સુઝુકી કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ઓકટોબર બેઠકમાં નિર્ણય લેવાશે
મારૂતિ-સુઝુકીનો ઓટોમોબાઇલ્સ પ્રોજેકટ
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીના સૌહાર્દપૂર્ણ અભિગમ અને પારદર્શી નીતિઓની પ્રસંશા
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા જાપાનની વિશ્વખ્યાત સુઝુકી ઓટોમોબાઇલ્સ કાર કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર શ્રી ઓ. સુઝુકી અને ભારતના તેમના સહભાગીદાર મે. મારૂતિ સુઝુકી કંપનીના અધ્યક્ષશ્રી ભાર્ગવે ગુજરાતમાં મારૂતિ સુઝુકી ઓટોમોબાઇલ્સ પ્લાન્ટ સ્થાપવા સંદર્ભમાં વિગતવાર પરામર્શ કર્યો હતો.
ગુજરાતમાં મારૂતિ સુઝુકી ઓટો મેન્યુફેકચરીંગ પ્રોજેકટ સ્થાપવા માટે અગાઉ ત્રણ મહિના પહેલા કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓએ રાજ્યની મૂલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર સાથે પ્રાથમિક ચર્ચાઓ કરી હતી.
આ સંદર્ભમાં જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન આજે મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને ગુજરાતમાં મારૂતિ સુઝુકી ઓટોમોબાઇલ્સ પ્રોજેકટ સ્થાપવા માટે રાજ્ય સરકાર તરફથી મળી રહેલા વિધેયાત્મક સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
સુઝૂકી કંપનીના ચેરમેનશ્રીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સની આગામી બેઠક ઓકટોબર-ર૦૧૧માં મળી રહી છે તેમાં સૂચિત પ્રોજેકટ માટેનો યોગ્ય નિર્ણય લેવાશે એમ જણાવ્યું હતું.
મારૂતિ સુઝુકીના કાર મેન્યુફેકચરીંગ ઓટો પ્રોજેકટ માટે ગુજરાતમાં સ્થળ પસંદગી અંગે શ્રીયુત ઓ. સુઝુકીએ કંપની-બોર્ડની બેઠક સંપન્ન થયા પછી વિગતો જાહેર કરાશે એમ જણાવ્યું હતું.
શ્રીયુત ઓ. સુઝુકીએ મુખ્યમંત્રીશ્રી સાથેની આજની તેમની આ પ્રથમવાર થયેલી બેઠકને અત્યંત સૌહાર્દપૂર્ણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સતત ગતિશીલતા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારની પારદર્શી નીતિઓ અને સુશાસનની સફળતાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ઓટોમોબાઇલ્સ સેકટરમાં ગ્લોબલ હબ બની રહ્યું છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ બેઠકમાં ભારતમાં મારૂતિ ઓટો કંપનીના ચેરમેનશ્રી, મારૂતિ સુઝુકીના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ ઉપરાંત ઉઘોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, નાણાં અધિક મુખ્ય સચિવશ્રી એમ. શ્રીવાસ્તવ, ઉઘોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન અને સચિવશ્રી એ. કે. શર્મા તથા દિલ્હીમાં ગુજરાત સરકારના નિવાસી આયુકતશ્રી ભરતલાલ ઉપસ્થિત રહ્યા હતા.