ઉત્તરાખંડના રાજ્યપાલ, શ્રીમતી બેબી રાની મૌર્યાજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા તમામ સહયોગી, પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહજી રાવત, ઉત્તરાખંડ મંત્રીમંડળના તમામ સભ્યો, સિંગાપોરના સૂચના પ્રસારણ મંત્રી શ્રી એસ. ઈશ્વરનજી, જાપાન અને ચેક રિપબ્લિકના રાજદૂત, દેશ વિદેશથી પધારેલા તમામ ઉદ્યોગપતિ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.
બાબા કેદારની છત્રછાયામાં ચાર ધામની પવિત્રતા માટે દેવધરા ઉત્તરાખંડમાં પધારેલા દેશ વિદેશના તમામ સાથીઓનું ખૂબ-ખૂબ સ્વાગત અને અભિવાદન છે. મને વિશ્વાસ છે કે તમે અહિં ભારતના આર્થિક વાતાવરણની સાથે-સાથે હજારો વર્ષોથી ચાલતા આવેલા આપણા સાંસ્કૃતિક વૈવિધ્યની અને સમૃદ્ધિ સાથે તેની અનુભૂતિ કરશો, તેનો પરિચય મેળવશો અને એક નવી ચેતના પ્રાપ્ત કરીને અહિંથી પાછા જશો.
સાથીઓ, ઉત્તરાખંડની આ ધરતી પર આપણે સૌ એવા સમયે એકઠા થયા છીએ કે જ્યારે ભારતમાં ઝડપી ગતિએ આર્થિક અને સામાજિક પરિવર્તનો આવી રહ્યા છે. દેશ ખૂબ જ મોટા પરિવર્તનના પ્રવાહમાંથી પસાર થઇ રહ્યો છે. આપણે નવા ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. દુનિયાની દરેક મોટી સંસ્થા કહી રહી છે કે ભારત આવનારા દસકાઓમાં વિશ્વ વિકાસનું મુખ્ય એન્જીન બનવાનું છે. આજે ભારતની અર્થવ્યવસ્થા હજુ વધુ સ્થિર થઇ છે. નાણાકીય ખાધ ઓછી થઇ છે, મોંઘવારી દર નિયંત્રણમાં છે. આપણે ત્યાં દુનિયામાં સૌથી ઝડપી ગતિએ મધ્યવર્ગનો સમુહ, મધ્યમ વર્ગનું વિસ્તરણ થઇ રહ્યું છે. 80 કરોડથી વધુ યુવાનો, આ શક્તિ વસ્તી વિભાજન, આકાંક્ષાઓ અને સામર્થ્યથી ભરપૂર છે.
સાથીઓ, આજે ભારતમાં જે ગતિ અને કુશળતા સાથે આર્થિક સુધારાઓ થઇ રહ્યા છે, તે અભૂતપૂર્વ છે. પાછલા બે વર્ષોમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા દસ હજારથી વધુ પગલાઓ લેવામાં આવ્યા છે. આ કારણોના લીધે ભારતે વેપાર કરવાની સરળતામાં 42 અંકોનો સુધારો કર્યો છે. તે સુધાર પ્રક્રિયામાં અમે 1400થી વધુ કાયદાઓ નાબુદ કર્યા છે. તેના સિવાય ભારતમાં કર વ્યવસ્થામાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. કર સાથે જોડાયેલી બાબતોના સમાધાનને વધુ પારદર્શી અને ઝડપી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નાદારી અને દેવળીયાપણાના કાયદા વડે આજે કારોબાર સરળ બન્યો છે, બેન્કિંગ વ્યવસ્થાને પણ તાકાત મળી છે. જીએસટીના રૂપમાં ભારતે સ્વતંત્રતા પછી સૌથી મોટો કર સુધારો કર્યો છે. જીએસટીએ દેશને સિંગલ માર્કેટમાં પરિવર્તિત કરી નાખ્યું છે અને ટેક્સ બેઝને વધારવામાં પણ ઘણી મદદ કરી છે.
અમારુ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ક્ષેત્ર પણ વિક્રમી ગતિએ આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે જ ભારતમાં લગભગ 10000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થયું છે. એટલે કે આશરે 27 કિલોમીટર પ્રતિદિન નિર્માણની ગતિએ કામ થઇ રહ્યું છે. આ અગાઉની સરકારોની સરખામણીએ બમણું છે.
રેલવે લાઈનના નિર્માણમાં પણ બમણી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. તેના સિવાય અનેક શહેરોમાં નવી મેટ્રો, હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, ડેડિકેટેડ ટ્રેડ કોરીડોર, તેના માટે પણ કામ ચાલી રહ્યું છે. સરકાર 400 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
જો હું હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની વાત કરું તો ભારતમાં આ ક્ષેત્ર પણ વિક્રમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ગતિને વધુ ઝડપી બનાવવા માટે દેશમાં લગભગ 100 નવા હવાઈમથકો અને હેલીપેડ બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. ઉડાન યોજનાના માધ્યમથી દેશના દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં હવાઈ જોડાણ ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો ચાલુ છે. ભારતમાં 100થી વધુ રાષ્ટ્રીય જળમાર્ગો બનાવવા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આના સિવાય આજે ભારતમાં તમામ માટે ઘર, તમામ માટે ઊર્જા, તમામ માટે સ્વચ્છ બળતણ, તમામ માટે આરોગ્ય, તમામ માટે બેન્કિંગ વગેરે જેવી જુદી-જુદી અનેક યોજનાઓ પોતાના લક્ષ્યને પુરા કરવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. એટલે કે કુલ મળીને જોઈએ તો આજે એવું કહી શકાય કે ચારે તરફ પરિવર્તનના આ યુગમાં તમારા માટે, દેશ વિદેશના રોકાણકારો માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ માહોલ બનીને તૈયાર થયેલો છે.
હમણાં તાજેતરમાં જ શરુ કરવામાં આવેલ ‘આયુષ્માન ભારત યોજના’ને કારણે પણ ભારતમાં તબીબી ક્ષેત્રમાં રોકાણની ઘણી મોટી સંભાવના રહેલી છે. તેના કારણે આવનારા દિવસોમાં દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં નવા દવાખાનાઓ બનશે, મેડીકલ કોલેજો બનશે, પેરામેડીકલ માનવ સંસાધન વિકાસ સંસ્થાનો બનશે, પેરામેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત બનશે. તમે કલ્પના કરી શકો છો કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના 50 કરોડથી પણ વધુ નાગરિકોને, તે પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ પ્રાપ્ત થઈ રહ્યું છે. મતલબ એ કે અમેરિકા, કેનેડા અને મેક્સિકો, તેની કુલ વસ્તી કરતા વધુ લોકોને ફાયદો મળશે. સમગ્ર યુરોપની જે વસ્તી છે તેના કરતા વધુ લોકોને લાભ મળશે. હવે આ લાભ આપવા માટે કેટલા દવાખાનાની જરૂર પડશે, કેટલા ડોકટરોની જરૂર પડશે. કેટલા મોટા રોકાણની સંભાવના છે અને દર્દી માટે ચુકવણી અત્યારથી જ તૈયાર છે અને એટલા માટે રોકાણ કરનારાઓ માટે પણ વળતરની ખાતરી છે. તે પોતાનામાં જ આરોગ્ય ક્ષેત્રમાં ભારતમાં મૂડી રોકાણનો એક ઘણો મોટો અવસર આવ્યો છે, જે દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં ઉત્તમ સુવિધાઓ યુક્ત દવાખાનાઓ બનાવવાની સંભાવના દર્શાવે છે.
સાથીઓ, આજે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પહેલા ક્યારેય પણ નહોતો કરવામાં આવ્યો. આ કારણે રોકાણની અપાર સંભાવનાઓની સાથે જ રોજગારના પણ લાખો નવા અવસરો બની રહ્યા છે. ક્ષમતા (Potential), નીતિ (Policy) અને કાર્યક્ષમતા (Performance) એ જ પ્રગતિનું (Progress) સૂત્ર છે.
નવું ભારત રોકાણનું સર્વશ્રેષ્ઠ ગંતવ્ય છે અને ડેસ્ટિનેશન ઉત્તરાખંડ આ પૃષ્ઠનો એક ચમકતો ભાગ છે. ઉત્તરાખંડ દેશના તે રાજ્યોમાંથી એક છે જે નવા ભારત, અમારા વસ્તીવિષયક વિભાજનને દર્શાવે છે. આજનું ઉત્તરાખંડ યુવાન છે, આકાંક્ષાઓથી ભરેલું છે, ઊર્જાથી ઓતપ્રોત છે. અહિં ઉપસ્થિત અસીમ સંભાવનાઓને અવસરમાં બદલવા માટે ત્રિવેન્દ્ર રાવતની સરકાર હું સમજુ છું કે ભરપુર પ્રયાસો કરી રહી છે. ડેસ્ટિનેશન ઉત્તરાખંડનું આ મંચ આ જ પ્રયાસોની અભિવ્યક્તિ છે. હવે મહત્વપૂર્ણ એ છે કે આ મંચ પર જે વાતો થઇ છે જે વિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ઉત્સાહ પ્રગટ કરવામાં આવ્યો છે તે ખૂબ જ ટૂંક સમયમાં જમીન પર ઉતરે. જેનાથી ઉત્તરાખંડના યુવાન સાથીઓને વધુમાં વધુમાં રોજગાર મળે.
સાથીઓ, શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ જ્યારે ઉત્તરાખંડ બનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે પરિસ્થિતિઓ ઘણી વિકટ હતી. રાજનૈતિક અસ્થિરતાની સાથે-સાથે વધુ સારા ભવિષ્ય માટે પહાડ જેટલા પડકારો પણ આપણી સામે હતા. પરંતુ આજે ઉત્તરાખંડ વિકાસના પાટા પર ઝડપી ગતિએ આગળ દોડી રહ્યું છે.
વીતેલા ચાર વર્ષોમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે એમએસએમઈ તેને પ્રોત્સાહન આપવા માટે, તેમને સશક્ત કરવા માટે અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. વધુમાં વધુ લઘુ ઉદ્યોગોને હાયર ક્રેડીટ, સપોર્ટ કેપિટલ, ઇન્ટરેસ્ટ સબસીડી, ઓછો કર અને નવીનીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે – હવે એમએસએમઈની માટે એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ ખૂબ જ ઓછા સમયમાં સ્વીકૃત કરી દેવામાં આવશે.
ઉત્તરાખંડમાં કોઈ પણ પ્રોજેક્ટના ક્લિયરન્સને લઈને રોકાણકારને સરકારી કચેરીઓમાં આંટા નહીં મારવા પડે, તેના માટે અનેક વ્યવસ્થાઓને ઓનલાઈન કરવામાં આવી છે. પરિવેશ, આ પરિવેશ નામથી ઓનલાઈન ફોરેસ્ટ ક્લિયરન્સ માટે એક પોર્ટલ કામ કરી રહ્યું છે, જેનાથી પ્રક્રિયા સરળ તો થઇ જ છે, ઝડપી પણ થઇ છે.
વીતેલા ચાર વર્ષો દરમિયાન ઉત્તરાખંડમાં કનેક્ટિવિટી વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ધોરીમાર્ગો, રેલવે, હવાઈ માર્ગો, દરેક પ્રકારે ઉત્તરાખંડને જોડવામાં આવી રહ્યું છે. ગામડે-ગામડે પાકા રસ્તાઓ પહોંચી રહ્યા છે. એટલું જ નહી, ચાર ધામ યાત્રામાં તમામ ઋતુ માટે અનુકુળ માર્ગો અને ઋષિકેશ – કર્ણપ્રયાગ રેલવે લાઈનનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.
સાથીઓ વધુ સારી કનેક્ટિવિટીનો સૌથી વધુ લાભ અહીંના પ્રવાસન ક્ષેત્રને મળવા જઈ રહ્યો છે. પ્રકૃતિએ આ રાજ્યને સમૃદ્ધ કર્યું જ છે, સાથે-સાથે આસ્થા અને સંસ્કૃતિનું પણ વરદાન આપ્યું છે. પ્રકૃતિ હોય, સાહસ હોય, સંસ્કૃતિ હોય કે પછી યોગ, ધ્યાન હોય, ઉત્તરાખંડ પ્રવાસનનું એક આખું પેકેજ છે, એક આદર્શ ગંતવ્ય છે. હવે તો ઉત્તરાખંડ સરકારે જુદી જ પ્રવાસન નીતિઓ બનાવીને પ્રવાસનને ઉદ્યોગને દરજ્જો આપ્યો છે, 18 વર્ષોમાં પહેલીવાર 13 જિલ્લાઓમાં નવા 13 સ્થળોને, પ્રવાસન સ્થળોને પસંદ કરીને તેમને વિકસિત કરવાની પહેલ કરવામાં આવી છે. તેનાથી નિશ્ચિતપણે રાજ્યના યુવાનોને રોજગારના અનેક અવસરો મળી શકશે.
સાથીઓ, ઉત્તરાખંડમાં ઓર્ગેનિક રાજ્ય બનવાની પણ પૂરી સંભાવનાઓ છે. મને ખુશી છે કે ક્લસ્ટર આધારિત ઓર્ગેનિક ખેતી અંતર્ગત રાજ્યને ઓર્ગેનિક રાજ્ય બનાવવાની દિશામાં કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઓર્ગેનિક ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર પણ અનેક પ્રયાસો કરી રહી છે.
આ સાથે જ દેશમાં ખાદ્યાન્ન પ્રક્રિયાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખાદ્યાન્ન પ્રક્રિયા ક્ષેત્રને મજબુત કરવા માટે સરકારે ખાદ્યાન્ન પ્રક્રિયામાં સો ટકા 100 ટકા પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણને, એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. ખાદ્યાન્ન પ્રક્રિયાની બાબતમાં પણ આજે ભારત દુનિયાના અગ્રણી દેશોમાંથી એક છે. ભલે તે અનાજનું ઉત્પાદન હોય, ફળ અને શાકભાજીનું ઉત્પાદન હોય, દૂધનું ઉત્પાદન હોય, અનેક ક્ષેત્રોમાં ભારત દુનિયામાં પહેલા ત્રણ સ્થાનો પર છે. આપણા ખેડૂતોની ઉપજ નકામી ન જાય, તેમને તેનો વધુમાં વધુ લાભ મળે, તેના માટે ખાદ્યાન્ન પ્રક્રિયા પર અમારું લક્ષ્ય છે. તેમાં પણ ઉત્તરાખંડનું ભવિષ્ય સોનેરી છે.
હું આપ સૌને કૃષિમાં, કૃષિ વ્યાપારમાં વધુ રોકાણ કરવા માટે ખાસ આગ્રહ કરીશ. કૃષિમાં મૂલ્ય વૃદ્ધિ ખેડૂતોની આવકને વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે અને હું માનું છું કે આપણે જેટલું વધુ રોકાણ, ખાનગી રોકાણ, કૃષિ ક્ષેત્રમાં કરીશું, પછી તે પ્રસંસ્કરણ હોય, મૂલ્ય વૃદ્ધિ હોય, કોલ્ડ સ્ટોરેજ હોય, વેર હાઉસિંગ હોય, વાહન-વ્યવહાર માટે ખાસ પ્રકારના કેરેજ હોય, આ બધી જ સંભાવનાઓ હિંદુસ્તાની ગ્રામીણ અર્થવ્યવસ્થાની તાકાત છે અને તેમાં ભારતના આર્થિક સામર્થ્યને એક નવો આકાર આપવાની સંભાવનાઓ રહેલી છે.
સાથીઓ, આજે પુનઃપ્રાપ્ય ઊર્જાના મામલે ભારત વિશ્વનું નેતૃત્વ કરવાની દિશામાં અગ્રેસર છે. દુનિયાનું નેતૃત્વ કરવાની તાકત આજે હિન્દુસ્તાનમાં છે. અમે નક્કી કર્યું છે કે 2030 સુધીમાં અમારી 40 ટકા વીજળીની ક્ષમતા બિનઅશ્મિભૂત બળતણ આધારિત સંસાધનોમાંથી ઉત્પન્ન થશે. એટલું જ નહીં, 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે, 2022 સુધીમાં 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું લક્ષ્ય લઈને અમે આગળ વધી રહ્યા છીએ. તેમાં પણ સોલર પાવરનો એક ઘણો મોટો ભાગ રહેશે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે આઈએસએની પાછળ પણ આ જ અવધારણા છે. દુનિયાની ઊર્જાની જરૂરિયાતો પણ પૂરી થાય અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે, તેના માટે અમારો તો એક જ મંત્ર છે – વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડ. ઉત્તરાખંડમાં પણ પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રસાર માટે રાજ્ય સરકાર સતત કાર્ય કરી રહી છે. હાયડલ પાવર તો આ રાજ્યની તાકત છે જ, હવે સૂર્ય ઊર્જા જેવા નવા માધ્યમોની શક્તિ જોડાઈ જવાથી ઉત્તરાખંડ એનર્જી સરપ્લસ સ્ટેટ બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ઉત્તરાખંડ હિન્દુસ્તાનને ઊર્જાવાન બનાવી શકે છે, એટલી ક્ષમતા ઉત્તરાખંડમાં પડેલી છે.
સાથીઓ, વીતેલા ચાર વર્ષોમાં મેક ઇન ઇન્ડિયા એક ઘણી મોટી બ્રાન્ડ બની ગઈ છે. અમારો આગ્રહ છે કે મેક ઇન ઇન્ડિયા, માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. દુનિયાએ અમારા આ આમંત્રણને સ્વીકાર્યું છે જેના પગલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે-સાથે ભારત હવે ઈલેક્ટ્રોનિક ઉત્પાદનનું પણ હબ બની રહ્યું છે. આજે દુનિયાનું સૌથી મોટું મોબાઇલ ફોન ઉત્પાદન એકમ, તેની સાથે-સાથે 120થી પણ વધુ ફેકટરીઓ ભારતમાં કામ કરી રહી છે. દુનિયાની અનેક મોટી બ્રાંડ આજે મેક ઇન ઇન્ડિયાનો ભાગ છે.
તો વળી બીજી બાજુ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ભારત ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં જાપાન ઉત્તરાખંડનું ભાગીદાર છે, મિત્રો તમને જાણીને ખુશી થશે કે જાપાની કંપની, જાપાનના ઉત્પાદનો, એ કાર આજે હિન્દુસ્તાનમાં બને છે અને જાપાન તેની આયાત કરે છે.
સાથીઓ, આજે આ કાર્યક્રમના માધ્યમથી તમને સૌને આ તમામ ક્ષેત્રોમાં રોકાણ કરવા, ઉત્તરાખંડ અને નવા ભારતની વિકાસ ગાથાનો ભાગ બનવા માટે હું આપને આમંત્રિત કરું છું.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા બે દિવસોમાં જે એમઓયુ પર હસ્તાક્ષરો થશે, તે ખૂબ જ ઝડપથી ફળીભૂત થશે અને મને વિશ્વાસ છે કે ભારતની પ્રગતિ અમારા રાજ્યોના સામર્થ્યને જો મહત્તમ કાર્યાન્વિત કરવામાં આવે તો આ દેશની વિકાસ યાત્રાને દુનિયાની કોઈ પણ તાકત રોકી નહીં શકે અને ખુશીની વાત એ છે કે આજે રાજ્યોની વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા શરુ થઇ છે. દરેક રાજ્ય બીજા રાજ્ય કરતા આગળ વધવા માંગે છે, નવીનીકરણ કરવા માંગે છે. પોતાના રાજ્યની ક્ષમતાઓના આધારે કરવા માંગે છે અને જ્યારે રાજ્યો પોતાની ક્ષમતાઓને લઈને ચાલે છે તો હું નથી માનતો કે તે રાજ્ય પાછળ રહી જાય છે. દુનિયાના અનેક દેશો કરતા અમારા રાજ્યોની તાકાત વધુ છે અમારા રાજ્યોનું સામર્થ્ય વધારે છે. દુનિયાના અનેક નાના દેશોની સરખામણીએ અમારા રાજ્યોમાં ઘણી વધુ ક્ષમતા પડેલી છે.
દરેક રાજ્ય સપનું જુએ, મને બરાબર યાદ છે કે હું પહેલીવાર જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો અને તે પણ 7 ઓક્ટોબર હતી, 2001, આગળ મારો તો કોઈ અનુભવ જ નહોતો, સરકાર શું હોય છે, કંઈ ખબર જ નહોતી મને, મે કોઈ કચેરી જોઈ નહોતી, એકદમ નવો હતો. પત્રકારો પહોંચી ગયા, તેમણે મને પ્રશ્નોથી ઘેરી લીધો. કોઈ એવી ભૂલ કરી નાખુ, એવો કોઈ જવાબ આપી દઉં જેથી કરીને મારુ કામ જ ન થઇ શકે, એવા ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા હતા. તો મને પૂછવામાં આવ્યું કે તમે આ, તમે ગુજરાત બનાવવા માંગો છો, તમારો આદર્શ કોણ છે, કોને જોઈને તમે આમ કરવા માંગો છો. સામાન્ય રીતે કોઈ આવું પૂછે તો લોકોને લાગે છે કે જવાબ એવો આવશે કે હું અમેરિકા જેવું બનાવવા માગું છું, ઇંગ્લેન્ડ જેવું બનાવવા માગું છે, એવો જ જવાબ આવશે. મે તેમને જુદો જવાબ આપ્યો. મેં કહ્યું હું તેને દક્ષિણ કોરિયા જેવું બનાવવા માગું છું. તો તેમને કંઈ ખાસ ખબર નહોતી. પછી મે કહ્યું, તમારા કેમેરા બંધ કરો, હું શાંતિથી સમજાવું છું, તમને તકલીફ ન થાય. મે કહ્યું ગુજરાતની વસતી અને દક્ષિણ કોરિયાની વસતી એકસરખી છે. ત્યાનો સમુદ્રી તટ, આપણો સમુદ્રી તટ, ત્યાંની વિકાસ યાત્રાનો નકશો, અહીંના વિકાસનો નકશો સમાન છે, મે કહ્યું કે મેં ઘણી ઝીણવટથી અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે આપણે તે રસ્તા પર ચાલીશું તો આપણે આગળ વધીશું, આપણે રોકાઈશું નહીં.
હું માનું છું કે હિંદુસ્તાનના દરેક રાજ્યમાં આ તાકાત પડેલી છે. તેઓ દુનિયાના એવા અનેક દેશો સાથે સ્પર્ધા કરીને આગળ નીકળી જઈ શકે છે. જો હિન્દુસ્તાનનું એક એક રાજ્ય આ સામર્થ્યની સાથે આગળ નીકળી શકે છે, આપણા નવયુવાનોમાં તે તાકાત છે, સામર્થ્ય છે.
હમણાં પરમદિવસે રશિયાના રાષ્ટ્રપતિ અહિં હતા, પહેલા એક જુદા જ પ્રકારનો કાર્યક્રમ કર્યો. ત્યાં આગળ એક શિક્ષણ સંસ્થા સાથે તેમને ઘણો લગાવ છે, મને જોવા માટે લઇ ગયા. તો મેં તેમને આગ્રહ કર્યો કે તે બાળકોને એકવાર હિન્દુસ્તાન લઈને આવો. અને મેં કહ્યું હું ઇચ્છુ છું કે હિન્દુસ્તાનમાંથી પણ બાળકોને કોઈ વાર હું તમારે ત્યાં મોકલું. તો તેઓ આ વખતે આવ્યા હતા તો 20 બાળકોને લઈને આવ્યા હતા. ભારતના બાળકો અને તેમના બાળકો, 20-20 બાળકો, પાંચ છ દિવસ સાથે કામ કર્યું અને પાંચ છ દિવસની અંદર તો રશિયન માઈન્ડ અને ભારતીય માઈન્ડના બાળકોએ સાથે મળીને એવી એવી કમાલની ચીજ વસ્તુઓ બનાવી હતી કે હું અને રશિયાના રાષ્ટ્રપતિજી તો આશ્ચર્યચકિત રહી ગયા કે કેટલું સામર્થ્ય છે આપણા બાળકોમાં. તેમને અવસર મળવો જોઈએ, તેમને એક્સપોઝર મળવું જોઈએ. આજે ઉત્તરાખંડે તે કામમાં એક પગલું આગળ ભર્યું છે.
18 વર્ષની ઉંમરનું ઘણું મહત્વ હોય છે. ઉત્તરાખંડ ચીર પુરાતન છે પરંતુ ઉત્તરાખંડ સરકારની ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષની ઊર્જા, 18 વર્ષના સપના, 18 વર્ષનો પોતાનું કંઈક નવીન કરી છૂટવાનો ઈરાદો અદભુત હોય છે. આ ઉત્તરાખંડનું કામ છે કે આ 18 વર્ષને બેકાર ના જવા દે, આ ઘણો મૂલ્યવાન સમય છે.
આર્થિક વિકાસની દુનિયામાં ખાસ ઈકોનોમીક ઝોન, સેઝ, તે આપણે ઘણા દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ ઉત્તરાખંડમાં એક અલગ જ સેઝ છે અને સદીઓથી અમારા ઋષિ મુનીઓની તપસ્યાના કારણે, મા ગંગાના કારણે, દેવાધિદેવ હિમાલયના કારણે છે અને તે એવી જગ્યા છે સ્પિરિચ્યુઅલ ઇકો ઝોન અને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનથી સ્પિરિચ્યુઅલ ઇકો ઝોનની તાકાત લાખો ગણી વધારે છે. ઉત્તરાખંડે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની યોજનાઓને વિસ્તૃત કરી અને વિકાસ કરવો જોઈએ.
મને વિશ્વાસ છે કે રાવતજીના નેતૃત્વમાં આ 18 વર્ષની સરકાર, 18 વર્ષની એવી ઊર્જાવાન ઉંમરમાં આ રાજ્ય નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરશે અને 2025માં જ્યારે તમે 25 વર્ષ ઉજવતા હશો, ત્યારે તમારા બધા જ સપનાઓ સાકાર થઇ ગયા હશે. એક શુભ શરૂઆત આ મહાભગીરથ પ્રયાસ સાથે થઇ છે. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે અને ભારત સરકાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે, તેનો વિશ્વાસ અપાવું છું.
ખૂબ-ખૂબ આભાર!