મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ટાન્ઝાનિયાના વડાપ્રધાન શ્રીયુત મિઝેંગો પિટરપિન્ડાના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસે આવેલા તાન્ઝાનિયાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે આજે અમદાવાદમાં અત્યંત ફળદાયી બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતે મેળવેલી કૃષિવિકાસ, જળવ્યવસ્થાપન સહકારી-ડેરી ઉઘોગ અને લધુ-મેન્યુફેકચરીંગ ઉઘોગ તથા હીરા-ઝવેરાત પ્રકિયાના ઉઘોગ સહિત પેટ્રોલિયમ અને ઊર્જા સંસાધનોના ક્ષેત્રે તાન્ઝાનિયા અને ગુજરાતની વિકાસલક્ષી સહભાગીતાનું ફલક વિકસાવવાની નેમ વ્યકત થઇ હતી.
આફ્રિકાના રાષ્ટ્રો અને તાન્ઝાનિયામાં ખાસ કરીને ગુજરાતીઓના સદીઓ જૂના વસવાટ-સંબંધોને બંને મહાનુભાવોએ તાજા કર્યા હતા અને ૧૪૦૦ કીલોમીટરનો દરિયાકાંઠો ધરાવતા તાન્ઝાનિયા તથા ૧૬૦૦ કીલોમીટરનો સમૂદ્રકિનારો ધરાવતા ગુજરાત વચ્ચે વિકાસના અનેક નવાં ક્ષેત્રોની ભાગીદારી વિશે તાન્ઝાનિયાના વડાપ્રધાનશ્રીએ તલસ્પર્શી જાણકારી મેળવવા મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.
તાન્ઝાનિયાના વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત આવેલા આ ઉચ્ચ પ્રતિનિધિમંડળના પ્રવાસની વિશેષતા એ રહી છે કે વિદેશોના ડેલીગેશનો મહદ્અંશે ગુજરાતના ઔઘોગિક વિકાસની આગળ ઓળખથી ભાગીદારી માટે ઉત્સુક હોય છે જ્યારે તાન્ઝાનિયાના વડાપ્રધાનશ્રીએ ગુજરાતે ઉઘોગ ક્ષેત્રે જ નહીં પરંતુ કૃષિવિકાસ ક્ષેત્રે જે ક્રાંતિકારી સિદ્ધિઓ હાંસલ કરી, જળશકિતનું સફળતાપૂર્વક વ્યવસ્થાપન કર્યું, પશુપાલન ક્ષેત્રે અને ખાસ કરીને સહકારી દૂધ-ડેરી ઉઘોગ દ્વારા શ્વેતક્રાંતિ કરી છે તેનાથી અત્યંત પ્રભાવિત થઇને તાન્ઝાનિયાના કૃષિ-પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસમાં ગુજરાત તેના સફળ અનુભવોને આધારે સહભાગી બને તેવી અપેક્ષા સાથે ગુજરાતની કૃષિ ક્રાંતિ અને શ્વેતક્રાંતિના પરિણામોનો અભ્યાસ કરવા અને મુખ્યમંત્રીશ્રીના કૃષિ-જળસંચયના વિઝન સમજવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું છે. તેમની સાથે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત જેવું દુષ્કાળગ્રસ્ત અને પાણીની અછત ધરાવતું રાજ્ય કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેવા કઇ રીતે સક્ષમ બન્યું તેની ભૂમિકા આપી હતી.
જળસંચય ક્ષેત્રે જનભાગીદારી, જળસિંચનમાં ટપક સિંચાઇ, નર્મદા સહિતની નદીઓના જોડાણ થકી જળવ્યવસ્થાપન, કૃષિ મહોત્સવ, કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ અને પશુપાલન આધારિત ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ, સોઇલ હેલ્થ કાર્ડ અને વરસાદી પાણીનો સંગ્રહ, તથા સહકારી દૂધ ઉઘોગના વિશાળ ફલકની સાફલ્યગાથાથી તાન્ઝાનિયાનું આ ડેલિગેશન ગુજરાત સાથે ભાગીદારીના નવા સંબંધો વિકસાવવા પ્રતિબદ્ધ બન્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તાન્જાનિયામાં હીરાની ખાણો અને ગુજરાતની ડાયમંડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સહભાગીતાનો પ્રસ્તાવ મૂકયો હતો અને તાન્ઝાનિયા પ્રધાનમંત્રીશ્રીએ તેને આવકાર્યો હતો. ગુજરાતની આર્થિક પ્રગતિમાં સહકારિતા અને કૃષિ-પશુપાલનની નિર્ણાયક ભૂમિકાને લક્ષ્યમાં રાખીને તાન્ઝાનિયા પણ ગુજરાત સરકાર પાસેથી આવા જ સહયોગની અપેક્ષા રાખે છે. એમ તેમણે ઉષ્માભર્યા સંબોધનમાં જણાવ્યું હતું.
તાન્ઝાનિયા અને ગુજરાત પેટ્રોલિયમ એનર્જી અને સૌર ઊર્જા, પવન ઊર્જા તથા બાયોમાસ ઊર્જા ક્ષેત્રમાં પણ પોતાની ભાગીદારી વિકસાવી શકે તે દિશામાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના પ્રોત્સાહક અભિગમ અને પોલિસીની રૂપરેખા આપી હતી. ગુજરાતમાં યુવાશકિતના રોજગાર માટે લધુ ઉઘોગો અને મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝનો મહત્વનો ફાળો રહેલો છે અને તાન્ઝાનિયા પણ આ ક્ષેત્રોનો વિકાસ ગુજરાતનો સહયોગ લઇને વિકસાવવા આતુર છે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીને શ્રીયુત મિઝિન્ગો પીટર પિન્ડાએ તાન્ઝાનિયા આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું અને તેમની મુલાકાતથી તાન્ઝાનિયાની સરકાર અને જનતા ગુજરાતની ગ્રીન રિવોલ્યુશન, વોટર મેનેજમેન્ટ રિવોલ્યુશન તથા કોઓપરેટીવ વ્હાઇટ રિવોલ્યુશનની સફળતા માટે ભાગીદારી કરવા ઇચ્છે છે તેની પ્રતીતિ થશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાન્ઝાનિયાનો પ્રવાસ અનુકુળ સમયે કરવાની અભિલાષા આ આમંત્રણના સંદર્ભમાં વ્યકત કરી હતી. આની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ર૦૧૦ માં સુવર્ણ જ્યંતી વર્ષ ઉજવવાનું છે તેમાં ઉપસ્થિત રહેવા અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૧માં તાન્ઝાનિયાનું ડેલિગેશન ભાગ લે તે માટેનું નિમંત્રણ તાન્ઝાનિયાના વડાપ્રધાનશ્રીને આપ્યું હતું. શ્રીયુત પિન્ડાએ તાન્ઝાનિયામાં વસતા ગુજરાતીઓ સ્વર્ણિમ ગુજરાત વર્ષની જે ભવ્ય ઉજવણી કરવાના છે તેમાં વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત રહેવાનો સ્વીકાર કર્યો હતો.
તાન્ઝાનિયાના પ્રતિનિધિમંડળમાં સર્વશ્રી સ્ટીફન વાસિરા (Mr. Stephen M. Wasira) કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, સહકાર મંત્રીશ્રી, શ્રી બુરહાની સાદત હાજી (કૃષિ, પશુપાલન અને પર્યાવરણ મંત્રી) (Mr. BURHANI SAADAT HAJI) શ્રી એમ્બ સેલ્ફ ઇડ્ડી (Shri AMB.SAIF A. IDDI) વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકારીતા નાયબ મંત્રીશ્રી, તાન્ઝાનિયા હાઇકમિશ્નર જહોન કિયાઝી સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.
જ્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રીશ્રી દિલીપ સંધાણી, મુખ્ય સચિવશ્રી ડી. રાજગોપાલન, અધિક મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, કૃષિ અગ્રસચિવશ્રી પી. એન. રાયચૌધરી, પાણી પુરવઠા સચિવશ્રી વી. એસ. ગઢવી અને જળસંપત્તિ સચિવ શ્રી દેસાઇ સાથે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા. September 16, 2009