શ્રી પટના સાહિબ, ગુરુની નગરીમાં દશમેશ પિતા સાહેબ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મ દિવસ પર ગુરુ સાહેબોના આશીર્વાદ લેવા માટે આવેલા સાધુ સમાજ, આપ સૌનું હું સ્વાગત કરું છું. આ પવિત્ર દિવસે હું આપ સૌને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન પણ આપું છું.
આજે આપણે પટના સાહિબની આ પવિત્ર ધરતી ઉપર આ પ્રકાશ પર્વ ઉજવવા માટે ભાગ્યશાળી બન્યા છીએ. પરંતુ આજે સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે, શિખ સમુદાય રહે છે, દુનિયાના બધા જ દેશોમાં ભારત સરકારે આપણા દૂતાવાસોના માધ્યમથી આ પ્રકાશ પર્વ ઉજવવા માટે યોજના બનાવી છે જેથી કરીને માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એ વાતનો એહસાસ થાય કે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ, સાડા ત્રણસો વર્ષ (350) પૂર્વે એક એવા દિવ્યાત્માનો જન્મ થયો હતો, જેણે માનવતાને કેટલી મોટી પ્રેરણા આપી. આ વિશ્વને પણ પરિચય થાય તે દિશામાં ભારત સરકારે ભરપુર પ્રયાસો કર્યા છે.
હું શ્રીમાન નીતીશજીને, સરકારને, તેમના બધા જ સાથીઓને અને બિહારની જનતાને વિશેષ રૂપે અભિનંદન આપું છું કેમકે પટના સાહિબમાં આ પ્રકાશ પર્વ એક વિશેષ મહત્વ ધરાવે છે. હિન્દુસ્તાનની એકતા, અખંડિતતા, ભાઈચારો, સામાજિક સમરસતા, સર્વપંથ સમભાવ, તેનો ખૂબ જ મજબૂત સંદેશ આપવાની તાકાત આ પટના સાહિબમાં પ્રકાશ પર્વને ઉજવવામાં છે અને એટલા માટે જ નીતીશજીએ જે મહેનત સાથે પોતે, મને કહેવામાં આવતું હતું કે, પોતે જાતે ગાંધી મેદાન આવીને, બધી જ ચીજ વસ્તુઓની ઝીણવટપૂર્વક ચિંતા કરીને આટલા મોટા ભવ્ય સમારોહની યોજના કરી છે.
કાર્યક્રમનું સ્થળ ભલે પટના સાહિબ હોય, પણ પ્રેરણા આખા હિન્દુસ્તાનમાં છે; પ્રેરણા આખા વિશ્વમાં છે. અને એટલા માટે જ આ પ્રકાશ પર્વ આપણને પણ માનવતા માટે કયા રસ્તે ચાલવાનું છે, આપણા સંસ્કારો કયા છે, આપણા મુલ્યો કયા છે, આપણે માનવ જાતિને શું આપી શકીએ છીએ, તેના માટે એક પુનઃ સ્મરણ કરીને નવા ઉમંગ, ઉત્સાહ અને ઊર્જાની સાથે આગળ વધવાનો આ અવસર છે.
ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ એક ત્યાગની પ્રતિમૂર્તિ હતા. આપણે કલ્પના કરી શકીએ છીએ કે આંખોની સામે પોતાના પૂજ્ય પિતાજીનું બલિદાન જોયું અને પોતાની જ હાજરીમાં પોતાના સંતાનોને પણ આદર્શો માટે, મૂલ્યો માટે, માનવતા માટે બલિ ચઢતા જોયા, અને તે પછી પણ ત્યાગની પરાકાષ્ઠા જુઓ; ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ પણ આ ગુરુ પરંપરાને આગળ વધારી શકતા હતા,પરંતુ તેમની દીર્ઘ દ્રષ્ટિ હતી કે તેમણે જ્ઞાનને કેન્દ્રમાં રાખીને ગુરુ ગ્રંથ સાહિબના દરેક શબ્દને જીવન મંત્ર માનીને આપણા સૌના માટે છેલ્લે એટલું જ કહ્યું; હવે ગુરુ ગ્રંથ સાહિબ જ, તેના પ્રત્યેક શબ્દ, તેના પ્રત્યેક પાનાં, આવનારા યુગો સુધી આપણને પ્રેરણા આપતા રહેશે. આ પણ, આ પણ તેમના ત્યાગની મિસાલનો અંશ હતો. તેનાથી પણ આગળ જયારે પંચ પ્યારે અને ખાલસા પંથની રચના, તેમાં પણ આખા ભારતને જોડવાનો તેમનો પ્રયાસ હતો.
જયારે લોકો આદી શંકરાચાર્યની ચર્ચા કરે છે તો કહે છે કે આદિ શંકરાચાર્યે હિન્દુસ્તાનના ચારેય ખૂણામાં મઠનું નિર્માણ કરીને ભારતની એકતાને જોર આપવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબે પણ હિન્દુસ્તાનના જુદા જુદા ખૂણામાંથી તે પંચ પ્યારાની પસંદગી કરીને સમગ્ર હિન્દુસ્તાનને ખાલસા પરંપરા વડે એકતાના સૂત્રમાં બાંધવાનો તે જમાનામાં અદભૂત પ્રયાસ કર્યો હતો, જે આજે પણ આપણી વિરાસત છે. અને હું હમેશા હૃદયથી અનુભવ કરું છું કે મારો કોઈ લોહીનો સંબંધ છે કારણ કે જે પહેલા પંચ પ્યારા હતા, તે પંચ પ્યારાઓને, તેમને એવું નહોતું કહેવામાં આવ્યું કે તમને આ મળશે, તમને આ પણ મળશે, તમે આગળ આવો. ના, ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબનો કસોટીનો માપદંડ પણ ઘણો ઊંચો રહેતો હતો. તેમણે તો માથું કપાવવા માટે આમંત્રણ આપ્યું હતું; આવો, તમારું માથું કાપી નાખવામાં આવશે, અને આ ત્યાગના આધાર ઉપર નક્કી કરવામાં આવશે કે આગળ કેવી રીતે વધવાનું છે. અને પોતાના માથા આપવા માટે દેશના અલગ અલગ ખૂણામાંથી લોકો આગળ આવ્યા, તેમાં એક ગુજરાતના દ્વારકાના દરજી સમાજનો દીકરો, તે પણ આગળ આવ્યો અને પંચ પ્યારામાં તેને પણ સ્થાન મેળવ્યું. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબે તેને ગળે વળગાડ્યો અને પંચ પ્યારે ખાલસા પરંપરા નિર્માણ તો કરી હતી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબે, તેઓ ઈચ્છે તે દિશામાં આ પરંપરા આગળ વધી શક્તિ હતી, પણ આ તેમનો ત્યાગ, તેમની ઊંચાઈ હતી કે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબે પોતાને પણ તે બંધનોમાં બાંધી લીધા, અને તેમણે કહ્યું કે આ જે પંચ પ્યારા છે; આ જે ખાલસા પરંપરા બની છે, મારા માટે પણ શું કરવાનું, શું નહિ કરવાનું, ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, આ લોકો જે નિર્ણય કરશે હું તેનું પાલન કરીશ.
હું સમજુ છું કે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબના આનાથી મોટા ત્યાગની કલ્પના કોઈ કરી શકે તેમ નથી કે જે વ્યવસ્થા તેમણે પોતે ઊભી કરી છે, પોતાની પ્રેરણાથી જે વ્યવસ્થા ઊભી થઇ છે, પરંતુ તે વ્યવસ્થાને તેમણે પોતાના માથે રાખી અને પોતાની જાતને તે વ્યવસ્થાને સમર્પિત કરી દીધી અને તે જ મહાનતાનું પરિણામ છે આજે સાડા ત્રણસો (350) વર્ષનું પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાવ, શિખ પરંપરાથી જોડાયેલ કોઈપણ વ્યક્તિ હશે તે ત્યાં નતમસ્તક થાય છે, પોતાની જાતને સમર્પિત કરે છે. ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબે જે પરંપરા રાખી હતી તે પરંપરાનું પાલન કરે છે.
તો આવી એક મહાન પ્રેરણા, ગુરુ ગોવિંદ સિંહજી મહારાજને જયારે યાદ કરીએ છીએ તો કેટલાક ઈતિહાસકારો શૌર્ય અને વીરતાની બાજુને જ પ્રગટ કરે છે. પરંતુ તેમની વીરતાની સાથે તેમની જે ધીરજ હતી, ધૈર્ય હતું, તે અદભૂત હતા. તેઓ સંઘર્ષ કરતા હતા પરંતુ ત્યાગની પરાકાષ્ઠા અભૂતપૂર્વ હતી. તેઓ સમાજમાં બદીઓની વિરુદ્ધ લડતા હતા. ઊંચ નીચનો ભાવ, જાતિવાદનું ઝેર, તેની વિરુદ્ધ પણ યુદ્ધ કરીને સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું, તમામને સમાનતા, તેમાં કોઈ ઊંચ નીચનો ભેદ ન હોય, તેના માટે જીવન પર્યંત પોતાના લોકોની વચ્ચે પણ તેઓ આગ્રહપૂર્વક વાતોને મનાવડાવવામાં પોતાનું જીવન હોમતા રહ્યા હતા.
સમાજ સુધારક હોય, વીરતાની પ્રેરણા હોય, ત્યાગ અને તપસ્યાની તપોભૂમિમાં પોતાની જાતને તપાવવાવાળું વ્યક્તિત્વ હોય, સર્વ ગુણ સંપન્ન, એવા ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબનું જીવન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે. આપણે પણ સર્વપંથ સમભાવની સાથે સમાજનો પ્રત્યેક વર્ગ એક સમાન છે, ના કોઈ ઊંચ છે ના કોઈ નીચ છે, ના કોઈ પોતાનું છે ના કોઈ પારકું છે; આ મહાન મંત્રોને લઈને આપણે સૌ પણ દેશમાં દૂર સુધી તે આદર્શોને પ્રસ્થાપિત કરીશું.
દેશની એકતા મજબૂત બનશે, દેશની તાકાત વધશે, દેશની પ્રગતિની નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. આપણે વીરતા પણ જોઈએ છે, આપણે ધીરતા પણ જોઈએ છે, આપણે શૌર્ય પણ જોઈએ છે, આપણે પરાક્રમ પણ જોઈએ; આપણે ત્યાગ અને તપસ્યા પણ જોઈએ છે. આ સંતુલિત સમાજ વ્યવસ્થા, આ ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબના પ્રત્યેક શબ્દમાં, જીવનના દરેક કામમાં આપણને પ્રેરણા આપનારી રહી છે અને એટલા માટે જ આજે આ મહાન પવિત્ર આત્માના ચરણોમાં માથું નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે.
આજે ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબની તે જ જગ્યા ઉપર આવીને ગુરુ ગ્રંથ સાહિબને પણ શત શત નમન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, મને વિશ્વાસ છે કે તે આપણને પ્રેરણા આપતા રહેશે. અહીં નીતીશજીએ ખૂબ મહત્વપૂર્ણ વાતને સ્પર્શ કર્યો છે. મહાત્મા ગાંધી ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી, પરંતુ હું નીતીશજીને હૃદયપૂર્વક એક વાત માટે અભિનંદન આપું છું. સમાજ પરિવર્તનનું કામ ખૂબ મુશ્કેલ હોય છે, ખુબ મુશ્કેલ હોય છે. તેને હાથ અડાડવાની હિમ્મત કરવી એ પણ ખુબ મુશ્કેલ કામ હોય છે. પણ તેમ છતાં નશા મુક્તિનું જે રીતે તેમણે અભિયાન ચલાવ્યું છે, આવનારી પેઢીઓને બચાવવા માટે તેમણે જે બીડું ઝડપ્યું છે, હું તેમને ખુબ ખુબ અભિનંદન આપું છું, વધામણા કરું છું.
અને હું તમામ બિહારવાસીઓને, બધા જ રાજનીતિક દળોને, બધા જ સામાજિક જીવનમાં કામ કરનારા લોકોને એ જ પ્રાર્થના કરીશ, કે આ કામ માત્ર સરકારનું નથી, આ કામ માત્ર નીતીશ કુમારનું નથી, આ કામ માત્ર કોઈ રાજનીતિક દળનું નથી, આ જન જનનું કામ છે. તેને સફળ બનાવીશું તો બિહાર એ દેશની પ્રેરણા બની જશે. અને મને વિશ્વાસ છે કે જે બીડું નીતીશજીએ ઝડપ્યું છે, તેઓ જરૂરથી સફળ થશે અને આપણી આવનારી પેઢીને બચાવવાના કામમાં ગુરુ ગોવિંદ સિંહજી મહારાજનું આ પ્રકાશ પર્વ પણ તેમને આશીર્વાદ આપશે. તેમને એક નવી તાકાત આપશે. અને મને વિશ્વાસ છે કે બિહાર દેશની એક બહુ મોટી અનમોલ શક્તિ બનશે, દેશને આગળ વધારવા માટે બિહાર ખૂબ મોટું યોગદાન આપશે. કારણ કે બિહારની ધરતી છે જેને ગુરુ ગોવિંદ સિંહજી મહારાજથી લઈને અત્યાર સુધી અનેક મહાપુરુષો આપણને આપ્યા છે. રાજેન્દ્ર બાબુને યાદ કરીએ. ચંપારણ સત્યાગ્રહ, સત્યાગ્રહની કલ્પનાની આ ભૂમિ છે. જયપ્રકાશ નારાયણ, કર્પૂરી ઠાકુર, અસંખ્ય, અસંખ્ય નર રત્નો આ ધરતીએ મા ભારતીની સેવામાં આપ્યા છે. આવી ભૂમિ ઉપર ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ તે પ્રેરણા આપણા સૌના માટે એક નવો આદર્શ, નવી પ્રેરણા, નવી શક્તિ આપે છે. આ જ એક પ્રસંગને, પ્રકાશ પર્વને, જ્ઞાનના પ્રકાશને જીવનભર પોતાની અંદર લઇ જવાના સંકલ્પ સાથે આપણે આ પ્રકાશ પર્વને ઉજવીએ.
વિશ્વભરમાં જે પણ ભારત સરકારના અલગ અલગ મિશન્સ દ્વારા, રાજદૂતાવાસો દ્વારા આ પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. હું વિશ્વભરમાં ફેલાયેલા ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ સાહેબનું સ્મરણ કરનારા બધા જ લોકોને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ વધામણી આપું છું. ભારત સરકારે આ પ્રકાશ પર્વને ખૂબ વ્યાપક રીતે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર ઉજવવાની યોજના બનાવી છે, સમિતિ બનાવી છે.
સો કરોડ રૂપિયા તે કામ માટે લગાવવામાં આવ્યા છે. રેલવેએ અલગથી લગભગ 40 કરોડ રૂપિયા લગાવીને સ્થાઈ વ્યવસ્થાઓ આ પ્રકાશ પર્વ નિમિત્તે ઊભી કરી છે. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગે પણ આશરે 40 કરોડ રૂપિયા લગાવીને અનેકવિધ યોજનાઓ સાકાર કરવાની દિશામાં કામ કર્યું છે જેથી કરીને આ હંમેશા, હંમેશા આવનારી પેઢીઓને પ્રેરણા આપનારું કામ બની રહે, તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને આગળ પણ આ કામને આગળ વધારતા રહીશું. હું ફરી એક વાર આ અવસર પર, આ પવિત્ર અવસર પર, સહભાગી બનવાનું સૌભાગ્ય મને મળ્યું, પોતાના જીવનને હું ધન્ય માનું છું.
આપ સૌને પ્રણામ કરીને જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ!