મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે તાઇવાનના મંત્રીશ્રી ર્ડા. ક્રિસ્ટીના લિયુના નેતૃત્વમાં આવેલા ઉચ્ચ સ્તરીય તાઇવાન વ્યાપારી પ્રતિનિધિમંડળની ગુજરાત સાથેની સહભાગીતાની તત્પરતાને આવકારતા જણાવ્યું હતું કે અમદાવાદ નજીક ખાસ તાઇવાન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક સ્થાપવા માટે સુનિશ્ચિત પ્રબંધ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સૌપ્રથમવાર તાઇવાનની ૮૦ જેટલી અગ્રણી કંપનીઓના પદાધિકારી સંચાલકોનું ઉચ્ચસ્તરીય વાણીજ્ય પ્રતિનિધિમંડળ તાઇવાન સરકારના આર્થિક આયોજન અને વિકાસ કાઉન્સીલના ચેરપર્સન ર્ડા. સુશ્રી ક્રિસ્ટીના વાય. લિયુ (Dr. CHRISTINA Y. LIU) ની આગેવાનીમાં પ્રવાસે આવેલું છે. આ તાઇવાન હાઇપ્રોફાઇલ બિઝનેસ ડેલીગેશને આજે મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મૂલાકાત લીધી હતી.
તાઇવાનનું આ ઉચ્ચ સ્તરીય વ્યાપારી મંડળ અત્યાર સુધી ભારતમાં આવેલું સૌથી મોટું ડેલીગેશન છે અને ગુજરાતના સર્વાંગીણ આર્થિક અને ઔદ્યોગિક વિકાસથી અત્યંત પ્રભાવિત થઇને ગુજરાત અને તાઇવાન વચ્ચે પરસ્પર ભાગીદારીના ક્ષેત્રો વિશાળ ફલક ઉપર વિકસાવવાના નિર્ધાર સાથે ૮૦ જેટલા તાઇવાન ઉદ્યોગ સંચાલકો સાથે રાજ્યના પ્રવાસે આવ્યું છે.
આ તાઇવાન ડેલીગેશનને આવકાર આપતાં મુખ્યમંત્રીશ્રીએ તાઇવાન અને ગુજરાત વચ્ચે સહભાગીતાના નવા ઉદયની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી અને જણાવ્યું કે તાઇવાન આર્થિક સત્તા તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનની આર્થિક પ્રગતિ નોંધનીય છે અને તેણે ઉપલબ્ધ સંસાધનોનો વિકાસમાં મહત્તમ ઉપયોગ કર્યો છે જેમાંથી અન્યને ઘણું શીખવા મળે છે.
ભારત અને તાઇવાન વચ્ચે વાણીજ્યીક સંબંધોની ભાગીદારી વિકસી છે તેની સાથે હવે ગુજરાત ને તાઇવાન વચ્ચે પણ સહભાગીતાનો સેતુ સુદ્રઢ બની શકે તેવાં અનેક ક્ષેત્રો અને સમાનતાના ફલકની મુખ્યમંત્રીશ્રીએ ભૂમિકા આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તાઇવાનની જેમ ગુજરાતે પણ સ્થાયી અને વિશ્વસનિય સાતત્યપૂર્ણ વિકાસની દિશા અપનાવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની પાંચ શ્રેણીની જવલંત સફળતા સાથે ગુજરાત, વિશ્વના અર્થતંત્ર માટે સહભાગીતાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે અને પાવર, નોલેજ તથા ટેકનોલોજીમાં વિશ્વ સાથે ભાગીદારી કરવા સક્ષમ બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને ભારતનું સૌથી ઝડપી ગતિએ વિકસતું રાજ્ય અને ભારતનું વૈશ્વિક સ્તરે આર્થિક પ્રવેશદ્વાર તરીકે ગણાવતા જણાવ્યું કે ગુજરાત હવે ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અર્થતંત્ર રૂપે વિકસ્યું છે એટલું જ નહીં, ૧૪ ટકાના કૃષિવિકાસ દર સાથે અગ્રીમ રહ્યું છે. રાજ્યના વિકાસની ગતિશીલતા વિશ્વના સીમાડામાં વિશ્વસનિય બની છે.
વિશ્વબેન્ક જેવી સંસ્થાએ એકમાત્ર ગુજરાત રાજ્ય સાથે કાર્બન ટ્રેડીંગ એગ્રીમેન્ટ કરીને ગુજરાતની પર્યાવરણ સાથે વિકાસની દિશાને સ્વીકૃતિ આપી છે. ગુજરાતના કેમિકલ્સ પોર્ટ, એલએનજી ટર્મિનલ્સ સહિત બંદરોના ધમધમતા વિકાસ સાથે ગુજરાતે માળખાકીય સુવિધા વિકાસના જમીન, આકાશ અને જળ પરિવહનના નેટવર્કની અસીમ સિધ્ધિઓ મેળવી છે. આમ વિકાસ અને પ્રગતિની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં સૌથી શ્રેષ્ઠ મૈત્રીપૂર્ણ વાતાવરણ, પારદર્શી નીતિઓ અને માળખાકીય સુવિધાઓ ધરાવતું રાજ્ય બની ગયું છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સાથે સંશોધન વિકાસમાં ભાગીદારી તાઇવાનના મેન્યુફેકચરર્સને વિશાળ વૈશ્વિક માર્કેટમાં વધુ તાકાત પૂરી પાડશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શૂન્ય સપાટીએ માનવદિન નુકશાન અને શાંતિપૂર્ણ કુશળ માનવસર્જન ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.
તાઇવાન અને ગુજરાત મેઇડ ફોર ઇચ અધર-એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું અને ગુજરાતમાં વિશાળ બુધ્ધમંદિર બનાવવાનો સાંસ્કૃતિક નિર્ધાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તાઇવાન અને ગુજરાત વચ્ચેના પરસ્પરની ભાગીદારીના વિશાળ ફલકની ભૂમિકા આપતા જણાવ્યું કે તાઇવાનની કંપનીઓ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં વેલ્યુ એડિશન ચેઇનમાં રોકાણનો વિશાળ અવકાશ છે. આ ઉપરાંત ઊર્જા, ઇલેકટ્રોનિકસ અને ટેલીકોમ્યુનિકેશન્સ, બાયોટેકનોલોજી અને જીનોમિકસ, મશીન ટુલ્સ જેવી ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત રિન્યુઅલ કલીન એન્ડ ગ્રીન ટેકનોલોજી, સોલાર પાવર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ અને શીપબિલ્ડીંગના ક્ષેત્રોમાં ગુજરાત સહભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા આતુર છે.
મુખ્યમંત્રીશ્રીએ તાઇવાન સાથે ગુજરાતમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટની ભાગીદારી માટેની તત્પરતા પણ વ્યકત કરી હતી.
ગુજરાત સરકારની તાઇવાન સાથેની ભાગીદારીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા ખાતરી આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌથી ઝડપી સમયમાં નિર્ણાયક નીતિઓથી તાઇવાન ગુજરાત વચ્ચે ભાગીદારીની ક્ષિતિજો વિસ્તરી શકશે.
તાઇવાનના કંપની સંચાલકોએ મુખ્યમંત્રીશ્રી સાથે વિવિધ વિકાસલક્ષી પાસાંઓ વિષયક પ્રશ્નોતરી કરી હતી. ગુજરાત સરકારે પ્રો-પિપલ પ્રો-એકટીવ ગુડગવર્નન્સ અને ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને ગુજરાતમાં વિકાસ એ જનઆંદોલન બની ગયું છે એમ તેમણે જણાવ્યું હતું.
ર્ડા. ક્રિસ્ટીનાઃ
તાઇવાનના આર્થિક આયોજન મંત્રી ર્ડા. ક્રિસ્ટીના લીયુએ ગુજરાતને તાઇવાનનું ઉત્તમ ભાગીદાર ગણાવતા જણાવ્યું કે જે ગતિથી ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે તે કલ્પનાતીત છે અને ગુજરાત સાથે તાઇવાનની વિકાસમાં પરસ્પર સહભાગીદારી સુદીર્ધ પ્રગતિનો નવો સેતુ બાંધશે.
ર્ડા. ક્રિસ્ટીનાએ જણાવ્યું કે ગુજરાત અને તાઇવાન વચ્ચે પરસ્પરના સંબંધોની ભાગીદારીની સામ્યતાનું કારણ એ પણ છે કે તાઇવાન ચીન માટે મેન્યુફેકચરીંગ ફેકટરી અને કન્ઝયુમર્સ માર્કેટનું પ્રવેશ દ્વાર છે અને ગુજરાત યુરોપ આફ્રિકાના દેશોમાં મેન્યુફેકચરીંગ માટે વિશ્વ વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. તાઇવાન તેના આર્થિક-ઔદ્યોગિક વિકાસનું ફલક વિસ્તૃત કરી રહ્યું છે ત્યારે, ગુજરાત જેવા સૌથી પ્રગતિશીલ વિકાસની સિધ્ધિ ધરાવતા રાજ્ય સાથે લાંબાગાળાની ભાગીદારી ફળદાયી પરિણામો લાવશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
ગુજરાતના ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર માટે તેમણે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ બેઠકમાં નાણાં અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અધિક મુખ્ય સચિવશ્રી રવિ સકસેનાએ ડેલીગેશનને આવકારતું સ્વાગત પ્રવચન કર્યું હતું.