પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, 2019નાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રનો પ્રવાસ કરશે અને ત્યાં મહિલા સરપંચોનાં સ્વચ્છ શક્તિ 2019 સંમેલનને સંબોધિત કરશે તથા સ્વચ્છ શક્તિ – 2019નાં પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શનની મુલાકાત પણ લેશે ત્યાર બાદ એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ હરિયાણામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન/શિલાન્યાસ કરશે.
સ્વચ્છ શક્તિ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામીણ મહિલાઓએ કરેલા નેતૃત્વ પર પ્રકાશ ફેંકવાનો છે. આખા દેશની મહિલા સરપંચો અને પંચ આ કાર્યક્રમમાં સામેલ થશે. આ વર્ષ મહિલાઓનાં સશક્તીકરણનાં ઉદ્દેશ સાથે લગભગ 15,000 મહિલાઓ સ્વચ્છ શક્તિ કાર્યક્રમમાં ભાગ લેશે એવી આશા છે.
હરિયાણા સરકાર સાથે જોડાણમાં કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય સ્વચ્છ શક્તિ 2019નું આયોજન કરી રહ્યું છે. સ્વચ્છ ભારત માટે ગ્રામીણ વિસ્તારોમાં પાયાનાં સ્તરે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓને તેમાં મહિલા સરપંચો દ્વારા વહેંચવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારતની ઉપલબ્ધિઓ અને તાજેતરમાં આયોજિત સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શન સામેલ છે, જે વિશ્વમાં પોતાનાં પ્રકારનું એક વિશિષ્ટ અભિયાન છે તથા તેનું પહેલી વાર પ્રદર્શન આયોજિત થઈ રહ્યું છે.
પૃષ્ઠભૂમિ:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ગુજરાતનાં ગાંધીનગરમાં સ્વચ્છ શક્તિ કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહિલા દિવસનાં પ્રસંગે સ્વચ્છ શક્તિનાં નેજા હેઠળ દેશભરમાંથી 6,000 મહિલા સરપંચો આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. પ્રધાનમંત્રીએ તેમને સંબોધિત અને સન્માનિત કરી હતી. બીજુ સ્વચ્છ શક્તિ સંમેલન 2018 ઉત્તરપ્રદેશનાં લખનઉમાં યોજાયું હતું, તેમાં 8,000 મહિલા સરપંચો, 3,000 મહિલા સ્વચ્છાગ્રહી અને દેશભરનાં વિવિધ ક્ષેત્રોમાંથી આવેલી મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્વચ્છ ભારત અભિયાનનાં ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યો માટે આ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. હવે ત્રીજા સ્વચ્છ શક્તિ સંમેલનનું આયોજન કુરુક્ષેત્રમાં થઈ રહ્યું છે.
સ્વચ્છ શક્તિ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ગ્રામીણ મહિલાઓ પાયાનાં સ્તરે સ્વચ્છ ભારત માટે કામ કરી રહી છે અને આ માટે સામુદાયિક ચેતનાનું માધ્યમ બની રહી છે. આ અભિયાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સંચાલિત કામગીરીઓનો એક ભાગ છે. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત 2 ઓક્ટોબર, 2014નાં રોજ કરી હતી. એનો મુખ્ય ઉદ્દેશ 2 ઓક્ટોબર, 2019 સુધીમાં ભારતને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવવાનો અને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનો છે.