નમસ્કાર.
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલજી, રાજ્યના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, યુપી સરકારના અન્ય મંત્રીઓ, સંસદમાં મારા સહયોગીઓ, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
પોતાના પરાક્રમથી માતૃભૂમિનું માન વધારનારા રાષ્ટ્રનેતા મહારાજા સુહેલદેવની જન્મભૂમિ અને ઋષિ મુનિઓએ જ્યાં તપ કર્યાં છે, તે બહરાઇચની આ પાવન ભૂમિને હું આદરપૂર્વક નમન કરું છું. વસંત પંચમીની આપ સહુને સંપૂર્ણ દેશને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા સરસ્વતી ભારતના જ્ઞાન-વિજ્ઞાનને વધુ સમૃદ્ધ કરે તેવી પ્રાર્થના. આજનો દિવસ, વિદ્યા આરંભ અને અક્ષર જ્ઞાન માટે ખૂબ શુભ દિવસ માનવામાં આવે છે. આપણે ત્યાં કહેવાયું છે -
सरस्वति महाभागे विद्ये कमललोचने।
विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते॥
એટલે કે, હે મહાભાગ્યવતી, જ્ઞાનરૂપા, કમળ સમાન વિશાળ નેત્રવાળી, જ્ઞાનદાત્રી સરસ્વતિ, મને વિદ્યા આપો, હું આપને નમન કરું છું. ભારતની, માનવતાની સેવા માટે રિસર્ચ અને ઇનોવેશનમાં જોડાયેલા, રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા પ્રત્યેક દેશવાસીને મા સરસ્વતિના આશિર્વાદ મળે, તેમને સફળતા મળે, એ જ સહુની પ્રાર્થના છે.
ભાઈઓ અને બહેનો,
રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ऋतु बसंत बह त्रिबिध बयारी। એટલે કે વસંત ઋતુમાં શીતળ, મંદ સુગંધ, એવી ત્રણ પ્રકારની હવા વહી રહી છે, આ જ હવા, આ જ મોસમમાં ખેતરો, બાગબગીચાથી માંડીને જીવનના પ્રત્યેક હિસ્સો આનંદિત થઈ રહ્યો છે. સાચે જ, આપણે જે બાજુ જોઈએ, ફૂલો ખીલેલાં છે, પ્રત્યેક જીવ વસંત ઋતુના સ્વાગતમાં સજ્જ છે. આ વસંત મહામારીની નિરાશાને પાછળ છોડીને આગળ વધી રહેલા ભારત માટે નવી આશા, નવો ઉંમગ લઈને આવી છે. આ ઉલ્લાસમાં, ભારતીયતા, આપણી સંસ્કૃતિ, આપણાં સંસ્કારો માટે ઢાલ બનીને ઊભા રહેનારા મહાનાયક, મહારાજા સુહેલ દેવજીનો જન્મોત્સવ આપણી ખુશીઓને વધુ વધારી રહ્યો છે.
સાથીઓ,
મને લગભગ બે વર્ષ પહેલાં ગાઝીપુરમાં મહારાજા સુહેલ દેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ જાહેર કરવાની તક મળી હતી. આજે બહરાઈચમાં તેમના ભવ્ય સ્મારકના શિલાન્યાસનું સૌભાગ્ય મળ્યું છે. આ આધુનિક અને ભવ્ય સ્મારક,ઐતિહાસિક ચિત્તૌરા ઝીલના વિકાસ, બહરાઇચ ઉપર મહારાજા સુહેલદેવના આશિર્વાદ વધારશે, આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપશે.
સાથીઓ,
આજે મહારાજા સુહેલ દેવના નામથી સ્થપાયેલી મેડિકલ કોલેજને વધુ એક નવું અને ભવ્ય મકાન મળ્યું છે. બહરાઇચ જેવા વિકાસ માટે આકાંક્ષા ધરાવતા જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધવાથી અહીંના લોકોનાં જીવન આસાન બનશે. તેનો લાભ આજુબાજુના શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગરને તો થશે જ, નેપાળથી આવનારા દર્દીઓને પણ તે મદદગાર નીવડશે.
ભાઈઓ અને બહેનો,
ભારતનો ઈતિહાસ ફક્ત એ નથી, જે દેશને ગુલામ બનાવનારાઓ, ગુલામીની માનસિકતા સાથે ઈતિહાસ લખનારાઓએ લખ્યો છે. ભારતનો ઈતિહાસ એ પણ છે, જે ભારતના સામાન્ય માનવીએ, ભારતની લોકગાથાઓમાં રચ્યો છે, જે પેઢીઓએ આગળ વધાર્યો છે. આજે જ્યારે ભારત તેની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, આવા મહાપુરુષોના યોગદાન, તેમના ત્યાગ, તેમની તપસ્યા, તેમના સંઘર્ષ, તેમની વીરતા, તેમની શહીદી, આ તમામ વાતોને યાદ કરવી, તેમને આદરપૂર્વક નમન કરવું, તેમનામાંથી પ્રેરણા લેવી, એનાથી બીજો મોટો કોઈ અવસર ન હોઈ શકે. એ દુર્ભાગ્ય છે કે ભારત અને ભારતીયતાની સુરક્ષા કરવા માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, તેવા અનેક વીરો અને વીરાંગનાઓને એ સ્થાન ન અપાયું, જેના તેઓ હકદાર હતા. ઈતિહાસ રચવાવાળાઓ સાથે, ઈતિહાસ લખવાના નામે હેર-ફેર કરવાવાળાઓએ જે અન્યાય કર્યો, તેને હવે આજે ભારત સુધારી રહ્યો છે. બરોબર કરી રહ્યો છે. ભૂલોમાંથી દેશને મુક્ત કરી રહ્યો છે. તમે જુઓ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, જે આઝાદ હિંદ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી હતા, શું તેમની એ ઓળખને, આઝાદહિંદ ફૌજના યોગદાનને એ મહત્ત્વ અપાયું, જે મહત્ત્વ નેતાજીને મળવું જોઈતું હતું?
આજે લાલ કિલ્લાથી માંડીને આંદામાન-નિકોબાર સુધી તેમને આ ઓળખને અમે દેશ અને દુનિયા સમક્ષ મજબૂત બનાવી છે. દેશનાં પાંચસોથી વધુ રજવાડાંને એક કરવાનું કઠિન કાર્ય કરનારા સરદાર પટેલજી સાથે શું કરાયું, દેશનો પ્રત્યેક બાળક પણ એ વાત સારી રીતે જાણે છે. આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની છે, જે આપણને પ્રેરણા આપી રહી છે. દેશના બંધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા, વંચિત, પીડિત, શોષિત વર્ગના અવાજ એવા બાબા સાહેબ આંબેડકરને પણ ફક્ત રાજનીતિના ચશ્મા વડે જોવામાં આવ્યા. આજે ભારતથી માંડીને ઈંગ્લેન્ડ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થળોને પંચતીર્થના રૂપે વિકસિત કરવામાં આવી રહ્યાં છે.
સાથીઓ,
ભારતના આવા અનેક સૈનિકો છે, જેમના યોગદાનને અનેક કારણોસર માન ન અપાયું, ઓળખ ન અપાઈ. ચૌરી-ચૌરાના વીરો સાથે જે થયું, તે શું આપણે ભૂલી શકીશું? મહારાજા સુહેલ દેવ અને ભારતીયતાના રક્ષણ માટે તેમના પ્રયાસો માટે પણ આ જ વ્યવહાર કરવામાં આવ્યો.
ઈતિહાસનાં પુસ્તકોમાં ભલે મહારાજા સુહેલદેવના શૌર્ય, પરાક્રમ, તેમની વીરતાને એ સ્થાન ન મળ્યું હોય, પરંતુ અવધ અને તરાઈથી માંડીને પૂર્વાંચલની લોકકથાઓમાં લોકોના હૃદયમાં તેઓ હંમેશા સ્થાપિત રહ્યા. ફક્ત વીરતા જ નહીં, એક સંવેદનશીલ અને વિકાસવાદી શાસકના રૂપમાં તેમની છાપ કદી ભૂંસી ન શકાય તેવી છે. પોતાના શાસનકાળમાં જે રીતે તેમણે વધુ સારા માર્ગો માટે, તળાવો માટે, બાગ-બગીચા અને શિક્ષણના ક્ષેત્રે કામ કર્યું, તે અભૂતપૂર્વ હતું. તેમની આ જ વિચારશૈલી આ સ્મારક સ્થળમાં પણ જોવા મળશે.
સાથીઓ,
પ્રવાસી મહારાજા સુહેલદેવજીના જીવનથી પ્રેરિત થઈ શકે, તે માટે તેમની 40 ફૂટની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરાશે. અહીં સ્થપાનારા સંગ્રહાલયમાં મહારાજા સુહેલદેવ સાથે જોડાયેલી ઐતિહાસિક જાણકારીઓ હશે. તેની અંદરના અને આસપાસના માર્ગો વધુ વિશાળ બનાવવામાં આવશે. બાળકોમાં પાર્ક બનશે, સભાગૃહ હશે, પ્રવાસીઓ માટે આવાસ ગૃહ, પાર્કિંગ, કેફેટેરિયા જેવી અનેક સુવિધાઓનું નિર્માણ થશે. તેની સાથે સાથે જો સ્થાનિક શિલ્પકાર છે, કલાકાર છે, તેઓ અહીં પોતાનો સામાન આસાનીથી વેચી શકે તે માટે દુકાનોનું નિર્માણ કરાશે. એ જ રીતે, ચિતૌરા ઝીલ ઉપર ઘાટ અને સીડીઓ બનાવાશે અને તેની સજાવટથી આ ઐતિહાસિક ઝીલનું મહત્ત્વ વધુ વધી શકશે. આ તમામ પ્રયાસને પગલે ફક્ત બહરાઇચની સુંદરતા વધશે, એટલું જ નહીં, પરંતુ અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધશે. ‘મરી મૈચ્યા’ની કૃપાથી આ કાર્યો ઝડપભેર પૂરાં થશે.
ભાઈઓ અને બહેનો,
વીતેલાં કેટલાંક વર્ષોમાં દેશભરમાં ઈતિહાસ, આસ્થા, આધ્યાત્મ્ય, સંસ્કૃતિ સાથે જોડાયેલા જેટલાં પણ સ્મારકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેનું ઘણું મોટું લક્ષ્ય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું પણ છે. ઉત્તર પ્રદેશ તો પર્યટન અને તીર્થાટન, બંને રીતે સમૃદ્ધ પણ છે અને તેની ક્ષમતાઓ પણ અપાર છે. પછી તે ભગવાન રામનું જન્મસ્થળ હોય કે કૃષ્ણનું વૃંદાવન, ભગવાન બુદ્ધનું સારનાથ હોય કે પછી કાશી વિશ્વનાથ, સંત કબીરનું મગહૂર ધામ હોય કે વારાણસીમાં સંત રવિદાસનાં જન્મસ્થળનું આધુનિકીકરણ, સમગ્ર પ્રદેશમાં મોટા પાયે કામ ચાલી રહ્યું છે. આ સ્થાનોના વિકાસ માટે ભગવાન રામ, શ્રીકૃષ્ણ અને બુદ્ધના જીવન સંબંધિત સ્થળો જેવાં કે અયોધ્યા, ચિત્રકૂટ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, કુશીનગર, શ્રાવસ્તી વગેરે તીર્થ સ્થળો ઉપર રામાયણ સર્કિટ, આધ્યાત્મિક સર્કિટ, બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો,
વીતેલાં કેટલાંક વર્ષોમાં જે પ્રયાસો થયા છે, તેની અસર પણ દેખાવા લાગી છે. જે રાજ્યમાં અન્ય રાજ્યોથી સૌથી વધુ પ્રવાસીઓ આવે છે, તે પ્રદેશનું નામ ઉત્તર પ્રદેશ છે. વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં પણ યુપી દેશનાં ટોચનાં ત્રણ રાજ્યોમાં સ્થાન પામી ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓની સાથે સાથે આધુનિક કનેક્ટિવિટીનાં સાધન પણ વધારવામાં આવી રહ્યાં છે. ભવિષ્યમાં અયોધ્યાના એરપોર્ટ અને કુશીનગરના ઈન્ટરનેશનલ એરપોર્ટ, દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ઘણાં ઉપયોગી સાબિત થશે. ઉત્તર પ્રદેશમાં નાનાં-મોટાં ડઝનબંધ એરપોર્ટ્સના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી ઘણાં તો પૂર્વાંચલમાં જ છે. ઉડાન યોજના હેઠળ યુપીના અનેક શેહરોને સસ્તી હવાઈ સેવાઓ સાથે જોડવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, બુંદેલખંડ એક્સપ્રેસ વે, ગંગા એક્સપ્રેસ વે, ગોરખપુર લિંક એક્સપ્રેસ વે, બલિયા લિંક એક્સપ્રેસ વે, જેવા આધુનિક અને પહોળા માર્ગો સમગ્ર યુપીમાં બનાવવામાં આવી રહ્યા છે. અને આ તો એક રીતે, આધુનિક યુપીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત છે. એર અને રોડ કનેક્ટિવિટી ઉપરાંત યુપીની રેલ કનેક્ટિવિટી પણ હવે આધુનિક બની રહી છે. યુપી બે મોટા ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરનું જંક્શન છે. તાજેતરમાં જ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના એક મોટા હિસ્સાનું લોકાર્પણ યુપીમાં જ કરવામાં આવ્યું છે. યુપીમાં જે રીતે આજે આધુનિક ઈન્ફ્રાસ્ટ્ર્કચર માટે કામ ચાલી રહ્યું છે, તેનાથી ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવા માટે દેશ અને દુનિયાના રોકાણકારો ઉત્સાહિત છે. તેનાથી અહીં નવા ઉદ્યોગો માટે વધુ સારી તક સર્જાઈ રહી છે, અહીંના યુવાનોને રોજગારીના નવા અવસર પણ ઉપલબ્ધ બની રહ્યા છે.
સાથીઓ,
કોરોનાકાળમાં જે રીતે ઉત્તર પ્રદેશમાં કામ થયું છે, તે ઘણું મહત્ત્વપૂર્ણ છે. કલ્પના કરો કે જો યુપીમાં સ્થિતિ વણસી હોત તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે વાતો થઈ હોત. પરંતુ યોગીજીની સરકારે યોગીજીની સમગ્ર ટીમે શ્રેષ્ઠ રીતે સ્થિતિને સંભાળી બતાવી. યુપી ફક્ત વધુમાં વધુ લોકોનાં જીવન બચાવવામાં સફળ રહ્યો એટલું જ નહીં, પરંતુ બહારથી પરત આવેલા શ્રમિકોને રોજગાર આપવામાં પણ યુપીએ પ્રશંસનીય કામ કર્યું છે.
ભાઈઓ અને બહેનો,
કોરોના વિરુદ્ધ યુપીની લડતમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં કરવામાં આવેલાં કાર્યોનું ઘણું યોગદાન રહ્યું છે. પૂર્વાંચલના દાયકાઓથી પરેશાન કરનારા મગજના તાવની અસર, યુપીએ ઘણી ઓછી કરી બતાવી. યુપીમાં 2014 સુધી 14 મેડિકલ કોલેજ હતી, જે આજે વધીને 24 થઈ છે. સાથે સાથે ગોરખપુર અને બરેલીમાં એઇમ્સનું કામ પણ ચાલી રહ્યું છે. તે સિવાય, વધુ 22 નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવી રહી છે. વારાણસીમાં આધુનિક કેન્સર હોસ્પિટલોની સુવિધા પણ હવે પૂર્વાંચલને મળી રહી છે. યુપી જલ જીવન મિશન એટલે કે પ્રત્યેક ઘરે પાણી પહોંચાડવા માટે પણ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. જ્યારે પીવાનું શુદ્ધ પાણી પ્રત્યેક ઘેર પહોંચશે, તો તેનાથી અનેક બીમારીઓ ઓછી થઈ જશે.
ભાઈઓ અને બહેનો,
ઉત્તર પ્રદેશમાં વધુ સારી બનતી જતી વીજળીની સ્થિતિ, માર્ગ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો સીધો લાભ ગામ, ગરીબ અને ખેડૂતને થઈ રહ્યો છે. ખાસ કરીને નાના ખેડૂત, જેમની પાસે ઘણી ઓછી જમીન હોય છે, તેમને આ યોજનાઓનો ઘણો મોટો લાભ મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના એવા લગભગ અઢી કરોડ ખેડૂત પરિવારો છે, જેમના બેન્ક ખાતાંઓમાં પીએમ કિસાન સમ્માન નિધિના માધ્યમથી, બારોબાર નાણઆં જમા થઈ ચૂક્યાં છે. આ એ ખેડૂત પરિવારો છે, જેમણે ક્યારેક વીજળીનું બિલ કે ખાતરની ગુણીઓ ખરીદવા માટે પણ બીજા લોકો પાસેથી ઉછીનાં નાણાં લેવા મજબૂર થવું પડતું હતું. પરંતુ આવા નાના ખેડૂતોને અમારી સરકારે 27 હજાર કરોડ રૂપિયાથી વધુ બારોબાર ટ્રાન્સફર કરી આપ્યાં છે, તેમનાં ખાતાંમાં જમા કરી દીધાં છે. અહીં ખેડૂતોને વીજળી ન હોવાને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, રાતોની રાતો બોરિંગના પાણી માટે જાગવું પડતું હતું, રાહ જોવી પડતી હતી કે મારો વારો ક્યારે આવશે, આવી તમામ મુશ્કેલીઓ પણ વીજળીનો પુરવઠો વધતાં હવે દૂર થઈ રહી છે.
સાથીઓ,
દેશની વસ્તી વધવાની સાથે, ખેતીની જમીન વધુને વધુ નાની થતી જાય છે. એટલા માટે દેશમાં ખેડૂત ઉત્પાદક સંઘોનું નિર્માણ ખૂબ આવશ્યક છે. આજે સરકાર નાના ખેડૂતોના હજારો ખેડૂત ઉત્પાદક સંઘ એટલે કે એફપીઓ બનાવી રહી છે. એક-બે વિઘા જમીન ધરાવતા 500 ખેડૂત પરિવારો જ્યારે સંગઠિત થઈને બજારમાં આવશે, તો તેઓ 500-1000 વિઘા જમીન ધરાવતા ખેડૂત કરતાં પણ વધુ તાકાતવાન હશે. આ જ રીતે, કિસાન રેલના માધ્યમથી શાકભાજી, ફળો, દૂધ, માછલી અને એવા અનેક વ્યવસાયો સાથે જોડાયેલા નાના ખેડૂતોને હવે મોટાં બજારો સાથે જોડવામાં આવી રહ્યા છે. જે નવા કૃષિ સુધારા કરવામાં આવ્યા છે, તેનો લાભ પણ નાના અને સીમાંત ખેડૂતોને સૌથી વધુ થશે. ઉત્તર પ્રદેશમાં આ નવા કાયદાઓ બન્યા પછી અનેક જગ્યાઓએથી ખેડૂતોનો વધુ સારા અનુભવ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે. આ કૃષિ કાયદાઓ માટે વિવિધ પ્રકારના કુપ્રચાર કરવાની કોશિશ કરવામાં આવી. એ આખાયે દેશે જોયું કે જેમણે દેશનાં કૃષિ બજારમાં વિદેશી કંપનીઓને બોલાવવા માટે કાયદા બનાવ્યા, તેઓ આજે દેશી કંપનીઓને નામે ખેડૂતોને ડરાવી રહ્યા છે.
સાથીઓ,
રાજકારણ માટે જુઠ્ઠાણું અને કુપ્રચારની આ પોલ હવે ખુલી રહી છે. નવા કાયદા લાગુ થવા છતાં યુપીમાં આ વખતે પાછલા વર્ષની સરખામણીએ બમણું અનાજ-ઉપજ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી.
આ વખતે આશરે 65 લાખ મેટ્રિક ટનની ખરીદી યુપીમાં થઈ ચૂકી છે, જે વીતેલા વર્ષની સરખામણીએ બેગણી છે. એટલું જ નહીં, યોગીજીની સરકાર શેરડીના ખેડૂતો સુધી પણ વીતેલાં વર્ષોમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ સહાય પહોંચાડી ચૂકી છે. કોરોના કાળમાં પણ શેરડીના ખેડૂતોને મુશ્કેલી ના પડે, એટલા માટે દરેક શક્ય મદદ કરવામાં આવી છે. ખાંડનાં કારખાનાં, ખેડૂતોને નાણાં ચૂકવી શકે તે માટે કેન્દ્રએ પણ હજારો કરોડ રૂપિયા રાજ્ય સરકારોને આપ્યાં છે. શેરડીના ખેડૂતોને સમયસર નાણાં ચૂકવાય એ માટે યોગીજીની સરકારના પ્રયાસ ચાલુ છે.
ભાઈઓ અને બહેનો,
સરકારની એ તમામ શક્ય કોશિશ છે કે ગામ અને ખેડૂતનાં જીવન વધુ સારાં બને. ખેડૂતને ગામમાં વસનારા ગરીબને મુશ્કેલી ના પડે, તેને પોતાના મકાન ઉપર ગેરકાયદેસર કબ્જો થઈ જવાના ભયથી મુક્તિ મળે, તે માટે સ્વામિત્વ યોજના પણ આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં અમલમાં મૂકાઈ છે. આ યોજના હેઠળ આજકાલ યુપીના આશરે 50 જિલ્લામાં ડ્રોનના માધ્યમથી સર્વે ચાલી રહ્યા છે. લગભગ 12 હજાર ગામોમાં ડ્રોન સર્વેનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને અત્યાર સુધીમાં બે લાખથી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ મળી ચૂક્યા છે. એટલે કે આ પરિવારો હવે તમામ પ્રકારના ભયથી મુક્ત થઈ ચૂક્યા છે.
સાથીઓ,
આજે ગામનો ગરીબ, ખેડૂત જોઈ રહ્યો છે કે તેના નાનકડા ઘરને બચાવવા માટે, તેની જમીનને બચાવવા માટે પહેલી વાર કોઈ સરકાર આટલી મોટી યોજના ચલાવી રહી છે. આટલું મોટું સુરક્ષા કવચ, દરેક ગરીબને, દરેક ખેડૂતને, દરેક ગ્રામવાસીને અપાઈ રહ્યું છે. એટલા માટે જ્યારે કોઈ કૃષિ સુધારાના માધ્યમથી ખેડૂતોની જમીન હડપવામાં આવશે, એવું જુઠ્ઠાણું ફેલાવે છે, તો એની ઉપર કોઈ કેવી રીતે વિશ્વાસ મૂકી શકે ? અમારું લક્ષ્ય દેશના પ્રત્યેક નાગરિકને સમર્થ બનાવવાનું છે. અમારો સંકલ્પ દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. આ સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત ભાવથી અમે લાગેલા રહીશું. હું રામચરિત માનસની એક ચોપાઈથી મારી વાત પૂરી કરીશ -
प्रबिसि नगर कीजे सब काजा।
हृदयँ राखि कोसलपुर राजा॥
ભાવાર્થ એ છે કે - હૃદયમાં ભગવાન રામનું નામ ધારણ કરીને આપણે જે પણ કાર્ય કરીશું, તેમાં નિશ્ચિત સફળતા મળશે.
એકવાર ફરીથી મહારાજા સુહેલ દેવજીને નમન કરીને, આપને આ નવી સુવિધાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતા, યોગીજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા ખૂબ-ખૂબ આભાર.