The human face of 'Khaki' uniform has been engraved in the public memory due to the good work done by police especially during this COVID-19 pandemic: PM
Women officers can be more helpful in making the youth understand the outcome of joining the terror groups and stop them from doing so: PM
Never lose the respect for the 'Khaki' uniform: PM Modi to IPS Probationers

નમસ્કાર !

દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.

આમ તો હું તમારી ત્યાંથી નીકળેલા તમામ સાથીઓને દિલ્હીમાં રૂબરૂ મળતો હતો. મારુ એ સૌભાગ્ય રહ્યુ છે કે, હુ તેમને મારા નિવાસ સ્થાને બોલાવતો હતો અને ગપ્પાં ગોષ્ટી પણ કરતો હતો, પરંતુ કોરોનાને કારણે જે હાલત ઉભી થઈ તેના કારણે મારે તે તક ગુમાવવી પડી છે. પરંતુ, મને પૂરો વિશ્વાસ છે કે, મારા કાર્યકાળ દરમિયાન ક્યારેયને કયારેક તો મને તમારા લોકોનો ભેટો થઈ જ જશે.

સાથીઓ,

આમ છતાં એક બાબત નિશ્ચિત છે કે, અત્યાર સુધી તમે એક તાલિમાર્થી તરીકે કામ કરતા હતા તમને એવુ લાગતુ હશે કે અહીં એક સલામતી છે, એક સુરક્ષાત્મક વાતાવરણમાં તમે કામ કરી રહ્યા હતા. તમને એવુ પણ લાગતુ હશે કે ભૂલ થશે તો તમારા સાથી હાલત સંભાળી લેશે. તમને જે લોકો તાલીમ આપી રહ્યા છે તે લોકો પણ હાલત સંભાળી લેશે. પરંતુ, રાતો-રાત સ્થિતિ બદલાઈ જશે. તમે જેવા અહીંથી બહાર નીકળશો કે તુરત જ સુરક્ષાત્મક વાતાવરણમાં નહી હોવ. સામાન્ય માનવી, તમે નવા છો તમને અનુભવ નહી થયો હોય કે સામાન્ય માનવી તમારે માટે એવી સમજ ધરાવતો હશે કે તમે યુનિફોર્મમાં છો, તમે તો સાહેબ છો, મારૂ આ કામ કેમ થતુ નથી. તમે તો સાહેબ છો તમે આવુ કેમ કરો છો ? એટલે કે તમારી તરફ જોવાનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઈ જશે.

આવા સમયમાં તમે કેવી રીતે તમારી જાતને રજૂ કરો છો, તમે કેવી રીતે પોતાની જાતને ત્યાંથી કાર્યરત કરો છો, એ બધુ ખૂબ બારીકીથી જોવામાં આવશે.

હું એવુ ઈચ્છીશ કે, આમાં શરૂઆતના સમય ગાળામાં તમે જેટલા વધુ સભાન રહેશો તે જરૂરી બની રહેશે. કારણ કે વ્યક્તિની જે પહેલી છાપ પડે છે તે આખર સુધી ટકી રહે છે. જો તમારી છબી શરૂઆતમાં એવી બની ગઈ કે તમે અમુક પ્રકારના ઓફિસર છો, તે પછી તમારી બીજે ગમે ત્યાં ટ્રાન્સફર થશે તો પણ તમારી એ છબી તમારી સાથે જ પ્રવાસ કરતી રહેશે. તો તમને એમાંથી બહાર નીકળતાં ખૂબ ઓછો સમય લાગશે તમારે આ કામ કરવાની કોશિશ ખૂબ કાળજીપૂર્વક કરવાની રહેશે.

બીજુ સમાજ વ્યવસ્થામાં એક દોષ એ રહે છે કે, અમે પણ જ્યારે ચૂંટાઈને દિલ્હી આવીએ છીએ ત્યારે બે -ચાર લોકો અમારી આસપાસ વીંટળાતા રહે છે. આપણને એ ખબર જ નથી હોતી કે આ લોકો કોણ છે, અને થોડાક દિવસોમાં તો તે સેવા કરવામાં લાગી જાય છે. સાહેબ, ગાડીની જરૂર હોય તો અમને જણાવી દેજો, વ્યવસ્થા થઈ જશે. પાણીની જરૂર હોય તો બોલજો સાહેબ, એવુ કરો હમણાં તો તમારે જમવાનુ નહી હોય, આ ભવનનો ખોરાક સારો આવતો નથી. ચાલો, ક્યાં જમવુ છે, હું તમને લઈ જાઉ? તમને ખબર પણ નહીં  હોય કે આ સેવા કરનારી વ્યક્તિ કોણ છે, તમે જ્યાં પણ જશો એક ટોળી હશે કે, જે શરૂઆતમાં પણ તમને તેની જરૂર લાગશે. તમને થશે કે ભાઈ હું નવો છું, વિસ્તાર પણ નવો છે. અને જો આ ચક્કરમાં લાગી ગયા તો તેમાંથી નીકળવુ મુશ્કેલ બની જશે. તમને શરૂઆતમાં થોડુ કષ્ટ પડશે, પણ નવો વિસ્તાર હોય તો પોતાની આખોં, કાનથી અને તમારા દિમાગથી આસપાસની ચીજોને સમજવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં બને ત્યાં સુધી તમારા કાનને ફીલ્ટર લગાવી દેજો.

તમારે જો નેતૃત્વમાં સફળતા હાંસલ કરવી હોય તો શરૂઆતમાં તમારા કાનને ફીલ્ટર લગાવી દીધેલુ રાખો. હુ તમને એવુ કહેતો નથી કે, તમારા કાનને તાળુ લગાવીને રાખો, હુ ફીલ્ટર લગાવવાનુ કહુ છું, આનાથી એવુ થશે કે જે બાબતો તમારી ફરજ માટે, તમારી કારકીર્દી માટે જરૂરી હશે તેવી બાબતો એક માનવીના નાતે, ફીલ્ટર કરીને તમારા કાન સુધી પહોંચશે તો તે તમને ખૂબ જ કામમાં આવશે. તમામ કૂડો કચરો દૂર થવો જોઈએ. નહી તો કોઈ પણ વ્યક્તિ જતો હોય તો તેને ડસ્ટબીન (કચરા પેટી) માની લેવામાં આવે છે. વ્યક્તિ જેટલો મોટો તેટલુ તેને મોટી કચરા પેટી સમજવામાં આવે છે અને લોકો કૂડો કચરો ફેંકીને ચાલ્યા જતા હોય છે. અને આપણે પણ આ કૂડા કચરાને સંપત્તિ માની લેતા હોઈએ છીએ. આપણે આપણા મન મંદિરને જેટલુ સ્વચ્છ રાખી શકીશુ તેટલો જ આપણને ફાયદો થવાનો છે.

એક બીજો પણ વિષય છે, શુ તમે ક્યારેય તમારા થાણામાં કેવી સંસ્કૃતિ હોવી જોઈએ તે બાબતે આગ્રહ રાખ્યો છે? આપણુ થાણુ એક સામાજિક વિશ્વાસનુ કેન્દ્ર કઈ રીતે બને તે માટે તેનુ વાતાવરણ, આજ કાલ થાણાં જુઓ, સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, શું આ સારી બાબત છે. કેટલાક વિસ્તારોમાં થાણાં ખૂબ જૂનાં છે. જર્જરિત બની ગયાં છે. તે પણ હુ જાણુ છુ પણ ત્યાં સ્વચ્છતા જાળવવી તે તો કોઈ મુશ્કેલ કામ નથી.

તમે નક્કી કરો કે તમે જ્યાં પણ જશો, મારા હાથની નીચે, 50 -100 -200 જેટલાં પણ થાણાં હશે, તેમાં 12 થી 15 બાબતો હૂં કાગળ પર નક્કી કરીશ અને તેને બિલકુલ પાકી કરી દઈશ. હું વ્યક્તિને તો બદલી શકુ કે ના બદલી શકુ, પણ વ્યવસ્થા તો હું બદલી શકુ છું, હું વાતાવરણ તો બદલી શકુ છું અને તે બદલીને જ રહીશ. શુ તમારી અગ્રતામાં આ બાબત હોઈ શકે છે. અને તમે જુઓ, ફાઈલને કેવી રીતે જાળવવી, વિવિધ ચીજો કેવી રીતે રાખવી, કોઈ આવે તો તેને આવકાર આપવો, તેને બેસાડવો આવી નાની-નાની બાબતો તરફ તમે ધ્યાન રાખી શકો છો.

પોલીસના કેટલાક લોકો જ્યારે નવા નવા ફરજ ઉપર જાય છે ત્યારે તેમને લાગતુ હોય છે કે, પહેલાંથી જ હું મારો રોફ દેખાડી દઉ. હું લોકોને ડરાવી દઉં, હું લોકોમાં એક હૂકમ છોડી દઉ. અને જે અસામાજિક તત્વો છે તે તો મારા નામથી જ કાંપી ઉઠવા જોઈએ. જે લોકો સિંઘમ જેવી ફિલ્મો જોઈને મોટા બને છે તેમના દિમાગમાં એવુ કશુંક ભરાઈ જતુ હોય છે કે, એને કારણે જે કામ થવાં જોઈએ તે અટકી જાય છે. જો, તમારા હાથની નીચે જો 100થી 200 લોકો હોય, 500 લોકો હોય, તેમની ગુણવત્તામાં તફાવત કેવી રીતે આવે, એક સારી ટીમ કેવી રીતે બનાવી શકાય, તમારા વિચાર અનુસાર કામ કરો અને જુઓ તમારી તરફ જોવાની પદ્ધતિ જ બદલાઈ જશે.

તમારે સામાન્ય માનવી ઉપર પ્રભાવ પેદા કરવાનો હોય કે સામાન્ય માનવીને પ્રેમના સેતુથી જોડવાનો હોય, તે નક્કી કરી લેજો. તમે પ્રભાવ પેદા કરી શકશો, તો તેનુ આયુષ્ય ખૂબ ઓછુ હોય છે, પરંતુ પ્રેમના સેતુથી જોડશો તો તમે નિવૃત્ત થઈ જશો, તમે જે કોઈ પણ જગાએ જશો. લોકો તમને યાદ કરતા રહેશે. કે 20 વર્ષ પહેલાં અમારા ત્યાં એક એવો નવયુવાન અહીં આવ્યો હતો કે જે અહીંની ભાષા તો જાણતો ન હતો પણ તેનો વ્યવહાર એવો હતો કે તેણે લોકોના દિલ જીતી લીધાં હતાં. એકવાર તમે જો સામાન્ય માનવીઓનાં દિલ જીતી લેશો તો બધુ બદલાઈ જશે.

પોલીસિંગમાં એક માન્યતા છે, હું જ્યારે નવો-નવો મુખ્યમંત્રી બન્યો હતો તો ગુજરાતમાં દિવાળી પછી નવું વર્ષ આવતું હોય છે. તો અમારે ત્યાં એક નાનકડો કાર્યક્રમ થતો હોય છે જેમાં પોલીસના લોકોનો દિવાળી મિલનનો કાર્યક્રમ હોય છે અને મુખ્યમંત્રી તેમાં નિયમિતપણે જાય છે, હું પણ જાઉં છું. જ્યારે હું જતો હતો, તો પહેલા જે મુખ્યમંત્રી જતાં હતા તેઓ જઈને મંચ પર બેસતા હતા અને કઇંક બોલતા હતા તેમજ શુભકામનાઓ આપીને નીકળી જતાં હતા. હું ત્યાં જેટલા લોકોને મળતો હતો, તો હું શરૂઆતમાં જ્યારે ગયો તો ત્યાં આગળ જે પોલીસ અધિકારીઓ હતા, તેમણે મને રોક્યો. કહે, કે તમે બધા સાથે હાથ કેમ મિલાવી રહ્યા છો, ના મિલાવશો. હવે તેમાં કોન્સ્ટેબલ પણ હતા, નાના મોટા દરેક પ્રકારના કર્મચારીઓ હતા અને આશરે 100-150 લોકોની જન મેદની હતી. મેં કહ્યું શા માટે? તો કહે, સાહેબ તમારા તો હાથ એવા હોય છે કે, તમે હાથ મિલાવતાં મિલાવતાં રહેશો તો સાંજે તમારા હાથમાં સોજો ચડી જશે અને ઈલાજ કરવો પડશે. મેં કહ્યું, આ શું વિચારી લીધું તમે? તે પણ સમજે છે કે હું જેને મળી રહ્યો છું તેનો હાથ ખૂબ સામાન્ય છે તો હું તેને તેવી જ રીતે મળીશ. પરંતુ એક વિચારધારા, પોલીસ વિભાગમાં આવું જ હશે. તે ગાળો બોલશે, તું તું ફટકાર કરશે, આ કલ્પના ખોટી છે જી.

આ કોરોના કાલખંડની અંદર આ જે ગણવેશની જે બનાવેલી તૈયાર છબી છે તે પોલીસ વાસ્તવિકતામાં નથી. તે પણ એક માણસ છે. તે પણ પોતાની ફરજ માનવતાના હિત માટે કરી રહ્યો છે. આ બાબત આ જન માનસમાં ભરાશે આપણાં વ્યવહાર વડે. આપણે આપણાં વ્યવહાર દ્વારા આ સંપૂર્ણ ચરિત્ર કઈ રીતે બદલી શકીએ તેમ છીએ?

તે જ રીતે મેં જોયું છે કે સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને પોલીસનો સૌથી પહેલો મુકાબલો થઈ જાય છે. અને જ્યારે ગણવેશમાં હોય છે ત્યારે તો તેને એવું લાગે છે કે હું આમ કરીશ તો મારે બરાબર જામશે અને 5-50 તાળીઓ વગાડવા માટે તો એ તો મળી જ જવાના છે.

આપણે ભૂલવું ના જોઈએ કે આપણે એક લોકશાહી વ્યવસ્થા છીએ. લોકશાહીમાં દળ કોઈપણ હોય, જન પ્રતિનિધિનું એક બહુ મોટું મહત્વ હોય છે. જન પ્રતિનિધિનું સમ્માન કરવાનો અર્થ છે કે લોકશાહી પ્રક્રિયાનું સન્માન કરવું. તેની સાથે આપણાં મતભેદો હોય તો પણ એક રીત હોય છે. તે રીતને આપણે અપનાવવી જોઈએ. હું મારો પોતાનો અનુભવ જણાવી રહ્યો છું. હું જ્યારે નવો-નવો મુખ્યમંત્રી બન્યો તો આ જે તમને તાલીમ આપી રહ્યા છે ને અતુલ, તે એ વખતે મને પણ તાલીમ આપી રહ્યા હતા. અને હું તેમના હેઠળ તાલીમ પામેલો છું. કારણ કે તેઓ મારા સિક્યોરીટી ઇન્ચાર્જ હતા. મુખ્યમંત્રીની સુરક્ષાના.

તો એક દિવસ થયું એવું કે, મને આ પોલીસ, તામઝામ, મને માનસિક રીતે હું તેમાં ગોઠવાતો નહોતો. મને બહુ વિચિત્ર લાગે છે પરંતુ મજબૂરી છે કે તેમાં રહેવું પડતું હતું. અને ક્યારેક ક્યારેક હું કાયદા કાનૂન તોડીને કારમાંથી ઉતરી જતો હતો, ભીડમાં જઈને લોકો સાથે હાથ મિલાવી લેતો હતો. તો એક દિવસ અતુલ કરવલે મારી પાસે સમય માંગ્યો. મારા ચેમ્બરમાં મળવા માટે આવ્યા. કદાચ તેમને યાદ છે કે નહિ મને ખબર નથી અને તેમણે પોતાની નારાજગી મારી સામે વ્યક્ત કરી. ઘણા જુનિયર હતા તેઓ, હું આજથી 20 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું.

તેમણે પોતાના મુખ્યમંત્રીની સામે આંખમાં આંખ મિલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, સાહેબ તમે આવી રીતે ના જઈ શકો, કારમાંથી તમે તમારી મરજી મુજબ ના ઉતરી શકો, તમે આ રીતે ભીડમાં ના જઈ શકો. મેં કહ્યું, ભાઈ મારી જિંદગીના માલિક તમે છો કે શું? એ તમે નક્કી કરશો કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું? તેઓ જરા પણ હલ્યા નહિ, હું તેમની સામે બોલી રહ્યો છું આજે. તેઓ જરા પણ હલ્યા નહિ, ડગ્યા નહિ, તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, સાહેબ તમે વ્યક્તિગત નથી. તમે રાજ્યની સંપત્તિ છો. અને આ સંપત્તિને સંભાળવાની જવાબદારી મારી છે. તમારે નિયમોનું પાલન કરવું જ પડશે, આ મારો આગ્રહ રહેશે અને હું નિયમોનું પાલન કરાવીશ.

હું કઈં બોલ્યો નહિ. લોકશાહીનું સન્માન પણ હતું, જન પ્રતિનિધિનું સન્માન પણ હતું પરંતુ પોતાની ફરજના સંદર્ભમાં ખૂબ જ વિનમ્ર શબ્દોમાં પોતાની વાત રજૂ કરવાની એક રીત પણ હતી. મારા જીવનના તે બિલકુલ શરૂઆતનો કાળખંડ હતો તે મુખ્યમંત્રી તરીકેનો. તે ઘટના આજે પણ મારા મન પર સ્થિર શા માટે છે? કારણ કે એક પોલીસ અધિકારીએ જે રીતે અને જે દ્રઢતા સાથે તેમજ લોકશાહીમાં જન પ્રતિનિધિના મહત્વને સમજીને વાત રજૂ કરી હતી, હું માનું છું કે દરેક પોલીસ જવાન આ કામ કરી શકે છે, દરેક વ્યક્તિ કરી શકે છે. આપણે આ વાતોને જોવી પડશે.

હજુ એક બીજો વિષય છે – જુઓ, વર્તમાન સમયમાં ટેકનોલોજીએ બહુ મોટી મદદ કરી છે. મોટાભાગે આપણે જે કામ પહેલા આપણાં કોન્સ્ટેબલ સ્તરની જે માહિતીઓ રહેતી હતી, ઇન્ટેલિજન્સ રહેતી હતી, તેના વડે જ પોલીસિંગનું કામ સારી રીતે થતું હતું. દુર્ભાગ્યે તેમાં થોડી ઉણપ આવી છે. તેમાં ક્યારેય પણ સમજૂતી ના થવા દેતા. કોન્સ્ટેબલ સ્તરની ઇન્ટેલિજન્સ પોલીસિંગ માટે ખૂબ જરૂરી હોય છે જી, તેમાં ખોટ ના આવવા દેતા. તમારે તમારી સંપત્તિ, તમારા સંસાધનો, તેને જેટલા વિસ્તૃત કરી શકો છો, એટલા કરો, પરંતુ થાણાના લોકોને બળ આપવું જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજી એટલી મોટી માત્રામાં સરળતાથી ઉપલબ્ધ છે, અત્યારના દિવસોમાં જેટલા પણ ગુના ઓળખી કાઢવામાં આવે છે, તેમાં ટેકનોલોજી ખૂબ મદદ કરી રહી છે. પછી તે તે સીસીટીવી કેમેરા ફૂટેજ હોય, કે મોબાઈલ ટ્રેકિંગ હોય, તમને ઘણી મોટી મદદ કરે છે. સારી વસ્તુ છે પરંતુ અત્યારના સમયમાં જેટલા પોલીસના લોકો સસ્પેન્ડ થયા છે, તેનું કારણ પણ ટેકનોલોજી જ છે. કારણ કે તેઓ ક્યારેક ખરાબ વર્તણૂક કરી દે છે, ક્યાંક ગુસ્સો કરી નાખે છે, ક્યાંક સંતુલન ગુમાવી બેસે છે, ક્યારેક જરૂર કરતાં વધુ કઇંક કરી નાખે છે અને દૂરથી કોઈ વિડીયો ઉતારે છે, ખબર જ નથી હોતી. પછી તે વિડીયો વાયરલ થઈ જાય છે. પછી એટલું મોટું મીડિયાનું પ્રેશર બની જાય છે અને આમ પણ પોલીસની વિરુદ્ધ બોલવા માટે તો વધારે લોકો મળી જ જાય છે. આખરે સિસ્ટમે કેટલાક દિવસો માટે તો તેમને સસ્પેન્ડ કરવા જ પડે છે. આખા કેરિયરમાં ડાઘ લાગી જાય છે.

જે રીતે ટેકનોલોજી મદદ કરી રહી છે, તે જ રીતે ટેકનોલોજી મુસીબત પણ ઊભી કરી રહી છે. પોલીસની માટે સૌથી વધારે કરી રહી છે. તમારે લોકોને તાલીમ આપવી પડશે. ટેકનોલોજીને હકારાત્મક રીતે સારામાં સારી, વધુમાં વધુ રીતે ઉપયોગ કઈ રીતે થાય, તેની ઉપર ભાર મૂકવો જોઈએ. અને મેં જોયું છે કે તમારી આખી બેચમાં ટેકનોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો ઘણા છે. આજે માહિતીની ઉણપ નથી જી. આજે માહિતીની સમીક્ષા અને તેમાંથી સાચી વસ્તુ કાઢવી, બિગ ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા, સોશ્યલ મીડિયા, આ વસ્તુઓ પોતાનામાં જ તમારી માટે એક નવું હથિયાર બની ગયા છે. તમારે તમારી એક ટુકડી બનાવવી જોઈએ. તમારી સાથે કામ કરનાર લોકો, તેમને જોડવા જોઈએ. અને જરૂરી નથી કે દરેક વ્યક્તિ મોટો ટેકનોલોજીનો નિષ્ણાત હોય.

હું એક ઉદાહરણ બતાવું. જ્યારે હું સીએમ હતો, ત્યારે મારી સિક્યોરિટીમાં એક કોન્સ્ટેબલ હતો. કોન્સ્ટેબલ અથવા તેનાથી થોડા ઉપરનો હશે, મને યાદ નથી. ભારત સરકાર, યુપીએ ગવર્મેન્ટ હતી અને એક ઈમેઇલ, એ ઈમેઇલ કરેક્ટ નહોતો થઈ રહ્યો. અને આ બાબત ભારત સરકાર માટે ચિંતાનો વિષય હતી. તો આ ચીજો અખબારમાં પણ પ્રકાશિત થઈ. મારી ટુકડીમાં એક સામાન્ય 12મું ધોરણ ભણેલો એક નવયુવાન હતો, તેણે તેમાં રસ લીધો. અને તમને આશ્ચર્ય થશે, તેણે તે કરેક્ટ કર્યો અને તે સમયે ગૃહમંત્રી કદાચ ચિદમ્બરમજી હતા, તેમણે તેને બોલાવ્યો અને સર્ટિફિકેટ આપ્યું. કેટલાક જ લોકો એવા હોય છે, જેમની પાસે શૈલી હોય છે.

આપણે તેમને શોધવા જોઈએ, તેમનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને કામે લગાવવા જોઈએ. જો તમે આમ કરશો તો તમે જોશો કે તમારી પાસે નવાં શસ્ત્ર બની જશે, તેઓ તમારી નવી તાકાત બની જશે. જો તમારી પાસે 100 પોલીસની તાકાત છે, આ સાધનો જો તમારી તાકાત બની ગયાં, માહિતીના વિશ્લેષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, તમે 100 નહીં રહો, હજારોમાં ફેરવાઈ જશે, એટલી તાકાત વધી જશે, તમે એના ઉપર ભાર મૂકો.

બીજું, તમે જોયું હશે કે અગાઉ કુદરતી આપત્તિ આવતી હતી, અનેક પૂર આવ્યાં, ભૂકંપ આવ્યા, કોઈ બહુ મોટો અકસ્માત થઈ ગયો, વાવાઝોડું આવી ગયું. તો સામાન્ય રીતે, લશ્કરના જવાનો ત્યાં પહોંચી જતા હતા. અને લોકોને પણ લાગતું હતું કે ભાઈ ચાલો, આ લશ્કરના લોકો આવી ગયા છે, હવે આ મુસીબતમાંથી નીકળવા માટે અમને ઘણી મોટી મદદ મળી જશે, આ ઘણું સ્વાભાવિક બની ગયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એસડીઆરએફ અને એનડીઆરએફને કારણે આપણા પોલીસ દળના જે જવાનો છે, તેમણે જે કામકર્યું છે અને જે રીતે, ટીવીનું ધ્યાન પણ એ લોકો ઉપર તેમના સ્પેશિયલ યુનિફોર્મ બની ગયા છે, અને પાણીમાં પણ દોડી રહ્યા છે, માટીમાં પણ દોડી રહ્યા છે, પત્થરો ઉપર કામ કરી રહ્યા છે. મોટા મોટા પત્થરો ઉઠાવી રહ્યા છે. તેમણે પોલીસ વિભાગની એક નવી ઓળખ ઊભી કરી છે.

હું તમને સહુને આગ્રહ કરીશ કે તમે તમારા વિસ્તારમાં પોતાના ક્ષેત્રમાં એસડીઆરએફ અને એનડીઆરએફના કામ માટે જેટલી વધારે ટીમ તમે તૈયાર કરી શકો, એટલી વધારે ટીમ તમારે તૈયાર કરવી જોઈએ. તમારા પોલીસ વિભાગમાં પણ અને તે વિસ્તારના લોકોમાં પણ.

જો તમે કુદરતી આપત્તિમાં લોકોની મદદ કરવામાં પોલીસ દળને સહાય કરો, કેમકે તેમ કરવું તમારી ફરજ છે, ત્યારે જો તમે તેમાં નિપુણ હો તો ઘણી સહેલાઈથી આ ફરજ તમે નિભાવી શકશો અને હાલના દિવસોમાં તેની જરૂરત વધી રહી છે. અને એનડીઆરએફ દ્વારા, એસડીઆરએફ દ્વારા સમગ્ર પોલીસ વિભાગની એક નવી તસવીર, એક નવી ઓળખાણ આજે દેશમાં ઊભી થઈ રહી છે.

આજે દેશ ગર્વ સાથે કહી રહ્યો છે કે દેખો ભાઈ, આ સંકટની ઘડીએ પહોંચી ગયા, મકાન પડી ગયું, લોકો દબાઈ ગયા હતા, આ લોકો પહોંચી ગયા, તેમને દબાઈ ગયેલા લોકોને બહાર નીકાળ્યા.

હું ઈચ્છીશ કે તેવાં અનેક ક્ષેત્રો છે, જેમાં તમે આગેવાની લઈ શકો છો. તમે જોયું હશે કે ટ્રેઇનિંગ (તાલીમ)નું ઘણું મહત્ત્વ હોય છે. ટ્રેઇનિંગની ક્યારેય ઓછી ન આંકવી. આપણા દેશમાં મોટા ભાગે સરકારી કર્મચારી માટે ટ્રેઇનિંગને સજા માનવામાં આવે છે. ટ્રેઇનિંગ એટલે કોઈ નકામો ઓફિસર હશે તો તેને ટ્રેઇનિંગના કામમાં લગાવી દીધો હશે, એવી છાપ ઊભી થાય છે. આપણે ટ્રેઇનિંગને એટલી નીચલા સ્તરે કરી દીધી છે, પરંતુ તે આપણી સુશાસનની તમામ સમસ્યાઓની જડમાં છે અને તેમાંથી આપણે બહાર આવવું પડશે.

જુઓ, હું આજે અતુલ કરવાલની ફરી પ્રશંસા કરવા માંગું છું. અતુલ પોતે પણ ટેકનોલોજી બેકગ્રાઉન્ડ ધરાવે છે, એવરેસ્ટ સર કરીને આવ્યા છે, ખૂબ સાહસિક છે. હું માનું છું કે તેમના માટે પોલીસમાં કોઈ પણ પદ હાંસલ કરવું મુશ્કેલ નથી. પરંતુ આજથી કેટલાંક વર્ષ અગાઉ પણ તેમણે હૈદરાબાદમાં ટ્રેઇનિંગનું કામ પોતે પસંદ કરીને લીધું હતું અને ત્યાં જઈને કામ કર્યું હતું. આ વખતે પણ તેમણે પોતે જ પોતાની પસંદગી જણાવતા કહ્યું કે મને તો ટ્રેઇનિંગની કામ આપો અને તેઓ આજે અહીં આવ્યા છે. તેનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે. હું ઈચ્છું કે તેને મહત્ત્વ અપાય.

અને એટલા માટે ભારત સરકારે એક મિશન કર્મયોગી, હમણાં બે દિવસ પહેલા જ કેબિનેટે તેને મંજૂરી આપી છે. અમે ટ્રેઇનિંગની આ પ્રવૃત્તિને ખૂબ પ્રતિષ્ઠા આપવા ઈચ્છીએ છીએ. એક મિશન કર્મયોગીના સ્વરૂપમાં પ્રતિષ્ઠા આપવા ઈચ્છીએ છીએ.

મને લાગે છે કે આમ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. હું મારો વધુ એક અનુભવ જણાવવા માગું છું. હું ગુજરાત હતો, ત્યારે મેં 72 કલાકની ટ્રેનિંગ માટેની એક કેપ્સ્યુલ બનાવી હતી અને તે સરકારી અધિકારીઓની, તમામ પ્રકારના કર્મચારીઓ માટેની ત્રણ-ત્રણ દિવસની 72 કલાકની તાલીમ હતી. અને તાલીમ પછી હું પોતે તેમનો ફીડબેક લેતો હતો કે શું અનુભવ થયો.

જ્યારે શરૂઆતનો સમયગાળો હતો, ત્યારે 250 લોકો, જેમણે તાલીમ લીધી હતી, તેમની સાથે મેં મીટિંગ કરી, પૂછ્યું કે ભાઈ, કેવું રહ્યું આ 72 કલાકમાં ? મોટા ભાગના લોકોએ કહ્યું કે સાહેબ 72 કલાકનો સમય થોડો લંબાવવો જોઈએ, અમારા માટે ઘણું ઉપયોગી હોય છે. કેટલાક લોકોએ કહ્યું, તેમાં એક પોલીસવાળો ઊભો હતો. મેં એને પૂછ્યું કે ભાઈ, તને કેવો અનુભવ રહ્યો ? તો તેણે મને કહ્યું, સાહેબ, આ 72 કલાક પહેલા હું પોલીસવાળો હતો, આ 72 કલાકે મને માણસ બનાવી દીધો. આ શબ્દોની ઘણી તાકાત હતી. તેણે કહ્યું કે મને કોઈ માનતું જ ન હતું કે હું માણસ છું, બધા લોકો મને પોલીસવાળા તરીકે જ જોતા હતા. આ 72 કલાકની તાલીમમાં મેં અનુભવ કર્યો કે હું ફક્ત પોલીસ નથી, હું એક માણસ છું.

જુઓ, તાલીમની આ તાકાત હોય છે. આપણે ટ્રેનિંગની સતત, હવે જેમ તમારે ત્યાં પરેડ, તમારે તપાસ કરવી જોઈએ, પરેડના જે કલાક હોય છે, તેમાં એક મિનિટ ઓછી નહીં થવા દે. તમે તમારા સ્વાસ્થ્યની જેટલી ચિંતા કરો, આપણા સાથીઓને હંમેશા પૂછતા રહીએ કે સ્વાસ્થ્ય કેવું છે, કસરત કરો છો કે નથી કરતા, વજન નિયંત્રણમાં રાખો છો કે નથી રાખતા, મેડિકલ ચેકઅપ કરાવો છો કે નહીં. આ બધી ચીજો ઉપર ભાર મૂકવો જોઈએ કેમકે તમારું ક્ષેત્ર એવું છે, જેમાં ફિઝિકલ ફિટનેસ ફક્ત યુનિફોર્મમાં સારા દેખાવા માટે નથી, તમારી ડ્યુટી જ એવી છે કે કે તમારે એ કરવું જ પડશે અને તેમાં તમારે નેતૃત્ત્વ લેવું પડશે. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે,

યત્યત્ આચરતિશ્રેષ્ઠઃ,

તત્તત્એવઈતરઃજનઃ,

સઃયત્પ્રમાણમ્કુરુતેલોકઃ,

તત્અનુવર્તતે ।।21।।

એટલે કે શ્રેષ્ઠ લોકો જેવું આચરણ બતાવે છે, બાકીના લોકો પણ તેવું જ આચરણ કરે છે.

મને વિશ્વાસ છે કે, તમે એ શ્રેષ્ઠ લોકોની શ્રેણીમાં છો, તમે એ શ્રેષ્ઠતા સિદ્ધ કરનારાની શ્રેણીમાં છો, તમને એક તક મળી છે, સાથે-સાથે એક જવાબદારી મળી છે. અને જે પ્રકારના પડકારોમાંથી આજે માનવજાતિ પસાર થઈ રહી છે, તે માનવજાતિની રક્ષા માટે આપણા દેશના તિરંગાની આન-બાન-શાન માટે, ભારતના સંવિધાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે સેવા પરમો ધર્મઃ ના નિયમનું પોતાનું એક મહત્ત્વ છે, પરંતુ એ નિયમ નિભાવવામાં ભૂમિકાની વિશેષ મહત્તા છે.

હું રૂલ બેઝ્ડ (નિયમ આધારિત) કામ કરીશ કે રોલ બેઝ્ડ (ભૂમિકા આધારિત) કામ કરીશ.  જો આપણે રોલ બેઝ્ડ વધુ મહત્ત્વપૂર્ણ માનીશું તો રૂલ તો આપોઆપ પળાશે જ. અને આપણો રોલ આપણે સંપૂર્ણપણે નિભાવ્યો હશે તો લોકોમાં વિશ્વાસ વધુ વધશે.

હું ફરી એકવાર તમને સહુને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ખાખીનું સન્માન વધારવામાં તમારા તરફથી કોઈ કચાશ નહીં રહે. મારા તરફથી પણ તમારી, તમારા કુટુંબીજનોની, તમારા સન્માનની, જે કોઈ પણ જવાબદારીઓ નિભાવવાની છે, તેમાં ક્યારેય ઉણપ નહીં આવવા દઉં. આ જ વિશ્વાસ સાથે આજના આ શુભ અવસરે અનેક-અનેક શુભેચ્છાઓ આપતા હું તમને ‘શુભાસ્તે બંધા’ કહું છું !

આભાર !

 
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage