નમસ્કાર,
શ્રી રામચંદ્ર મિશનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામનાઓ. રાષ્ટ્ર નિર્માણમાં, સમાજને મજબૂતી સાથે આગળ વધારવા માટે, 75 વર્ષનો આ પડાવ ઘણો મહત્વપૂર્ણ છે. લક્ષ્ય પ્રત્યે તમારા સમર્પણનું જ પરિણામ છે કે આજે આ યાત્રા 150 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકી છે. વસંત પંચમીના આ પાવન પર્વ પર આજે આપણે ગુરુ રામચંદ્રજીની જન્મ જયંતીનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આપ સૌને અભિનંદન સાથે જ હું બાબુજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
હું તમારી અદભૂત યાત્રાની સાથે જ તમારા નવા મુખ્યાલય કાન્હા શાંતિવન માટે પણ ખૂબ અભિનંદન આપું છું. મને જણાવવામાં આવ્યું છે કે જ્યાં આગળ કાન્હા શાંતિવન બનાવવામાં આવ્યું છે તે પહેલા એક વેરાન જમીન હતી. તમારા ઉદ્યમ અને સમર્પણે આ વેરાન જમીનને કાન્હા શાંતિવનમમાં પરિવર્તિત કરી દીધી છે. આ શાંતિવનમ બાબુજીની શિક્ષાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
સાથીઓ,
આપ સૌએ બાબુજી પાસેથી મળેલ પ્રેરણાનો નજીકથી અનુભવ કર્યો છે. જીવનની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે તેમના પ્રયોગ, મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમના પ્રયાસો, આપણાં સૌની માટે બહુ મોટી પ્રેરણા છે. આજની આ 20-20 વાળી દુનિયામાં ગતિ ઉપર બહુ ભાર મૂકવામાં આવે છે. લોકો પાસે સમયની તંગી છે. એવી સ્થિતિમાં સહજ માર્ગના માધ્યમથી તમને લોકોને સ્ફૂર્તિવાન અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રાખવામાં બહુ મોટું યોગદાન આપી રહ્યા છે. તમારા હજારો સ્વયં સેવકો અને તાલીમાર્થીઓ સંપૂર્ણ વિશ્વને યોગ અને ધ્યાનના કૌશલ્ય વડે પરિચિત કરાવી રહ્યા છે. આ માનવતાની બહુ મોટી સેવા છે. તમારા ટ્રેનર્સ અને સ્વયં સેવકોએ વિદ્યાના સાચા અર્થને સાકાર કર્યો છે. આપણાં કમલેશજી તો ધ્યાન અને અધ્યાત્મની દુનિયામાં દા જીના નામથી વિખ્યાત છે. ભાઈ કમલેશજીના વિષયમાં એ જ કહી શકું તેમ છું કે તેઓ પશ્ચિમ અને ભારતની સારપોના સંગમ છે. તમારા આધ્યાત્મિક નેતૃત્વમાં શ્રી રામ ચંદ્ર મિશન, આખી દુનિયા અને ખાસ કરીને યુવાનોને સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની દિશામાં પ્રેરિત કરી રહ્યું છે.
સાથીઓ,
આજે વિશ્વ, ભાગદોડ વાળી જીવનશૈલી દ્વારા ઉત્પન્ન થયેલી બિમારીઓથી લઈને મહામારી અને અવસાદથી લઈને આતંકવાદ સુધીની તકલીફો સામે લડી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સહજ માર્ગ, હાર્ટફૂલનેસ કાર્યક્રમ અને યોગ, વિશ્વની માટે આશાના કિરણ સમાન છે. વર્તમાન દિવસોમાં સામાન્ય જીવનની નાની નાની સતર્કતાઓ વડે કઈ રીતે મોટા સંકટોમાંથી બચી શકાય છે તેનું ઉદાહરણ આખી દુનિયાએ જોયું છે. આપણે સૌ એ વાતના સાક્ષી છીએ કે કઈ રીતે 130 કરોડ ભારતીયોની સતર્કતા કોરોનાની લડાઈમાં દુનિયા માટે મિસાલ બની ગઈ છે. આ લડાઈમાં આપણાં ઘરોમાં શિખવાડવામાં આવેલ વાતો, આદતો અને યોગ આયુર્વેદે પણ બહુ મોટી ભૂમિકા નિભાવી છે. આ મહામારીની શરૂઆતમાં ભારતની સ્થિતિને લઈને આખી દુનિયા ચિંતિત હતી. પરંતુ આજે કોરોના સામે ભારતની લડાઈ આખી દુનિયાને પ્રેરિત કરી રહી છે.
મિત્રો,
વિશ્વ કલ્યાણને આગળ વધારવા માટે ભારત માનવ કેન્દ્રી અભિગમ અપનાવી રહ્યું છે. આ માનવ કેન્દ્રી અભિગમ તંદુરસ્ત સંતુલન ઉપર આધારિત છે: કલ્યાણ સ્વાસ્થ્ય સંપત્તિ. છેલ્લા છ વર્ષોમાં,ભારતે વિશ્વના સૌથી મોટા જાહેર કલ્યાણ કાર્યક્રમો હાથ ધર્યા છે. આ પ્રયાસોનું લક્ષ્ય ગરીબ લોકોને આત્મ સન્માન અને તકવાળું જીવન આપવા ઉપર કેન્દ્રિત હતા. વૈશ્વિક સ્વચ્છતા અભિયાનથી શરૂ કરીને સામાજિક કલ્યાણ યોજનાઓ સુધી. ધુમાડા રહિત રસોડાથી લઈને બેંકો વિનાના લોકો માટે બેંકિંગ સુધી. સૌની માટે ટેકનોલોજીની પહોંચથી લઈને સૌની માટે આવાસ સુધી. ભારતની જાહેર કલ્યાણ યોજનાઓએ અનેક લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. ત્યાં સુધી કે વૈશ્વિક મહામારી આવી તે પહેલાથી જ આપણાં દેશે સ્વસ્થતા ઉપર પોતાનું ધ્યાન વધારે કેન્દ્રિત કરી નાખ્યું હતું.
મિત્રો,
સ્વાસ્થ્ય માટેનો અમારો વિચાર માત્ર રોગને સાજો કરવા કરતાં પણ ઘણો આગળનો છે. અટકાયતી આરોગ્ય કાળજી ઉપર વ્યાપક કામ કરવામાં આવ્યું છે. ભારતની ફ્લેગશીપ આરોગ્ય કાળજી યોજના, આયુષ્માન ભારતમાં અમેરિકા અને ઘણા યુરોપીય દેશોની વસતિ કરતાં વધુ લાભાર્થીઓ છે. તે વિશ્વની સૌથી વિશાળ આરોગ્ય કાળજી યોજના છે. દવાઓ અને મેડિકલ સાધનોની કિંમતો ઘટાડી દેવામાં આવી છે. યોગની ખ્યાતિ વિષે આપ સૌ તો જાણો જ છો. સ્વાસ્થ્ય ઉપરનું આ મહત્વ આપવાનો ઉદ્દેશ્ય એ બાબતની ખાતરી કરવાનો છે કે આપણાં યુવાનો તંદુરસ્ત રહે. અને તેમને જીવન શૈલીને લગતી બીમારીઓ સામે ઝઝૂમવું ના પડે. જ્યારે વિશ્વને કોવિડ-19 માટે દવાની જરૂર હતી ત્યારે ભારતને ગર્વ છે કે તેણે સમગ્ર જગ્યાએ તે પૂરી પાડી હતી. હવે, ભારત વૈશ્વિક રસીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી રહ્યું છે. તંદુરસ્તી માટેનું અમારું વિઝન જેટલું સ્થાનિક છે તેટલું જ વૈશ્વિક પણ છે.
મિત્રો,
વિશ્વ ખાસ કરીને કોવિડ-19 પછી આરોગ્ય અને તંદુરસ્તી તરફ ખૂબ ગંભીરતા વડે જોઈ રહ્યું છે. ભારત પાસે આ સંદર્ભમાં આપવા માટે ઘણું છે. ચાલો આપણે ભારતને આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય પ્રવાસનનું એક મુખ્ય કેન્દ્ર બનાવવા માટે સાથે મળીને કામ કરીએ. આપણાં યોગ અને આયુર્વેદ સ્વસ્થ ગ્રહ માટે યોગદાન આપી શકે તેમ છે. વિશ્વ જે ભાષામાં સમજી શકે તે ભાષામાં તેની સમક્ષ રજૂ કરવું એ આપણું લક્ષ્ય છે. આપણે તેના લાભ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિસ્તૃત રીતે વર્ણવવા જોઈએ અને ભારતમાં આવવા અને તરોતાજા થવા માટે તેમને આમંત્રણ આપવું જોઈએ. તમારું પોતાનું હાર્ટફૂલનેસ મેડિટેશન પ્રવૃત્તિ એ આ જ દિશામાં ભરવામાં આવનાર એક પગલું છે.
સાથીઓ,
પોસ્ટ કોરોના વિશ્વમાં હવે યોગ અને ધ્યાનને લઈને સંપૂર્ણ દુનિયામાં ગંભીરતા હજી વધારે વધી રહી છે. શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે સિદ્ધ સિદ્ધયો: સમો ભૂત્વા સમત્વં યોગ ઊચ્યતે. એટલે કે સિદ્ધિ અને અસિદ્ધિ બંનેમાં સમભાવ થઈને યોગમાં લીન થઈને માત્ર કર્મ કરો. આ સમભાવ જ યોગ કહેવાય છે. યોગની સાથે ધ્યાનની પણ આજે વિશ્વને ખૂબ વધારે જરૂરિયાત છે. દુનિયાના કેટલાય મોટા સંસ્થાનો એવો દાવો કરી ચૂક્યા છે કે તણાવ ડિપ્રેશન માનવ જીવનનો કેટલો મોટો પડકાર બનતા જઈ રહ્યા છે. એવામાં મને વિશ્વાસ છે કે તમે તમારા હાર્ટફૂલનેસ કાર્યક્રમ વડે યોગ અને ધ્યાનના માધ્યમથી આ સમસ્યા સામે લડવામાં માનવતાની મદદ કરશો.
સાથીઓ,
આપણાં વેદોમાં કહેવામાં આવ્યું છે – યથા દ્યોશ ચ, પૃથ્વી ચ, ન બિભીતો, ન રિષ્યત: | એવા મે પ્રાણ મા વિભે: || એટલે કે જે રીતે આકાશ અને પૃથ્વી ના તો ભયગ્રસ્ત થાય છે અને ના તો તેમનો નાશ થાય છે તે રીતે હે મારા પ્રાણ! તું પણ ભયમુક્ત રહેજે. ભયમુક્ત તે જ વ્યક્તિ બની શકે છે કે જે સ્વતંત્ર હોય. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહજ માર્ગ પર ચાલીને તમે લોકોને શારીરિક અને માનસિક રૂપે ભયમુક્ત બનાવતા રહેશો. રોગોથી મુક્ત નાગરિક, માનસિક રૂપે સશક્ત નાગરિક, ભારતને નવી ઊંચાઈઓ પર લઈને જશે. આ વર્ષે આપણે આપણી આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તમારા પ્રયાસો, દેશને આગળ વધારે, એ જ કામનાઓ સાથે એક વાર ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!
આભાર!