પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી લવૈન તા. 17 એપ્રિલના રોજ મળ્યા હતા અને વર્ષ 2016માં મુંબઈ ખાતે જાહેર કરેલા સંયુક્ત નિવેદનની બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો. અત્યાર સુધી અમલીકરણમાં થયેલી પ્રગતીને આવકારી હતી અને સહયોગના એકંદર રાજકિય માળખામાં સંયુક્ત નિવેદનની નિષ્ઠા અંગે પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ભારત અને સ્વીડન લોકશાહીના સમાન મૂલ્યો, કાયદાનું શાસન, માનવ અધિકારોનું સન્માન, ભિન્ન સમુદાયોનું અસ્તિત્વ અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યવસ્થાની એકસમાન ભાગીદારીમાં નિષ્ઠા ધરાવે છે.
બંને પ્રધાનમંત્રીઓએ જળવાયુ પરિવર્તન, કાર્યસૂચિ-2030, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ, માનવ અધિકારો, જાતિય સમાનતા, માનવતાવાદી મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પરસ્પર સંમતિથી સંવાદ અને સહયોગ પ્રત્યે નિષ્ઠા દર્શાવી છે. બંને પ્રધાનમંત્રીઓએ જળવાયુ પરિવર્તન અંગેના વૈશ્વિક પ્રયાસો માટે તાકીદે પગલાં લેવાની બાબત અંગે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને પેરિસ સંધિ બાબતે તેમના સમાન સહયોગ ચાલુ રાખવાની બાબત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષો એ બાબતે સંમત થયા હતા કે સુરક્ષા નીતિ અંગે બંને દેશોના સુરક્ષા સલાહકારો દ્વારા સંયુક્ત નિવેદન મુજબ સતત સંવાદ ચાલુ રહેવો જોઈએ. બંને દેશોના પ્રધાનમંત્રીઓ સંયુક્ત રાષ્ટ્રમાં અને અન્ય બહુપક્ષીય મંચ પર ઘનિષ્ઠ સહયોગ બાબતે સંમતિ દર્શાવી હતી. કાર્યસૂચિ-2030 અંગે પરિણામ મળે તે રીતે સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્ર સાથે સુધારા હાથ ધરવાની ખાતરી આપે તેવી હિમાયત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા સહિત તેમાં વધુ પ્રતિનિધિત્વ થાય, જવાબદારી આવે, 21મી સદીની વાસ્તવિકતાઓ અંગે અસરકારક અને પ્રતિભાવયુક્ત વલણ દાખવવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ, પ્રધાનમંત્રી લવૈનનો સંયુક્ત રાષ્ટની સુરક્ષા પરિષદમાં (વર્ષ 2021-22) બિન કાયમી સભ્યપદ માટે ટેકો આપવાની બાબતને બિરદાવી હતી અને સ્વીડનના ટેકાથી સંયુક્ત રાષ્ટ્રની વિસ્તૃત કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ટેકાની ખાતરીને બિરદાવી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ વૈશ્વિક નિકાસ નિયંત્રણ, પરમાણુ પ્રસાર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણના ઉદ્દેશોને ટેકો આપવાની અને મજબૂત કરવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રોમાં ઘનિષ્ઠ સહયોગ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી લવૈને આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ફેરફારોનાં ભારતના પ્રયાસોને બિરદાવ્યા હતા તથા ઓસ્ટ્રેલિયા ગ્રુપ (AG), વેસેનાર એરેન્જમેન્ટ (WA), મિસાઈલ ટેકનોલોજી અંગે નિયંત્રણ વ્યવસ્થા (MTCR), બેલાસ્ટીક મિસાઈલ અંગે હેગની આચાર સંહિતાનો પ્રસાર (HCOG) વગેરે અંગે ન્યુક્લિયર સપોર્ટ ગ્રુપ (NSG) માં ભારતને સભ્ય પદ આપવા અંગે સમર્થન વ્યક્ત કર્યું હતું.
બંને પ્રધાનમંત્રીઓએ આતંકવાદ સામે લડત આપવા, આતંકવાદીઓનું માળખુ અને તેમને થતી નાણાંકિય સહાય તોડી પાડવા અને હિંસક આંત્યક્તિકતા સામે વધુ સારી એકતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી દાખવવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે આતંકવાદનો સામનો કરવા માટેના કાનૂની માળખાને નિયમિતપણે અદ્યતન કરતાં રહેવું જોઈએ અને તાકાત વડે આતંકવાદની વધતી જતી ધમકીઓનો ઉકેલ લાવવો જોઈએ તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરી આતંકવાદ સામેનું કામ પાર પાડવું જોઈએ. આ બાબતે બંને દેશોએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે ઘનિષ્ઠ સંમેલન (CCIT) ને આખરી ઓપ આપવા હિમાયત કરી હતી.
દ્વિપક્ષી સહયોગને વધુ પ્રોત્સાહન માટે તેમણે ઇન્ડિયા-સ્વીડન સંયુક્ત કાર્ય યોજના નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો, જેની હેઠળ ભારત અને સ્વીડનના સંબંધિત મંત્રાલયો, એજન્સીઓ અને કાર્યકર્તાઓ નીચે મુજબના ઉદ્દેશો દાખવશે.
નવીનીકરણ
- સાતત્યપૂર્ણ ભાવિ માટે બહુપક્ષી ભવિષ્ય પર ભાર મૂકીને સમૃદ્ધિ અને વિકાસ માટેના સામાજીક પડકારોનો ઉકેલ લાવવા માટે પરસ્પરની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને નવીનીકરણ દ્વારા સાતત્યપૂર્ણ વિકાસની હિમાયત કરી હતી.
- સ્વીડિસ પેટન્ટ રજીસ્ટ્રેશન ઓફિસ અને ભારતના ઔદ્યોગિક વિકાસ અને પ્રોત્સાહન વિભાગ વચ્ચે થયેલા સમજૂતિના કરાર હેઠળ બૌદ્ધિક સંપદા અધિકારના ક્ષેત્રે સંવાદ અને સહયોગની પ્રવૃત્તિઓ હાથ ધરવી.
વેપાર અને મૂડી રોકાણ
- બંને દિશાઓમાં વેપાર અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવું. સ્વીડનના મૂડી રોકાણને ‘ઇન્વેસ્ટ ઇન્ડિયા’ મારફતે તથા ભારતના સ્વીડનમાં મૂડી રોકાણને ‘બિઝનેસ સ્વીડન’ મારફતે પ્રોત્સાહન આપવું.
- ઇન્ડિયા- સ્વીડન વ્યાવસાયીક દિગ્ગજોની ગોળમેજી પરિષદ દ્વારા ભારત અને સ્વીડન વચ્ચે સ્માર્ટ સીટી, ડિજિટાઇજેશન, કૌશલ્ય વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવો અને તેના સંબંધો, વિચારો, ભાગીદારી અને ભલામણોને આગળ વધારવી.
સ્માર્ટ સિટી અને નવા યુગની પરિવહન વ્યવસ્થા
- પરિવહન આધારિત શહેરી વિકાસ, જળવાયુ પ્રદુષણ નિયંત્રણ, વેસ્ટ મેનેજમેન્ટ, કચરામાંથી ઊર્જાનું ઉત્પાદન, દૂષિત પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા, ડિસ્ટ્રિક્ટ કુલિંગ અને સર્ક્યુલર ઇકોનોમી વગેરે બાબતો અંગે સંવાદ અને ક્ષમતા નિર્માણ કરવું.
- માહિતીનું આદાન- પ્રદાન કરવું અને ઈલેક્ટ્રો- મોબિલીટીની સાથે સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રે સહયોગની સંભાવનાઓ તપાસવી.
- રેલવે ઉપરાંત રેલવે નીતિ વિષયક વિકાસ, સલામતિ, તાલિમ અને રેલવેના સંચાલન અને માવજત અંગે જાણકારીનું આદાન- પ્રદાન કરવું અને સહયોગની સંભાવનાઓ તપાસવી.
સ્માર્ટ, પર્યાવરણલક્ષી અને પુનઃપ્રાપ્ય ઊર્જા
- સ્માર્ટ મીટરીંગ, માંગ પ્રતિભાવ, ઊર્જા ગુણવત્તા સંચાલન, વિતરણમાં ઑટોમેશન, ઈલેક્ટ્રીક વાહનો/ચાર્જીંગની માળખાગત સુવિધાઓ અને સાથે-સાથે સંશોધન, ક્ષમતા નિર્માણ, નીતિ વિષયક સહયોગ અને બજારની જરૂરિયાતોને આધારે ધંધાકીય મોડલને અનુરૂપ પુનઃપ્રાય્ય ઊર્જા ક્ષેત્રો વિશે પ્રશિક્ષણ.
- નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા દક્ષતાની તકનીકિ ઉપયોગને ધ્યાનમાં રાખીને ભારત-સ્વીડન નવાચાર ગતિવર્ધક (India-Sweden Innovations’ Accelerator)ના આધારે નવી ઊર્જા તકનીકો પર સંશોધન, નવીનીકરણ અને ઔધોગિક સહકારમાં વધારો કરવો
મહિલાઓમાં કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ
- સ્વીડન અને ભારતના કલાકારો દ્વારા પૂના (મહારાષ્ટ્ર)માં હાથ ધરાયેલા ‘ક્રાફ્ટમાલા’ પ્રોજેક્ટની મહિલાઓને રોજગારી માટેનું કૌશલ્ય પૂરૂ પાડીને તથા ઉદ્યોગસાહસિકતાની તકો મારફતે મહિલાઓના સશક્તિકરણ માટેના સંયુક્ત પ્રયાસો હાથ ધરવા. આ પ્રોજેક્ટમાં મહિલાઓને ઉદ્યોગમાં ફોર્કલીફ્ટ ડ્રાઈવર્સ, વેરહાઉસ સંચાલક, અસેમ્બલી ઓપરેટર વગેરેના કૌષલ્ય વિકાસ માટે યોગ્ય તાલીમ આપવી.
સંરક્ષણ
- સંરક્ષણ ક્ષેત્રની વર્ગીકૃત માહિતી બાબતે સહકાર તથા દ્વિપક્ષી કરારને આખરી સ્વરૂપ આપવું તેમજ માહિતીના આદાન- પ્રદાન અને પરસ્પર સહયોગ માટે વ્યવસ્થા ઉભી કરવી.
- સંરક્ષણ સહયોગ બાબતે ઈન્ડો-સ્વીડીશ સંવાદ વધારવો. ભારત અને સ્વીડનમાં વર્ષ 2018-19 દરમ્યાન સંરક્ષણ પરિષદોનું આયોજન કરવું અને ISLBRT સાથે મળીને ભારતના કોરિડોરમાં સંરક્ષણ ઉત્પાદન માટે મૂડી રોકાણની તકો તપાસવી.
- ઉદ્યોગના ભાગીદારોને નાના અને મધ્યમ કદના એકમો (એમએસએમઇ) માટે મહત્વના સંરક્ષણ અને એરોસ્પેસ ઓરિજીનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર્સ (OEMs) સાથે ઉદ્યોગની પુરવઠા સાંકળ ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરવા.
અંતરિક્ષ અને વિજ્ઞાન
- અંતરિક્ષ સંશોધન, તકનીકિ નવીનીકરણ અને તેની ઉપયોગિતા ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગના મહત્વને સ્વીકારવું, અંતરિક્ષ એજન્સીઓ અને અન્ય અંતરિક્ષ સંસ્થાઓ વચ્ચે સમજૂતિના કરાર મુજબ અને ખાસ કરીને પૃથ્વી અવલોકન, ગ્રહોની શોધ અને ઉપગ્રહ ગ્રાઉન્ડ સ્ટેશન પ્રવૃત્તિઓ મારફતે સહયોગ વધારવો. સાથે-સાથે ઇન્ડો- સ્વીડીશ અંતરિક્ષ સેમિનાર યોજવા અને ભારતના પ્રતિનિધિ મંડળે સ્વીડનની અવકાશ સંશોધન સંસ્થાઓની મુલાકાત લેવી.
- સ્વીડન અને ભારતીય ભાગીદારો દ્વારા રચવામાં આવેલા યુરોપિયન સ્પાલેસિયન સોર્સ (ESS) સાથે સહયોગની સંભાવનાઓ ચકાસવી.
આરોગ્ય અને જીવન વિજ્ઞાન
- સ્વાસ્થ સુરક્ષા અને જાહેર આરોગ્ય બાબતે થયેલા સમજૂતિના કરાર મુજબ આરોગ્ય સંશોધન, ફાર્મા, કો-વિજીલન્સ અને એન્ટી-માઇક્રોબાયલ રેજીસ્ટન્સ,વગેરે આરોગ્યલક્ષી ક્ષેત્રોમાં અગ્રતા ધરાવતા મુદ્દાઓ ઓળખવા અને સહયોગ વધારવો.
અનુવર્તન
- વિજ્ઞાન અને આર્થિક બાબતો પરની ભારત-સ્વીડન સંયુક્ત પરિષદ, વિદેશ કાર્યાલય પરામર્શ તથા અન્ય સંબંધિત દ્વિપક્ષી મંચ અને સંયુક્ત વર્કિંગ ગ્રુપ દ્વારા આ કાર્ય યોજનનાં અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે.