મહામહિમ પ્રધાનમંત્રી લી સિયાન લૂંગ
યોર મેજસ્ટી,
એક્સલન્સીસ,
હું આસિયાન ઇન્ડિયા સ્મારક શિખર સંમેલનમાં આપ સૌનું સ્વાગત કરતાં આનંદની લાગણી અનુભવું છું.
આપણાં સહિયારા સંબંધોની સફર હજારો વર્ષોથી ચાલી આવે છે, છતાં આપણે આપણી ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ.
છેલ્લાં પાંચ વર્ષમાં બીજી વખત આસિયાનનાં તમામ સભ્ય દેશોનાં વડાઓને ભારતમાં આવકારવા અમારાં માટે ગર્વની વાત છે. આવતીકાલે તમે બધા અમારાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અમારાં આદરણીય મુખ્ય અતિથિ હશો. આ આનંદ અને ઉત્સવની ઉજવણીમાં આસિયાનનાં તમામ સભ્ય દેશોનાં મારાં ભાઈઓ અને બહેનોની હાજરી અભૂતપૂર્વ છે.
અહીં તમારાં બધાની હાજરી મારાં 1.25 અબજ સાથી ભારતીયોનાં હૃદયને પણ સ્પર્શી ગઈ છે.
તે આપણી વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ સૂચવે છે, જેણે ભારતની એક્ટ ઇસ્ટ નીતિનાં કેન્દ્રમાં આસિયાનને સ્થાન આપ્યું છે.
આપણાં સહિયારા સાંસ્કૃતિક અને સભ્યતાનાં જોડાણ દ્વારા આપણા મૈત્રીપૂર્ણ સંબંધો વિકસ્યાં છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ આસિયાન અને ભારતીય ઉપખંડમાં અમૂલ્ય સહિયારા વારસાને જાળવશે.
અમે આસિયાન દેશોમાંથી આવેલી મંડળીઓ સાથે રામાયણ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જે આ મહાકાવ્ય આપણાં સહિયારા સાંસ્કૃતિક અમૂલ્ય વારસાને દર્શાવે છે.
બૌદ્ધ સહિત અન્ય મુખ્ય ધર્મો આપણને એકબીજા સાથે મજબૂતીથી જોડે છે. દક્ષિણ પૂર્વ એશિયાનાં ઘણાં વિસ્તારોમાં ઇસ્લામ ભારત સાથે સદીઓથી વિશિષ્ટ જોડાણ ધરાવે છે.
આપણે આપણાં સહિયારા વારસાની ઉજવણી કરવા સ્મતિ સ્વરૂપે ટિકિટોનાં સેટનું સંયુક્તપણે વિમોચન કર્યું.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
ભારત અને આસિયાન દેશોમાં છેલ્લાં એક વર્ષમાં ઘણાં સ્મારક કાર્યક્રમો યોજાયાં છે અને આ સમિટ એ કાર્યક્રમોની ગ્રાન્ડ ફિનાલે છે. છેલ્લાં એક વર્ષમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોએ આપણને અત્યાર સુધીની આપણી સફરની સમીક્ષા કરવાની અને આપણાં ભવિષ્યનાં માર્ગની યોજના બનાવવાની કિંમતી તક પ્રદાન કરી છે.
મારી દ્રષ્ટિએ આપણી વચ્ચે પારદર્શક અને મૈત્રીપૂર્ણ ચર્ચા મારફતે આ ઉદ્દેશો સારી રીતે પાર પડ્યાં છે.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
વર્ષ 1992થી અત્યાર સુધી આપણાં સંબંધો ક્ષેત્રીય સંવાદથી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયાં છે. અત્યારે આપણે 30 ક્ષેત્રીય સંવાદ વ્યવસ્થા ધરાવીએ છીએ અને વાર્ષિક સમિટ બેઠકોનું આયોજન કરીએ છીએ. આ ઉપરાંત સાત મંત્રીમંડળીય સ્તરીય આદાનપ્રદાન પણ ધરાવીએ છીએ.
આપણે પંચવર્ષીય યોજના મારફતે સહિયારી શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે આસિયાન-ઇન્ડિયા પાર્ટનરશિપનાં ઉદ્દેશો પાર પાડવા ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.
વર્ષ 2016થી વર્ષ 2020નાં ગાળા માટે ત્રીજી કાર્યયોજનામાં થયેલી આપણી પ્રગતિ પ્રશંસનીય છે.
ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ્સ આસિયાન-ઇન્ડિયા કોઓપરેશન ફંડ, આસિયાન-ઇન્ડિયા ગ્રીન ફંડ અને આસિયાન-ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ મારફતે હાથ ધરવામાં આવ્યાં છે.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
ભારત સમુદ્ર અને મહાસાગર માટે નિયમ-આધારિત વ્યવસ્થા મારફતે આસિયાનનાં શાંતિ અને સમૃદ્ધિનાં દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે.
આપણે આપણાં સહિયારા દરિયાઈ ક્ષેત્રમાં વ્યવહારિક સહકાર અને જોડાણને વધારવા આસિયાન સાથે કામ કરવા કટિબદ્ધ રહીશું.
રીટ્રિટ સેશન દરમિયાન આપણી પાસે દરિયાઈ ક્ષેત્રોમાં આસિયાન-ઇન્ડિયા સહકારની ચર્ચા કરવાની તક હતી, જે ભારત-પેસિફિક વિસ્તારની વૃદ્ધિ અને વિકાસ માટે મુખ્ય કેન્દ્રિત વિસ્તારોમાંનું એક ક્ષેત્ર છે.
ખરેખર આપણી સ્મારક પ્રવૃત્તિઓ મારફતે દરિયાઈ સહકાર આપણી સફરનું અભિન્ન અંગ છે. આ વિષય આસિયાન ઇન્ડિયા કનેક્ટિવિટી સમિટમાં, બ્લૂ ઇકોનોમિ પર વર્કશોપમાં તેમજ નિયમિત સંવાદ પ્રક્રિયામાં પ્રતિબિંબિત થાય છે.
આપણાં દરિયાઈ સહકાર માટે માનવતાવાદી અને આપત્તિ રાહત પ્રયાસો, સંરક્ષણ સહકાર અને નેવિગેશનની સ્વતંત્રતા મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો બની રહેશે.
કનેક્ટિવિટી સમિટ આસિયાન દેશો સાથે ભારતનાં સંબંધોનું વિવિધ માધ્યમો થકી જોડાણને પ્રતિપાદિત પણ કરે છે. સદીઓથી આસિયાન દેશો સાથે ભારત જમીન, હવાઈ, દરિયાઈ માધ્યમો મારફતે ઐતિહાસિક, સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે અને આપણી સભ્યતાઓની એકબીજા પર અસર રહેલી છે.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આપણી વચ્ચે ડિજિટલ કનેક્ટિવિટીનાં નવા જોડાણ કરશે.
તેમાં ઊંચી ક્ષમતા ધરાવતાં પ્રાદેશિક ફાઇબર ઓપ્ટિક નેટવર્કમાં સહકારનાં નવા ક્ષેત્રો સામેલ હોઈ શકે છે તથા ડિજિટલી જોડાયેલા અંતરિયાળ વિસ્તારોમાં રાષ્ટ્રીય ગ્રામીણ બ્રોડબેન્ડ નેટવર્કને સામેલ કરી શકાશે.
ભારત ગ્રામીણ જોડાણ પર પથપ્રદર્શક પ્રોજેક્ટ હાથ ધરવાની ઓફર કરે છે, જે કંબોડિયા, લાઓ પીડીઆર, મ્યાન્માર અને વિયેતનામમાં ડિજિટલ ગામડાઓને એકબીજા સાથે જોડાશે. આ પ્રોજેક્ટની સફળતાનું પુનરાવર્તન આસિયાનમાં સામેલ અન્ય દેશોમાં કરી શકાશે.
અમે આસિયાન દેશોમાંથી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનાં વ્યાવસાયિકો માટે નીતિ, નિયમન અને તકનીકિ વિકાસમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા ટેલીકોમ અને નેટવર્કિંગ તકનીક પર તાલીમ કાર્યક્રમ પણ પૂરાં પાડીએ છીએ.
નાણાકીય બાબતોમાં આપણી સમજણ અને સહકારને વધુ ગાઢ બનાવવા હું ડિજિટલ નાણાકીય સર્વસમાવેશકતા તથા રોકાણને પ્રોત્સાહન અને માળખાગત સુવિધા વધારવા સંવાદ સાધવાની દરખાસ્ત રજૂ કરું છું.
આતંકવાદનો સામનો કરવા સંયુક્ત ભંડોળ ઊભું કરવું અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે, જેમાં આપણે સંયુક્તપણે કામ કરી શકીએ.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
છેલ્લાં 25 વર્ષમાં આપણો વેપાર 25 ગણો વધીને 70 અબજ ડોલર થયો છે. આસિયાન અને ભારતમાંથી રોકાણ સતત વધી રહ્યું છે.
અમે આપણાં વેપારી સંબંધોને વધારે મજબૂત કરવા અને આપણાં વ્યાવસાયિક સમુદાય વચ્ચે સંબંધોને વધારે સુલભ બનાવવા આસિયાન દેશો સાથે કામ કરવાનું જાળવી રાખીશું.
બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્ષ્પો, આસિયાન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મીટિંગ, બિઝનેટ કોન્ફરન્સ, સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ અને હેકાથોન તથા આઇસીટી એક્સ્પો જેવા તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમોને સફળતા મળી છે, જેમાં પ્રોત્સાહનજનક પરિણામો જોવા મળ્યાં છે.
અમને આશા છે કે, આપણું પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ અને ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ આપણી કંપનીઓને પ્રાદેશિક મૂલ્ય સાંકળ સાથે સંકલિત થવામાં મદદરૂપ થશે, ખાસ કરીને ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ એગ્રો-પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
સેંકડો વર્ષોનાં આપણાં ગાઢ સંબંધોનાં પાયામાં લોકો વચ્ચેનું જોડાણ છે.
ભારતીયો દક્ષિણપૂર્વ એશિયાનાં દેશોમાં મોટી સંખ્યામાં વસે છે. તેઓ સ્થાનિક સમુદાયમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં સિંગાપુરમાં આસિયાન-ઇન્ડિયા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આપણી વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા સિંગાપુરમાં વસતાં ભારતીયોનાં પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું.
એ જ સમયે નવી દિલ્હીમાં પ્રથમ કોન્ફરન્સ ઑફ મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટ એન્ડ મેયર્સનું આયોજન થયું હતું, જેમાં આસિયાન દેશોનાં પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં. તેનો ઉદ્દેશ ભારતીય સાંસ્કૃતિક વારસાનો પરિચય આપવાનો હતો.
આપણાં ઐતિહાસિક સંબંધોનું નિર્માણ કરવા હું દરખાસ્ત રજૂ કરું છું કે, આપણે વર્ષ 2019ને આસિયાન-ઇન્ડિયા યર ઑફ ટૂરિઝમ તરીકે જાહેર કરવાની દરખાસ્ત રજૂ કરું છું. આપણે પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપવા મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સર્કિટ સ્થાપિત કરી શકીએ.
આપણાં વિસ્તારમાંથી પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષિક કરવા બુદ્ધિસ્ટ ટૂરિઝમ સર્કિટ મહત્ત્વપૂર્ણ ભાગ બની શકશે.
યોર મેજસ્ટી, એક્સલન્સી,
ભારત ઐતિહાસિક માળખાનાં પુનઃસ્થાપના કાર્યમાં સહભાગી છે, જે આપણાં સ્થાયી સાંસ્કૃતિક સંબંધો સાથે જોડાયેલ છે.
કંબોડિયા, મ્યાન્માર, લાઓ પીડીઆર અને વિયેતનામમાં મંદિરોનાં જીર્ણોદ્ધારનાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો ભારતને સવિશેષ આનંદ અને વિશેષાધિકાર હતો.
આસિયાન ઇન્ડિયા નેટવર્ક ઑફ મ્યુઝિયમ્સની વર્ચ્યુઅલ નોલેજ પોર્ટલ આ સહિયારા વારસામાં મદદરૂપ થઈ શકે છે.
આપણાં આ શિખર સ્મારક સંમેલનનાં કાર્યક્રમોમાં આપણે આપણાં ભવિષ્ય સમાન આપણી યુવા પેઢીની ક્ષમતાને પ્રોત્સાહન આપવા, તેને ખીલવવા, તેની ઉજવણી કરવા મહત્ત્વપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આપણે આ ઉદ્દેશ માટે આપણા યુવાનો માટે યુવા સંનેલન, આર્ટિસ્ટ રેસિડેન્સી, મ્યુઝિક ફેસ્ટિવલ અને ડિજિટલ કોમર્સ માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આપણે 24 જાન્યુઆરીનાં રોજ યુથ એવોર્ડ આપીને તેમનાં ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું છે.
આપણાં વિસ્તારમાં આપણાં યુવાનોને સક્ષમ બનાવવા મને ભારતની ટોચની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં સંકલિત પીએચડી પ્રોગ્રામમાં અભ્યાસ કરવા માટે આસિયાન દેશોમાંથી વિદ્યાર્થીઓ અને સંશોધકોને 1000 ફેલોશિપની જાહેરાત કરવાની ખુશી છે.
અમે આસિયાન હાઇવે વ્યાવસાયિકો માટે ઇન્ડિયન એકેડેમી ઓફ હાઇવે એન્જિનીયર્સમાં તાલીમનાં અભ્યાસક્રમો પણ શરૂ કરીશું.
હું આપણા દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા યુનિવસ્ટીઓનું નેટવર્ક સ્થાપિત કરવાની દરખાસ્ત પણ રજૂ કરું છું.
યોર મેજેસ્ટી, એક્સલન્સી,
છેલ્લે મારાં આમંત્રણનો સ્વીકાર કરવા બદલ અને આ સ્મારક શિખર સંમેલનમાં સહભાગી થઈને અમારી પ્રશંસા કરવા બદલ તમારાં દરેકનો હું આભાર માનું છું.
હવે હું સિંગાપુર પ્રજાસત્તાકનાં પ્રધાનમંત્રી મહામહિમ લી સેઇન લૂંગને વર્ષ 2018 માટે આસિયાનનાં અધ્યક્ષ રાષ્ટ્ર તરીકે અને શિખર સંમેલનનાં સહ-અધ્યક્ષ તરીકે સિંગાપુરનાં પ્રધાનમંત્રીની ક્ષમતાએ ઉદ્ઘાટન સંબોધન કરવા વિનંતી કરૂ છું.