પ્રિય મિત્રો,
માર્ચ મહિનો આપણા લાખો યુવા મિત્રો માટે અત્યંત અગત્યનો છે કારણકે તેમણે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાઓ આપવાનો આ સમય છે. ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, ઘણાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે અને બીજા ઘણાંની પરીક્ષા આવનાર દિવસોમાં શરૂ થશે. મારા યુવા મિત્રોને હું પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવું છું. મહિનાઓની તૈયારી અને સખત મહેનતનો નિચોડ પરીક્ષા ખંડમાં થોડા કલાકોમાં આવી જશે.
પરીક્ષા અંગેની તમામ ચિંતાઓ દૂર કરવાનો એક સારો રસ્તો એ છે કે બોર્ડની પરીક્ષાઓને એક ખેલની જેમ લેવામાં આવે. પરીક્ષામાં સ્ટ્રેસ લઇને બેસવાને બદલે જાણે કે એક રમત રમવાની હોય તેવો અભિગમ રાખવાથી ફાયદો થશે. પરીક્ષાને આત્મ વિકાસનો એક અવસર માનો અને તમારો સ્ટ્રેસ તરત દૂર થઇ જશે. યાદ રાખો સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું - ''પહેલાં તો પોતાની જાતમાં વિશ્વાસ રાખો, આ જ (સફળતાનો) રસ્તો છે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો. તમામ શક્તિ તમારી અંદર જ પડેલી છે. આ શક્તિને ઓળખો અને તેને બહાર લાવો. પોતાની જાતને કહો કે 'હું બધું જ કરી શકું છું'. સાપનું ઝેર પણ તમારી સામે બિનઅસરકારક થઇ જશે જો તમે દ્રઢતાથી તેને નકારી દેશો''.પરિક્ષા આપવા અંગે આપણા અંગત અનુભવો છે. જે કેટલાક પ્રસંગો મનમાં તાજા કરાવે છે જેમાંથી કેટલાક અનુભવો આનંદદાયક હોય છે અને કેટલાક નથી હોતા. આપણો સમય યાદ કરીએ તો પરીક્ષા આજે છે તેટલી સ્પર્ધાત્મક ન હતી. પરીક્ષાનું દબાણ પણ ઘણું ઓછું હતું. તે દિવસોમાં કોઈ વ્યક્તિ જો 70 ટકા પણ લાવ્યું હોય તો તે એક આનંદની વાત હતી અને આજે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 90 ટકા ઉપર ગુણ લાવે તો તેને લાગ્યા કરે છે કે "આનાથી સારા ગુણ આવ્યા હોત તો!" . ખરેખર, સમય બદલાઈ ગયો છે....
યુવામિત્રો, અભ્યાસક્રમ પૂર્ણ કરવાના આકરા નિત્યક્રમ વચ્ચે થોડી હળવાશની ક્ષણો માણવી અત્યંત મહત્વની છે. તમારૂ મનપસંદ સંગીત સાંભળો, પરિવારજનો-મિત્રો સાથે સમય ગાળો અથવા તો તમારો પ્રિય ટેલિવિઝન કાર્યક્રમ માણો. આ સમયગાળા દરમિયાન સૂર્યનમસ્કાર અથવા પ્રાણાયામ કરવાથી એકાગ્રતા વધે છે અને પરીક્ષા સમયે આવશ્યક કાર્યક્ષમતામાં પણ ઉમેરો થાય છે.
બોર્ડની પરીક્ષાની યાત્રા માત્ર વિદ્યાર્થીઓ પુરતી સિમિત નથી હોતી. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પાછળ તેમના પરિચિત અને અપરિચિત એવા સંખ્યાબંધ લોકોના ત્યાગ અને પરિશ્રમ હોય છે.
યુવામિત્રો, આપ સૌ શૈક્ષણિક યાત્રાના એક મહત્વના પડાવ પર પહોંચવા જઈ રહ્યાં છો ત્યારે એ યાદ રાખો કે તમારા શિક્ષણ સમયે આપના માતા-પિતાએ તેમના સમય, ઉર્જાના ભોગે તમને સગવડ આપી છે અને તમને મુશ્કેલ સમયે વાત્સલ્યથી હૂંફ આપી છે. તમારાથી નાના ભાઈ કે બહેન માત્ર એટલા માટે જ તેમના મનપસંગ ટીવી કાર્યક્રમોને નિહાળી શકતા ન હતા કારણ કે તમે એકાગ્રતા સાથે વાંચી શકો. યાદ રાખો કે સમગ્ર વર્ષ દરમિયાન જેની તમને વિશેષ જરૂરીયાત રહી છે તેવા આપ સૌના શિક્ષકોએ શાંતચિત્તે અને પોતે પરિશ્રમ કરીને તમને માર્ગદર્શન આપ્યું છે. મને ખાતરી છે કે તેમના આશીર્વાદ તમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે અને પરીક્ષામાં ચમકશો. પરીક્ષામાં સારો દેખાવ કરીને તમારા માટે પરિશ્રમ કરનારા આપ સૌના હિતેચ્છુઓને સન્માન અપાવી શકશો.
બોર્ડની પરીક્ષાના ગુણ એ કોઈ અંત નથી પરંતુ વિદ્યાર્થી માટે એક નવી શરૂઆત છે! પરિણામો બાદ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને ધ્યાનમાં લઈને અત્યંત મહત્વની પસંદગી કરશે તેનો પ્રભાવ તેમના ભવિષ્ય પર રહેશે. મને ખાતરી છે કે આપ સૌ પોતાના રસના વિષય અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને સમજદારી સાથે પસંદગી કરશો.
ભલે એમ લાગતું હોય કે પરીક્ષા પતવાને તો હજુ વર્ષોની વાર છે પરંતુ હું મારા યુવા મિત્રોને પરિક્ષા પછીને આ સમયગાળાનો સદુપયોગ કરવા કહીશ. હરો ફરો અને તમને જેમાં આનંદ આવતો હોય તેવી બાબતોનો આનંદ માળો- પ્રવાસ કરો, વાચંન કરો; પાછલા એક વર્ષ દરમિયાન તમે ન કરી શક્યા હોય તે કરો. હું આગ્રહપૂર્વકની વિનંતી કરીશ કે આપ સૌ યુવાનો આ સમયે સમાજ સેવા માટે પણ સમય ફાળવો. તેનાથી આપના શિક્ષણનો વ્યાપ ખરા અર્થમાં વિસ્તરશે. આખરે તો તમારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માર્કશિટ્સમાં 'A+, A , A ' જેવા ગુણ હાંસલ કરવાનો નથી પરંતુ એવો વિશ્વાસ સંપાદિત કરવાનો છે કે તમે જે શિક્ષણ મેળવ્યું તેનાથી તમે સમાજને કંઈક પ્રદાન કરી શકશો. સ્વામિ વિવેકાનંદે સાચું જ કહ્યું છે કે, "જે વ્યક્તિ સમાજના સહકારથી શિક્ષણ મેળવે છે પરંતુ સમાજ માટે કંઈ નથી કરતો તેને હું વિશ્વાસઘાતી કહીશ."
ફરી એક વાર, મારા વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા માટે શુભેચ્છા!
આપનો,
નરેન્દ્ર મોદી