ભારતીયોનું જીવન સરળ અને આરામદાયક બનાવવાની અમારી પ્રતિજ્ઞા છેલ્લા ત્રણ વર્ષમાં વધારે મજબૂત બની છે: વડાપ્રધાન મોદી

અમે આવનારી પેઢીઓ માટે એક એવી વ્યવસ્થા બનાવવાના છીએ જ્યાં જીવન 5 Es પર આધારિત હોય: Ease of Living, Education, Employment, Economy અને Entertainment: વડાપ્રધાન

2022 સુધીમાં અમે દરેકને પોતાનું ઘર હોય તે સુનિશ્ચિત કરીશું: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પ્રમુખની ‘ચોકીદાર-ભાગીદાર’ ટિપ્પણીની ટીખળ કરી, કહ્યું “હું ગરીબો દ્વારા સહન કરવામાં આવતા દુઃખનો ભાગીદાર બનવામાં ગર્વ અનુભવું છું.”

સ્માર્ટ સીટી મિશન દ્વારા અમે આપણા શહેરોને ન્યૂ ઇન્ડિયા સામેના પડકારો સામે તૈયાર કરવા માંગીએ છીએ: વડાપ્રધાન મોદી

ઉત્તર પ્રદેશની પાછલી સરકારોએ ગરીબોના આવાસો કરતા પોતાના બંગલાઓને પ્રાથમિકતા આપી હતી: વડાપ્રધાન મોદી

દેશના જુદા જુદા ખૂણેથી આવેલા તમામ વ્હાલા ભાઈઓ અને બહેનો,

ઉત્તરપ્રદેશથી હું સાંસદ છું અને એટલા માટે સૌથી પહેલા તો ઉત્તરપ્રદેશના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. દેશના જુદા જુદા ખૂણેથી તમે પધાર્યા છો, મને વિશ્વાસ છે કે તમે આ ઐતિહાસિક નગરીનો, તેના આતિથ્યનો અને લખનવી લહેજાનો પણ આનંદ લીધો હશે. સાથીઓ, આપ સૌ આ બદલાવને અંગીકાર કરવાવાળા, જમીન પર વસ્તુઓને ઉતારનારી ટોળી છો. મેયર હોય, કમિશનર કે પછી સીઈઓ હોય; તમે દેશના તે શહેરોના પ્રતિનિધિ છો જે નવી સદી, નવા ભારત અને નવી પેઢીની આશા અને આકાંક્ષાઓના પણ પ્રતિક છો. વીતેલા તીન વર્ષોથી તમે કરોડો દેશવાસીઓના સપનાઓને સાકાર કરવામાં ખભે ખભો મેળવીને અમારી સાથે લાગેલા છો.

થોડા સમય પહેલા મને અહિયાં જે પ્રદર્શન લાગ્યું છે, તેને જોવાનો અવસર મળ્યો. ત્યાં આગળ દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિષે જાણકારી આપવામાં આવી છે. સ્માર્ટ સીટી મિશનમાં ખુબ સારું કામ કરનારા કેટલાક શહેરોને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. તે સિવાય કેટલાક ભાઈ બહેનો અને દીકરીઓને તેમના પોતાના મકાનની ચાવીઓ પણ સોંપવામાં આવી અને ચાવીઓ મળવાથી જે ચમક તેમના ચહેરા ઉપર હતી, ઉજ્જવળ ભવિષ્યનો જે આત્મવિશ્વાસ તેમની આંખોમાંથી છલકાઈ રહ્યો હતો તે આપણા સૌની માટે એક ઘણી મોટી પ્રેરણા છે.

તેવા અનેક લાભાર્થીઓ સાથે અહિયાં આ મંચ પર આવતા પહેલા મને વાતચીત કરવાનો અવસર મળ્યો. દેશના ગરીબ, બેઘર ભાઈ બહેનોના જીવનને બદલવાનો આ અવસર અને બદલતા જોવું; તે ખરેખરમાં જીવનમાં એક ઘણો મોટો સંતોષ આપવાનો અનુભવ છે. જે શહેરોને પુરસ્કાર મળ્યા છે, તે શહેરોના દરેક નાગરિકોને અને જેમને પોતાનું ઘર મળ્યું છે, તે તમામ પરિવારજનોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ શુભકામનાઓ છે.

પરંતુ તમે લોકોએ નોંધ્યું હશે કે જ્યરે હું એવોર્ડ આપી રહ્યો હતો, બધા લોકો આવી રહ્યા હતા, નોંધ્યું નહી હોય; માત્ર બે જ પુરુષો મેયર છે બાકી બધી મેયરાણી છે. આપણી બહેનોએ જે ચીવટ સાથે આ કામ કર્યું છે, જરા તાળીઓ તે બહેનો માટે.

સાથીઓ, શહેરના ગરીબ, બેઘરને પાકું ઘર આપવાનું અભિયાન હોય, સો સ્માર્ટ સીટીનું કામ હોય કે પછી 500 અમૃત શહેરો હોય, કરોડો દેશવાસીઓના જીવનને સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાનો અમારો સંકલ્પ દર ત્રણ વર્ષ પછી વધારે મજબૂત થયો છે. આજે પણ અહિયાં આગળ ઉત્તરપ્રદેશના શહેરોને સ્માર્ટ બનાવનારી અનેક યોજનાઓનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે અને મને જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દેશભરમાં લગભગ સાત હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ પર કામ પૂરું થઇ ચુક્યું છે અને 52 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ મિશનનું લક્ષ્ય છે શહેરોમાં રહેનારા ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોના જીવનને સરળ બનાવવું, તેમને વધુ સારી નાગરિક સુવિધાઓ આપવી. સ્માર્ટ સીટીમાં આ સુવિધાઓ આપવા માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર્સ; એ તેમની આત્મા જેવા છે, અહીંથી જ સમગ્ર શહેરની વ્યવસ્થાઓનું સંચાલન થાય છે શહેરની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવનાર છે.

સાથીઓ, મિશન અંતર્ગત પસંદ કરાયેલ 100 શહેરોમાંથી 11 શહેરોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સએ કામ કરવાનું શરુ કરી દીધું છે અને આગામી કેટલાક મહિનાઓમાં જ 50 વધુ શહેરોમાં આ કામ પૂરુ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ પ્રયાસ પરિણામ પણ આપવા લાગ્યા છે અને મને જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં રાજકોટ શહેરમાં આ ટેકનોલોજીની વ્યવસ્થા વડે જે કઈ પણ પરિસ્થિતિ બદલાઈ છે, છેલ્લા બે ક્વાર્ટરમાં ગુનાના દરમાં મોટી માત્રામાં ઘટાડો થયો છે. સીસીટીવી કેમેરાની નજરને કારણે ગંદકી ફેલાવવા અને સાર્વજનિક જગ્યા ઉપર કચરો સળગાવવા જેવી અનેક પ્રવૃતિઓમાં પણ તેના કારણે ઘટાડો થયો છે.

ભોપાલમાં પ્રોપર્ટી ટેક્સ કલેક્શનમાં તેના લીધે વૃદ્ધિ જોવા મળી છે. અમદાવાદમાં બીઆરટીએસ કોરીડોર – તેમાં ફરી વાઈફાઈથી બસોમાં આવનારા જનારા લોકોની સંખ્યા આપમેળે જ વધવા લાગી છે. વિશાખાપટ્ટનમમાં સીસીટીવી અને જીપીએસથી બસોને ઓનલાઈન ટ્રેક કરવામાં આવી રહી છે. પુણેમાં લગભગ સવા સો જગ્યાઓ ઉપર ઈમરજન્સી કૉલ બેલ્સ લગાવવામાં આવ્યા છે. જ્યાં એક બટન દબાવવા માત્રથી જ નજીકના પોલીસ સ્ટેશનને સુચના મળી જાય છે, તેવી અનેક વ્યવસ્થાઓ આજે કામ કરવાનું શરુ કરી દીધું છે. ખુબ ઝડપથી સ્માર્ટ સીટી મિશન અંતર્ગત ઉત્તરપ્રદેશના આગ્રા, કાનપુર, અલાહાબાદ, અલીગઢ, વારાણસી, ઝાંસી, બરેલી, સહારનપુર, મુરાદાબાદ અને આ આપણું લખનઉ; તેમાં પણ આવી સુવિધાઓ, તમને તેનો લાભ મળવાનો શરુ થઇ જશે.

ભાઈઓ અને બહેનો શહેરી ભારતના પરિદ્રશ્યને પરિવર્તિત કરવાનું અમારું મિશન અને લખનઉનો ઘણો નજીકનો સંબંધ છે. લખનઉ શહેર દેશના શહેરી જીવનને નવી દિશા આપનારા મહાપુરુષ શ્રીમાન અટલ બિહારી વાજપેયીજીની કર્મભૂમિ રહી છે. અમારા પ્રેરણા સ્ત્રોત અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન અટલ બિહારી વાજપેયીજીનું આ લાંબા સમય સુધી સંસદીય ક્ષેત્ર રહ્યું છે. આજકાલ અટલજીની તબિયત સારી નથી રહેતી. તેમના જલ્દી સાજા થવાની કામના સમગ્ર દેશ કરી રહ્યો છે. પરંતુ અટલજીએ જે બીડું ઝડપ્યું હતું તેને એક અલગ જ બુલંદી આપવા તરફ અમારી સરકાર, કરોડો હિન્દુસ્તાની ઝડપી ગતિએ તેની સાથે જોડાઈને આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ, અટલજીએ એક રીતે લખનઉને દેશના શહેરી જીવનને સુધારવા માટેની પ્રયોગશાળા બનાવ્યું હતું. આજે તમે અહિયાં લખનઉમાં જે ફ્લાયઓવર, બાયો ટેકનોલોજી પાર્ક, સાયન્ટીફીક કન્વેન્શન સેન્ટર, આ જે તમે જોઈ રહ્યા છો, આ લખનઉની આસપાસ લગભગ 1000 ગામડાઓને લખનઉ સાથે જોડનારા આ જે રસ્તાઓ જોઈ રહ્યા છો. એવા તમામ કામો લખનઉમાં તેમના એમપીના રુપમાં, તેમનું જે વિઝન હતું; તેનું પરિણામ છે. આજે દેશના 12 શહેરોમાં મેટ્રો કાં તો ચાલી રહી છે અથવા તો ખુબ જલ્દીથી શરુ થવાની છે. અહિયાં લખનઉમાં પણ મેટ્રોના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. શહેરી વાહનવ્યવહારમાં ઘણું મોટું પરિવર્તન લાવનારી આ વ્યવસ્થાને સૌથી પહેલા દિલ્હીમાં જમીન ઉપર ઉતારવાનું કામ પણ અટલ બિહારી વાજપેયીજીએ કર્યું હતું. દિલ્હી મેટ્રોની સફળતા આજે સમગ્ર દેશમાં દોહરાવવામાં આવી રહી છે.

સાથીઓ, અટલજી કહ્યા કરતા હતા કે જુનાને સુધાર્યા વિના નવાને પણ સુધારી નહી શકાય. આ વાત તેમણે જુના અને નવા લખનઉના સંદર્ભમાં કહી હતી. આ જ આજના આપણા અમૃત અને તેનું નામ પણ અટલજી સાથે જોડાયેલું છે; આ ‘અમૃત’ જે આપણે કહી રહ્યા છીએ– ‘અમૃત યોજના’ – તેનો આખો શબ્દ છે અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, અને સ્માર્ટ સીટી મિશન માટે આ અમારી પ્રેરણા છે.

આ જ વિચારની સાથે અનેક શહેરોમાં દાયકાઓ જૂની વ્યવસ્થાઓને સુધારવામાં આવી રહી છે. આ શહેરોમાં સીવરેજની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટમાં સુધારો, ઝરણા, તળાવ અને બગીચાઓના સૌન્દર્યીકરણની વ્યવસ્થા, તેના ઉપર જોર મુકવામાં આવી રહ્યું છે.

સાથીઓ, શહેરની ઝુંપડપટ્ટીઓમાં ખુલ્લામાં જીવન વિતાવનારા ગરીબ, બેઘર ભાઈ બહેનોને તેમનું પોતાનું ઘર આપવાની યોજના આજે ચાલી રહી છે, તેની શરૂઆત પણ અટલજીએ કરી હતી. વર્ષ 2001માં વાલ્મીકી આંબેડકર આવાસ યોજના દેશભરમાં અટલજીએ જ પ્રારંભ કરી હતી. અહિયાં જ લખનઉમાં જ આ યોજના હેઠળ આશરે 10 હજાર ભાઈ બહેનોને પોતનું મકાન મળ્યું હતું. આજે જે પણ યોજનાઓ ચાલી રહી છે તેના મૂળમાં ભાવના એ જ છે પરંતુ અમે ગતિ, માનાંક અને જીવનની ગુણવત્તાને અમે એક અલગ સ્તર પર લઇ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર 2022 સુધી દરેક માથાને છત આપવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે આઝાદીના 75 વર્ષ થાય, ત્યારે હિન્દુસ્તાનમાં કોઈ પરિવાર એવો ન હોય, જેનું પોતાનું ઘર ના હોય.

આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને વીતેલા ત્રણ વર્ષોમાં શહેરી વિસ્તારોમાં 54 લાખ મકાન સ્વીકૃત કરી દેવામાં આવ્યા છે. માત્ર શહેરોમાં જ નહી, ગામડાઓમાં પણ એક કરોડથી વધુ મકાન જનતાને સોંપવામાં આવી ચુક્યા છે. આજે જે મકાન બની રહ્યા છે, તેમાં શૌચાલય પણ છે, સૌભાગ્ય યોજના હેઠળ વીજળી પણ છે, ઉજાલા હેઠળ એલઈડી બલ્બ પણ લગાવેલો છે; એટલે કે એક આખું પેકેજ તેમને મળી રહ્યું છે. આ ઘરો માટે સરકાર વ્યાજમાં રાહત તો આપી જ રહી છે, પહેલાની સરખામણીએ હવે ઘરોમાં વિસ્તાર પણ વધારી દેવામાં આવ્યો છે.

સાથીઓ, આ જે મકાન આપવામાં આવી રહ્યા છે, તે માત્ર ગરીબ બેઘરના માથા પર છત જ નથી પરંતુ મહિલાઓના સશક્તિકરણની તે જીવતી જાગતી સાબિતી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે પણ મકાન આપવામાં આવી રહ્યા છે, માતાઓ અને બહેનોના નામ પર આપવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત આશરે 87 લાખ મકાનોની નોંધણી મહિલાઓના નામ પર કે પછી ભાગીદારીમાં કરવામાં આવી ચુકી છે. નહિતર આપણી સામાજિક વ્યવસ્થા કેવી રહી છે– કોઇપણ પરિવારમાં જાવ, જમીન કોના નામ પર – પતિના નામ પર, પિતાના નામ પર, દીકરાના નામ પર. ઘર કોના નામ પર– પતિના નામ પર, દીકરાના નામ પર. સ્કુટર લાવ્યા કોના નામ પર- દીકરાના નામ પર; તે મહિલાના નામ પર કઈ જ નથી.

પરિસ્થિતિને અમે બદલી છે. અને પહેલા તે આપણે ત્યાં તો કહેવાતું પણ હતું– હવે ગલીમાંથી પસાર થનારાને એવું નહી પૂછવામાં આવે કે ફલાણા મકાનનો માલિક કોણ છે પરતું એ પૂછીશું કે આ મકાનની માલિકણ કોણ છે? આ બદલાવ સમાજની વિચારધારામાં આવવાનો છે.

હું યોગીજી અને તેમની સરકારને અભિનંદન આપું છું કે તેઓ ગરીબના જીવન સ્તરને ઉપર ઉઠાવનારી આ યોજનાને ઝડપી ગતિએ આગળ વધારી રહ્યા છે. નહિતર મને આની પહેલાની સરકારનો પણ અનુભવ છે. 2014 પછીથી લઈને યોગીજી આવ્યા ત્યાં સુધીના એ દિવસો કેવા રહ્યા છે, હું સારી રીતે જાણું છું અને હું જનતાને વારે વારે યાદ અપાવું છું. ગરીબોના ઘર માટે કઈ રીતે અમારે વારે વારે કેન્દ્રને ચિઠ્ઠીઓ લખવી પડતી હતી– અરે ભાઈ કઈક કરો, અમે પૈસા આપવા તૈયાર છીએ. તેમને આગ્રહ કરવો પડતો હતો. પરંતુ તે સરકારો એવી જ હતી, તે લોકો પણ એવા જ હતા. તેઓ પોતાની કાર્ય પરંપરાને છોડવા તૈયાર જ નહોતા. તેમનો તો વન પોઈન્ટ પ્રોગ્રામ હતો, પોતાના બંગલાને સજાવવો શણગારવો. હવે તેમાંથી નવરાશ મળે ત્યારે જઈને ગરીબનું ઘર બનશે ને.

આજે એક બીજી વાત કહેવા માંગું છું, અને ઉત્તર પ્રદેશે મને સાંસદ બનાવ્યો છે તો એ વાત મને ઉત્તર પ્રદેશના લોકોની સાથે શેર કરવી જ જોઈએ કારણ કે તમારો હક બને છે. તમે સાંભળ્યું હશે કે વર્તમાન સમયમાં મારી ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો છે. અને આરોપ એ છે કે હું ચોકીદાર નથી, હું ભાગીદાર છું.

પરંતુ મારા ઉત્તરપ્રદેશના ભાઈઓ બહેનો અને મારા દેશવાસીઓ, હું આ આરોપને ઇનામ માનું છું અને મને ગર્વ છે કે હું ભાગીદાર છું. હું દેશના ગરીબોના દુઃખનો ભાગીદાર છું, હું મહેનતુ મજુરોનો ભાગીદાર છું, હું તે દરેક દુખિયારી માંની તકલીફોનો ભાગીદાર છું. હું ભાગીદાર છું તે માની પીડાનો કે જે આજુબાજુમાંથી લાકડા અને છાણ વીણીને ચુલાના ધુમાડામાં પોતાની આંખો અને સ્વાસ્થ્યને ખરાબ કરે છે. હું તે દરેક માનો ચૂલો બદલી નાખવા માગુ છું.

હું ભાગીદાર છું તે ખેડૂતના દર્દનો જેનો પાક દુષ્કાળમાં અથવા પાણીમાં બરબાદ થઇ જાય છે અને તે હતાશ થઇ જાય છે. હું તે ખેડૂતની આર્થિક સુરક્ષા કરવાનો ભાગીદાર છું.

હું ભાગીદાર છું આપણા તે બહાદુર જવાનોના તે જનૂનનો જેઓ સિયાચીન અને કારગીલની હાડકા ગાળી નાખનારી ઠંડીથી લઈને જેસલમેર અને કચ્છની ચામડી બાળી નાખનારી તપતા રણની ભૂમિમાં આપણી સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે.

હું ભાગીદાર છું તે ગરીબ પરિવારની પીડાનો જે પોતાના ઘરમાં બીમાર પડેલા વ્યક્તિના ઈલાજ કરાવવામાં પોતાની જમીન સુદ્ધા વેચવા માટે મજબૂર થઇ જાય છે. હું તે પરિવારની માટે વિચારું છું અને તેની સેવા માટે કામ કરું છું.

હું ભાગીદાર છું, હું ભાગીદાર છું તે પ્રયત્નનો જે એટલા માટે છે કે ગરીબોના માથા પર છત હોય, તેમને ઘર મળે, તે ઘરમાં તેમને શૌચાલય મળે, પીવા માટે સાફ પાણી મળે, વીજળી મળે. તેમને બીમાર થવા ઉપર સસ્તી દવાઓ અને ઈલાજ મળે, બાળકોનું શિક્ષણ મળે.

હું ભાગીદાર છું તે પ્રયત્નનો જેનાથી આપણા યુવાનોને કૌશલ્ય મળે, નોકરીઓ મળે, પોતાની રોજગારી મેળવવામાં મદદ મળે. આપણા હવાઈ ચપ્પલ પહેરનારા સાધારણ નાગરિકને હવાઈ મુસાફરીની સુવિધા મળે એ હું જોવા માંગું છું. મને ગર્વ છે કે હું ભાગીદાર છું, જેમકે મને ગર્વ છે કે હું એક ગરીબ માનો દીકરો છું. ગરીબીએ મને ઈમાનદારી અને હિમ્મત આપી છે. ગરીબીની થપાટોએ મને જિંદગી જીવતા શીખવ્યું છે. મેં ગરીબીની મારને સહન કરી છે, ગરીબનું દુઃખ દર્દ મેં નજીકથી જોયું છે. અમારે ત્યાં કહેવાય છે કે ‘જેના પગમાં ક્યારેય ચીરો ના પડ્યો હોય તે શું બીજાની પીડા સમજવાનો હતો.’ જેણે ભોગવ્યું છે તે જ તકલીફ જાણે છે અને તકલીફનું જમીન સાથે જોડાયેલ સમાધાન પણ જાણે છે.

આની પહેલા મારી ઉપર એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે હું ચાવાળો, હું મારા દેશનો પ્રધાન સેવક કઈ રીતે હોઈ શકું છું? પરંતુ આ નિર્ણય તે લોકો નથી લઇ શકતા, આ નિર્ણય દેશની સવા સો કરોડની જનતા લેશે. સાથીઓ, ભાગીદારીને અપમાનિત કરવાવાળા, આ જ વિચારધારા આજના આપણા શહેરોની સમસ્યાઓના મૂળમાં પણ તે જ વિચારધારાના પરીણામ છે, તેની જ વાસ આવી રહી છે.

સ્માર્ટ સીટીની માટે આપણી પાસે પ્રેરણાઓ પણ હતી અને પુરુષાર્થ કરવાવાળા લોકો પણ હતા. આજે ખોદકામમાં મળનારા જૂના શહેરો ઉદાહરણ છે કે કઈ રીતે આપણા પૂર્વજો શહેરોની રચના કરતા હતા. કઈ રીતે તે જમાનામાં, સદીઓ પહેલા, એક રીતે તે યુગના સ્માર્ટ શહેરોના રચનાકાર પણ રહ્યા છે અને શિલ્પકાર પણ રહ્યા છે. પરંતુ રાજનીતિની ઈચ્છાશક્તિ અને સંપૂર્ણતાના વિચારના અભાવે એક ઘણું મોટું નૂકસાન કર્યું છે.

આઝાદી પછી જ્યારે નવી જ રીતે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી આપણા ખભા પર હતી, જ્યારે જનસંખ્યાનું તેટલું દબાણ પણ નહોતું; ત્યારે આપણા શહેરોને ભવિષ્યની જરૂરિયાતોના હિસાબે વસાવવાનો એક ઘણો મોટો અવસર હતો; આજે જેટલી તકલીફો છે તેટલી તે સમયે નહોતી, જો તે વખતે જ પ્લાન વેમાં કામ કર્યું હોત તો આજે જે મુસીબતો સહન કરવી પડી રહી છે તે ના સહન કરવી પડત. પરંતુ બેફામ રીતે શહેરોને જેને જ્યાં ફેલાવું છે ત્યાં ફેલાવા દીધું. જાવ, જુઓ, મારું ઘર ભરો, તું તારે જ્યાં જવું હોય ત્યાં જાવ. એક રીતે કોન્ક્રીટનું એક જંગલ જ વિકસિત થવા દેવામાં આવ્યું. તેનું પરિણામ આજે હિન્દુસ્તાનનું દરેક શહેર ભોગવી રહ્યું છે.

સાથીઓ, એક આખી પેઢી આ અવ્યવસ્થાઓ સામે લડતા જ નીકળી ગઈ અને ક્યાંક ક્યાંક તો બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ નીકળી ગઈ અને બીજી તેના કડવા અનુભવોનો બોજ લઈને ચાલી રહી છે. અને જાણકાર લોકોને આશા છે અને તેઓ જાણે છે કે આજે લગભગ સાડા સાત ટકાની ગતિએ વિકસિત થઈ રહેલ ભારત આવનારા વર્ષોમાં વધુ ઝડપથી આગળ વધવાનું છે. એવામાં દેશનો તે ભાગ જેની જીડીપીમાં 65 ટકાની ભાગીદારી છે, જે એક રીતે ગ્રોથનું એન્જીન છે, તે જો અવ્યવસ્થિત રહે તો આપણી માટે કેવી અડચણો ઉભી થશે તેનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને એટલા માટે આ વ્યવસ્થાઓને વ્યવસ્થિત કરવી જરૂરી છે.

લટકતા તાર, ગંદુ પાણી ઓકતી ગટરો, કલાકો સુધી લાગેલા ટ્રાફિક જામ, આવી તમામ અવ્યવસ્થાઓ 21મી સદીના ભારતને પરિભાષિત નથી કરી શકતી. એ જ વિચારધારા સાથે ત્રણ વર્ષ પહેલા આ મિશનનો પાયો નાખવામાં આવ્યો હતો. દેશના 100 શહેરોને એટલા માટે પસંદ કરવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે બે લાખ કરોડથી વધુના રોકાણ વડે તેને વિકસિત કરવામાં આવશે. વિકાસ પણ એવો કે જ્યાં શરીર નવું હોય પરંતુ આત્મા તે જ હોય, સંસ્કૃતિ ત્યાંની ઓળખ હશે; સ્માર્ટનેસ, તે તેની જિંદગી હશે. એવા જીવંત શહેરો વિકસિત કરવાની દિશામાં અમે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ અમારી સરકાર માટે સ્માર્ટ સીટી માત્ર એક પ્રોજેક્ટ જ નથી પરંતુ અમારા માટે એક મિશન છે પરિવર્તન માટેનું મિશન, બદલાવ લાવવા માટેનું મિશન, રાષ્ટ્રમાં પરિવર્તન લાવવાનું મિશન, આ મિશન આપણા શહેરોને ન્યુ ઇન્ડિયાના નવા પડકારો સામે લડવા માટે તૈયાર કરશે. 21મી સદીના ભારતમાં વૈશ્વિક કક્ષાનું ઈન્ટેલીજન્ટ અર્બન સેન્ટર ઉભું કરશે. તે દેશના તે યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે માત્ર વધુ સારું નહી પરંતુ શ્રેષ્ઠ ઈચ્છે છે. તે આપણી જવાબદારી છે, તે આપણી પ્રતિબદ્ધતા છે કે આ જ પેઢી માટે ભવિષ્યની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવે. અહિયાં જીવન પાંચ ‘ઈ’ પર આધારિત હોય અને પાંચ ‘ઈ’ એટલે કે ઈઝ ઓફ લીવીંગ (જીવન જીવવાની સરળતા), એજ્યુકેશન (શિક્ષણ), એમ્પ્લોયમેન્ટ (રોજગારી), ઈકોનોમી (અર્થતંત્ર) અને એન્ટરટેઈનમેન્ટ (મનોરંજન).

અને જયારે પણ હું તમારા જેવા લોકો જેવા કે શહેરના મેયર સાથે, મ્યુનિસિપલ કમિશનર કે પછી સીઈઓ સાથે વાતચીત કરું છું તો એક નવી આશા સામે આવે છે. સ્માર્ટ સીટી મિશનની પ્રક્રિયાનો ઢાંચો જન સહભાગ, જન આકાંક્ષા અને જન દાયિત્વ; આ ત્રણેય ઉપર આધારિત છે. પોતાના શહેરમાં આ પ્રકારની યોજનાઓ શરુ થાય, એ શહેરના લોકોએ જાતે નક્કી કર્યું છે. તેમના જ વિચારો શહેરોના સ્માર્ટ સીટી વિઝનના આધાર બન્યા છે અને તેની ઉપર આજે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

મને એ વાતની પણ પ્રસન્નતા છે કે અહિયાં માત્ર નવી વ્યવસ્થાઓનું નિર્માણ જ નથી થઇ રહ્યું પરંતુ ફંડિંગની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પુણે, હૈદરાબાદ અને ઈન્દોર એ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી લગભગ સાડા પાંચસો કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. હવે લખનઉ અને ગાઝીયાબાદમાં પણ ખુબ જલ્દી આ પ્રક્રિયા શરુ થવા જઈ રહી છે. આ મ્યુનિસિપલ બોન્ડ્સ સરકારો ઉપર આર્થિક નિર્ભરતાને પણ ઓછી કરવાનું કામ કરશે. મારો બાકીના શહેરોને પણ આગ્રહ છે કે તેઓ આ પ્રકારની પહેલોને લઈને આગળ આવે.

સાથીઓ, શહેરોનું સ્માર્ટ બનવું, સીસ્ટમનું ટેકનોલોજી સાથે જોડાવું, તે જીવન જીવવાની સુગમતાને સુનિશ્ચિત કરી રહ્યા છે. આજે તમે અનુભવ કરી શકો છો કે કઈ રીતે સેવાઓ ઓનલાઈન થઇ છે, જેના કારણે હવે સામાન્ય જનને લાઈનમાં ઉભું નથી રહેવું પડતું. આ કતારો પણ તો ભ્રષ્ટાચારના મૂળમાં હતી. આજે તમારે કોઈ બીલ ભરવું હોય, કોઈ સુવિધાની માટે અરજી કરવી હોય, કોઈ પ્રમાણપત્ર જોઈતું હોય, કે પછી શિષ્યવૃત્તિ, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ જેવી સુવિધાઓ આજે ઓનલાઈન છે; એટલે કે આજે શાસન પણ સ્માર્ટ થઇ રહ્યું છે જેનાથી પારદર્શકતા સુનિશ્ચિત થાય છે અને તેના કારણે ભ્રષ્ટાચારમાં પણ મોટી માત્રામાં ઘટાડો થયો છે.

સાથીઓ, સ્માર્ટ, સુરક્ષિત, સંતુલિત અને પારદર્શક વ્યવસ્થાઓ દેશના કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આ જે પણ સીસ્ટમ બનાવવામાં આવી રહી છે તે સૌની માટે છે. તેમાં ઊંચ નીચ, પંથ, સંપ્રદાય, નાના મોટા, એવી કોઈ સીમાઓ નથી, ન તે આધાર છે; માત્ર અને માત્ર વિકાસ, એ જ એક મંત્ર છે. કોઈ ભેદ નહી, કોઈ ભેદભાવ નહી. જન ભાગીદારી, રાજ્યોની ભાગીદારી, સ્થાનિક એકમોની ભાગીદારીથી આ બધુ સંભવ થઇ શકે છે. ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ અને ટીમ ઇન્ડિયાની જ ભાવના ન્યુ ઈન્ડિયાના સંકલ્પને સિદ્ધ કરવાવાળી છે.

અને હું આજે યોગીજી સાથે વાત કરી રહ્યો હતો તો તેમણે એક સારા સમાચાર સંભળાવ્યા. જુઓ, કેટલીક વાતો એવી છે કે જે દેશમાં જો આપણે આપણા દેશના નાગરિકો પર ભરોસો કરીએ, કેવું અદભૂત કામ કરી શકીએ છીએ. અને દુર્ભાગ્ય એ છે કે પહેલા નેતાઓને વોટ લેતી વખતે નાગરિક યાદ આવતા હતા. જો આપણે ખરેખર નાગરિકોની શક્તિ અને સદભાવનાઓને જોઈએ અને તેને ટંટોળીએ તો કેવું પરિણામ મળે છે, યોગીજી મને કહી રહ્યા હતા. તમને ખબર છે કે મેં એક વાર 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું- કે જો તમે કમાતા ધમાતા હોવ, એક ગેસની સબસીડીમાં શું રાખેલું છે, શું કામ લો છો તે ગેસની સબસીડી? આ દેશમાં સબસીડી રાજનીતિ સાથે એવી રીતે જોડાઈ ગઈ છે, કોઈ આવી વાત કહેવાની હિમ્મત નથી કરતું; અમે કરી અને દેશને ગર્વ હોવો જોઈએ કે લગભગ લગભગ સવા કરોડ પરિવારોએ ગેસ સબસીડી છોડી દીધી.

હવે તે તો વાત લાલ કિલ્લા ઉપરથી બોલી હતી, પરંતુ દેશનો મિજાજ જુઓ- રેલવે વાળાઓએ પોતાનું જે રિઝર્વેશન ફોર્મ હોય છે તેમાં એક કોલમ બનાવી હમણાં જ, નવી નવી કોલમો બનાવી છે, હમણાં કેટલાક મહિનાઓ પહેલા જ બનાવી છે. વધારે જાહેરાત પણ નથી કરી, એમ જ લખી નાખ્યું છે. અને તેમાં અમને ખબર છે કે રેલવેમાં જે વડીલો યાત્રા કરે છે તેમને કન્સેશન મળે છે, સબસીડી મળે છે. શું કમાતા ધમાતા હોય છે, કઈ જ નહી, તમારી ઉંમર આટલી થઈ ગઈ તમને આ લાભ મળશે. તેમણે લખ્યું કે જો તમને, તમે કમાતા ધમાતા છો અને જો તમે આ જે સબસીડી છે, તે છોડવા માંગો છો, આ કોલમમાં ટીક કરો. હું જાણીને મને ખુશી થઇ કે આટલા ઓછા સમયમાં કોઈ જાહેરાત નહી, કોઈ નેતાનું નિવેદન નહી કંઈ જ નહી; આ દેશના 40 લાખથી વધુ લોકોએ રેલવે યાત્રાની પોતાની સબસીડી છોડી દીધી; તે નાની વાત નથી.

આજે મને યોગીજીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ગામડાઓમાં જે લોકોને આવાસ મળ્યા હતા જૂના, કેટલાક લોકોની આર્થિક સ્થિતિ બદલાઈ, કેટલાક લોકો ત્યાંથી ક્યાંક કોઈક શહેરમાં ચાલ્યા ગયા, દીકરા રોજી રોટી રળવા ગયા તો ત્યાં સેટલ થઇ ગયા. અને ઉત્તરપ્રદેશ સરકારે વિનંતી કરી લોકોને કે જો તમારી સ્થિતિમાં બદલાવ આવ્યો છે અને તમારી પાસે પહેલા સરકારનું આપેલું મકાન છે; જો તમે તે મકાન સરકારને પાછું આપી દો તો અમે કોઈ ગરીબને સોંપી દેવા માંગીએ છીએ. મારી માટે એટલી ખુશીની વાત છે કે મારા ઉત્તરપ્રદેશના ગામડાના 46 હજાર લોકોએ પોતાના ઘર પાછા આપી દીધા, આ નાની વાત નથી જી.

આપણા દેશમાં એવી માનસિકતા બનેલી હતી કે જેવી રીતે બધા લોકો ચોર છે, બધા એવું જ કરશે. એ તો કોઈ જરૂરિયાત નથી, અમે દેશના નાગરિકો પર ભરોસો કરીએ, દેશ ચલાવવા માટે અમારા કરતા પણ વધુ તાકાત મારા દેશવાસીઓમાં છે, તે આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. દેશને બદલવા માટે કઈ રીતે લોકો આગળ આવી રહ્યા છે, એક ઈમાનદારીનો માહોલ બન્યો છે. પહેલાની સરખામણીમાં હવે વધુ લોકો ટેક્સ ભરવા આવી રહ્યા છે. નગરની અંદર સુવિધાઓ જો જોવા મળે છે તો લોકો ટેક્સ આપવા માટે તૈયાર થઇ રહ્યા છે. તેમને ભરોસો થયો છે કે પાઈ પાઈ સાચી જગ્યા ઉપર ખર્ચ થઇ રહી હશે, પોતાના બંગલા પર ખર્ચ નહી થતો હોય તો દેશનો સામાન્ય માનવી પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો છે.

અને એટલા માટે હવે ફરી એકવાર આપ સૌને આ મિશન માટે, જે કામ તમે લોકોએ કર્યું છે અને જે આપણા દેશ નગર નિગમથી બધા જ મહાનુભવો આવ્યા છે તેમને પણ. મને વિશ્વાસ છે કે બીજી વખતે બીજા પણ શહેરો આગળ આવશે, જે આગળ નીકળી ચૂક્યા છે તે તો નીકળી ગયા છે પરંતુ નવા લોકો આગળ આવશે. નવા શહેરોમાં ક્ષમતા પડેલી છે, નેતૃત્વ આપો. ત્યાંના કમિશનર હોય, ત્યાંના મેયર હોય, ત્યાંના સીઈઓ હોય જરા મન દઈને એક લક્ષ્ય નિર્ધારિત કરો. તમને પણ સન્માનિત કરવા માટે હું રાહ જોઈ રહ્યો છું. હવે મને તમને સન્માનિત કરવાનો મોકો આપો. હું હિન્દુસ્તાનના તમામ શહેરોને આમંત્રણ આપું છું, હું સામેથી તમારું સન્માન કરવા માગુ છું, મને તમારું સન્માન કરવાનો અવસર આપો એટલું શ્રેષ્ઠ કામ કરીને આવો.

ફરી એકવાર સફળ થનારાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ, સફળતા માટે પ્રયત્ન કરવાવાળાઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર !

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"