ગુજરાતમાં જંગી-તોતિંગ ૧૭૯૯ વૃક્ષોને આયાતી આધુનિક મોબાઇલ યંત્રોથી મૂળીયા સાથે ઉપાડી અન્યત્ર ઉછેરવામાં સફળતા ૮પ ટકા જીવંત વૃક્ષ- પ્રત્યાર્પણ સફળ
વૃક્ષ પ્રત્યા્ર્પણ (TREE TRANSPLANTATION) ભારતમાં ગુજરાત સરકારની વૃક્ષ જાળવણીની અનોખી પહેલ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભારતભરમાં સર્વપ્રથમ એવા વૃક્ષ-પ્રત્યારોપણના અભિયાનને સમાજમાં વૃક્ષને અસ્કાયામત તરીકે પ્રસ્થાપિત કરવાની સૂચના આપી છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં વન વિભાગના ઉપક્રમે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી વૃક્ષ-પ્રત્યારોપણ પ્રોજેકટ સફળ બની રહયો છે અને રાજ્યમાં તોતિંગ એવા વૃક્ષોની કપાત કરીને તેનો વિનાશ કરવાની માનસિકતામાં બદલાવ લાવીને આયાતી હાઇડ્રોલીક પ્રેસર સાથેના જંગી યાંત્રિક મશીન દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે મૂળીયામાંથી વૃક્ષ ઉપાડીને તેનું અન્યત્ર પ્રત્યારોપણ કરવામાં આવી રહયું છે. વિકાસ માટે વૃક્ષોનું નિકંદન કાઢવાને વિકલ્પે્ ગુજરાત સરકારે ચાર વર્ષમાં ૪૭ થી વધારે વિવિધ પ્રકારના ૧૭૯૯ વૃક્ષો, જેનો મહત્તમ ઘેરાવો ૯૦ સે.મી. છે તેનું સફળ પ્રત્યા્રોપણ કરેલું છે એમાંથી જીવંત વૃક્ષોની ટકાવારી ૮પ ટકાથી વધારે છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આજે રાજ્યમાં વૃક્ષ-પ્રત્યા રોપણ પ્રોજેકટને વધુ વ્યાપક ફલક ઉપર વિસ્તારવા અને સમાજ સાથે વૃક્ષનું એક અમૂલ્ય અસ્કયામત (ESSATE) તરીકે ભાવાત્મક જોડાણ કરવા માટે વન વિભાગે તૈયાર કરેલું TREE TRANSPLANTATION in GREEN GUJARATનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
વૃક્ષ-પ્રત્યારોપણની આ યોજનાનું સમાજમાં વિવિધ નિદર્શન કરવાની જરૂર ઉપર ભાર મૂકતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વૃક્ષ અને પર્યાવરણની જાળવણી માટે સમાજનો સ્વભાવ બનવો જોઇએ. હાલ ગુજરાતમાં ત્રણ જેટલા હાઇડ્રોલિક પ્રેસરના મોબાઇલ મશીનો છે અને વૃક્ષ પ્રત્યારોપણ માટે જાહેર-ખાનગી સેકટરો, શાળા-કોલેજો, શહેરો વગેરેમાં તેની ભાગીદારી અને સમજણનું ફલક વિસ્તરે તથા વિકાસની ગતિશીલતા સાથે વૃક્ષ-હરિયાળીનું જતન થાય, વૃક્ષ-વેદન નહીં પણ વૃક્ષ-જતન માટે માનવીના શરીરના અંગોની જેમ વૃક્ષનું પ્રત્યારોપણ પણ ટેકનોલોજીથી સમાજ સ્વીકૃત બને એ માટે સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં, મુખ્ય સચિવશ્રી વરેશ સિંહા, વન-પર્યાવરણ અગ્ર સચિવશ્રી એચ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન અને રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીઓએ નિદર્શન-પ્રસ્તુતિ કરી હતી.