આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.
એનઆરજીની ઊર્જા, ભારત અને અમેરિકાની વચ્ચે વધી રહેલ સુસંવાદીતાનું પ્રમાણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અહિયાં આવવું, અમેરિકાની મહાન લોકશાહીના વિવિધ પ્રતિનિધિઓનું, પછી તે રિપબ્લિકન હોય કે ડેમોક્રેટ હોય, તેમનું અહિં આવવું અને ભારત માટે, મારા માટે આટલી પ્રશંસામાં ઘણું બધું કહેવું, મને ખૂબ જ શુભકામનાઓ આપવી, સ્ટેની એચ હોયે, આર સેનેટર જ્હોન કોર્નીન અને અન્ય સાથીઓએ જે ભારતની પ્રગતિના વિષયમાં કહ્યું છે, જે પ્રશંસા કરી છે, તે અમેરિકામાં રહેનારા ભારતીયોનું, તેમના સામર્થ્ય તેમની સિદ્ધિનું સન્માન છે. 130 કરોડ એટલે કે 1.3 મિલિયન ભારતીયોનું આ સન્માન છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય પણ ઘણા બધા અમેરિકાનાં મિત્રો આજે અહિયાં આ કાર્યક્રમમાં આવ્યા છે. હું દરેક હિન્દુસ્તાની તરફથી સૌનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. હું આ કાર્યક્રમના આયોજકોને પણ અભિનંદન આપું છું. મને જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી પરંતુ જગ્યાના અભાવને કારણે હજારો લોકો અહિં આવી નથી શક્યા. જે લોકો અહિં નથી આવી શક્યા. હું વ્યક્તિગત રૂપે તેમની ક્ષમા માંગુ છું.
હું હ્યુસ્ટન ટેક્સાસ શાસનવ્યવસ્થાની પણ ખૂબ-ખૂબ પ્રશંસા કરીશ જેમણે બે દિવસ પહેલા અચાનક બદલાયેલા હવામાન પછી, આટલા ઓછા સમયમાં પરિસ્થિતિને સંભાળી. વ્યવસ્થાઓને સરખી ગોઠવી અને જેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી રહ્યા હતા, એ સિદ્ધ કર્યું કે હ્યુસ્ટન મજબૂત છે.
સાથીઓ, આ કાર્યક્રમનું નામ હાઉડી મોદી છે… હાઉડી મોદી પરંતુ મોદી એકલો કંઈ જ નથી. હું 130 કરોડ ભારતીયોના આદેશ પર કામ કરનારો એક સાધારણ વ્યક્તિ છું અને એટલા માટે જ્યારે તમે મને પૂછ્યું છે હાઉડી મોદી તો મારું મન કહે છે તેનો જવાબ એ જ છે. ભારતમાં બધું સારું છે. સબ ચંગા સી. બધા જ મજામાં છે. અંતા બાગુંદી. હેલ્લા ચેન્નાગીરે. એલ્લામ સો કિયામ. સર્વ છાન ચાલ્યા હૈ. શોબ ખૂબ ભાલો. સબુ ભલ્લા છી.
સાથીઓ, આપણા અમેરિકી મિત્રોને એ આશ્ચર્ય થઇ રહ્યું હશે કે હું શું બોલ્યો છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારા અમેરિકી મિત્રો મેં એટલું જ કહ્યું છે કે બધું બરાબર છે. પરંતુ ભારતની કેટલીક જુદી-જુદી ભાષાઓમાં અમારા ઉદાર અને લોકશાહી સમાજની આ બહુ મોટી ઓળખાણ છે આ અમારી ભાષાઓ, સદીઓથી અમારા દેશમાં સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ, સહ-અસ્તિત્વની ભાવના સાથે આગળ વધી રહી છે અને આજે પણ કરોડો લોકોની માતૃભાષા બનેલી છે અને સાથીઓ માત્ર ભાષા જ નહી, અમારા દેશમાં જુદા જુદા પંથ, ડઝનબંધ સંપ્રદાય, જુદી-જુદી પૂજા પદ્ધતિઓ, સેંકડો પ્રકારની જુદા-જુદા ક્ષેત્રીય ખાણીપીણી, જુદી-જુદી વેશભૂષા, જુદી-જુદી મોસમ ઋતુ ચક્ર આ ધરતીને અદભૂત બનાવે છે. વિવિધતામાં એકતા, એ જ અમારી ધરોહર છે, એ જ અમારી વિશેષતા છે.
ભારતનું આ જ વૈવિધ્ય આપણી ગતિશીલ લોકશાહીનો આધાર છે. એ જ અમારી શક્તિ છે, એ જ અમારી પ્રેરણા છે. અમે જ્યાં પણ જઈએ છીએ વૈવિધ્ય, લોકશાહીના સંસ્કાર સાથે સાથે લઈને સાથે જઈએ છીએ. આજે અહિં આ સ્ટેડિયમમાં બેઠેલા 50 હજારથી વધુ ભારતીયો અમારી મહાન પરંપરાના પ્રતિનિધિ બનીને આજે અહિં ઉપસ્થિત છે. તમારામાંથી કેટલાય તો એવા પણ છે જેમણે ભારતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ 2019ની ચૂંટણીમાં પણ પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે.
ખરેખર આ એક એવી ચૂંટણી હતી જેણે ભારતીય લોકશાહીની શક્તિના પરચમ આખી દુનિયામાં લહેરાવી દીધા છે. આ ચૂંટણીમાં 61 કરોડ એટલે કે છસો દસ મિલિયનથી પણ વધુ મતદારોએ ભાગ લીધો. એક રીતે જોઈએ તો અમેરિકાની કુલ વસતિ કરતા લગભગ બમણા, તેમાં પણ 8 કરોડ એટલે કે 80 મિલિયન યુવાનો તો એવા છે જેઓ પ્રથમવારના મતદાતાઓ હતા. ભારતની લોકશાહીના ઈતિહાસમાં સૌથી વધુ મહિલા મતદારોએ આ વખતે મત આપ્યા હતા. અને આ વખતે સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ ચૂંટાઈને પણ આવી છે.
સાથીઓ, 2019ની ચૂંટણીએ એક બીજો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. 60 વર્ષ પછી એવું થયું જ્યારે પૂર્ણ બહુમતી સાથે બનેલી કોઈ સરકાર પોતાના 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને પહેલા કરતા પણ વધુ સંખ્યાબળની સાથે પાછી ફરી હોય. આ બધું આખરે કેમ થયું, કોના લીધે થયું.. જી ના.. મોદીના લીધે નથી થયું, તે હિન્દુસ્તાન વાસીઓના કારણે થયું છે.
સાથીઓ, ધીરજ આપણા ભારતીયોની ઓળખ છે પરંતુ હવે આપણે અધીરા છીએ દેશના વિકાસ માટે, 21મી સદીમાં દેશને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે. આજે ભારતનો સૌથી વધુ ચર્ચિત શબ્દ છે વિકાસ. આજે ભારતનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, આજે ભારતની સૌથી મોટી નીતિ છે જન ભાગીદારી, લોક ભાગીદારી, આજે ભારતનો સૌથી વધુ પ્રચલિત નારો છે સંકલ્પથી સિદ્ધિ અને આજે ભારતનો સૌથી મોટો સંકલ્પ છે ન્યુ ઇન્ડિયા.
ભારત આજે ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરું કરવા માટે દિવસ રાત એક કરી રહ્યું છે. અને તેમાં સૌથી વધુ વિશેષ વાત એ છે કે આપણે કોઈ બીજાની સાથે નહીં પરંતુ પોતે પોતાની જાત સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. અમે પોતાની જાતને પડકાર ફેંકી રહ્યા છીએ, અમે અમારી જાતને બદલી રહ્યા છીએ.
સાથીઓ, આજે ભારત પહેલાની સરખામણીએ વધારે ઝડપી ગતિએ આગળ વધવા માંગે છે, આજે ભારત કેટલાક લોકોની વિચારધારાને પડકાર ફેંકી રહ્યું છે. જેમની વિચારધારા છે, કઈ બદલાઈ શકે તેમ છે જ નહીં.
વીતેલા પાંચ વર્ષોમાં 130 કરોડ ભારતીયોએ સાથે મળીને દરેક ક્ષેત્રમાં એવા પરિણામો હાંસલ કર્યા છે, જેમની પહેલા કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. અમે ઊંચું લક્ષ્ય રાખી રહ્યા છીએ અને અમે વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો સાત દાયકાઓમાં દેશની ગ્રામીણ સ્વચ્છતા 38% પહોંચી હતી. પાંચ વર્ષોમાં અમે 11 કરોડ એટલે કે 110 મિલિયનથી વધુ શૌચાલયો બનાવડાવ્યા છે. આજે ગ્રામીણ સ્વચ્છતા 99% પર છે. દેશમાં રાંધણગેસ જોડાણો પણ પહેલા 55%ની આસપાસ હતા. પાંચ વર્ષની અંદર અમે તેને 95% સુધી પહોંચાડી દીધા. માત્ર પાંચ વર્ષોમાં અમે 15 કરોડ એટલે કે 115 મિલિયનથી વધુ લોકોને ગેસના જોડાણો સાથે જોડ્યા છે. ભારતમાં ગ્રામીણ માર્ગ જોડાણ પહેલા 55% હતું, પાંચ વર્ષમાં અમે તેને 97% સુધી લઇ ગયા છીએ. માત્ર પાંચ વર્ષમાં અમે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ કિલોમીટર એટલે કે બસો હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કર્યું છે. ભારતમાં 50%થી પણ ઓછા લોકોના બેંક ખાતા હતા, આજે પાંચ વર્ષમાં લગભગ 100% પરિવારો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે. પાંચ વર્ષમાં અમે 37 કરોડ એટલે કે 317 મિલિયનથી વધુ લોકોના નવા બેંક ખાતાઓ ખોલાવ્યા છે.
સાથીઓ, આજે જ્યારે લોકોની પાયાગત જરૂરિયાતોની ચિંતા ઓછી થઇ રહી છે તો તેઓ મોટા સપનાઓ જોઈ રહ્યા છે. તેમને પ્રાપ્ત કરવા માટે બધી ઊર્જા તે દિશામાં લગાવવામાં આવી રહી છે.
સાથીઓ, અમારા માટે જેટલુ વેપાર કરવાની સરળતાનું મહત્વ છે, તેટલું જ જીવન જીવવાની સરળતાનું પણ. અને તેનો રસ્તો છે સશક્તીકરણ, જ્યારે દેશનો સામાન્ય માનવી સશક્ત હશે તો દેશનો સામાજિક અને આર્થિક વિકાસ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધશે.
હું તમને આજે એક ઉદાહરણ આપું છું. સાથીઓ આજકાલ કહેવાય છે કે ડેટા ઈઝ ધ ન્યુ ઓઈલ. તમે હ્યુસ્ટનના લોકો તેલની જ્યારે વાત આવે છે તો તેનો અર્થ ખૂબ સારી રીતે જાણો છો, હું તેની સાથે એ પણ જોડીશ કે ડેટા ઈઝ ધ ન્યુ ગોલ્ડ. જો આખી દુનિયામાં, જરા ધ્યાનથી સાંભળજો, જો આખી દુનિયામાં સૌથી ઓછી કિંમત પર ડેટા ક્યાંય ઉપલબ્ધ છે તો તે દેશ છે ભારત. આજે ભારતમાં 1 જીબી ડેટાની કિંમત છે માત્ર 25-૩૦ સેન્ટની આસપાસ એટલે કે 1 ડોલરનો પણ ચોથો ભાગ અને હું તે પણ કહેવા માંગું છું કે 1 જીબી ડેટાની વૈશ્વિક સરેરાશ કિંમત આના કરતા 25-39 ગણી વધુ છે.
આ સસ્તો ડેટા ભારતમાં ડિજિટલ ઇન્ડિયાની એક નવી ઓળખ બની રહ્યો છે. સસ્તા ડેટાએ ભારતમાં શાસનવ્યવસ્થાને પુનઃવ્યાખ્યાયિત પણ કરી છે. આજે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લગભગ લગભગ 10 હજાર સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે.
સાથીઓ, એક સમય હતો જ્યારે પાસપોર્ટ બનવામાં બેથી ત્રણ મહિના લાગતા હતા. હવે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પાસપોર્ટ ઘરે આવી જાય છે. પહેલા વિઝાને લઇને કયા પ્રકારની તકલીફો પડતી હતી તે કદાચ તમે લોકો વધુ સારી રીતે જાણો છો આજે અમેરિકા ભારતના ઈ-વિઝા સુવિધાના સૌથી મોટા વપરાશકર્તાઓમાંનું એક છે.
સાથીઓ, એક સમય હતો જ્યારે નવી કંપનીઓની નોંધણીમાં બે-બે, ત્રણ-ત્રણ અઠવાડિયા લાગી જતા હતા. હવે 24 કલાકમાં નવી કંપની નોંધાઈ જાય છે.
એક સમય હતો જ્યારે ટેક્સ રીટર્ન ભરવો એ બહુ માથાના દુખાવાનું કામ હતું. ટેક્સ રીફંડ આવવામાં મહિનાઓ લાગી જતા હતા, હવે જે પરિવર્તન આવ્યું છે તે સાંભળશો તો તમને નવાઈ લાગશે. આ વખતે 31 ઓગસ્ટના રોજ એક દિવસમાં, હું માત્ર એક દિવસની વાત કરી રહ્યો છું. એક દિવસમાં આશરે 50 લાખ એટલે કે 5 મિલિયન લોકોએ પોતાનો ઇન્કમટેક્ષ રીટર્ન ઓનલાઈન ભર્યો છે. એટલે કે માત્ર એક દિવસમાં જ 50 લાખ રીટર્ન. એટલે કે હ્યુસ્ટનની કુલ વસતિના બમણા કરતા પણ વધુ અને બીજી સૌથી મોટી વાત જે ટેક્સ રીફંડ મહિનાઓમાં આવતું હતું તે હવે અઠવાડિયા 10 દિવસમાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થઇ જાય છે.
ભાઈઓ અને બહેનો, ઝડપી વિકાસનો પ્રયાસ કરી રહેલા કોઈ પણ દેશમાં, પોતાના નાગરિકોની માટે કલ્યાણકારી યોજનાઓ જરૂરી હોય છે. જરૂરિયાતમંદ નાગરિકોની માટે કલ્યાણકારી યોજના ચલાવવાની સાથે સાથે નવા ભારતના નિર્માણની માટે કેટલીક વસ્તુઓને વિદાય પણ આપવામાં આવી રહી છે. અમે જેટલું મહત્વ કલ્યાણને આપ્યું છે તેટલું જ વિદાયને પણ આપી રહ્યા છીએ.
આ 2જી ઓક્ટોબરે જ્યારે દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવશે, તો ભારત ખુલ્લામાં શૌચને વિદાય આપી દેશે. ભારત વીતેલા પાંચ વર્ષોમાં 1500થી વધુ ખૂબ જૂના કાયદાઓને પણ તિલાંજલિ આપી ચૂક્યો છે. ભારતમાં ડઝનબંધ ટેક્સની જે ઝાળ હતી તે પણ વ્યવસાય અનુકુળ વાતાવરણ બનાવવામાં અડચણો ઉભી કરતી હતી. અમારી સરકારે ટેક્સની આ ઝાળને વિદાય આપી દીધી છે અને જીએસટી લાગુ કરી દીધું છે.
વર્ષો પછી દેશમાં એક રાષ્ટ્ર એક ટેક્સનું સપનું અમે સાકાર કરી બતાવ્યું છે. સાથીઓ, અમે ભ્રષ્ટાચારને પણ પડકાર ફેંકી રહ્યા છીએ. તેને દરેક સ્તર પર વિદાય આપવા માટે એક પછી એક પગલાઓ ઉપાડી રહ્યા છીએ. વીતેલા બે ત્રણ વર્ષમાં ભારતે સાડા ત્રણ લાખ એટલે કે 350 હજારથી વધુ સંદિગ્ધ કંપનીઓને પણ તિલાંજલિ આપી દીધી છે. અમે 8 કરોડ એટલે કે 80 મિલિયનથી વધુ એવા નકલી નામોને પણ વિદાય આપી દીધી છે. જે માત્ર કાગળ પર હતા અને સરકારી સેવાઓનો ફાયદો ઉઠાવી રહ્યા હતા.
સાથીઓ, તમે કલ્પના કરી શકો છો કે આ ભૂતિયા નામોને હટાવીને કેટલા રૂપિયા ખોટા હાથોમાં જતા બચાવવામાં આવ્યા છે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા. એટલે કે આશરે 20 બિલિયન યુએસ ડોલર, એક દેશમાં. અમે દેશમાં એક પારદર્શક ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જેથી વિકાસનો લાભ દરેક ભારતીય સુધી પહોંચે અને ભાઈઓ અને બહેનો એક પણ ભારતીય વિકાસથી દૂર ના રહે, કેમ કે તે પણ ભારતને મંજૂર નથી.
દેશની સામે 70 વર્ષથી એક બીજો મોટો પડકાર હતો જેને થોડા દિવસ અગાઉ જ ભારતે તિલાંજલિ આપી દીધી છે. તમે સમજી ગયા, તે વિષય છે – કલમ 370નો, કલમ 370એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. અ પરિસ્થિતિનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારનારી તાકાતો ઉઠાવી રહી હતી.
હવે ભારતના બંધારણે જે અધિકાર બાકી ભારતીયોને આપ્યા છે તે જ અધિકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને પણ મળી રહ્યા છે. ત્યાની મહિલાઓ બાળકો દલિતોની સાથે થઇ રહેલા ભેદભાવ નાબૂદ થઇ ગયા છે.
સાથીઓ, અમારી સંસદના ઉપલા ગૃહ, નીચલા ગૃહ બંનેમાં કલાકો સુધી તેની પર ચર્ચા થઇ જેનું દેશ અને દુનિયામાં લાઇવ ટેલિકાસ્ટ થયું. ભારતમાં અમારા પક્ષ પાસે ઉપલા ગૃહ એટલે કે રાજ્ય સભામાં બહુમતી નથી. તેમ છતાં અમારી સંસદના ઉપલા ગૃહ અને નીચલા ગૃહ બંનેએ તેની સાથે જોડાયેલા નિર્ણયોને બે તૃતીયાંશ બહુમતીથી પસાર કર્યા છે. હું આપ સૌને આગ્રહ કરું છું, હિન્દુસ્તાનના તમામ સાંસદો માટે ઉભા થઇને સન્માન થઇ જાય.. હા, તમારો ખૂબ ખૂબ આભાર.
ભારત પોતાને ત્યાં જે કામ કરી રહ્યું છે, તેનાથી કેટલાક લોકોને પણ તકલીફ થઇ રહી છે, જેમનાથી પોતાનો દેશ સંભાળી નથી શકાતો. આ લોકોએ ભારતની પ્રત્યે નફરતને જ પોતાની રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધું છે. આ એવા લોકો છે જેઓ અશાંતિ ઈચ્છે છે, આતંકના સમર્થક છે, આતંકને પાળે છે. તેમની ઓળખ માત્ર તમે જ નહીં સમગ્ર દુનિયા પણ સારી રીતે જાણે છે. અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11 હોય, તેની રચના કરનારાઓ ક્યાં જોવા મળે છે?
સાથીઓ, હવે સમય આવી ગયો છે કે આતંકવાદની વિરુદ્ધ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓની વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. હું અહિં ભારપૂર્વક કહેવા માંગીશ કે આ લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંપૂર્ણ મજબૂતી સાથે આતંકની વિરુદ્ધ ઉભા થયા છે. એક વાર આતંકની વિરુદ્ધ લડાઈનું રાષ્ટ્રપતિ ટ્રમ્પનું જે મનોબળ છે, આપણે સૌ સાથે મળીને તેમને પણ ઉભા થઇને સન્માન આપીશું. આભાર… આભાર… મિત્રો.
ભાઈઓ અને બહેનો ભારતમાં ઘણું બધું થઇ રહ્યું છે, ઘણું બધું બદલાઈ રહ્યું છે અને ઘણું બધું કરવાના ઈરાદા લઈને અમે ચાલી રહ્યા છીએ. અમે નવા પડકારો નિર્ધારિત કરવાની, તેને પુરા કરવાની જીદ લઇને બેઠા છીએ. દેશની આ જ ભાવનાઓ પર મેં કેટલાક દિવસ પહેલા એક કવિતા લખી હતી. તેની બે પંક્તિ સંભળાવી રહ્યો છું, આજે વધુ તો સમય નથી, વધારે નહી કહું.
“વો જો મુશ્કિલો કા અંબાર હૈ, વહી તો મેરે હૌસલો કી મીનાર હૈ.”
સાથીઓ, ભારત આજે પડકારોને ટાળી નથી રહ્યો, અમે પડકારો સામે ટક્કર આપી રહ્યા છીએ. ભારત આજે થોડા ઘણા પ્રગતિકારક પરિવર્તનો પર નહીં, સમસ્યાઓના સંપૂર્ણ સમાધાન પર ભાર આપી રહ્યો છે. અસંભવ જેવી લાગનારી તમામ બાબતોને ભારત આજે સંભવ કરીને દેખાડી રહ્યો છે.
સાથીઓ, હવે ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રની માટે કમર કસવામાં આવી છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને નિકાસ વધારવા પર ભાર મૂકી રહ્યા છીએ. અમે લોકો માટે અનુકુળ, વિકાસને અનુકુળ અથવા રોકાણને અનુકુળ વાતાવરણ બનાવતા આગળ વધી રહ્યા છીએ. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સો લાખ કરોડ રૂપિયા લગભગ 1.3 ટ્રિલિયન ડોલર ખર્ચ કરવાના છીએ.
સાથીઓ, વીતેલા પાંચ વર્ષોમાં દુનિયામાં તમામ અનિશ્ચિતતાઓ હોવા છતાં પણ ભારતનો વૃદ્ધિ દર સરેરાશ 7.5% રહ્યો છે. અને એ પણ ધ્યાનમાં રાખો, પહેલાની કોઈ સરકારના સંપૂર્ણ કાર્યકાળની સરેરાશ જોઈએ તો આવું પહેલા ક્યારેય નથી થયું. સૌપ્રથમ વાર એક સાથે નીચો ફૂગાવો, નીચી નાણાકીય ખાધ અને ઊંચા વિકાસનો સમય આવ્યો છે.
આજે દુનિયાના સૌથી શ્રેષ્ઠ એફડીઆઈ ગંતવ્યોમાંથી એક છે. વર્ષ 2014 થી 2019 સુધી એફડીઆઈ ઇન્ફ્લોમાં લગભગ બમણો વધારો થયો છે. હમણાં તાજેતરમાં જ અમે સિંગલ બ્રાંડ રિટેલમાં એફડીઆઈના નિયમોને હળવા બનાવ્યા છે.
કોલસા ખાણ અને કોન્ટ્રાક્ટ ઉત્પાદન વિદેશી રોકાણ હવે 100% સુધી થઇ શકે છે. હું ગઈકાલે ઊર્જા કેન્દ્રના સીઈઓને અહિં હ્યુસ્ટનમાં મળ્યો. ભારતમાં કૉર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડાનો જે નિર્ણય લીધો છે, તેનાથી તે બધા જ લોકો ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા. તેમનો પ્રતિભાવ છે કે કૉર્પોરેટ ટેક્સ ઓછો કરવાના નિર્ણયથી માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક ઉદ્યોગપતિઓમાં ઘણો હકારાત્મક સંદેશ ગયો છે. આ નિર્ણય ભારતને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે.
સાથીઓ, ભારતીયો માટે અમેરિકા, અમેરિકામાં અને અમેરિકનોઓ માટે ભારતમાં આગળ વધવાની અપાર સંભાવના છે. 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર માટે ન્યુ ઇન્ડિયાની યાત્રા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની મજબૂત આર્થિક વૃદ્ધિ આ સંભાવનાઓને નવી પાંખો લગાવી દઈશું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જે આર્થિક ચમત્કારોની વાત કરી તે સોનામાં સુગંધ ભળવા જેવી જ થશે, આવનારા બે ત્રણ દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મારી વાતચીત થવાની છે. હું આશા રાખું છું કે તેનાથી પણ કેટલાક સકારાત્મક પરિણામો નીકળશે. આમ તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ મને કઠોર મંત્રણાકાર (tough negotiator) કહે છે પરંતુ તેઓ પોતે પણ ડિલ કરવાની કળામાં માહેર છે અને હું તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યો છું.
સાથીઓ, એક વધુ સારા ભવિષ્ય માટે અમારી આ આગળ વધતી કૂચ હવે વધુ ઝડપી ગતિએ વધવાની છે. આપ સૌ સાથીઓ તેનો મહત્વનો હિસ્સો છો, ચાલકબળ છો, તમે તમારા વતનથી દૂર છો પરંતુ વતનની સરકાર તમારાથી દૂર નથી.
વીતેલા પાંચ વર્ષોમાં અમે ભારતીય સમુદાયના સંવાદના અર્થો અને સંવાદની પદ્ધતિઓ બંનેને બદલી નાખ્યા છે. હવે વિદેશોમાં ભારતના દૂતાવાસો અને કાઉન્સિલ માત્ર સરકારી કાર્યાલય જ નહી પરંતુ તમારા સૌપ્રથમ સાથીની ભૂમિકામાં છે. વિદેશમાં કામ કરનારા સાથીઓની માટે, તેમના હિતોની સુરક્ષા માટે પણ સરકાર સતત કામ કરી રહી છે. મદદ, ઈ-માઈગ્રેટ વિદેશ જતા પહેલા પ્રિ-ડિપાર્ચર ટ્રેનીંગ, પ્રવાસી ભારતીયોની વીમા યોજનામાં સુધારો, બધા જ પીઆઈઓ કાર્ડને ઓસીઆઈ કાર્ડની સુવિધા, એવા તમામ કાર્ય કરવામાં આવ્યા છે. જેમણે પ્રવાસી ભારતીયોને વિદેશ જતા પહેલા અને પછીથી ઘણી મદદ મળી છે. અમારી સરકારે ભારતીય સમુદાય કલ્યાણ ભંડોળ મજબૂત કર્યું છે. વિદેશમાં અનેક નવા શહેરોમાં પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો, આજે આ મંચ પરથી જે સંદેશ વહેતો થયો છે તેની છાપ 21મી સદીની નવી પરિભાષાઓને જન્મ આપશે, નવી સંભાવનાઓને જન્મ આપશે. અમારી પાસે સમાન લોકશાહી મૂલ્યોની શક્તિ છે. બંને દેશોમાં નવ નિર્માણના સમાન સંકલ્પો છે અને બંનેનો સંગાથ અમને એક ઉજ્જવળ ભવિષ્યની તરફ જરૂરથી લઇ જશે.
શ્રીમાન રાષ્ટ્રપતિ હું ઈચ્છીશ કે આપ સપરિવાર ભારત આવો અને આપ અમને તમારું સ્વાગત કરવાનો અવસર આપો. આપણા બંનેની આ મૈત્રી ભારત અમેરિકાના સહભાગી સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને નવી ઊંચાઈ પ્રદાન કરશે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો, અમેરિકાના રાજનૈતિક, સામાજિક અને વ્યવસાય સાથે જોડાયેલા તમામ નેતાઓને અહિં આવવા બદલ ફરીથી એક વાર હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. ટેક્સાસ સરકાર, અહિંની શાસનવ્યવસ્થાને પણ ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું.
આભાર હ્યુસ્ટન. આભાર અમેરિકા. ઈશ્વર આપ સૌ પર કૃપા કરે.