પ્રધાનમંત્રીને આજે રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિને ટેલિફોન કોલ કર્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છાઓ આપવા બદલ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની 'વિશેષ અને વિશેષાધિકાર વ્યૂહાત્મક ભાગીદારી' ને વધુ મજબુત બનાવવા માટે તેમની કટિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને કોવિડ-19 રોગચાળો હોવા છતાં દ્વિપક્ષીય ક્રિયાપ્રતિક્રિયામાં સતત ગતિશીલ રહેવા માટે પ્રશંસા વ્યક્ત કરી. આ સંદર્ભમાં તેઓએ રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી દ્વારા મોસ્કોની તાજેતરની ક્રિયાશીલ મુલાકાતોનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે એસસીઓ અને બ્રિક્સની સફળ રશિયન અધ્યક્ષતા માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. તેમણે આ વર્ષના અંતમાં આગામી એસસીઓ અને બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટેની ઉત્સુકતા પ્રગટ કરી તેમજ ભારતની યજમાનીમાં યોજાનાર એસસીઓના પ્રધાનમંત્રીઓની પરિષદમાં ભાગ લેવાની ઉત્સુકતા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી મોદીએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો અને કહ્યું કે, તેઓ પરસ્પર અનુકૂળ તારીખે આગામી દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવા ઈચ્છે છે.