પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.
બંને નેતાઓએ અફઘાનિસ્તાનમાં ઉભરતી સ્થિતિ અને ક્ષેત્ર તથા દુનિયા માટે તેના પ્રભાવો વિશે ચર્ચા કરી હતી. તેમણે વિચાર વ્યક્ત કર્યો કે બંને વ્યૂહાત્મક ભાગીદારો માટે એક સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે અને તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓને સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો.
બંને નેતાઓએ કોવિડ મહામારીથી પેદા થયેલા પડકારો પછી પણ બંને દેશો વચ્ચે ખાસ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કોવિડ મહામારી વિરુદ્ધ લડાઈમાં, ખાસ કરીને સ્પુટનિક વી વેક્સિનની સપ્લાઈ અને ઉત્પાદનમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની પ્રશંસા કરી હતી.
નેતાઓએ બ્રિક્સ શિખર મંત્રણા, એસસીઓ રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની બેઠક તથા પૂર્વીય આર્થિક મંચમાં ભારતની ભાગીદારી સહિત આગામી બહુપક્ષીય કાર્યક્રમોને પણ ધ્યાને લીધા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ આગામી દ્વિપક્ષીય શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ પુટિનની ભારત યાત્રા માટે ઉત્સુક છે. બંને નેતા દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે સંપર્કમાં રહેવા પર સહમત થયા હતા.