મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્વર્ણિમ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે બંને રાજ્યોની મળીને પાંચ નદીઓનું એકીકરણ કરીને કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે આગામી પ૦ વર્ષ સુધી કૃષિક્રાંતિ લાવે તેવા મહત્ત્વના પ્રોજેકટના સમજૂતિના કરાર થયા છે. પાર-તાપી-ઔરંગા-દમણગંગા અને નર્મદા જેવી પાંચ નદીઓના સંગમથી ગુજરાતના કિસાનો પણ પંજાબની કૃષિક્રાંતિથી આગળ વધી દેશની હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્વર્ણિમ કૃષિ મહોત્સવનો આજે નવસારીથી પ્રારંભ કરાવતાં એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે, ગુજરાતની કૃષિ ક્રાંતિ એ રાજ્યની યુવાશક્તિને ખેતીવાડી ક્ષેત્રે પોતાની તાકાત બતાવવા પ્રેરણા અને અવસર આપ્યા છે અને આગામી પ૦ વર્ષમાં ગુજરાતનું યુવાધન કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનું વાવેતર કરશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં કૃષિ મહોત્સવના યજ્ઞકાર્યને રાજ્યના બધા જ ખેડૂતોએ અપનાવી લીધો છે અને હવે છ વર્ષથી લાગલગાટ કૃષિક્રાંતિનું આ અભિયાન રંગ લાવી રહ્યું છે. કૃષિ મહોત્સવની અદ્દભૂત સફળતા અને પરિણામોનો પ્રભાવ ભારત સરકાર ઉપર પણ રહ્યો છે અને કૃષિ મહોત્સવ, જળસંચય તથા સોઇલ હેલ્થકાર્ડ જેવા અનેક નવા આયામો અપનાવવા રાજ્યોને સૂચના આપી છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતના સામર્થ્યની નવી ઓળખ આપતો ગુજરાતનો છઠ્ઠો સ્વર્ણિમ કૃષિ મહોત્સવ આજથી સમગ્ર રાજ્યના ૧૮,૦૦૦ ગામોમાં અખાત્રીજના અવસરે શરૂ થયો હતો. કૃષિ યુનિવર્સિટી, નવસારીના વિશાળ સંકુલમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ફરીને કિસાનો અને પશુપાલકોને વૈજ્ઞાનિક ખેતીવાડી અને પશુપાલનનો સંદેશ આપતા કૃષિ રથનું પ્રસ્થાન મુખ્ય મંત્રીશ્રીએ કરાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, વલસાડ અને ડાંગ જિલ્લાઓને આવરી લેતા આ સ્વર્ણિમ કૃષિ મહોત્સવના પ્રથમ ચરણમાં વિશાળ સંખ્યામાં કિસાનો અને પશુપાલકોની ગ્રામશક્તિનો માનવ મહેરામણ ઉમટયો હતો.
ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશના અર્થતંત્રનો પાયો પણ કૃષિ હોય તો કૃષિ ક્ષેત્રે અનોખો યજ્ઞ દર વર્ષે યોજીને કૃષિ ક્રાંતિ કરવાનું બીડું ગુજરાતે ઝડપ્યું છે અને આ વર્ષે ગુજરાતની સ્વર્ણિમ જયંતીના વર્ષમાં છઠ્ઠો કૃષિયજ્ઞ સ્વર્ણિમ કૃષિ મહોત્સવ તરીકે યોજાઇ રહ્યો છે એની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, આઝાદી પછી હિન્દુસ્તાનના છ-છ દાયકા સુધી કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોની સમસ્યાનું સમાધાન કોઇ શોધી શકયા નથી ત્યારે ગુજરાતે આ બધી જ સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવ દ્વારા લાવી આપ્યું છે. હવે ભારતના તમામ કૃષિ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ ગુજરાતના આ કૃષિ મહોત્સવના પ્રયોગની પ્રસંશા કરતા અન્ય રાજ્યોને પણ પ્રેરિત કરવા લાગ્યા છે. ગુજરાતના કિસાનોએ કૃષિ મહોત્સવના યજ્ઞને જે રીતે ઉમંગભેર આવકાર્યો છે તે બતાવે છે કે ગુજરાતના કિસાનો કૃષિ ક્ષેત્રે પરંપરાગત કૃષિ છોડીને પ્રગતિશીલ બની વૈજ્ઞાનિક ખેતીવાડી અને પશુપાલન અપનાવી સમૃદ્ધિના માર્ગે આગળ વધતા જ રહ્યા છે.
“એક જમાનામાં ઉત્તમ ગણાતી ખેતીની ભૂતકાળના શાસકોએ એવી દુર્દશા કરી કે ખેતી એટલે નબળા વર્ગનું કાર્ય બની ગયું પરંતુ ગુજરાતે કૃષિ મહોત્સવથી ગ્રામ સમાજમાં ખેતી માટે એવી સામાજિક ક્રાંતિની ચેતના જગાવી કે આજે ગ્રામ યુવાશક્તિ કૃષિક્ષેત્રે પ્રશિક્ષણ મેળવવા સતત ઉત્સુક છે અને ખેતીને પ્રાથમિકતા આપે છે.”
કૃષિ મહોત્સવના યજ્ઞ દ્વારા ચેકડેમ, બોરીબંધ, ખેતતલાવડીના જળસંચયથી ખેત ઉત્પાદન વધ્યું છે અને ટેરેસ તલાવડીથી લઇને મૂલ્યવૃદ્ધિ કરીને ગુજરાતના ખેડૂતો અને ગ્રામ્ય માતૃશક્તિને મિશન મંગલમ્ દ્વારા વૈશ્વિક બજારોને સર કરશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
કૃષિ મહોત્સવને સર્વાંગીણ ગ્રામ વિકાસનું માધ્યમ ગણાવતાં ગામે ગામે કૃષિરથ દ્વારા આવકારવાની અપીલ તેમણે કરી હતી. મુઠ્ઠીભર લોકો ભલે વિરોધ કરે આપણે સ્વર્ણિમ કૃષિ મહોત્સવના તપસ્યા યજ્ઞથી ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખેતીક્ષેત્રે સમગ્ર દેશ-દુનિયાનું કેન્દ્ર ગુજરાત બન્યું હોવાનું જણાવી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંધાણીએ જણાવ્યું હતું કે, કૃષિના ઋષિઓની આપણી પરંપરાને જાળવી રાખી મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિકલ્પનાને સાકાર કરવા રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં અખાત્રીજના પવિત્ર દિને કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યની ૬૦ એપીએમસી માર્કેટોમાં લેબ ટેકનીકલની સવલત આપી ક્રાંતિ સર્જી છે. રાજ્ય સરકારે પરંપરાગત બીજના સ્થાને સુધારેલા બિયારણો આપી ખેડુતોને આર્થિક સદ્ધરતાબક્ષી છે. કૃષિનો મજબૂત પાયો નાખી ગુજરાતે ૧૦ ટકા વિકાસદર હાંસલ કર્યો છે. જે રાષ્ટ્રનો ૪ ટકા છે. ગુજરાતનો ખેડૂત વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે તેવી સ્પર્ધાત્મક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.
છઠ્ઠા કૃષિ મહોત્સવના પ્રારંભ અવસરે રાજ્યના વન પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો ઓછા ખર્ચે મૂલ્યવર્ધિત આવક મેળવતા થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ ઉત્પાદન રૂા. ૯૦૦૦ કરોડથી વધીને રૂા. ૪૮૦૦૦ કરોડ થયું છે એ કૃષિ મહોત્સવની સિદ્ધિ છે. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનને કારણે આદિવાસી ખેડૂતો શાકભાજીની ખેતી કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. વલસાડ જિલ્લો કારેલા, દુધી ક્ષેત્રે અગ્રેસર છે. ગ્રીડીંગ વેલ્યુએડિશન થકી ખેડૂતોને વધારે ફાયદો થયો છે. ખેતી સાથે પશુપાલન પુરક વ્યવસાયે પણ ખેડૂતોને આર્થિક ક્ષેત્રે સદ્ધરતાબક્ષી છે. દક્ષિણ ગુજરાતના સાતેય જિલ્લામાં ખેતી-પશુપાલન ક્ષેત્રે કૃષિ મહોત્સવ થકી ક્રાંતિ થઇ છે.
રાજ્ય ભાજપ પ્રમુખ શ્રી આર. સી. ફળદુએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
રાજ્યસભાના સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે અનેરી ક્રાંતિ સર્જનાર કૃષિ મહોત્સવે ભારત દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્યારે અખાત્રીજથી આજે આરંભાતા કૃષિયજ્ઞમાં ખેતીના મંગલાચરણથી મોટો યજ્ઞ આદર્યો છે. તેમણે ઉમેર્યું કે, કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશને લીડ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે બી.ટી. કપાસ પર બાન મૂકયો છે તેને મુખ્ય મંત્રીશ્રીએ લડત આપીને સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમવાર બી.ટી. કપાસને માન્યતા અપાવી. કપાસની નિકાસ પર તાજેતરમાં બાન મુકયો. બી.ટી.કપાસની માન્યતાને પરિણામે કપાસનું ઉત્પાદન રપ લાખ ગાંસડી હતું એ વધીને ૧.રપ કરોડ ગાંસડી પહોંચ્યું છે તે જ દર્શાવે છે કે કૃષિ મહોત્સવે રાજ્યમાં અનેરી ચેતના પ્રગટાવી છે.
કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંધાણી, વન પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મરોલી સુગરને રૂા. ૯૪.૮૬ લાખ, ગણદેવીને રૂા. ૮૩ લાખ અને વલસાડ સુગરને રૂા. ૯૪.૮૬ લાખ સહાય આપવામાં આવી હતી. તથા મંત્રીશ્રીઓના હસ્તે કૃષિ ડાયરી, કૃષિ મેળા પુસ્તિકા, સેમિનાર સોવેનિયરનું વિમોચન કરાયું હતું.
કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ. આર. પાઠકે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ ન્ય રાજ્યો માટે દિશા સૂચક બન્યો છે. ઉચ્ચસ્તરીય સમિતિઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવે છે એ કૃષિ મહોત્સવની ફલશ્રુતિ છે.
સ્વર્ણિમ કૃષિ મહોત્સવ-ર૦૧૦ પ્રારંભ અવસરે વિધાનસભાના ઉપદંડક શ્રીમતી ઉષાબેન પટેલ, સંસદીય સચિવ શ્રી ઇશ્વરભાઈ પટેલ, પૂર્વ કૃષિ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ શ્રી સી. આર. પાટીલ, શ્રી કાનજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ, સાંસદ શ્રી ભરતસિંહ, ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ પટેલ, શ્રી આર. સી. પટેલ, શ્રી દોલતભાઈ દેસાઇ, કૃષિ અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, સચિવ શ્રી રાજીવ ગુપ્તા, નવસારી જિલ્લા કલેકટર શ્રી ડી. પી. જોષી સહિત સાત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.