નમસ્કાર!
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દર્શના બેન, લોકસભાના મારા સાંસદ સાથી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલજી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અધ્યક્ષ શ્રી કાનજી ભાઈ, સેવા સમાજના તમામ સન્માનિત સભ્યગણ, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ‘સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ’ દ્વારા આજે વિજયા દશમીના અવસર પર એક પુણ્ય કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. હું આપ સૌને અને સંપૂર્ણ દેશને વિજયા દશમીની હાર્દિક શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
રામચરિત માનસમાં પ્રભુ શ્રી રામના ભક્તો વિષે, તેમના અનુયાયીઓ વિષે ખૂબ સચોટ વાત કરવામાં આવી છે. રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે-
“પ્રબલ અવિદ્યા તમ મિટી જાઈ,
હારહીં સકલ સલભ સમુદાઈ.”
એટલે કે ભગવાન રામના આશીર્વાદ વડે, તેમનું અનુસરણ કરવાથી, અજ્ઞાન અને અંધકાર દૂર થઈ જાય છે. જે પણ નકારાત્મક શક્તિઓ છે, તે હારી જાય છે. અને ભગવાન રામનું અનુસરણ કરવાનો અર્થ છે- માનવતાનું અનુસરણ, જ્ઞાનનું અનુસરણ! એટલા માટે ગુજરાતની ધરતી પરથી બાપુએ રામ રાજ્યના આદર્શો પર ચાલનારા સમાજની કલ્પના કરી હતી. મને ખુશી છે કે ગુજરાતનાં લોકો તે મૂલ્યોને મજબૂતી સાથે આગળ વધારી રહ્યા છે, તેમને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ‘સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ’ દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં આજે કરવામાં આવેલી આ પહેલ પણ આ જ કડીનો એક ભાગ છે. આજે ફેઝ વન હોસ્ટેલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.
મને જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024 સુધી બંને ફેઝનું કામ પૂરું કરી દેવામાં આવશે. કેટલાય યુવાનોને, દીકરા દીકરીઓને તમારા આ પ્રયાસો વડે એક નવી દિશા પ્રાપ્ત થશે, તેમને પોતાના સપનાઓ સાકાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. હું આ પ્રયાસો માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને, અને ખાસ કરીને અધ્યક્ષ શ્રી કાનજી ભાઈને પણ તેમજ તેમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને એ વાતનો પણ ખૂબ સંતોષ છે કે સેવાના આ કાર્યોમાં, સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની ચેષ્ટા છે, પ્રયાસ છે.
સાથીઓ,
જ્યારે હું જુદા જુદા ક્ષેત્રોમાં સેવાના આવા કાર્યોને જોઉં છું, તો મને ગર્વ થાય છે કે ગુજરાત કઈ રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. સરદાર સાહેબે કહ્યું હતું અને સરદાર સાહેબના વાક્ય આપણે આપણાં જીવનમાં બાંધીને રાખવાના છે. સરદાર સાહેબે કહ્યું હતું – જાતિ અને પંથને આપણે અડચણ નથી બનવા દેવાની. આપણે સૌ ભારતના દીકરા દીકરીઓ છીએ. આપણે સૌએ આપણાં દેશને પ્રેમ કરવો જોઈએ, પરસ્પર સ્નેહ અને સહયોગ વડે પોતાનું ભાગ્ય બનાવવું જોઈએ. આપણે પોતે આના સાક્ષી છીએ કે સરદાર સાહેબની આ ભાવનાઓને ગુજરાતે કઈ રીતે હંમેશા મજબૂતી આપી છે. રાષ્ટ્ર પ્રથમ, એ સરદાર સાહેબના સંતાનોનો જીવનમંત્ર છે. તમે દેશ અને દુનિયામાં ગમે ત્યાં જતાં રહો, ગુજરાતનાં લોકોમાં આ જીવન મંત્ર તમને દરેક જગ્યાએ જોવા મળશે.
ભાઈઓ અને બહેનો,
ભારત અત્યારના સમયમાં પોતાની આઝાદીના 75મા વર્ષમાં છે. આ અમૃતકાળ આપણને નવા સંકલ્પોની સાથે જ, તે વ્યક્તિત્વોને યાદ કરવાની પણ પ્રેરણા આપે છે, કે જેમણે જનચેતના જાગૃત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે. આજની પેઢીએ તેમના વિષે જાણવું ખૂબ જરૂરી છે. આજે ગુજરાત જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેની પાછળ આવા અનેક લોકોના તપ ત્યાગ અને તપસ્યા રહી છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં એવા એવા વ્યક્તિત્વો થઈ ગયા છે કે જેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે.
આપણે બધા કદાચ જાણતા હોઈશું, ઉત્તર ગુજરાતમાં તેમનો જન્મ થયો, અને આજે ગુજરાતના દરેક ખૂણામાં તેમને યાદ કરવામાં આવે છે. એવા જ એક મહાપુરુષ હતા શ્રી છગનભા. તેમનો દ્રઢ વિશ્વાસ હતો કે શિક્ષણ જ સમાજના સશક્તીકરણનું સૌથી મોટું માધ્યમ છે. તમે કલ્પના કરી શકો છો, આજથી 102 વર્ષ પહેલા 1919 માં તેમણે ‘કડી’માં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આ છગન ભ્રાતા, આ દૂરંદેશીનું કામ હતું. તે તેમની દૂરદ્રષ્ટિ હતી, તેમનું વિઝન હતું. તેમના જીવનનો મંત્ર હતો – સારું કરશો, તો સારું પામશો અને આ જ પ્રેરણા વડે તેઓ આવનારી પેઢીઓના ભવિષ્યને અજવાળતા રહ્યા. જ્યારે 1929 માં ગાંધીજી, છગનભાજીના મંડળમાં આવ્યા હતા તો તેમણે કહ્યું હતું કે- છગનભા બહુ મોટું સેવા કાર્ય કરી રહ્યા છે. તેમણે લોકોને વધુમાં વધુ સંખ્યામાં પોતાના બાળકો, છગનભાના ટ્રસ્ટમાં ભણવા માટે મોકલવાનો આગ્રહ કર્યો હતો.
સાથીઓ,
દેશની આવનારી પેઢીઓના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન ખપાવી દેનારા, આવા જ એક અન્ય વ્યક્તિનો ઉલ્લેખ હું જરૂર કરવા માંગીશ – તેઓ હતા ભાઈ કાકા. ભાઈ કાકાએ આણંદ અને ખેડાની આસપાસના વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણું કામ કર્યું હતું. ભાઈ કાકા પોતે તો એન્જિનિયર હતા, કરિયર સારી ચાલી રહી હતી પરંતુ સરદાર સાહેબના એક વાર કહેવા ઉપર તેમણે નોકરી છોડી દીધી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કામ કરવા આવી ગયા હતા. થોડા સમય પછી તેઓ ચરોતર જતાં રહ્યા હતા અને જ્યાં તેમણે આણંદમાં ચરોતર એજ્યુકેશન સોસાયટીનું કામ સાંભળ્યું હતું. પછીથી તેઓ ચરોતર વિદ્યા મંડળ સાથે પણ જોડાઈ ગયા હતા. ભાઈ કાકાએ તે સમયમાં એક ગ્રામીણ યુનિવર્સિટીનું સપનું જોયું હતું. એક એવી યુનિવર્સિટી કે જે ગામડામાં હોય અને જેના કેન્દ્રમાં ગ્રામીણ વ્યવસ્થાના વિષય હોય. આ જ પ્રેરણા સાથે તેમણે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. એવા જ ભીખાભાઇ પટેલ પણ હતા કે જેમણે ભાઈ કાકા અને સરદાર પટેલની સાથે કામ કર્યું હતું.
સાથીઓ,
જે લોકો ગુજરાતના વિષયમાં બહુ ઓછું જાણે છે, તેમને હું આજે વલ્લભ વિદ્યાનગરના વિષયમાં પણ જણાવવા માંગુ છું. તમારામાંથી ઘણા લોકોને ખબર હશે, આ સ્થાન, કરમસદ બાકરોલ અને આણંદની વચ્ચે આવેલુ છે. આ સ્થાનને એટલા માટે વિકસિત કરવામાં આવ્યું હતું કે જેથી શિક્ષણનો પ્રસાર કરી શકાય, ગામના વિકાસ સાથે જોડાયેલ કામોમાં ઝડપ લાવી શકાય. વલ્લભ વિદ્યાનગરની સાથે સિવિલ સેવાના દિગ્ગજ અધિકારી એચ એમ પટેલજી પણ જોડાયા હતા. સરદાર સાહેબ જ્યારે દેશના ગૃહમંત્રી બન્યા હતા, તો એચ એમ પટેલજી તેમના ખાસ્સા નજીકના લોકોમાંથી એક ગણાતા હતા. પછીથી તેઓ જનતા પાર્ટીની સરકારમાં નાણાં મંત્રી પણ બન્યા હતા.
સાથીઓ,
એવા કેટલાય નામ છે કે જે આજે મને યાદ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો આપણાં મોહનલાલ લાલજીભાઇ પટેલ કે જેમને આપણે મોલા પટેલના નામે ઓળખતા હતા. મોલા પટેલે એક વિશાળ શૈક્ષણિક પરિસરનું નિર્માણ કરાવ્યું હતું. એક અન્ય મોહનભાઇ વિરજીભાઈ પટેલજીએ સો વર્ષ કરતાં પણ પહેલા ‘પટેલ આશ્રમ’ના નામ પર એક છાત્રાલયની સ્થાપના કરીને અમરેલીમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કર્યું હતું. જામનગરમાં કેશવજી ભાઈ અરજીભાઈ વિરાણી અને કરશનભાઇ બેચરભાઈ વિરાણી, તેમણે દાયકાઓ પહેલા દીકરીઓને શિક્ષિત કરવા માટે શાળાઓ અને છાત્રાલય બનાવ્યા હતા. આજે નગીનભાઈ પટેલ, સાંકળચંદ પટેલ, ગણપતભાઈ પટેલ આવા લોકો દ્વારા આ પ્રયાસોનું વિસ્તૃતિકરણ આપણને ગુજરાતના જુદા જુદા વિશ્વ વિદ્યાલયોના રૂપમાં જોવા મળે છે. આજનો આ સુઅવસર, તેમને યાદ કરવાનો પણ સારામાં સારો દિવસ છે. આપણે એવા તમામ વ્યક્તિઓની જીવનગાથાને જોઈએ તો જાણવા મળશે કે કઈ રીતે નાના નાના પ્રયાસો વડે તેમણે મોટા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરીને દેખાડ્યા છે. પ્રયાસોની આ સમૂહિકતા, મોટામાં મોટા પરિણામો લાવીને બતાવે છે.
સાથીઓ,
આપ સૌના આશીર્વાદ વડે મારા જેવા અત્યંત સામાન્ય વ્યક્તિને, જેની કોઈ પારિવારિક કે રાજનૈતિક પાર્શ્વભૂમિકા નહોતી, જેની પાસે જાતિવાદી રાજનીતિનો કોઈ આધાર નહોતો, એવા મારા જેવા સામાન્ય વ્યક્તિને તમારા આશીર્વાદ આપીને ગુજરાતની સેવાનો મોકો 2001 માં આપ્યો હતો. તમારા આશીર્વાદની તાકાત, એટલી મોટી છે કે આજે વીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં પણ અખંડ રીતે, પહેલા ગુજરાતની અને આજે આખા દેશની સેવા કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે.
સાથીઓ,
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ – તેનું સામર્થ્ય શું હોય છે, તે પણ મેં ગુજરાત પાસેથી જ શીખ્યું છે. એક સમયે ગુજરાતમાં સારી શાળાઓની અછત હતી, સારા શિક્ષણ માટે શિક્ષકોની તંગી હતી. ઉમિયા માતાના આશીર્વાદ લઈને ખોડલ ધામના દર્શન કરીને, મેં આ સમસ્યાના સમાધાન માટે લોકોનો સાથ માંગ્યો, લોકોને પોતાની સાથે જોડ્યા. તમને યાદ હશે, ગુજરાતે આ પરિસ્થિતિને બદલવા માટે પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધે, તે માટે સાક્ષરદીપ અને ગુણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો.
તે સમયે ગુજરાતમાં દીકરીઓનો શાળા છોડવાનો દર પણ એક બહુ મોટો પડકાર હતો. હમણાં આપણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ તેનું વર્ણન પણ કર્યું. તેના કેટલાય સામાજિક કારણો તો હતા જ, કેટલાય વ્યાવહારિક કારણ પણ હતા. જેમ કે કેટલીય દીકરીઓ ઈચ્છવા છતાં પણ એટલા માટે શાળાએ નહોતી જઈ શકતી કારણ કે શાળાઓમાં દીકરીઓ માટે શૌચાલયની વ્યવસ્થા નહોતી. આ સમસ્યાઓના સમાધાન માટે ગુજરાતે પંચ શક્તિઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી. પંચામૃત, પંચશક્તિ એટલે કે જ્ઞાનશક્તિ, જનશક્તિ, જળશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિ! શાળાઓમાં દીકરીઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યા. વિદ્યા લક્ષ્મી બોન્ડ, સરસ્વતી સાધના યોજના, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એવા અનેક પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે ગજરાતમાં માત્ર અભ્યાસનું સ્તર સારું જ નહોતું થયું પરંતુ તેની સાથે શાળા છોડી જવાનો દર પણ ઝડપથી ઓછો થયો હતો.
મને ખુશી છે કે આજે દીકરીઓના અભ્યાસ માટે, તેમના ભવિષ્ય માટે પ્રયાસ સતત વધી રહ્યા છે. મને યાદ છે, એ તમે લોકો જ હતા કે જેમણે સુરતથી સંપૂર્ણ ગુજરાતમાં દીકરી બચાવો અભિયાન ચલાવ્યું હતું, અને મને યાદ છે તે સમયમાં હું તમારા સમાજના લોકો વચ્ચે આવતો હતો તો આ કડવી વાત કહેવાનું પણ ક્યારેય ચૂકતો નહોતો. તમે ખુશ થઈ જાવ, નારાજ થઈ જાવ, તેનું ધ્યાન રાખ્યા વિના મેં હંમેશા કડવી વાતો જ કહી હતી, દીકરીઓને બચાવવાની. અને મારે આજે સંતોષ સાથે કહેવું છે કે તમે બધાએ મારી વાતને ઝડપી લીધી. અને તમે સુરતમાંથી જે યાત્રા કાઢી હતી, સંપૂર્ણ ગુજરાતમાં જઈને, સમાજના દરેક ખૂણામાં જઈને, ગુજરાતનાં દરેક ખૂણામાં જઈને દીકરી બચાવવા માટે લોકોને શપથ લેવડાવી હતી. અને મને પણ તમારા એ મહાપ્રયાસમાં તમારી સાથે જોડાવાનો અવસર મળ્યો હતો. બહુ મોટો પ્રયાસ કર્યો હતો તમે લોકોએ. ગુજરાતે, રક્ષા શક્તિ યુનિવર્સિટી, હમણાં આપણાં ભૂપેન્દ્રભાઈ ખૂબ વિસ્તારપૂર્વક યુનિવર્સિટીનું વર્ણન કરી રહ્યા હતા પરંતુ હું પણ તેનો પુનરોચ્ચાર કરવા માંગુ છું કે જેથી આજે આપણાં દેશના લોકો આ કાર્યક્રમને જોઈ રહ્યા છે તો તેમને પણ ખબર પડે. ગુજરાતે આટલા ઓછા સમયમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, દુનિયાની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, લૉ યુનિવર્સિટી અને દીન દયાળ ઊર્જા યુનિવર્સિટી, તેની સાથે જ દુનિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, જેવી અનેક ઇનોવેટિવ પહેલ કરીને દેશને નવો માર્ગ દેખાડ્યો છે. આજે આ બધા પ્રયાસોનો લાભ ગુજરાતની યુવા પેઢીને મળી રહ્યો છે. હું જાણું છું, તમારામાંથી મોટાભાગના લોકોને આના વિષે જાણ છે, અને હમણાં ભૂપેન્દ્રભાઈએ કહ્યું પણ ખરું પરંતુ આજે હું આ વાતો તમારી સામે ફરીથી એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે પ્રયાસોમાં તમે મારો સાથ આપ્યો, તમે મારી સાથે ખભે ખભો મિલાવીને ચાલ્યા, તમે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમાંથી મળેલ અનુભવ આજે દેશમાં મોટા પરિવર્તનો લાવી રહ્યા છે.
સાથીઓ,
આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી દેશની શિક્ષણ વ્યવસ્થાને પણ આધુનિક બનાવવામાં આવી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યાવસાયિક કોર્સનો અભ્યાસ સ્થાનિક ભાષામાં માતૃભાષામાં કરાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. બહુ ઓછા લોકોને ખબર પડી રહી છે કે તેની કેટલી મોટી અસર ઉપજવાની છે. ગામનું, ગરીબનું બાળક પણ હવે પોતાના સપના સાકાર કરી શકે છે. ભાષાના કારણે હવે તેની જિંદગીમાં અડચણ નથી આવવાની. હવે અભ્યાસનો અર્થ ડિગ્રી સુધી જ સીમિત નથી રહ્યો, પરંતુ અભ્યાસને કૌશલ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. દેશ પોતાના પરંપરાગત કૌશલ્યને પણ હવે આધુનિક સંભાવનાઓ સાથે જોડી રહ્યો છે.
સાથીઓ,
કૌશલ્યનું શું મહત્વ હોય છે, તેને તમારા કરતાં વધુ બીજું કોણ સમજી શકે છે. એક સમયે તમારામાંથી ઘણા બધા લોકો, સૌરાષ્ટ્રમાં પોતાનું ઘર છોડીને, ખેતરો વાડીઓ, પોતાના મિત્રો સંબંધીઓ છોડીને હીરા ઘસવા સુરતમાં આવ્યા હતા. એક નાનકડા ઓરડામાં 8-8, 10-10 લોકો રહ્યા કરતાં હતા. પરંતુ એ તમારી સ્કિલ જ હતી, તમારું કૌશલ્ય જ હતું, કે જેના કારણે આજે તમે લોકો આટલી ઊંચાઈ પર પહોંચ્યા છો. અને પાંડુરંગ શાસ્ત્રીજીએ એટલે જ તો તમારી માટે કહ્યું હતું- રત્ન કલાકાર. આપણાં કાનજીભાઈ તો પોતે જ એક ઉદાહરણ છે. પોતાની ઉંમરની પરવા કર્યા વગર તેઓ ભણતા જ રહ્યા, નવા નવા કૌશલ્યો પોતાની સાથે જોડતા જ રહ્યા હતા અને કદાચ આજે પણ પૂછશો કે કાનજી ભાઈ કઈં ભણવા બણવાનું ચાલુ છે ખરું તો બની શકે કે કઈં ને કઈં તો ભણતા જ હશે. આ બહુ મોટી વાત છે જી.
સાથીઓ,
કૌશલ્ય અને ઇકો-સિસ્ટમ, એ સાથે મળીને આજે નવા ભારતનો પાયો નાંખી રહ્યા છે. સ્ટાર્ટ અપ ઈન્ડિયાની સફળતા આપણી સામે છે. આજે ભારતના સ્ટાર્ટ અપ્સ આખી દુનિયામાં ઓળખ બનાવી રહ્યા છે, આપણાં યુનિકોર્ન્સની સંખ્યા રેકોર્ડ બનાવી રહી છે. કોરોનાના કપરા સમય પછી આપણી અર્થવ્યવસ્થા જેટલી ઝડપથી પાછી આવી છે, તેનાથી સંપૂર્ણ વિશ્વ ભારતને લઈને આશાથી ભરેલું છે. હમણાં તાજેતરમાં જ એક વિશ્વ સંસ્થાએ પણ કહ્યું છે કે ભારત ફરીથી દુનિયાની સૌથી ઝડપથી આગળ વધનાર અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. મને વિશ્વાસ છે, ગુજરાત, રાષ્ટ્ર નિર્માણના પોતાના પ્રયાસોમાં હંમેશની જેમ સર્વશ્રેષ્ઠ રહેશે, સર્વશ્રેષ્ઠ કરશે. હવે તો ભૂપેન્દ્રભાઈ પટેલજી અને તેમની આખી ટીમ એક નવી ઉર્જા સાથે ગુજરાતની પ્રગતિના આ મિશન સાથે જોડાઈ ગઈ છે.
સાથીઓ,
આમ તો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી સરકાર બન્યા પછી આજે પહેલી વાર મને આટલા લાંબા સમય માટે ગુજરાતનાં લોકોને સંબોધિત કરવાનો અવસર મળ્યો છે. એક સાથી કાર્યકર્તાના રૂપમાં ભૂપેન્દ્રભાઈ સાથે મારો પરિચય, 25 વર્ષ કરતાં પણ વધુનો છે. એ આપણાં સૌની માટે ખૂબ ગૌરવની વાત છે કે ભૂપેન્દ્રભાઈ, એક એવા મુખ્યમંત્રી છે કે જેઓ ટેકનોલોજીના પણ જાણકાર છે, અને જમીન સાથે પણ તેટલા જ જોડાયેલા છે. જુદા જુદા સ્તર પર કામ કરવાનો તેમનો અનુભવ, ગુજરાતનાં વિકાસમાં ઘણો કામમાં આવવાનો છે. ક્યારેક એક નાનકડી નગરપાલિકાના સભ્ય, પછી નગરપાલિકાના અધ્યક્ષ, પછી અમદાવાદ મહાનગરના કોર્પોરેટર, પછી અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પછી ઔડા જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનના ચેરમેન, લગભગ લગભગ 25 વર્ષો સુધી અખંડ રીતે તેમણે જમીન સ્તરના શાસન પ્રશાસનને જોયું છે, પારખ્યું છે, તેનું નેતૃત્વ કર્યું છે. મને ખુશી છે કે આજે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતની વિકાસ યાત્રાને, ઝડપી ગતિએ આગળ વધારવા માટે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે.
સાથીઓ,
આજે દરેક ગુજરાતીને એ વાતનો પણ ગર્વ થાય છે કે આટલા લાંબા સમય સુધી સાર્વજનિક જીવનમાં રહ્યા છતાં પણ આટલા મોટા પદો ઉપર રહ્યા પછી પણ, 25 વર્ષ સુધી કાર્ય કરવા છતાં પણ ભૂપેન્દ્રભાઈના ખાતામાં કોઈ વિવાદ નથી રહ્યો. ભૂપેન્દ્રભાઈ ખૂબ જ ઓછું બોલે છે પરંતુ કાર્યમાં ક્યારેય કોઈ ખામી નથી આવવા દેતા. એક શાંત કર્મચારીની જેમ, એક મૂકસેવકની જેમ કામ કરવું, તેમની કાર્યશૈલીનો ભાગ છે. ખૂબ ઓછા લોકોને એ પણ ખબર હશે કે ભૂપેન્દ્રભાઈનો પરિવાર, હંમેશાથી અધ્યાત્મ પ્રત્યે સમર્પિત રહ્યો છે. તેમના પિતાજી, આધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા છે. મને વિશ્વાસ છે, આવા ઉત્તમ સંસ્કારવાળા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ચોતરફો વિકાસ કરશે.
સાથીઓ,
મારો એક આગ્રહ આપ સૌને આઝાદના અમૃત મહોત્સવને લઈને પણ છે. આ અમૃત મહોત્સવમાં આપ સૌએ પણ કઈં ને કઈં સંકલ્પ લેવો જોઈએ, દેશને કઇંક આપનારું મિશન શરૂ કરવું જોઈએ. આ મિશન એવું હોય કે જેની અસર ગુજરાતનાં ખૂણે ખૂણામાં જોવાં મળવી જોઈએ. જેટલું સામર્થ્ય તમારામાં છે, હું જાણું છું કે તમે બધા સાથે મળીને તે કરી શકો છો. આપણી નવી પેઢી, દેશની માટે, સમાજની માટે જીવવાનું શીખે, તેની પ્રેરણા પણ તમારા પ્રયાસોનો મહત્વનો હિસ્સો હોવી જોઈએ. ‘સેવા વડે સિદ્ધિ’ના મંત્ર પર ચાલીને આપણે ગુજરાતને, દેશને નવી ઊંચાઈ પર પહોંચાડીશું. આપ સૌની વચ્ચે લાંબા સમય પછી આવવાનું સૌભાગ્ય મળ્યું. અહિયાં વર્ચ્યુઅલી હું સૌના દર્શન કરી રહ્યો છું. બધા જૂના ચહેરા મારી સામે છે.
આ જ શુભકામનાઓ સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર!