પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ શ્રી વ્લાદિમીર વ્લાદિમિરોવિચ પુતિન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ હતી.
રશિયાની પરંપરા મુજબ તાજેતરમાં રશિયા દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી હતી તે અવસરને યાદ કરીને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિન અને રશિયાના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ પુતિને શુભકામનાઓનો સહર્ષ સ્વીકાર કરીને પ્રધાનમંત્રી મોદી અને ભારતના લોકોની સમૃદ્ધિ, પ્રગતિ, શાંતિ અને ખુશી માટે શુભેચ્છા પાઠવી હતી.
બંને નેતાઓએ ભૂતકાળમાં ખાસ કરીને વર્ષ 2019 માં બંને દેશો વચ્ચે વિશેષ વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેઓ વર્ષ 2020માં બધા ક્ષેત્રમાં ભારત-રશિયા સંબંધોને વધુ મજબુત બનાવવા માટે પરામર્શ કરવા અને ખાતરીપૂર્વક કાર્ય કરવા સંમત થયા હતા..
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2020 રશિયા માટે વિશેષ મહત્વનું રહેશે, અને આ વર્ષે મે માં મોસ્કોમાં 75 માં વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિને આપેલા આમંત્રણ માટે આભાર માન્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે રશિયામાં શાંઘાઈ સહકાર સંગઠન અને બ્રિક્સ દેશોની સમિટમાં ભાગ લેવા અને 21 મી દ્વિપક્ષીય વાર્ષિક સમિટ માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનને આવકારવા માટે પણ આશા રાખે છે.
બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાય આપ્યા અને પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા, શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારત અને રશિયાના અભિગમોમાં સમાનતા અને એકરૂપતા રાખવા સહમત થયા હતા.