પ્રિય મિત્રો,
દેશનાં એક મહાન સપૂતે લલકાર કર્યો,
“
એક બાબત હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું, આપણી પ્રાચીન ભારતમાતા ફરી જાગૃત થઈ રહી છે, તેનો જીર્ણોધ્ધાર થઈ ચૂક્યો છે, આ પહેલા ક્યારેય નહોતા તેવા મહિમા સાથે તે પોતાના સિંહાસન પર બિરાજમાન છે. શાંતિ અને આશિષનાં વચનો સાથે સમગ્ર વિશ્વ સમક્ષ તેનો જયઘોષ કરો.
” ભારત દેશ ત્યારે સામ્રાજ્યવાદનાં પંજામાં સપડાયેલ હતો, દારુણ ગરીબીમાં નિરાધાર બનેલા ભારતનો આત્મવિશ્વાસ તળિયે બેઠો હતો, ત્યારે એ મહાન સપૂતે વિચલિત થયા વિના ઘોષણા કરી કે, ભારતની આ પ્રાચીન ભૂમિ નવચેતન પામીને દુનિયા આખીનું નેતૃત્વ કરશે, જગતગુરુ બનીને ઉભરી આવશે. આ સિંહગર્જના કરનાર મહાત્મા હતા - સ્વામી વિવેકાનંદ.
સ્વામીજીએ પોતાનાં વ્યક્તિત્વમાં ભારતનો આત્મા વણી લીધો હતો. જ્યારે તે પોતાનાં વિદેશભ્રમણથી પરત ફર્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભારત વિશે શું વિચારે છે, તો તેમનો જવાબ હતો, “હું અમેરિકા અને ઈંગ્લેન્ડ ગયો એ પહેલા મારી માતૃભુમિને ચાહતો હતો. હવે પરત ફર્યા બાદ આ ભુમિની ધૂળનો પ્રત્યેક કણ મને પવિત્ર લાગી રહ્યો છે.” શિકાગોનાં વ્યાખ્યાન બાદ સમગ્ર દુનિયા તેમનાં ચરણે પડી હતી, પણ શિકાગોની ચંદ્રકિરણોને ઢાંકતી ગગનચૂંબી ઈમારતોને જોઈને સ્વામીજીએ એક શિષ્યને લખ્યું, “ભારત આવું ક્યારે બનશે?” ભારતની સ્વતંત્રતા ચળવળમાં જોડાયેલા પ્રત્યેક ક્રાંતિકારી માટે સ્વામીજીની વાણી જબરદસ્ત પ્રેરણાસ્ત્રોત બની હતી. સ્વામીજીએ આ રાષ્ટ્રનાં અંતરાત્માને ઢંઢોળી દીધો હતો.
તેમણે ભારતનાં જગતગુરુ બનવાનાં પૂર્વનિર્ધારિત પ્રારબ્ધની પરિકલ્પના કરી હતી. ભારત સમગ્ર વિશ્વમાં અગ્રણી બને તેવી સ્વામીજીની આ પરિકલ્પના માત્ર આધ્યાત્મિક જગત પૂરતી સિમિત નહોતી પણ આર્થિક, રાજકીય અને સામાજીક એમ તમામ પાસાઓને આવરી લેતી હતી. વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં ક્ષેત્રોમાં કૌશલ્યનિર્માણ કરવાનું તેમણે આહવાન કર્યું. અગ્રણી ઉદ્યોગપતિ સર જમશેદજી ટાટાએ સ્વામીજીનાં શબ્દોથી પ્રભાવિત થઈને પોતાના પ્રખ્યાત સ્ટીલ પ્લાન્ટની સાથે સાથે બેંગલોરમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની સ્થાપનાની આગેવાની લીધી. સર જે.સી.બોઝે તેમના શબ્દોમાંથી પ્રેરણા મેળવી વિજ્ઞાનનાં ક્ષેત્રે ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. આજે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું છે પણ સ્વામીજીએ આ ક્ષેત્રે કૌશલ્યનિર્માણની જરૂરિયાતનો આગ્રહ એક સદી પહેલા જતાવ્યો હતો.
“
દરેક દેશ પાસે દુનિયાને આપવાલાયક કાંઈક સંદેશ હોય છે, એક મિશન હોય છે જે તેણે પૂર્ણ કરવાનું હોય છે, એક લક્ષ્ય હોય છે જે તેણે સિધ્ધ કરવાનું હોય છે. ભારતનું મિશન માનવજાતને રાહ બતાવવાનું છે.
” કન્યાકુમારીમાં સ્વામીજીને ભારતનાં ઉદ્દેશ્યનો સાક્ષાત્કાર થયો. આધ્યાત્મિક સંદેશનાં વાહક તરીકેની ભારતની ભૂમિકાની, માનવજાતને જીવનવિજ્ઞાન શીખવવાનાં ભારતનાં મિશનની અને વિશ્વનેતાનો તાજ પહેરવાની ભારતની નિયતીની તેમને પ્રતિતી થઈ. આ સંદેશ ફેલાવવા માટે તેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું.
માનવજાતનાં કલ્યાણ માટે ભારતને જાગૃત બનવાનું આહવાન સ્વામી વિવેકાનંદે કર્યું. ભારતનાં અસ્તિત્વ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “શું ભારતવર્ષનું અસ્તિત્વ નાબુદ થઈ જશે? જો આમ થશે તો દુનિયામાંથી આધ્યાત્મિકતાનો નાશ થઈ જશે; ધર્મ માટેની સમધુર મમતા દેખાતી બંધ થઈ જશે, તમામ ઓળખ અળગી થઈ જશે; અને તેને બદલે વિષયવાસના તથા મોજશોખનાં દ્વૈતભાવ દેવદેવી બનીને સામ્રાજ્ય જમાવશે, પૈસો પૂજારી બનશે, કપટ, બળજબરી અને ચડસાચડસી લોકોની પૂજાવિધિ બનશે અને માનવ આત્માની બલિ ચઢાવવામાં આવશે. આવું ક્યારેય બની શકે નહિ”
સેવા અને ત્યાગની ભાવના આપણી રજેરજમાં એવી સ્થાપિત થઈ જવી જોઈએ કે આપણે માત્ર ભારતીયોની જાગૃતિ માટે નહિ પણ સમગ્ર માનવજાતનાં ઉધ્ધાર માટે કાર્ય કરીએ. અનેકવિધ સંકટોથી આજે વિશ્વ જે રીતે રુગ્ણ થઈને બેઠું છે તે જોતા સ્વામીજીનાં શબ્દોનું મહત્વ ખ્યાલ આવે એમ છે. ભારત જેનું હકદાર છે તેવા સ્થાન પર આજે બેઠું નથી અને એ જ કારણ છે કે દુનિયા આજે ત્રાસવાદ, પર્યાવરણનાં નાશ અને ડામાડોળ અર્થતંત્ર જેવા સંકટોથી ગ્રસ્ત છે.
એક જાણિતા ફિલોસોફરે કહ્યું છે, “જો ભારતનો નાશ થશે તો કોણ બચશે? જો ભારત જીવશે તો કોનો નાશ થશે? શ્રી અરવિંદે કહ્યું હતું કે આઝાદી ભારત માટે વિશ્વગુરુનાં મંચ પર બિરાજમાન થવાનો અવસર લઈને આવી છે. અને ૨૧મી સદીમાં આપણે આ જ કરવાનું છે. આપણે વ્યક્તિગત રીતે ભલે ગમે તેટલી ઉંચાઈઓ હાંસલ કરીએ પણ જો આપણે એક રાષ્ટ્ર તરીકે આપણું સામુહિક સામર્થ્ય ઉજાગર ન કરી શકીએ તો માનવજાતની સેવાનું માધ્યમ નહિ બની શકીએ, અને એક રાષ્ટ્ર તરીકે ભારતની નિયતિ સિધ્ધ નહિ થઈ શકે. ફુટબોલની રમતનું ઉદાહરણ લો. ટીમનું સામુહિક લક્ષ્ય એ હોય છે કે સામેની ટીમ કરતાં શક્ય એટલાં વધુ ગોલ કરવામાં આવે, પણ વ્યક્તિગત રીતે દરેક ખેલાડીની ભુમિકા અલગ-અલગ હોય છે. જો ગોલ-કીપર પોતાનું સ્થાન છોડીને મેદાન પર ભાગવા માંડે તો તેનો કાંઈ મતલબ નથી. એ જ રીતે આપણું સામુહિક ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. ધ્યેયસિધ્ધિ માટે આપણા દરેકની ભુમિકા અલગ-અલગ રહેશે. જો આપણે આપણાં ભાગે આવેલી ભુમિકા પૂરી નિષ્ઠાથી ભજવીશું તો પરિણામ આપણા દરેકની સામે હશે.
મિત્રો, હું પૂરી ખાત્રી સાથે કહી શકું છું કે એક ભવ્ય ભારતનાં નિર્માણની સ્વામી વિવેકાનંદની પરિકલ્પના સાકાર કરવી શક્ય છે. સ્વામીજી જુલાઈ ૧૮૯૦ થી મે ૧૮૯૩ સુધી ભારતભ્રમણ પર હતા ત્યારે તેમણે ગુજરાતમાં મહત્તમ સમય વિતાવ્યો હતો અને એટલે જ ગુજરાત પર તેમનાં આશિષ છે. ગુજરાત આજે જ્યાં છે તે સ્થાન પર પહોંચવામાં સ્વામીજીનાં આશિષનો મોટો ફાળો છે. અને તેમનાં આશિષથી આપણો દેશ પણ ભવ્ય સિધ્ધીઓ હાંસલ કરી શકે એમાં કોઈ શંકા નથી. ૨૦૧૨ માં સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજ્યંતિની ઉજવણી ગુજરાત ‘યુવાશક્તિ વર્ષ’ તરીકે કરશે. ચાલો, આ અવસરે આપણે સૌ એકજૂથ બનીને સ્વામી વિવેકાનંદનાં સ્વપનાઓને સાકાર કરવા અથાક પરિશ્રમ કરીએ. આપણી ભુમિને પાવન કરનાર એ ગૌરવશાળી સપૂતને આપવા માટે આનાથી વધુ સુંદર ભેટ બીજી કઈ હોય?