પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની એનડીએ સરકારની કામગીરીના પગલે ભારતમાં શરૂ થયેલી પરિવર્તનની પ્રક્રિયા માટે જવાબદાર નવી નીતિઓને અગ્રણી વૈશ્વિક સંસ્થાઓએ ભરપૂર પ્રમાણમાં બિરદાવી છે.
વિશ્વ બેંકે એવી આશા દર્શાવી છે કે, અગાઉના વર્ષ 2014-15ના 5.6% ની તુલનાએ વર્ષ 2015-16માં ભારતનો વૃદ્ધિ દર અસાધારણ એવો 6.4% રહેવાની ધારણા છે. વિશ્વ બેંકે વધુમાં એવું ઉમેર્યું હતું કે, આ સુધારો ‘મોદી ડિવિડન્ડ’ને આભારી હશે. વિશ્વ બેંકે એમ પણ જણાવ્યું હતું કે, સરકારની નીતિઓના પગલે તેમજ ક્રુડ ઓઈલના ઘટી રહેલા ભાવોના કારણે ભારતમાં મૂડીરોકાણોમાં પણ વધારો થવાની અપેક્ષા છે.
આ સકારાત્મક લાગણીનો પડઘો વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રી જિમ યોંગ કિમે પણ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શક્તિશાળી, દીર્ઘદ્રષ્ટીયુક્ત નેતૃત્ત્વ હેઠળ ભારતમાં દેશના તમામ નાગરિકોના સર્વસમાવેશી નાણાંકીય ઉત્થાનની દિશામાં અસાધારણ પ્રયાસો થયા છે”. શ્રી કિમે સર્વસમાવેશી આર્થિક ઉત્થાન માટેના એક મહત્વના પગલા તરીકે જનધન યોજનાની પ્રશંસા કરી હતી.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે એવો નિર્દેશ કર્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીએ હાથ ધરેલી સુધારાલક્ષી ઝુંબેશ તેમજ ક્રુડ ઓઈલના ઘટી રહેલા ભાવોના પગલે, ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ અપેક્ષા કરતા વધુ ઝડપી રહેશે અને તે ચીન કરતા પણ આગળ નીકળી જશે. આઈએમએફે રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ માટે પણ સુધારા કારણભૂત હોવાનું જણાવ્યું હતું.
આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ - ઓઈસીડી)એ એવું મંતવ્ય દર્શાવ્યું છે કે, ભારતમાં આર્થિક સુધારા ભારતીય અર્થતંત્રને એક સશક્ત, સુદીર્ઘ અને સર્વસમાવેશી વૃદ્ધિના માર્ગે લઈ જશે તે નિશ્ચિત છે. આ વાતમાં પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સુધારાવાદી ઉત્સાહ તરફનો નિર્દેશ સાફ છે.
અગ્રણી અને આદરપાત્ર વૈશ્વિક એજન્સી, મૂડીઝે પણ ભારતનું રેટિંગ અગાઉના “સ્થિર”થી વધારીને “પોઝીટીવ” કર્યું છે. મૂડીરોકાણ કરનારાઓ માટે આ પણ એક મોટું પ્રોત્સાહક કદમ બની રહ્યું છે. તેમજ પ્રધાનમંત્રી અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી સુધારા ઝુંબેશ માટે પ્રશંસાભર્યા સમર્થનકારી પ્રતિભાવ તરીકે નિહાળવામાં આવી રહ્યું છે.
ભારતના વૃદ્ધિ દર વિષે આવો જ આશાવાદી પ્રતિભાવ સંયુક્ત રાષ્ટ્રો તરફથી પણ મળ્યો છે અને યુએનના વિશ્વની આર્થિક સ્થિતિ અંગેના વર્ષની મધ્યના અપડેટમાં આગામી વર્ષ માટે ભારતનો વૃદ્ધિ દર 7%થી વધુ થવાની ધારણા વ્યક્ત કરાઈ છે.
આ રીતે, પ્રધાનમંત્રીનો સુધારાવાદી ઉત્સાહ તેમજ સુધારાના ચક્રની ઝડપી ગતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે તેમજ ભારતીય અર્થતંત્ર વિષે આશાવાદી પણ છે.