પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મારિયો ડ્રાઘી સાથે ટેલિફોન પર વાત કરી.
નેતાઓએ અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓ અને તેની આ ક્ષેત્ર અને વિશ્વ પરની અસરો વિશે ચર્ચા કરી.
તેઓએ કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગઈકાલે થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ફસાયેલા લોકો સુરક્ષિત સ્વદેશ પરત આવે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
તેઓએ G20ના સ્તરે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં માનવીય કટોકટી અને અફઘાનિસ્તાનની ઘટનાઓના કારણે ઉદ્ભવેલી લાંબા ગાળાની સુરક્ષા ચિંતાઓનો ઉકેલ લાવવાનો મુદ્દો સામેલ કર્યો.
બંને નેતાઓએ G20 એજન્ડામાં અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, જેમ કે ક્લાઇમેટ ચેન્જ. આ સંદર્ભમાં, તેઓએ અન્ય આગામી બહુપક્ષીય જોડાણો, જેમ કે COP-26 પર પણ વિચારોની આપલે કરી.
પ્રધાનમંત્રીએ G20ની અંદર અસરકારક ચર્ચામાં ઇટાલીના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી.
બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંપર્કમાં રહેવા સંમત થયા.