપી શકો છો. જ્યાં વિશ્વમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિષે ચિંતા વધી રહી છે ત્યાં તમે દુનિયાને ભારતીય સંસ્કૃતિના “સર્વ પંથસમભાવ”નો સંદેશ ફેલાવી શકો છો.
સાથીઓ,
આપ સૌ જાણો છો કે 2019માં પ્રયાગ અલાહાબાદમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. એ પણ આપણા સૌ માટે એક ગૌરવની વાત છે કે, તાજેતરમાં જ કુંભ મેળાને યુનેસ્કોની ‘ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરીટેજ ઓફ હ્યુમનીટીની યાદીમાં સ્થાન મળ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આની વ્યાપક સ્તર પર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મારો આગ્રહ છે કે આવતા વર્ષે જ્યારે તમે ભારત આવો તો એવી તૈયારી સાથે આવો કે પ્રયાગના દર્શન પણ જરૂરથી કરો. તમે તમારા દેશમાં આ ભવ્ય આયોજન વિષે જણાવશો તો તેઓ પણ ભારતીય સંસ્કૃતિની આ ધરોહરથી પરિચિત થશે.
ભાઈઓ અને બહેનો,
વિશ્વની સામે અનેક મોટા પડકારો છે, જેનો સામનો કરવા માટે ગાંધીજીના વિચારો આજે પણ પ્રાસંગિક છે. અહિંસા અને સત્યાગ્રહના માર્ગ પર ચાલીને કોઈપણ વિવાદ ઉકેલી શકાય તેમ છે. ઉગ્રવાદ અને કટ્ટરવાદને ડામનારી કોઈ વિચારધારા છે તો તે છે ગાંધીજીની વિચારધારા, ભારતીય મુલ્યોની વિચારધારા.
મિત્રો,
એક વિકસિત ભારતના નિર્માણ માટે, ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરૂ કરવા માટે, અમે તમારી સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ. આ સંમેલનમાં અમે તમારા અનુભવથી લાભાન્વિત થવા માંગીએ છીએ. ન્યુ ઇન્ડિયાનાં વિકાસ વિષે તમને જણાવવા માંગીએ છીએ, તમારી સાથે જોડાવા માંગીએ છીએ. તમે જ્યાં પણ હોવ, જે પણ દેશમાં રહો, તમારી વિકાસની યાત્રામાં પણ અમે સહભાગી બનવા માંગીએ છીએ.
સાથીઓ,
21મી સદીને એશિયાની સદી કહેવામાં આવી રહી છે. તેમાં નિશ્ચિતરૂપે ભારતની મહત્વની ભૂમિકા છે. આ ભૂમિકાનો પ્રભાવ, ભારતનાં વધતા કદનો પ્રભાવ તમે જ્યાં પણ રહેશો તેને અનુભવ કરશો. ભારતની વિકસી રહેલી અર્થવ્યવસ્થા, ભારતની વધી રહેલી તાકાત જોઇને જ્યારે તમારૂ માથું ઉપર ઉઠશે તો અમે હજી વધારે પરિશ્રમ કરવા માટે પ્રેરિત થઈશું.
ભાઈઓ અને બહેનો,
ભારત એ દેશ છે કે જેણે વિશ્વ ફલક ઉપર હંમેશા હકારાત્મક ભૂમિકા નિભાવી છે. આપણે કોઈપણ દેશ પ્રત્યે પોતાની નીતિને ફાયદા નુકસાનના ત્રાજવે નથી તોલી પરંતુ તેને માનવીય મુલ્યોના પરિમાણથી જોઈ છે.
અમારો વિકાસ સહાય આપવાનું મોડલ પણ “લેવડ-દેવડ”નાં મંત્ર પર આધારિત નથી. પરંતુ આ તે દેશોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ ઉપર નિર્ભર કરે છે. અમારી ન તો કોઈ સંસાધનોનું શોષણ કરવાની ઈચ્છા રહી છે અને ન તો કોઈના ભૂ-ભાગ પર અમારી નજર છે. અમારું લક્ષ્ય હંમેશા ક્ષમતા નિર્માણ અને સંસાધન વિકાસ ઉપર જ રહ્યું છે. દ્વિપક્ષીય, બહુપક્ષીય મંચ, પછી તે કોમનવેલ્થ હોય, ભારત-આફ્રિકા ફોરમ સમીટ હોય, કે પછી ભારત-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન હોય, અમે દરેક મંચ પર સૌને સાથે લઈને આગળ વધવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ.
આસિયાન દેશો સાથેના અમારા સંબંધોને અમે આસિયાન સંગઠનની સાથે સંબંધ વધારીને વધુ મજબૂતાઈ આપી છે. ભારત-આસિયાન સંબંધોનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે તેની ઝાંખી હવેથી કેટલાક દિવસો બાદ ગણતંત્ર દિવસ ઉપર સમગ્ર દુનિયા જોઈ શકશે.
સાથીઓ,
ભારત સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, લોકતાંત્રિક મુલ્યો, સમાવેશીતા, સહયોગ અને ભાઈચારાનો હિમાયતી રહ્યો છે. આ એ જ સૂત્ર છે જે જન-પ્રતિનિધિઓના રૂપમાં તમને તમારા મત સાથે પણ જોડે છે. ભારત વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે યોગદાન આપતું રહે, એ જ અમારો પ્રયાસ છે અને એ જ અમારી પ્રતિબદ્ધતા છે.
મિત્રો,
અમારૂ આમંત્રણ સ્વીકારવા બદલ, પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને અહિયાં આવવા બદલ, હું આપ સૌનો એકવાર ફરી હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું. મને વિશ્વાસ છે કે તમારી સક્રિય ભાગીદારી વડે આ સંમેલન સફળ બનશે. હું આશા રાખું છું કે આવતા વર્ષે પ્રવાસી ભારતીય દિવસમાં તમને લોકોને ફરીથી મળવાનો મને અવસર મળશે. ખુબ ખુબ આભાર!!! જય હિંદ!!!