વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો શાનદાર પ્રારંભ
પ્રાચીન પ્રસિધ્ધિ તીર્થ બહુચરાજીથી પ્રસ્થાસન વિરાટ જનમેદનીનો સા્ક્ષાત્કાર
બહુચર માતાના ભકિતભાવથી દર્શન કરી નરેન્દ્ર ભાઇ મોદીએ નેતૃત્વક લઇ યુવા વિકાસયાત્રાનો કર્યો પ્રારંભ
નરેન્દ્ર ભાઇ મોદીઃ- • હિન્દુસ્તાનના યુવાનોને તેની શકિત માટે એવા નેતૃત્વની જરૂર છે જે વિવેકાનંદના સંકલ્પન પૂરા કરે
ભારત માતાને વિશ્વેગુરૂ બનાવવા યુવાનોને આહવાન - કોંગ્રેસની વિકૃત માનસિકતાના રાજકારણ ઉપર આકરા પ્રહારો
ગુજરાત ગૂટખા મૂકત બન્યું છે કોંગ્રેસ મૂકત ગુજરાત બનાવવું છે - નરેન્દ્ર ભાઇ મોદી
ભાજપા જનતાના હિતોના પ્રહરીની ભૂમિકા નિભાવે છે – રાજનાથસિંહ
અરૂણ જેટલીઃ- કેન્દ્રનની કોંગ્રેસ સરકારે નરેન્દ્રનભાઇ મોદીની સામે જે કાવાદાવા કર્યા છે તેમાં તેઓ સોનાની જેમ ઝળહળતા બહાર આવ્યાન છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બહુચરાજીની પાવનતીર્થ ભૂમિથી વિવેકાનંદ યુવા વિકાસયાત્રાનું નેતૃત્વ કરતાં હિન્દુસ્તાનના યુવાનોને વિવેકાનંદના ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાના સપના સાકાર કરવાનું આહવાન આપ્યું હતું. ગુજરાતના યુવાનોએ છેલ્લા એક દશકમાં જ આખા રાજ્યમાં વિકાસની ભાગીદારી કરીને પોતાનું સામર્થ્ય પૂરવાર કર્યું છે. હિન્દુસ્તાનને આજે એવા નેતૃત્વની જરૂર છે જે દેશના કરોડો યુવાનોની શકિતને અવસર આપે. જે યુવાનોના સપના, સંકલ્પો સાકાર કરે. એમ તેમણે જણાવ્યું હતું. સ્વામિ વિવેકાનંદની દોઢસોમી જન્મ જ્યંતીની ઉજવણીના વર્ષને યુવાશકિત વર્ષ તરીકે ગુજરાત ઉજવી રહ્યું છે અને આજથી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા સમગ્ર ગુજરાતમાં યુવાનોને ભારતમાતાની સેવા માટે સંકલ્પબધ્ધ બનવાના સંદેશ સાથે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં બહુચરાજી તીર્થક્ષેત્રથી શરૂ થઇ હતી.
આદ્યશકિત બહુચર માતાના ભકિતભાવથી દર્શન કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યાત્રામાં ઉપસ્થિત રહેલી વિરાટ જનતા જનાર્દનની શકિતનું અભિવાદન કરી યાત્રાના પ્રારંભ પૂર્વે જણાવ્યું હતું કે કોંગ્રેસ બાર મહિનાથી ગુજરાત ચૂંટણી જીતવા માટે રાત-દિવસ ઊજાગરા કરી રહી છે ત્યારે આ સરકારના દશ વર્ષની ખૂલ્લી કિતાબ જેવાં પ્રજાના કામો અને ચારે તરફ કામોની સુવાસથી જનતાને એવો વિશ્વાસ બેસી ગયો છે કે આ સરકારને ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને અપીલ કરવાની જરૂર જ નથી. આખું હિન્દુસ્તાન અંધકારની લપેટમાં હતું ત્યારે એકમાત્ર ગુજરાત ઝગમગતું રાજ્ય છે. ગઇકાલ સુધી ગુજરાત માટે જોવાની જેમને ફૂરસદ ન હતી તેમને ગુજરાત તરફ જોવું પડે છે. એકબાજુ હિન્દુસ્તાનની કેન્દ્ર સરકાર અને બીજી બાજુ ગુજરાતની ત્રાજવે તુલના થાય છે અને ગુજરાતનું પલ્લું નમતું રહ્યું છે.
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દુનિયા જેને નાઇન ઇલેવન ગણે છે તે ૧૧મી સપ્ટેમ્બર બે રીતે ઐતિહાસિક બની ગઇ છે. ૧૮૯૩માં સ્વામિ વિવેકાનંદે વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવી દીધો અમેરિકાની શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદજી છવાઇ ગયેલા તે પછી સો વર્ષે અમેરિકામાં બિનલાદેનના ૧૧મી સપ્્ટેમ્બરના અમેરિકા ઉપરના આતંકવાદી હુમલાએ ભારતની સંસ્કૃતિ અને બીજાની વિકૃતિની તાકાત પૂરવાર કરી છે. પરંતુ કમનસિબે સ્વામિ વિવેકાનંદના ભારત માતા માટે જે સપનું સેવેલું તેને પુરૂં કરવાની આપણી જવાબદારીની કેન્દ્રની સરકારને પરવા નથી પણ વિવેકાનંદ જેમ મારો પણ વિશ્વાસ છે કે આ દેશની યુવાશકિત ભારત માતાને વિશ્વગુરૂ બનાવશે જ એમ તેમણે જણવ્યું હતું.આ અવાજ છ કરોડ ગુજરાતીઓની સિંહગર્જના છે જે આખું હિન્દુસ્તાન સાંભળવા આતુર છે કારણ ગુજરાતની વિકાસની દિશા હિન્દુસ્તાન અપનાવશે. યુવાનોને સાચું નેતૃત્વ મળે તો વિકાસમાં કેવું સામર્થ્ય મળે તે ગુજરાતે બતાવી દીધું છે. છેલ્લા દશ-બાર વર્ષથી ચારે તરફ ગુજરાતની યુવાશકિતનું નેતૃત્વ દેખાઇ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસના રાજકીય સૂત્ર-ગુજરાતની દિશા અને દશા બદલીએની માર્મિક આલોચના કરતાં જણાવ્યું કે શું ગુજરાતને ભૂતકાળના કોંગ્રેસના શાસને કરેલી બરબાદી, કોમી હુલ્લડો, ભાઇ ભત્રીજા વાદ, ભ્રષ્ટાચાર, હિંસા, સમાજના ભાગલા, વોટબેન્કની રાજનીતિ તરફ ધકેલવું છે? એવો પ્રશ્નનો સીધો સંવાદ જનતા જનાર્દન સમક્ષ કરીને મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ સામે જનતાના આક્રોશને વાચા આપી હતી.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોલસાના ભ્રષ્ટાચારથી કાળું મોં કરનારી કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખી ગઇ છે ગુજરાતને કેન્દ્રના અન્યાય માટે ટીવીમાં આવતી થપ્પ્ડની જાહેરાતથી આખી કોંગ્રેસને તમ્મર આવી ગયા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કોર્ટના આશરે જવાને બદલે ગુજરાતને થતો અન્યાય દૂર કરી દો, અમે થપ્પડ ગાયબ કરી દઇશું. પણ ગુજરાતનો અન્યાય દૂર નથી કરવો-ગુજરાતને પરેશાન કરવું છે. તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું.
કોંગ્રેસ અને સી.બી.આઇ. ગુજરાતની આગામી ચૂંટણી સાથે મળીને લડશે એવી જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીએ દિલ્હીની સલ્તનતને આહવાન આપ્યું કે જૂઠ્ઠાણાની સ્પર્ધાનો રસ્તો અમને મંજૂર નથી. આવો, ગુજરાતની સાથે વિકાસનો મૂકાબલો કરો. મોદીને છાશવારે ભીંસમાં લેવા એસ.આઇ.ટી. રચનારી દિલ્હીની કોંગ્રેસ સરકાર તેના કોલસા-ટુ જીના ભ્રષ્ટાચાર માટે કેમ એસ.આઇ.ટી બનાવતી નથી?
ગુજરાતનો વિકાસ થયો છે તે સામાન્ય માનવીને દેખાય છે તે કોંગ્રેસ જોવા તૈયાર જ નથી તેમ તેમણે ગુજરાતના વિકાસની શ્રેણીબધ્ધ બાબતો દોહરાવતા જણાવ્યું હતું.
આજની કોંગ્રેસ તેમના વિરોધીઓને ગમે તે કારણે યેનકેન પ્રકારે બદનામ કરવા તુલી છે પણ ગુજરાત અન્યાય સાંખી લેશે નહીં. છ કરોડ ગુજરાતીઓ કોઇની ઉપર નિર્ભર નથી. ગુજરાતને આટલું આપ્યું એવી ગુજરાતની ભિખારીની સ્થિતિનું અપમાન ગુજરાતની જનતા સાંખી લેશે નહીં.આજથી ગુજરાત આખું ગુટખા-મૂકત બન્યું છે ત્યારે ગુજરાતને કેન્સર જેવી કોંગ્રેસથી મૂકત કરવા તેમણે સંકલ્પ લેવડાવ્યો હતો.
રાજસભાના વિપક્ષ નેતા અને ગુજરાતના સાંસદ શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દેશ અને આમ આદમી ઉપર બોજ બની ગઇ છે. આખી કેન્દ્રની યુપીએ સરકાર તદૃન લકવાગ્રસ્ત છે. જેના પ્રમુખ નેતાઓ જ ભ્રષ્ટાચારમાં કાનૂની ફંદામાં ફસાયેલા છે તે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સી.બી.આઇ.નો દુરૂપયોગ ગુજરાતના રાજનૈતિક નેતૃત્વ અને ગુજરાતના અધિકારીઓ વિરૂધ્ધ કરી રહી છે પણ કોંગ્રેસ એટલું યાદ રાખે કે કેન્દ્રમાં તેમની સત્તા કાયમની રહેવાની નથી અને દેશના લોકતંત્ર માટે કોંગ્રેસના રાજકીય પેંતરા સંકટ સમાન બની રહ્યા છે તેનો જવાબ આપવો જ પડશે.
દેશની તિજોરીનો પૈસો દેશની જનતાનો છે તેથી કોલસાની ૧૪ર ખાણો અને ટુ-જી સ્પેકટ્રમ, કોમનવેલ્થ જેવા ભ્રષ્ટાચારોમાં બદનામ થયેલી કેન્દ્રની કોંગ્રેસ સરકાર દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપા ચેનનો શ્વાસ લેવાની નથી એવાં સંકલ્પ શ્રી જેટલીજીએ દોહરાવ્યો હતો.
કેન્દ્રની ઘોર નિષ્ફળતા સામે ગુજરાત જેવું રાજ્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વિકાસ અને સુશાસનમાં મોડેલ બની ગયું છે તેની ભૂમિકા શ્રી જેટલીએ આપી હતી. આ ગુજરાતની વિકાસયાત્રાને રોકવા નરેન્દ્રભાઇ મોદી સામે દશ વર્ષમાં કેન્દ્રની કોંગ્રેસે જે હેરાન પરેશાનના અભિયાન ચલાવ્યા છે તે દેશના કોઇ નેતા સામે કયારેય થયા નથી અને દરેક વખતે નરેન્દ્રભાઇ મોદી સોનાની જેમ કસોટીમાંથી ઝળહળતા બહાર આવ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
પૂર્વ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજનાથસિંહે તેમના જોશીલા પ્રવચનમાં ગુજરાતમાં ભાજપાનો ભવ્ય વિજય આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપાના દિલ્હી દિગ્વીજયનો માર્ગ કંડારશે એમ જણાવ્યું હતું.
કેન્દ્રની સરકારના કોંગ્રેસી શાસને ભારતની જનતાના અરમાનોને ચકનાચૂર કરી નાંખ્યા છે એટલું જ નહીં, જન-જનનો વિશ્વાસ દ્રોહ કર્યો છે ત્યારે કેન્દ્રના કોંગ્રેસી સરકારના ભ્રષ્ટાચારો સામે ભાજપા જનતાની પ્રહરીની ભૂમિકા નિભાવે છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર. સી. ફળદુએ ગુજરાતના વિકાસથી આખી દુનિયા પ્રભાવિત છે ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતૃત્વથી રઘવાયા બનેલા કોંગ્રેસીઓ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાજકીય સ્થિરતા અને વિકાસને બરબાદ કરવા જૂઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતની જનતા એનો કરારો જવાબ આપે અને કોંગ્રેસના રાજકારણના ખેલને પરાસ્ત કરે એવી અપીલ શ્રી ફળદુએ કરી હતી.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ભારતીય જનતા પાર્ટીર્ના ગુજરાત શાસનને મોડેલરૂપ ગણાવતાં વિવેકાનંદ યાત્રા ભારત નિર્માણની યુવા સંકલ્પ યાત્રા છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને વિપૂલ યુવાશકિત તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડયા હતા.
Also Read :
Shri Modi's Blog "Embarking on 'Swami Vivekananda Yuva Vikas Yatra’: CM Blogs on 9/11"