વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાથી પણ વધારેના રોકાણના 81 પ્રોજેક્ટ્સની આધારશીલા રાખવાના પ્રસંગમાં ભાગ લીધો
કાળજી લેતી સરકાર તરીકે અમારો ઉદ્દેશ લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ હળવી કરવી અને જીવન જીવવાની સરળતામાં સુધારો લાવવાનો છે: વડાપ્રધાન મોદી
ઉત્તર પ્રદેશમાં જે ગતિએ પાંચ મહિનાની અંદર હાલની સરકાર દ્વારા યોજનાઓને આગળ વધારવામાં આવી છે તે અદભુત છે: વડાપ્રધાન મોદી
ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ રોજગારીની નવી તકો પૂરી પાડશે, અને સમાજના વિવિધ વર્ગોને લાભ આપશે: વડાપ્રધાન મોદી
દેવીઓ અને સજ્જનો,
ભગવાન શિવજીનો પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. દેશના અલગ–અલગ ભાગોમાં ભોળાનાથના ભક્તો કાવડ લઈને નિકળી ચૂક્યા છે. એક રીતે જોઈએ તો અત્યારથી લઈને દિવાળી સુધી તહેવારોનો માહોલ હોય છે અને આવી રહેલા તહેવારો માટે હું આપ સૌને અને દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ-ખૂબ શુભકામના પાઠવું છું.
સાથીઓ, તહેવારની સાથે-સાથે દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. ખેતી માટે મોસમની મહેરબાની અર્થવ્યવસ્થા માટે આશાઓથી ભરેલી બની રહે છે, પરંતુ ભારે વરસાદને કારણે દેશના કેટલાક ભાગમાં લોકોને તકલીફ પણ પડી રહી છે. સરકાર દરેક સ્થિતિ પર નજર રાખી રહી છે. રાજ્ય સરકારોની સાથે મળીને પૂરો પ્રયત્ન કરી રહી છે કે સંકટમાં ઘેરાયેલા દરેક દેશવાસી સુધી મદદ પહોંચે.
સાથીઓ, એક સંવેદનશીલ સરકાર હોવાને નાતે હું માનું છું કે સામાન્ય માણસના જીવનને સંકટમાંથી બહાર કાઢવું અને તેને સરળ અને સુગમ બનાવવું તે સરકારની પ્રાથમિક જવાબદારી છે અને તે અમારૂં એક માત્ર ધ્યેય છે. વિતેલા 4 વર્ષોમાં સતત આ જ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને આજે અહિં લખનઉના આ સભાગૃહમાં આપ સૌનું જોડાવું તે પણ તેનો એક ભાગ છે. ગઈ કાલે મને લખનઉમાં અહિંના શહેરી જીવનને સ્માર્ટ અને સુવિધાથી સજજ બનાવવા માટે આયોજિત કાર્યક્રમમાં સામેલ થવાની તક મળી હતી. ઉત્તરપ્રદેશ માટે શહેર અને શહેરો સાથે જોડાયેલી કેટલીક ખાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને બેઘર ગરીબ ભાઈઓ અને બહેનોને તેમના પોતાના ઘરની ચાવી સુપરત કરવાની મને એક તક પ્રાપ્ત થઈ છે. મને એ બાબતનો આનંદ છે કે આજે ઉત્તરપ્રદેશના ખૂણે-ખૂણે પરિવર્તન લાવવા માટે અમે બધા સાથે મળીને સંકલ્પ કરીને આગળ વધવાની દિશામાં પ્રવૃત્ત છીએ.
સાથીઓ પાંચ મહિનામાં આ બીજી વખત ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સાથીઓની સાથે હું અહિંયા લખનઉમાં મળી રહ્યો છું. આ પહેલા ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશ રોકાણકાર શિખર સંમેલનમાં પણ હું આવ્યો હતો અને મને જણાવવામાં આવ્યું હતું કે આ સંમેલન દરમિયાન ઉત્તરપ્રદેશનમાં સવા ચાર લાખ કરોડથી વધારે રોકાણની ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું મને જણાવવામાં આવ્યું હતું. અને મને એ વાતનો આનંદ છે કે આ સંકલ્પને જમીન પર લાવીને સાકર કરવાની આ કડી સાથે આપણે એક મોટુ પગલું ઉઠાવી રહ્યાં છીએ.
મને એ બાબતનો ખ્યાલ આવતો નથી કે અમારા સતીશજી આજે સંકોચથી કેમ બોલી રહ્યાં હતા. ખૂબ નમ્રતા અને વિવેક સાથે, એવું જણાવી રહ્યા હતા, જેમ કે 60 હજાર, ફક્ત 60 હજાર. તમારે ભૂખ વધારે હોય તે મને સારૂ લાગે છે, પરંતુ હું લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહીને આવ્યો છું અને ઔદ્યોગિક ગતિવિધિઓ સાથે જોડાયેલા રાજ્યમાંથી આવ્યો છું. 60હજાર ઓછા નથી હોતા, 60 હજાર કરોડ બહુ જ વધારે છે. તમને અંદાજ નહીં હોય કે તમે કેટલું વધારે મેળવ્યું છે.
હું અહિંના અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છું. તમે એક અકલ્પનીય કામ કર્યું છે. મને ખબર છે કે મૂડી રોકાણમાં કેવી-કેવી વસ્તુઓ અવરોધ પેદા કરતી હો છે. એક કાગળ કોર્ટ કચેરીમાં ચાલ્યો જાય તો બે-બે વર્ષ સુધી કામ અટકી જતું હોય છે. પર્યાવરણવાદીઓ પાસે જાય તો તે ઉપર બેસી જાય છે અને કોઈ અખબાર પાસે પહોંચી જાય તો તે કામ ધક્કે ચડી જાય. સુભાષજી, પછી તો સરકાર પણ ડરી જાય છે અને તેને કામ આપે કે ન આપે, કામ કરવા દે કે ન પણ કરવા દે. તમારી સમગ્ર ટીમ ખૂબ-ખૂબ અભિનંદનને પાત્ર છે. હું એ ખેડૂતોને પણ ધન્યવાદ પાઠવું છું કે તેમણે જ્યાં-જ્યાં જમીનની જરૂર પડી હશે, ત્યાં જમીન આપી હશે. હું એ નાના-નાના ખાતેદારો ત્યાંના તલાટી પણ જે આડે નહીં આવ્યા હોય. ત્યારે જ બધુ શક્ય બન્યુ હશે. દેશને કાં તો પ્રધાનમંત્રી ચલાવી શકે અથવા તલાટી ચલાવી શકે છે અને એ નેતૃત્વની સફળતા છે કે આટલા થોડા સમયમાં મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધી, સમગ્ર ટીમ એક જ દિશામાં વિચારીને આગળ વધી રહી છે.
મને બીજી ખુશી એ વાતની છે કે તમે આ બધુ વસ્તુઓને કોઈની વ્યક્તિગત ભાવના પર નથી છોડી. તમે અલગ-અલગ ક્ષેત્રો માટે પોલિસી બનાવી છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં વસ્તુઓ રાખી છે, કોઈ પણ તેને ઓનલાઈન જોઈ શકે છે અને જેને લાગશે કે ભાઈ, હું પોતે આની સાથે ફીટ થઈ શકું છું તે જ આવશે. આ રીતે નીતિને આધારે ચાલતું રાજ્ય બન્યું છે તે ઉત્તરપ્રદેશની સૌથી મોટી સિદ્ધિ છે અને એટલા માટે જ કૃપા કરીને આ 60 હજાર કરોડને ઓછા ન માનો. તમે ઘણું મેળવ્યું છે. કારણ કે હું આ કામને લાંબા સમયથી કરતો આવ્યો છું અને મને ખબર છે કે તેના માટે કેટલી મહેનત કરવી પડે છે. પરંતુ રાજ્ય માટે કટિબદ્ધતા હોય તો રસ્તો આપોઆપ મળી આવે છે.
બીજી આનંદની વાત એ છે કે જો સાયકલની ટ્યુબમાં યોગ્ય પોઈન્ટ સુધી હવા ભરવામાં આવે તો તે સાયકલ ચાલે છે, પરંતુ ક્યારેક-ક્યારેક એ ટ્યુબમાં એક ખૂણો ફૂલી જાય છે અને ફૂગ્ગો થઈ જાય છે. જો મીટર જોશો તો મીટર તો ઠીક જ લાગશે. પણ હા, હવા ગઈ પણ સાયકલ તો ચાલી જ નથી શકતી. એ હવા જ રૂકાવટ બની જાય છે. મને એ વાતનો આનંદ છે કે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રીજી એ સર્વાંગી વિકાસ પર ધ્યાન આપ્યું છે. ઉત્તરપ્રદેશના દરેક ભૂ-ભાગોને અવસર મળે અને તેનો સંતુલિત વિકાસ થાય. સંતુલિત વિકાસ જ ઉત્તરપ્રદેશની ખૂબ મોટી જરૂરિયાત છે. એકલા નોઇડા, ગાજિયાબાદની દુનિયાથી આંકડાઓતો ઉપર જશે પરંતુ ઉત્તરપ્રદેશની આવશ્યકતાઓ પૂર્ણ નહીં થાય અને આ કામને જે રીતે કરવામાં આવ્યું છે, આજે મને એ વાતનો આનંદ છે કે જનતા સામે દરેક વસ્તુને ઝીણવટ પૂર્વક દર્શાવવામાં આવી છે. હું માનું છું કે આ પહેલ અભિનંદનને પાત્ર જ છે.
કેટલાક લોકો આ સમારંભને શિલાન્યાસ સમારોહ કહી રહ્યા છે. જો કે પરંપરા તો એ જ છે, પરંતુ આ બધુ જોયા પછી હું કહેવા માંગુ છું કે આ એક રેકોર્ડ બ્રેકીંગ (વિક્રમ તોડનારો) સમારોહ છે. આટલા ઓછા સમયમાં જે રીતે કામગીરીને ઝડપથી આગળ વધારવામાં આવી છે, જૂની પદ્ધતિઓને બદલવામાં આવી છે. એવું ઉત્તરપ્રદેશ, હું નથી માનતો કે પહેલાનો કોઈ પણ વ્યક્તિ ઉઠીને પ્રશ્નો કરી શકે, આજે જ વિશ્વાસ પેદા થયો છે, અહિંયા માટે તો આ બિલકુલ નવી વસ્તુ છે અને મને આનંદ છે કે યોગીજીના નેતૃત્વમાં સરકારે રોકાણકારો સાથે સતત સંવાદ જાળવી રાખ્યો છે અને ઇચ્છાશક્તિને મૂડીરોકાણમાં રૂપાંતરિત કરવા માટેનો માહોલ તૈયાર કર્યો છે. ઓનલાઈન એમઓયુ ટ્રેકર હોય કે પછી નિકાલ માટે નિવેશમિત્ર જેવું સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ હોય, આ બદલાતી જતી કાર્ય સંસ્કૃતિ અને ઉત્તરપ્રદેશમાં બિઝનેસ માટે બનેલું યોગ્ય વાતાવરણ દર્શાવે છે. એક એવો સમય હતો કે જ્યારે રોકાણ કરનાર સમુદાય અહીં રોકાણ કરવાની બાબતને એક પડકાર માનતો હતા. આ પડકાર અવસરના રૂપમાં સામે ઉભરી આવી છે. અવસર રોજગારનો હોય, વ્યાપારનો હોય, સારા રસ્તાઓનો હોય, પૂરતી વીજળીનો હોય, બહેતર વર્તમાન અને ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય હોય. આજનું આ આયોજન ઉત્તરપ્રદેશ પર વધતા જતા વિશ્વાસનું પ્રતિક બન્યું છે, ઉત્થાનનું પ્રતિક છે, ઉત્તરપ્રદેશના વિકાસનું પ્રતીક છે. મને આશા છે કે જે ઝડપથી તમે આગળ વધી રહ્યા છો તેનાથી ઉત્તરપ્રદેશને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો આર્થિક પડકાર પાર કરવામાં વધારે સમય નહીં લાગે એમ મારો આત્મા કહે છે. ઉત્તરપ્રદેશ સરકારને ઉદ્યોગ જગતના આપ સૌ સાથી મિત્રોને આ કટિબદ્ધતા માટે ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
આપણે એવા લોકો નથી કે જે ઉદ્યોગકાર પોતાની પડખે ઉભા હોય તો તેનાથી ડરતા રહીએ, નહીં તો તમે કેટલાક લોકોને જોયા હશે, તેમની ઉદ્યોગપતિઓ સાથેનો તેમનો એક ફોટો પણ નહીં મેળવી શકો.પરંતુ દેશના ઉદ્યોગપતિ એવા ન હોવા જોઈએ કે જેમણે તેમના ઘરમાં જઈને સાષ્ઠાંગ દંડવત ન કર્યા હોય. આ અમરસિંહ અહિંયા બેઠેલા છે. તેમની પાસેનો તમામ ઇતિહાસ એ કાઢી આપશે. પરંતુ જ્યારે આપણી નિયત સાફ હોય, ઈરાદા નેક હોય તો કોઈની પણ સાથે ઉભા રહેવાથી દાગ નથી લાગતો. મહાત્મા ગાંધીનું જીવન કેટલું પવિત્ર હતું, તેમને બિરલાજીના ઘર- પરિવારની સાથે જઈને રહેવામાં ક્યારેય કોઈ સંકોચ નહીં થયો હોય. જે લોકોને જાહેરમાં મળવું નથી, અને પરદાની પાછળ બધુ જ કરવું છે એ લોકો ડરતા રહે છે. જો ભારતના નિર્માણમાં એક ખેડૂતની મહેનત કામ કરે છે, એક મજૂરની મહેનત કામ કરે છે એ જ રીતે દેશના ઉદ્યોગકારોની પણ દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે તેમને અપમાનીત કરીશું, ચોર- લૂટારા કહીશું, આ કેવી રીત છે. હા, જે ખોટુ કરતું હશે તેણે દેશ છોડીને ભાગી જવું પડશે અથવા તો જેલમાં જીંદગી ગુજારવી પડશે. પરંતુ આવું એટલા માટે થતું નહોતું કે પડદાની પાછળ ઘણું બધુ થતું હતું. કોના જહાજમાં આ લોકો ઘૂમતા હતા, ખબર તો છે ને! અને એટલા માટે દેશને આગળ વધારવા માટે દરેકના સાથ અને સહયોગની જરૂર છે અને દેશના સવા સો કરોડ નાગરિકોને સન્માન આપવું તે આપણા સૌ દેશવાસીઓની જવાબદારી છે. જે પ્રોજેક્ટસ આજે શરૂ થયા છે તેમાં ભવિષ્યમાં બે લાખથી વધુ યુવાનોને સીધી રોજગારી પ્રાપ્ત થવાની છે અને એથી પણ આગળ વધીને જ્યાં આ ઉદ્યોગો સ્થપાશે ત્યાં ફેક્ટરીઓ બનશે, તેનાથી ત્યાંના લોકોને અપ્રત્યક્ષ રોજગારી પણ મળશે. આ યોજનાઓથી ખેડૂત હોય, કામદાર હોય, યુવાન હોય, દરેકે-દરેકને લાભ મળવાનો છે.
સાથીઓ, મેં ઉત્તરપ્રદેશની 22 કરોડ જનતાને વચન આપ્યું હતું કે તેમના પ્રેમને હું વ્યાજ સહિત પાછો આપીશ. આજે અહિંયા જે યોજનાઓ શરૂ થઈ રહી છે તે વચનબદ્ધતાનું એક મહત્વપૂર્ણ અને નક્કર કદમ છે. આ પ્રોજેક્ટસ ઉત્તરપ્રદેશમાં આર્થિક અને ઔદ્યોગિક અસમાનતાને દૂર કરવામાં પણ સહાયક બનશે, કારણે કે રાજ્યના કેટલાક વિશેષ ક્ષેત્રો પૂરતા તે સિમિત નથી. તેમનું વિસ્તરણ નોઇડા, ગ્રેટર નોઇડા, મેરઠ, મુઝફ્ફરનગરથી માંડીને ઝાંસી, હરદોઈ, અમેઠી, રાયબરેલી અને જોનપુર, મિરઝાપુર, ગોરખપુર સુધી ફેલાયેલુ છે. આ પ્રોજેક્ટસ ડિજિટલ ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયા ઝૂંબેશને એક નવી જ દિશા આપવાની બાબતે પણ ખૂબ મોટું પગલું પુરવાર થવાનું છે. આ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરપ્રદેશના વિકાસને નવી ગતિ, નવી દિશા અને નવયુવાનોને નવી તક આપનાર બની રહેશે. તે અમારી સરકારના એક વ્યાપક આયોજનના હિસ્સા સમાન છે. તે અંતર્ગત અમે ડિજિટાઈઝેશનની સાથે સાથે સામાન્ય માનવીના જીવનને સરળ બનાવવા માંગીએ છીએ. અમે એક એવી વ્યવસ્થા ઉભી કરવા માંગીએ છીએ કે જેમા કોઈપણ પ્રકારના ભેદભાવને અવકાશ ન હોય, પ્રક્રિયામાં ગતિ દેખાય અને સંવેદનશીલતા પણ દેખાય. નહીં પોતાનું કે નહીં પારકું, નાનુ પણ નહીં અને મોટુ પણ નહીં. આ બધા સાથે સમાન વ્યવહાર, એટલે કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ.’
સાથીઓ, ઝડપી અને પારદર્શક રીતે સેવાઓ સુનિશ્ચિત બને તે માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાન આજે વ્યાપક ભૂમિકા ભજવી રહ્યું છે. ગામડે-ગામડે ફેલાયેલા ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર આજે આપણાં ગ્રામીણ જીવનને બદલી રહ્યા છે. ટિકિટ બુકીંગ, વીજળી, ટેલિફોન બીલ, ટેલિ મેડિસીન, જનઔષધિ, આધાર સેવા જેવી સેંકડો સેવાઓ માટે હવે સરકારી કચેરીના ચક્કર કાપવા પડતાં નથી. ગામમાં કોમન સર્વિસ સેન્ટર હોય છે કે પછી શહેરોમાં ફ્રી વાઈ-ફાઈ હોટસ્પોટ હોય, વાજબી મોબાઈલ ઈન્ટરનેટ હોય આ બધુ ગરીબ અને મધ્યમ વર્ગના જીવનને સરળ બનાવવામાં ખૂબ મોટી મદદ કરી રહ્યું છે.
સાથીઓ, સૂચના પ્રૌદ્યોગિકી ઉદ્યોગ વર્ષોથી આપણી તાકાત બની રહ્યો છે. આ ક્ષેત્રની નિકાસ વિક્રમ સ્તરે છે. 40લાખથી વધુ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, પરંતુ દેશની આ તાકાત મોટા શહેરો, મેટ્રો શહેરો સુધી જ સિમીત રહી ગઈ છે. અમારી સરકાર આ તાકાતને દેશના નાના શહેર અને ગામડાં સુધી પહોંચાડવાનાં સંકલ્પ સાથે કામ કરી રહી છે.
સાથીઓ, ટૂકડામાં વિચારવાની સરકારી પરંપરા હવે સમાપ્ત થઈ ચૂકી છે. હવે ટૂકડાઓ ખતમ કરીને પરિણામો અને તેના સંકલનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. સરકારની એક યોજના, એક એક્શનને એક-બીજા સાથે સીધુ જોડાણ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને મેક ઈન ઇન્ડિયા તેનું બહેતર ઉદાહરણ છે. આજે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ લેવડ-દેવડનો પણ જે રીતે પ્રસાર કરી રહી છે તેની પાછળ સસ્તા મોબાઈલ ફોન પણ એક કારણ છે. મોબાઈલ ફોન એટલા માટે સસ્તા થયા છે કારણ કે જ્યારે ભારતમાં મોટા પાયે ફોનનું ઉત્પાદન થવા માંડ્યું ત્યારે આપણે આ ક્ષેત્રમાં બીજા નંબરે પહોંચી ચૂક્યા છીએ અને મને આનંદ છે કે ઉત્પાદનની આ ક્રાંતિની આગેવાની ઉત્તરપ્રદેશ લઈ રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં લગભગ 50થી વધુ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ આજે કામ કરી રહી છે. દુનિયાના સૌથી મોટા ઉત્પાદન એકમની હમણાં જ ઉત્તરપ્રદેશમાં શરૂઆત થઈ છે. આજે પણ અહિંયા જે નવી ફેક્ટરીઓનો શિલાન્યાસ થયો છે તેમાં મોબાઈલ ઉત્પાદન સાથે જોડાયેલી ફેક્ટરીઓનો પણ સમાવેશ થાય છે.
સાથીઓ, આજે જે વાતાવરણ બની રહ્યું છે તેના માટે વિતેલા 4 વર્ષમાં સરકારે અનેક નિર્ણયો લીધા છે. સીધા વિદેશી મૂડી રોકાણ સાથે સંકળાયેલો નિર્ણય હોય, કે પછી દેશમાં ઉત્પાદન થાય તે માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય હોય કે પછી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો નિર્ણય હોય, ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ પેદા કરવામાં આ બધુ સહાયક બની રહ્યું છે. વર્ષોથી જે જીએસટી અટકી પડેલો હતો તેણે દેશને કરવેરાની જાળથી મુક્ત કરવાનું કામ કર્યું છે અને તેનો ફાયદો પણ ઉદ્યોગ જગતને થયો છે.
વિતેલા વર્ષમાં દેશમાં મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ મોટું અને મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જાહેર ખરીદીને અગ્રતાથી માંડીને મેક ઈન ઇન્ડિયા સુધીના આદેશ વડે સરકારે તમામ વિભાગો માટે ખરીદવામાં આવી રહેલી વસ્તુઓ અને સેવાઓ સ્થાનિક સ્રોત વડે જ ખરીદવા પર ભાર મૂક્યો છે. ‘મેડ ઈન ઇન્ડિયા’ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ આદેશનો લાભ દેશના લઘુ ઉદ્યોગોને પણ મળી રહ્યો છે.
વિતેલા એક વર્ષમાં અહિંયા યોગીજીના નેતૃત્વમાં જે પરિવર્તન આવ્યું, નીતિઓ બની, અપરાધો પર અંકુશ આવ્યો તેનાથી પણ ઉત્તરપ્રદેશને બેવડો લાભ થયો છે. સાથીઓ, ભાજપ સરકાર, સમગ્રલક્ષી વિઝન, વ્યાપક કાર્યવાહીના અભિગમ વડે કામ કરી રહી છે.
આ મંચ પરથી હું અહિં હાજર રહેલા ઉદ્યોગ જગતના તમામ સાથીદારોને, આપ સૌને અને તમામ રોકાણકારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે પ્રગતિની અમારી આ જે દોડ છે તે મારા માટે તો એક શરૂઆત છે. ખૂબ દોડવાનું બાકી છે, તેજ ગતિએ દોડવાનું છે, તમે રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું એકમ છો, તમારો સંકલ્પ દેશના કરોડો નવયુવાનોના સપના સાથે જોડાયેલો છે. આ સપનાંઓને સાકાર કરવા માટે જે પણ નિર્ણય કરવા પડશે તે ભવિષ્યમાં પણ ખૂબ જ મજબૂતીથી બધાને સાથે રાખવાનો પણ અમારો ઈરાદો છે અને એ માટેની તાકાત પણ છે.
જેમ-જેમ માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા અમારા મોટા પ્રોજેક્ટ તૈયાર થતા જશે તેમ-તેમ દેશમાં મૂડી રોકાણ કરવાનું ખૂબ જ વધારે સરળ થવાનું છે. ખાસ કરીને મલપરિવહન ક્ષેત્રમાં થનારો ખર્ચ ખૂબ જ ઓછો થશે. આગામી યુગની માળખાગત સુવિધાઓ વડે સામાન્ય વ્યક્તિની સાથે-સાથે ઉદ્યોગ જગતને પણ ખૂબ જ લાભ થવાનો છે.
સાથીઓ, સૂચના પ્રૌદ્યોગિકી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વગેરે માટે ઉત્તરપ્રદેશમાં ઘણી જ સંભાવનાઓ છે. અહીંના એમએસએમઈ ક્ષેત્રને પણ આવનાર સમયમાં આ નવી માળખાગત સુવિધાઓનો લાભ મળવાનો છે. અહિંના નાના વેપારીઓ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારોને મારો આગ્રહ છે કે જો તમે હજુ પણ રોકડેથી વ્યવહાર કરતાં હો તો ડિજિટલ લેવડ-દેવડ તરફ આગળ વધો.
સાથીઓ, સ્થિર વિકાસ અને સતત પ્રયાસ જ સવા સો કરોડ ભારતવાસીઓના સપનાંને સાકાર કરનાર બની રહેશે. આપણે જ્યારે સ્થિર વિકાસની વાત કરીએ છીએ ત્યારે વીજળીની વ્યવસ્થા તેનો એક ખૂબ જ મહત્વનો ભાગ બની રહે છે. સસ્તી અને સતત વીજળી સામાન્ય જીવનની મૂળભૂત આવશ્યકતા છે અને કૃષિ તેમજ ઉદ્યોગ માટે પણ વીજળી એટલી જ અનિવાર્ય છે. એટલા માટે જ સરકાર વીજળી પર ખૂબ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આજે પરંપરાગત ઊર્જા તરફથી દેશ હરિત ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ખાસ કરીને સરકાર સૌર ઊર્જા પર વિશેષ ધ્યાન આપી રહી છે.ઈન્ટરનેશનલ સોલરએલાયન્સ માટેની અમારી પહેલને આજે સમગ્ર દુનિયામાં સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. સૌર ઊર્જાના ક્ષેત્રમાં પણ ઉત્તરપ્રદેશ ખૂબ મોટું મથક બનવાનું છે. મિરઝાપુરમાં જ થોડાક મહિના પહેલાં એક ખૂબ મોટા પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આજે વધુ એક પ્લાન્ટનું ભૂમિપૂજન અહિં કરવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો. આજે ભારતની જ નહીં, આફ્રિકા સહિત દુનિયાના અનેક વિકાસશીલ દેશો પણ સૌર તકનીક, સૌર પંપ જેવા મશીનોની જરૂરિયાત અનુભવે છે. આપ સૌને મારો આગ્રહ છે કે શુદ્ધ અને હરિત ઊર્જા ક્ષેત્રે ભારતમાં જે વાતાવરણ બની રહ્યું છે અને જે અદભુત માહોલ ઉભો થયો છે અને વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ પ્રાપ્ત કરવા માટે આપણાં ઉદ્યોગ જગતના સાથીઓએ આગળ આવવાની જરૂર છે.
સાથીઓ, વીજળીના ઉત્પાદનથી માંડીને ઘેર-ઘેર વીજળી પહોંચાડવાનું કામ આજે અભૂતપૂર્વગતિએ આગળ વધી રહ્યું છે. વર્ષ 2013-14માં જ્યારે આપણી ઊર્જાની ઊણપ 4.2 ટકા હતી તે 4 વર્ષની અંદર જ આજે આપણી આ ઊણપ 1 ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ છે. કોલસાનું નામ સાંભળતા જ, જે કોલસો ક્યારેક કાલિખનું કારણ બનતો હતો તે આજે વિક્રમ સ્તરે પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે કોલસાની અછતને કારણે કોઈ પાવર ગ્રીડ નિષ્ફળ જતી નથી.
આટલું જ નહીં, વીજળી ક્ષેત્રે જે પણ સુધારા કરવામાં આવ્યા છે તેમાં દેશ અને દેશના સામાન્ય લોકોના હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે.
‘ઉદય યોજના’એ વીજળીનું વિતરણ કરતી કંપનીઓને નવજીવન આપ્યું છે. ‘ઉજાલા’ યોજના હેઠળ ઘર ઘરમાં જે એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે તેનાથી ત્રણ વર્ષના ગાળામાં વીજળીના બિલમાં, લગભગ અને એ ખાસ કરીને મારા મધ્યમ વર્ગના પરિવારો કે જે વીજળીના ગ્રાહકો છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જે સ્ટ્રીટ લાઈટની વીજળીનું બીલ ભરે છે તેમના બીલમાં વિતેલા 3 વર્ષમાં 50 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. 50 હજાર કરોડ રૂપિયા અને આ 50 હજાર કરોડ રૂપિયાની કોઈ રાહત મોદીએ જાહેર કરી હોત તો કદાચ એક અઠવાડિયા સુધી વાહ વાહ મોદી, વાહ વાહ એવી હેડ લાઈન બની હોત. અમે યોજના એવી બનાવી કે લોકોના ખિસ્સામાંના રૂ. 50 હજાર કરોડ બચે. દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેની ખાતરી જ્યારે સાફ નિયતથી કામ કરવામાં આવે છે ત્યારે એ બાબતની ખાતરી થાય છે કે સહી વિકાસ પણ થયો છે.
સાથીઓ, આજે દેશમાં વીજળીની ઉપલબ્ધિ ખૂબ જ સરળ થઈ ગઈ છે. વિશ્વ બેંકના વીજળી મળવાની સરળતાના ક્રમાંકમાં ભારતે વિતેલા 4 વર્ષમાં લગભગ 82 અંકની છલાંગ લગાવી છે અને એટલો સુધારો થયો છે કે આજે દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. આગામી વર્ષમાં માર્ચ સુધીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાના ધ્યેય સાથે આપણે ઝડપી ગતિએ આગળ વધી રહ્યાં છીએ.
કેટલાક લોકો આપણી પાછળ પડી ગયા હોય ત્યારે હું ઘણી વાર હેરાન થઈ જાઉં છું. આપણે કહ્યું કે આવુ કર્યું તો એ લોકો કહે છે કે ના નથી. પરંતુ જે લોકો મોદીની ટીકા કરે છે તે લોકો લખી રાખે કે તમે જ્યારે મોદીની ટીકા કરવા માટે બાબતો શોધી રહ્યા હો ત્યારે 70 વર્ષથી આવી બાબતો પડી રહી હતી. જો નિકળશે તો તેની વાત પણ નિકળશે. મારી પાસે 4 વર્ષ છે અને બીજા લોકોના ખાતામાં 70 વર્ષ છે. હવે પછીનું અમારૂં લક્ષ દેશને અવરોધ વગર વીજળી પૂરી પાડવાનું છે. તેના માટે ટ્રાન્સમિશનનું નેટવર્ક પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
આજે જે ઘાટમપુર-હાપુડ ટ્રાન્સમિશન લાઈનની શિલારોપણ વિધિ કરવામાં આવી છે તે આ યોજનાનો એક હિસ્સો છે. ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોના સમય દરમિયાન જે રીતે ટ્રાન્સમિશનની વ્યવસ્થા જર્જરીત બની ગઈ હતી તેમાં એક નવો પ્રાણ ફૂંકવા માટે યોગીજીની સરકારને પૂરૂ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, ઉત્તરપ્રદેશના લખનઉથી લાંબા સમય સુધી સાંસદ રહ્યા છે તે અમારા શ્રદ્ધેય દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપેયીજી કહેતા રહેતા હતા કે તેઓ એવું ભારત જોવા માંગે છે કે સમૃદ્ધ હોય, સક્ષમ હોય અને સંવેદનશીલ પણ હોય. જ્યાં શહેરો અને ગામડાંઓ વચ્ચે અંતર ન હોય, જ્યાં કેન્દ્ર અને રાજ્યમાં શ્રમ અને મૂડીમાં શાસન અને નાગરિક વચ્ચે કોઈ અંતર ન હોય.
અટલજીએ તો માત્ર સપનું જોયુ હતું, પરંતુ તેને સાકાર કરવા માટેનો તેમનો રોડ મેપ પણ સ્પષ્ટ છે. અટલજીએ ક્યારેક કહ્યું હતું કે સડકો, હાથની રેખાઓ જેવી હોય છે અને આ વિચારધારાનું પરિણામ એ છે તેમણે માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અટલજીની આ વિચારધારાને 21મી સદીની આવશ્યકતાઓ મુજબ આગળનાં સ્તરે લઈ જવાનો પ્રયાસ અમારી સરકાર પૂરી તાકાત સાથે કરી રહી છે.
ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલ જેવો દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે હોય કે બુંદેલ ખંડમાં સંરક્ષણ ઉદ્યોગ કોરિડોરની સ્થાપના હોય. આ પ્રકારના તમામ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવાની કોશિષ કરવામાં આવી રહી છે. સાથીઓ, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઉત્તમ પ્રણાલિ કામ કરતી હોય, બહેતર સુવિધા પ્રાપ્ત હોય તો તેને માટે, આપણાં યુવાન સાથીઓ સુધી અને દેશના સવા સો કરોડ નાગરિકો સુધી પહોંચાડવા માટે આ સરકાર શક્ય તેટલા તમામ પ્રયાસ કરી રહી છે. કોટી-કોટી લોકોની આકાંક્ષાઓને જન ભાગીદારીથી પૂર્ણ કરવાનો જ અમારો રોડ મેપ છે, એ ન્યૂ ઇન્ડિયાનો રોડ મેપ છે, ઉત્તરપ્રદેશ માટે, દેશ માટે તમે જે કાંઈ કામ કરી રહ્યા છો તે બદલ હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમારૂં અભિવાદન કરૂં છું.
હું છેલ્લા એક બે મહિના પહેલાં મુંબઈ ગયો હતો. ત્યાં મને મુંબઈના ઉદ્યોગજગતના લોકોએ બોલાવ્યો હતો. લોકો બોલાવે તો છે, પરંતુ કહેવાની હિંમત નથી કરતા કે અમે બોલાવ્યા છે. મેં તેમની સામે પ્રેઝન્ટેશન આપ્યું કે તમે આટલા મોટા અમીર લોકો છો, આટલા મોટા ઉદ્યોગો ચલાવો છો, આટલો મોટો વેપાર કરો છો, પરંતુ આપણા દેશમાં આ જે ઉદ્યોગજગત છે, સમગ્ર વિશ્વ જેટલું મોટુ છે. કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગજગતનું મૂડી રોકાણ માત્ર ને માત્ર એક ટકા જેટલું જ છે, જે દુનિયાનાં કોઈ દેશમાં આટલા ઓછા પ્રમાણમાં નહીં હોય અને મેં પૂરો અડધો દિવસ વાત કરીને તેમને જણાવ્યું કે આપણા ઉદ્યોગજગતનું મૂડી રોકાણ કૃષિ ક્ષેત્ર માટે કેવી રીતે આવી શકે અને આ 1 ટકામાં પણ કેવું મૂડી રોકાણ થાય છે. તેમાં ટ્રેકટર બનાવનારા કે યૂરિયાનું ઉત્પાદન કરનાર વધુ લોકો છે. ખેડૂતોને સીધો લાભ મળે તેવું રોકાણ કરવા મેં ઉદ્યોગ જગતના લોકોને આગ્રહ કર્યો છે. વિષયો પણ સમજાવ્યા છે. મૂલ્ય સંવર્ધન કેવી રીતે થઈ શકે, ખેતી માટેની ટેકનોલોજી કેવી રીતે લાવી શકાય, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, પેકેજીંગ જેવા ઘણાં એવા વિષયો છે કે જે કૃષિ ઉત્પાદનને ઘણો લાભ પહોંચાડી શકે તેમ છે. અને તે દિશામાં કામ કરવા માટે મેં દેશના ઉદ્યોગકારોને વિશેષ આગ્રહ કર્યો છે કે તમે તમારે ત્યાં પણ એક નાની સરખી બ્રેઈન સ્ટોર્મીગ ટીમ બનાવો. એક એવી ટીમ પણ બનાવો કે તે વિચારે કે ક્યાં ક્ષેત્રોમાં કામ કરી શકાય તેમ છે. દેશના કૃષિ જગતમાં જેટલું ઔદ્યોગિક મૂડી રોકાણ લાવી શકીશું તેટલી આપણા દેશના ખેડૂતોની તાકાત વધશે. ક્યારેક-ક્યારેક આપણી ઉપજ એટલી હદે નષ્ટ થઈ જતી હતી અને જે રીતે હમણાં સૂરીજીએ જણાવ્યું એ મુજબ હવે આપણાં દેશમાં જે ફળો પેદા થાય છે તેના પલ્પમાંથી જ્યુસ બનાવીને વેચવાનો અમે નિર્ણય કર્યો છે. એનો અર્થ એ થયો કે ખેડૂતને લાભ થવાનો છે અને જે વ્યક્તિ જ્યુસ પીવાનો છે તે પણ મજબૂત થવાનો છે અને તે મજબૂત થશે તો દેશ પણ મજબૂત થશે.
મારા કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે ગ્રામીણ જીવનની સાથે-સાથે આ ઉદ્યોગોને કેવી રીતે લાવવામાં આવે, નાની-નાની વસ્તુઓનું ઉત્પાદન કરીને ગામડાંઓમાં કેવી રીતે લઈ જઈ શકાય તે આવનારા સમયમાં ખૂબ જ આવશ્યક બની રહેશે. અને હું તે બાબત પર જ ભાર મૂકી રહ્યો છું અને સૌને જણાવી રહ્યો છું, મને વિશ્વાસ છે કે આ બધી બાબતોનું પરિણામ મળશે. મને વિશ્વાસ છે કે આજે જે રીતે 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટસ જમીન પર ઉતરી આવ્યા છે અને બાકીના પ્રોજેક્ટનો સંકલ્પ, યોગીજી જે રીતે કહી રહ્યા છે તે મુજબ 50 હજાર કરોડનું કામકાજ તો લગભગ પૂર્ણ થવાને આરે છે. મને વિશ્વાસ છે કે તેમણે જાતે ઘણું મોટું કામ કર્યું છે. આ માટે તમારી સમગ્ર ટીમ વધુ એકવાર અભિનંદનને પાત્ર છે.
મારા તરફથી આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ અને ઉત્તરપ્રદેશના સાંસદ હોવાને નાતે ઉત્તરપ્રદેશના વિકાસના સમાચારથી મને ખૂબ જ ખુશી થતી હોય છે. અને મારી એ જવાબદારી પણ બની રહે છે અને ઉત્તરપ્રદેશના લોકોનો મારા પર અધિકાર પણ બને છે અને એટલા માટે જ હું અહિં બે વખત આવું, પાંચ વખત આવું કે પંદર વખત આવું. હું તમારો જ છું, હું આવતો નથી, હું તો તમારામાંનો જ છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.