પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વીડનનાં પ્રધાનમંત્રી મહામહિમ સ્ટિફન લોફવેન સાથે ટેલીફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 મહામારી પર ચર્ચા કરી હતી તથા આરોગ્ય અને આર્થિક અસરોને નિયંત્રણમાં લેવા માટે તેમના દેશોમાં લેવામાં આવેલા પગલાં વિશે એકબીજાને જાણકારી આપી હતી.
બંને નેતાઓ ભારત અને સ્વીડનનાં સંશોધકો અને વિજ્ઞાનીઓ વચ્ચે જોડાણ અને ડેટાની વહેંચણીની સંભવિતતા પર સંમત થયા હતા, જે કોવિડ-19 સામે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં મદદરૂપ પણ થશે.
બંને નેતાઓએ હાલ ચાલુ પ્રવાસન સંબંધિત નિયંત્રણોને કારણે બંને દેશોમાં ફસાઈ ગયેલા એકબીજાનાં નાગરિકોને જરૂરી સુવિધા પૂરી પાડવા અને સહાય કરવાની ખાતરી આપી હતી.
તેઓ કોવિડ-19 સામે લડવા માટે તબીબી પુરવઠાની મહત્તમ ઉપલબ્ધતા કરવા માટે તેમના અધિકારીઓ સંપર્કમાં રહેશે એ બાબતે પણ સંમત થયા હતા.